વીર બાવાવાળો- સોરઠી બહારવટીયા (ભાગ- 3)

આવો આવો આપા માણસૂર !” ડુંગરના તખ્ત ઉપર બિરાજેલા બાવાવાળાએ મહેમાનોને આવકાર આપ્યો.

“અાપા બાવાવાળા ! ” માણસુર ધાધલ બેાલ્યો, “હું આજ સ્વારથની વાતે આવ્યો છું.”

“બોલો બા ?”

“જો ભાઈ, મારે ગુંદાળા ગામમાં ખોરડાં કરવાં છે. પણ જો તું એ ગામને માથે ન પડવાનો હો તો જ હું ખેારડાં ઉભાં કરૂં.”

“આપા બાવાવાળા !” બાવાનો સંગાથી જેઠસૂર બસીઓ કે જે માણસૂર ધાધલનો સગો માશીઆઈ થતો હતો, તે વચ્ચેથી જ બોલી ઉઠ્યો: “ અાપા ! જો વેણ પળાય એમ હોય તો જ હા પાડજે હો. નીકર પછી થુક્યું ગળવું પડશે, ને અમારૂં બેય ભાઇયુંનું મોત બગડશે.”
“બહુ સારૂં આપા માણસુર, જાવ મારો કોલ છે. ગુંદાળા માથે ન ચડવાનું હું પાણી મેલું છું.”

માણસુર ધાધલે તો ગુંદાળે જઈને રૂપાળાં ખેારડાં ચણાવ્યાં અને એક જેબલીઆ કાઠીની જમીન પોતાના મંડાણમાં હતી. તે લઈને ખેડવાનું આદર્યું . બાવાવાળાના વેણ માથે એને વિશ્વાસ છે.

પણ બાવાવાળાનો કાળ આવવા બેઠો છે ને ! એટલે જે કાઠીની જમીન માણસુર ધાધલ ખેડવા મંડ્યો એ જ જેબલીઅા કાઠીએ વ્હેતાં મેલ્યાં બાવાવાળાની પાસે જઈને બાવાવાળાને ચડાવ્યો:

“ભણેં આપા બાવાવાળા ! હાલ્ય. ગુંદાળા માથે ત્રાટક દેને. રોગું હેમ પાથર્યું છે. ”

“પણ અાપા, મારાથી જીભ કચરાઈ ગઈ છે. શું કરૂં ?” બાવાવાળાની દાઢ તો સળકી. પણ કોલ ઉથાપવાનો ડર લાગ્યો.

“અાપા બાવાવાળા, બરાબર. તારો કોલ સાચો. એટલે તું માણસુરના લબાચા ચૂંથીશ મા. પણ ગુંદાળામાં તો હેમ પાથર્યું છે, હેમ !”

ધર્મના માર્ગેથી લપસતો જાતો બાવોવાળો લોભાઈને આખરે ગુંદાળા માથે ચડ્યો. આવતાં જ છેટેથી એને માણસુર ધાધલે ભાળ્યો. માણસુરે આધેથી ધા નાખી,

“અરરર બાવાવાળા ! વચન લોધ્યું ! આપા દાનાને લજવ્યો ! કમતીઆ | ડાકણ પણ એક ઘર છોડી દ્યે. તું ઈથી યે ઉતરતો પાકયો ?”

“આપા માણસુર !” ભેાંઠા પડેલ બાવાએ ગેાટા વાળ્યા, “તું તારે તારૂં ઘર સંભાળ્ય, તારૂં રૂંવાડું ય ખાંડુ નહિ કરૂ !”

“હવે બસ કરી જા બાવાવાળા !” માણસૂર ધાધલ તલવાર કાઢીને બહાર નીકળ્યો : “કાઠીના પેટનો થઈને મને મારૂં એકલાનું ઘર વહાલું કરવાનું કહેછ ? મને પણ તું જેવો જ માન્યો ?”

એમ બોલતો માણસૂર ધાધલ ગામની રક્ષા માટે ઓરડેથી ઉતર્યો. જાતાં જાતાં પોતાની સ્ત્રીને કહ્યું “કાઠીઆણી ! બેય છોકરાઓને એારડામાં પૂરી રાખજે !”

એટલું બોલીને માણસૂર કેસરી સિંહની જેમ કુદ્યો. જાળવ્ય ! માણસૂર જાળવ્ય ! એમ બાવાવાળાએ હાકલા કર્યા. પણ જાળવે શું ? તલવાર લઈને માણસૂરે એકલાએ રણ આદર્યું. ઘડી એકમાં તો એના પરજેપરજા ઉડી ગયા.

ત્યાં તો ખારડા ઉપરથી છાપરું ફાડીને માણસૂર ધાધલનો નાનો દીકરો બહાર નીકળ્યો. એણે પોતાના બાપને ધીંગાણે શોભતો દીઠો. પોતાની પાસે તરવાર તો નહોતી એટલે શત્રુઓ ઉપર એ લાકડીના ઘા કરવા માંડ્યો.

“બાપુ !” આસવારો બોલ્યા, “ છોકરો ઘોડાં માથે પરોણાની પ્રાછટ બોલાવે છે.”

“મારશો મા ! ઇ ટાબરને મારશો મા ! એને ઝાલી લ્યો. અને હવે હાલો. ઝટ ભાગી નીકળો ! લુંટ નથી કરવી. દાટ વાળી નાખ્યો.” એમ કહીને એણે ભુંડે મ્હોંયેં વીસાવદરનો કેડો લીધો.

માર્ગે એક નહેરૂં આવે છે. ત્યાં માણસૂરના ભાઈ જેઠસુર બસીઆને પોતાના અસવારે સાથે તડકા ગાળવા બેઠેલો દીઠો. અને જેઠસૂરે બાવાવાળાને દીઠો.

“કોણ બાવા વાળો !”

“હા અાપા જેઠસૂર !”

પણ એ હોંકારામાં રામ નથી રહ્યા. બાવાવાળાના મ્હોં ઉપરથી, વિભૂતિ માત્ર ઉડી ગઇ છે. અને વળી બાવોવાળો ગુંદાળાને માર્ગેથી ચાલ્યો આવે છે. એટલે જેઠસૂરે અનુમાન કરી લીધું. “કાળો કામો કરીને આવછને ભાઇ ! ”

બાવાવાળો ચુપ જ રહ્યો.

“બાવાવાળા ! બીજું તો શું કરૂં ? તારૂં અન્ન મારી દાઢમાં છે. તારી થાળીમાંથી ઘણા દિ’ રોટલાનાં બટકાં ભાંગ્યાં છે. પણ હવે રામ રામ ! આપણાં અંજળ ખુટી ગયાં.”

જેઠસૂરના વળના જેટલા અસવારો હતા તે તમામ તરી નીકળ્યા. અને બાવોવાળો ભોજા માંગાણીને લઈ માર્ગે ચડ્યો. પણ આજે એની દશા પલટાતી હતી. એટલે એની કાંધે કુમત જ ચડી બેઠી હતી. ભોજા માંગાણીએ પાસેના ખેતરમાં એક બેહાલ અાદમી સામે અાંગળી ચીંધીને પૂછ્યું,

“આપા બાવાવાળા, ઓલ્યો સાંતી હાંકે ઈ કોણ છે, એાળખ્યો ?”

“કોણ છે ભોજા ?”

“ ઈ હરસુરવાળો પોતે : તારાં ચોરાશી પાદરનો ગઈ કાલનો ધણી.”

“એટલે તારૂં કહેવું શું છે ભેાજા ?”

“બાવાવાળા ! દુશ્મનની આવી દશા દીઠી જાય છે ખરી ? સાવઝને શું તરણા ખાતો કરાય ?”

“ત્યારે શું શત્રુના પગ ધોઈને પીવાતા હશે ?

“બાવાવાળા, એને વધુ નહિ, એક જ ગામડી દે. પણ આ હરસુરવાળાના હાથમાં સાંતી તો દેખ્યું નથી જાતું.”

“ભોજા ! જમીન ચાકડે નથી ઉતરથી, જાણછ ને ?” “તો પછી બાવા વાળા ! ભોજો ય ચાકડે નથી ઉતરતો, ઈ યે તુ જાણછ ને ?”

“એટલે ભોજા !” બાવા વાળો તિરસ્કારથી હસ્યો. “બહુ દાઝતું હોય તો એને ચોરાશી યે ચોરાશી પાદર પાછાં અપાવજે !”

“બાવાવાળા ! તારા મ્હોંમાં અવળાં વેણ ન શોભે. બાકી તો તું જાણછ ને ? વિકમા ગયા, શેખવા ગયા, જેઠસૂરે તને છોડ્યો – એમ પછી પીછડા વિનાનો મોર રૂડો લાગશે ?”

“મોર હશે તો નવાં હજાર પીછડાં આવશે.”

“પછી ઓરતો નહિ થાય ને ?

“ના ના, આ લે, એક બરછી બાંધછ, ને આ બીજી પણ ભેળી બાંધજે.”

“ત્યારે હવે રામરામ બા. શેલણા ને વીસાવદરનાં ને એક સો ને અડસઠ પાદરના ધણી ! જાગતો રે’જે !” એટલું કહીને ભેાજો માંગાણી પોતાનાં ઘોડાં તારવી પાછો વળ્યો. સીધેસીધો ખેતરમાં સાંતી હાલતું હતું ત્યાં ઘોડી હાંકી જઈને પડકારો કર્યો કે

“આપા હરસૂરવાળા ! મેલી દે સાંતી. ઠાકર તારાં ચોરાસી યે ચેારસી તને પાછાં આપશે.”

“ભોજા માંગાણી ! આ બે સાંતીની જમીન રહી છે એય નથી સહેવાતી કે શું ? આભને ઓળે રહીને મારાં બે છોરૂડાં ઉઝેરૂં છું. એટલું યે તારી આંખમાં ખટકે છે કે ભાઇ !” બોલતાં બોલતાં હરસૂરવાળાની પાંપણો પલળતી લાગી.

હેઠો ઉતરીને ભેજાએ પોતાની તરવાર હરસૂરવાળાના હાથમાં દીધી, અને બોલ્યો, “આપા હરસૂર ! આજથી તું મારો ઠાકર ને હું તારો ચાકર. ઉઠ. નીકળ બારવટે.”

–8–

વિસાવદર ગામમમાં સોપો પડી ગયો છે. જળ ઝંપી ગયાં હોય એવી શાંતિ પથરાઈ ગઈ છે. બાવાવાળો દરબારગઢના માયલા ઓરડામાં માળા ફેરવી લઈને સુવાની તૈયારી કરે છે. આજ ત્રણ દિવસથી એની સવાર-સાંજની માળાને ટાણે રેઢી જ્યોત થાતી નથી. એ ચિન્તામાં બારવટીયો ઉંઘ વિના પથારીમાં આળોટે છે. તેટલામાં તો, પોતે જેને બહેન કહી હતી એ કણબણ આવીને ઉભી રહી.

“બાપુ, જાગો છો ?”

“કાં બહેન, અટાણે કેમ આવવું પડ્યું !”

“બાપુ, મને વ્હેમ પડ્યો છે.”

“શેનો ?”

“ભોજો માંગણી આવ્યો લાગે છે.”

“ક્યાં ?”

“ધ્રાફડના વોંકળામાં. એકલો નથી. ઘણીયું જામગ્રીયું તબકતી જોઈ.”

“ઠીક, જા બ્હેન, ફિકર નહિ.”

કણબણ ચાલી ગઈ એટલે ડેલીએ લોમો ધાધલ અને માત્રો વેગડ બેઠેલા, એમાંથી લોમે ફળીમાં આવી પૂછ્યું કે “ભણેં બાવાવાળા ! તાળી બેન આવુને કાણું ભણુ ગઇ ?”

“આપા લોમા !” બાવાવાળાએ અંદરથી અવાજ દીધો, “ભોજાનું કટક ધ્રાફડના નાળામાં હોય એમ લાગે છે. માટે ચેતતા રહેજો.”

“ઇં છે ? તવ્ય તો ભણેં હવે ડેલીના કમાડ ઉઘાડાં ફટાક મેલુ દ્યો. ભાઈ ભોજાને વળી પાછાં કમાડ ભભડાવવાં પડશે.” બીજી વાત એમ કહેવાય છે કે આયડુએ ખુટીને આજે ઢોરને પહર ચારવા જતી વખતે ડેલી દેવરાવી નહોતી.

ડેલીનો દરવાજો આખે આખો ખુલ્લો મૂક્યો. માયલી ડેલીએ પચીસ હેડીના કાઠીઓ હથીઆર ૫ડીઆર લઈને સુતા. સહુને મન તો ભેાજો માંગાણી આવ્યાની વાત પર જ ભરોસો નથી એટલે ઝોલાં ખાવા મંડ્યા. પણ માત્રો વેગડ (બાવા વાળાની ફુઈનો દીકરો) પૂરેપૂરો વ્હેમાઈ ગયેા હતેા. એ બેઠો બેઠો સહુનાં મ્હોં પર પાણી છાંટે છે સહુને સમજાવે છે કે “ભાઈ, આજની રાત ઉઘવું રે’વા દ્યો !”

વારે વારે પાણી છંટાવાથી લોમો ધાધલ ખીજાઈ ગયો “એલા માત્રા ! ભણેં તેં ચૂડલીયું પહેરી છે ? માળ આવડો બધો બ્હીકાળવો ?”

“આ લ્યો ત્યારે: હવે જે કોઈ પાણી નાખે, કે એક બીજાને જગાડે, એ બે બાપનો હોય.”

એટલું બોલી માત્રો વેગડ માથા સુધી સોડ્ય તાણીને સૂઈ ગયો. થોડીક વારમાં તો આખી મંડળીને ઘારણ વળી ગયું.

અધરાત ભાંગ્યા પછી ધ્રાફડનું નાળું શત્રુઓની જામગ્રીઓ પેટાતાં જાણે સળગી ઉઠ્યું. જેતો લાલુ બોલ્યો,

“ભોજા માંગાણી ! પ્રથમ અમે જઈને વાવડ કાઢીએ છીએ જો જાગતા હશે તો અમે કહેશું કે મે’માન દાખલ આવ્ય છીએ ! ને ઉંઘતા હશે તો સહુને બોલાવી લેશું.”

ડેલીએ આવીને જોયું તો ડેલી ઉઘાડી ફટાક પડી છે. અંદર આવે ત્યાં પચાસ નાખોરાં બોલે છે. થયા સહુ ભેળા. સુતેલા શત્રુને માથે તરવારોની પ્રાછટ બોલવા માંડી, પણ દેકારામાં ને દેકારામાં બે જણ જાગી ઉઠ્યા. ડેલીનું કમાડ ઉધાડુ મૂકાવનારો અને માત્રા વેગડને પાણી છાંટતો અટકાવનાર લોમો તો આંખો ઉઘાડીને આ કતલ જોતાં જ ભાગ્યો. ગઢ ઠેકીને ગયો. [પાછળથી એણે કોઈને ત્યાં પખાલ હાકેલી.] ત્યાં માત્રો વેગડ ઉઠ્યો. એની માને એકનો એક હતો. પણ માત્રો ભાગે નહિ. બીજા બધાની લોથો ઢળી પડી હતી, તેની વચ્ચે એકલે હાથે પડકારા કરીને માત્રાએ ટક્કર લીધી. પણ ત્યાં તો એને માથે ઝાટકાના મે વરસી ગયા.

ગઢ ઠેકી લોમો ગીયો, વઢતે બાવલ વીર
(પણ) સધર્યું સાડ સધીર, મોત તાહાળું માતરા !

[લોમો તો પોતાના વીર બાવા વાળાના યુદ્ધ વખતે ગઢ ઠેકીને ચાલ્યો ગયો. પણ હે માત્રા વેગડ ! તે તો તારૂં મોત સુધારી લીધું.]

એમ માત્રાનું મોત સુધારી શત્રુઓ અંદર ગયા. બહારથી ભોજા માગાણીએ પડકાર દીધો કે

“બાવા વાળા હવે તો સુખની પથારી મે ! હવે તો ઓઝલ પડદો ઉપાડ્ય !”

“ભોજા, આવું છું. ઉભો રે’જે. ઉતાવળો થાઈશ મા.”

ઓરડામાંથી એવો પડકાર આવ્યો, બાવાવાળાએ ભરનીંદરમાં પડેલી પોતાની નવી રાણી આઈ રાઈબાઈને હળવેથી અંગુઠો ઝાલીને ઉઠાડી. ઝબકી ઉઠેલી કાઠીઆણીએ પોતાના સ્વામીનું રૂદ્ર સ્વરૂપ ભાળ્યું ભાળીને બોલી,

“શું છે દરબાર !?”

“કાઠીઆણી, તું ભાગી નીકળ !” એમ કહીને બાવાવાળાએ છેલ્લી વાર રાઈબાઈનું મ્હોં પંપાળ્યું.

“શું છે?”

“મારે છેલ્લે ક્યારે પાણી આવી પહોંચ્યાં, દગો થયો. દુશ્મનો બહાર ઉભા છે.”

“તે તમારૂં કહેવું શું છે દરબાર ! હું ભાગી નીકળું એમ ને ?” માર્મિક કટાક્ષે કાઠીઆણી તાકી રહી. “ના ના, હું તને બદનામું નથી દેતો, પણ આપણા વંશનો દીવો ન ઓલવાય એ આશાએ કહું છું કે ભલી થઈને તુ લુંઘીયા ભેળી થઈ જા !”

“વંશ સાટુ ! કાઠી, વશ તુંને વા’લો છે, ઈથી વધુ વા’લું અસ્ત્રીની જાતને કાંઈક હોય છે, ખબર છે ને ?”

ત્યાં તો બહારથી હાકલા થયા, “બાવાવાળા, નીકળ ! બા’રો નીકળ ! બહુ ભુંડો દેખાછ ! હજી યે વાતું ખુટતી નથી ?”

અંદર વાતો થાય છે :

“કાઠીયાણી, મારૂં છેલ્લું કહેણ છે હો ! અને મેં એકને મારી છે, ભુંડાઈએ મારી છે, તેનું પ્રાયશ્ચિત કરવા દે. મારાં પાપ ધોવા સારૂ ભાગી છુટ-તારો જીવ ઉગારવા સારૂ નહિ.”

ડળક ! ડળક ! આંસુડાં પાડતી કાઠીઆણીની બેય આંખેામાં છેલ્લી પળે બાવાવાળાએ પોતાની પહેલી સ્ત્રીની પ્રતિમા તરવરતી દેખી, બીજી બાજુ બહારથી પડકારા ને મેણાંની ઝડી પડતી સાંભળી કાઠીઆણીને થંભેલી દીઠી. બાવાવાળાએ દોડીને રાઇબાઇનું કાંડું ઝાલ્યું. ધક્કો દઈને નાઠાબારી તરફ કાઢી. બહાર કાઢીને નાઠાબારીને પાછી અંદરથી સાંકળ ચડાવી. કાઠીઆણીનાં છેલ્લાં ડુસકાં સાંભળ્યાં. અને પાછા ઓરડે આવી સાદ દીધો,

“હવે આવું છું હો ભોજા ! ઉભો રે’જે !”

બહાર ઉભેલાઓને અંદરથી બખ્તરની કડીઓના ખણખણાટ સંભળાણા.

“એ બાવા વાળા ! ” ભોજે બુમ દીધી, “બાવા વાળો ઉઠીને અટાણે કાપડું શું પહેરી રહ્યો છે ? પ્રાણ બહુ વ્હાલા થઇ પડ્યા તે લોઢાના બખ્તરે બચાવવા છે? તારા નામનો દુહો તો સંભાર !

બાવો, ડગલાં બે, (જો) ભારથમાં પાછાં ભરે,
‘(તો તો) મલક માથે મે, વાઘાહ૨ વરસે નહિ.

[જો રણસંગ્રામમાં બાવાવાળો પાછા પગલાં ભરે તો તો હે વાઘાના પૌત્ર ! દુનિયામાં વરસાદ ન વરસે.]

“આ લે ત્યારે આ કાપડું !” એમ બોલીને બાવાવાળાએ કમાડ ઉઘાડ્યું. હાથમાં બખતર હતું તેનો છૂટો ઘા કર્યો અને એ ઘાયે સામા આદમીનો જાન લીધો. પછી કુદ્યો તરવાર લઈને. ઠેકીને જ્યાં ઘા કરવા જાય છે ત્યાં તો તરવાર એાસરીની આડીમાં પડી. પડતાં જ બે કટકા થઈ ગયા. હાથમાં ઠુંઠી જ તરવાર રહી. અને બીજુ હથીયાર લેવા જાય ત્યાં તો, બોદા સીદીએ એને માથે ઝાટકાના મે વરસાવી ગૂડી નાખ્યો.

“બાવા ભાઈ !” ભેાજો માંગાણી બાવાની છેલ્લી ઘડીએ બોલ્યો, “અન્યાયને ઈશ્વર નથી સાંખતો હો !”

સાંભળીને બાવાવાળાએ આંખો બીડી. અને બાવાની ફુઈ (માત્રાની મા) બહાર નીકળ્યાં :

“ભોજા કાળમુખા ! હવે તો તેં તારો કામો કરી લીધો
છે. હવે તમે સહુ રસ્તે પડો બાપ !”

“ના ફુઈ, અમે કાઠી છીએ, માત્રાને અને બાવાવાળાને દૈન દીધા પહેલાં નહિ જઈએ.”

“ખબરદાર, મારા બાવાના શબને કોઈ અડશો મા.”

“તો આ લ્યો, આ અમે આઘા બેઠા.”

મોણીએથી ચારણોને બોલાવી બાવાવાળાના શરીરને દેન પાડ્યું. મારવા આવનારા પણ મસાણે જઈને આભડ્યા.

એ રીતે અનેક નિર્દયતાનાં કૃત્યો કરીને, પોતાની બીજી સ્ત્રીને બચાવ્યા સિવાયની અન્ય કશી પણ ખાનદાની દાખવ્યા વગર, અઠાવીસ વર્ષની આવરદા ખતમ થઈ ગઈ. એના આશ્રિતોએ માથા પર ફાળીયું ઢાંકીને મરશીયા ગાયાઃ-

વીસાણાની વાડીએ ઠાઠ કચારી થાય
વેરાણા બાવલ વન્યા ધરતી ખાવા ધાય.

[વિસાવદરની વાડીઓમાં દાયરા ભરાતા અને કસુંબાના ઠાઠ માઠ જામતા, પરંતુ હવે તો બાવાવાળાની ગેરહાજરીમાં એ બધા આનંદ ઉડી ગયા છે, ધરતી ખાવા ધાય છે.]

મત્યહીણા તેં મારીયો છાની કીધલ ચૂક
ત્રૂટું ગરવાનું ટૂંક બારવટીયા તું બાવલો.

[અરે મતિહીન માનવી ! તે છાનામાનાં આવીને બાવાવાળાને માર્યો ! એ મરતાં તો જાણે ગિરનારનું એક શિખર તૂટી પડ્યું હોય એવું દુ:ખ થાય છે.]

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ કથા સોરઠી બહારવટીયા માંથી લેવામાં આવેલ છે.

વીર બાવાવાળો-  ભાગ- 1

વીર બાવાવાળો-  ભાગ- 2

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– વીર માંગડાવાળો – ભૂત રૂવે ભેંકાર…

– મેપા મોભની ઉદારતા ની વાત

– સોરઠ નો સિંહ વીર રામવાળો

– કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા

– ભૂચરમોરી મહાસંગ્રામ…છપ્‍પનની છાતીનું પરાક્રમ

– રાખડી નુ ઋણ – ભાણ પટગીર

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!