નવદુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ:- દેવી કાત્યાયની

ચન્દ્રહાસોજ્જ્વલકરા શાર્દૂલવરવાહના ।
કાત્યાયની શુભં દદ્યાદેવી દાનવઘાતિની ॥

મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપનુ નામ કાત્યાયની છે. તેમનું કાત્યાયની નામ પડવાની કથા આ પ્રમાણે છે: કત નામે એક પ્રસિદ્ધ મહર્ષિ હતા. તેમના પુત્ર ઋષિ થયા. આ જ કાત્યના ગોત્રમાં વિશ્વપ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન ઉત્પન્ન થયા હતા. તેમણે ભગવતી પરામ્બાની ઉપાસના કરતાં કરતાં ઘણા વર્ષો સુધી કઠિન તપ કર્યુ હતું. તેમની ઇચ્છા હતી કે માં ભગવતી તેમના ઘરે પુત્રીરૂપે અવતરે. માં ભગવતીએ તેમની આ પ્રાર્થનાનો સ્વીકાર કર્યો હતો.

થોડાક સમય બાદ જ્યારે દાનવ મહિષાસુરનો અત્યાચાર પૃથ્વી પર ઘણો જ વધી ગયો ત્યારે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય દેવોએ પોતપોતાના તેજનો અંશ આપીને મહિષાસુરના વિનાશ માટે એક દેવીને ઉત્પન્ન કર્યા. મહર્ષિ કાત્યાયને સર્વપ્રથમ તેમની પૂજા કરી. આ કારણે તેઓ કાત્યાયની કહેવામાં.

એવી પણ કથા મળે છે કે તેઓ મહર્ષિ કાત્યાયનના ત્યાં પુત્રીરૂપે પણ ઉત્પન્ન થયાં હતાં. આસો વદ ચતુર્દશીએ જન્મ લઈ સુદ સાતમ, આઠમ તથા નવમી સુધી (ત્રણ દિવસ), તેમણે કાત્યાયન ઋષિની પૂજા ગ્રહણ કરી દશમીએ મહિષાસુરનો વધ કર્યો હતો.

Devi Katyayani

મા કાત્યાયની અમોઘ ફળ આપનારાં છે. ભગવાન કૃષ્ણને પતિરૂપે પામવા માટે વ્રજની ગોપીઓએ તેમની પૂજા કાલિન્દી-યમુના તટે કરી હતી. તેઓ વ્રજમંડળનાં અધિષ્ઠાત્રી દેવીરૂપે પણ પ્રતિષ્ઠિત છે. તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે. તેમનો વર્ણ સ્વર્ણ સમાન ચમકદાર અને તેજોયમાન છે. તેમને ચાર ભુજાઓ છે. માતાજીનો જમણી બાજુનો ઉપરવાળો હાથ અભયમુદ્રામાં છે તથા નીચેનો હાથ વરમુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ સુશોભિત છે. તેમનું વાહન સિંહ છે.

દુર્ગાપૂજાના છઠ્ઠા દિવસે તેમના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. તે દિવસે સાધક્નું મન ‘આજ્ઞા’ચક્રમાં સ્થિત હોય છે. યોગસાધનામાં આ આજ્ઞાચક્રનું અત્યંત મહત્ત્વપૂર્ણ સ્થાન છે. આ ચક્રમાં સ્થિત મનવાળો સાધક માં કાત્યાયનીના ચરણોમાં પોતાનું સર્વસ્વ નિવેદિત કરી દે છે. પરિપૂર્ણ આત્મદાન કરનારા આવા ભક્તને સહજ ભાવે મા કાત્યાયનીના દર્શન પ્રાપ્ત થઈ જાય છે. મા કાત્યાયનીની ભક્તિ અને ઉપાસના દ્વારા મનુષ્યને ઘણી જ સરળતાથી અર્થ, ધર્મ, કામ, મોક્ષ આદિ ચારેય ફળની પ્રાપ્તિ થઈ જાય છે. તે આ લોકમાં સ્થિત રહીને પણ અલૌકિક તેજ અને પ્રભાવયુક્ત થઈ જાય છે. તેના રોગ, શોક, સંતાપ, ભય આદિ સર્વથા નાશ પામે છે. જન્મજન્માંતરનાં પાપોનો નાશ કરવા માટે માની ઉપાસનાથી અધિક સરળ અને સુગમ માર્ગ અન્ય કોઈ નથી. તેમનો ઉપાસક નિરંતર તેમના સાંનિધ્યપાં રહીને પરમપદનો અધિકારી બની જાય છે. માટે આપણે સર્વતોભાવેન માના શરણાગત થઇ તેમની પૂજા-ઉપાસના માટે તત્પર રહેવું જોઈએ.

યા દેવી સર્વભૂતેષુ માંઁકાત્યાયનીરૂપેણ સંસ્થિતા ।
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।
બીજ મંત્રઃ क्लीं श्री त्रिनेत्रायै नम: ॥

? પ્રેષિત-સંક્લન:
મયુર.સિધ્ધપુરા-જામનગર

જો તમે અન્ય માતાજીની માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ:- શૈલપુત્રી

– નવદુર્ગાનું બીજું સ્વરૂપ:- બ્રહ્મચારિણી

– નવદુર્ગાનું ત્રીજું સ્વરૂપ:- ચંદ્રઘણ્ટા

– નવદુર્ગાનું ચોથું સ્વરૂપ:- કૂષ્માણ્ડા

– નવદુર્ગાનું પાંચમું સ્વરૂપ:- સ્કન્દમાતા

– શ્રી ચામુંડા માતાજી- ઉંચા કોટડાનો ઇતિહાસ

– શ્રી કનકાઇ માતાજી મંદિર – ગીર

– શ્રી બુટભવાની માતાજી- અરણેજ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!