સિધ્ધરાજ સોલંકી, રાણકદેવીને ઉપાડીને ઉપરકોટમાંથી ચોરીછુપેથી નાસીને વઢવાણનો માર્ગ સાંધે છે, ત્યારે રણકે ગિરનારને આપેલો ઠપકો કોણ ભૂલી શકશે?
ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો,
મરતાં રા’ ખેંગાર, ખડેડી ખાંગો નવ થિયો?
ગિરનારની તળેતીમાં આવેલા પુરાણપ્રસિધ્ધ દામોદર કુંડમાં પ્રિયજનના અસ્થિ પધરાવીને, રેવતીકુંડમાં સ્નાન કરી, મૃગીકુંડ અને ભવનાથના દર્શને આવેલો કોઇ અનામી વિયોગી મૃગીકુંડને પુછે છેઃ
મરઘીકુંડના કાંઠડા,
તને કેતા જુગ થિયા?
પથ્થર તો શું જવાબ આપે? એટલે લોકકવિ પુનઃ પ્રશ્ન દ્રારા ઉતર વાળે છેઃ
મરઘીકુંડના કાંઠડા,તને કેતા જુગ થિયા?
માઢુ હતા એ હાલી વિયા, પાણ જ પડ્યા રિયા?
સ્વજન તો સિધાવી ગયા ને તમે પથરા જ અહીં રહ્યા? પથ્થરને માનવીએ કરેલો ઉપાલંભ આ દુહામાં ચોટદાર રીતે વ્યક્ત થયો છે.
સૌરાષ્ટ્રના જે મુખ્ય શીવાલયો છે તેમાં ભવનાથ પણ એક છે. ગિરતળેટીમાં વનરાજી સભર વાતાવરણમાં ભવનાથ અને તેની બાજુમાં મૃગીકુંડ આવેલા છે. લોકકથા મુજબ સાત પૈકીના એક અમરાત્મા અશ્વતથામા શિવરાત્રીની મધ્યરાત્રીએ મૃગી કુંડમાં સ્નાન કરે છે તેવી ક્થા પણ છે.
ગિરનાર ચોર્યાસી સિધ્ધોનું નિવાસસ્થાન છે. યોગીઓની તપો ભૂમી અને સાધુ-સંતો માટે માનો ખોળો છે. પ્રાચિન શીવાલયોની ઉત્પતી ક્થા મોટે ભાગે પ્રાપ્ત નથી હોતી. જુના શિવાલયો બહુધા ગીચ જંગલમાં કે વસ્તીથી દૂર સ્થપાતા. ભવનાથ મંદિરની પણ આવી એક કથા છે.
જગતપિતા બ્રહ્માએ મહાદેવને સંસારમાં રહી, સંસારીઓના સુખદુઃખનું સમાપન કરવાની વિનંતી કરી. શંકરે પૃથ્વી પર નજર દોડાવી. વનરાજીથી આભૂષીત એવો રેવતાચળ ગિરનાર તેમની નજરે ચડ્યો. ગિરનારના ખોળે તેમને આસન ભિડ્યુ. બીજી બાજુ કૈલાસમાં મહાદેવને ન જોતા પાર્વતીએ શોધખોળ આરંભી. શંકરને દેવોએ સૃષ્ટી પર મોક્લ્યા છે જાણી પાર્વતી ક્રોધે ભરાયા. પતિની શોધ ખોળ કરતા પાર્વતી શંકરે જ્યા આસન વાળેલુ ત્યાં આવ્યા. પાછળ બીજા દેવતાઓ પણ હતા. શંકર ભવનાથ સ્વરૂપે પ્રગટ થયા તે દિવસ વૈશાખ સુદ પૂનમનો હતો. પાર્વતીએ અંબીકા રૂપે ગિરનાર તથા વિષ્ણુએ દામોદરરાય તરીકે દામોદરકુંડમાં વાસ કર્યો. અન્ય દેવતા સહિત નવ નાથ, ચોરાસી સિધ્ધો, યક્ષો, ગંધર્વોએ ગિરનારના અલગ અલગ સ્થાનોને પોતાના નિવાસ બનાવ્યા.
ભવનાથ મંદિરમાં આવેલ મૃગીકુંડની પણ આવીજ એક કથા છે. કાન્યકુબ્જના રાજા ભોજને તેના અનુચરે એક દિવસ કહ્યુ કે રેવતાચળના જંગલમાં હરણના ટોળામાં માનવ શરીર ધારી કોઇ સ્ત્રી ફરે છે. હરણની જેમ તે કૂદે છે. સ્ત્રીનું મોઢુ હરણનું છે પણ શરીર મહિલાનું છે. રાજા દિવસોની મહેનત બાદ આ નવતર પ્રાણીને પોતાના મહેલમાં લઇ આવી શક્યો. પંડિતોને તેનો ભેદ ઉકેલવાની વિનંતી કરી. વિદ્રાનો કોઇ માર્ગ શોધી ન શકતા કુરુક્ષેત્રમાં તપ કરતા ઉધર્વરેતા નામના ઋષી પાસે રાજા ભોજ ગયો.
ઉધર્વરેતાએ મૃગમખીને માનવીની વાચા આપી. ગયા ભવમાં ભોજ સિંહ હતો અને મૃગમુખી મૃગલી હતી. સિંહે મૃગલીનો શીકાર કર્યો ત્યારે ભાગવા જતા વાસની ઝાડીમાં તેનુ મસ્તક અટવાઇ ગયું. બાકીનુ શરીર સવર્ણરેખા નદીના પાણીમાં પડયુ. નદીના પવિત્ર પાણીમાં પડવાથી તે માનવ જન્મ પામી પરંતુ મોઢું ઝાડીમાં હોવાથી મુખ હરણીનું રહ્યું. ઉધર્વરેતાના આદેશ પ્રમાણે તપાસ કરાવીતો ઝાડીમાંથી હરણીની ખોપરી મળી આવી. તે સુવર્ણરેખા નદીના જળમાં પધરાવી. મૃગમુખીનું સમગ્ર શરીર માનવનું બન્યું. ભોજે વિદ્રાનોના આશીર્વાદ લઇ તેમની સાથે લગ્ન કર્યા.
પત્નીનું સૂચન માની રેવતાચળની તળેતીમાં ભોજે એક કુંડ બનાવ્યો. તે કુંડ એટલે મૃગી કુંડ! બન્ને કથા લોકાધારિત છે. પણ ભવનાથનો મહિમા તેમાથી જોઇ શકાય છે. શિવરાત્રીની રાતે જટાધારી ભભૂતધારી સાધુઓનું સરઘસ નીક્ળે છે. તલવાર, ત્રીશુલ, ચીપયા, ભાલા ના અવનવી કરતબો કરતા સાધુઓ રાત્રે બાર વાગે ભવનાથ મંદિરમાં પ્રવેશે છે. હર હર મહાદેવના ગગન ભેદી નાદ સાથે મૃગીકુંડમાં સ્નાન કરી ભવનાથની મહાપુજા કરે છે.
કારતક સુદ એકાદશીથી પૂનમ સુધી ગિરનારની પરીક્રમાનું વિશેષ મહત્વ છે. હજારો લોકો ઠંડીની પરવા કર્યા વિના તેમા સામેલ થાય છે. એકાદશીના દિવસે દામોદર કુંડ અને મૃગી કુડમાં સ્નાન કરી ભવનાથ-દૂધેશ્વરના દર્શન કરવામાં આવે છે. બારસના દિવસે ઝીણા બાવાની મઢી સુધી યાત્રા થાય છે. તેરસને દિવસે સુર્યકુંડ તથા સરક્ડીયા હનુમાન, ચૌદશને દિવસે માળવેલથી ઉપડી, ગિરનારની પૂર્વમાં થઇ બોરદેવીમાં પડાવ નખાય છે. અહીં બોરડી નીચે માતાજીનું સ્થાપન છે. આજુબાજુ બોરડીનું વન અને તાતણીયો ધુનો છે. કાર્તિકી પુર્ણીમાંએ બોરદેવીથી નીક્ળી પાછા ભવનાથ અવાય છે. સમગ્ર પરિક્ર્મા ૪૦ કિલોમીટરની છે. પરિક્ર્મા દરમ્યાન કુદરતી રીતે જ જંગલના ઝેરી જીવ જંતુ કે હિંસક પ્રાણીયોનો ભય રેહતો નથી. વળી અહિંનો શિવરાત્રીનો મેળો ખુબજ પ્રસિધ્ધ છે.
મેળાના દિવસે ૫૦૦ કરતા પણ વધારે સાધુની રાવટીઓ અને પડાવા તૈયાર થાય છે. દરેક જ્ઞાતિની વાડીઓ અને ધર્મશાળાઓ માણસોથી ભરાય જાય છે. શિવરાત્રીની રાત્રે ૧૦ વાગ્યાના આરસામાં ભવનાથ મંદિરની પાછળ આવેલા જૂના દશનામી પંથ અખાડા ખાતેથી સાધુઓનુ સરઘસ નીક્ળે છે. નાગા બાવાનુ આ સરઘસ છ દિવસના મેળાની ચરમ સીમા છે. સરધસમાં પ્રથમ પંચદશનામી અખાડાની પાલખી ગુરૂદતાત્રેય ની હોય છે. ત્યાર બાદ અભાવ અખાડાના ગાદિપતીની પાલખી અને અગ્નિ અખાડાના ગાયત્રીજીની પાલખી સાથે આખા વિસ્તારમાં સરઘસ ફરે છે. નાગા સાધુઓના તલવાર, ભાલા, પટ્ટાબાજીના અને લાકડીના હેરત ભર્યા ખેલ જોવા લોકો થોકે થોકે ઉમટે છે.
શ્રીગોસ્વામિતુલસીદાસકૃતં શ્રીરુદ્રાષ્ટકં
નમામીશમીશાન નિર્વાણરૂપં વિભું વ્યાપકં બ્રહ્મવેદસ્વરૂપમ્ ।
નિજં નિર્ગુણં નિર્વિકલ્પં નિરીહં ચિદાકાશમાકાશવાસં ભજેઽહમ્ ॥ ૧॥
નિરાકારમોંકારમૂલં તુરીયં ગિરા જ્ઞાન ગોતીતમીશં ગિરીશમ્ ।
કરાલં મહાકાલ કાલં કૃપાલં ગુણાગાર સંસારપારં નતોઽહમ્ ॥ ૨॥
તુષારાદ્રિ સંકાશ ગૌરં ગભીરં મનોભૂત કોટિપ્રભા શ્રી શરીરમ્ ।
સ્ફુરન્મૌલિ કલ્લોલિની ચારુ ગઙ્ગા લસદ્ભાલબાલેન્દુ કણ્ઠે ભુજઙ્ગા ॥ ૩॥
ચલત્કુણ્ડલં ભ્રૂ સુનેત્રં વિશાલં પ્રસન્નાનનં નીલકણ્ઠં દયાલમ્ ।
મૃગાધીશચર્મામ્બરં મુણ્ડમાલં પ્રિયં શંકરં સર્વનાથં ભજામિ ॥ ૪॥
પ્રચણ્ડં પ્રકૃષ્ટં પ્રગલ્ભં પરેશં અખણ્ડં અજં ભાનુકોટિપ્રકાશમ્ ।
ત્રયઃ શૂલ નિર્મૂલનં શૂલપાણિં ભજેઽહં ભવાનીપતિં ભાવગમ્યમ્ ॥ ૫॥
કલાતીત કલ્યાણ કલ્પાન્તકારી સદા સજ્જનાનન્દદાતા પુરારી ।
ચિદાનન્દ સંદોહ મોહાપહારી પ્રસીદ પ્રસીદ પ્રભો મન્મથારી ॥ ૬॥
ન યાવત્ ઉમાનાથ પાદારવિન્દં ભજન્તીહ લોકે પરે વા નરાણામ્ ।
ન તાવત્ સુખં શાન્તિ સન્તાપનાશં પ્રસીદ પ્રભો સર્વભૂતાધિવાસમ્ ॥ ૭॥
ન જાનામિ યોગં જપં નૈવ પૂજાં નતોઽહં સદા સર્વદા શમ્ભુ તુભ્યમ્ ।
જરા જન્મ દુઃખૌઘ તાતપ્યમાનં પ્રભો પાહિ આપન્નમામીશ શમ્ભો ॥ ૮॥
રુદ્રાષ્ટકમિદં પ્રોક્તં વિપ્રેણ હરતોષયે ।
યે પઠન્તિ નરા ભક્ત્યા તેષાં શમ્ભુઃ પ્રસીદતિ ॥
॥ ઇતિ શ્રીગોસ્વામિતુલસીદાસકૃતં શ્રીરુદ્રાષ્ટકં સમ્પૂર્ણમ્ ॥
માહિતી-સંદર્ભઃ
જયમલ્લભાઇ પરમાર
સંક્લન-પ્રેષિતઃ
મયુર.સિધ્ધપુરા-જામનગર
9725630698
તો આ હતો ભવનાથ મહાદેવ અને મૃગીકુંડ જુનાગઢનો ઇતિહાસ જો તમે આવાજ મંદિરોના ઇતિહાસ ને લગતી અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
– શ્રી રવેચી માતાજી રાપર- કચ્છ
– શ્રી હિંગળાજ માતાજી મંદિર – વેરાડ
– શ્રી જહુ માતાજી ની પ્રાગટ્ય કથા
– આઈ શ્રી જીવણી (સિંહમોય) માતાજી
– શ્રી ચામુંડા માતાજી- ઉંચા કોટડાનો ઇતિહાસ
– શ્રી કનકાઇ માતાજી મંદિર – ગીર
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો.