મધ્યગિરનું તીર્થસ્થળ બાણેજ અને બાણગંગેશ્વર મહાદેવ

પ્રકૃતિને સોળે કળાએ ખીલીને નાચી ઊઠવાનું મન થયું અને એણે બાણેજથી તુલસીશ્યામના પટ્ટામાં જન્મ લીઘો. સૌરાષ્ટ્રમાં ગિરની પ્રાકૃતિક ગિરિમાળાઓની વચ્ચે-બરાબર મઘ્ય ગિરમાં જાણીતું યાત્રા ઘામ બાણેજ આવ્યું છે. સૌરાષ્ટ્રનો દક્ષિણ કાંઠો પ્રભાસક્ષેત્ર તરીકે ઓળખાય છે. એ ક્ષેત્રમાં આવેલું બાણેજ પ્રાચીન સમયમાં વાલ્મીકિ આશ્રમ તરીકે જાણીતું હતું.

મઘ્યગિરમાં કુદરત છૂટે હાથે નીખરી છે. તેની વચ્ચે ડુંગરની ગોદમાં, વનરાજોના રહેઠાણની સમીપમાં, કુદરતને ખોળે અને વૃક્ષોના પારણે મંદમંદ સમીર બાણગંગેશ્વર મહાદેવને ઝુલાવી રહ્યો છે. આઘુનીક યુગના કોઇપણ દૂષણ અહીં સુઘી આવ્યા નથી. પરમ શાંતિ અને આનંદનો અનુભવ થાય તેવું આ સ્થળ જૂનાગઢથી તુલસીશ્યામ વનરસ્તે જઇએ તો માર્ગમાં આવે છે. અહીંથી જામવાળા 24, તુલસીશ્યામ 35, ધારી 45, વિસાવદર 50, કનકાઇ 21, અને ગિરકાંઠાનું દલખાણિયા 30 કિલોમીટરને અંતરે છે. માનવવસતી જોવા ટેવાયેલી આંખોને બાણેજમાં ડુંગરા, ગિરિમાળાઓ, નદી, ગીચ વૃક્ષરાજી તથા કિલકિલાટ કરતા પંખીઓ નિહળવા મળે. સાંજ ઢળે તે પહોર થાય ત્યાં સુઘી સિંહ-દીપડાની ત્રાડોથી વિસ્તાર ગાજતો હોય.

કહેવાય છે કે ગિર જ્યારે આબાદ હતું ત્યારે આ સ્થળે એક સમૃદ્ઘ નગર હતું. બાણેજથી થોડે દૂર અરલનો પ્રાચીન ટીંબો છે અને ત્યાં વસતી હોવાના પુરાવા સાંપડ્યા છે. ‘બાણેજ’ નામ કેમ પડ્યું તેના વીશે બે અનુશ્રુતિ છે. બાણગંગેશ્વર મહાદેવ જેની તળેટીમાં આવેલ છે તે ડુંગરનો આકાર શંકરના બાણ જેવો છે માટે બાણેજ કહેવાયું. બીજી માન્યતા પ્રમાણે વનવાસ દરમ્યાન પાંડવો વનવિહાર કરતા અહીં આવેલા. માતા કુંતાને ભારે તરસ લાગી હતી. બાણાવળી અર્જુને તૃષા છીપાવવા જમીનમાં બાણ મારી પાણી મેળવ્યું તેથી બાણેજ કહેવાય છે. કથા જે હોય તે લોક માનસે ડુંગર પરથી આવતા અને કાળા દુકાળે પણ બંઘ ન થતાં પાણીને ગંગા-જમના જેવું માની લીઘું છે. ડુંગરનું પાણી ઝરણું, ઘ્રામણિયા અને ટાઠોડિયા નદીનો જ્યાં સંગમ થાય છે ત્યાં કુંડ બાંઘવામાં આવ્યો છે. ટાઠોડિયા પર ફોરેસ્ટ ખાતાએ ચેકડેમ પણ બાંઘ્યો છે. નદી પર એકાદ કિલોમિટર દૂર નાનો અને મોટો મઘરિયો એમ બે ઘુના આવેલા છે. ઘુનામાં મગરનો વાસ છે તે પરથી તેના ઊંડાણનો ખ્યાલ આવશે. આસપાસના બોરડીપાટ અને ટાઠોડિયા એમ બે નેસ છે. થોડા સમય પહેલા બાણેજ પણ નેસ હતો. પરંતુ સરકારી નિયમ પ્રમાણે માલઘારીઓનું સ્થળાંતર થતાં હવે આ નેસ રહ્યાં નથી.સ્થાનકના ગણ્યાંગાંઠયા સેવકો સિવાય માનવવસ્તીનું કોઇ નામ નજરે ન ચડે. દિવસે નીચેના કુંડમાં જ્યાં માણસો નહાતા હોય કે પાણી ભરતા હોય, ત્યાં રાત્રે હિંસક વનચરો પાણી પીતા હોય.

આજે તો બાણેજ કંઇક વિકસ્યું છે. પણ 50 વર્ષ પહેલાં તો ડુંગરનું ઝરણું અને તેની ઉપર બાંઘેલી ભાંગીતૂટી દેરી સિવાય કંઇ ન હતું. જમદગ્નિ આશ્રમના સંત સરસ્વતીદાસજી જામવાળા ગયા તે પહેલાં ફરતાં ફરતાં અહીં આવી ચડ્યા. સ્થળની શાંતિ, પવિત્રતા અને રમણીયતા મનને સ્પર્શી ગઇ અને 50 વર્ષ પહેલાં તેમણે જંગલની વચ્ચે આસન ભીડ્યું. બાણેજના જંગલનું સીઘું ચડાણ છે, ત્યાં એક મઢુલી બાંઘી. દિવસોના દિવસો તેઓ મઢુલીમાં બેસીને ઇશ્ર્વરભક્તિમાં લીન રહેતા. આજુબાજુના નેસના માલઘારીઓ દૂઘ આપી જાય તે પી લે. આ રીતે 22 વર્ષ સરસ્વતીદાસજીએ અહીં ગાળ્યા. ડુંગર ઉપર મઢુલી અને નીચે કુંડ ઉપર ઝૂંપડી. આ બે તેમેના નિવાસ સ્થાન. દિવસે જતા પણ જ્યાં ડર લાગે અને સાંજે ચાર પછી સૂરજનાં કિરણો પહોંચી ન શકે તેવી ગીચ વનરાજીની વચ્ચે ઘીમેઘીમે સરસ્વતીદાસજીનું તપ ખીલતું થયું. તેમાંથી આજના પ્રસિદ્ઘ યાત્રાઘામનો પાયો નંખાણો.

ઘ્રામણિયા અને ટાઠોડિયા નદીના પાણીમાં પગ બોળીને આગળ વઘીએ એટલે સામે જ સ્થાનકમાં દાખલ થતા પવનપુત્ર હનુમાનજીનું મંદિર આવે છે.તેની બાજુમાં ટેકરી પર ગંગામૈયાની દેરી છે. ડુંગર ઉપરથી આવતું ઝરણું દેરીમાં બાંઘેલા કુંડમાં આવે છે અને ત્યાંથી નીક દ્રારા બહાર નદીમાં જાય છે. મંદિરમાં પાંચ દેવીઓની પ્રતિમાઓ છે. આ બે મંદિરની ઉપર 40 પગથિયાં ચડીએ એટલે બાણગંગેશ્વર મહાદેવનું મંદિર, અતિથિગૃહ, સંતનિવાસ અને સેવકોને રહેવાની ઓરડીઓ છે. સરસ્વતીદાસજી જ્યાં સૌ પ્રથમ આવીને રહેલા એ ડુંગર પરની મઢુલી અને જૂનો ધુણો યથાયથ સ્થિતિમાં જાળવી રખાયા છે. જેથી યાત્રાળુઓને કઇ સ્થિતિમાંથી આ સ્થાનકનું નિર્માણ થયું હશે તેનો આછેરો ખ્યાલ આવી શકે.

સરસ્વતીદાસજીને બાણેજનું સ્થાનક ઊભું કરવા પાયાના પથ્થરો મળી રહ્યા.1966માં મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને 1871માં શંકરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સ્થાનક પાસે ત્રણહજાર વાર જમીન છે. બાણેજના ઉદરમાં રતુભાઇ અદાણી, પરમાણંદભાઇ ઓઝા, મંગળદાસ રાઘવજી તથા એભચંદ ગાંઘીનો મહત્વ નો ફાળો છે. બાણેજની આસપાસના માર્ગો બાંઘવા અને સરકારી રાહે જે વિકાસ કાર્યો થયા છે તે રતુભાઇને કારણે સાકાર બની શક્યા છે. બાણેજના નિર્માણકાર્યમાં નાણાં અકત્ર કરવા અન્ય ત્રણ આગેવાનોએ કમર કસી હતી. 1971માં પ્રતિષ્ઠા સમયે ભાગવત સપ્તાહ પણ યોજાઇ હતી.

ગિરના વાસી એવા માલઘારીઓ બાણેજ, કનકાઇ, તુલસીશ્યામ આદિના સેવકો છે. 1973ના દુકાળમાં બાણેજ મંદિરે માલઘારીઓને અન્ન, વસ્ત્ર તથા ઘાસની સહાય મોટે પાયે પહોંચાડી હતી. સ્થાનક દ્રારા ચાર માસ સુઘી બાણેજ, જામવાળા તથા છોડવડીમાં જાહેર રસોડા ચલાવવામાં આવ્યા હતા. 1974ના દુકાળમાં પણ ઘાસ આપવામાં આવ્યું હતું. 1988ની કારમી અનાવૃષ્ટિમાં પાંચ નેસ ને અનાજ તથા ઘાસ વહેંચવામાં આવેલું.

શિવરાત્રી, રામનવમી અને જન્માષ્ટમી બાણેજમાં ઉજવાતાં મુખ્ય તહેવારો છે. શ્રાવણ મહિનામાં યાત્રિકોનો સારો એવો ઘસારો રહે છે. સ્થાનકમાં અન્ન ક્ષેત્ર ચાલે છે. પાંત્રીસેક માણસો રાતવાસો કરી શકે તેટલી સગવડ જંગલની વચ્ચે ઊભી કરવામાં આવી છે.

સૂર્યના ઉદય સાથે ઇશ્વરની આરતી,ગોઘનની રજોટી અને પક્ષીઓનો કલબલાટ વાતાવરણને પવિત્ર મઘુર આભાથી ભરી દે છે. પાણીનો વિપુલ જથ્થો અને પ્રાકૃતિક રમણીયતાને ઘ્યાનમાં લઇ બાણેજ આઘ્યાત્મિક માર્ગના સાઘકો માટે આદર્શ સ્થળ છે. બાણેજ શંકરનુ નિવાસસ્થાન છે. તેમ સિંહ-દીપડાનું પણ રહેઠાણ છે. રાતના સમયે મંદિરની પરસાળમાં સિંહ જોવા મળવાનાજ ! જો કે હવે તો દિવસે પણ ત્યાં જવા તથા શ્રી કનકાઇ માતાજીના દર્શને જવા સરકારી નિયમ પ્રમાણે જંગલખાતાની મંજૂરી લેવી પડે છે. બાણેજથી તુલસીશ્યામનો માર્ગ જંગલખાતાએ બંઘ કર્યો છે, એટલે સૌથી સરળ માર્ગ ઘારી કે જામવળાથી છોડવડી આવીને બાણેજ જવાનો છે.

લેખક – જયમલ્લ પરમાર અને રાજુલ દવે
સંદર્ભ – સેવા ધરમના અમરધામ

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો –

– શ્રી આવડ માતા(તનોટ માતા)- રાજસ્થાન 

– શ્રી હર્ષત માતા મંદિર- રાજસ્થાન

– શ્રી વિરૂપાક્ષ મંદિર– હમ્પી(કર્ણાટક)

– દધિમતિ માતા – મંદિરનો ઇતિહાસ 

– બૃહદેશ્વર મંદિર – તાંજોર

– શ્રી પદ્મનાભસ્વામી મંદિર – તિરુવનંતપુરમ

– શ્રી ચેન્નાકેશવ મંદિર – બેલુર

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!