ગુજરાતનો ઇતિહાસ । અણહિલવાડ થી ગાંધીનગર ભાગ- 12

ગઝનીનું સોમનાથ પર આક્રમણ –

દુર્લભસેન પછી એના ભાઇ નાગરાજનો પુત્ર ભીમદેવ સોલંકી ઉર્ફે “ભીમ બાણાવળી” ઇ.સ.૧૦૨૨માં ગાદી પર આવ્યો. એ મુળરાજ પછીના રાજાઓમાંનો સૌથી મહાન રાજવી હતો. એની સૈન્યશક્તિ, રાજરીત અને કુશળતા ખરેખર વખાણવા લાયક હતી. તેમની તાકાત તેમના મંત્રીમંડળમાં પણ હતી. દામોદર મહેતા જેવો મહાન સંધિવિગ્રાહક નાગર મંત્રી હતો અને વિમલશાહ જેવો દંડનાયક હતો. દામોદર મહેતા ખરેખર ગુજરાતનો ચાણ્કય કહી શકાય એવો હતો.અને આને પ્રતાપે ભીમદેવની શક્તિ અનેક ગણી વધુ હતી.

તેમની પત્ની મહારાણી ઉદયમતી જુનાગઢના રા’ની બહેન હતી. માટે જુનાગઢ સાથે ભીમદેવને તો સબંધ સારો જ હતો. ઉદયમતીની બીજી બહેન કચ્છના રાજવી કેસર મકવાણાની પત્ની હતી.

પણ ભીમદેવના માથે સદાય કાળી ટીલી જેવું કલંક લાગ્યું એ હતું – સોમનાથના મંદિર પર ગઝનીના મહેમુદનું આક્રમણ….! સોમનાથ ત્યારે એક મહાન સાંસ્કૃતિક વિરાસત સમાન ઊભું હતું. એની લાલરંગની ભગવી ધજા દુર સુધી જમીન અને સમુદ્ર પર પોતાની કીર્તિ ફેલાવતી ફરકતી હતી. એ વખતે સોમનાથ મંદિરની ભવ્યતા અમાપ હતી, એની પાસે રહેલ ખજાનાનું ભંડોળ ખરેખર અસીમિત હતું….!

સોમનાથને આજુબાજુના ૨,૦૦૦ ગામની આવક હતી….! એના પટાંગણમાં હજારો નૃત્યાંગનાઓ નૃત્ય કરતી – સદાયને માટે….! દર્શનાર્થે આવતા ભાવિકોના મુંડન માટે ૩૦૦૦ તો વાળંદો હતાં. કાયમ નિયમિત ભગવાન શિવના બાણ [શિવલિંગ] પર ગંગાજળનો અભિષેક થતો. અને એ માટે છેક ગંગા નદીનું નીર લવાતું. કાવડીયાઓની હારોની હારો સતત જતી-આવતી રહેતી….! સોમનાથનો ખજાનો ખરેખર અગણિત હતો અને આ વાત ઇતિહાસકારોએ પણ માની છે. સોમનાથ મંદિરની આવી મહાન ભવ્યતાનું વર્ણન મહમદ ગઝની સાથે આવેલા ઇતિહાસકાર અલ બિરુનીએ કર્યું છે.

Gujarat no itihas 12

ગઝનીના મહેમુદે પહેલ વહેલાં સોમનાથ વિશે સાંભળ્યુ ત્યારે એનો અર્થ સમજી શકે એટલી એની ઉંમર નહોતી. અલબત્ત,પછી ભાગ્યની રેખા પલટી અને એનો બાપ સબકતગીન આજના અફઘાનિસ્તાનના ગઝનીનો રાજા બન્યો. એ પછી પોતાના ભાઇને જેલમાં નાખીને મહેમુદે ગઝનીની સત્તા સંભાળી અને પાડોશી ભારત પર તેની ખુની નજર ફરી રહી. ભારતના ધર્મનો અને પ્રજાનો નાશ કરવા તેણે ભારત પર છેક મથુરા સુધી ૧૭ વાર આક્રમણો કર્યા….! અઢળક ધન-સંપત્તિ હાંસલ કરી. એની સેના સમંદર જેવી વિશાળ હતી અને એની શિસ્તતા તો ખરેખર અદ્ભુત હતી. એમની રણકુશળતા પણ ખરેખર અજબ પ્રકારની હતી. તે એક ધર્મઝનુની આક્રમણકારી હતો પણ એની સૈન્યશક્તિ અને કુશળતા વિશે સત્યવાત લખવી જ પડે….!

સોમનાથ મંદિરની ભવ્ય યશગાથા વિશે સાંભળ્યા પછી તેણે સોમનાથ પર કુચ કરી. અમાપ સૈન્ય સહિત….! હજારોની સંખ્યામાં પાયદળ અને એટલા જ ઊંટો હતાં. તેમને ખબર હતી કે રાજસ્થાનનો રણપ્રદેશ ઓળંગવો એટલો આસાન નથી….! તેણે મુલતાનને રોળ્યુ, અજમેરને હરાવ્યુ અને રાજસ્થાનનો આખો પ્રદેશ વટાવી અને આબુ પહોંચ્યો. આ ધર્મજનુની હેમખેમ રીતે આખો મહાભયંકર “રાજપૂતાના”નો મુલક ઓળંગી ગયો….! રાજપૂતો એ સમયે અંદરો-અંદરના ડખ્ખામાંથી નવરા નહોતા….! આબુ પછી તે ગુજરાતની રાજધાની એવા વીર વનરાજના અણહિલપુરમાં પહોંચ્યો. પણ ભીમદેવ સોલંકી ત્યાં નહોતો….!

ભીમદેવને ખ્યાલ હતો કે ગઝનીના આવા વિશાળ સૈન્ય સામે કોઇ રીતે પહોંચાય એમ હતું નહિ માટે તે કચ્છના કંથકોટના કિલ્લામાં ગયો અને મહેમુદ પાછો આવે ત્યારે તેને લડત આપવાનું નક્કી કર્યું. એ કિલ્લો કે જ્યાં વર્ષો પૂર્વે અજમેર અને સેનાપતિ બારપના ડરથી મુળરાજ સોલંકી ભરાણો હતો….!

ગઝની સોમનાથ આવ્યો. હરામ બરાબર મંદિરની આસપાસ જેવો તેવો પણ કિલ્લો નહોતો….!આ અમાપ ધનસંપત્તિ ધરાવતા મંદિરનું રક્ષણ કરવા કોઇ નહોતું ઊભું….! હતાં તો સ્ત્રીઓ, છોકરા અને મંદિરના પૂજારી બ્રાહ્મણો….! તેમણે ગઝનીને બધો ખજાનો આપવાની તૈયારી દાખવી પણ ના એ હલકટ પિશાચ એમ થોડો માને એમ હતો….! એને તો નષ્ટ કરવું હતું સોમનાથનું દેદિપ્યમાન મંદિર, એને રોળવા હતા ત્યાંના રહિશો અને મુળે તો એને હિન્દુ ધર્મ જ ભાંગવો હતો….! એ ધનલાલચુ જ નહિ, ધર્મઝનુની પણ હતો. અને એણે સોમનાથ રોળ્યું. હજારો લાચાર અને નિર્દોષ માનવીઓને કાપી નાખ્યા. એના શબો પર થઇ તે ગર્ભગૃહમાં ગયો અને ભગવાન શિવનું “શિવલિંગ” ભાગ્યું, એના કટકા કરી નાખ્યા. સોનાની અને ઘણા બધા ઘંટથી યુક્ત, કેટલાય મણના વજનવાળી સાંકળ લઇ લીધી. સુખડના અત્યંત કિંમતી દરવાજા લૂંટી લીધાં. અમાપ દ્રવ્ય લુંટ્યું, આજે જેની ગણતરી પણ ન થઇ શકે….! અને શિંવલિંગના ટુકડા ગઝનીની જામા મસ્જિદના પગથિયામાં જડી દીધાં….! તેણે બધાં જ ઊંટો પર દ્રવ્ય ભર્યું. તે તુર્કીના સૈનિકોને પણ “ભાડે” લાવેલો. અને આખા સોમનાથને રોળીને તે નીકળ્યો. એ દિવસ હતો ૨૬ જાન્યુઆરી,૧૦૨૬નો.

ભીમદેવ કંથકોટમાં હાથ ઘસતો રહી ગયો. કારણ ગઝની એ રસ્તે ગયો જ નહિ….! જો કે, તે અફઘાન પહોંચ્યો ત્યારે એ ધન વાપરવા માટે ઝાઝાં સૈનિકો બચ્યાં નહિ….! એની અડધાં ઉપરાંતની સેના રાજસ્થાનના રણમાં પાણી….પાણી….પોકારતી મરી ગઇ. ગઝની પહોંચી પોતે પણ થોડા વર્ષમાં ફેંફસાની બિમારીથી મૃત્યુ પામ્યો.[ અમુકના કહેવા પ્રમાણે સોમનાથમાં ભીમદેવે ગરજનનો સામનો કરેલ અને પાછળ પડીને હેરાન પણ કરેલ,પણ એ તથ્યો વિશે માની શકાય એમ છે નહિ. ]

મહેમુદના ગયાં પછી ભીમદેવ ફરીથી સોમનાથને બેઠું કર્યું. એની સકલ ફરીથી ભવ્ય બનાવી. આમેય ગઝનવીના મહેમુદ જેવાં ધર્મઝનુનીઓની ધર્મ નષ્ટ કરવાની મુરાદો ક્યારેય પાર પડી શકી નથી….! જય સોમનાથ !

– Kaushal Barad.

[ ક્રમશ : ]

[ વધુ આગળના ભાગમાં…… ]

ગુજરાતનો ઇતિહાસ ભાગ- 7
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 8
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 9
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 10
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 11

જો તમે આવીજ અન્ય માહિતી જેમકે સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો.

error: Content is protected !!