ભીમદેવ સોલંકીની સિંધ પર ચડાઇ –
ગઝનીના ગયાં પછી ભીમદેવ સોલંકીએ સોમનાથ મંદિરને ફરી ભવ્યાતિભવ્ય રૂપ આપ્યું. ફરી એકવાર ભીમ બાણાવળીની યશ કીર્તિ ગુજરાતમાં ડંકો દેવા લાગી. એ વખતે સિંધનો રાજા હમ્મુક [ હમીર સુમરો ] ભીમદેવની ટીકાઓ કરતો રહેતો. તેણે ઘણાં રાજાઓને હરાવ્યા હતાં અને કહેતો રહેતો કે,ભીમદેવ અહીં આવે તો જોઇ લઉં….!
આ હમ્મીર સુમરો ( બીજો ) હોવાનું કહેવાય છે. જ્યારે રા’નવઘણની બહેન જાહલ પર નજર નાખનાર હમીર સુમરો ( પ્રથમ ) હોવાનું મનાય છે. જો કે,બંનેનો સમયગાળો સરખો જ છે. હમીર બીજાએ ઘણાં રાજાઓને હરાવીને પોતાના અભેદ કિલ્લામાં આવી જતો જ્યાં તેને કોઇ હરાવવાને શક્તિમાન નહોતું. અરે ! કોઇ ત્યાં પહોંચી શકે તો પણ ભયોભયો….! પંજાબ નજીકના સિંધપ્રાંતમાં તે રહેતો જ્યાં પાંચ નદીઓ ભેગી થતી એવી જગ્યાએ તે રહેતો. જળની વચ્ચોવચ્ચની એક જગ્યામાં તેનો કિલ્લો હતો. જે “જલદુર્ગ” કહેવાતો.
ભીમદેવે સુમરાને રોળી નાખવા સિંધ પર ચડાઇ કરી. એમના મહામંત્રી દામોદર મહેતાએ આ માટે અત્યંત વ્યુહાત્મક રણનીતીઓ ઘડી હતી. તેમણે ઝેરીલા સર્પોની કેટલીય ટોકરીઓ ભરાવેલી અને સાથે રાખેલી….! જેનો તેમણે એક ભયાનક હથિયાર તરીકે ઉપયોગ કર્યો હતો. દામોદર મહેતા જેવો પ્રખર બુધ્ધિમાન પ્રધાન ગુજરાતને બીજો મળ્યો નથી.
કચ્છના કીર્તિગઢના રાજવી કેસર મકવાણા કે જે ભીમદેવના મહારાણી ઉદયમતીની બહેનના પતિ હતાં તેમણે આ અગાઉ હમ્મીર સુમરાનું “નાક વેંત ભરીને વાઢ્યું હતું….!” એ. સાંઢડી પર સવાર થઇને રણપ્રદેશને ખુંદતો આ વીરલો એકલો સુમરાના ગઢ સુધી પહોંચેલો અને રાતના અંધારામાં એક સાંઢનું લોહી લીધેલું જેની ગંધ ભોળવાતી સુમરાની પાંચસો સાંઢો કેસર મકવાણાની સાંઢની પાછળ દોડતી આવી અને આ યોધ્ધો એકહારે પાંચસો સાંઢોને લઇ આવેલો….!
પાટણપતી મહારાજા ભીમદેવે સિંધ પર કુચ કરી. નદીઓના જળપ્રદેશ પર પહાડોના પથ્થરો, લાકડાં, ડાળીઓ જે હાથ આવ્યું એના વડે પુલ બાંધ્યો. પુલ બનતા જ નદીનો પ્રવાહ ફંટાય ગયો. અને સેનાએ સુમરાના જલદુર્ગને રોળી નાખ્યો.
પછી ગુજરાતની સેનાએ સુમરાની ફોજ સામે જંગ માંડ્યો. અને જેમ નાળિયેર વધેરાય એમ હમીરની સેના વધેરાવા માંડી. અત્યંત જોરાવર આક્રમણ સામે હમીરનું કાંઇ ના ચાલ્યું. તે હારી ગયો અને તેમને બંદી બનાવવામાં આવ્યો. સુમરાની આબરૂના અને તેના અભેદ જલદુર્ગના ખરેખરા “ધજાગરા” ઊડી ગયાં. સુમરાએ ભીમદેવ પાસે નતમસ્તક માફી માંગી. ભીમદેવે તેને જીવતદાન આપ્યું અને ગુજરાતનું લશ્કર સિંધ પર વિજયપતાકા લહેરાવી પાછું ફર્યું.
એક મહાન વિજય પ્રાપ્ત કરીને લશ્કર પાછું ફર્યું. અણહિલવાપુરમાં પોતાનું ભવ્ય સ્વાગત થશે, ફુલોનો વરસાદ થશે અને સ્વરૂપવાન સુંદરીઓ પોતાના પરાક્રમથી અંજાઇ જશે એવા ઉન્માદમાં પાટણપતિની સેનાનો દરેક યોધ્ધો રાસતો હતો. સેના પાટણ આવી પણ આજે પાટણમાં એ નૂર કેમ નથી દેખાતું….? સદાયને માટે સરસ્વતીને કાંઠે કિલકિલાટ કરતી આ નગરી આજે સુની કેમ ભાસે ? હંમેશા માટે દેદિપ્યમાન અને જેની કીર્તિ ભારતભરમાં ગવાતી એવી મહાન નગરીની ભવ્યતા આજે ઝાંખી કાં લાગે….? દુરથી અણહિલપુરનો આ નજારો જોતાં ભીમદેવ, દામોદર મહેતા સહિત બધાંના મનમાં ભયની લહેરખીઓ ઉત્પન્ન થઇ રહી. આજે આમ કેમ….!
[ ક્રમશ : ]
[ વધુ આગળના ભાગમાં…… ]
– Kaushal Barad.
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 8
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 9
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 10
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 11
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 12
જો તમે આવીજ અન્ય માહિતી જેમકે સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો.