શ્રી ચેન્નાકેશવ મંદિર – બેલુર

ભારત એ સાચે જ મંદિરો અને શિલ્પ -સ્થાપ્ત્યોનો દેશ છે. એમાય દક્ષિણ ભારતના મંદિરો અને એની કળાકારીગરી અને કોતરણીની તો વાત જ ન્યારી છે. દક્ષિણ ભારતના મંદિરો ઊંચા અને વિશાળ હોય છે. એમાં મોટે ભાગે ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવના મંદિરો વિપુલ પ્રમાણમાં છે. આવુજ એક અદ્ભુત, અલોકિક અને અભિભૂત કરનારું ભગવાન વિષ્ણુનું મંદિર બેલુરમાં આવેલું છે. આ બેલુર અને હળેબીડ એની વિશાળકાય મૂર્તિઓ અને એની બારીકી નકશીકામ માટે જાણીતું છે !!!

ચેન્ના કેશવનું પ્રસિદ્ધ મંદિર બેલુરમાં સ્થિત છે. હોયસલ વંશીય નરેશ વિષ્ણુવર્ધન દ્વારા ઇસવીસન ૧૧૧૭ માં બનવવામાં આવેલું ચેન્નાકેશવ મંદિર ખરેખર અદભૂત અને આકર્ષક છે !!!આ બેલુર એ કર્ણાટક રાજ્યના હસન જિલ્લાનો નો એક કસ્બો છે. બેલુરને મુખ્યત: મંદિર અને શિલ્પકલાના દર્શન કરવાંવાળાં સ્થાનના રૂપમાં જાણવામાં આવે છે. હળેબીડુની સાથે જોડિયા નગર કહેવાય એવું આ સ્થળ ત્રણ શતાબ્દી સુધી (૧૧મિ શતાબ્દી ની મધ્યથી ૧૪મી શતાબ્દી ની મધ્ય સુધી ) હોયસલ વંશનો ગઢ હતો !!! બેલુર -હળેબીડની સ્થાપના જન અનુયાયી નૃપા કામાએ કરી હતી !!! પણ એને વાસ્તવિક પ્રસિદ્ધિ હોયસલા વંશનાં શાસનકાળમાં બનેલાં મંદિરો માટે મળી !!! હોયસલા શાસક કળા અને શિલ્પનાં સંરક્ષક હતાં. બેલુર અને હળેબીડમાં એમણે ભવ્ય મંદિરોનું નિર્માણ કરાવ્યું જે આજે પણ એટલી જ શાનથી ઉભાં છે !!!

મંદિરનો ઈતિહાસ

હોયસલ વંશીય નરેશ વિષ્ણુવર્ધને ઇસવીસન ૧૧૧૭માં બનાવેલું આ ચેન્નાકેશવનું પ્રસિદ્ધ મંદિર બેલુરની ખ્યાતિનું કારણ છે. આ મંદિર ને, જે સ્થાપત્ય એવં મૂર્તિકલાની દ્રષ્ટિએ ભારતનાં સર્વોત્તમ મંદિરોમાનું એક છે તેને મુસલમાનોએ ઘણી વખત લુંટ્યું છે, પણ હિંદુ નરેશોએ વારંવાર એનો જીર્ણોધ્ધાર કરાવ્યો છે !!!

સ્થાપત્ય વિશેષતાઓ  ———–
મંદિર ૧૭૮ ફૂટ લાંબુ અને ૧૫૬ ફૂટ પહોળું છે
પરકોટામાં ત્રણ પ્રવેશદ્વાર છે. જેમાં સુંદર મુર્તિકારી છે
આમાં અનેક પ્રકારની મૂર્તિઓ જેવી કે હાથી, પૌરાણિક જીવજંતુ, માળાઓ, સ્ત્રીઓ આદિ ઉત્કીર્ણ છે !!!

પ્રવેશદ્વાર  ———–
મંદિરનો પૂર્વી પ્રવેશદ્વાર સર્વશ્રેષ્ઠ છે. અહીંયા રામાયણ તથા મહાભારતના અનેક દ્રશ્યો અંકિત છે. મંદિરમાં ચાલીસ વાતાયન છે ….. જેમાં કેટલાંકના પર્દા જાળીદાર છે અને કેટલાંકમાં રેખાગણિતની આકૃતિઓ બનેલી છે. અનેક બારીઓમાં પુરાણો તથા વિષ્ણુવર્ધનની રાજસભાનું દ્રશ્ય છે. મંદિરની સંરચના દક્ષિણ ભારતનાં અનેક મંદિરોની જેમ તારાકાર છે. એના સ્તંભોમાં શીર્ષાધાર નારી મૂર્તિઓનાં રૂપમાં નિર્મિત છે અને પોતાની સંરચના, સુક્ષ્મ તાક્ષણ અને અલંકરણમાં ભારતભરમાં બેજોડ કહેવામાં આવે છે. આ નારીમૂર્તિઓ મદનકાઈ (મદનિકા)નાં નામે પ્રખ્યાત છે!!!

ગણતરીમાં આ ૩૮ છે, ૩૪ બહાર અને શેષ અંદર આ લગભગ ૨ ફૂટ ઉંચી છે અને એનાં પર ઉત્કૃષ્ટ પ્રકરની શ્વેત પોલીશ છે……. જેનાં કારણે આ મીણની બનેલી માલૂમ પડે છે. મૂર્તિઓ પરિધાન રહિત છે, કેવળ એનું સુક્ષ્મ અલંકરણ જ એનું આચ્છાદાન છે. આ વિન્યાસ રચના સૌષ્ઠવ તથા નારીનાં ભૌતિક તથા આંતરિક સૌન્દર્યની અભિવ્યક્તિ માટે જ કરવામાં આવેલ છે !!!

ભાવ -ભંગિમાઓનું અંકન  ——–
મૂર્તિઓની ભિન્ન-ભિન્ન ભાવ – ભંગિમાઓનાં અંકન માટે એમણે કઈ કેટલીય પ્રાકારની ક્રિયાઓમાં સલગ્ન બતાવવામાં આવી છે !!! એક સ્ત્રી પોતાની હથેળી પર અવસ્થિત શુકને બોલતાં શીખવાડી રહી છે. બીજી ધનુષ સંધાન કરતી પ્રદર્શિત છે. ત્રીજી બાંસુરી વગાડી રહી છે. ચોથી કેશ – પ્રસાધનમાં વ્યસ્ત છે. પાંચમી સદ્ય:સ્રાતા નાયિકા પોતાનાં વાળ સુકવી રહી છે. છઠ્ઠી પોતાનાં પતિને તાંબુલ પ્રદાન કરી રહી છે અને સાતમી નૃત્યની વિશિષ્ટ મુદ્રાઓમાં છે

આકૃતિઓની અતિરિક્ત વાનરથી પોતાનાં વસ્ત્રો બચાવતી યુવતી, વાદ્યયંત્ર વગાડતી મદવિહ્વલા નવયૌવના તથા પટ્ટી પર પ્રણય સંદેશ લખતી વિરહણી, આ બધાં મુર્તિચિત્ર બહુજ સ્વાભાવિક તથા ભાવપૂર્ણ છે. એક અન્ય મનોરંજક દ્રશ્ય એક સુંદરી બાળાનું છે ,જે પોતાનાં પરિધાનમાં છુપાયેલા વિંછીને કાઢવા માટે મોટાં સંભ્રમમાં પોતાનાં કપડાં ઝાટકી રહી છે!!! એની ભયભીત મુદ્રાનું અંકન મુર્તિકારે બહુજ કૌશલથી કરેલું છે. એની જમણી ભૌંહ વધારે બાંકે રૂપમાં ઉપરની તરફ ઉઠી ગઈ છે અને ડરથી એનાં સમસ્ત શરીરમાં તનાવનો બોધ હોય છે. તીવ્ર શ્વાસને કારણેએનાં ઉદરમાં બળ પડી ગયું છે જેનાં પરિણામ સ્વરૂપ કટિ અને નિતંબોની વિષમ રેખાઓ અધિક પ્રવૃદ્ધ રૂપમાં પ્રદર્શિત કરવામાં આવી છે !!!

કલાની ચરમાવસ્થા  ———–
મંદિરની ભીતરની શીર્ષાધાર મૂર્તિઓમાં દેવી સરસ્વતીનું ઉત્કૃષ્ટ મુર્તિચિત્ર જોતાંજ બને છે. દેવી નૃત્યમુદ્રામાં છે જે વિદ્યાની અધિષ્ઠાત્રી માટે સર્વથા નવી જ વાત છે. આ મૂર્તિની વિશિષ્ટ કલાની અભિવ્યંજના એની ગુરુત્વાકર્ષણ રેખાની અનોખી રચનામાં છે. જો મૂર્તિનાં માથાં પર પાણી નાંખવામાં આવે તો નાસિકાથી નીચે થઈને વામપાર્શ્વમાંથી થઈને ખુલ્લી વામ હથેળીમાં આવીને પડે છે અને ત્યાંથી જમણા પગમાં નૃત્યમુદ્રામાં સ્થત તળવા (જે ગુરુત્વાકર્ષણ રેખાનો આધાર છે)એમાં થઈને ડાબા પગ પર પડે છે. વાસ્તવમાં હોયસલ વાસ્તુ વિશારદોએ આ કલાકૃતિઓનાં નિર્માણમાં મુર્તીકારીની કલાને ચરમાવસ્થા પર પહોંચાડીને એને સંસારની સર્વશ્રેષ્ઠ શિલ્પકૃતિઓમાં ઉચ્ચસ્થાનનું અધિકારી બનાવી દે છે !!! ઇસવીસન ૧૪૩૩માં ઈરાનના યાત્રી અબ્દુલ રઝાકે આ મંદિર વિષે લખ્યું હતું કે  —-
એ આ શિલ્પોનું વર્ણન કરતાં ડરતો હતો કે ક્યાંક એનાં પ્રશંસાત્મક કથનને લોકો અતિશયોક્તિ ના સમજી લે!!!

બેલુરને હોયસાલ રાજવંશોનું પ્રાચીન શહેર કહેવામાં આવે છે. બેલુર માત્ર કર્ણાટકની જ નહીં પણ સમગ્ર ભારતની શાન છે. બેલુર કર્ણાટકનાં સૌથી પ્રસિદ્ધ સ્થળોમાંનું એક છે. એ હસન જિલ્લામાં સ્થિત છે એને મંદિરોનું શહેર કહેવામાં આવે છે જે બેંગલુરુથી ૨૨૦ કિલોમીટર દૂર છે !!!

આ શહેર યાગચી નદીને કિનારે વસેલું છે. બેલુરને દક્ષિણનું કાશી પણ કહેવામાં આવે છે …….. કારણકે અહીં ઘણાં મંદિરો છે. ઐતિહાસિક દ્રષ્ટિએ બેલુરનું મહત્વ ઘણું વધારે છે કારણકે એ હોયસાલ વંશજોની રાજધાની હતી. બેલુરથી ૧૬ કિલોમીટર દુર એક પ્રાચીન શહેર હળેબીડ પણ સ્થિત છે જે કોઈક કાળમાં હોયસાલ રંગવંશનું પ્રમુખ કેન્દ્ર હતું. આ બે શહેર , હોયસાલનાં શાસન અને વાસ્તુકલા માટે જાણીતાં છે. બેલુરમાં જે સૌથી સારું મંદિર છે તે તો આજ છે  ——ચેન્નાકેશવ મંદિર જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ મંદિરની સંરચના ઘણી જ વિશાળ અને ભવ્ય છે !!!

બેલુરમાં એક બીજું પણ મંદિર જોવા લાયક છે એ છે વીરનારાયણ મંદિર. આ મંદિર ભગવાન વીર નારાયણને સમર્પિત છે. આ મંદિર હોયસાલ શાસકો દ્વારા બનવવામાં આવ્યું હતું. આ મંદિર ચેન્નાકેશવ મંદિરની પશ્ચિમે સ્થિત છે અને એને આર્ટિસ્ટિક ઇન્ટીરીયર અને એક્ટીરિયર માટે જાણીતું છે. આ મંદિરમાં બે શ્રાઈન છે જે એકબીજાની આમને સામનેજ સ્થિત છે. આ મંદિરમાં એક મંડપ પણ છે જેમાં ૩૭ રસ્તાઓ બનેલાં છે. આ મંદિર એક પ્લેટફોર્મ પર બનેલું છે અને અહીં ખુબસુરત શિલાલેખ બનેલાં છે જે મંદિરની બાહરી દિવાલોપર ઉત્કીર્ણ કરવામાં આવ્યાં છે. આ મંદિરની પશ્ચિમી તરફની દીવાલો પર એક બહુજ મોટી અને સુંદર વિજય નારાયણની મૂર્તિ સ્થાપિત કરેલી છે

ચેન્નાકેશવ મંદિરનું નિર્માણ નરમ સોપ્સ્તોનથી થયેલું છે અને એ ચેન્નાકેશવને સમર્પિત મંદિર છે જેને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. આ મંદિર હોયસાલ કાળમાં બનેલું છે અને એમાં કુલ ૪૮ નકશીદાર થાંભલાઓ છે. જેમાં ભીન્ન ભિન્ન પ્રકારની આકૃતિઓ બનેલી છે. ઇસવીસન ૧૧૧૭માં તાલકકડનાં યુદ્ધ દરમિયાન આ મંદિર હોયસાલ વંશજોનું મંદિર હોતું હતું !!! કેપ્પે ચેન્નીગારાયા મંદિર એક નાનકડું મંદિર કે જે આ મંદિરનાં પરિસરમાં સ્થિત છે જે દેવી લક્ષ્મીને સમર્પિત છે !!!

દર્પણ સુંદરી નામનું પણ એક મંદિર અહી આવેલું છે. દર્પણસુંદરીને અરીસા સાથે મહિલાનાં નામે પણ ઓળખવામાં આવે છે. આ બેલુરનું સૂતી સુંદર મંદિર છે !!! માનવામાં આવે છે કે આ મંદિરની સુંદર મૂર્તિઓ રાજા વિષ્ણુવર્ધનની રાણી શાંતલા દેવીની ખુબસુરતીથી પ્રેરિત છે. મંદિરની દીવાલો પર શિલાલેખ ઉત્કીર્ણ છે !!! પર્યટકો અહીં આવીને બ્રેકેટ ફિગરમાં નાચતાં અને ગાતાં લોકોનાં ચિત્રોને આસાનીથી જોઈ શકે છે

બડા ટેંક જેને વિષ્ણુ સમુદ્રનાં નામથી પણ ઓળખવામાં આવે છે. આ ટેંકનું નિર્માણ નરસિમ્હા રાયાની દેખરેખમાં પદ્મરાસાનાં સ્વપ્નને સાકાર કરવાં માટે બનાવવામાં આવ્યું હતું. આ ટેંકનું નિર્માણ વિજયનગરનાં શાસનકાળમાં જ થઇ ગયું હતું જેને સુવર્ણકાલ કહેવામાં આવે છે !!! જ્ઞાત થાય કે આ જ ટેન્કની પાસે અહીં ઘણાં ઉત્સવોનું પણ આયોજન કરવામાં આવે છે !!!

ગ્રેવિટી પિલર  ——

આ પિલર ૪૨ ફૂટ ઉંચો છે, જેને મહાસ્તંભ અથવા કાર્તિક દીપોત્સવનાં નામથી પણ ઓળખવામાં આવે છે. આ સ્તંભ – ચેન્નાકેશવ મંદિરનું પ્રમુખ આકર્ષણ છે. આ પીલરનો કોઈ જ આધાર નથી અને આ એક પથ્થરમાંથી નિર્મિત છે. એવું કહેવામ આવે છે કે આ પિલર ત્રણ બાજુએથી પોતાનાં વજન પર ઉભો છે અને ચોથી બાજુ જેમાં ગેપ છે જ્યાં આરામથી કોઇપણ વ્યક્તિ એક કાગળનો ટુકડો પણ સરકાવી શકે છે. આ સ્તંભ —- વિજયનગર  શાસકોનાં કાલની વાસ્તુકલાને દર્શાવે છે !!!

લગભગ ૯૦૦ વર્ષથી ભારતની શાન બનેલું આ મંદિર જોવું એ કોઈપણ વ્યક્તિનું લક્ષ્ય હોવું જ જોઈએ. આવાંજ મંદિરોને કારણે ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી જ. દરેક જણ બેલુરની યાત્રા કરે જ કરે !!!

——– જનમેજય અધ્વર્યુ

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!