નવદુર્ગાનું સાતમું સ્વરૂપ:- દેવી કાળરાત્રિ

એકવેણી જપાકર્ણપૂર નગ્ના ખરાસ્થિતા ।
લમ્બોષ્ઠી કર્ણિકાકર્ણી તૈલાભ્યક્તશરીરિણી ॥

વામપાદોલ્લસલ્લોહલતાકણ્ટકભૂષણા ।
વર્ધનમૂર્ધ્વજા કૃષ્ણા કાલરાત્રિર્ભયઙ્કરી ॥

મા દુર્ગાજીની સાતમી શક્તિ કાળરાત્રિ નામે ઓળખાય છે. તેમના દેહનો રંગ ગાઢ અંધકારની જેમ એકદમ કાળો છે. માથાના વાળ વિખેરાયેલા છે. ગળામાં વિદ્યુતની જેમ ચમકનારી માળા છે. તેમનાં ત્રણ નેત્રો છે. એ ત્રણે નેત્રો બ્રહ્માંડની જેમ ગોળ છે, જેમાંથી વીજળી જેવા ચમકારા થતા રહે છે. તેમની નાસિકાના શ્વાસ-પ્રશ્વાસથી અગ્નિની ભયંકર જવાળાઓ નીકળતી રહે છે. તેમનું વાહન ગર્દભ છે. ઉપર ઉઠેલા જમણા હાથની વરમુદ્રાથી સર્વેને વર પ્રદાન કરે છે. જમણી બાજુનો નીચેનો હાથ અભયમુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં લોખંડનો કાંટો તથા નીચેવાળા હાથમાં ખડગ(કટાર) છે.

મા કાળરાત્રિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે, પણ એ કાયમ શુભ ફળ જ આપનાર છે. એ જ કારણે એમનું એક નામ ‘શુભઙ્કરી’ પણ છે. માટે તેમનાથી ભક્તોએ કોઈ પણ રીતે ભયભીત અથવા આતંકિત થવાની આવશ્યકતા નથી.

દુર્ગાપૂજાના સાતમા દિવસે મા કાળરાત્રિની ઉપાસનાનું વિધાન છે. આ દિવસે સાધકનું મન ‘સહસ્ત્રાર’ ચક્રમાં સ્થિત રહે છે. તેમના માટે બ્રહ્માંડની સમસ્ત સિદ્વિઓનાં દ્વાર ઉઘડવા માંડે છે. આ ચક્રમાં સ્થિત સાધકનું મન સંપૂર્ણપણે મા કાળરાત્રિના સ્વરૂપમાં અવસ્થિત રહે છે. તેમના સાક્ષાત્કારથી મળનારા પુણ્યનો તે ભાગી બની જાય છે. તેનાં સમસ્ત પાપો-વિધ્નોનો નાશ થઈ જાય છે. તેને અક્ષય પુણ્ય-લોકની પ્રાપ્તિ થાય છે.

મા કાળરાત્રિ દુષ્ટોનો વિનાશ કરનારાં છે. દાનવ, દેત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત આદિ એના સ્મરણમાત્રમી જ ભયભીત થઈને નાસી જાય છે. તેઓ ગ્રહ-બાધાઓને પણ દૂર કરનારાં છે. તેમના ઉપાસકને અગ્નિભય, જળભય, જંતુભય, શત્રુભય, રાત્રિભય આદિ ક્યારેય લગતા નથી. એમની કૃપાથી તે સર્વથા ભયમુક્ત થઈ જાય છે.

માં કાળરાત્રિના સ્વરૂપ-વિગ્રહને પોતાના હૃદયમાં અવસ્થિત કરીને મનુષ્યે એકનિષ્ઠભાવે તેમની ઉપાસના કરવી જોઈએ. યમ, નિયમ, સંયમનું તેણે પૂર્ણ પાલન કરવું જોઈએ. મન, વચન, કાયાની પવિત્રતા રાખવી જોઈએ. મા કાળરાત્રિ શુભઙ્કરી દેવી છે તેમની ઉપાસનાથી થનારાં શુભોની ગણતરી થઈ શકતી નથી. આપણે નિરંતર તેમનું સ્મરણ, ધ્યાન અને પૂજન કરવુ જોઈએ.

યા દેવી સર્વભૂતેષુ માંઁકાલરાત્રિરૂપેણ સંસ્થિતા ।
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।
બીજ મંત્રઃ क्लीं ऐं श्री कालिकायै नम: ॥

? પ્રેષિત-સંક્લન:
મયુર.સિધ્ધપુરા-જામનગર

જો તમે અન્ય માતાજીની માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ:- શૈલપુત્રી

– નવદુર્ગાનું બીજું સ્વરૂપ:- બ્રહ્મચારિણી

– નવદુર્ગાનું ત્રીજું સ્વરૂપ:- ચંદ્રઘણ્ટા

– નવદુર્ગાનું ચોથું સ્વરૂપ:- કૂષ્માણ્ડા

– નવદુર્ગાનું પાંચમું સ્વરૂપ:- સ્કન્દમાતા

– નવદુર્ગાનું છઠ્ઠું સ્વરૂપ:- કાત્યાયની

– શ્રી કનકાઇ માતાજી મંદિર – ગીર

– શ્રી બુટભવાની માતાજી- અરણેજ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

 

error: Content is protected !!