માનવી એક સામાજિક પ્રાણી છે. સતત એકબીજા સંપર્કમાં રહી માહિતગાર રહેવું તે તેનો મૂળ સ્વભાવ છે. આજથી પચાસેક વરસ પહેલાં માણસ માણસ વચ્ચેનો સંદેશા વ્યવહાર જુજ હતો…ગામડાઓ ખુબ જ અજ્ઞાન હતાં. કારણ એ હતું કે તે અન્ય સ્ત્રોતથી જોડાયેલા નહોતાં. ટપાલ પધ્ધતિ પણ ઝાઝી પ્રચલિત નહોતી કેમ કે અક્ષરજ્ઞાન નહોતું..
એક જમાનો હતો..ગામમાં બેચાર દિવસે જો કોઈની ટપાલ આવી હોય તો ટપાલી આવે.. એ ટપાલ પણ લાવેને વાચી પણ આપે..વળતો જવાબ કરવાનો હોય તો તે લખી પણ આપે…કોઈનાં લગ્ન હોય તો કંકોત્રી પણ ટપાલમાં જ આવતી..તે લાલ રંગની શાહીથી લખેલ હોય..ને કોઈનુ મરણ થયું હોય તો અલગ રીતે લખાયેલ પોસ્ટકાર્ડ આવતું.. તે અડધું લખાયેલ હોય,એક બાજુ માત્ર સરનામું હોય તે બાજુ કંઇ પણ લખ્યા સિવાય કોરું રહેતું.. આ અશુભ સમાચારનો કોડવર્ડ હતો.. તે પોસ્ટકાર્ડ ની શરૂઆતમાં
“લુગડા ઉતારીને વાચશો” અથવા “અશુભ” શબ્દો લખ્યા હોય..પછી લખ્યુ હોય કે ફલાણા ફલાણા ગુજરી ગયા છે તેમાં આપણો કોઈ ઉપાય નથી પ્રભુને ગમ્યું તે ખરૂ…
આ ઉપરાંત ક્યાંક નવાસવા પરણીત કે સગાઈ થઈ હોય તેવા યુગલો એકબીજાને પ્રેમપત્ર પણ લખતા હતાં.. તે પત્રો માટે પરબીડીયુ વપરાતું.. બરાબર બે વાર ગુદર લગાડી ચોટાડ્યુ હોય…વળી પાછું સરનામું કરી ઉપર એક સુચના પણ લખે “માલિક સિવાય કોઇએ ખોલવું નહીં”..કે “માલિક સિવાય કોઇને આપવું નહીં” તેવી સુચનાઓ લખી હોય… પાછળ જતાં પોસ્ટ ઓફિસમાં મળતાં તૈયાર પરબીડીયા છોડી કેટલાક તો રંગબેરંગી પરબીડીયાએ પ્રેમપત્ર મોકલે.. એક ખૂણામાં દિલ દોરે..સરસ મજાનું તીરે ય દોરે…
એમાં ય જો પત્ર કોઈ દીકરીના સરનામે હોય તો તેનાં માબાપને ખબર ન પડે તેમ ટપાલીના આવવાના સમયનું સેટીંગ પાડે હાથોહાથ ટપાલ લેવાની કોસીશ પણ કરે.. આ ઉપરાંત ટપાલી જ પોસ્ટકાર્ડ, કવર,પરબીડીયા પુરા પાડે…
કોઈ સરકારી ટપાલ હોય તો ટપાલી ખુશી ખુશી આપવા આવે કેમ કે તે કોઈ યુવકની નોકરીના ઈન્ટવ્યુહનો કે હાજર થવાનો હુકમ જ હોય…બીજા કોઈ પ્રકારની ટપાલો ભાગ્યે જ આવતી હતી. કોક કોકના દીકરા બહારગામ નોકરી કરતા હોય તેમનાં માબાપને મદદ મનીઓડરથી ય આવતી…
ગામમાં વચોવચ એક ટપાલપેટી ટીગાળેલી હોય તે ખોલી ટપાલી ટપાલો લઈ જાય.. આ સિવાય સંદેશા વ્યવહારનું બીજું સાધન હતું તે તાર હતું.. તાત્કાલિક સમાચાર હોય તો તાર આવે તે તાર લઈને આવવાનો કોઈ સમય નહીં.. ગમે ત્યારે આવે..તાર મોકલવા શરૂઆતમાં મોર્સ કી પધ્ધતિ હતી તેમાં અંગ્રેજીમાં જ મેસેજ આવે…ગામમાં કોઈક જ અંગ્રેજી જાણકાર હોય,મોટેભાગે તો તારમેન જ વાચી આપે..
જો કદાચ આમ ન બન્યુ હોય તો હાહાકાર મચી જતો..કારણ કે તાર હંમેશા ખરાબ સમાચારનો જ આવતો… મને યાદ છે કે મારા ગામમાં એક વૃધ્ધનુ મરણ થયેલ.. તેનો દીકરો મુબઈ રહેતો હતો તે મરણ સમાચાર આપવા મને અમદાવાદ રેવડી બજારમાં આવેલ તાર ઓફિસે તાર કરવા મોકલ્યો હતો…તારના પણ સમાચાર પ્રમાણે નક્કી જ રહેતા…So &so expired yesterday come soon.. આમ આવી પધ્ધતિ સંદેશા વ્યવહારની હતી..તે સમયે એટલે આજથી પચાસેક વરસ પહેલાં પોસ્ટકાર્ડની કિમત પાચ પૈસા, અંતરદેશીયની કિમત દસ પૈસાને કવરની કિમત પંદર પૈસા હતી…ટપાલી માટે હલકારા શબ્દ પણ વપરાતો હતો..
તો આવો જોઈએ કે ટપાલ પધ્ધતિ ક્યારે ને કેવી રીતે શરૂ થઈ???
વિશ્વમાં સૌ પ્રથમ ટપાલ પ્રથા ઈજિપ્તમા અને ત્યાર બાદ ઈ.સ પૂર્વે ૧૦૦૦ની આસપાસ થયાના ઉલ્લેખો મળે છે. ચીનમાં ટપાલીના વિસામા ઉભા કરી ખેપીયા બદલીને ઝડપથી ટપાલ પહોચાડવાની પ્રથા પણ ચીનમાં શરૂ થયાનું કહેવાય છે. અગાઉના સમયમાં ટપાલીને હલકારા કહેવાતા હતા.
ફ્રાન્સમાં લુઈ અગિયારમાએ ઈ.સ.૧૪મી સદીના ઉતરાર્ધની આસપાસ
ટપાલ શરૂ કરી હોવાનું જણાય છે. ઈગ્લેન્ડમાં ઈ.સ.૧૫૧૬માં માસ્ટર ઓફ પોસ્ટની નિમણૂંક કરી તે સમયે મુખ્ય રાજમાર્ગોને વેપારકેન્દ્રોને જ આ સેવાનો લાભ મળતો હતો..
ભારતમાં ટપાલ સેવા:-
સર્વ પ્રથમ રાજા રજવાડાઓ પોતાના દુત મોકલી સંદેશા વ્યવહાર કરતા હતાં. આ અગાઉ પણ તાલીમી કબુતરો મારફત પણ સંદેશા આપલે થતા હતા તે પણ ટપાલની શરૂઆત જ ગણાય..
ભારતમાં અગાઉ આ સેવા ફક્ત રાજવીઓ માટે જ અમલી હતી.તે એમનો વિશેષ અધિકાર હતો. તેનો ઉપયોગ જુદા જુદા ભાગોને વિસ્તારો સાથે સંપર્ક જાળવવાની જરૂરિયાતથી થયો હશે. આથી રાજવીઓ પોતાના વિસ્તારની ગતિવિધિઓ થી માહિતગાર રહી શકતા હતા.
ભારતના પ્રાચીન ઈતિહાસમાં ચંદ્ગગુપ્ત મૌર્ય ઈ.સ.૩૦૦ની આસપાસ દક્ષિણ વિસ્તાર અને આર્યવર્ત પ્રાતો વચ્ચે સુચના, માહિતી અને આવકની વિગતો એકત્ર કરવા માટેની ટપાલ પધ્ધતિ જેવી જ પધ્ધતિનો ઉલ્લેખ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં જોવા મળે છે.
કવિ કાલીદાસના મેઘદુતમાં પણ શંકુતલા પોતાના પ્રેમીને પ્રેમપત્ર લખી વાદળ દ્વારા મોકલ્યાનો ઉલ્લેખ પણ આવી જ પધ્ધતિનો એક ભાગ જ છે. ભારતમાં હાલની ટપાલ પધ્ધતિને મળતી આવતી પધ્ધતિ ઈ.સ.૧૨૯૬થી શરૂ થયાનું જાણવા મળે છે. અલ્લાઉદીન ખીલજી પાસે તેના લશ્કરની હિલચાલને સ્થિતીના નિતમીત સમાચાર માટે ઘોડેસ્વાર અને પગપાળા ખેપીયાનુ એક ટપાલ જેવું જ તંત્ર હતું.. ટપાલ લાવવા લઈ જવા માટે ટપાલી પાસે એક લાકડી અને થેલી રહેતી હતી.તે ટપાલ પહોચાડવા દોડતા દોડતા જતા હતાને અમુક અંતરે જઈ બીજા ટપાલી સાથે આપલે કરતા હતા.
મુગલકાળમા બાબરના શાસનકાળમાં ટપાલ પ્રથાની શરૂઆત થઈ હતી.આ સમયે ટપાલો હલકારા મારફતે કાબુલથી આગ્રા સુધી જમીન માર્ગે જતી હતી. ઈ.સ.૧૫૪૧ની આસપાસ શેરશાહના શાસનમાં આ પદ્ધતિમાં સુધારો થયો. બંગાળથી સિન્ધ સુધીનો રસ્તો બંધાયો. આ રસ્તામાં બે હજાર જેટલી સરાઈઓ તૈયાર કરાઈ અને સમગ્ર રાજ્યમાં ઘોડેસ્વાર ટપાલીની વ્યવસ્થા કરી..
ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ભારતમાં પગપેસારો કર્યા પછી ઇ.સ.૧૭૨૭માં કલકત્તામાં પહેલી પોસ્ટ ઓફીસની સ્થાપના કરી. પોતાની પ્રવૃતિઓના વિસ્તાર માટે તે સમયનાં મોટાં શહેરો મદ્રાસ, મુબઈ વિગેરે શહેરો સુધી જરૂરી ટપાલ સેવાઓ ફક્ત સરકાર પુરતી જ શરૂ કરી હતી. આખરે કંપની સરકારે તા.૧૭મી જાન્યુઆરી ઈ.સ.૧૭૭૪ ના રોજ જાહેર જનતા માટે આ સેવા શરૂ કરવામાં આવી. ટપાલના ચાર્જ અંતર પર આધારિત રાખવામાં આવ્યા હતા.
ઇ.સ.૧૮૨૮માં ઈલાહાબાદથી કલકત્તા વચ્ચે સ્ટીમર મારફત જળમાર્ગે ટપાલ સેવા ચાલુ કરી હતી. એક વાત ધ્યાન દોરે તેવી એ હતી કે તે સમયે પણ ખાનગી ટપાલસેવા કાર્યરત હતી જે સરકારી સેવાની હરિફ પણ ગણાતી હતી. આ ખાનગી સેવાઓને મહાત કરવા અને આખા ય ભારતમાં ટપાલ સેવાના દર એકસમાન કરી દીધા..અંતર પ્રમાણે દર વસુલાત રદ કરી.આ ઉપરાંત આખા ય ભારતમાં ટપાલ સેવાનો હક્ક સરકારને આપવામાં આવ્યો.. ખાનગી સેવાઓ બંધ થઈ…
આમ ટપાલની ટપાલ આઝાદી સુધી અને આઝાદી પછી પણ ચાલુ છે..
આ બધી જ વિગતો વાચેલી નોધોને આધારે મુકી છે…
આ પોસ્ટનો હેતુ એકમાત્ર જુના ગ્રામ્ય જીવનને રજૂ કરવાનો છે..
આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
સાવ વીસરાઈ ગયેલું પાંચ હજાર વર્ષ પુરાણું દિવાળીના અવસરના મેર-મેરાયું
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..
- “કુંભાર” ગ્રામ્ય જીવનના સ્તંભ- 31
- “સુથાર” ગ્રામ્ય જીવનના સ્તંભ- 32
- “ગોસ્વામી” ગ્રામ્ય જીવનના સ્તંભ- 33
- “સંગઠનભાવ” ગ્રામ્ય જીવનના સ્તંભ- 34
- “કિન્નર” ગ્રામ્ય જીવનના સ્તંભ- 35
- “વાઢી” ગ્રામ્ય જીવનના સ્તંભ- 36
- “મેરાયા” ગ્રામ્ય જીવનના સ્તંભ- 37