ગુજરાતનો ઇતિહાસ । અણહિલવાડ થી ગાંધીનગર ભાગ- 10

? ચામુંડરાજ સોલંકી –

? ચામુંડરાજ નાનપણથી જ પોતાના પિતા મુળરાજની જેમ પરાક્રમી હતો. કહેવાય છે કે, તે વારેવારે સિધ્ધપુરના રૂદ્ળમહાલયમાં દર્શન કરવા જતો અને ત્યાં થતી મહાભારતની કથાઓ સાંભળતો. આમ,નાનપણથી જ તે ધાર્મિક વૃત્તિનો અને જાંબાજ હતો.

? કહેવાય છે કે, રાજા શુરવીર હોય, પરાક્રમી હોય, ઉદાર હોય અને નવેખંડમાં તેની હાક વાગતી હોય પણ તેને એક વાતનું સુખ ન હોય. એની પાછળ એનો પુત્ર બધું ધોઇ નાખનારો જ પાક્યો હોય….! પણ મુળરાજને એ વાતનું સુખ હતું કે તેને “દિવા પાછળ અંધારુ” નહોતું….! ચામુંડરાજ બાપ જેવો જ અડિખમ હતો.

? એક વખતની વાત છે. ગુર્જરેશ્વર મુળરાજ સોલંકી દરબાર ભરીને બેઠો છે. પડખે કુંવર ચામુંડ અને સેનાપતિ જંબુક જેવા અન્ય પ્રધાનો પણ બિરાજમાન છે. વિવિધ રાજ્યના રાજાઓ મુળરાજની વધી રહેલી સત્તાને જોતા એની સાથે મિત્રતા બાંધવા અમુલ્ય ભેટ-સોગાદો અર્પે છે. આ રાજવીઓની ભેટ સોગાદો લઇને એમના પ્રતિનિધોઓ અણહિલપુરના દરબારમાં આવેલા છે.

? ભારતના ઘણા ખરા રાજ્યોના રાજાઓએ પ્રતિનિધોઓ દ્વારા ભેટસોગાદો મોકલેલી છે તો દેવગીરીના રાજાએ વાર્ષિક ખંડણી પણ મોકલાવી છે. દેવગીરી એ વખતે અણહિલવાડની શેહમાં હતું અને ત્યાંનો રાજા મુળરાજને ખંડણી ભરીને રાજ કરતો.

? આ બધી ભેટ-સોગાદો પ્રસ્તુત થતી હતી એવામાં મહી અને નર્મદા વચ્ચેના લાટના રાજા દ્વાપરે પોતાના પ્રતિનિધી વતી લાટની ભેટ મોકલાવેલી તે પ્રસ્તુત કરવામાં આવી. ભેટ હતી – અપશુકનિયાળ હાથીની….!લાટના રાજાએ મોકલાવેલ હાથી અપશુનિયાળ હતો. તેની એક આંખ બાડી હતી. વળી,તેની સુંઢ વધુ પડતી લાંબી હતી, તેના હોઠ પર લીટીઓના નિશાન હતાં. પંડિતોએ મુળરાજને કહ્યું કે – આવો હાથી જો ઇન્દ્ર પાસે હોય તો એનું ઇન્દ્રાસન પણ ઘડીભરમાં ડોલવા લાગે….!

? લાટના રાજાએ મુળરાજનું અપમાન કરવા આ હાથી મોકલ્યો હતો. ચામુંડરાજને આ જોઇ ઘણો જ ગુસ્સો ચડ્યો. તેની આંખો લાલઘુમ થઇ ગઇ. તેને ઝાલી રાખવો મુશ્કેલ બન્યો. મુળરાજ પાસે તેણે આજ્ઞા માંગી કે, મને અનુમતિ આપો, હું લાટ પર ચડાઇ કરી એને અબઘડી રોળી નાખું….!

? પણ મુળરાજની જાણમાં આવ્યું કે ચડાઇ કરવા માટે આ મુહુર્ત સારૂ નહોતું. એથી એણે ચામુંડને મહા મુસીબતે રોખી રાખ્યો અને લાટના પ્રતિનિધીને ધમકાવી એની ભેટ પાછી લઇ જવા કહ્યું.

? આખરે એક દિવસ ચામુંડરાજને લઇ મુળરાજ લાટ પર ચડ્યો. સાબરમતીને વટાવી ભૃગુકચ્છ [ ભરૂચ ] અને સુર્યપુર [ સુરત ] વચ્ચે થઇ તેની સેના લાટ પર ચડી. મુળરાજે એક જગ્યાએ થોભીને ચામુંડને મોટી ટુકડીરૂપ સેના લઇને લાટ પર મોકલ્યો. ચામુંડે લાટના રાજા દ્વાપર સાથે યુધ્ધ કર્યું અને એને હણી નાખ્યો. આમ,પોતાની પ્રથમ ચડાઇમાં ચામુંડે એની કુંવારી તલવારને લોહી પાયું….! મુળરાજ એના પુત્રના પરાક્રમથી ઘણો ખુશ થયો.

? મુળરાજના મૃત્યુ પછી ચામુંડરાજે સારી રીતે રાજ્ય ચલાવ્યું. તે ભલો,ઉદાર અને પરાક્રમી રાજા હતો. જો કે,ઇતિહાસકારોએ તેના વિશે બહુ લખ્યું નથી એટલે તેના જીવનકાળની મોટા ભાગની માહિતી મળતી નથી. તે છતાં તે યોગ્ય રાજા હતો એ જણાય આવે છે.

? તેમને ત્રણ પુત્રો હતાં – વલ્લભરાજ [ વલ્લભસેન ],દુર્લભરાજ [ દુર્લભસેન ] અને નાગરાજ. સોલંકીવંશનો આંટીઘુંટીથી ભરેલ અને અનેક રાજકીય ઘટનાઓથી ભરપુર ઇતિહાસ હવે શરૂ થવાનો હતો. જેને ગુજરાતના પ્રજાજનો આજે પણ ભુલી શક્યા નથી….!

[ ક્રમશ: ]

[ અનુસંધાન આગળના ભાગમાં….. ]

– Kaushal Barad.

ગુજરાતનો ઇતિહાસ ભાગ- 5
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 6
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 7
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 8
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 9

જો તમે આવીજ અન્ય માહિતી જેમકે સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો.

error: Content is protected !!