બચ્ચા રાનીંગ વાલા ! માગી લે.”
“બીજું કાંઈ ન જોવે મહારાજ; ફક્ત શેર માટીની ઝંખના છે.”
પાવડી ઉપર કપાળ ફેરવીને અવધૂતે ધ્યાન ધર્યું.દસમે દ્વારે જીવને ચડાવીને જોઈ વળ્યા. પછી સમાધિ ઉતારીને બોલ્યા કે “તેરા લલાટમે પુત્ર નહિ હે બેટા.”
“તો જેવાં મારાં નસીબ અને જેવાં જોગીનાં વચન ! મહાત્માનાં બેાલ્યા મિથ્યા થાય: હાથીના દંતૂસળ પેટમાં પેસે: એ આજધીસુ નહોતું જોયું બાપુ ! મારૂં ખોરડું મહા પાપીયું છે એટલે વંશ રાખવાની આશાએ તો મે તમને જાંબુડું ગામ અરપણ કરી દીધું, પણ મારાં પાપનો પાર નહિ આવ્યો હોય !”
જોગી ઘમસાણનાથ આ સાંભળીને શરમીંદા બની ગયા. આખરે પોતાના શિર પરથી આ કરજનું પાપ ઉતારવા માટે મરવાનો જ નિશ્વય કરીને એ બેાલ્યા, “અચ્છા ભાઈ ! તેરે ઘર પુત્ર આવેગા–બરાબર નવ મહિના પીછે: લલાટમે વિભૂતિકા તિલક હોય તો સમઝના કે સંકરને દીયા. અઠાવીસ વર્ષ કા આયુષ રહેગા. નામ ‘બાવા’ રખના.” [કેાઇ તેત્રીશ વર્ષની આવરદા બતાવે છે.]
એટલું બોલીને જાંબુડા ગામના ભોંયરામાં મહારાજ ઘમસાણનાથે જીવતાં સમાત લીધી. પોતાનો જીવ પોતે લુંઘીયાના
કાઠી રાણીંગવાળાને ઘેર કાઠીઅાણીના ઉદરમાં મેલ્યો, અને બાઈને દિવસ ચડયા લાગ્યા.
નવ મહિને દીકરાનો જન્મ થયો. માતાના પેટમાંથી નીકળાતાંજ બાળકને કપાળે ભભૂતનું તિલક દેખાણું. ફુઈએ ‘એાળી ઝોળી’ કરીને ‘બાવો’ નામ પાડયું. રાણીંગવાળાએ ધમસાણનાથની જગ્યામાં વધુ જમીન દીધી. પણ નાનપણમાં જ બેટા બાવાને મેલીને રાણીંગવાળાએ પરભવનું ગામતરૂં કર્યું.
–2 —
આજે સુડાવડ ગામમાં કારજ છે પહેલી પાંતે રોટલા ખાઈને બાર વરસનો બાવાવાળો સૂડાવડને ચોરે લોમા ધાધલ નામના અમીરના ખેાળામાં બપોરે નીંદર કરે છે. માથે લાંબા લાંબા કાનશીયા જટા જેવા વિખરાઈ પડયા છે. મુખની કાન્તિ પણ કોઈ ભેખધારીને ભજે તેવી ઝળહળે છે. કારજમાં જેતપૂરનો કાઠી દાયરો પણ હાજર છે.
“ કાં કાકા ! ” જેતપૂરના દરબાર મૂળુવાળાએ દેવાવાળાને આંગળી દેખાડીને કહ્યું “જટા મોકળી મેલીને બાવો સૂતો છે. જોયો ને ? ”
કાકા દેવાવાળાએ ડોક ધુણાવ્યું કે “હા, બાવો ! સાચોસાચ બાવો ! ફુઈએ બરાબર નામ જોઈને આપ્યું છે હો ! બાવો ખરો, મોટા મઠનો બાવો !”
“અને આ બાવો લુંધીઆનાં રાજ કરશે ? એ કરતાં તો ખપ્પર લઈને માગી ખાય તો શું ખોટું ?”
“ દરબાર !” સનાળીના કશીયાભાઈ ચારણથી ન રહેવાતાં એ બોલ્યા, “બાવો ખપ્પર લેશે નહિ, પણ બીજા કોકને ખપ્પર લેવરાવશે, એ ભૂલતા નહિ. મલક આખાને બાવો લોટ મગાવશે. ”
જુવાનીમાં આવતાં જ બાવે બારવટુ આદર્યું : એક જેતપુરના દરબાર મૂળુવાળા સામેઃ કેમકે એણે વાઘણીયા ગામમાં બાવાવાળાના બાપની જમીનનો ભાગ દબાવ્યો હતો. અને બીજું વીસાવદરના હરસૂરકા કાઠીઓની સામે. મૂળ વીસાવદર અને ચેલાણા પરગણાના ચોરાશી ગામ ઘેરે કરવામાં બે જણાનો હાથ હતોઃ બાવાવાળાના વડવાનો અને હરસૂરકા કાઠી માત્રાવાળાના બાપનો. પણ બેયની વચ્ચે વેરનાં બી વવાયેલાં. બાંટવાના દરબારે બેય વચ્ચે દા’ સળગાવલો, એમાં બાવાના બાપ રાણીંગે બધો મુલક ઘેરે કરી માત્રાને બહારવટે કાઢેલો. માત્રાની આવરદા બહારવટું ખેડતાં ખેડતાં પૂરી થઈ ગયેલી.
ત્યાં તો બીજી બાજુ એજન્સીની છાવણી ઉતરી. જમીનના સીમાડા નક્કી કરવા નીકળેલા બાકર (Col. Walker) સાહેબના હાથમાં વીસાવદરનો મામલો પણ મૂકાયો અને એમાં એણે રાણીંગવાળાના હાથમાંથી તમામ ગામ આંચકીને માત્રાવાળાના દીકરા હરસુરવાળાને સોંપી દીધાં. રાણીંગવાળો તો બાવાને નાનો મૂકીને મરી ગયા. પણ મરણ ટાણે આઠ વરસના દીકરા પાસે પાણી મુકાવતો ગયો કે, “બેટા ! જો મારા પેટનો હો તો બાપની જમીન પાછી મેળવ્યા વગર ઝંપીશ નહિ.”
ઝાકાઝીક ! ઝાકાઝીક ! ઝાકાઝીક ! બાવાવાળાની તરવાર ફરવા માંડી. “હરસૂરકાના વંશને રહેવા દઉં તો મારૂં નામ બાવો નહિ” એવી પ્રતિજ્ઞા લઈને બાવો પંદર સોળ વરસની ઉમ્મરે તો હરસૂરકાનાં લીલાંછમ માથાં વાઢવા લાગ્યો.
મેં જાણ્યું રાણીંગ મુવે, રેઢાં રે’શે રાજ,
(ત્યાં તો) ઉપાડી ધ૨ આજ, બમણી, ત્રમણી બાવલે.
સૂંઠ જ સવા શેર, ખાધેલા તોં વેળા ખત્રી
ઘોડે કરીયલ ઘેર બાપ રાંણીંગ જયું બાવલા
વાઢયા અમરેલી વળા ખાતે લાડરખાન
લખ વોરે લોબાન, બાંય નો વોરે બાવલા.
વાળા વાઘણીઆ તણો રતી યે ન લીધો રેસ
દેવાવાળાનો દેસ બાળી દીધો તેં બાવલા.
માથું મેંદરડા તણું ભાગ્યું ભાયાણા
તુંથી રાણ તણાં, બીએ જેતાણું બાવલા.
ગળકે કામન ગોંખડે, ૨ંગભીની મધરાત
ચોચીંતાનો આવશે, ભડ આવો ૫૨ભાત.
૫૨ભાત આવે નત્ય ત્રાડ પડે
ગણ જીત ત્રંબાળુ તીયાં ગડે
ઘણમૂલા કંથ આવો ધજાએ,
ઝળકે કામન ગોંખડીએ.
ખાવીંદ વન્યાનું ખોરડું ધણ્યને ખાવા ધાય,
પ્રીતમ બાવે પાડિયા, કુંજાં જીં ક૨લાય.
કુંજ સમી ધણ્ય સાદ કરે
ઘ૨મૂલા કંથ તુ આવ્ય ઘરે
રંગ રેલ ધણી તળમાં રીયો
થંભ ભાગ્યો ને ખોરડ ઝેર થીયો
બાવાના નામનો એટલો બધો ત્રાસ પડી ગયો. અને એક પછી એક હરસૂરકાનાં ગામડાં ધબેડાતા ગયાં.
–3–
સવારને પહોર સૂરજ મા’રાજ કોર કાઢે, અને સાંજે મા’રાજ મેર બેસે, એ બેય ટાણે બાવોવાળો ઘોડેથી ઉતરી જતો અને ઘીના દીવાની જ્યોત પ્રગટાવી સૂરજ સન્મુખ માળા કરતો. ચાહે તેવી સંકડામણમાં પણ એણે આ વ્રત ભાંગ્યું નહોતું. એક વખત પોતે ખુમાણ પંથકમાંથી લુંટ કરીને ચાલ્યો આવે છે. વાંસે વા’ર વહી આવે છે. બધુંકોના ચંભા વાંસેથી છૂટતા આવે છે. એમાં આડી શેલ નામની વખંભર નદી આવી. નદીની ભેખમાં ઉતરતાં જ સુરજ ઉગીને સમા થયા. એટલે બાવાવાળાએ ઘોડેથી ઉતરી જ્યોતની તૈયારી કરી, હાથમાં માળા ઉપાડી. “અરે આપા બાવા !” સાથીઓ કહે છે, “આ સમદરનાં મોજા જેવી વાર વહી આવે છે, અને અટાણે માળા કરવાનું ટાણું નથી. માટે ગરમાં જઈને કાલ સવારે બેય દિવસના જાપ હારે કરજો.”
“એ ના ના બા, પૂજા કાંઈ છંડાય ? તમારી મરજી હોય તો તમે હાલી નીકળો. હું હમણા જ વાંસોવાંસ આવીને તમને આંબી લઉ છું. બાકી માળા તો મારાથી નહિ મેલાય.”
કહેવાય છે કે એના સતને પ્રતાપે વાર આડે માર્ગે ઉતરી ગઇ. અને બાવાવાળાએ માળા પૂરી કર્યા પછી જ આગળ ડગલું દીધું.
ચલાળા ગામમાં તે વખતે દાન ભગતની વેળા ચાલે છે. આપો દાનો કાઠીઓના પીર કહેવાતા. ઠેકાણે ઠેકાણે એના પરચાની વાતો થતી. દાના મહારાજને તો ત્રણ ભુવનની સુઝે છે : દલ્લીમાં ઘોડાં દોડતાં હોય એ દાનો પીર નજરોનજર ભાળે છે : એની આંતરડી દુવાય તો માણસનું ધનોત પનોત નીકળી જાય : અને એનો આત્મા રીઝે તો નસીબ આડેથી પાંદડું ઉડી જાય : એવી વાતો કાઠીઆવાડમાં પ્રસિદ્ધ હતી. દાના મહારાજની કરણી પણ ભારી ઉંચી કહેવાતી. ગરનાં એક ગામડામાં ભરવાડની છોકરીનું માથું કીડે ખદબદતું હતું – વેદનાનો પાર નહોતો – તેમાંથી પાસ પરૂને તથા કીડાને દાના ભગતે ત્રણ વાર પોતાની જીભેથી ચાટી લઈને એ છોકરીને રોગ મટાડ્યો હતો !
એવા અવતારી પુરૂષને ખેાળે જઈને બાવાવાળાએ માથું નાખી દીધું. હાથ જોડીને એણે ભગતને મર્મનું વચન ચોડ્યું કે “બાપુ ! જો જગ્યામાં દીવેલની તૂટ પડતી હોય તો હું માગો એટલું મોકલતો જાઉં.”
“કાં બા૫, અવળાં વેણ શીદ કાઢછ ?”
“ત્યારે શું કરૂં ? મેંથી આ દોડાદોડમાં રોજ બે ટાણાં દીવેલ સાથે રાખીને દીવા કરવાની કડાકૂટ થાતી નથી. વાંસે રાજરજવાડાની ગીસ્તું ગોતતી ફરે છે. એટલે હવે મારો દીવો આંહી જ કરતા જાઓ.”
“બાવા વાળા ! એટલાસારૂ જગ્યાને આળ કાં દે બાપ ? જા, કોડીયામાં વાટ મેલીને સૂરજ સામે ધરજે. તારા દીવામાં દીવેલ પણ સરજ પૂરશે, અને જ્યોત પણ સૂરજ પેટાવશે. જાપ કરતા આળસવું નહિ. જયાં સુધી જાપ કરીશ ત્યાં સુધી વાર તને વીંટીને ચાલશે તોય નહિ ભાળે.”
“અને બાપુ, મારૂં મોત ?”
“જ્યોત ન થાય ત્યારે જાણજે કે તારે માથે ઘાત છે. બાકી તો દેવળવાળો જાણે બાપ ! હું કાંઈ ભગતનો દીકરો થોડો છું ? પણ સતને માર્ગે રેજે !”
લેખક – ઝવેરચંદ મેઘાણી
આ કથા સોરઠી બહારવટીયા માંથી લેવામાં આવેલ છે.
આગળની વાત હવે પછીના ભાગમાં આવશે….
વીર બાવાવાળો- ભાગ- 2
વીર બાવાવાળો- ભાગ- 3
જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-
– વીર માંગડાવાળો – ભૂત રૂવે ભેંકાર…
– કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા
– ભૂચરમોરી મહાસંગ્રામ…છપ્પનની છાતીનું પરાક્રમ
પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો