મારા ગામનાં હીરાભાભી.. રંગેરૂપે મરદ જેવાં.. જાણે ભગવાન ભાઈ બનાવતાં ઝોકુ ખાઈ ગયા હોયને જાણે બાઈ બનાવી દીધાં હોય.. એક પહાડી કદને અવાજે ય પહાડી.. એક ત્રાડ નાખે ભલભલા મરદને ય કંપાવી દે…
ગામમાં કોઈને ત્યાં મરણ થાય ત્યાં અમારાં ભાભી હાજર જ હોય.. મૃતક વાહે મરસિયા ગાવાની તેમની માસ્ટરી…
પરગામ લોકાચારે જવાનું હોય તો તેમને સાથે લઈ જવા પડે.. ત્યાં પણ મરસિયા ગાવા તેમની આવશ્યક જરૂર હોય…
તેઓ આ વાતે જાણકાર પણ ખરાં.. તેમના માન્યા પ્રમાણે…….
આ ‘મરશિયા’શબ્દ અરબી ભાષામાંથી આવ્યો છે. અરબી ભાષામાં मरसी એટલે વિલાપ કરવો. मर्सिय: >मर्सिया > મરશિયાં અર્થાત્ મરનાર માણસની પ્રશસ્તિ..
મરસિયા એટલે લુપ્ત થતી સાંસ્કૃતિક વિરાસત છે એક પ્રકારનાં વિલાપગીતો જે…… લોક વારસામાં મૃત્યુના આઘાત વેળાએ કળ વાળવાનું મહામુલું ધન છે.
લાગણી અને મમતાથી બંધાયેલા માનવીને આપ્તજનના મરણનું દુઃખ અસહ્ય લાગે છે. આઘાતના કારણ ચિત્તતંત્ર હચમચી જાય છે. હૈયા પર આકરો બોજ વરતાય છે.હાયકારો વરતાય છે..મરસીયામા હાય..હાય..ગાઈ તે હાયકારો હળવો કરે છે.
મરશિયાના સૂર અને શબ્દોથી સંવેદના પ્રવાહિત થાય છે. ડૂમો ઓગળે છે. અને વાસ્તવિકતાના સ્વીકારની ભૂમિકા રચાય છે. મરશિયા હવે લુપ્ત થવાના આરે છે.
મમત્વ હોય એટલે પીડા હોય જ ને પણ આવનારા સમયમાં વેદના અને વલોપાત હશે, પણ વહેવા માટે મરસિયા નહીં હોય. કલ્પાંત હશે, એને દર્શાવવાની કલા નહીં હોય…
મરસિયાનો રિવાજ એક મનોવૈજ્ઞાનિક રીતે મૃતકના શોકને ઘટાડવાનો સફળ પ્રયત્ન છે. કોઈપણ પ્રિયજનનું મૃત્યુ થાય ત્યારે તેનો આઘાત ઓછો કરવા માટે સ્વજનોને રડાવી રડાવી શોકનો ભાર હળવો કરવા ગવાતાં વિલાપ ગીતોને મરસિયા કહે છે.
મૃતકની યાદોને તાજી કરાવવી, તેના જવાથી પડનારી ખોટ, તેની સાથેનું સગપણ, મૃતકના લક્ષણો,ખાસિયતોને એક ખાસ શબ્દોને ઢાળથી ગવાતી વિલાપગીત ગાથા…
લોક સંસ્કૃતિમાં ઢગલાબંધ મરસિયાનાં ગીતો છે. મરસિયા પરંપરાગત જ ગવાય છે.બીજા બધાં ગીતોમાં થોડેધણે અંશે મોડીફીકેશન થયું છે.
મરસિયાનાં ગીતો મૃતકે મૃતકે,પ્ર દેશે પ્રદેશે, જ્ઞાતિએ જ્ઞાતિએ અલગ અલગ ખાસ્સા મરસિયા ગવાય છે.
લોકાચારે એટલે કે કાંણે આવનાર અને મૃતકના સબંધ પ્રમાણે તે ગવાય છે. મરસિયામાં વાતાવરણને બદલવાની જબરજસ્ત તાકાત છે. મરસિયા લાંબા લહેકે.. શબ્દબધ્ધ ગવાતા હોય ત્યારે વાતાવરણ સંવેદનાયુક્ત અને ભારે શોકમય બની જાય, વહેવારને વર્તન બદલાઈ જાય, મરસિયા એકચિત્તે સાંભળનાર સમક્ષ મૃતકનું કલ્પના ચિત્ર ઉભું કરવાની ક્ષમતા ધરાવે છે.
રજપુતો, રાજ ઘરાણાં, કાઠી દરબારોમાં આવા શોકમાં ટાઢી કે મિર સ્ત્રીઓ ખાસ મરસિયા ગાવા આવે.. આ તેમનો પરંપરાગત ધારો છે. એક મિરાણી સ્થાયી એટલે કે મૃતકને ત્યાં હોય છે. સામે પક્ષે જે બાઈઓ લોકાચારે આવે તે પણ મિરાણી/ટાઢણને મરસિયા ગાવા લાવે તેવો ધારો છે. આ સ્ત્રીઓને શીખ પણ આપવામાં આવે છે. કહેવાય છે કે મીરાણી સવારે પ્રાર્થે કે પ્રભુ ભાગે તો ભલુ જોઈને જોઈ ઘર ભાગજે..
ઉત્તર ગુજરાતના સાધનસંપન્ન રજપુત પરિવારોમાં લોકાચારે આવનાર મૃતકની બહેન, ફોઈ, મામી, માસી મૃતકના ગામની ભાગોળે મિરાણી/ટાઢણ પાસે ખાસ મરસિયા ગવડાવે જેને રાજિયો ગાયો કહે છે.તે ગવડાવે છે.
કેટલાક કિસ્સામાં રાજિયો ગાનાર સ્ત્રીને સોનાની જણસ કે સારી એવી રકમની શીખ પણ મળતી હોય છે.
બીજી જ્ઞાતિઓમાં પણ મરસિયા ગવાય છે. મોટે ભાગે ગામમાં દરેક જ્ઞાતિમાં એકાદ બે સ્ત્રીઓ મરસિયા ગાવાની માહિર હોય છે તેને અમુક શીખ આપી કાંણ વખતે મરસિયા ગાવા સાથે લઈ જવાય છે.
લગ્નગીતોની જેમ તેને પણ મૃતક શું સગા થાય તેનું નામ,પરિવારની વિગતો અપાય છે.આમ જોઇએ તો મરસિયા એટલે નેવાંનાં પાણી મોભારે ચઢાવવાં…
વારે વારે મૃતકની પડનારી ખોટ..તેની સાથેની સબંધો,સ્મૃતિઓને વહેતી મુકીને, ઉભી થનાર પરિસ્થિતિની ભારે કલ્પનાસહ…..
મરસિયાની શરૂઆત ધીમે ધીમે કરી તેના લયની તીવ્રતા વધારીને એક જબરજસ્ત સફળ મનોવૈજ્ઞાનિક સારવાર છે.
#આદિવાસી વિસ્તારોમાં પણ મૃતક પાછળ મરસિયા ગાવાની પ્રથા છે. તે સ્ત્રીઓ લાંબા રાગે મરસિયા ગાતી વખતે ગોળ ગોળ ફરતાં ફરતાં પગના ઠેબાથી કલ્લાંનો અવાજ કરીને તાલ આપે છે.
મરસિયા ત્રણ પેટા પ્રકારના ગણાય છે.
૧)રાજિયા:- આ મરસિયાનો પેટા પ્રકાર છે. તેના બે પ્રકાર છે.એક ઉભા હાથના, બીજા આડા હાથના. રાજિયામાં વેદનાનું ગાન હોય છે. મોટે ભાગે બાળક પાછળ ગવાય છે. તે ગાવાથી ઘરને શેરીમાં ઉદાસીનતા છવાઈ જાય છે.
૨)છાજિયાં:- સ્ત્રીઓ મરસિયા ગાતાં કુંડાળે પડી છાતી કુટે તેને છાજિયાં કહે છે. પરણિત પુરૂષ મૃતકની સ્મશાનયાત્રાની પાછળ મૃતકની વિધવા સાથે સ્ત્રીઓ શેરીના નાકે જઈને વિધવાને કુંડાળા વચ્ચે રાખી પોતે છાતી કુટેને વિધવાને પણ જોર જોરથી છાતી કુટાવે તેને પણ છાજિયાં કહે છે.જે સાચે જ દયનીય દ્રશ્ય હોય છે.
૩)પોક:- પરિવારના સભ્યોને મરણની પ્રથમ ખબર પડે ત્યારે મોટા અવાજે મૃતક સાથેના સબંધને સંબોધી કરાતી કાળારોડને પણ પોક કહે છે. મૃતકના સગાંઓ જ્યારે તેની અંતિમવિધી સમયે તેના ઘેર આવે ત્યારે તેને સંભાળીને રોકકળ કરે તેને પણ પોક મુકી કહે છે. મૃતકની વિધવા પરોઢિયે પોતાના પતિને સંભાળી એક ખાસ શબ્દો સાથે રુદન કરે છે.પોક કહે છે. મરસિયા મૃતક સાથેના સબંધ, મૃતકની ઉંમર, સામાજિક જવાબદારીઓ, મોભો, વૈવાહિક સ્થિતી, શારિરીક સ્થિતીને ધ્યાને રાખી અલગ અલગ ગવાય છે..
જેમ કે…..
ઘરના મોભીના મરસીયા (મૃતકની પત્ની)
- એ…ઘરનો મોભ ખડેડ્યો..હાય..હાય..
- એ…અમે ઉઘાડાં થઇ ગ્યાં…હાય..હાય
- એ…મારા ચૂડલાનો શણગાર નંદવાઇ ગ્યો… હાય..હાય
- એ…મારા સેંથો ને ચાંદલો રોળાઇ ગ્યા.. હાય..હાય.
- એ… અમને નોધારાં ને નિમાણાં મેલીને હાલી નીકળ્યા.. હાય..હાય
- એ..અમને ઓશિયાળાં ને અણોહરાં કીધાં… હાય..હાય
- એ…તમે અણધાર્યા પરિયાણ કર્યા.. હાય..હાય
- એ…અમને છેતરીને છેટાં કીધાં…હાય..હાય
- એ…કૂણી કાતળિયે ઘા પડ્યા..હાય..હાય
નાનકડું બાળક પાછુ થાય ત્યારે
અરેરે…ઊગ્યો એવો આથમ્યો…
અરેરે…છોડવો મોર્યો એવો કરમાણો..
હાયે….. ધાવણા હાય….. હાય…
ઘેર દોશીડો આવે રે, હાય ધાવણા
વૃંદ:હાય…..હાય…
ઘેર સોનીડો આવે રે, હાય ધાવણા
વૃંદ: હાય, હાય…
રૂડાં ડોડી બોર લાવે રે, હાય ધાવણા
વૃંદ:હાય…. હાય…
આગળ.. ધીમે ધીમે ચલતીના રાગે ઝડપ વધે..
કુણો છોડવો
વૃંદ:હાય, હાય…
સુના ખોયા
વૃંદ:હાય, હાય…
સુના ઘોડિયા..
વૃંદ:હાય, હાય…
તુટ્યા હાથ..
વૃંદ:હાય, હાય…
વારે વારે મૃતકની પડનારી ખોટ.. તેની સાથેની સબંધો, સ્મૃતિઓને વહેતી મુકીને, ઉભી થનાર પરિસ્થિતિની ભારે કલ્પનાસહ મરસિયાની શરૂઆત ધીમે ધીમે કરી તેના લયની તીવ્રતા વધારીને એક જબરજસ્ત સફળ મનોવૈજ્ઞાનિક સારવાર છે.
કોઇ યુવાનનું અકાળ મૃત્યુ થાય ત્યારે –
સાવરે સોનાનું માથે શિર ધરું
વૃંદ: હાય….હાય… વોય… રાજવી…
મોતીડાં તપે રે લલાટ રે,
વૃંદ: હાય….હાય… વોય… રાજવી
વૃંદ: હાય, હાય વોય રાજવી…
કેસરિયો કોણે ઓળખ્યો?
વૃંદ: હાય….હાય… વોય… રાજવી
વૃંદ: હાય, હાય વોય રાજવી…
હાયરે લાડા હાયે…હાયે
વૃંદ:હાય રે હાય..હાય
મારા ઘોડા બેસનારા..
વૃંદ:હાય..હાય..હાયે..હાયે
મારા તરવારૂના રાખનારા
વૃંદ:હાય..હાય..હાયે..હાયે
હાયરે લાડા હાયે…હાયે
દોશીડો આવે તમારી પોળ્યમાં મોળિયાના કોણ કરાવે મૂલ રે?
વૃંદ: હાય….હાય… વોય… રાજવી
કેસરિયો કોણે ઓળખ્યો?
વૃંદ:હાય.. હાય..વોય.. રાજવી…
‘રાજવી’ની જગાએ મરનારનું નામ મૂકીને પંક્તિ પલટાય છે. ‘કેસરિયો કોણે ઓળખ્યો!’
રાજવીનું મરણ થાય ત્યારે
રેવાજી પોઢ્યા,જમનાજી પોઢ્યા,
વૃંદ ઝીલે..હાય રે રાજવી.. હાય…. હાય
ક્યારે ય જાગશો…
વૃંદ ઝીલે..હાય રે રાજવી… હાય…. હાય
દીકરા રોશે,વહુવારૂ ય રોશે,
વૃંદ ઝીલે..હાય રે રાજવી… હાય… હાય
જીના રાજમાં…વૃંદ ઝીલે..હાય રે રાજવી.. હાય.. હાય
દીકરીઓ રોશે,જમાઈઓ રોશે
વૃંદ ઝીલે..હાય રે રાજવી. હાય. હાય
જીના રાજમાં.
વૃંદ ઝીલે..હાય રે રાજવી હાય હાય
જેમ મરસિયા આગળ વધે તેની ગતિને ધ્વનિ ય વધતી જાય…
#ભાઈ_મરે_ત્યારે_બેન_ગાય..
તલાયની પાળે વીરો દાતણીયાં માગે
વૃંદ ઝીલે..હો..રે..ભાઈને હાય..હાય
વૃંદ:હાય બંધવા હાય હાય
ક્યાં રે જોવું રે ક્યાં જોઉ વીરાની વાટો ક્યાં જોઉ
વૃંદ ઝીલે..હાયે શેરિયા હાય..હાય હાય
વૃંદ:હાય…મારા વીરા..હાયે
માના જણ્યા.
વૃંદ:હાય !! હાય..હાય
મોભ ફાટ્યો..
વૃંદ:હાય હાય
પાનેતરના ઓઢાડનારા..
વૃંદ:હાય હાય..હાયે..બંધવા..હાય હાય
#કુવારા_નવ_જુવાનનું_મરણ_થાય_ત્યારે
મિરાણી:તું તો લીલનો લાડો
વૃંદ:હાય..હાય..
મિરાણી: ઉગતો છોડવો
વૃંદ: હાય…હાય..
#વાંઢો_મરે_ત્યારે_સવારે_કે_બપોરે_ગવાતા મરસિયા…
અભિમન્યુ રણે ચઢ્યો, ઓતરા તે વહુને આણાં રે મોકલે હાય..હાય.
વૃંદ ઝીલે..હાયે..હાયે..
શું શું જોયું વીરા શું યે જોયું..
વૃંદ ઝીલે..હાયે..હાયે..
વીરો લીલનો લાડો
વૃંદ:હાય..હાય..
વીરો ઉગતો છોડવો
વૃંદ: હાય…હાય..
#દીકરીના_મરસીયા
ખળખળિયું ખોવાઇ ગ્યું, મનનું માદળિયું;
આ શિર પર તે સરિયું, વળીયું વાદળિયું.
ખળખળિયું ખોવાઇ ગ્યું, મનનું માદળિયું;
આ શિર પર તે સરિયું, વળીયું વાદળિયું.
#ગર્ભવતી_સ્ત્રી_મરે_ત્યારે…
મારા રતનની જણનાર હાલી નિસરી રે લોલ..
વૃંદ ઝીલે..હાય..હાય
આજ મારા સુના મેડીને મંદિરીયા રે લોલ
વૃંદ ઝીલે..હાય..હાય
લઈ ગઈ લઈ ગઈ આગણાનો કિલ્લોલ રે લોલ.
વૃંદ ઝીલે..હાય..હાય
મારી ઠાઠડીએથી કાંધ કોણ લઈ ગ્યું રે લોલ
વૃંદ ઝીલે..હાય..હાય
મારા પિંડેય નોધારા હવે રૈ ગ્યા રે લોલ
વૃંદ ઝીલે..હાય..હાય
ગઇ રે ગઈ મારા ચુલાની ફુંકનાર રે લોલ
વૃંદ ઝીલે..હાય..હાય
#નાનાં_બાળકોવાળી_બચરવાળ_સ્ત્રીના_મરસીયા
હાય હાય રે, કૂવામાં ઢેલ વિંયાણી..
હાય હાય રે, ઢેલને ચાર બચળાં..
હાય હાય રે, બચળાં કોણ ધવરાવશે
#બાળ_મહેમાન_આવીને_ચાલ્યું_જાય,
દુ:ખની છોળ વરસાવીને જતું રહે, ત્યારે મોં વળાય રાજિયો ગવાય છે.
ઊભા હાથનો રાજિયો…
રતનાગર ઘેર્યો રે હાય ધાવણા
વૃંદ:હાય… હાય
માંહી રતન તણાયાં રે
વૃંદ:હાય ધાવણા હાય..
હાય ઘેર દોશીડો આવે રે
વૃંદ:હાય ધાવણા હાય… હાય રાજિયો
#રાજપુત_પરિવારોમાં મીરાણીનો રોલ:
મૃતકની પત્નીને ચુડલા ક્રમ મિરાણી કરાવે તે ત્રાંબાનું વાસણ મિરાણી લઈ જાય.
મરણનો એક દિવસ છોડી રોટલો ભાગવાનો રિવાજ એટલે કુટુમ્બના ભેગા થઈ રોટલા ખાય..તે કહેવા પણ મિરાણી જાય…
ગુજરાતના ઈતિહાસમાં કેટલાક જીવતે જીવ મરસિયા ગવાયાના પણ દાખલા છે.
#ઉત્તરા_અભિમન્યુ
પરંપરાગત મૃત્યુગીતોમાં પૌરાણિક કથાનકો પણ ગવાય છે .એમાં અભિમન્યુ અને ઉત્તરાની કથાના રાજિયા નોંધનીય છે.
મને મારીને રથડા ખેલ રે, બાળારાજા !
કે મેં તો ધાવતાં બાળ વછોડ્યાં રે, બાળારાજા !
કે મને તેનાં તે પ્રાછત લાગ્યાં રે, બાળારાજા
કે મેં તો છાણે છાણું ભાંગ્યું રે, બાળારાજા !
કે મને તેનાં તે પ્રાછત લાગ્યાં રે, બાળારાજા
કે મેં તો દીવે દીવો કીધો રે, બાળારાજા !
કે મને તેનાં તે પ્રાછત લાગ્યાં રે, બાળારાજા !
કે હું તો પગ રે પાનીએ ધોતી રે, બાળારાજા !
કે મને તેનાં તે પ્રાછત લાગ્યાં રે, બાળારાજા !
કે મેં તો વહેતી નીકે પગ દીધા રે, બાળારાજા !
કે મને તેનાં તે પ્રાછત લાગ્યાં રે, બાળારાજા !
#અભિમન્યુનો_રાજિયો
અભેવન ચડ્યો રણવાટ રે, ઓતરાને તેડાં મોકલ્યાં :
ગયા દોશીડાને હાટ રે, ઘરચોળાં વસાવે મોંઘા મૂલનાં :
આપ્યાં ઓતરાને હાથ રે,ઓતરા હોંશીલીને પહેરવા:
પહેર્યાં છે વાર-તહેવાર રે, જેવાં પહેર્યાં તેવાં ઉતર્યાં:
#વીર_હમીરજીના_મરસિયા:
ચારણ વૃધ્ધા આઈ લાખબાઈએ વિદેશીઓના આક્રમણ સામે સોમનાથ મંદિરને બચાવવા ચાલેલી દશ દિવસની લડાઈમાં નવમા દિવસે વીર હમીરજીની ઈચ્છા મુજબ જીવતાં મરસિયા ગાવા સમરાંગણે પોઢેલા હમીરજી પાસે પહોંચ્યાં. મહાદેવની ધજા તરફ માથું નમાવીને આઇએ માથા પર મલીર ઓઢ્યું અને હમીરજીની શહાદતના હૈયાફાટ મરસિયા ઉપાડ્યા.
‘માથે મૂંગીપર ખારું, મોસાળ વસાવીસ. સોમૈયાને શીશ, અરપિયું તે અરઠીલા ધણી.’
વનકાંટાળાં વીર, મારે જીવીને જોવા રહ્યાં. આંબો અળવ હમીર. ભાંગ્યો મહોરીને ભીમાઉત.’
વળતે દિવસે વીર હમીરજીએ શહાદત વહોરી હતી. કેટલાક મરસીયા લોકપ્રિય થઈ લોકગીતો પણ બન્યાં છે જેમ કે….
મેં તો માર્યો છે કળાયલ મોર, કુંવર ચેલૈયા !
ચેલૈયા રે, કુંવર ! ખમ્મા ખમ્મા તુંને
મારે હાલરડે પડી હડતાળ, કુંવર ચેલૈયા !
ચેલૈયા રે, કુંવર ! ખમ્મા ખમ્મા તુંને..
અમે જાણ્યું ચેલૈયાને પરણાવશું, અને જાડેરી જોડશું જાન;
ઓચિંતાના મરણ આવિયાં,એને સરગેથી ઊતર્યાં વેમાન- કુંવર ચેલૈયા…
વળી નમે તો ભલે નમે, તું કાં નમ્ય ઘરના મોભ ?
જેના કંધોતર ઊઠી ગિયા, એને જનમો-જનમના સોગ-કુંવર ચેલૈયા..
કવિ દુલા કાગે કાગવાણીમા લોડણના ગાયેલા ખીમરાના મરસિયા પણ નોધ્યા છે…
ખાંભી ખંભા પર મન વીસોયતે લાગે નહીં
કાઢું મારા પ્રાણ ખીમરા તારી ખાંભી માથે
સારસ પંખીની જોડ, જુદી કદાપી ન પડે,
જો પડે એકની ખોટ,બીજું માથું પટકી મરે,
ખીમરા મોટી ખોટ,માણસને મરવા તણી,
બીજી લાખ કરોડ,એ સમી એકે ય નહીં,
અણીવારા અમ ઉર,ભીસુ તો ય ભાગે નહીં,
બળ કરતાં હું ય બીઉ,તારી ય માથે ખીમરા,
કાચલીયુને કપુરે ય વીગતે વીગતે વાવજો,
આવવું પડશે જરૂર,ખાભી જુવારવા ખીમરા,
(અપૂર્ણ)
ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગૌરીવ્રતના જાગરણમાં કન્યાઓ ‘દેદો’ કૂટે છે. દેદા નામના કોઇ શૂરવીરને યાદ કરીને દેદાના રાજિયા ગાય છે.
#દેદાના_રાજીયા
દેદો પીઠી ભરેલો લાડડો રે,
દેદાને જમણે હાથે મીંઢોળ..
દેદો મરાણો લાઠીના ચોકમાં રે.
દેદાને માથે છે કેસરી પાઘડી રે,
દેદાને ખંભે ખંતીલો ખેસ..
દેદો મરાણો લાઠીના ચોકમાં રે.
દેદાને રોજી ઘોડી છે રાંગમાં રે,
દેદાને જમણે હાથે તલવાર..
દેદો મરાણો લાઠીના ચોકમાં રે.
#દેદાના_છાજિયા
દેદો કૂટ્યો, હાય હાય..
કોણે માર્યો, હાય હાય..
લીળનો લાડો,હાય હાય..
મીંઢળબંધો, હાય હાય..
આમ મરશિયા અને છાજિયા કૂટવાની નાની દીકરીઓને તાલીમ પણ મળે છે. આમ જોઇએ તો વ્રતો, તહેવારોને મેળાલોકજીવનની જીવંત પાઠશાળા છે. મોં વાળતાં શીખે છે. ‘લવો’ વાળતાં શીખે છે. રૂદનની કળા શીખે છે.
ટૂંકમાં મરસિયા એટલે વ્યક્તિના મૃત્યુનો હાયકારો જે મનમાં પેસી ગયો હોય છે તેને વારંવાર,ચડતા ક્રમના લયે…..
હાય..હાય..કરી.. હાયકારાને હટાવવાના શોકગીતો…
ક્યારેક મરસિયામાં પણ ભારે રમુજ થયાની વાતો સાભળવામાં આવે છે..
આવી એક વાત..
કોઇના લોકાચારે જવાનું હોય ને મરસિયા ગાતા જનારમાથી કોઈને ન આવડતું હોય તો મીરાણીને સાથે લઈ જવાનો રિવાજ છે. આ મીરાણીને મૃતક અને લોકાચારે જનાર સાથેનો સબંધ, મૃતકનુ નામને ખાસિયત કહેવી પડે જેથી તેને મરસિયામાં સારી પેઠે ગાઇ શકાય…
એમાં એકવાર એવું બન્યું કે શોકાતુર શોકમગ્ન્ હોઈ આ વિગતો આપવાની રહી ગઇ…ને મૃતકનુ ગામ આવી ગયું.. એક નાળિયામાથી ગામમાં આવ્યાં.. રસ્તામાં મિરાણીએ વાડ પર તુરિયાના વેલા પર તુરીયા જોયાં.. વિચાર કર્યો કે વળતા લેતાં જઈશુ…તે આ વાત સાથી બાઇઓને કહે તે પહેલાં ગામ આવી ગયું… તુરિયાની વાત મિરાણીના મનમાં જ રહી… ગામની ભાગોળમા મરસિયા ગાવાની પ્રથા…
મૃતકની વિગત તો હતી નહીં… તરત જ મિરાણીએ મરસિયા ઉપાડ્યા……
મિરાણી: કડવાં તુરીયા,
વૃંદ: હાય હાય
મિરાણી: વાડે વરિયા ,
વૃંદ: હાય હાય
મિરાણી: ક્યારે વરિયા,
વૃંદ: હાય હાય
મિરાણી:ક્યાંથી વરિયા ,
વૃંદ: હાય હાય
મિરાણી:કેમે વરિયા ,
વૃંદ: હાય હાય
મિરાણી: નહોતું ધાર્યું ,
વૃંદ: હાય… હાય હાય
મિરાણી: હતાં ત્યારે આટલે ને ગયા ત્યારે આટલે હતા
વૃંદ:હાય..હાય
કહેવાય છે કે વળતાં વાડેથી તુરિયા લાવેલા….
આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..
- “ભરવાડ” ગ્રામ્ય જીવનના સ્તંભ- 20
- “પગી” ગ્રામ્ય જીવનના સ્તંભ- 21
- બળદગાડામાં જુના જમાનાની જાન: ગ્રામ્ય જીવનના સ્તંભ- 22
- ટ્રેકટરમા જાન: ગ્રામ્ય જીવનના સ્તંભ- 23
- ટ્રકમાં જાન: ગ્રામ્ય જીવનના સ્તંભ- 24
- “ગામડાના લગ્નો” ગ્રામ્ય જીવનના સ્તંભ- 25
- “લગ્નનું જમણ” ગ્રામ્ય જીવનના સ્તંભ- 26