“કાંઇ વાવડ ?”
“હા સાહેબ. નાંદીવેલે ડુંગરે.”
“કેટલાં માણસ ?”
“દસ જ. રાતોરાત પહોંચીને ફુંકી મારવા જોવે. નીકર સવાર ઉગે હાથ આવી રહ્યો.”
ગીરના જગલમાં, બાવા વાળાને જેર કરવા ગાયકવાડ સરકારના બંદર ખાતાનો સાહેબ, જેનું નામ ગ્રાંટ હતું, [આ વાતમાં બીજી સમજ એમ છે કે ગ્રાંટ સાહેબ બાવાવાળા સાથે લડવા તો નહોતો જ ગયો. લડનારી ફોજ જેતપુરની હતી. અને નિર્દોષ ગ્રાંટ તો ઓચીંતો વેલણ બંદરથી અમરેલી તરફ જતાં પકડાઇ ગયેા હતેા.] તે પોતાની ટુકડી લઈને ભટકી રહ્યો છે. એક રાતે બાતમીદારે એને બાવાવાળો તુળશીશ્યામની પડખેના શંકરના પોઠીઆના આકારના ભયંકર નાંદીવેલા ડુંગરમાં રાતે રહ્યાની બાતમી પહોંચાડી. અને સાહેબે દારૂગોળા લાદીને સાંઢીઓ વહેતો કર્યો.
રાતોરાત એની ટુકડી નાંદીવેલા માથે લપાઈને ચડી ગઈ. બંદૂકદારો બંદૂકો લઈને ગોઠવાઈ ગયા. અને દારૂગોળાનો ઢગલો થાય કે તૂર્ત બંદૂકો ધરબીને, સામી ખેપમાં બેઠેલ બહારવટીયાને ઉડાવી મૂક્યાની વાટ જોવા લાગ્યા.
મ્હોંસૂઝણું થઈ જવા આવ્યું છે. બાવાવાળાને કાંઈ ખબર નથી. એ તો પોતાની રોજની રીતે પથારીમાંથી ઉઠીને પ્રથમ આપા દાનાની સ્તુતી કરી રહ્યા છે. અને એના રહેઠાંણને માથે જ સાંઢીયા ઉપરથી કોથળા ઉતારીને, નીચે પાથરેલ બુંગણ ઉપર, ગ્રાંટ સાહેબના બરકંદાજો દારૂ ઠલવી રહ્યા છે. એક જ ઘડીનું મોડું થાય તો તો બહારવટીયાને જીવવાની બારી જ ન રહે. પણ ત્યાં એક અકસ્માત બન્યો.
લોકો ભાંખે છે કે જે ઘડીયે બાવાવાળાએ આપા દાનાની સ્તુતિ કરી, તે જ ઘડીયે ચલાળા ગામમાં દાના ભગતે પોતાની જગ્યામાં શગડીની પાસે બેઠાં બેઠાં, એક ચીપીઆ વતી શગડીના અંદરથી એક ધગધગતો તીખારો ઉપાડી બીજી બાજુ મેલ્યો, ને મેલતાં મેલતાં પોતે બેાલ્યા કે “હવે મેલ્યને એમાં ટાંડી !”
“હવે મેલ્યને એમાં ટાંડી ?” એ વેણ આંહી આપા દાનાનાં મ્હોંમાંથી પડ્યું, અને નાંદીવેલાને માથે જાણે કે એ હુકમનો અમલ થયો હોય તેમ દારૂ પાથરતાં પાથરતાં એક બરંકદાજની બંદૂકની સળગતી જામગ્રી દારૂમાં અડકી ગઈ. અડકતાં તો બુંગણમાં પડેલો ગંજાવર ઢગલો સળગી ઉડયો. હ ડ ડ ડ ! દા લાગ્યો. અને સાહેબની ટુકડીનાં માણસે માણસ જીવતાં ને જીવતાં સળગીને ભડથાં થઈ ગયાં.
“આ શું ગઝબ ! આ ભડકા ને આ ભડાકા શેના ! આ બોકાસાં કોનાં !” એમ બોલતા જેમ બહારવટીયા બહાર નીકળ્યા તેમ દારૂખાનાનો દાવાનળ દીઠો. ડુંગરાની ખેાપો થરથરી ગઈ, અને ગંધકના ગોટેગોટ ધુમાડામાં એક બીજાનાં મ્હોં ન દેખાય એવી આંધી પથરાઈ ગઈ.
બહારવટીયા બ્હાવરા બનીને ડુંગરામાં દોટાદોટ કરવા લાગ્યા. જાણે ડુંગરાને કોઈએ પોલો કરીને અંદર દારૂખાનું ભર્યું હોય એવી ધણેણાટીથી ભાગતા ભેરૂબંધોને જુવાન બાવાવાળાએ ત્યાં ને ત્યાં સ્થિર ઉભા રહીને પડકારો કર્યો:
“સુરજના પોતરા ભાગતાં લાજતા નથી કે બા ?”
