સવાશેઠ અને સોમાશેઠની વાત

“કાં દરબાર! પધારો પધારો! આતુરતાથી વામનસ્થળીના એક વણિક વેપારીએ મંગલપુરના ગરાસિયાને પોતાની દુકાનમાં આવવા વિનંતી કરી. 

“શેઠ, જરા સવા શેઠને મળી આવું.” 

“બાપુ! ખુશીથી સવા શેઠને ત્યાં જજો, પણ એ જ શેઠ વિષે આપના હિતની બે’ક વાતું કરવી છે. સાંભળવી હોય તો હાટમાં પધારો અને નહિ તો આપની ઇચ્છા.” વણિકે મધમાખીને મધ તરફ ખેંચવા પ્રયાસ કર્યો. 

સવા શેઠ વિષે કંઈ સાંભળવાનું મળશે એ લાલચે દરબારે ખોંખારો મારી વણિકના હાટમાં બેઠક લીધી. 

“છોકરા! બાપુ માટે કાવો મૂક કાવો.” વણિકે વિવેક કર્યો. 

“ના ના શેઠ! મારા સમ. ઈ તરખડમાં પડશો નહિ, કાવા કસુંબાનો અત્યારે વખત નથી.” 

“બાપુ, પણ આપ અમારે આંગણે ક્યાંથી? મેમાન ને મે ઈ તો ભાગ્યશાળીને ઘેર હોય. બાપુ, કંઈક તો લેવું જ પડશે.” 

“ના ના મારે તો ઘડી બે ઘડીમાં જવાનું છે.” 

“બાપુ, આજ કઈ તરફ?” 

“જાવું છે તો માધવપુર; પણ વામનસ્થળી રસ્તામાં આવે એટલે સવા શેઠને રામરામ કરવા આવવું જ જોઈએ, ઈ દૃષ્ટિએ ઘોડીને શંકરની જગ્યામાં બાંધી હું ગામમાં આવ્યો…” 

“બાપુ, ઠીક યાદ આવ્યું, સવા શેઠને ત્યાં આપનું કંઈ હવે નામું છે કે?” વણિકે બોલતાં બોલતાં મુખના ભાવ ફેરવ્યા. 

“કેમ?” દરબારે વણિકની આંખ્યો સામે મીટ માંડી. 

“ના ના, હું તો અમસ્થું પૂછું છું. જો કંઈ ઝાઝી રકમ હોય તો ચેતતા રે’વું સારું છે.” 

“રકમ એક લાખ બાબાશાહી રૂપિયાની સવા શેઠને ત્યાં જમે છે.” 

“એક લાખ બાબાશાહી!? વણિકે ધાસ્તીભરી ઝીણી ચીસકારી પાડી. 

“કેમ? એટલા બધા ગભરાઓ છો કેમ! ગરાસિયો સહેજ શંકાતુર થયો. 

“બાપુ, જો સાચી વાત પૂછતા હો તો આપના એ એક લાખ બાબાશાહી જોખમમાં છે.” 

“સવા શેઠ જેવો સદ્ધર આસામી હોય પછી જોખમ શાનાં?” 

“મારો તો ઈ જાતભાઈ છે, એટલે આપને મારાથી વધુ શું કહેવાય? પણ મારું ગરીબનું માનતા હો તો આવા વખતમાં આવી મોટી રકમ ઘરભેળી કરી દેવી એ સલાહભર્યું છે.” ધીમે ધીમે વણિકે ચતુરાઈથી ગરાસિયાની વૃત્તિ ફેરવવાનો પ્રયાસ જારી રાખ્યો. 

“પણ સવો શેઠ એટલે સોરઠનો લક્ષાધિપતિ…” 

“ઈ રાઈનાં પડ રાતે ગયાં, અત્યારે તો સવા શેઠના ઘરમાં સવા લાખ દોકડા પણ ભગવાન રાખે તો એનાં ભાગ્ય!” 

“શું કહો છો?” 

“સાચે સાચી વાત કહું છું, હજુ આજ ને આજ કંઈ વારફેર કરશો તો તો કંઈક પામશો, બાકી અચ્યુતં કેશવં રામનારાયણં!” 

વણિક સવા શેઠની પડતીમાં રાજી થતો હોય તેમ મૂછમાં ઝીણું ઝીણું હસ્યો. 

મંગલપુરના દરબારને આ ઈર્ષાળુ વણિકનું એ હાસ્ય જોવાની શુદ્ધિ ન રહી. એને તો પોતાના લાખ બાબાશાહી નજર આગળ તરી આવ્યા. સવા શેઠ જેવા સદ્ધર આસામી આમ એકાએક બેસી જાય એનું એને સ્વપ્નું પણ નહોતું. 

“પણ શેઠ, સવા શેઠને એવી ખોટ શેમાં ગઈ કે લાખોનો એ કુબેર ભંડારી મુશ્કેલીમાં મુકાય?!” 

“અરે વખત આગળ કુબેર ભંડારીના દાદાનું પણ અણનમ માથું નમી પડે છે. વેપારની વાતું આપના જેવા દરબારું ન સમજે.” 

“સમજીએ નહિ, પણ જાણીએ તો ખરા!” 

“લ્યો સાચી વાત સાંભળવી છે? કોઈને ન કહો તો કહું.” વણિકે દરબારની જીજ્ઞાસાને જાગૃત કરી. 

“બેફીકર રહો, હું સવા શેઠ આગળ તમે કહેલી એક પણ વાત નહિ કહું.” 

“તો સાંભળો, આ વખતે સવા શેઠનાં જાવેથી આવતાં વહાણ દરિયામાં તોફાને ચડ્યાં છે. બે મહિનાથી પતો નથી, એ વહાણ જો ડૂબી ગયાં તો આપનો સવો શેઠ નાહી ઊઠશે.” 

“ભારી થઈ.” દરબારના શ્વાસોશ્વાસની ગતિ વધી. 

“ભારી કે હલકી, આપ આપનું હાથ કરી લ્યો એટલે ગંગા નાહ્યા.” 

અગરસંગ દરબાર વામનસ્થળીના આ વણિક વેપારીનો આભાર માનતો માનતો સફાળો ઊઠ્યો અને એણે સવા શેઠની શેરીની વાટ પકડી. ઈર્ષાળુ વણિક સવા શેઠની આબરૂ પડશે એ વિચારે રાજી થતો થતો એ દરબારની પાછળ હરખમાં જોઈ રહ્યો. 

(૨) 

“સવા શેઠ! રામ રામ.” 

“એ હો અગરસંગભાઈ, પધારો, આપ ક્યાંથી?” 

“આપની પાસે જ આવ્યો છું.” 

“કહો, કાંઈ મારા જેવું કામકાજ?” 

“ખાસ તો કંઈ નથી, પણ કુમાર હવે થોડો મોટો થયો અને એની એવી ઇચ્છા છે કે હવે રોકડનાણું બધું મંગલપુરમાં જ રાખવું, એટલે હું એક લાખ બાબાશાહી આપને ત્યાં છે એ લેવા આવ્યો છું.” 

“બહુ જ સારું. કુમારશ્રીનો એ વિચાર મને પણ ગમ્યો છે, આપ આપને ત્યાં નાણું સાચવો એમાં તો હું પણ બહુ રાજી.” 

સવા શેઠનો આવો બેધડક જવાબ સાંભળી અગરસંગને પેલા વણિકની વાતો પર સહેજ શંકા આવી, છતાં એક લાખ બાબાશાહી ઘરભેળા કરી લેવાની એની વૃત્તિ કાયમ રહી. 

“મારે તો આપ સાચવો અને હું સાચવું એ બધું ય સરખું હતું, પણ તખુભા જેવો કુમાર પ્રભુએ આપ્યો છે અને એનું ઈ સંભાળી લેય એટલે આપણે છૂટ્યા, ઈ વિચારે જ હું અહીં આવ્યો છું.” 

“ભલે આવ્યા બાપુ, ભલે આવ્યા. આપના રૂપિયા દૂધે ધોઈને લઈ જજો, દરબાર, હુંડી આપું તો ચાલશે?” 

“એમાં વાંધો નહિ, હુંડી આપો.” 

કોઈ પણ રીતે પોતાની રકમ પાછી મેળવવા દરબાર આતુર હતો એટલે એણે હુંડી લેવામાં આનાકાની કરી નહિ. 

અગરસંગને બેસાડી સવો શેઠ મેડી ઉપર આવ્યો. આ દરબાર ઓચિંતો એની થાપણ લેવા આવ્યો એને ના પણ શી રીતે પાડી શકાય. કોઈ પણ રીતે એને એનાં નાણાં અત્યારે આપવાં જ જોઈએ. 

મેડી પરથી સામે દેખાતાં ગિરનારનાં ઉન્નત ગિરિ શિખરો તરફ સવા શેઠે ચિંતાભરી દૃષ્ટિ ફેંકી. 

ભાણાં ખખડ ને લોહઝરાં, આવતરાં પૈયાં;
ઇત્રેયે કાયમ રહે તાકા વજ્રહૈયા.

લાખ બાબાશાહીની હુંડી કોના પર લખવી એના વિચારમાં સવા શેઠે આકાશ તરફ મીટ માંડી. દરિયામાં ગુમ થયેલાં વહાણ સહિસલામત છે એવી ઉડતી અફવા એણે હમણાં જ સાંભળી હતી, એ અફવાએ એનું મનોબળ મજબુત કર્યું. જો વહાણો સહિસલામત આવે તો તો એક શું દસ લાખ બાબાશાહી આપવા એ એને માટે જરા પણ અઘરું નહોતું. 

બહુ વિચારોને અંતે એને અમદાવાદ યાદ આવ્યું. એ વખતે અમદાવાદમાં સોમચંદ શેઠ મોટા ધનાઢ્ય વેપારી ગણાતા. દેશપરદેશમાં સોમચંદ શેઠનું નામ પ્રસિદ્ધ હતું. એ નામ યાદ આવતાં સવા શેઠે એક લાખ બાબાશાહીની હુંડી એ અમદાવાદના સોમચંદ શેઠ ઉપર લખવી શરૂ કરી. હુંડી લખતાં લખતાં એને હાથે કંપારી છૂટી. જે શેઠને ત્યાં પોતાનો એક દોકડો પણ જમે નથી, એના પર આ ખોટી હુંડી લખવી એ પોતાની અપ્રમાણિકતા માટે એને બહુ લાગી આવ્યું, પણ ફરી પાછું પોતે મન વાળ્યું કે આ હુંડી સ્વીકારાશે તો નહિ અને એ પાછી નકારાઈને આવશે. પણ આ દરબાર અમદાવાદ નકરાયલી હુંડી પાછી લેવા આવશે તેટલા વખતમાં તો વહાણો આવી જશે જ, એટલે આ દરબારને નકરામણ સહિત પૂરેપૂરા નાણાં ચુકવી શકાશે. આવી ગડમથલમાં હુંડી ફરી પાછી લખવી શરૂ કરી. હુંડી અડધી લખાઈ રહી ત્યાં ફરીથી આ સવો શેઠ પોતાના આ અસત્ય આચરણ માટે બહુ જ દિલગીર થયો. જે પોતે બીજાને લાખો બાબાશાહી ધીરી શકે એવો એ શ્રીમંત આજે એક લાખ બાબાશાહીની ખોટી હુંડી લખે એ એને માટે અસહ્ય હતું. લખતો લખતો એ રડી પડ્યો અને એની આંખમાંથી આંસુનાં બે ત્રણ ટીપાં હુંડી પર પડ્યાં. અક્ષરો પર આંસુ પડતાં થોડા અક્ષરો રેલાયા. ફરી સ્વસ્થ થઈ માંડ માંડ હુંડી પૂરી કરી અને મોઢું ધોઈ સવા શેઠે નીચે દુકાનમાં આવી અગરસંગના હાથમાં હુંડીનું કાગળિયું મૂક્યું. 

“લ્યો દરબાર, અમદાવાદની આ લાખ બાબાશાહીની હુંડી. અમદાવાદમાં સોમચંદ શેઠ પ્રખ્યાત છે. નાના છોકરાને પૂછશો તો પણ એની હવેલી આપને બતાવશે.” 

અગરસંગ તો હુંડી હાથમાં આવતાં માધવપુર જવાને બદલે પોતાના ગામ તરફ પાછો ફર્યો. મંગલપુરથી અમદાવાદ પગ રસ્તે સોળ દિવસનો રસ્તો હતો એટલે ઘેર આવી અગરસંગે ઘોડીને તૈયાર કરી મુસાફરીમાં જોઈતી ચીજ વસ્તુ સાથે લઈ અમદાવાદ તરફ પ્રયાણ કર્યું. 

(૩) 

અમદાવાદના માણેકચોકમાં એક પ્રાતઃકાળે દેશપરદેશના વેપારીઓની ધમાલ ચાલીરહી છે. સોરઠ, ઝાલાવાડ, મારવાડ, રજપુતાના અને માળવાના વ્યાપારીઓ પોતપોતાના ધંધાને અંગે લેવડ-દેવડના હિસાબ કરવા, નવી ખરીદી કરવા અને અમદાવાદના ધનાઢ્ય વ્યાપારીઓ સાથે વ્યાપારી સંબંધ બાંધવા માણેકચોકના મુખ્ય બજારમાં પોતપોતાના દેશનું પ્રતિનિધિત્વ વિવિધ પહેરવેશથી બતાવી રહ્યા હતા. એવે વખતે લાંબી મુસાફરી ખેડીને થાક્યો હોય એવી સ્થિતિમાં અગરસંગે કોઈ એક પેઢીના ગુમાસ્તાને ઉભો રાખ્યો. 

“ભાઈ! સોમચંદ શેઠની પેઢી ક્યાં આવી?” 

“સોમચંદ શેઠની પેઢી!? ક્યાં રેવું!?” 

“રેવું તો આમ આઘે આઘે.” 

“ત્યારે જ પૂછો છો. બાકી સોમચંદ શેઠની પેઢી તો જગજાહેર છે, જો આ સામે મોટી હવેલી દેખાય છે એ જ સોમચંદ શેઠની પેઢી. નીચે પેઢી છે, ઉપર શેઠ પોતે બેસે છે.” 

બીજી કંઈપણ વાતચીત કર્યા વિના અગરસંગે ઉતાવળે ઘોડીને એડી મારી. 

“સોમચંદ શેઠની પેઢી આ જ કે?” 

“કેમ ભાઈ, ક્યાંથી આવો છો?” એક ગુમાસ્તાએ પેઢીના ઓટલા પર આવી અગરસંગ તરફ અજાયબીથી જોયું. 

“આવું છું તો ઠેઠ સોરઠથી અને સોમચંદ શેઠનું કામ છે.” 

ગુમાસ્તાએ તુરત પેઢીના મુનીમને આ ખબર આપ્યા. 

મુનીમ ઊઠીને બહાર આવ્યો અને ઘોડીને પોતાના માણસને સોંપીને સન્માનથી અગરસંગને પેઢીમાં લઈ ગયો. 

“કહો, કઈ તરફથી પધારો છો?” ગાદી તકીયે અગરસંગને માનપૂર્વક બેસાડતાં બેસાડતાં મુનીમે પ્રશ્ન કર્યો. 

“જાણે આવું છું મંગલપુરથી, મંગલપુરનો ગામધણી છું.” 

“મંગલપુર ક્યાં આવ્યું?” 

“સોરઠમાં.” 

“એમ કે! ખાસ અમદાવાદ જોવા પધાર્યા હશો?” 

“ના ના, સોમચંદ શેઠના નામની એક હુંડી છે તે વટાવવા આવ્યો છું.” 

“ખુશીથી એક શું લાખ હોય તોય આપના રૂપિયા સાચા.” 

મુનીમની આ શાંતિભરી વર્તણુંકથી અમદાવાદ માટે અગરસંગને બહુ જ માન ઉત્પન્ન થયું. તુરંત જ સવા શેઠે આપેલી હુંડી મુનીમના હાથમાં અગરસંગે મૂકી. 

“કોણે લખી છે?” 

“વમનસ્થળીના સવચંદ શેઠે.” મુનીમે તરત ચોપડાઓ મંગાવ્યા અને સવચંદ શેઠના ખાતાની શોધ કરી, પણ ચાલુ ચોપડામાં સવચંદ શેઠનું નામ પણ ક્યાંય જણાયું નહિ. વખત લાગશે એમ ધારી એણે ગુમાસ્તા સામે જોયું અને દરબારની ઘોડીને વંડામાં લઈ જવાનો હુકમ કર્યો. 

“દરબાર આપ સ્વસ્થ થઈ બેસો. હું હમણાં જ આપની આ હુંડીનું કામ પતાવી આપું છું.” 

પોતાની કંઈ ભૂલ થતી હશે એમ ધારી ચોપડા ફરીવાર જોયા. તો પણ ચાલુ ચોપડામાં ક્યાંઈ પણ સવચંદ શેઠનું નામ નિશાન ન મળે. કદાચ આગલા વર્ષના ચોપડામાંથી ખાતું ખેંચવામાં ભૂલ થઈ હોય એ વિચારે આગલા વર્ષના ચોપડાઓ તપાસ્યા. એ રીતે છેલ્લા પાંચ વર્ષના ચોપડાઓ આ મુનીમે જોયા પણ ક્યાંઈ પણ સવચંદ શેઠનું નામ નીકળ્યું નહિ. લાખ બાબાશાહીની હુંડી અને હુંડી લખનારનું નામ પણ ચોપડામાં ન હોય એ મુનીમ માટે એક પ્રકારની અજાયબી હતી. 

“કેમ શેઠ, ચોપડા તપાસવા પડે છે?” શંકા પડતાં અગરસંગે મુનીમ સામું જોયું. 

“અમારે ત્યાં તો આખું હિંદુસ્તાનનું મનેખ આવે છે એટલે શોધતાં જરા વાર લાગે, બાકી બીજું કંઈ નથી.” 

અગરસંગને આશ્વાસન આપી મુનીમ સોમચંદ શેઠ પાસે ગયો અને વામનસ્થળીની આ હુંડી બતાવી. 

“તમે ચોપડામાં જોયું?” 

“હા જી.” 

“આ નામનું કોઈ ખાતું નથી.” 

“ના જી.” 

“આગલા વર્ષના ચોપડાઓમાં તપાસ કરાવો. વખતે કંઈ ભૂલ હશે.” 

“એ તો હું બધું કરી ચૂક્યો. છેલ્લા પાંચ વર્ષના ચોપડાઓ તપાસ્યા. આ નામનું કોઈનું ખાતું જ નથી.” 

“ત્યારે શું હુંડી ખોટી છે?” 

“લાખ બાબાશાહીની હુંડી ખોટી હોય એ પણ અજાયબ વાત કહેવાય.” 

“તમે એમ કરો. જરા ફરી વાર છેલ્લા પાંચ વર્ષનાં ચોપડા તપાસાવો, હુંડી લાવો જોઈએ, હું બરાબર વાંચી જોઉં.” 

મુનીમ ચોપડા તપાસવા માટે પેઢીમાં ગયો એટલે એકાંતમાં બારી આગળ જઈ સોમચંદ શેઠે હુંડી ફરીથી વાંચી. બરાબર મધ્યમાં આવતાં એ ચોંક્યો. ઘડીભર થોભ્યો અને એ મનમાં ને મનમાં બોલી ઊઠ્યો કે “કોઈ ખાનદાન માણસ મુશ્કેલીમાં આવી ગયો લાગે છે.” હુંડીના અક્ષરો પર આંસુ પડ્યા છે એ આ ચતુર અમદાવાદી શેઠીઓ પારખી ગયો, એક લાખ બાબાશાહીની હુંડી લખનાર કોઈ સાધારણ માણસ તો ન જ હોય. એને ખાતરી થઈ ગઈ કે લખનાર કોઈ મોટો માણસ છે. ભીડમાં આવી પડતાં આબરૂ બચાવવા ખાતર આ હુંડી લખાઈ છે. હુંડીનું રહસ્ય સમજતાં આખી પરિસ્થિતિનું એણે માપ કાઢી લીધું. હજુ એ હુંડી પર પડેલા આંસુઓ તપાસતો હતો તેટલામાં મુનીમ પાછો આવ્યો. 

“કેમ ચોપડાઓ જોયા?” 

“હા જી, ક્યાંઈ પણ આ વામનસ્થળીના શેઠનું નામ નથી.” 

“ત્યારે મુનીમજી એમ કરો. આ દરબારને આપણે ત્યાંથી એક લાખ બાબાશાહી આપી દ્યો.” 

શેઠનો હુકમ સાંભળી મુનીમ ચોંક્યો. 

“કઈ રીતે? કીયે ખાતે એને રૂપિયા આપવા?” 

“મારા અંગત ખાતામાં એક લાખ બાબાશાહી ઉધારી એને આપી દ્યો.” 

“પણ શેઠ, આ તો અજુગતુ કહેવાય. એક માણસ ખોટી હુંડી લખે અને આપણે…” 

“મુનીમજી, ખોટી સાચીમાં તમે ન સમજો. પેઢીને હિસાબે નહિ પણ મારે અંગત હિસાબે આપવાના છે. તમે તમારે હું કહું છું તેમ દરબારને એક લાખ બાબાશાહી આપી દ્યો.” 

મુનીમ શેઠના આ પગલાનો કંઈ પણ અર્થ સમજી શક્યો નહિ. એટલે થોડીવાર મૌન સેવી શેઠની સામે જોઈને ઊભો રહ્યો. 

સોમચંદ શેઠ મુનીમની આ સ્થિતિ જોઈ હસી પડ્યા. 

“કેમ ઊભા? જાઓ એ બાબાશાહી હું આપું છું, એમાં તમે આટલા બધા મુંઝાઓ છો શા માટે? એ દરબારને હુંડીની રકમમાં સોનામહોર, કોરી, રાળ જે જોઈએ તે સિક્કાઓ આપજો અને અઠવાડિયું રોકી એને સારી મહેમાની આપી પછી વિદાય કરજો.” 

(૪) 

માંગરોળને કિનારે સવા શેઠનાં વહાણો સહિસલામત લાંગર્યાં. વામનસ્થળી એ ખબર પહોંચતાં સવા શેઠને સહુથી પહેલાં અગરસંગને આપેલી એક લાખ બાબાશાહી રૂપિયાની ખોટી હુંડી યાદ આવી. અગરસંગ અમદાવાદ જઈ પાછો વામનસ્થળી આવે તો કેટલા દિવસમાં આવી પહોંચે એની ગણતરી કાઢતાં આજ કાલમાં હુંડી પાછી લઈને જરૂર આવવો જ જોઈએ. એ વિચારે સવો શેઠ આખો દિવસ પોતાની મેડી પર બેસી મુખ્ય રસ્તા પર નજર રાખી એની રાહ જોતા. 

પૂજા પાઠ કરી સવો શેઠ આજે બારીમાં આવે ત્યાં તો નીચેથી અવાજ સંભળાયો. 

“સવા શેઠ ક્યાં છે?” 

સવા શેઠે અવાજ પારખ્યો અને ઉતાવળેથી અગરસંગને મેડી ઉપર લઈ આવવા નીચે ઉતર્યો. પોતે હુંડી ખોટી આપી હતી પણ એમાં ઉદ્દેશ ખોટો ન હતો. જે સમય મળે તેટલામાં વહાણો આવી જાય એટલે પૈસાની છૂટ થતાં અગરસંગને ખર્ચ સહિત પૈસા આપી દેવાની એની શુદ્ધ દાનત હતી, પણ હુંડી પાછી ફરતાં લેણદારને જે ગુસ્સો ચડે છે એ ગુસ્સાનું માપ કેટલું હોય એ સવો શેઠ સારી પેઠે જાણતો. એટલે કદાચ આ દરબાર ગુસ્સામાં ને ગુસ્સામાં હોહા ન કરી મૂકે, છતે પૈસે પોતાની આંટને આંચ ન પહોંચાડે એ માટે એને ખાનગીમાં સમજાવી લઈ કોઈ ન જાણે તેમ તુરંત આખી રકમ ચૂકવી આપવાના હેતુથી એણે નીચે ઉતરતાં અગરસંગનું ઝડપથી કાંડું પકડ્યું. 

“દરબાર ચાલો ચાલો ઉપર આપણે ઉપર વાત કરીએ.” 

અગરસંગ સવા શેઠ સાથે મેડી ઉપર ચડ્યો અને બેસતાં પહેલાં જ બોલ્યોઃ 

“સવચંદ શેઠ! અમદાવાદના સોમચંદ શેઠને તો એની માયે ખરેખર દૂધ પીને જણ્યો છે.” 

“કેમ?” આતુરતા, ગભરામણ અને દિલગીરી સહિત એણે અગર સામે જોયું. 

“શું એની કેટલીક વાર્તા કહું? લાખ બાબાશાહીની હુંડી એક તડાકે સ્વીકારી આપી એટલું જ નહિ પણ મારે જે જોઈએ તે સિક્કામાં ચલણી નાણું ગણી આપ્યું. એ તો ઠીક પણ સાત દિવસ સુધી મારી એમણે જે મેમાની કરી એ જીવનભર વિસરાય તેમ નથી.” 

અગરસંગ સાચે સાચું કહે છે કે વ્યંગમાં બોલે છે એ ઘડીભર સવો શેઠ સમજી શક્યો નહિ. 

“અને સવા શેઠ, એ સોમચંદને જોયા હોય તો રાજા કરણનો અવતાર. તમે ભલે અમદાવાદની હુંડી લખી આપી. તમારા પુણ્યશાળી માણસને જ આવા ભેરૂબંધ હોય.” 

અમદાવાદના સોમાશેઠનું એણે માત્ર નામ સાંભળેલું. ન કોઈ જાતની લેવડદેવડ કે અંગત સંબંધ. માત્ર વખત વિતાવવા ખોટી હુંડી લખી અને આ દરબાર તો હુંડીના નાણાં લઈ આવ્યો એ વિચારે સવા શેઠના આશ્ચર્યનો પાર ન રહ્યો. હજુ આ દરબારની વાણી પર એને વિશ્વાસ ન આવ્યો. 

“ત્યારે પૈસા બરાબર મળી ગયા?” 

“હા હા, મળી ગયા એટલું જ નહિ પણ આવતી કાલે તખુભા પોતે એ રકમ પાછી અહીં મૂકવા આવે છે.” 

“કેમ?” 

“એ તો માત્ર મારી પાસે એટલું નાણું છે કે નહિ ઈ એને નજરે જોવું હતું તે દેખાડી દીધું, હવે તમારે જ ઈ રકમ સાચવવાની છે.” 

અગરસંગની ઇચ્છા થઈ કે પેલા વણિકે ઈર્ષાભાવે પોતાને ઉશ્કેર્યો હતો એ વાત સવા શેઠને કહી દેવી, પણ હમણાં મૌન સેવવું એણે ઉચિત ધાર્યું. 

જ્યારે નાણાં પાછાં મૂકવાની વાત આવી ત્યારે સવા શેઠને ખાતરી થઈ કે હુંડી સ્વીકારાઈ ગઈ છે અને એની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. સોમચંદ શેઠને માટે એને અનહદ માન ઉત્પન્ન થયું. અને એનો બદલો શી રીતે વાળવો એના વિચારમાં એ પડ્યો. 

(૫) 

પાલીતાણાની યાત્રા કરીને વામનસ્થળીના સવા શેઠ અમદાવાદ આવે છે એ ખબર સાંભળી સોમચંદ શેઠ એના સામૈયાની તૈયારી કરી. ગામના શેઠિયાઓને બોલાવીને સવા શેઠનું સ્વાગત ભવ્ય બને એવી તજવીજ કરી અને એના ઉતારા માટે એક વિશાળ હવેલીમાં ગોઠવણ કરી. 

સવા શેઠ પાલીતાણાની યાત્રા નિમિત્તે વામનસ્થળીથી નીકળ્યો હતો પણ એનું મૂળ ધ્યેય તો અમદાવાદ જાતે જઈને સોમચંદ શેઠે પોતાની એક લાખ બાબાશાહી રૂપિયાની હુંડી એમને એમ સ્વીકારી હતી એનો બદલો વાલવાનું હતું. પોતા સાથે એમણે નાણાંની થેલીઓથી બે વેલડી ભરી હતી. 

અમદાવાદ આવતાં સોમચંદ શેઠે સવા શેઠનું પ્રેમભર્યું સ્વાગત કર્યું. મુશ્કેલીના વખતમાં પોતાની આબરૂ બચાવનાર આ ખાનદાન અમદાવાદી શેઠિઆને જોઈ સવા શેઠની આંખમાં આભાર અને હર્ષ મિશ્રિત આંસુઓ આવ્યાં. 

સોરઠના લક્ષાધિપતિને છાજે તેવું સન્માન અમદાવાદે સવા શેઠનું કર્યું. 

સરઘસ એક મોટે રસ્તે આવતાં સોમચંદ શેઠે પોતાની રહેવાની હવેલી સવા શેઠને બતાવી. 

“ચાલો ચાલો, આપને ત્યાં બે ઘડી વિસામો લઈ લઈએ.” એમ કહી સરઘસ થોભાવી સવા શેઠે સોમચંદ શેઠને ઘેર જવાની ઇચ્છા બતાવી. 

મહેમાનની ઇચ્છા મુજબ સોમચંદ શેઠ સવા શેઠને પોતાની હવેલીમાં તેડી ગયો. 

“મારે આપની સાથે થોડી ખાનગી વાત કરવી છે.” 

“શું છે? બોલો.” 

“મારી સાથે જે વેલડી છે તેમાંની બે વેલ અહીં ઉતારવાની છે.” 

“આપનો ઉતારો બીજે સ્થળે છે એટલે સઘળું ત્યાં જ જશે.” 

“બાકી બધું ભલે મારે ઉતારે જાય. પણ એ બે વેલડી તો અહીં જ ખાલી કરવી પડશે.” 

“એનું કંઈ કારણ?” 

“કારણ છે એટલે જ કહું છું.” 

“શું?” 

“એમાં આપે મારી એક લાખની બાબાશાહી હુંડી સ્વીકારી એના બદલામાં બે લાખ હું આપને આપવા લાવ્યો છું, એ નાણાંની થેલીઓ છે.” 

“બે લાખ બાબાશાહી?” 

“હા.” 

“પણ મારું આપના પાસે કંઈ લેણું જ નથી.” 

“આપે મારી હુંડી સ્વીકારી આપી છે એટલે આપે આ રકમ લેવી જ જોઈએ.” 

“હું કંઈ જાણતો નથી. મારા ચોપડામાં આપને ખાતે એક પણ પઈ નથી.” 

“એમ ન બને શેઠ. આપે મારા ઉપર જે ઉપકાર કર્યો છે એનો બદલો હું વાળવાને અસમર્થ છું.” 

“તમે શું કહો છો તે હું સમજતો નથી. મારા ચોપડામાં તમારે ખાતે નીકળતા હોત તો જરૂર લેત પણ ચોપડામાં એક પઈ પણ ઉધાર નથી.” 

બન્ને વચ્ચે રકઝક ચાલી. એક કહે મારે પૈસા આપવાના છે, બીજો કહે મારા લેણા નથી. નીચે સરઘસમાં આવેલા શેઠિઆઓ વાટ જોઈ જોઈને થાક્યા. આખરે તેમાંથી પાંચ જણા ઉપર આવ્યા. 

“શેઠજી પધારો, આપ બે મિત્રો વાતો કરવી હોય તો નિરાંતે કરજો, પણ હમણાં તો સરઘસમાં પધારો.” 

સવા શેઠે એ પાંચ શેઠિઆઓને બેસાડ્યા અને જણાવ્યું કે જ્યાં સુધી સોમચંદ શેઠ આ નાણાં ન સ્વીકારે ત્યાં સુધી પોતે આગળ નહિ વધે. “પણ મારા ચોપડામાં એમને ખાતે એક પઈ પણ ઉધાર ન હોય અને હું એમની આ રકમ શી રીતે લઈ શકું?” સોમચંદ શેઠે સ્પષ્ટ શબ્દોમાં શેઠિઆઓને સમજાવ્યા. શેઠિઆઓ પણ આ બન્ને વચ્ચેની રકઝક સાંભળી તાજુબ થયા. એક પૈસા આપવા ઇંતેજાર છે. બીજો પૈસા લેવા ના પાડે છે. એક કહે મારી હુંડી સ્વીકારી છે. બીજો કહે છે કે એમને નામે ચોપડામાં કંઈ નથી. 

આખરે આ વાતનો ચુકાદો આ પંચને સોંપાયો અને સરઘસ આગળ ચાલ્યું. અમદાવાદના પંચે શેઠના ચોપડા તપાસ્યા. પંચને ખાનદાનીમાં આ બન્ને શ્રેષ્ઠ લાગ્યા. પંચે એવો ચુકાદો આપ્યો કે આ નાણાંની રકમ બન્ને પક્ષ પોતા પાસે રાખવા ઇચ્છતો નથી તો જોઈતી રકમ ઉમેરીને બન્નેની સેવા તરીકે પાલીતાણાના પવિત્ર ગિરિ પર બન્નેના નામની ટુંક બાંધવી. એ પ્રમાણે એ બે લાખ બાબાશાહી તથા બીજા વધુ જોઈતાં નાણાં એ બન્ને શ્રીમંતો પાસેથી લઈ પંચે પાલીતાણાના યાત્રા સ્થળમાં ટુંક બંધાવી અને આજે એ ટુંક ‘સવા સોમા’ની ટુંક તરીકે અમદાવાદ અને વંથળીના એ પ્રામાણિક અને ખાનદાન જૈનોનાં મીઠાં સંભારણાં યાદ કરાવે છે.

(પાલીતાણાના શેત્રુંજય પર્વત પર આવેલી સવા સોમાની ટુંક સૌથી મોટી ટુંક છે અને તેના પર આવેલું આદિનાથ દાદાનું મંદિર સૌથી ઊંચું મંદિર છે.)

લેખકઃ ગોકુળદાસ રાયચુરા
આભાર – વિરમદેવસિંહ પઢેરિયા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!