“અંતિમયાત્રા” ગ્રામ્ય જીવનના સ્તંભ- 43

ગ્રામ્યજીવન એક અનોખું જીવન હતું. આજથી પચાસેક વરસ પહેલાં કોઈના ય ઘરે દીકરા દીકરીનો જન્મ હોય, કોઈના ઘરે રાંદલ હોય, નવા ઘરનું વાસ્તુપુજન હોય, લગ્ન પ્રસંગ હોય કે પછી શ્રીમંતનો પ્રસંગ હોય કે કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે આખુ ગામ જે તે પ્રસંગને પોતાનો જાણી ભરપુર આનંદ ઉઠાવતુ.

સાથે સાથે કોઈના ય ઘરે અશુભ પ્રસંગ જેવી કે મહાબિમારી, આકસ્મિક આવી પડેલ મુસીબત, આગજનિ કે લુટફાટના સમયે તેથી ય વધારે દુ:ખનો ભાવ પ્રદર્શીત થતો..આવા સમયે એકમેકને હૂંફ આપી સાંત્વના પણ આપતા હતા…

એમાં ય ખાસ કરીને મૃત્યુ પ્રસંગે જુના ગ્રામ્ય જીવનની કેટલીક રીતભાતો કહેવી છે.. ગામમાં કોઈ વધારે બીમાર હોય ત્યારે કે દર્દીની પાસે કે ના તેના પરિવારના અને આડોશી પાડોશી છેલ્લી ઘડીએ લગભગ હાજર હોય કમનસીબે જો તેનો મૃત્યુ થાય તો કોઈ અનુભવી અભિપ્રાય આપે… હવે તેમનું મરણ થયું છે ત્યારે એક રોકકળ કરવામાં આવતી જેને પોક પાડી કહેવાય. આ પોક થી ગામમાં બધાને ખબર પડે… મૃત્યુ થયું છે પછી એક એક કરીને બધા ભેગા થાય…..શબને ખાટલેથી ઉતારી જમીન પર મુકાય..તેની સામે ઘીનો દિવો કરાય..એ સમયે ગામમાં કોઈનું ય મરણ થાય ત્યારે પ્રથમ તો મૃતકના ઘરે લગભગ બધા જ ગ્રામજનો હાજર થઈ જાય…વડીલો પરિવારજનોને દિલથી આશ્વાસન આપી તેને હિમત આપે… જુવાનીયાઓ ચૂપચાપ વડીલોના આદેશના પાલન કરે.. મૃતકના નજીકના સગા જેમ કે તેની દીકરીઓ, બહેનો વેવાઈવેલાને પ્રથમ જાણ કરાતી…

ગામના ઓળગાણા જ્ઞાતિના મૃતકના વંશપરંપરાગત ઘરાકને બોલાવી જ જલ્દી આવી શકે તેમ હોય તે સગાને ગામ મોકલી સમાચાર મોકલાતા…તે સમયે આટલી વાહન વ્યવસ્થા પ્રાપ્ય નહોતી મોટે ભાગે પબ્લીક વાહન જેમ કે બસ કે રેલ્વેનો શક્ય હોય ત્યા ઉપયોગ કરે…રાતવરતનો સમય હોય તો પગપાળા જ તે સમાચાર પહોચતા કરાતા… આ કામ પેટે સામે ઘરે જ્યાં સમાચાર અપાતા તે ઘરેથી સમાચાર લઈ જનારને મોટેભાગે અનાજ કે વસ્ત્ર અપાતાં આમ મૃત્યુના સમાચાર આ રીતે મોકલાતા હતા.

દિવસ આથમ્યા પછી મરણ થયું હોત તો સવારે તેની અંતિમયાત્રા હોય. આખી રાત ગામના લોકો મૃતકના ઘરે બેસી રહેતા વહેલી સવારે ગામના યુવકો સ્મશાને લાકડા પહોચતા કરતા, ગામડાઓમાં અગાઉના સમયમાં કોઈનું ય લાકડુ સ્મશાને લઈ જવાની છુટ હતી.. ગામમાંથી જ્યાં પણ કે જેને ત્યાં વાસની વળીઓ પડી હોય તે લાવી તેને કાપી કારવી તેની નનામી તૈયાર કરાય,

ગામના કુભારને મરણની ખબર પડે કે તરત જ તેના ઘરેથી કાળી દોણી પણ આવી જતી, ગામના હરિજનો ડાભની દોરી પણ સમયસર આપી જાય, આવવા વાળા સગાવહાલા આવી જાય પછી..વિધીવત રીતે મૃતકને સ્નાન કરાવવામા આવે, ત્યારબાદ મૃતકના ઘરની પુત્રવધૂ તેના હાથે ગાયના છાણથી લીપીને ચોકો તૈયાર કરે.. આંગણમા અડાયા છાણાં સળગાવી અગ્નિ તૈયાર થાય. મૃતકના દેહેને સ્નાન પછી ચોકા પર સુવડાવાય, મોમાં સોનાની કરચ અર્પાય, ફૂલથી પુષ્પાજલિનો વિધી ચાલુ થાય, આમ ઘરનાં, સગાવહાલા ને ગામલોકો દેહની પ્રદક્ષિણા કરી અંતિમ દર્શન કરે..ત્યાર પછી શબને નનામી પર મુકીને બંધાય… આવા પ્રસંગોએ અમારા ગામમાં બધા જ સ્મશાને જતા હતા હવે તો સ્મશાન જવામાં પણ આળસ ચડે છે.. અગાઉ જ્યાં સુધી મૃતકના દેહને અગ્નિ ન અપાય ત્યાં સુધી આખા ય ગામમાં ચુલો સળગતો નહીં..

આખા ગામના લોકો વારાફરતી નનામીને કાંધ આપતા હતા. આજે માટે માંડ આઠ દસ જણા જ મૃતકના નજીકના સગા હોય તેજ કાંધ આપે છે મૃતકના ઘરથી છેક સ્મશાન સુધી ના નામે નનામી ને કાંધ આપી લઈ જવાતી હતી…

અત્યારે શેરીના નાકેથી કોઈ વાહનમાં મૂકી સ્મશાને લઈ જવાય છે. ગામની સ્ત્રીઓ પણ સ્મશાન યાત્રા ની પાછળ પાછળ ઘીનો દિવો લઈ રોકકળ કરતી કરતી ગામના નાકા સુધી જતી હતી અને ગામ તળાવે સ્નાન કરવા જાય..

તેની સામે આજે જોઈએ તો સ્મશાનમાં માંડ ત્રીસ-પાંત્રીસ જણ આવે છે. અગાઉના સમયમાં સ્મશાન ગયેલ દરેક વ્યક્તિ જ્યાં સુધી શબ સંપૂર્ણ મળી રહે બળી અને તેના અસ્થિ ન લેવાય ત્યાં સુધી બધા જ સ્મશાને રોકાતા.. આજે તો સવારે આઠ વાગ્યે કાઢી જવાના હોય તો પોણા આઠ વાગ્યે થોડાઘણા લોકો ભેગા થાય છે, અને જેવા વાહનમાં મૃતદેહને મૂકે અને સ્વજન હાથ જોડે એટલે અડધી પબ્લિક ગાયબ, અને શહેરોમાં તો સ્મશાનમાં ઇલેક્ટ્રિક ભઠ્ઠીમાં મૂક્યા પછી બીજી અડધી અને છેલ્લે અસ્થિ લેતી વખતે તો માંડ પાંચ સાત જણા ઉભા હોય છે.. એક ઘરના ને મૂકી લગભગ બધા જ પાછા વળી જાય છે.

ગામ નો વાળંદ જે કોઈ સ્મશાન ગયા હોય તે પુરુષોના ધોતી વગેરે તેમના ઘરેથી મેળવી ગામના તળાવની પાળેે આવી જાય અને સ્મશાનેથી આવેલા ડાઘુઓ સ્નાન કરે એટલે તે કપડા તેમને વાણંદ ઓળખી ઓળખીને આપતો હતો ક્યારેક તેમાં કપડા બદલાઈ જવાની એને તેનાથી હાસ્યાસ્પદ પરિસ્થિતિ હતી. અગાઉની રીતે બધા જ ગામ તળાવમાં સ્નાન કરી આવતા અને મૃતકના ઘર આગળ બેસી કોગળો કરતા.

ગામડાઓમાં એવો રિવાજ હતો જે દિવસે અગ્નિદાહ દેવાયો હોય અને મૃતકની ટાઢી ન વાળે હોય ત્યાં સુધી મૃતક ના ઘરે રસોઈ બનતી નહીં. અગ્નિદાહને બીજે દિવસે ટાઢી વાળવાની વિધી થતી હતી. આ દિવસે ગામમાંથી લગભગ ઘરદીઠ જેને જેને સાથે રોટી વ્યવહાર હોય તે તમામ પોતાના ઘરેથી રસોઈ બનાવી મૃતકના ઘરે પહોંચાડતાં.

કોણ જમાડે એમને? કોણ આખી રાતના ઉજાગરાવાળાને અને સ્વજનને ગુમાવ્યાના આઘાતમાંથી બહાર લાવે ?આ વાતનું ધ્યાન ગ્રામજનો અચૂક રાખતા આ રસોઈને ઢાકણ કહેવાય… તે દિવસે સવારે અને સાંજે એટલી બધી રસોઈ આવે કે વપરાય તેનાં કરતાં વધે વધારે…વધે તે ગાય કૂતરાંને ખવડાવી દેવાય..સવારે અગ્નિદાહ દેવાયો હોય તો બપોર પછીને બપોર પછી દાહ દેવાયો હોય તો બીજા દિવસે સવારે સારો વાર જોઈ.. મેલા લખાતા… મેલા એટલે મરણના સમાચાર આપતી ટપાલ પોસ્ટકાર્ડ લખાય.. તે પણ અડધુ જ લખાય..એટલે કે સરનામું લખવાની પાછળની બાજુ કોરી રખાય..

મૃતકના ઘરે તેના કુટુંબી જેનો મરણની સંપૂર્ણ વિધિ એટલે કે બારમાની વિધી પુરી થાય ત્યાં સુધી મૃતકને ઘરે રોકાતા. રોજ રાતના સમયે મૃતકને ઘેર બેઠક થાય, ઉમરલાયક મૃતક હોય તો ગરૂડપુરાણ પણ આયોજાય..સારા વારે સગા સબંધીઓ કાણે આવે….સારા વાર એટલે રવિ,મંગળ,બુધ અને શનિવાર સિવાયના વાર ગણાય..

મૃતકની ઉમર, વૈવાહિક સ્થિતી,ઘરમાં તેનું સ્થાન,તેના જવાથી ઉભી થતી સ્થિતી, કાણે આવનારનો મૃતક સાથેનો સબંધ, વિગેરે ધ્યાને લઈ કાણે આવનારી સ્ત્રીઓ કુટતી અને મારા આગળના લેખ ગ્રામ્ય જીવનના સ્તંભ -૨૭ માં વર્ણવ્યા મુજબના મરસિયા ગવાતા હતા..

અગ્નિદાહના એકી દિવસે અને સારા વારે સુવાળાની વિધી રખાય..ગામનિ તળાવની પાળે જેને જેને સ્નાનસુતક પહોચતુ હોય તેવા કુટુંબીઓ વાળ ઉતરાવે…પછી બધા ભેગા થઈ તળાવમાં સ્નાન કરી..પોક મુકતા મુકતા મૃતકને આંગણે જાય… ત્યાર પછી સગા સ્નેહીઓ લોકાચારે આવે…તેને બેસણું કહે..

★આ બેસણાની બેઠકે આખો પરિવાર અને ગામના અગ્રણીઓ તે પુરૂ થાય ત્યાં સુધી અવશ્ય હાજર રહે…આ આખી ય વિધીમા ક્યાય આડંબર કે દેખાડા નહોતા…

★આજે તો લૌકિક વ્યહવાર બંધ થયા છે. જયારે ફોન કરે છે કોઈ, કે ભાઈ ફલાણાના ફાધર કે મધર ગુજરી ગયા છે અને સવારે આઠ વાગ્યે કાઢી જવાના છે ત્યારે ફોન ઉપાડનારો પૂછે છે કે બેસણું ક્યારનું રાખ્યું છે?કોઈ એ પણ પુછવાની દરકાર પણ કરતું નથી કે શું થયું હતું? ક્યારથી બિમાર હતા? અકસ્માત થયો હોય તો ક્યારે થયો? કેવી રીતે થયો?

★આ પછી બારમાની વિધી થાય, આખું ગામ ને પરિવાર હાજર હોય… અગાઉ ના સમયે મૃતકના જવાથી તેના પરિવારજનોને આઘાત ઓછો કરવાનો ખાસ્સોને સાચ્ચો પ્રયત્ન કરતા હતા…

★કોઈ નાના બાળ મુકી ગુજરી ગયું હોય તો પરિવાર અને ગામના સહયોગે તેનાં બાળકોને ખોટ સાલવા દીધી નથી..તેની જમીનમા સમયસર વાવણી, ખેડ, કાપણીને તૈયાર પાક તેના બાળકોના ઘરે પહોચતો થતો..તેની સામે કોઈ જ વળતરની અપેક્ષા નહોતી રખાતી…

★આજે તો આજે વીસ વીસ વર્ષના સબંધો હોય, ભલે ને ધંધાકીય સબંધ હોય તો પણ જનતાને આભડવા જવું તો દૂર રહ્યું બેસણામાં જતા જોર આવે છે.ઉલ્ટાના બેજવાબદારી પૂર્વક બચાવ કરે કે જે ઓળખતો હતો તે જતો રહ્યો હવે જઈને શું કરવાનું??? હા મૃતક બહુ મોટો માણસ હોય અને એની આંખની ઓળખાણ હોય તો ફટાફટ દોડી જાય કેમકે ત્યાં હાજરી ગણાવાની છે અને સ્ટેટસ વધવાનું છે. બેજવાબદારી પૂર્વક બચાવ પણ કરે જવું પડે યાર કામનો માણસ હતોને હજીય કામ પડવાનું છે.. આજે મૃત્યુ અને એના પછીની વિધિ, એમાં કોણ આવશે, કેટલા હાજર રહેશે એનો બહુ મોટો આધાર મૃતકના સંતાનની સફળતા ઉપર રહેલો છે.મૃત્યુ એ ઘણા લોકો માટે શક્તિ પ્રદર્શન છે. ખાસ કરીને મધ્યમ વર્ગના માણસો માટે ખરેખર હૂંફ લાગણી સાથે જોડાયેલો મામલો છે.તે કોઈ વિચારતું નથી..કે માણસને માણસની હૂંફની જરૂર હોય છે..

મેં એ પણ જોયું છે કે…વર્ષો ના વર્ષો મળ્યા ના હોઈએ અને ક્યારેક આવા પ્રસંગે ગયા હોઈએ ત્યારે ખભે માથું મુકીને મૃતકની દીકરી કે દીકરો રડી પડે છે..ત્યારે આપણે પણ ગળગળા થઈ જઈએ છીએ. પણ તે અનુભવે છે કેટલા??? અત્યારે તો ક્યારેક ખાલી હાથ જોડીને ઉભા રહે ફક્ત બે પાંચ મિનીટની આંખોથી થતી વાત… અરે શહેરોમાં તો કેટલેક ઠેકાણે બેસણાં ય રાત્રે નવરાશના સમયે રાખવાનું શરૂ થયું છે..!!! આજે જેટલા સંદેશા ફેસબુક અને વોટ્સ એપ પર આવે છે એટલાથી અડધા ય લોકો બેસણે નથી આવતા.

અરે માનવી ખાલી આપણી હાજરીને આત્મિયતા સામેવાળાના કલેજાને ઠંડક આપે અને એ દુઃખની ઘડી કાપવામાં મોટી કારગત છે. હે યુવાઓ પાછું વાળીને વિચારવાની જરૂર છે. ૧૮ વર્ષથી મોટા દીકરાને લઈને ક્યારે બેસણા કે સ્મશાને ગયા છો..? નથી લઇ જઈને ભૂલ તો નથી કરતાને..? પચાસ વરસથી ઉપરના તો ગમે તેમ કરીને જઈ આવે છે. આમ જ રહેશેને જો મરણનો વ્યવહાર પણ તૂટી જશે તો સમાજને તૂટતો કોઈ નહીં બચાવી શકે.. શું નનામી ઊંચકવા પણ ભાડે માણસો લાવશો.? કે પછી કોઈ સારા ઈવેન્ટ મેનેજરો હાયર કરશો??

આ લેખના અંતે એક પ્રસંગ ટાકવાની ઈચ્છાને રોકી શકતો નથી.. મારા એક સબંધીનુ અમેરિકામાં મરણ થયું હતું..પતિ પત્ની બેઉ ગેરકાયદે અમેરિકા ગયેલા. સમાચાર આવ્યા ત્યારે તેમના ભારત સ્થિત બાળકોને કહેવામાં આવ્યું કે અંતિમ સંસ્કારની તિથી નક્કી થશે એટલે તમોને જણાવીશુ.. આપણી સંસ્કૃતિને રિવાજ પ્રમાણે તેમના બાળકોનુ રસોડું બંધ થયું.. કરૂણતા એ થઈ શકે આમ ત્રણચાર દિવસ નીકળી ગયા.અડખે પડખેથી ઢાકણ આવતું રહે…છેવટે ત્યાંથી સમાચાર આવ્યા કે અંતિેમ સંસ્કારનુ ફેસબુક પર લાઈવ કરીશુ..તમે જોઇ લેજો…રાતનો સમય હતો…મોબાઈલ ને ટી.વી.સ્ક્રીનથી કનેક્ટ કરી…બધી જ તૈયારી કરી સહુ સગા સબંધીઓ અને આડોશી પાડોશીઓ ટી.વી.સમક્ષ ગોઠવાઈ ગયા..થોડીવાર લાગશે.. થોડીવાર લાગશે..એમ ઘણી જ રાહ જોવડાવી.. અંતે કાર્યક્રમ શરૂ થયો..

ટી.વી.સામે એવા કેટલાય સગા બેઠા હતા જે મૃતકને ક્યારે ય મળેલ નહોતા જેમ કે તેમના જમાઈ, તેમની પુત્રવધૂ,તેમના પોત્ર, પૌત્રીઓ, ભાણી,ભાણીયાઓ.. વાતાવરણમાં સન્નાટોય ન વરતાયો..પણ તેમના દીકરા દીકરી સિવાય કોઈને તેની તલભાર પણ અસર ન વરતાઈ… આવા તો અનેક કિસ્સા સમાજમાં દેખાય છે.

બીજા એક કિસ્સામાં અમારા એક સગા અમેરિકામાં રહેતા હતા. તેમને બે દીકરા.. એક અમેરિકામાં સ્થાયી અને એક અહીં અમદાવાદમાં…. દાદા દાદી અમેરિકા દીકરા સાથે રહે…અમેરિકામાં ઠંડી સહન ન થાય એટલે દાદા દર વરસે શીયાળામાં ભારત આવી જાય અને હોળી પછી અમેરિકા જતા રહે…જતાં પહેલાં બધા સગા સબંધીઓને મળવા જાય.. આવી જ રીતે હોળીના આગલા.દિવસે તે તેમના વેવાઈ ને મળવા ગયેલા.. ત્યાં રાત્રીરોકાણ કર્યું.. રાત્રે હાર્ટ એટેક આવ્યો..સારવાર દરમ્યાન મોત થયું… રાત્રે જ અમદાવાદના રહેઠાણ પર શબ લાવ્યા..અમેરિકા વાત કરી મોતના સમાચાર તેમના દીકરાને પત્નીને આપ્યા..તરત તો અવાય તેમ નહોતું.. તે સમયે ટેકનોલોજી આટલી વિકસીત નહોતી..અહીંથી ફોન કર્યો..એટલે દાદીમાએ અમેરિકા બેઠા ચૂડલાકર્મ કર્યુ પછી દાદાની નનામી કાધે લીધી હતી..

આ આખો ધટનાક્રમ મારી સમક્ષનો છેને સત્ય છે.. શું આપણે ભારતમાં પણ આવા દિવસો લાવીશુ??? શું અંતિમ યાત્રા”નો અંત પણ નજીક જ
છે??? એકવાર પાછું વાળીને વિચારવાની જરૂર છે.

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
આ પોસ્ટનો હેતુ ગ્રામ્યજીવનની પરંપરા ઉજાગર કરવાનો છે. ગમે તો લાઈક કરો.. વધારે ગમે તો શેર પણ કરો…
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

આ લેખની કોપી પેસ્ટ કોઈએ કરવી નહીં. મિત્રો માત્ર શેર કરી શકે છે.
લેખક:-પોપટભાઇ પટેલ ઘેલડા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

સાવ વીસરાઈ ગયેલું પાંચ હજાર વર્ષ પુરાણું દિવાળીના અવસરના મેર-મેરાયું

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!