? વાઘણને ધાવનાર મુળરાજ સોલંકી –
આ બાજુ અણહિલપુરની ગાદીએ ચાવડાવંશનો છેલ્લો દીપક સામંતસિંહ ચાવડો ઝાંખો ઝાંખો બળતો હતો એ વખતે વનરાજના પિતા જયશિખરીને હરવનાર કલ્યાણીના રાજા ભુવડ સોલંકીની ચોથી પેઢીએ ભુવનાદિત્ય નામે રાજા શાસન કરતો. તેને ત્રણ પુત્રો હતાં – બીજ સોલંકી, રાજ સોલંકી અને દંડક સોલંકી. બીજ સોલંકી અંધ હતો અને અશ્વવિદ્યાનો ગજબનો નિષ્ણાત હતો. જ્યારે રાજ સોલંકી અત્યંત બાહોશ અને પરાક્રમી શુરવીર હતો.
વાત એવી છે કે, એક વખત બીજ અને રાજ કલ્યાણીથી સાધુવેશે ગુજરાતની યાત્રાએ આવ્યાં. એવું કહેવાય છે કે,તેઓ દ્વારિકા જતાં હતાં ત્યારે રસ્તામાં તેઓ અણહિલપુરના પાદરમાં સરસ્વતીને કિનારે વીસામો લેવા બેઠાં. ત્યારે સામંતસિંહનો અશ્વપાલક એક ઘોડીને પાણી પાવા નદીએ આવ્યો હોય છે, જે ઘોડી પાણી ન પીતા તેના પેટમાં ચાબુક ફટકારે છે. આ સાંભળીને અંધ બીજ કહે છે કે,આણે ઘોડીના પેટમાં રહેવા પંચકલ્યાણી વછેરાની એક આંખ ફોડી નાખી છે !
આ વાત અશ્વપાલક સામંતસિંહને કહે છે. બંને સાધુવેશે આવેલા મુસાફરોને રાજદરબારમાં આવવાનું ફરમાન છુટે છે. સામંતસિંહ બીજને કહે છે કે,તે કહ્યું એ વાત સાચી છે ? બીજ હા પાડે છે. અને પરિણામે હોડ લાગે છે કે, ઘોડી વિયાણે ત્યાં સુધી બંનેએ અહિં જ રહેવું. જો ઘોડીને બીજે કહ્યું તે પ્રમાણે વછેરું એક આંખે બાંડુ જન્મે તો સામંતસિંહ પોતાની બહેન લીલાદેવીને બીજ સાથે પરણાવે અને જો બીજે ભાખેલું વિધાન ખોટું પડે તો બીજનું માથું ડુલ !
આખરે ઘોડી એક આંખે અંધ વછેરાને જન્મ આપે છે અને બીજનું વિધાન એકદમ સચોટ રીતે પાર પડે છે ! આથી સામંતસિંહ અંધ બીજ સાથે પોતાની બહેન લીલાદેવીને પરણાવાની વાત કરે છે પણ બીજ ના પાડે છે અને બદલામાં પોતાના ભાઇ રાજ સોલંકી સાથે તેમના લગ્ન કરવાનું કહે છે. રાજ ખરેખર સિંહપુરુષ જેવો દેખાતો. લીલાદેવીના લગ્ન રાજ સોલંકી સાથે થાય છે.
આમ,દિવસો વીતે છે. લીલાદેવીને ગર્ભ રહે છે. અંતે નવ મહિને લીલાદેવી એક અત્યંત જાજવલ્યમાન દેખાતા સ્વરૂપવાન બાળકને જન્મ આપે છે. પણ એવું કહેવાય છે કે, તે વખતે જોશી મુળરાજના જોષ જોવામાં તેમના જન્મનો ખોટો સમય માંડે છે. પરિણામે, મુળરાજના જીવનના ભવિષ્યનું આખું ચક્ર ફરી જાય છે ! જોષી ભાખે છે કે,બાળકનુ મુખ જોવાથી એના પિતાનું મૃત્યુ થશે !
આથી ભયભીત થયેલ લીલાદેવી દાસીને બાળકને જંગલમાં નાખી આવવાનો આદેશ આપે છે. અને દરબારમાં જણાવે છે કે, રાણીને મરેલું બાળક અવતર્યું ! દાસી જંગલમાં જાય છે અને એક ગુફામાં બાળકને મુકીને આવતી રહે છે.
હવે એ ગુફામાં એક તાજી વિયાણેલી વાઘણ પોતાના બે બચ્ચાને મુકીને શિકારની શોધમાં ગઇ હોય છે ! તે પાછી આવે ત્યારે એક નવા જીવને પોતાના બચ્ચાં ભેગો રમતો જુએ છે ! નાના બાળકને જોઇ વાઘણને હેત ઉપજે છે. અને અંતે બે વાઘ બચ્ચાં સાથે આ માનવબાળ પણ વાઘણને ધાવવા લાગે છે !!
સવારમાં વાઘણ શિકારે ગઇ હોય એ વખતે ઢોર ચરાવનાર ભરવાડો ત્યાં આવી ચડે છે અને આ કૌતુક જુએ છે. તે બાળકને ઉપાડીને રાજદરબારમાં લાવે છે. દરબારમાં ચહલપહલ મચી જાય છે. આ બાળક કોનું ? અંતે આ કોયડો બીજ સોલંકીને સોંપવામાં આવે છે. અંધ બીજ સોલંકી બાળકને છાતીએ લગાડતાવેંત જ કહી દે છે કે, આ મારા સોલંકી કુળનો જ દિપક છે !!
રાણીવાસમાં પુછાવવામાં આવે છે. દાસીને પુછવામાં આવે છે. અંતે કડક પુછતાછથી બધો ખુલાસો મળે છે અને એવું પણ સાબિત થાય છે કે, જોષીએ જોષ ભાખવામાં બાળકનો જન્મ સમય ખોટો લખ્યો હતો.
આ બાળકનું નામ પડે છે – “મુળરાજ સોલંકી” ! જે પોતાના બચપણમાં જ વાઘણને ધાવ્યો હતો ! આગળ જતાં તે ગુર્જર પ્રદેશનો રાજાધિરાજ બનવાનો હતો અને તેના લક્ષણ પારણાંમાંથી જ જણાઇ ચુક્યા હતાં !
આ બાજુ બીજ અને રાજ સોલંકી લીલાદેવી અને મુળરાજને અણહિલપુરમાં રહેવા દઇને પોતાની યાત્રા માટે આગળ વધે છે. એ સાથે જ વિધાત્રી પણ એના નસીબના રસ્તે આગળ વધે છે ! આગળ એક એવો બનાવ તેમની રાહ જોઇને ઊભો હતો જેની બંનેમાંથી એકેયને કલ્પના પણ નહોતી !
[ ક્રમશ : ]
[ વધુ આગળના ભાગમાં….. ]
– Kaushal Barad.
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 1
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 2
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 3
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 4
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 5
જો તમે આવીજ અન્ય માહિતી જેમકે સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો.