“અશ્વસવારી” ગ્રામ્ય જીવનના સ્તંભ- 40

મારા ગામે શ્રી મણીલાલ બાપુજી મહેતા.. જ્ઞાતિએ વણિક…વરસો પહેલાં બાજુના ગામ કુકવાવથી અમારે ગામ સ્થાયી થયેલ. ધંધો વેપારને ધારધીરનો, શોખે ઘોડો.. તેઓ મણીલાલ મોટા જિનવાળાથી જાણીતા હતા..તેમનું જિન દેત્રોજ રેલ્વે સ્ટેશન પાસે આવેલું હતું. તેમની પાસે એવો એક ઘોડો હતો.

અમારા ગામથી દેત્રોજ ચાર કી.મી.થાય. મણાભા રોજ ઘોડેસવારી કરી જિન પર જતા..જે સમયે એકસો રૂપિયે વીઘો જમીન મળતી હતી તે વખતે તેઓએ રૂ.પ૦૦માં આ ઘોડો ખરીદેલ…તેઓ અમારા ગામે ટ્રેન આવે તેની સાથે તેમનો ઘોડો દોડાવી ટ્રેનની સાથે જ દેત્રોજ સ્ટેશને પહોચતા… આ દ્રશ્ય ટ્રેનમાંથી જોવુ એ એક લહાવો હતો.. તેમની ઘોડા અંગેની જાણકારી પણ શેર કરવી છે..આવો જાણીએ ઘોડો..અશ્વ,

સિંહ અને ઘોડો પૂર્ણ *નર* કહેવાય છે. સિંહ અને ઘોડો એટલા માટે પૂર્ણ નર છે કે, તે સસ્તન પ્રાણી હોવા છતાં, પણ ઘોડા અને સિંહ (નર) ને સ્તન હોતા નથી. ધરા પર અઢી નર એક નર સિહ બીજો નર ઘોડોને અડધો નર પુરૂષ…

આપણી લોક સંસ્કૃતિમાં ઘોડાનું અનેરૂ સ્થાન છે પછી તે પાળીયા પર હોય, લોક સાહિત્યકારની જીભે હોય, કાવ્યે,દોહાએ હોય, ચેતક હોય,માણકી હોય,રણમેદાન હોય, વરઘોડામાં હોય, સુરજદાદાના રથના ઘોડા હોય, એમાં ય ખાસ કરીને ચારણી સાહિત્યમાં તો ઘોડાની વાતોનો ટુટો નથી…

આદિવાસી સંસ્કૃતિમાં પણ દેવ દેવીઓ માટીના ઘોડલીયા ચઢાવવાની પ્રથા પણ છે. બાબારી રામાપીરને પણ રેશમી કાપડના લીલા રંગના ઘોડા ચઢાવાય છે. આધુનિક યુગમાં પણ ઘોડેસવારી, ઘોડાદોડની રેસની હરિફાઈ ભારે રસપ્રદને રોમાંચક રહે છે.. આજે પણ ઘોડો સ્ટેટસ સિમ્બોલ ગણાય છે..

અશ્વએ ઘણું ચતુર અને ચબરાક પ્રાણી છે. અશ્વ ઉછેર અને અશ્વપાલન ૩૦૦૦ વર્ષ પહેલાં શરૂ થયેલ છે. અશ્વોનો ઉપયોગ મિલિટરીમાં, ખેતીવાડીમાં ટ્રાન્સપોર્ટમાં, રમત-ગમતમાં તથા માંગલિક પ્રસંગોમાં બહોળા પ્રમાણમાં થાય છે. અશ્વ એ ખૂબ જ વફાદાર પ્રાણી છે. પ્રાચીન સમયમાં યુદ્ધોની હાર-જીતનો આધાર જે તે રાજ્યોના અશ્વદળ ઉપર રહેતો. અત્યારના આધુનિક જમાનામાં પણ અશ્વોનું ઘણું મહત્ત્વ છે.

સામાન્ય રીતે ઘોડાનુ આયુષ્ય ૩૫ થી ૪૦ વરસનું હોય છે.માણસની જેમ તેને પુરા બત્રીસ દાત હોતા નથી.એકાદ વરસના વછેરાને દાત આવી જતા હોય છે.દોઠઢેક વરસે તેને દાઢો સહિત પુરેપુરા દાત આવી જાય છે.ચારેક વરસનો થાય ત્યારે તેના દુધિયા દાત પડીને નવા દાત આવે છે.તે દસ દાત અને છ દાઢો કુલ મળી સોળની સંખ્યાએ હોય છે.નવાઈની વાત એ છે કે ઘોડો છ વરસનો થાય ત્યારે તેના નવા ઉગેલા દાત પર મેલ દેખાવાનુ શરૂ થાય છેને સાતમા વરસે બધા જ દાતને દાઢો મેલા પડી જાય છે.આઠમા વરસે પાછા તે સાફ થઈ ચકચકાટ વરતાય છે.ફરી પાછા નવમા વરસે તે પીળા પડી જાય છે.વળી અગિયાર વરસની ઉમરથી પંદર વરસ સુધીમાં તેના દાત સફેદીથી ઝગમગતા દેખાય છે.વીસની ઉમરથી ત્રીસ સુધીમાં તે હાલવા માડે છે. ક્યાક ક્યાક પડવા પણ લાગે છે.માત્ર લાલને ચીકણા દાત જ મજબુત હોય છે.

અમારા મણાભાનુ ઘોડા વિષેનું જ્ઞાન મને અદ્ભૂત લાગ્યું.. તેમના મુજબ..ઘોડા મૂખ્યત્વે સાત રંગના હોય છે. ભમર, સફેદ, નીલો,રાતો,પીળાશ પડતો અને સારંગ….

એમાં ય સારી ઓલાદની ગણાતી જાતોમાં હરીયાણ, કશ્મીરી,ગામદેશ, સિન્ધી, ગંગાપાર,ખુરાશાની, પરબતી,ધાર્ટ, કચ્છી, અરબી, ફિરંગી,તુર્કી,કોકણ,અસ્પેતાજી, ભાડુજ, તીલમ, ખાપરને દીવડનો સમાવેશ થાય છે.

જે ઘોડાની ચાલમાં પગની ચંચળતા હોય, પદ્મ આકારનું ને ચોખ્ખું મો હોય,દોડતી વેળા કાન ઉડતા હોય તેવા લાગે,માછલીની જેમ તરતો હોય તેમ દોડતો હોય,દેડકાની જેમ આડાઅવળા પગે દોડતો હોય,સસલા જેવી દોડને ઈશારા ઝડપથી સમજી જતો હોય તે સારી જાતનાં નિશાન છે.

ઘોડાની પરખ તેના શરીરની ભમરી પરથી પણ થાય છે જેમ કે….

કપાળે એક ભમરી,કપાળ વચ્ચે બે ભમરી, કપાળે ઉપરાઉપરી ત્રણ ભમરી,એક કે બેય ગાલ પર ભમરી, માથામાં, કંઠે તે સારી નિશાની ગણાય છે.

જેના પેટવાળે,છાતી પર,પુછડા પર બે તે ભમરી અશુભ નિશાનીઓ ગણાય છે.

ધોડા ચાર વર્ણના હોય. શુદ્ર,વૈશ્ય,બ્રાહ્મણ ને ક્ષત્રિય..

આ સાથે તેમણે તેના વર્ણવાર લક્ષણો પણ બતાવ્યાં..

જે ઘોડો રાખોડી ભાળેને આળોટવા પ્રયત્ન કરે,જેને માટી પ્રિય હોય,પાણી પીવા જાય ત્યારે પાણી આવે અટકી જતો હોય, પાણીથી બીતો હોય તેવો ઘોડો શુદ્ર કહેવો.

જે ઘોડો દેખાવે હૃષ્ટપૃષ્ઠ હોય,ઘુટડે ઘુટડે અટકી અટકી પાણી પીતો હોય,વારેવારે ભડકી બી જતો કે ચમકી જતો હોય તેવો ઘોડો વૈશ્ય વર્ણી કહેવાય..

જે ઘોડો પાણી પીતી વખતે આગલા પગની તરાપ મારતો હોય,ક્યારેય બીતો કે ચમકી જતો ન હોય,ભયના કે યુધ્ધના વાતાવરણે ભાગી જતો ન હોય,જેને અગ્નિ ગમતો હોય,સવારની સંભાળ રાખતો હોય તેવો ઘોડો ક્ષત્રિય વર્ણી કહેવાય.

જે ઘોડો પાણી પીતી વખતે આખું મોઢું ને આખો ડુબાડી દેતો હોય,જેને પાણી પસંદ હોય,યુધ્ધ કે ભયજનક વાતાવરણમાં ભાગી જતો હોય,અણીના સમયે પોતાના સવારને ફેકી દઈ ભાગી જતો હોય તેવા ઘોડાને બ્રાહ્મણ વર્ણી કહેવાય. આ ઉપરાંત ઘોડાને ….હરડિયો, માકડો, છપરિયો, ચોટીલો, સળિયો, દાવલિયો, કોહાલ, રૂપાળિયો ફૂલમાળિયો, માણેક, બોરિયો, તાજણિયો લખિયો, કેશિયો, શિંગાળિયો, બાદરિયો કેસરી, રેડિયો, માલિયો, બોદલિયો, ચવરઢાળ, જખાદિયો, હરણિયો, મારૂચો, ડોલર, રેશમિયો, લખમિયો, વાગળિયો, બેગડિયો, ચટપંખો, નાગફણો, બહેરિયો, મોરધજ, પારખમણી, પરૈયો, પોપટ, સારટિયો, રીમિયો, બાજળિયો, ચિંતામણી, અગરિયો, પરવાળિયો, છલબલ, તોખારિયો, સાંકળિયો, કાબર, ઘૂમટી, કાલડી, કાગડિયો, પંખાળિયો, હસળિયો, મણિયો, આખાડિયો, રામપહા, કાળીભાર, પૂતળિયો, તેજો, ખંખારિયો, સળિયો, દાવલિયો, કોહાલ, રૂપાળિયો, હરડિયો, માકડો, છપરિયો, ચોટીલો, હીરાળો, માછલિઓ વગેરેથી ઓળખવામાં આવે છે.

મે એમ જ પુછી નાખ્યું કે શ્રેષ્ઠ ઘોડો કોને કહેવાય તેના લક્ષણો કયાં કયાં હોય??

તેમણે જણાવ્યું કે….

શ્રેષ્ઠ પ્રકારના ઘોડા સાત પ્રકારના હોય, ચક્રવાક,પાશપંખ,કલિકંઠ,અશ્વમેઘ, અષ્ટમંગલ,પંચકલ્યાણી અને મંગળ,

કુમેત,અબલખ,પીળો,સફેદને રાતો આ પાચે ય રંગનો ઘોડો રંગ બદલે તો તે શ્રેષ્ઠ કહેવાય..

આખા શરીરે ટપકાં ટપકાં હોય આવા ઘોડાના અસવારની પાયગામા બીજો એકેય ઘોડો ટકે નહીં. એટલે બીજા ઘોડાથી આગળ વધાય નહીં.

જે ઘોડાનો વાન સફેદ,એક પગ ધોયેલ હોય,બે ય કાન કાળા હોય,બે ય આખો લાલ રેખાઓ વાળી મોટી હોય તે અશ્વમેઘ કહેવાય.

ચાર પગને મોઢું ધોયેલુ હોય,છાતીમાં સફેદ ચાઠુ હોય તે અષ્ઠમંગલ કહેવાય.

ફક્ત ચારે પગ અને મોઢું ધોયેલ હોય તે પંચકલ્યાણી કહેવાય.

આગલો જમણો પગ અને પાછલો ડાબો પગ ધોયેલો હોય તે પાશપંખ કહેવાય.

વાને પીળો,ચારે પગે ધોળો,બે ય આખે ચક્રવાળો ઘોડો ચક્રવાક કહેવાય.
મધ્યમ પ્રકારના ઘોડા ત્રણ રીતે ગણાય છે. જમદુતી,ભસ્માગીને વરણગમો…

નિમ્ન કક્ષાનો ઘોડો કોને કહેવાય તેનાં લક્ષણો કયાં કયાં હોય???
તેમણે જણાવ્યું કે……

નિમ્ન કક્ષાના એટલે કનિષ્ક ઘોડાના અઢાર પ્રકાર ગણાવાય છે.

પુષ્પક,બોરીયો, દિવ્યાંગી,નીલઅંજની, પદ્મંજનિ, કાલંજનિ,પીળઅંજની, હીણદંતો, અધિદંતો, ભમરાળો,કરાલ, કાળનાલ, કાળમુખો, આહિમુખો, કોડાળ,કરાલ, પાસપાતળોને નેવરીયો…

ભમર અને લીલા ઘોડાનો રંગ બદલાય તો તે કનિષ્ઠ ગણાય આવો ઘોડો રાખવો નહીં.

ચારે પગ કાળા હોય સફેદ દિલ,ત્રણ પગ સફેદ, મોઢા પર ધોળું વાદળું તેવો ઘોડો યુધ્ધમાં હાર અપાવનાર તેનો સવાર દુ:ખી રહેતો હોય છે.

પાછલા બે પગ સફેદ ને માથે વાદળું તેના અસવારને માથે સદાય દેવું હોય..

એક પગ ઉજળો,ત્રણ પગ કાળા,આખા શરીરે જુદા જુદા રંગ,મોઢા પર ચાઠા તે પુષ્પક ગણાય.

જેના શરીરનો રંગ એક જ હોય અને બીજા રંગના ધબ્બા હોય તે બોરીયો ગણાય..

જેના શરીરનો રંગ એક જ હોય પછવાડે લીલા રંગનુ ધાબું હોય તે નીલંજની ગણાય.

જેના શરીરનો રંગ એક જ હોય અને રમચી જેવા રંગનું ચાઠુ ધરાવતો હોય
તે સવારનો ધાતક ગણાય છે તેવો ઘોડો પદમંજનિ કહેવાય.

શરીરનો રંગ એક હોય પણ હૈયા પાસે પીળો ધબ્બો હોય તેને પીળઅંજનિ કહેવાય..

સોળથી ઓછા દાત ધરાવતો હોય તે હીણદંતો કહેવાય.

સોળથી વધારે દાત ધરાવતો હોય તે અધિદંતો કહેવાય.

જે ઘોડાને હૈયા પર ભમરી હોય તે ભમરાળો કહેવાય.

જેના દાત મોટા હોય અને નીચેનો હોઠ અડધો હોય તે કરાળ કહેવાય.

જેનું ઉપલુ જડબું લાબું હોય તે કોડાળ કહેવાય.

જેનું તાળવુ કાળુ હોય તે કાળનાળ કહેવાય.

કોઈપણ રંગનો ઘોડો હોય પણ તેના મોઢાનો રંગ કાળો હોય તે કાળમુખો કહેવાય..

જેનું મોઢું સાપના મો જેવું હોય તે અહિમુખો કહેવાય..

જે છાતીથી પહોળો હોયને પાછળો ભાગ પાતળો હોય તે પાસપાતળો કહેવાય.

ચાલતી વખતે જેના આગળના બે પગ એકબીજાને અડી જતા હોય તેને નેવરીયો કહેવાય. મણાભાએ ઘોડા અંગે એક રસપ્રદ વાર્તા પણ કહી.. કે… ઘોડો દૈવી સત્વ ધરાવતું પ્રાણી છે.ઋષિ સત્યવચને એક મહાયજ્ઞનુ આયોજન કરેલ હતું. આ યજ્ઞ વેદીમાંથી નીકળતા ધુમાડાના ગોટા તેમની આખમા જતા તેમની આખમાથી કેટલાક અશ્રુઓ યજ્ઞકુડમા પડ્યાં..અને કુડમાથી પાખોવાળા ઘોડા ઘોડીની જોડી પ્રગટ થઈ. આમ થવાથી બ્રહ્માપુત્ર આ ઋષિ અશ્વયાન ઋષિના નામે ઓળખાયા..

આ અશ્વજોડી આખો દિવસ આકાશમાં વિચરતા અને બ્રહ્માંડની પ્રદક્ષિણા પુરી કરી સાજ પડે ઋષિના આશ્રમે પરત ફરતા… આ અશ્વજોડી એકવાર પૃથ્વી પરથી ઉડીને ઈન્દ્રપુરી પહોંચી ગઈ..ઉડીને ઈન્દ્રપુરીનુ અવલોકન કરતા કરતાં તેમની નજર ઈન્દ્રરાજાના સુંદર ને અલોકિકને હરિયાળી યુક્ત બાગ પર પડી..તે બાગમાં ઉતરી પડ્યાં. પેટ ભરીને લીલું લીલું મસ્ત મજાનું ઘાસ ચર્યુ. આ તેમનો રોજનો ક્રમ થઇ ગયો..માળીએ પણ જોયું કે કોઈક રોજેરોજ બગીચાની લીલોતરી ચરી જાય છે. ઈન્દ્રરાજાને ખબર પડશે કે કોઈ બાગની લીલોતરી ચરી જાય છે તો તેને ઈન્દ્રરાજાની નારાજગી વહોરવી પડશે કદાચ સજા પણ થાય… આથી તેણે બગીચાના રખેવાળને આ વાતની જાણ કરી.. ખાસ ધ્યાન રાખવા તાકીદ પણ કરી.

રખેવાળે પણ ખાસ ચીવટપુર્વક ધ્યાન રાખ્યું.. તેમ છતાં બગીચાની રંજાડ ચાલુને ચાલુ રહી…કારણ કે અશ્વજોડી તો આકાશ માર્ગથી આવી, ચરી,ઉડી જતી હતી.. દિવસો જતા ગયા..બગીચાની લિલોતરી કપાતી ગઈ.રખેવાળ પણ દિવસ રાત ચોકી કરતો રહ્યો પણ કાઈ હાથ લાગ્યુ નહીં.. બગીચો દિન પ્રતિદિન ઉજડતો ગયો.. ઈન્દ્રરાજાએ દિનપ્રતિ દિન ઉજડતા બાગથી ક્રોધાયમાન થયા.તેમણે માળી અને રખેવાળને બોલાવી ધમકાવ્યા.

બે જણાએ મળી કોઇ અદશ્ય પ્રકોપની વાત ઈન્દ્રરાજાને કરી… આ અદશ્ય રંજાડનો તોડ કાઢવા ઈન્દ્ર પોતે બગીચામાં સંતાઈ ગયા. રાબેતા મુજબની રીતે આ અશ્વજોડ આકાશમાંથી ઉતરી લિલોતરી ચરવા લાગી. ઈન્દ્રરાજાને પણ અચરજ લાગી કેમ કે તેમણે પણ આવા ઉડતા પ્રાણી ક્યારેય જોયાં નહોતાં.. તે કુતૂહલવશ તેમને ચરતા જોઈ રહ્યા. તેમની હિલચાલ પારખતા તે જ સ્થાને બેસી રહ્યા.

ભરપેટ ચરીને અશ્વજોડી ઉડવા લાગી..ઈન્દ્ર પણ તેની પાછળ અંતરિક્ષમાં ગયા.જોડી ધરતી પર અશ્વયાન ઋષિના પુત્ર શાલિહોત્રના આશ્રમે ઉતરી..
હવે ઈન્દ્રને સમજાયું કે આ પ્રાણીઓ શાલિહોત્ર ઋષિનાં છે.તેમણે ઋષિને મળી પોતાના બગીચાની વાત કરી ઋષિને ઠપકો આપ્યો.. ઋષિને પણ આ જોડી પર ગુસ્સો આવ્યો.. તેમણે ઈન્દ્રને તેમની પાખો કાપી નાખવા કહ્યું. ઈન્દ્રે ઋષિની આજ્ઞાનુસાર તેમના વજ્રથી પાખો છેદી નાખી.. વજ્રના ઘા અને પાખો કપાઈ જવાથી તે ભારે વિલાપ કરવા માડ્યા.ઋષિને તેમના પ્રતિ કરૂણા ઉભરી..

આશ્વાસન આપી વરદાન આપ્યું કે..તમારો વંશ વધશે..રાજ દરબારમાં તમને સ્થાન મળશે.. યુધ્ધમાં તમે યશસ્વી થશો. આમ ઘોડાઘોડીને કાયમ બનાવવા શાલિહોત્ર ઋષિએ એક શાસ્ત્રની રચના કરી..

કહેવાય છે કે ઘોડા પાસે શેતાન આવી શકતો નથી માઠા બનાવની ૪૦ દિવસ અગાઉ તેને ખબર પડે છે. જે ઘરમાં ઘોડો હોય ત્યાંથી બલા તથા દુ:ખ દૂર થઈ ઘ઼ણી આઝાદી ભોગવવાનું મનાય છે.

ઘોડાની નાળ કે જે ઘોડાના ડાબલા પર ઘસાઇ હોય તેને ઘર ના મુખ્ય દ્વાર પર રાખવાથી મેલી વસ્તુ ઘરમાં પ્રવેશી શકે નહિ.

આ પોસ્ટનો હેતુ ગ્રામ્યજીવનની પરંપરા ઉજાગર કરવાનો છે.

આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

સાવ વીસરાઈ ગયેલું પાંચ હજાર વર્ષ પુરાણું દિવાળીના અવસરના મેર-મેરાયું

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!