ગુજરાતનો ઇતિહાસ । અણહિલવાડ થી ગાંધીનગર ભાગ- 11

? ચામુંડરાજના વારસદારો –

? મુળરાજ સોલંકી ૯૯૭માં મૃત્યુ પામ્યો એ પછી એના પુત્ર ચામુંડરાજે રાજ્ય ચલાવ્યું. એને ત્રણ પુત્રો હતાં – વલ્લભસેન, દુર્લભસેન અને નાગરાજ.ચામુંડ ઘરડે ઘડપણ પોતાનું રાજ મોટા દિકરા વલ્લભસેનને સોંપી અને પાપોનું પ્રાયશ્વિત કરવા કાશી ગયો. વલ્લભસેન ભલો અને પરાક્રમી રાજવી હતો. ખોટા કપટોમાં પડવા કરતાં તેને શાંતિ વધુ પસંદ હતી. અને યોગ્ય રીતે અણહિલવાડનું રાજ્ય ચલાવતો હતો.

? હવે બન્યું એવું કે,ચામુંડરાજ કાશી જતાં માળવા થઇને નીકળ્યો. માળવામાં એ વખતે મુંજરાજના ભાઇ સિંધુરાજનું શાસન હતું. [સિંધુરાજનો સમયગાળો : ૯૯૭ થી ૧૦૧૦] તેણે ચામુંડરાજના રાજચિહ્નો ઉતારી લીધાં અને આમ તેનું અપમાન કર્યું. ચામુંડ ચાલ્યો ગયો.

? કાશીથી અણહિલપુર આવીને તેણે વલ્લભસેનને આ વાત કરી. વલ્લભની ભ્રકૃટી ખેંચાણી. માળવાને રોળી નાખવાને તેણે સેના તૈયાર કરી અને બાણું લાખ માળવાના ધણી કહેવાતા સિંધુરાજ પર ચડાઇ કરવાને ધસ્યો. પણ વિધિની વક્રતા કે રસ્તામાં જ તેને શિતળાનો ભયંકર રોગ નીકળ્યો. ઘણાં વૈદોને બોલાવવા છતાં કોઇ ઇલાજ ન થયો. આખરે બહુ જ નાની ઉંમરમાં અણહિલપુરનો ધણી જન્મભુમિથી દુર સ્વર્ગમાં સિધાવી ગયો. સેના નિરાશ થઇને કલ્પાંત કરતી પાછી આવી. ચામુંડ માટે આ ઘા આકરો હતો. પોતાના પુત્રને ચડાઇ કરવા કહેવાનો હવે તેને પારાવાર અફસોસ થવા લાગ્યો. એ આક્રંદ કરવા લાગ્યો. વલ્લભસેન અતિ નાની ઉંમરમાં, ભરજુવાનીમાં આ ફાની દુનિયા છોડીને ચાલ્યો ગયો.

? ચામુંડરાજને હવે દુનિયામાં રસ ના રહ્યો. તે વચેટ પુત્ર દુર્લભસેનને રાજ્ય સોંપી ભરુચ નજીક નર્મદા કિનારે આવેલા શુક્લતીર્થમાં જતો રહ્યો. આ પવિત્ર સ્થળે પાપોનું પ્રાયશ્વિત કરવા એક તેરસો વર્ષ પહેલાં પ્રખર જ્ઞાની વિષ્ણુગુપ્ત ચાણક્ય અને મહારાજ ચંદ્રગુપ્ત મૌર્ય પધાર્યા હતાં….! ચામુંડ ત્યાં જ દેવલોક પામ્યો.

? દુર્લભસેન એના બાપ ચામુંડ કરતા સવાયો ગણી શકાય એવો પરાક્રમી રાજવી હતો. તેણે પ્રજામાટે થઇને પણ ઘણાં કામ કર્યાં હતાં. દુર્લભસેનની વિરતાને જોઇને લગભગ બધાં અણહિલપુર જીતવા ટાંપીને બેઠેલા રાજાઓએ હવે અણહિલપુર હાથમાં આવે એવી આશા છોડી દીધી. તેના જૈન ગુરુને લીધે તેણે શાંતિને અનુરૂપ કામો પણ કરેલા અને પ્રજામાં શાંતિ સ્થાપનાનો સંદેશ ફેલાવેલો. પાટણમાં તેણે “દુર્લભ સરોવર” બંધાવેલું, જે પાછળથી સિધ્ધરાજ જયસિંહે તેની સકલ ફેરવી નાખતા “સહસ્ત્રલિંગ તળાવ” તરીકે પ્રસિધ્ધ થયું.

