? લાખો ફુલાણી –
? બાળક મુળરાજ અને લીલાદેવીને અણહિલપુરમાં મુકી અને બીજ અને રાજ દ્વારિકાની યાત્રાએ જવા રવાના થાય છે. ચાલતા ચાલતા બંને આટકોટના પાદરમાં આવી પહોંચે છે. આટકોટ પર કચ્છના લક્ષરાજ જાડેજા [ લાખા ફુલાણી ]નું રાજ તપતું હતું. પોતાના પિતા ફુલ જાડેજા સાથે થયેલા અણબનાવને કારણે લાખો સોરઠમાં ઉતર્યો હતો અને ભાદરને કાંઠે આટકોટનો કિલ્લો બાંધી ત્યાં પોતે રાજ સ્થાપ્યું હતું.
? કચ્છનો જાડેજાવંશી લાખો ફુલાણી રણકુશળ જોધ્ધો હતો. અતુલ્ય બાહુબળ એનામાં સમાયેલું હતું. વળી,એવું કહેવાય છે કે સોરઠ-કાઠિયાવાડમાં સૌપ્રથમ બાજરી લાખો ફુલાણી લાવેલો. પૂર્વના કોઇ પ્રદેશ પર ચડાઇ કરી અને જીત મેળલેવી તે વખતે ત્યાં થતો આ પાક લાખો પોતાને વતન લાવેલો….!
? બીજ અને રાજ આટકોટના પાદરમાં વિશ્રામ લેવા બેઠાં. અંધ બીજ સોલંકી અશ્વવિદ્યાનો ઉત્તમ જાણકાર છે એવી વાત વાયુવેગે બધુ જગ્યાએ પ્રસરી ચુકી હતી. લાખા ફુલાણીના અત્યંત ચતુર અને માનીતા “પાંખપસર” નામના ઘોડાને હમણાં હમણાં શું થઇ ગયેલું તે પોતાનો પાછલો પગ જમીન પર માંડતો જ નહોતો અને કાયમ એ પગ અધ્ધર રાખતો….! ઘણા શાલીહોત્રના જાણકારને બોલાવવા છતાં કોઇ ફેર નહોતો પડ્યો. આખરે લાખો બીજ સોલંકીને પોતાનો ઘોડો બતાવે છે. બીજ ઘોડા પર હાથ ફેરવીને કહે છે કે, ઘોડાને સ્વપ્ન ઘા થયો છે. તેને સ્વપ્ન આવેલ છે કે લડાઇમાં લડતાં લડતાં એનો એક પગ ઘવાણો છે અને એ ભ્રમમાં એ પગ ઊંચો રાખે છે….! માટે નોબત ગગડાવો, સૈન્યને કુચ કરાવો, યુધ્ધમાં જવાનું હોય એવું વાતાવરણ ઊભું કરો….!
? બીજના કહેવા પ્રમાણે આકાશે ધુળના ગોટા ઉડે એવી સૈન્ય પરેડ નીકળી, નગારે ઘાવ દેવાયા અને હાકોંટા થયાં. અને તરત જ ઘોડાએ ધીંગાણામાં જવાની ઉતાવળ હોય તેમ ઝોટ મારી ડફ દેતાંકને પગ હેઠો મુકી દીધો….!
? આથી ખુશ થઇ લાખો પોતાની બહેન રાંયાજીને બીજ સોલંકી સાથે પરણાવવા કહે છે. પણ બીજ ના પાડે છે અને પોતાના ભાઇ રાજ સોલંકી સાથે પરણાવવાનું કહે છે. આખરે રાજ સોલંકી સાથે રાંયાજીના લગ્ન થાય છે. રાજ આટકોટમાં રહેશે અને બીજ હરીના નામ લેતો એકલો દ્વારિકા જવા રવાના થાય છે.
? દિવસો વીતે છે અને રાંયાજીને ગર્ભ રહે છે. આટકોટના મહેલમાં સાળો બનેવી એક દિવસ શતરંજની રમત રમતા બેઠા છે. એમાં લાખાની એક કાંકરીને ઘણી મહેનત પછી બીજ ઉડાડી દે છે ને બોલે છે, મારા સાળાની ક્યારની પજવતીતી….! લાખો આ વેણ સાંભળે છે.પોતાની બહેન રાંયાજી પર અજાણતા બોલાયેલા વેણ એને આકરા લાગે છે અને લાખો કહે છે કે, તું મારે આશરે છે બાકી ક્યારનું તારું માથું ઉડી જાત….! આથી બીજને લાગે છે કે આને આશરે છું એટલે જ બોલ્યો ને…..! એ જ વખતે રાજ આટકોટ છોડી દેશે અને અણહિલપુર મુળરાજ પાસે જતો રહે છે, ગર્ભવતી રાંયાજીને એકલી છોડીને…..!
? દિવસો વીતે છે.આખરે લાખા ફુલાણીથી બહેન રાંયાજીનું દુ:ખ જોવાતું નથી. તે પોતે રાજને ખોટું સંભળાવ્યું એનો પારાવર અફસોસ કરે છે. જો કે,ખરો વાંક તો એનો હતો જ નહિ….! એક દિવસ લાખો એકલો અણહિલપુર તરફ જાય છે. રાજને મનાવવા માટે….!
? લાખો અણહિલપુર આવે છે. એમ તો રાજની સાથે મુલાકાત શક્ય જ નો’તી એટલે સાંજની વેળા લાખો અણહિલપુરનું ગોધણ વાળીને જાય છે. એનો વિચાર હતો કે,આ સમાચાર મળતા રાજ લડવા માટે આવશે અને એ વખતે હું તેને મનાવી લઇશ….!
? અણહિલપુરમાં રાજ સોલંકીને કાને આ વાત પડે છે. તેની રગેરગમાં ખુન્નસ વ્યાપી જાય છે. ઉઘાડી તલવારે તે લાખા ફુલાણીની પાછળ જાય છે. દુર પાદરમાં લાખો ઊભો છે, રાજની વાટ જોતો….! પણ રાજ આજ મારવા મરવાના જ મુડમાં છે. લાખો દુરથી તેને ફરી આટકોટ આવવા કહે છે. હવે ફરી કદી અણબનાવ નહિ થાય તેની ખાતરી અપાવે છે. પણ બીજ એની એક પણ સાંભળતો નથી અને “માટી થજે”નો લલકાર ફેંકે છે.ત્વરિત આવીને તે લાખા પર તલવારનો વાર કરે છે, લાખો વાર ચુકાવવા પોતાની તલવાર આડી ધરે છે.અને એ તલવાર સીધી જઇને રાજનું મસ્તક વીંધી નાખે છે. રાજ સોલંકી અણહિલપુરના પાદરમાં મૃત્યુ પામે છે. લાખો એના માથાં પર બેસીને ઝાડ રોવરાવે એવું રૂદન કરે છે.એને પારાવાર દુ:ખ થાય છે.
[ ક્રમશ: ]
[ અનુસંધાન આગળના ભાગમાં….. ]
– Kaushal Barad.
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 1
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 2
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 3
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 4
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 5
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 6
જો તમે આવીજ અન્ય માહિતી જેમકે સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો.