મિત્રો આ પાળીયા વડસડા ગામના પાદરના છે જે તમે જોઇ શકો છો જેમાં શુરવીર આહિર અને આયરાણીઓ ની ખાંભી ઓ છે સતીઓના પંજા પણ છે
આજથી ત્રણસો પુર્વેનો કાળ એ કાળમાં કુદરત રૂઠે તોય રાજાનો કર ભરે છુટકો નહીતો રજવાડા જમીન આંચકી લે. રાજાઓનાં કર હારે બાપાજી રાવ ગાયકવાડનો કડપ ભારે એટલે પ્રજા બમણા કર બોજથી ભાંગી પડતી પણ શુ કરે. બીજો કોઈ ઉપાય નહતો
ત્રણસો વરસ પહેલાના સમયે સૌરાષ્ટ્ર ઘેડ કાંધી પાસે આવેલા હાંડા રોખા ઓપતા સુખી અને સમૃદ્ધ આહિરોનુ વડસડા ગામ છે.
વડસડુ વસ્યા ઘણાંક વર્ષો વિતી ગયા છતાં કોઈ રાજવી ગાયકવાડ કે કોઈ મુસલમાન કે દરબારે કયારેય કર નાખ્યો નથી ગામના જણે જણને કોઈની ઓશિયાળ નહોતી. બસ એક મેઘરાજની એ વરસે ને ધનના ઢગલા આપતો ને કશોય કર લેતો નહતો બસ મેઘને રાજી રાખવાનો આનંદ લોકો માણતા આખું ગામ ખુમારીથી સ્વતંત્રતાથી જીવતુ.
કોઈ રાજવીએ કયારેય કર ઉઘરાવ્યો નથીં અને વરસડા કયારેય ભર્યો નથીં એ એમનો જીનવ મંત્ર. એક દિવસ કાળીચૌદશનુ નાગદેવનુ રાવણુ બેઠું તુ. મુંછાળા મર્દોની મુંછો હવામાં ફડાકા મારી રહી છે બબ્બે લીંબુ ઠરે એવા મુંછવાળા અડાભીડ ભરવાદાર ખમીરવંતાની મુર્તિ સમા પચાસેક આદમીઓમા જળુ અરજણ રાયમલ નાગાજણ મ્યાતારો મારૂં લાવડીયો પુનો નવકંધરો નાગપાળ અને ડાંગર કાંધો ને ગઢવી હમીરો એવાં ડાલામથ્થા પાડાની કાંધ રોખી કાંધવાળા સિંહની સામી છાતીએ બાટકે એવાં બળુકા બરકંદા ને માટીયાર બેઠાં છે…
એક જણે વાત કરી ભા સાંભળ્યુ છે કે બાપોજીરાવ ગાયકવાડ કાઠીયાવાડના ગામડામાં લાગો ઉઘરાવતો ફરે છે કદાચ વરસડા ભણે આવે પણ ખરો. આ વાત સાંભળી એક ઉકરાટીયો જુવાન તાડુકી ઉઠ્યો તે ભલેને ભમતો બાપગોતર માય વડસડા એ લાગો દિધો નથીને દેશે પણ નહીં આપણા માથે કોઈ રાજા નથી રાજા આપડે મુદ્દલે જોતો નથીં. પણ ભા આતો ગાયકવાડી સુબો ગામો ગામ લાગો ઉઘરાવતો આવેછે ન આપે તો ગામ ટીંબો કરે છે. કરવાનું શુ આપણે કયાં લાગો દિધો છે અને કાઠીયાવાડ થોડું એના બાપનું છે ખપી જશું પણ લાગો નહીં ભલે ધીંગાણા થાય માથા વઢાઈ જાય તો કુરબાન કરવા તૈયાર છીએ. આતો કાયમનો ઘોચ પરણો
ત્યા એક ઘોડેસ્વાર આયો કાંધો આયર કોણ. હુ બોલો શુ કામ હતું જુનાગઢની જોરતબલી અને ગાયકવાડની ખંડણી કબુલ કરો. તમે ઘર ભૂલ્યાં છો વાડાસડાની જાગીર કાઇ જુનાગઢ કે ગાયકવાડના બાપની નથી. વિચાર કરજો વાડાસડા કાલે ઊંધું નાખશે એવા ડારા બીજને દેજો ભલે ગાયકવાડ ગામ માથે ચડે અમે પાણીનો કળશિયો લઇ સામા આવીશું. બાકી આયર દેગે અને તેગે તો કાળીયો ઠાકર હોય એમ ખંડણી રેઢી નથીં પડી આંયાં માથાં સાટેનો માલ છે. ટુકમા હમ્મીર બારોટે હવે વાતમાં ઝંપલાવ્યું આતો મર્દોએ મોત સાથે કાંડા બાંધ્યા.
ઇ.સ.૧૭૪૩ આસપાસનો સમય હતો વડોદરાના દામજીરાવ ગાયકવાડે સૌરાષ્ટ્ર પર ખંડણી ઠોકી બેસાડવા માટે વસમું દળકટક લઇને નીકળ્યો છે અને સાથે જુનાગઢના બાબીઓ પણ છે આમ સૌરાષ્ટ્રમા બેવડી આફત ઉતરી છે. એમા ઉપલેટા તાલુકાનું વાડાસડા ગામ એ વેળાએ ડાંગર શાખાના આહિરોનુ સાતઆઠ ગામની જાગીરદારી વાળું ગામ હતું વાડાસડાના કાંધા ડાંગરે ગાયકવાડ સામે ખંડણી ના બદલે લડાઈ લિધી. જેમા આયરોએ જે મુરલીધર ના લલકાર સાથે જુદ્ધમા પ્રયાણ કર્યું અમરાપરે અપ્સરા ને વરવાંના પરીયાણ કર્યા. હમ્મીર બારોટ પણ સાથે હથિયાર લઇ ચાલ્યા સામે સામે બટાજટી બોલીને કંઈક વિધાણા રણભૂમિ માં લોથુ ઢળવા માંડી ગાયકવાડના ઘોડા અને માણસો ઓછાં થવાં લાગ્યા. આ બાજું ઢુંગે વળીને આયરાણીઓ લડાઈમાં ગયેલા ઘાયલ આયરો ને પાણી પાવા જવા માથે માટલાં લઇને જવાની તૈયારી કરી ત્યાં હમ્મીર બારોટના ઘરવાળા આઇ કહે આયરો તો એમની મુંછનુ પાણી રાખી જાશે માટે જો આહીરાણીઓ પાણી પાવાને બદલે ગાયકવાડી ફોજના પેટનાં વેઠિયાવાવ ને પોતાના હાથનું પાણી બતાવી દે આજ આયરોને સવાયો રંગ ચડી જાય અને રંભા જેવી આયરાણીઓ પ્રલંબામાં ફેરવાણી પુરુષ વેષ પહેરી હથિયારો ભીડીને ઘોડેસ્વાર થઇ જાણે ઘેટાં ના ટોળા માથે સિહણો ત્રાટકી. આયર અને આયરાણીઓ એ કારમી લડાઈ આપી.
સંધ્યા ઢળી અંધારા ઉતર્યા તેવાં ટાણે વડસડા ને પાદર એકસો ને દસ લોથો ઢળી એમા પચાસેક આહિર જુવાનો અને એકત્રીસ આહીરાણીના બલિદાન દેવાયા હતા
ત્રણસો વરસની વાતને હૈયા ના ઊંડાણ માં સંગ્રહ રહેલ વીરતાની વાતો કહેતા વડસડા ગામને પાદરે એંસીક પાળીયાઓ શૂરવીરતાની સાક્ષી રૂપ ઊભાં છે આમના કેટલાક તો ખડી ગયાં છે કેટલાક દટાઇ ગયાં છે પણ કેટલાક ઊભાં ઊભાં વાત ને વાગોળે છે..
સાભાર – વિરમદેવસિંહ પઢેરિયા
હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..