“બાવા વાળા ! ભુંડે મોતે મરવું ? જીવતા હશું તો નામાં કામાં થઈ શકશે, પણ ભીંત હેઠળ શીદ કચરાઈ મરવું ?”
“એ બા, કાઠીભાઈ ભાગે તોય ભડનો દીકરો ! એવું બોલવું બહારવટીયાના મ્હોંમાં ન શોભે. જીવતર વહાલું હોય ઈ ભલે ભાગી નીકળે. મારાથી તો નહિ ખસાય.”
ભોંઠા પડીને કાઠીઓ ઉભા રહ્યા. અને થોડી વારમાં ધુમાડો વીંખાયો કે તુર્ત જ બહારવટીયાઓએ ગ્રાંટ સાહેબને ઘોડે ચડીને ભાગતો દીઠો.
“એલા ટોપીવાળો જાય.”
“એને બરછીએ દ્યો ! ઝટ પરોવી લ્યો !”
“ખબરદાર, બા કોઇએ ઘા કર્યો છે તો. દોડો, ઘેાડાં ભેળાં કરીને જીવતો ઝાલો. સાહેબ મર્યો લાખનો, પણ જીવતો સવા લાખનો !” એવું બોલીને બાવાવાળાએ પોતાની ઘોડીને પાટીએ ચડાવી, સાહેબના વેલુર ઘોડાની પાછળ, હરણ ખોડાં કરે એવા વેગથી, મૃત્યુલેાકના વિમાન જેવી કાઠીઆવાડી ઘોડીએ દોટ કાઢી. અને થોડુંક છેટું રહ્યું એટલે બાવાવાળાએ હાકલ કરી કે “હવે થંભી જાજે સાહેબ, નીકર હમણા ભાલામાં પરોવી લીધો સમજજે.”
લગામ ખેંચીને ગ્રાંટે પોતાનો ઘોડો રોક્યો, સામે જોવે તો બાવાવાળાની આંગળીઓના ટેરવા ઉપર બરછી, સુદર્શન-ચક્ર જેવી ઝડપે ચકર ચકર ફરી રહી છે. બાવે બીજો પડકારો કર્યો કે
“સાહેબ, તારાં હથીઆર નાખી દે ધરતી માથે. નીકર આ છૂટે એટલી વાર લાગશે. અને હમણાં ટીલડીમાં ચોંટી જાણજે.”
સાહેબે આ કાળસ્વરૂપને દેખી શાણપણ વાપર્યું. પોતાનાં હથીઆર હેઠે નાખી દઈ, પોતે માથેથી ટોપી ઉતારી બાવાવાળાની સામે મલકાતે મ્હોંયે ડગલાં દીધાં.
“રામ રામ ! બાવાવાલા રામ રામ ! ” કહીને ચતૂર ગોરાએ પોતાનો હાથ લંબાવ્યો.
સાહેબ લોકોના હથેળી-મિલાપના રીવાજ ન જાણનાર બહારવટીયાએ, કાઠીની રીત મુજબ પોતાનો એક હાથ લંબાવી સાહેબને ખભે લગાવ્યો. અને પછી કહ્યું કે “સાહેબ, તમે મારા કેદી છો.”
“અચ્છા બાવવાલા, કાઠીઆવાડના બહારવટીઆની ખાનદાનીનો મને ઇતબાર છે. તેં મને જીતેલ છે. એટલે લડાઇના કાનૂન પ્રમાણે બેશક હું તારો કેદી જ છું.”
“સાહેબ, તમારૂં નામ શું ? ”
“ગ્રાંટ”
“ઘંટ ? ઠીક ઘંટ સાહેબ, તમારો ઘોડો મોઢા આગળ કરો. અને ચાલો અમારે ઉતારે.”
સાહેબ આગળ ને બાવાવાળો પાછળ, એમ બન્ને ચાલ્યા. બહારવટીયાનાં સોનાનાં સિંહાસનો સરખા ગીરના સેંકડો ડુંગરાઓ અને ગાળાઓ ઓળંગતો એાળંગતો ગ્રાંટ સાહેબ ગીરની સાયબી વચ્ચે આ જુવાન કાઠીનું રાજપાટ નિરખે છે. ત્યાં તો, જૈતો વેગડ, લોમો ધાધલ ને ભોજો માંગાણી પણ ભેળા થઇ ગયા. છેટેથી સાહેબને અને બાવાવાળાને ભાળતાં જ ભોજાએ ચસ્કો કર્યો કે :
“બાવાવાળા, ટુંકું કરવું’તું ને !”
“થાય નહિ બા. ઘંટ સાહેબે હથીઆર છોડી દીધાં. પછી એનું રૂંવાડું ય ખાંડુ ન થાય. સુરજ સાંખે નહિ.”
“ત્યારે હવે ?”
“હવે જ્યાં આપણે ત્યાં સાહેબ.”
“પણ એના ખાવા પીવાનું શું ? ઈ તો સુંવાળું માણસ કહેવાય. બાદશાહી બગીચાનું ફુલ.”
“એમાં બીજો ઉપાય નથી. આપણે ખાશું તે સાહેબ ખાશે. બહારવટાં કાંઈ દીકરાનાં લગન થેાડાં છે ?”
સાહેબ તો સમજતા હતા કે સોરઠનો બહારવટીયોયે કોણ જાણે કેવી યે સાયબીમાં મ્હાલતો હશે. પણ સાંજ પડતાં જ સાહેબનો ભ્રમ ભાંગી ગયો. પથરાનાં ઓશીકાં, ધૂળની પથારી, બાજરાના ધીંગા રોટલાનાં ભોજન, અને આ ડુંગરેથી પેલે ડુંગરે સળગતા બપોરે કે સુસવતા શિયાળાની અધરાતે ઉઘાડા આભ નીચે ઉતારા ! સાહેબને ગર લાગી. તાવ લાગુ પડ્યો.
રોજરોજ બહારવટીયાની સાથેજ ઘોડાં તગડી તગડીને સાહેબની કાયા તૂટી પડી. એની નસો ખેંચાવા લાગી. રાત દિવસ એને કોઈ વાતચીત કરવાનું સ્થળ ન મળે. બહારવટીયા દારૂ પીને કલ્લોલ કરતા હોય ત્યારે પોતે તાવથી પીડાતો સુનમુન પડ્યો રહે. અને પોતાના છૂટકારાની ઘડી પણ ક્યારે આવશે એ વાતની ક્યાંય તાગ ન આવે. મોતનાં પરિયાણ મંડાયાં માનીને ગ્રાંટે ગીરની નિર્જનતા વચ્ચે પોતાનાં બાળબચ્ચાંના અને પોતાની વ્હાલી મઢમનાં વસમાં સંભારણાં અનુભવવા માંડ્યાં. એક દિવસ ધાણી ફુટે એવા બળબળતા તાવમાં પડ્યાં પડ્યાં, બેહાલ થઈ ગયેલા સાહેબે ડુંગરાની ગાળીની અંદર બહારવટીઆને નીચે પ્રમાણે વાત કરતા સાંભળ્યા:
“બાવાવાળા, સાહેબને પકડીને તો તેં સાપ બાંડો કર્યો છે.”
“હોય બા, થાતાં થઈ ગયું.”
“આપા બાવાવાળા, આખી કાઠીઆવાડને ધમરોળી નાખત તો ય કોઈની ભે’ નહોતી. પણ આ તો ગોરાને માથે આપણો હાથ પડ્યો. એના એક ગેારા સાટુ રાણી સરકાર પોતાનું આખું રાજપાટ ડુલ કરી નાંખ, ઇ જાણછ ને ?”
“જાણ છું.”
“અને આ ગરને ઝાડવે ઝાડવે ગોરો ચોકી કરવા આવશે, હા ?”
“હો !”
“બાવાવાળા, જોછ ને ? સાહેબને ઝાલ્યા પછી આજસુધી આપણાં ઘોડાનાં પાખર નથી ઉતર્યાં કે નથી આપણાં બખતર ઉતર્યા. નથી એકેય રાત નીંદર કરી. હવે તો ડીલના કટકા થઈ ગયાં છે. અને આ માંદાને ઉપાડવો પડે છે.”
“ત્યારે હવે તો શું કરવું ભાઈ ભોજા !”
“બીજુ શું ? એનું ટુંકું કરી નાખીએ.”
સાંભળીને સાહેબને અંગે પરસેવો વળી ગયો. એનાં અંત૨માં ઇસુનું નામ બોલાવા લાગ્યું.
બાવાવાળાએ જવાબ દીધો કે “ભાઈ, એમાં ડહાપણ નહિ કે’વાય. સાહેબને માર્યા ભેળી તે આખી વલ્યાત આંહી ઉતરી સમજજો. અને જીવતે રાખશું તે કો’ક દિ વષ્ટિ કરીને સરકા૨ આપણું બારવટુ પાર પડાવશે. માટે સ્વારથની ગણતરીએ યે મરાય નહિ. તેમ ખાનદાનીની રીતે ય જો એનું રૂંવાડું ખાંડું કરીએ, તો સાત જન્મારાની ખેાટ્ય ખાઈ બેસશું. બાકી તો હવે તમે કહો તેમ કરીએ.“ જુવાન બાવાવાળાની આવી શાણી શીખામણ સાંભળીને મોટા મોટા તમામ અમીરોને ગળે ઘુંટડો ઉતરી ગયો. અને સાહેબ ઉપર જાપ્તો રાખીને બહારવટું ખેડાવા લાગ્યું. ગોરા ટોપીવાળાઓની જે વખતે ગામડે ગામડે ફે ફાટતી, તેવા વખતમાં બાવાવાળાની આવી ગઝબની છાતી સાંભળીને કીર્તિના દુહા જોડવા લાગ્યા કે
ટોપી ને ત૨વા૨ ન૨ બીજાને નમે નહિ,
સાહેબને મહિના ચાર, આ દીખાને રાખ્યો બાવલા !
[દેશમાં એમ કહેવાતું કે ટોપી અને તરવાર પહેરનાર અંગ્રેજ લોકો કોઈ બીજા માણસને માનતા નથી. પણ તેં તો હે બાવાવાળા, ગોરાને ચાર મહિના કેદમાં રાખ્યો]
વશ કીધો વેલણનો ધણી, ગરમાં – ઘંટને જે
(એની) વાળા વલ્યાતે બુંબું પૂગી બાવલા !
[વેલણ બંદરના સાહેબ ગ્રાંટને તે કેદ કર્યો, તેની બુમો તો ઓ બાવાવાળા ! છેક વિલાયત પહેાંચી ગઇ છે.]
ઘંટ ફ૨તો ઘણું દળવા કજ દાણા
એને મ્હોં બાંધીને માણા ! બેસારી રાખ્યો બાવલા !
[આ ગ્રાંટ સાહેબ, કે જે મોટી ઘંટી રૂપી બનીને બહારવટીયા રૂપી દાણાને દળી પીસી નાખવા ગીરમાં ફરતો (ચાલતો હતા), તેને હે બાવાવાળા, તે મ્હોં બાંધીને બેસારી દીધો. – આ દુહામાં ‘ઘંટ’ શબ્દ ઉપર શ્લેષ છે: (૧) ગ્રાંટ સાહેબ. (૨) બળદથી ચાલતી, અનાજ દળવાની મેાટી ઘંટી.]
સરકારે ગ્રાંટના વાવડ લેવા બહુ ઈલાજો કર્યા. પણ બહારવટીયાઓએ પતો લાગવા દીધો નહિ.
સરકારની શરમને પાર નહોતો રહ્યો. રાજકોટથી માંડી વિલાયત સુધીના ટોપીવાળા કાંડાં કરડતા હતા. કપ્તાન દરજ્જાનો એક અંગ્રેજ ગીરના કયા ગાળામાં દટાઈ રહ્યો છે, તેનો પતો ન મળે તો તો કાલ સવારે જ અંગરેજની બેસતી બાદશાઈને ગણકારશે કોણ ? સરકારી તોપખાનું ગીરમાં લઈ જઈને કયા ડુંગરા સામે માંડવું ? વિચાર પડતી વાત થઈ ગઈ. મુંબાઈ સરકારે આખરે ખબર કઢાવ્યા કે “બાવાવાળાને શું જોઈએ છે ?”
કોઈ વટેમાર્ગુએ સરકારને ચિઠ્ઠી પહેાંચાડી કે બાવાવાળાને એનું વીસાવદર પરગણું પાછું મળશે તો જ ગ્રાંટને જીવતો ભાળશો.”
કોઈને ખબર ન પડી કે ચિઠ્ઠી મૂળ આવી કયે ઠેકાણેથી ! અને સરકારને ફાળ પડી ગઈ કે ગ્રાંટને અને મોતને ઝાઝું છેટું નથી રહ્યું.
મુંબઈની સરકારમાંથી જુનાગઢના નવાબ ઉપર ખરીતો ગયો કે “ચાહે તે ભોગે પણ હરસુરિકા કાઠીની પાસેથી વીસાવદર પરગણું બાવાવાળાને અપાવો. અને જો ગ્રાંટના ખુનનું ટીપું પડશે તો ગોરી પલ્ટનો ઉતરીને ગીર સળગાવી નાખશે. અને રાણી સરકારનો ખોફ તમારાં રજવાડાં ઉપર ઉતરશે.”
નવાબના ચતુર દિવાને ગિરના ગાળામાં સંદેશો પહોંચાડ્યો. જુનાગઢની મદદથી વીસાવદર પરગણું બાવાવાળાને હાથ પડ્યું. અને કપ્તાન ગ્રાંટને ગીરમાં છૂટો મેલી બહારવટીયા વીસાવદરની ગાદી ઉપર ગયા.
–5–
સોરઠી ગીરની અંદર, ધ્રાફડ નદીને કિનારે, વેકરીયા અને વીસાવદર ગામની વચ્ચે “જમીને ધડો” નામે એાળખાતો એક નાનો ડુંગર છે. એ જગ્યા ઉપર, દાતારની જગ્યા પાસે એક ગામડું વસાવીને બાવાવાળાએ રહેઠાણ કર્યું હતું. પડખે જ ઘાટી ઝાડીથી ભરેલી ગીર હોવાથી બહારવટીયાને સંતાવાની સુગમતા પડતી. ગીર તેની માનું પેટ ગણાય છે. પરંતુ વિજયના મદમાં ચકચૂર થયેલા બાવાવાળાની બુદ્ધિ ફરી ગઈ હતી. એણે માણસાઈ મેલી દીધી હતી. બાવાવાળાના દેહમાં જુવાનીનાં તેજ કિરણો કાઢી રહ્યાં છે. એની રૂડપ જાણે કે શરીરમાં સમાતી નથી. પણ પોતે બહારવટના પંથે ઉભો છે. અને આપા દાનાનું દીધેલ માદળીયું બાંધે છે. પોતાના હાથમાં રેઢી જ્યોત થાય છે. એટલાં બિરદ માથે લઈ ફરનાર પુરૂષની નાડી લગરીકે એબ ખમે નહિ આ તરીકે બારવટીયો જુવાનીને ચારે કોરથી દબાવીને વર્તે છે. પરણેલ છે, પણ કાઠીઆણી ચલાળે આપા દાનાની પાસે જ રહે છે.
[એમ પણ કહેવાય છે કે કાઠીઆણી પોતાને પીયર ખડકાળા ગામેજરહેતાં. એક વાર રાતે બાવાવાળાએ ખડકાળા ગામને પાદર મુકામ નાખીનેબાઇને તેડાવેલાં. બાઈએ જવાબ વાળેલો કે “દરબારને કહેજો કે મારાથીન અવાય. અમે અસ્ત્રીની જાત તો લીલો સાંઠો કહેવાઈએ. વખત છે નેદૈવનો કોપ થાય,તો દુનિયા વાતું કરશે કે ધણી તે બિચારો પથરાનાંએાશીકાં કરીને બારવટાં ખેડે છે, અને બાયડી ઘેરે છોકરાં જણે છે !આવું થાય તો મારે અફીણ ઘોળવું પડે. માટે દરબારને કહેજો કે ઉઘાડેછોગ તેડાવીને ભેળી રાખવી હોય તો જ તેડાવજો !]
“ભણેં માત્રા !” ભોજા માંગાણીએ વાત છોડી, “ધમસાણનાથજીએ આની આવરદા કેટલી ભણી છે ખબર છે ને ?”
“હા ભોજા, અઠાવીસ વરસની.”
“દીવો એાલવાતાં કાંઈ વાર લાગશે ?”
“ના. અઠાવીસ વરસ તો કાલ સવારે પૂરાં થાશે.”
“પછી એના વંશમાં તો અંધારૂ થઈ જાશે ને ?”
“તો તો મહા પ્રાછત લાગ્યું લેખાય.”
“તો પછી આઇને ચલાળે ન બેસારી રખાય.”
માત્રો સમજી ગયો. બાવાવાળાને પૂછશું તો ના પાડશે, એમ માનીને છાનોમાનો અસવારને ચલાળે રવાના કર્યો. બીજે દિવસે દીવે વાટ્યો ચડ્યા પહેલાં તો ‘આઈ’ને લઈને અસવાર જમીના ધડા ભેળા થઈ ગયો.
રાત પડી. અધરાતે દાયરો વીંખાયો. સહુની પથારી વચ્ચે પોતાની પથારી ન જોવાથી બાવાવાળાએ પૂછ્યું, “મારી ૫થારી કયાં ?”
“આજની તમારી પથારી ઓરડે છે, બાવાવાળા ! ”
બાવાવાળો સમજી ગયો. એને કોઈએ જાણ નહોતી કરી. અચાનક મેળાપ થતાં એને હેતના ને હરખના હિલેળા ચડશે, એમ સહુના અંતરમાં આશા હતી. કાઠીઆણી પણ પરણ્યા પછી કંથને આજ ઘણે વરસે મળવાનાં છે, એવા કોડથી જીમી ને મલીરની નવી નકોર સુગંધ દેતી જોડ્ય ધારણ કરીને ઝમરખ દીવડે પોતાના સાવઝશૂરા કંથની વાટ જોવે છે. પતિરાજના પોરસ થાકી ફુલતા દેહ ઉપર ચૂડલીઓ તૂટું ! તૂટું ! થાય છે.
દાયરામાંથી ઉઠીને અધરાતે બાવોવાળો ઓરડે આવ્યો. રંગભીના ઓરડામાં રાજવણને બેઠી ભાળતાં જ એને અચંબો ઉપડ્યો.
“તું ક્યાંથી ?” જરા ય મ્હોં મલકાવ્યા વગર પૂછ્યું.
“તમારી તેડાવી !” ભોળુડી સ્ત્રી હજુ હસે છે.
“મેં તેડાવેલી ? ના ! કોની સાથે આવી ?”
“તમારા કાઠી સાથે.”
ત્યાં તો બાવાવાળાનાં રૂવાડાં બેઠાં થઈ ગયાં. એની આંખોમાં દેવતા મેલાણો. “તું મારી અસ્ત્રી ! પર પુરૂષ સાથે હાલી આવી ? બહુ અધીરાઈ હતી ?”
“દરબાર, અધીરાઈ ન્હોય ? ધણીને મળવાની અધીરાઈ ન હોય ? મેં શું પાપ કર્યું ?”
“બાવા વાળાની જીભે માઝા મૂકી.”
“કાઠી ! કાઠી !” આઈની કાયા કાંપવા મંડી, “બસ કરી જાઓ. આ શું બોલો છે ? સાવઝ તરણાં ચાવે છે ? દરબાર ! આટલો બધો વહેમ ! ઇ તો તમારીયું……” ઝબ ! દેતી બાવાવાળાએ તરવાર ખેંચી.
“ઓહોહો ! દાતરડાની બ્હીક દેખાડો છો ? આ લ્યો.”
એમ કહેતી કાઠીઅાણી ગરદન ઝુકાવીને ઉભી રહી. દયાવિહોણા બારવટીયાએ અબળાની ગરદન પર ઝાટકા ચોંટાડ્યા. જે ગળામાં પિયુજીની મીઠી ભૂજા પડવાની હતી, ત્યાં તરવાર પડી અને ઘડી બે ઘડીમાં તો એનો જીવ જાતો રહ્યો. અત્યારે એ બાઈની ચુંદડી ને એનો મોડીયો ખડકાળા નામના ગામમાં પૂજાય છે.
બાવા વાળાથી થાતાં તો થઈ ગયું, પણ પછી તો એની રીસ ઉતરી, કાઠીઆણીનું નિર્દોષ મ્હોં એની નજરમાં રમવા માંડ્યું, અને એને પસ્તાવો ઉપડ્યો. અંતરમાં ઝાળો ઉઠી. ક્યાં યે ઝંપ નથી વળતો. આંખે અખંડ આંસૂડાં ઝરે છે. એણે બોલવું ચાલવું પણ બંધ કરી નાખ્યું છે.
“બાવાવાળા !” પોતાના સાથીઓ સમજાવવા લાગ્યા, “હવે પછી ચીંથરાં શું ફાડછ ? એારતો થાતો હોય તો પ્રભુની માળા ફેરવ્ય. પણ માણસ કાં મટી જા ?”
તો યે બાવાવાળાને શાંતિ વળી નહિ, છાનોમાનો નીકળીને એ ગોપનાથ પહોંચ્યો. દરિયામાં સ્નાન કરીને મંદિરમાં જઈ ઉભો રહ્યો. તરવાર કાઢીને એણે દેવની પ્રતિમાજી સમક્ષ કમળપૂજા ખાવાની તૈયારી કરી. ચોધારાં આંસુડાં ચાલ્યા જાય છે. અને સ્ત્રીહત્યાના પાપનો પોતે વિલાપ કરે છે તે વખતે નાગ૨વ ગીયડ નામના ચારણે એનો હાથ ઝાલીને ઓચીંતી તરવાર ઝુંટવી લીધી.
“નાગરવ ભા ! મને મરવા દે.” બાવાવાળાએ તરવાર પાછી માગી.
“બાવાવાળા ! બે ય કાં બગાડ્ય ? પેટ તરવાર નાખ્યે અસ્ત્રી હત્યા ઉતરશે એમ માનછ ? મરીને ભૂત સરજીશ, બાવા વાળા ! અને શાંતિનો છાંટો ય નહિ જડે. માટે આદર્યાં કામ પૂરાં કર, અને સંસારમાં રહીને પાપ ભસ્મ થાય એવી પ્રભુ- ભક્તિ કર.” એમ ફોસલાવીને બાવાવાળાને પાછો લઈ ગયો, અને એને ફરીવાર પરણાવ્યા.
–6–
આજ તો સરધારપરને માથે પડીએ.”
“દરબાર, ઇ ઘીંહરાનો મારગ લેવા જેવો નથી. ત્યાં તો આયરની વસ્તી વસે છે.”
“પણ આયરોને તો દરબાર મૂળુવાળાએ ઉચાળા ભરાવી બહાર કાઢ્યા છે. ઈ અાયરો તો ઉલટા આપણી ભેર કરશે.”
એવી ભ્રમણામાં પડીને ત્રણસો ઘોડે બાવોવાળો સરધારપર ભાંગવા હાલ્યો. સાથે માત્રો વેગડ, લોમો ધાધલ, ભોજો માંગણ, જેઠસૂર બસીઓ વગેરે કાળદૂત જેવા ભાઈબંધો ચડ્યા છે. તૂર્ત સરધારપરમાં જાણ થઈ કે આજ બાવોવાળો પડશે. જેતપૂરના દરબારે જે આયરોના ઉચાળા બહાર કઢાવ્યા હતા, તેમાંથી એક બોલ્યો કે “વધામણી! આજ મૂળુવાળાની મૂછનો વળ ઉતરી જાશે.”
“અરે ફટ્ય તમને આયરના દીકરાઓ ! એલા, આજ મૂળુવાળે કઢાવ્યા, પણ આજ સુધી દાંતમાં અન્ન કોનું ભર્યું છે? આપણ જીવ્યે બાવાવાળો સરધારપર ભાંગે ? મા ઘરધે ને દીકરા ગળ ચોખા જમે ? બાવા વાળો બોકડીયુંમાં ચર્યો છે, પણ હજી સીંગાળીયું’માં નથી આવ્યો. આવાવા દ્યો એને.”
પોતાના દરબારે નજીવા જ કારણથી ઓચીંતાં ખેારડાં ખાલી કરાવીને આયરોને બહાર કઢાવ્યા છે, ક્યાં જવું તેનો, વિચાર કરતા આયરો અંતરિયાળ ઉચાળા લઈને પડ્યા છે, બચ્ચાં રૂવે છે, કોઈ ગર્ભવતી આયરાણીઓ પીડાતી પડી છે, ઘરડાં બુઢ્ઢાં બિમાર અને આંધળાં અપંગ આયરોને ઉંચે આભ ને નીચે ધરતી જેવું થયું છે. વરસતા વરસાદમાં વિના વાંકે દરબારે બહાર કઢાવ્યાં તેથી બોર બોર જેવાં પાણી પાડતી આયરાણીઓ અંતરમાં દરબારને શાપ દઈ રહી છે. તેમ છતાં પણ ધણીની લાજ આબરૂ સાચવવાનો સમો આવ્યો સમજી આયરો ઉભા થઈ ગયા. આયરાણીઓ સાંબેલાં લઈને ઉભી રહી. ને ગામની બજારમાં એવી તો ઘટા બંધાઈ ગઈ કે જાણે વાટ્યો વણાઈ ગઈ છે. એવા નીમકલાલ આયરો ઉપર બાવો તૂટી પડ્યો. ખસી જાવ ! ખસી જાવ ! એવા ઘણા પડકારા કર્યા. પણ આયરોનો તો ઘટાટોપ બંધાઈ ગયો. કોઈએ પાછો પગ દીધો નહિ, ત્યારે બાવાવાળાએ કહ્યું “આ ભૂત વરણ છે. લાખ વાતેંય નહિ ખસે. માટે હવે વાટ્ય કોની જોવી ? કાપી નાખો.”
પછી મંડ્યા વાઢવા, આયર આયરણીએાના ઢગલા ઢાળી દીધા. એકે એક આયર, છાતીના ઘા ઝીલતો ઝીલતો પડકારી રહ્યો છે કે “હા મારો બાપો ! મોરલીધરનું નામ ! મોત ન બગાડજો ! આવી ઉજળી ઘડી ફરી નથી મળવાની”
પણ બાવાળાના કાળઝાળ ઝટકે આયરોનો સોથવાળી દીધો. પાંત્રીસ મોડબંધા પડ્યા, અરેકાર વરતાઈ ગયો, આજ પણ સરદારપરની બજારે અને પાદરમાં સીંદૂરવરણા પાળીઆનો પાર નથી. જાતાની વાર જ આપણા દિલમાં અરેરાટી છૂટી જાય છે.
સારી પેઠે સાનું રૂપું લુંટીને બાવાવાળો ભાગ્યો.
અસવાર તો ક્યારનો નીકળી ચૂક્યો હતોઃ જેતપૂર ખબર પહોંચી ગયા. જેતપૂરમાં દરબાર દેવા વાળા પથારીવશ પડ્યા છે. એનાથી તો ઉઠાય તેમ નહોતું. પણ ભત્રીજા મૂળુવાળાએ વાંદર્ય ઘોડીને માથે પલાણ મંડાવ્યાં.