? તેણે પોતાની બહેનનો સ્વયંવર યોજેલો, જેમાં તે મારવાડના રાજા મહેન્દ્રને પરણી હતી અને મહેન્દ્રની બહેન દુર્લભદેવીના વિવાહ દુર્લભસેન સાથે થયેલા. મહેન્દ્રની બીજી એક નાની બહેન “લક્ષ્મી” દુર્લભના નાના ભાઇ નાગરાજ સોલંકીને પરણી હતી. દુર્લભદેવી દુર્લભસેનને પરણવાથી તેને પરણવાની ઉમેદ કરનારા ઘણાં રાજવીઓ સાથે દુર્લભને વેર બંધાયેલું. પણ કહેવાય છે કે દુર્લભે તે બધાંને ઠેકાણે પાડી દીધાં.

? દુર્લભસેને સોરઠ-જુનાગઢના રાજા રા’ડિયાસને હરવ્યો હતો. કહેવાય છે કે,અણહિલપુરના રાજઘરાનાની મહિલાઓ જુનાગઢના દામોદર કુંડમાં નહાવા જતાં ડિયાસે તેની પાસેથી કરની માંગણી કરી હતી. આથી રોષે ભરાઇને દુર્લભે જુનાગઢ પર ચડાઇ કરી ડિયાસને રોળ્યો હતો. આ રા’ડિયાસને પછી રા’નવઘણ નામે પ્રસિધ્ધ રાજવી જન્મયો હતો જેણે સોલંકીઓને ખદેડીને સમગ્ર સોરઠ પર એકચક્રી રાજ સ્થાપ્યું હતું.

? દુર્લભસેનને પુત્ર નહોતો અને વલ્લભસેન તો નાની ઉંમરમાં જ દેવ થવાથી એને પણ સંતાન નહોતું. આથી હવે પછી રાજગાદી કોણ સંભાળે એ પ્રશ્ન હતો. એવામાં નાગરાજને ત્યાં પુત્ર જન્મ થયો અને પુત્રનું નામ રાખ્યું – ભીમદેવ સોલંકી ! જે આગળ જતાં સોલંકી વંશનો મહાન રાજવી બનવાને સર્જાયો હતો….!

? ભીમ થોડો મોટો થતાં જ દુર્લભસેને અને નાગરાજે તેને ગાદી સોંપવાનું વિચાર્યું અને પોતે હવે રાજકારભારમાંથી સંન્યાસ લઇ બાકીની જીંદગી ધર્મસ્થાને વિતાવવાનું નક્કી કર્યું. પહેલાં તો ભીમે ના પાડી પણ પછી આગ્રહવશ તેણે વાત સ્વીકારી. અને આખરે ભીમનો રાજ્યાભિષેક થયો. માળવા,ચેદી અને કર્ણાટ ઉપરાંત સિંધના હમીર સુમરાના કાળ સમો ભીમ ગાદી પર આવી ચુક્યો હતો….! દુર્લભસેન અને નાગરાજ કાશી ચાલ્યાં ગયાં.

? હવે ધનુર્વિદ્યામાં સર્વોત્તમ અને પ્રખર પરાક્રમી એવા “બાણાવળી ભીમ”નું અણહિવલાડ પર શાસન હતું. જો કે,તેના જ શાસનમાં એક એવી ગોઝારી બીના બનવાની હતી કે જેની કાળી ટીલી હજી પણ ગુજરાતના મસ્તકેથી અને ભારતવર્ષના મસ્તકેથી ભુંસાણી નથી….!

[ ક્રમશ : ]

[ વધુ આગળના ભાગમાં….. ]

– Kaushal Barad.

ગુજરાતનો ઇતિહાસ ભાગ- 6
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 7
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 8
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 9
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 10

જો તમે આવીજ અન્ય માહિતી જેમકે સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો.

error: Content is protected !!