ભૂત-પલિતનું કમઠાણ છે શું? વાંચો એની રસપ્રદ વાતો

લોકવાણીમાં રમતી એક કહેવત રોજબરોજ સાંભળીએ છીએ
‘ભૂત મરે ને પલિત જાગે.’ આપણે કોઈ દિવસ વિચાર્યું છે કે આ ભૂત અને પલિત છે શું? ભૂતથી ભય પામીને લોકહૈયાં પર બાઝેલાં અંધશ્રઘ્ધાના ઝાળાં છે કે માનવીના મનનો ભ્રમ છે? પ્રાચીન ગ્રંથો અને લોકવિદ્યા એના અંગે શું કહે છે ? ભૂત શબ્દ પરથી આવેલા કેટકેટલા શબ્દો અને કહેવતોએ ગુજરાતી ભાષાને સમૃઘ્ધ કરી છે એની રસપ્રદ વાતો માંડવી છે. નાનપણમાં સાંભળેલી ભૂતની કાલ્પનિક વાતોથી બીશો મા! આજે આપણે ભૂત સાથે ભાઈબંધી કરવી છે. ભૂતની વાતના શ્રીગણેશ માંડતા પહેલાં જાણી લઈએ કે ભૂત એટલે શું?

ભૂત એટલે ગતાગમ વગરનો માણસ. અક્કલમાં ઓછો, જડ જેવો અને શરીરે બથ્થડ માણસ. ‘સત્યપ્રકાશ’ ગ્રંથ કહે છે કે મરણ પામેલ અને અગ્નિદાહ થઈ ચૂકેલ વ્યક્તિ. શરીરનો દાહ થઈ ચૂક્યો તેનું નામ ભૂત કહેવાય છે. ‘અમરકોશ’ અનુસાર ભૂત એટલે પિશાચ, પ્રેત, વિદ્યાધર, અપ્સરા, યક્ષ, રાક્ષસ, ગંધર્વ, કિંનર, પિશાચ, ગૃહ્યક, સિદ્ધ-ભૂત એ દેવયોનિની સંજ્ઞા છે. જૈનોમાં ભૂત એટલે આઠ માંહેના એક પ્રકારના વ્યંતરનિકાય દેવ. આ ભૂતોના નવ પ્રકાર ભગવદ્ગોમંડલમાં જણાવ્યા છે. વ્યંતરનિકાય દેવ. ૧. સુરૂપ. ૨ પ્રતિરૂપ ૩. અતિરૂપ ૪. ભૂતોત્તમય સ્કંદિક. ૬. મહાસ્કંદિક ૭. મણબેગ ૮. પ્રતિછન્ન અને ૯ આકાશગ. ભૂત એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ અને પંચમહાભૂતો માંહેનું દરેક.

સામાન્ય માનવીનો ભૂત માટેનો ખ્યાલ જોઈએ તો ભૂત એટલે સંસારમાંના કોઈ ભાવમાં મન રહી જવાથી અવગતિ પામેલો જીવ, શ્મશાન, ઝાડ વગેરેમાં વસતો પ્રેત. માંગડાવાળાની જેમ આ સ્થિતિમાં તે જીવ ભટક્યા કરે છે. આ ભૂતની ઘણી જાત છે. પિશાચ, જીન, શેતાન, પ્રેમ, ઝાંપડી, બ્રહ્મરાક્ષસ, ખવીસ. એ મસાણમાં ઝાડમાં રહે છે અને પ્રાણીને પીડા કરે છે એમ કહેવાય છે.

ભૂત શબ્દ પરથી આપણી ભાષાને કેટકેટલા અર્થો અને શબ્દો મળ્યા છે. ભૂત એટલે વહી ગયેલો ભૂતકાળ, ભૃગુપુત્ર એ નામનો એક બ્રહ્મર્ષિ, યોગીઓમાં શ્રેષ્ઠ, રાક્ષસ, દૈત્ય. વસુદેવથી પૌરવીને થયેલો ભૂત નામનો એક દીકરો, વેદમાં વપરાયેલા એક રુદ્રનું નામ. ભૂત એ લેઉવા, કડવા, કણબી અને મેમણની એક અટક ગણાય છે. કદરૂપો, બિહામણો અને વિચિત્ર માણસ પણ ભૂત તરીકે ઓળખાય છે. ભૂત એટલે ગુજરી ગયેલું, શબ, ઝાડ, શરીર, શંકરનો પરિવાર, થાકે નહીં તેવું, પ્રાપ્ત થયેલું. બહુ દુષ્ટ કે વ્યભિચારી માણસ, ગતાગમ ન હોય એવું અડબમ, જડસુ, થાકે નહીં તેવો માણસ.

ભૂત ઉપરથી કેટકેટલી શબ્દસમૃઘ્ધિ મળી છે. જુઓ ઃ ભૂત આંબલી – જેમાં ભૂત રહેતું હોય તેવી આંબલી. ભૂતક-પુરાણ અનુસાર સુમેરુ ઉપરના ૨૧ માંહેનો એક લોક. ભૂતકર્તા – એ નામનો એક અગ્નિ. ભૂતકર્મા-દુર્યોધનના પક્ષનો ભારતી યુદ્ધમાંનો સભાપતિ નામનો રાજા. તેને શતાનિકે માર્યો હતો. ભૂતક્રાંતિ-ભૂતનો શરીરમાં આવેશ. ભૂતનો વળગાડ. ભૂતખાનું – પિશાચોનું સ્થાન, ભૂતોને રહેવાની જગ્યા, જેમાં ભૂતનો વાસો હોય તેવું સ્થાન, ભૂતનું ઠેકાણું, બહુ જ મેલું, કચરાથી ભરપૂર ઘોર અંધકારવાળું ઘર. ભૂતગણ-ભૂતોનો સમૂહ, પિશાચોની મંડળી. ભૂતગ્રસ્ત – જેને ભૂત વળગ્યું હોય એવું, જેનામાં પિશાચ પેઠું હોય તેવું. ભૂતઘાતી– જીવોને મારનારું. ભૂતચતુર્દશી-આસો વદી ચૌદસ. કાળીચૌદશ. ભૂતચારી – શિવનાં હજાર માંહેનું એક નામ. ભૂતચિત્રકલાશાસ્ત્ર-ચિત્રલેખના શાસ્ત્રનો એક ભેદ. આ શાસ્ત્રમાં પંચમહાભૂતોના રંગો નક્કી કરી બહાર લાવવાની કળા વર્ણવેલી છે અને આ રંગોને ચિત્રોના રૂપમાં રજૂ કરવાની વિદ્યા બતાવાઈ છે.

ભૂતજટા-જંગલમાં એકલું ઝાડ ઊભું હોય તે ભૂત જેવું મોટું ને રાત્રે કાળું બિહામણું દેખાય છે તેવું ઝાડ. ભૂતજ્યોતિ – પુરાણ અનુસાર સૂર્યવંશી નૃગ રાજાનો એ નામનો પૌત્ર. ભૂતજવર-કામણટૂમણની શંકાથી ચડેલો તાવ. ભૂતડિયા-ભૂવો, ભૂતને કાઢનાર માણસ, આંજણા પટેલોની એક અટક. ભૂતડિયો-એક જાતનો અશ્વ. ભૂતડી-કૂંઢી ભેંસની એક જાત, કાઠિયાવાડની પ્રખ્યાત જાતની ઘોડી, ડાકણ, મિશાચણી, તેથી દલપતરામે કહ્યું છે ‘આળસ ભૂંડી ભૂતડી, વ્યંતરના વળગાડ. ભૂતડો – એક પ્રકારની માટી નાહ્વા ધોવામાં ને સગર્ભા સ્ત્રીઓને ખાવામાં વપરાય છે.

ભૂતતત્ત્વ-અસુરવિદ્યા. ભૂતતત્ત્વવિદ્-અસુર વિદ્યાનો જાણકાર માણસ. ભૂતદમન-વેદમાં વપરાયેલું રુદ્રનું એક નામ. ભૂતદયામય-સર્વ જીવો પ્રત્યે દયાવાળું. ભૂતદીપ-ભૂતનો ભડકો, સ્મશાનમાં દેખાતો ભડકો, ભૂતદ્રોહી– જીવને અને પ્રાણીઓને દુઃખ દેનાર. ભૂતધાત્રી-ગંગાના હજાર માંહેનું એક નામ. ભૂતધામા-પૂર્વે થઈ ગયેલો આ નામનો એક ઇન્દ્ર. ભૂતનંદ-કલિયુગમાં કિલકિલાનગરમાં થયેલો એક રાજા. ભૂતનાયક-ગણનાયક, રૂદ્ર. ભૂતનાયિકા-દુર્ગાદેવી. ભૂતનાશિની વજ નામનું કાષ્ઠ. વજ ખાવાથી ભૂતરોગ નાશ થઈ જાય છે. માટે તેને ભૂતનાશિની કહે છે. વળગાડમાં તેની ઘુમાડી દેવાય છે.

ભૂતપુરી-મદ્રાસ નજીક આવેલું એક ગામ, જ્યાં રામાનુજાચાર્યનો નિવાસ હતો. ભૂતપ્રલય-સૃષ્ટિનો સંહાર. ભૂતબલિ-આ નામના જૈનમુનિ થઈ ગયા. જેમણે ‘ષટ્ખંડાગમશાસ્ત્ર’ની રચના કરી હતી, પ્રાણીઓને નિત્ય આપવાનો બલિ, ભૂતને ધરવામાં આવતું નૈવેદ્ય-બાકળાં, ભૂતબાકરો-ભૂતધાવડો નામનું વૃક્ષ પોરબંદર પંથકમાં થાય છે જેને રબારીઓ ભૂતબાકરાના નામે ઓળખે છે. ભૂત ભડકામણું-બહુ જ કદરૂપું, છોકરાંઓ જોઈને છળી ઉઠે એવું. ભૂત-ભડકો દૂરથી દેખાય પણ નજીક જોઈએ તો કાંઈ ન હોય એવું, સ્મશાન વગેરે સ્થળે હાડકામાંથી અંધારી રાતે ફોસ્ફરસના ભડકા નીકળતા દેખાય છે તેને લોક ‘ભૂતભડકા’ કહે છે. ભૂતભર્તા-ભૂતનો ધણી. શિવ-શંકર, પ્રાણીને પોષનાર. ભૂતભવ-શિવનાં હજાર માંહેનું એક નામ. ભૂતભાષા – પૈશાચી ભાષા. ભૂતભૈરવ-ભૈરવની એક મૂર્તિનું નામ. ભૂતમાતા-ગૌવરી. ભૂતવરણ – ખેડુ કોમ (જૂના કાળે કહેવાતું) ભૂતવન-નામનો એક દેવ. ભૂતવાદી-એક જાતના વાણવ્યંતર દેવ.

ભૂતવિદ્યા– ૧. આયુર્વેદનો એક ભાગ, માનસિક વ્યાધિશાસ્ત્ર તેમાં મનની વ્યાધિઓની ચિકિત્સા એટલે ભ્રમિક થયેલાઓને શાંત કરવાના ઉપાયો બતાવ્યા છે. પિશાચ રોગ અથવા વળગાડથી થતાં માનસિક રોગો પ્રાર્થનાથી, બલિદાનથી અને દવાઓથી મટાડવાનું આ વિભાગમાં શીખવવામાં આવેલ છે. ૨. પ્રેતવિશેની વિદ્યા, ભૂત પ્રેતાદિકને દૂર કરવાની વિદ્યા, મંત્રાદિ પ્રયોગ. ભૂતવિદ્રાવિણી – ગૌચંદન, ગોરોચન, ગાયના હૃદય કે માથામાંથી નીકળતો એક પદાર્થ. ભગવદ્ગોમંડલ નોંધે છે કે જે માણસ ગૌચંદનનો કપાળમાં ચાંલ્લો કરે છે તેની પાસે ભૂત, પલિત કે ડાકણ આવતાં નથી. જેને વળગાડ હોય તેને ગૌચંદનની ઘુમાડી દેવાથી વળગાડ જતો રહે છે એને ભૂતવિદ્રાવિણી કહે છે. ભૂતવૈદ્ય-ભૂતને કાઢનાર, ભૂતશાલા-ભૂત રહેતું હોય તેવી જગ્યા. ભૂતસમુદ્ર-ભૂતદ્વિય પછી આવેલો આ નામનો એક સમુદ્ર. ભૂતસૃષ્ટિ-પરમ શિવની શક્તિથી પ્રગટ થનારી સૃષ્ટિના ચાર માંહેનો એક પ્રકાર. ભાવસૃષ્ટિ, ભૂતસૃષ્ટિ, શબ્દસૃષ્ટિ અને અર્થસૃષ્ટિ આમ સૃષ્ટિના ચાર પ્રકાર ગણાય છે. ભૂતાંશકાશ્યપ-એ નામનો એક ઋગ્વેદિક ઋષિ. તેણે દશમા મંડલનું ૧૦૬મું સૂક્ત રચ્યું હતું. ભૂતિ– વિશ્વામિત્ર ઋષિનો એક પુત્ર. ભૂતિકાર્મિક-મંત્રથી દોરાધાગા કરી આપનાર. ભૂતિની-ભૂતની સ્ત્રી, ભૂતયોનિને પ્રાપ્ત થયેલી સ્ત્રી, શાકિની, ડાકણી, ભૂતિયું – ભૂતના વાસવાળું મકાન. ભૂતોદ્ભવ-સૃષ્ટિ રચના કેમ અને કેવી રીતે થાય છે તેને લગતું વિજ્ઞાન, ઉત્પત્તિશાસ્ત્ર ઈત્યાદિ અનેક શબ્દો ભૂત ઉપરથી આવ્યા છે.

ભૂત સાથે જોડાયેલી કહેવતો પણ એટલી જ મજેદાર છે. જુઓ ઃ

૧. ભંભેરીને ભૂત કરવું અર્થાત્ ગાંડા જેવું બનાવવું, અતિ ઉશ્કેરવું.

૨. ભૂતનો ભાઈ – એક બાબત પાછળ લાંબો વખત વળગ્યો રહે એવો માણસ.

૩. ભૂત ભમવા – દુઃખ આવી પડવાનો ભય હોવો, સ્વાર્થ માટે ચૂપકીથી બાતમીદારોનું પાછળ પાછળ ભમ્યા કરવું.

4. ભૂત ભરાવું – ઘેલું લાગવું, વહેમ વળગવાં, વાંકું પડવું.

૫. ભૂત ભેરવવું – લય કે ઘૂન વળગાડવી

૬. ભૂતની મિઠાઈ – વાસ્તવમાં જેનું અસ્તિત્વ ન હોય પરંતુ ભ્રમ દેખાતો હોય તેવો પદાર્થ, સહજમાં મળેલું ધન જલ્દી નાશ પામે છે.

૭. મંછા ભૂત ને શંકા ડાકણ – ખોટો વહેમ

૮. ભૂત ચડવું – કોઈના ઉપર વિના કારણે ખોટો આરોપ લગાવી શંકાની નજરે જોવું, ભૂત વળગ્યું હોય તેવી ઘૂન કે જીદ્દવાળું થવું.

૯. ભૂત ઉતારવું – ભૂતનો વળગાડ દૂર કરવો

૧૦. ભૂત ગયું ને પલિત જાગ્યું – એક પીડા જાય ત્યાં બીજી આવીને વળગે, બકરું કાઢતું ઉંટ પેસે, ઉલમાંથી ચૂલમાં પડવું, અલા ગઈ ને બલા આવી એ સમાંતર કહેવતો છે.

૧૧. ભૂત થવું – અવગતિયા થવું, ગુસ્સાથી ગાડાં થઈ જવું.

૧૨. ભૂત પર ચિઠ્ઠી-જુઠ્ઠો વાયદો.

૧૩. ભૂત બનવું – નશામાં ચકચૂર થવું. પંડમાં પ્રેત આવવું.

૧૪. ભૂત ભૂસકા મારે ને હનુમાન હડિયું કાઢે – અર્થાત્ ઘર ખાલીખમ હોવું. ઘરમાં હાંલ્લા કુસ્તી કરે ને ગોકુળઆઠમ રાહડે રમે એવી ગરીબાઈ હોવી.

૧૫. ભૂત વળગવું – ભૂતની ઝપટ લાગવી.

૧૬. ભૂતનું ઠેકાણું આંબલી.

૧૭. ભૂતનો વાસ પીપળો – જેનું જ્યાં વધારે બેસવાનું થતું હોય ત્યાં તે મળે, જેવો માણસ તેવો વાસ.

૧૮. ભૂતને પીપળો મળી રહેવો – જેવાને તેવું મળી રહેવું.

૧૯. ભૂતનો ભડકો – મસાણમાં રાતે થતો ભડકો. ભૂતના ભડકા સ્મશાનમાં દેખાય છે, તે વાસ્તવિક રીતે ફોસ્ફરસ (હાડકાંનો) છે એમ ‘પ્રમાણશાસ્ત્ર પ્રવેશિકા’ નોંધે છે.

૨૦. મારા ભૂતભાઈ જાણે – ‘કોણ જાણે?’

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!