વીર નાથાભગત મોઢવાડીયા (સીસોદીયા)

પોરબંદર તાબે આવેલા મોઢવાડા ગામમાં ઇસ.૧૭૮૦ માંનાથાભગતનો જન્મ થયેલો તેમના માતાનુ રુડીબાઇ અને પીતાનું નામ વશીયાંગભાઇ. તેમના સસરાનુ ગામ ક્ડછ. પત્ની નું નામ ઉજીબાઇ તથા માલદે અને ભીની નામના બે સંતાનો હતા. સીસોદીયા મહેર ક્ષત્રીય મૂળ મારવાડ માંથી આવેલા.

ક્ડછા ગામ થી શીશલી ગામમાં ગાયો ભેસો ના ચરયાણ માટે આવેલ તેમના ફૂઇની ભેસોં નુ ધણ નાથાઆતા ના દિકરા માલદેવ અને એને સાથી ગોવાળ ચરાવતા હ્તા. ફૂઇની ભેસોં ચરતી હતી તે જામસાહેબની હદ છે કે કેમ?એ બાબત ની તપાસ કર્યા વગર અને માલદેવજી ના ધ્યાનબાર જામસાહેબ ના માણસો ધુતારયાના આયરો હાકીં જાય છે.

નાથા આતા જામનગર ના રાવલ ગામના પાદરે આવી પોલીસ ફરીયાદ કરે છે કે ભેંસો જામસાહેબ ની હદમાં ચરતી ન હતી પણ પોલીસ ફરીયાદ સાંભળવાની બદલે ગામડીઓ કહીને તેમની ઠેક્ડી કરે છે. આતા મામલતદાર ને વાત કરવા જતા તે પચીસ રુપીયા દંડ માંગે છે. આપા પોતાના બચાવ પક્ષે વાત કરતા દંડ ની રક્મ રુપીયા પચાસ અને છેલ્લે પણોસો રુપીયા સુધી ઉતરોતર વધારે છે.

અમલદારની ખુશામત કરતો એક આયર કહે છે કે “સાહેબ! ખબર નથી? એમનો દાદો કાંધો મેર અને એમનો બાપ વશીયાંગ મેર પણ જામસાહેબ બાપૂ સામે બહારવટુ ખેલતો હતો. આના વંસના બધા બહારવટુ જ ખેલે છે, આશીયાવદર ગામમાંથી એનો બાપ વશીયાંગ ખડ નો ભર ભરીને જાતો હતો. ઇજારદારોએ એ ભર પડાવી લીધો. આ એના બાપની બહાદૂરી કેવી હતી જાણી લ્યોને?”.

આતા કહે છે કે મારા બાપે તે દી પણ રાજનો ગુનો નોહ્તો કર્યો પણ પડતર જમીનમાં જે ખડ હતુ ઇ માંથી ખડ વાઢ્યુ હતુ, તે દી પણ જામસાહેબે અન્યાય કર્યો હતો. હવે જોઇ લે જો હુ કેવી રીતે ઇ અન્યાયનું વટક વારું છું. આતા જામનગર આવી રંગમતી નદીના કાઠે ઉતારો કરે છે, તેમને જામનગર માં કોઇ ઓળખતુ નથી અને જામસાહેબજીની કચેરી માં ગરીબ નાથા આતાનુ કોઇ સાંભળતુ નથી.

ત્રણ દિવસ થી જમ્યા વગર ભુખ્યા તરસા આતાને જામનગરથી પણ કાંઇ દાદ ન મળતા તે ક્રોધમાં આવીને રાણપર આવે છે. તે ગામની ભેંસોને બે આયરો ચરાવતા હતા, તેની સાથે જંગ ખેલી આતા ભેંસુનું ખાડુ વાળી શીશલી ગામે આવી ફુઇના હાથમાં સોપે છે. શીશલી આવી નાથાએ નિંરાતે વાળુ કર્યુ. ખીસામાંથી ધતૂરી કાઢી તેમા બજર ભરી બે ચાર ફુક મારી નાથાને શાંતી વળી. નાથા બોલ્યા કે હું હવે જાઉ છું, ગામને પાદર. જામની વાર(ચડાય)આવે તો કેહજો કે ભેંસું ને હાથ ના અડાડે નક્કર માથા વાઢી લઇશ.

જામની વાર શીશલી આવે છે. એમાના એક સૈનીક ઉપર આતા સિંહની જેમ તરાપ મારી તલવારથી હાથ કાપી નાખે છે અને એમની રાયફલ લઇ લે છે. થોડીવાર મા સાત સૈનીકોને ઠાર કરી નાખે છે. બાકીના સૈનીકો આતાના પરાક્ર્મ સામે ટકી શક્તા નથી અને બીક્ના માર્યા ભાગી જાય છે. કેટલાક સૈનીકો ભાલા અને બરછી આતા પર ફેકે છે પણ આતાના શરીરમા ક્યાય ફુટ ના થઇ અને લોહીનું ટીપુ પણ નાં પડ્યુ. કહેવાય છે કે આભપરા ના ડુંગરમાં બીરાજતા એક જોગી આપા પર પ્રસન્ન હતા.

નાથાઆતા જામના ધોડે સવારો ને હરાવી પોતાના ગામ મોઢવાડીયા આવે છે અને દિકરા માલદેવ ને ઘર નો ભાર સોંપી શીખામણ આપે છે કે “દિકરા માલદેવ હવે આ ઘર તારે સંભાળવાનુ છે, તારી માંની સંભાળ રાખજે અને ઘરનું ધ્યાન રાખજે”. મારી હવે વાટ જોશો નહીં, મે જામસાહેબ સાથે વેર બાંધ્યુ છે એને મારે પણ દેખાડી દેવુ છે કે બહાદુર મેરનો બચ્ચો શું કરી શકે? દિકરા! મારો દિકરો કેવી રીતી જીવી જાણે અને કેવી રીતે મરી જાણે એ શીખવવાનું હોય નહી, મોઢવાડાના રાણા ભાયુ અને બરડાના મહેર ભાયુને સંદેશો પોગાડજો કે જોજો ભાયુ મેરની આબરુ ન જાય, મેર નો વટ રાખવો ઇ મેરના હાથમાં છે. આજથી મે મારુ ઘર છોડ્યુ છે અને બરડા ડુંગરના પોલા પાણે મારુ બેસણુ થશે. મારી સાથે મારી મદદ માટે ઘણા મર્દ બચ્ચા આવી પોહચશે એ સૌ ને રોટલા અને ખોરાક પુરો પાડવાની સગવડ મા રેહજો. મારી લાજ એ સૌ મેહરોની લાજ એમ સમજજો. ઇસ.૧૮૩૩ માં નાથા આતાએ જામ રણમલ સાથે બહારવટાનો પ્રારંભ કર્યો.

એમ કહી આતા બરડા ડુંગરમા આવેલ પોલાપાણે આવે છે અને પોતાની આંગળી માથી લોહી કાઢી પોલાપાણાની ગુફા માં ત્રીશૂળ કરી વાસ્તુ કરે છે. આ પાણાની કુદરતી રચના જ એવી છે કે જેને નીચે પોણોસો માણસો આરામથી બેસી શકે. પોલાપાણે આતા પોતાના સાથીદારો સાથે વર્તાલાપ કરે છે. ચારણો અને બારોટો પણ પોલાપાણે આવી નાથાના ગુણગાન ગાય છે. આતા કોયને જમ્યા વગર જવા દેતા નથી, મીઠા ભાતની દેગ કાયમને માટી ચુલે ચડેલી હોય છે.

આતાના સાથીદારોની સંખ્યા વધી ને બસો જેટલી થઇ ગઇ, કાયમ જામસાહેબના નવા નવા ગામ ભાંગે છે.

નાથા ભગત પાસે કોઇ ગરીબ આવે તે ખાલી ન જાતો, આતા તેમને કેહતા કે હુ જે દાન કરુ છું તે ખરુ દાન નથી, ખરુ દાન તો મહેનત અને પુરુષાર્થથી કરેલ કમાણી નું છે. આતા કોઇ દી ગરીબ કે નબળા માણસનુ ધન લુટતા નહી. તે મોટા શ્રીમંતોએ અનિતી અને ગરીબોના લોહી ચુસીને ભેગુ કરેલુ ધન લુટી ગરીબો ને દાનમાં આપી દેતા. આવી રીતે નાથાઆતા એનકેન પ્રકારે મદદ કરી ગરીબો ના બેલી બન્યા.

આતા ડાયરો જમાવીને બેઠા છે. ચારણો, બારોટો શૂરવીરોની વિરતાને બીરદાવી રહયા છે. ત્યાં આચાનક પોલાપાણે પડ્છંદ આવાજ આવ્યો રામ રામ ડાયરાને. રામ રામ કરનાર જવામર્દે ધોડી ઉપર પલાણ કર્યા છે. તેમના હાથમાં ભાલો, ખંભે ઢાલ અને ક્મરે તલવાર લટકે છે. અને પુછે છે નાથો મોઢવાડીયો કોણ? તેમાથી એક ચારણ કહે છે કે “અરે આપને રામ રામ કર્યા એજ નાથો મોઢવાડીયો”.

આતા ધોડે સવાર ને કહે છે કે નીચે ઉતરો આપનો પરીચય આપો. ધોડે સવાર નીચે ઉતરતા પહેલા વચન માંગે છે અને કહે છે કે કા વચન આપો અને કા રજા આપો. આતા કહે કે આયા જો દુશ્મન પણ આવી ચડે તો રજા તો એને પણ ના આપુ. આતા તેમના વચનપુર્તી કરવાની બાહેધરી આપે છે.

ઘોડે સવાર નીચે ઉતરી પોતાનો પરીચયા આપે છે કે મારુ નામ ‘ચાંપરાજ વાળો’ ચરખા ગામનો ગરાસયો. બન્ને જ્ણા એક બીજા ને ભેટે છે.

આતા કહે છે કે ચાંપરાજ વાળો તે જ કે જે ગાયક્વાડ સરકાર નો ક્ટ્ટર શત્રુ છે. આવો આપના આવવા થી પોલો પાણો તસું ફુલી ગયો.

આતા તેમને અંદર લઇ જાય છે અને બન્ને વાતો કરે છે કે શું કામ પડ્યુ આજે મારી પાસે આવુ પડ્યુ.?નાથા ભગત અમરેલી ગામ ગાયક્વાડ નુ છે અને તેને ભાંગવાના મારા કોડ છે.એ ગામ ભાગવુ સેહલુ નથી એટલે જવાઓ મર્દ મહેર નાથા પાસે આવ્યો છું. આપ મદદ કરો તોજ એ કામ પાર પડી શકે એમ છે. આતા કહે ગામ ભાગવાએ તો મારુ કામ છે હું જરુર મદદ કરીશ.

બરડા ડુંગર પર આવેલા પોલા પાણાએ મહેમાનગતી માણી બન્ને મિત્રો અમરેલી ભાગે છે અને ચાંપરાજ વાળાના કોડ પુરા થાય છે. આતાએ બારાડી પંથક ના ગામો ભાંગેલા અને રાજાશાહી કોળી લીધેલી. ગુંદા ગામની રોઝી ઘોડી પંસદ આવતા લઇ લીધેલી. આતાની બહાદૂરી ની પ્રસીધ્ધી દેશભરમા થવા લાગી. સૌરાષ્ટ્રમાં એની છાપ બહારવટીયાની હતી પણ ભગત તરીખે ની છાપ પણ ભૂસાણી નોહ્તી. તેમને લોકો નાથાભગત કહી ને જ સંબોધતા.

ભક્ત ને દાતા ભલો શુરામાં સવાઇ
એ ત્રણ ગુણ તુંમામે નજરે ભાળીયા નાથીયા.

નાથાની કિર્તી બિરદાવતા ચારણો, બારોટો ગાતા કે હે નાથા તારુ અત્યારનું જીવન બહારવટીયાનું છે. છતા તું ખરેખર પ્રભુનો ભક્ત છે,વળી તારામાં દાતારીનો મહાન ગુણ છે. આ બે ગુણો કરતા પણ ચડીયાતો શુરવીરતાનો ગુણ તારામાં વિશેષ કરીને છે. આમ ભગત,દાતાર અને શુરવીરતા એમ ત્રણે ગુણો અમે એક્સાથે તારામાં જોયા છે. ધન્ય છે તારી મર્દાનગીને.

આતા એક વખત સોરઠ તાબેના મહેરના ગામડાની મુલાકાતે નીક્ળેલ. ત્યાના એક માધાપર ગામમાં ખેતરમાં ઉંટ ઢકાય જાય તેવી જુવાર ઉગેલ છે. તે ગામનો કીરપારામ મેતા નામનો મામલતદાર ગરીબ ખેડૂતો ની હ્જી જુવાર વેપારી પાસે વેચવા પોહચે એ ઓ પહેલા જ આગાઉથી નાણા વસુલ કરવા જુલ્મ કરતો. ગરીબોના પરસેવાથી ઉપજાવેલ પાક ખેડૂતો જે ભાવે માંગે એ ભાવે આપી દેતા.

આતા માધાપર ગામના મામલતદાર કીરપારામને સમજાવા જાય છે. તે આતાને ના બોલવાના શબ્દો બોલે છે અને રાજની ધમકી આપે છે. આતા તેને ઢોરનું ચામડુ મંગાવી તેમા જીવતો સીવી દે છે. આમ કીરપારામ ના મોતથી તે પરગળાના બીજા અમલદારો પણ નાથા આતાના ડરથી જુલ્મ કરતા બીવે છે. કીરપારામ જેવા નરાધમ ના ત્રાસમાંથી માધાપુર ગામનાં માણસો છોડાવે છે. આતા ગરીબ ખેડૂતોના બેલી બને છે.

મોઢવાડા ગામે વણઘા પટેલ ને ત્યાં માંગરોળ પાસે ના છત્રાવા ગામના રહીશ રાણા ખૂંટી આસરે પોણોસોક માણસો ને સાથે લઇ દ્વરકાની જાત્રાએ નીક્ળેલ અને વણધા પટેલ ને ત્યાં ઉતારો કરેલ. રાણા ખૂંટી વણધા પટેલ ને કહે છે કે તમારા ગામનો રાજા બારોટ નાથા ભગત ની બહાદુરીના દોહા સારા ગાય છે. બારોટને બોલાવવા માં આવે છે અને પોતે તૈયાર કરેલ વીસી (વીસ દોહા) આખા ડાયરા ને સંભળાવે છે જે નીચે મુજબ છે.

નાથાભગત ની વીસીઃ

એકે તે ઉથાપીયાં ટીંબા જામ તણા,
સુંણીયું સીસોદિયા નવખંડ વાતુ નાથીયા…૧…..

બીજે તો નાના બાળ પણ રોતા છાના રહે,
પંચમુખ જે પ્રાચાળ નાખ છ ગડકું નાથીયા….૨…..

ત્રીજે જાડેજા તણું મોઢા છોડાવ્યુ માન,
ખંડ રમ્યો ખુમાણ નવતેરી તું નાથીયા….૩…..

ચોરે દાઢે ચાવ બારાડી લીધી બધી,
હવે લેવા હાલાર નાખ છ ઘાડા નાથીયા….૪….

પાંચે તું પડતાલ ક્છીયું ને કીધા ક્ડે,
મોઢા ડુંગર મોવાડ નત ગોકીરા નાથીયા….૫….

છઠ્ઠે બીજા ચોટ નાથાની જાલે નહી,
કરમી ભેટ્યો કોટ તરતજ દેવળીયા તણો….૬…..

સાતે તું ડરકણ સુવણ મોઢા ડુંગરમાંય,
થર થર જાંગુ થાય રજપુતોની રાત દિ….૭……

આઠે આળુ જે કરે વેડા મૂકે વાણ,
તળ નગરે ટીટાણં નાખે મૂતર નાથીયા….૮….

નવે સારતો નહી હાક્મ ને હંસરાજ,
વશ કીધો તે વંક્ડા રંગ તુને છે નાથીયા….૯….

દશમે દહિંવાણ દોરંગો દિલ્લી ધણી,
ખંડ બરડે ખૂમાણ નર તું બીજો નાથીયા….૧૦….

અગીયારે મહેર અભંગ લોકોમાં લેખાત,
નાથા જનમ ન થાત વંશમા વશીયાંગ રાંઉત….૧૧….

બારે બીલેશ્ર્વર તણું ઉપર નાથો એક,
ત્રેપરાજ ની ટેક નાથા તે રાખીને ધ્રુ….૧૨….

તેરે તે બાંધી તલવાર કથીયુથી બાંધી કેડે,
હવે લેવા હાલાર નાંખ છ ઘાડા નાથીયા…૧૩….

ચૌદે ઘર લેવા ચડે ખુમારા ખરસાણ,
ભારે પડે ભંગાળ નગર લગણ નાથીયા….૧૪….

પંદરે તુને પાળ ઘર મોટા આવી ભરે,
ક્ષત્રી હાવ્ય ખંધાળ ન કરે તારી નાથીયા….૧૫…..

સોળે નવ સોરઠું તણા બળ્યા દંડ છ બાન,
ક્છીયું તું થી કાન નોરે ઝાલીયા નાથીયા….૧૬…..

સતરે શુરાતન તણો આંટો વાળ્યો અચ્છે.
બાબી જાડેજા બે તેં નમાળ્યા નાથીયા….૧૭…..

અઢારે ઇડર તણો નક્ળંક ભેરે નાથ,
હાક્મપેટેં હાથ તેં નખાવ્યા તા નાથીયા…..૧૮…..

ઓગણીસે ઓસરીયાં જાડેજા બાબીજે,
કેશવ ભૂપત એક તુને નમાવ્યા નાથીયા….૧૯….

વીસે તું સમવડીંગ ધરપત થ્રાકા ધોડ,
ચળ્યુ ગઢ ચીતોડ નરતે પાણી નાથીયા….૨૦…..

રાણા ખૂંટી વીસી સાંભળી રાજા બારોટ ને કીધુ કે વાહ રંગ છે તને સરસ દોહા બોલ્યા પણ તે નાથાભગતને મહેર જ્ઞાતીનો શીરોમણીં બનાવ્યો. અત્યારે તું એનો આશ્રીત છે એટલે તુ એને સોને મઢાવ કે હીરે મઢાવ! એને રાજા કે ભગવાન બરોબરીયો બનાવ! મલક માંથી બીજા બધા મહેર મરી પરવારીયા છે ને એવું તું અગીયારમાં દોહામાં બોલ્યો! તે વધારે પડતુ અને હદ મેલીને બોલ્યો. તું બોલ્યો નાથો જન્મયો ના હોત મેર લોકુ માં ન લેખાત. શું નાથા મોઢો જ કેડે શેર લોઢું(તલવાર) બાંધી જાણે છે બાકીના મેર શું કોરી-કુંભાર છે?

રાજા બારોટ કેહે છે કે હદ મેલી જે બોલ્યો ઇ સાચું જ બોલ્યો! હું જે બોલ્યો એની ખબર પછી પડ્શે. આમ રાજબારોટની આ વાતથી રાણા ખૂંટી રાજી થવાને બદલે એને આ વાત નું ખોટુ લાગ્યુ.

રાણો ખૂંટી યાત્રાળુને લઇ દ્વ્રારીકા પોહચે છે ત્યા દર્શન કરી બ્રાહ્મણો ને દાન દક્ષીણા આપે છે. વરતા ફરી વખત વણધા પટેલની ડેલીયે ડાયરો જામે છે. ડાયરામાં યાત્રા કર વિશે વાત નીક્ળે છે કે જામસાહેબ ના દાણીએ ભોગાત ગામે ૩૦૦ કોરી રોક્ડ દાણ લીધી જાત્રાએ જવાની. રાજા બારોટના કાને એ વાત પડતા તે પોલાપાણે રવાના થાય છે અને વણઘા પટેલ ને કેતા જાય છે કે જાત્રાળુ મેહમાન ને જવા ન દેતા મારે એમના કસુંબા પાણી કરવા છે.

પોલા પાણે જઇ રાજા બારોટ પોક મુકી રડવાનું ચાલુ કરે છે. નાથા આતા કારણ પુછતા જણાવે છે કે તમારા જેવો મેર ભડવીરની હાજરી હોવા છતા જામસાહેબના માણસો મેર ભાઇઓ પાસેથી જાત્રા નો દાણ વસુલ કરે છે.

નાથા આતાએ બારોટની બધી વાત સાંભળી માણસ પાસે ખડીયો ક્લમ માંગવી લખાવ્યુ કે “ભોગાતની દાણ લેવા વારા છત્રાવા ના મેર રાણા ખૂંટી પાસે થી તમે ત્રણસો કોરી દાનમાં લીધી છે, તેમા બીજી ત્રણસો કોરી દંડની ઉમેરી કુલ છસો કોરી પરબારા માણસો હારે મોઢવાડા મોક્લી દેજો નકર નાથાના મોઢવાડા નું સામૈયુ કરવા તૈયાર રે જો”. તરત જ આ કાગળ સાંઢીયાસવાર સાથે રવાના કર્યો અને બારોટને કીધુ કે જા હવે લીલા લહેર કર છસો કોરી મોઢ્વાડા પુગશે અને ના પુગે તો મારા નામનું સ્નાન કરી નાખજે પણ આમ હું જીવતો ખુંખવો ના મુક!

રોઢે વણઘા પટેલને ત્યાં ડાયરો બેઠો રાજા બારોટ પણ ડાયરામાં આવ્યો સૌએ ક્સુંબા પાણી લીધા. હોકો પીતા પીતા રાજા બારોટ બોલ્યા કે ખરેખરા વીરપુરુષ મા જે મહાન ગુણ હોય એને પ્રસિધ્ધ કરવાએ બારોટનું કામ છે. બારોટ એટલે ખુશામતીયા નહી પણ સત્યને સત્ય રુપ કહેનારા એટલે બારોટ. વાત ચાલતી હતી એટલીવારમાં સાંઢળીસવાર આવી પોહચ્યો અને બોલ્યો “રામ રામ ડાયરાને, રાણા ખૂટી કોણ?”

સાંઢળીસવારે છ્સો(૬૦૦) કોરી રાણા ખૂંટીના હાથમા આપી અને કીધુ કે જામના ચીલાવાળાએ ૩૦૦ કોરી લીધીતી તે અને ૩૦૦કોરી બીજી દંડ પેટે નાથા ભગતે તાકીદે મોક્લી દેવાનું કેણ મોક્લ્યુ તુ એના જેવા મર્દ માણસ સાથે લડવામાં અમે ખાટ્સુ નહીં.

આ ઘટ્ના બન્યા બાદ રાણાને રાજા બારોટના અગીયારમાં દોહાનો મરમ સમજાઇ ગયો. રાણા ખૂંટી એ કીધુ બારોટ તમે દોહા એક્વાર નહી હજારવાર બોલજો આજે મને સમજાણુ કે નાથા ભગત તો અમારા સમાજનુ પોરસ છે. ઘરે ઘરે કાંઇ નાથા મોઢા જેવા શુરવીર થોડા પાકે!

પોલાપાણે નાથાભગતનો વિજય વાવટો ફરુકે છે. ભગત પોતાના શુરવીર સોબતીયાઓ સાથે વાતુમાં ગુલતાન છે. પોરબંદરના રાજ જોશી લીલા જોશી પોલાપાણે આવે છે.

લીલાજોશી કહે છે કે રાજમાતાએ આપની શુરવીરતા અને બહાદૂરીથી પ્રસન્ન થઇ આપને આશીર્વાદ કેહવડાવ્યા છે અને તમને ધર્મના ભાઇ ગણી આ રાખડી, સોનાની મુંઠવાળી કિંમતી તલવાર, સોંનાની હેમલ અને કુરખાબના આ વસ્ત્રો આ રુપાના થાળમાં મોક્લેલા છે. નાથા આતાએ રાજમાતાએ મોક્લેલ થાળને માથે ચડાવ્યો અને બોલ્યાકે લીલા જોશી! જોગમાયા સમી રાજમાતાના હું શું વખાણ કરું તે તો સાક્ષાત સત ની મૂર્તી છે. રાજમાતા અને કુંવર ભોજરાજજી તો મજામા છે ને?

કુંવર ભોજરાજજી નાની ઉમર ના હતા એટલે રાજ નો તમામ વહીવટ રાજમાતા પોતે સંભાળતા. ક્યારેક રાજના અમલદારો અને ભાયાતોની ખટપટમાં રાજમાતા મુંજાઇ જતા ત્યારે તે નાથામોઢાની સલાહ લેતા. રાજમાતા ને એવો વિશ્વાસ હતો કે આતા કોઇદી રાજવતી બુરું નહી જ કરે એટલે ગમેતેવી મુશ્કેલીમાં હોય ત્યારે આતાની સલાહ લેતા. એક વખત કુંવર ભોજરાજજી ને ગાદીયે ન બેસાડવા માટે ભાયાતો મા ખટપટ ઉપડી હતી ત્યારે આતાએ પોતાના બાહુબળ અને બહાદુરી થી એ ખટપટ દાબી દીધી હતી. આવી રીતે આતાની રાજ પ્રત્યેની નિષ્ઠાજોઇ રાજમાતા વિશુધ્ધ ભાવથી આતાને માનતા હતા અને આતા પણ જીવ્યા ત્યાં સુધી રાજધર્મ એક નિષ્ઠા થી બજાવ્યો.

થોડા મહીના બાદ પોંરબંદર તાબાના રાણીવાડાને પાદર સોળ ગામના રાજશાખા, કેશવારા, ઓડેદરા મહેરો ભેગા થયા અને નાથા ભગતને તેડાવી કહયુ કે “તમારા એક સારું થઇને આપણી આખી નાતને રાજ તરફથી ભરડો (સખતાય) લેવાળો છે. તમારાથી જામનગર રાજ્ય થાક્યુ અને બ્રિટીશ સરકાર તરફ્થી સખતાય થઇને પોરબંદર રાજ્ય ઉપર દબાણ આવ્યુ છે નાથાને કેદ કરી સોંપીદો, નકર તમારી રાજગાદીને ધક્કો લાગશે”.

રાજમાતાએ બધા મહેરોની આ બાબતે સલાહ લેવા બોલાવ્યા. મહેરો માંથી એક આગેવાને કીધુ કે માતાજી તમે કહો એમ કરી દીયે ઝટ બોલી જાવ. રાજમાતાએ કીધુકે રાજના હિત ખાતર ગમે તેમ કરી નાથાભગતને તમે અમને સોંપીદો! ભેગા થયેલા મહેરોએ રાજમાતાને કીધુ કે અમને આઠ દિવસ ની મુદત આપો નાથાભગતને પુછ્યા વગર અમારાથી ઉતાવળુ પગલુ ના ભરાય.

નાથાભગતે કહયુ કે મારા વાલ ભાયુ! મારા માટે થઇને મારી આખી નાતને અને રાજમાતાને મુંજાવુ પડે એમાહું રાજી નથી. આજથી ચોથે દિવસે તમે પોલાપાણે આવજો હું આપની સાથે રાજમાતા પાસે આવીને સોંપાય જાઇશ. બાધા મહેરો મુંઝવણમાં પડ્યા કે નાથાભગત જ્વો મરદ આપણી કોમના દીવા જેવો છે આપણે એને સોંપી દેતા જગત સામે નીચું જોવા જેવુ થાસે. રાજમાતા પોતાના અંગત સ્વાર્થ માટે પોતાના ધર્મના ભાઇને સોંપવા તૈયાર થયા છે.

પરબત નામના એક મેહેરે કીધુ કે મારે આવા કામમાં સાથ નથી દેવો કહીને જુદો તરી ગયો અને બોલ્યો કે હું તો નાથા સાથે છું એને સોપવા માટી હું આગળ નહી આવુ આમ બધાનો એકમત થાતો નથી અને વાત વંટોળે ચડે છે. ખીસ્ત્રા ગામના મહેર પુંજા ત્યારે કહે છે કે આપણો એક મતના હોયતો અંદરો અંદર વિખવાદ કરવા કરતા ચાલો રાજમાતાને જઇને કહયે કે નાથાને અમે કોઇ પણ ભોગે નહી સોંપી.

કેટલાક મહેરો પોરબંદર રાજમાતા પાસે ગયા અને પુંજા ખેસતરીયાએ મહેરના ડાયરામાં થયેલી ખાનગી મસલત રાજમાતાને કહી અને સાથે એમ પણ કહયુ કે પરબત સીસોદીયાએ નાથાને સમજાવાને બદલે અવળી રસ્તે ચડાવ્યો છે એની સાથે રાણો અને લાંધણ પણ ભળી ગયા છે.

રાજમાતાએ હુકમ કર્યો કે જાઓ પુંજાભાઇ નામ આપે એ બધાને પક્ડી લાવી હાજર કરો. પોલીસ છુટ્યા અને સાતે જણાને હાથક્ડી નાખી પક્ડી લાવ્યા. જોરાવર પરબત સીસોદીયા લોઢાની હાથક્ડી મરડી અને તોડી નાખે છે. પરબતને મનમાં એમ કે હું વાધની યુવરાજ પાસે પોંહચી માફી માંગવા માંગી લઉ અને ધારીસીડી ઉપર ચડતા પાછળથી પુંજો ખીસતરીયો તેના બન્ને પગ પક્ડી રાખે છે અને ત્યાંતો આરબો આવી પરબતના પેટમા જામૈયો નો એવો ઘા નાખે છે અને પરબત સીડી ઉપરથી ગોથુ ખાય નીચે પડી જાય છે. બાકી ના છ જણાને પુછવામા આવે છે કે તમારે મરવુ છે કે જીવવુ છે! તમારા માટે તોપનો ગોળો ભરીને તૈયાર રાખેલ છે. બધા કહે છે કે ખુટાપણ કરીને નાથા જેવા ભડવીરને પક્ડાવી અમારે અમારો ધરમ નથી છોડવો અમને તામારા તોપના ગોળાનો જરાય ડર નથી.

રાજમાતાએ હુક્મ કર્યો કે આ બધાને તોપના ગોળી ઉડાડી દો! એક જણ બોલ્યો કે અત્યાર સુધી ધર્મનો ભાઇ માનનારા અને હમેશા રાજને મદદ કરનારને તમે ભુલી સ્વાર્થ માટે નાથાને પક્ડાવી મોટુ પાપ કરો છો. તમારો રાજલોભ માણસની માણસાય રેહેવા નહી દીયે. તમે ભલે તમારો ધરમ ચુક્યા અમારે અમારો ધરમ નથી ચુક્વવો.

પોરબંદર વિરડીના નાકે કોઠામાં તોપો તૈયાર હતી, છ એ જણા હ્સતે મોઢે તોપની આગળ ગોઠવાય જાય છે ને તોપના ગોળે ફુંકી દેવામાં આવે છે. વિરડીના નાકે હજી પણ છ એ જણાની ખાંભી છે.

રાજમાતા પુંજા ખીસતરીયા ને ખાનગી માં ચર્ચા માટે બોલાવે છે અને કહે છે કે નાથાનુ કરવુ શું? હું રાજકોટ એજેન્સીના દબાણથી અક્ળાય ગઇ છું! રસ્તો બતાવ ત્યારે પુંજો કહે છે કે નાથાએ બિલેશ્વર મહાદેવને પ્રસન્ન કર્યા છે અને એક મોટા જોગીનું પણ તેને વરદાન છે એટલે તેને યુધ્ધમાં કોઇ મારી શકે એમ નથી. જો નાથાને મારવો હોયતો મને ઝેર આપ એનુ કાસળ ક્ઢાવી નાખુ હંમેશા માટે, એમ તે રાજમાતા પાસેથી ઝેર લયે છે.

ઝેર લઇ અને હાથલા ગામનો બ્રાહ્મણ હીરજી થાનકી ને આપે છે જે મહેરો નો ગોર હ્તો. હાથલા ગામમાં નાથાભગતની ધર્મની માનેલી બહેન રેહતી હતી અને પુંજાને ખબર હતી કે ચાર દિવસ પછી નાથો એમની બેહને મલવા આવે એટલે હીરજી ગોરને મલવા આવસે અને વળી નાથાઅતા લુંટ્ના ધણા રુપીયા આ હરજી ગોર ને દર મહીને દાન માં આપી દેતા. આમ પુષ્ક્ળ રુપીયા આતા એમને દાન કરતા છતાતે પુંજાના હાથે રુપીયા ની લાલચે વેંચાઇ જાય છે અને આતાને ઝેર દેવા માટે મનસુબા ઘડે છે.

પોલાપાણે થી હાથલા આતા એમના બહેનને મલવા જતા આડો નાગ ઉતરે છે, માઠા શક્ન થતા તમની સાથે આવતા સોબતીયા આતા ને ન જાવા માટે સમજાવે છે પણ આતા ભગવાને માંડયુ હ્શે તે થાસે એમ કહીને એક્લા હાથલા નીક્ળે છે.

હાથલા પોહચતા એની બેહેન હરજીની ધરની છેવટની ઓસરીયે ઉભી નાથાને ઇશારો કરી બોલાવે છે કે ભાઇ અહી આવો પણ નાથા કહે અબઘડીયે આવુ બેન જરા ગોરને પગે લાગતો આવુ પછી નીરાતે વાત કરીયે. આતા આજે કાળનો કોળીયો થાવાના હતા બહેનબાના ઇશારાને સમજી શક્યા નહી.

હરજી પાસે આવતા તે આતાને કહે છે કે હુ તમારી ક્યારનો વાટ જોતો હતો, અત્યારે વાળુ તૈયારજ છે એટલે તમને જમ્યા વગર જવા નહી દઉ. આતાને આગ્રહ કરી જમવા બેસાડે છે. આતાના ભોજનમાં પુંજાના કહેવાથી રાજમાતાએ આપેલુ ઝેર ભેળવી આતાને ખવરાવે છે. ભોજન પાંચ કોળીયા ખાતાજ આતાને અમંગલ વર્તાય છે અને તે ખાતા ખાતા ઉભા થઇ જાય છે. આતાએ તરત જ હથીયાર ક્બજે કર્યા અને ચાલતા થયા ઘૉડી ઉપર સવાર થવાના હોંશ નાથાઆતાને રેહતા નથી એટલે પગે ચાલતા થયા. ચાલતા ચાલતા હરજી ગોરને કહ્યુ કે દગાખોર તે દગો કરીને મને ઝેર દીધુ પણ તું બ્રાહ્મણનો દિકરો છે એટલે તને જાવા દવ છું. તારી દશ પેઢી સુધી ખુટે નહી એટલુ ધનમે તને આપ્યુ અને તું ધનના લોભે લલચાણો! તારા પર ભરોસો કરી મે માથુ નમાવ્યુ અને તે દગો કર્યો.

આમ નાથાઆતાની આખા શરીરમાં ઝેર ચડી જાય છે, તે ચાલતા ચાલતા જમીન પર ઢળી પડે છે અને નાથા ભગતનુ પ્રાણ પંખેરુ ઉડી જાય છે. નાથાભગતે ઇસ.૧૮૪૫ માં છેલ્લા શ્વાસ લીધા.

પ્રથમ પડકારો કરી સામા ચલાવી જાત
મોઢા તલમાત્ર નોતો ધોખો નાથીયા!

હે નાથા ! તારા જેવા વિરપુરુષને ઝેર દઇ મારીનાખવાનુ અધમ કાર્ય કર્યુ તેના કરતા સામી છાતીયે આવીને પડકાર કર્યો હોતતો તને પણ ધોખો ના થાત અને અમને પણ! આ તો દગાની રમત રમીને તારુ મ્રુત્યુ કર્યુ એનુ અમને દુઃખ છે.

✏ચિત્રાંક્ન-છબીઃ
કરશનભાઇ.ઓડેદરા, પોરબંદર
પ્રેષિત-ટાઇપઃ
મયુરભાઇ સિધ્ધપુરા, જામનગર.
9725630698

સંદર્ભઃ મહેર જવાં મર્દ પુસ્તક્માંથી.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– વીર માંગડાવાળો – ભૂત રૂવે ભેંકાર…

– મેપા મોભની ઉદારતા ની વાત

– સોરઠ નો સિંહ વીર રામવાળો

– કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા

– ભૂચરમોરી મહાસંગ્રામ…છપ્‍પનની છાતીનું પરાક્રમ

– રાખડી નુ ઋણ – ભાણ પટગીર

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!