“મૂળુ ?” દેવા વાળાએ ચેતવણી દીધી. “જોજે હો ! વાંદર્યને લજવતો નહિ,”
મૂળુવાળે ઘોડાં હાંક્યાં. વાવડ મળ્યા હતા કે ગોરવીઆળીની સીમમાં બહારવટીયા રોટલા ખાવા રોકાશે. એટલે પોતે બરાબર દેહલી ધારનો મારગ લીધો. અાંહી બહારવટીયા ગોરવીઅાળીની સીમમાં બેસીને રોટલાની તૈયારી કરે છે, ત્યાં તો એક અસવારે આભમાં ડમરી ચડતી ભાળી. જોયું તો ભાલાં સૂરજને સંદેશા દેતાં આવે છે. પલકારામાં તો દેહલી ધાર ઉપર ભાલાં ઝબુકતાં દેખાયાં, અસવારે ચીસ નાખી કે ‘બાપુ ગઝબ થયો. આપો દેવોવાળો પોગ્યા. દેવો કાંથડનો ! હવે કટકેય નહિ મેલે.”
બાવોવાળો નજર ઠેરવીને નિહાળી રહ્યો. દેખાયું તો દેહલી ધાર માથે અસવારો ઉતરી ઉતરીને ઘોડાંના તંગ તાણતા ને અફીણની ખરલો ઘુંટતા લાગ્યા.
“ઝખ મારે છે !” બાવાવાળાએ હરખનો લલકાર કર્યો. “નક્કી ભાઈ મૂળુવાળો છે, દેવો વાળો ન હોય. દેવો કાંથડનો હોય તો તો કદિ તંગ ખેંચવા યે રોકાય ? દેવો તો ઢીલે તંગે ઘોડાં ભેળાં કરે. ફિકર નહિ. હવે તમ તમારે નિરાંતે ઘોડાં પલાણો.”
ઝબોઝબ ઘોડાં ઉપર ઘાસીઆ નખાયા અને કાઠીઓ ચડી ગયા. સામી બાજુથી મૂળુવાળો અફીણ કસુંબા લઈને અને તંગ તાણીને ઉતર્યો.
બેય સગા માશીયાઈ : બેય ગોરવીઆળીની સપાટ ધરતીમાં સામ સામા આટકયા. પેઘડા માથે ઉભા થઈ જઈને બે ય જણાએ ભાલાં ઉગામ્યાં. આભને ભેદે એવા સામસામા પડકારા દેવાણા. પણ ત્યાં તો કોણ જાણે શી દૈવગતિ બની કે રણમાં સદા ખીલાની જેમ જડાઈ જનારી વાંદર્ય ઘોડી પોતાના અસ્વાર મૂળુવાળાના હાથમાંથી નીકળીને પાછી ફરી ગઈ. મૂળુવાળા તે વખતે ભુંડા દેખાણા. મૂળુભાઈ ભાગો મા ! મૂળુભાઈ ભાગો મા ! નહિ મારી નાખીએ ! લોહીનો ત્રસકો ય નહિ ટપકીએ ! એ બા ઉભા રો ! ઉભા રો ! એવા ચસ્કા શત્રુનાં માણસો પાડવા લાગ્યાં. અને પછી મૂળવાળે ઘણી યે વાંદર્યને પા ગાઉં માથેથી પાછી વાળી, પણ ત્યાં તો ગોરવીઅાળીના ચારણોને જાણ થાતા એ બધા દોટ મેલીને અાંબી ગયા. બે ય કટકને જોગ- માયાની દુહાઈ દઈને નોખાં પાડ્યાં. ચારણના દીકરા વચ્ચે આવવાથી બે ય માશીઆઈ નોખનોખી દિશામાં કટકને હાંકી ગયા.
*
“બાપુ ! ભાઈ મૂળુવાળાએ પારોઠનાં પગલાં ભર્યા !” એમ જેતપૂરમાં વાવડ પહોંચ્યા, સાંભળતાં જ દેવોવાળા પથારીમાં પડ્યા પડ્યા મોઢું ઢાંકી ગયા. ભત્રીજો આવતાં જ આપા દેવાએ પડખું ફરીને કહી દીધું કે “મને મ્હોં દેખાડીશ મા !”
“અરે કાકા ! પણ મારો વાંક નહોતો. હું ન ભાગું. મારાં ભાગ્ય અવળાં તે વાંદર્ય ફરી ગઈ, પણ હવે તમારે પગે હાથ દઈને કહું છું કે હું બાવાને ફરી વાર ભેટીશ, અને ઘોડી ફરી હતી કે હું ફર્યો હતો તે બતાવી દઈશ.”
એટલી ખાત્રી મળ્યા પછી જ દેવાવાળાએ મ્હોં પરથી લૂગડું ખસેડ્યું.
લેખક – ઝવેરચંદ મેઘાણી
આ કથા સોરઠી બહારવટીયા માંથી લેવામાં આવેલ છે.
આગળની વાત હવે પછીના ભાગમાં આવશે….
જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
– વીર માંગડાવાળો – ભૂત રૂવે ભેંકાર…
– કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા
– ભૂચરમોરી મહાસંગ્રામ…છપ્પનની છાતીનું પરાક્રમ
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો