બાપ બેટાનો બેલાડ પાળીયો

પરાક્રમી બાપ-બેટાએ પ્રતિષ્ઠાનો જંગ ખેલ્યો

શ્રી માંડવરાયજી દાદાની મહેરથી મુળીના પરમાર રાજપુતો નેકી – ટેકી સાથે મુળી ચોવીસીનું રાજ મુળી ઠાકોર સાહેબ વખતસિંહજી પ્રજાપાલન અને પશુપાલન સાથે રૂડી રીતે નિભાવી રહ્યાં હતાં. પહેલાના રજવાડાના સમયમાં રાજા વિદ્વાન પંડિતો, શુરવીર યોધ્ધાઓ, સમૃદ્ધ વેપારીઓ તથા વિશિષ્ટ કળા કૌશલય ધરાવતા કારીગરો, લોકકલાકારોને પોતાના રાજ્યની વૃદ્ધિના હિતાર્થે નિમંત્રીને જમીન- જાગીર તથા વિશેષાધિકાર આપી વસાવતા હતા. મોરી શાખાના રાજપૂતોને સોળ સાંતી જમીન આપીને પોતાની પાસે જ વસાવ્યા હતા. જેથી મોરી અને પરમારોનો સ્નેહદિન પ્રતિદિન વધી રહ્યો હતો. મુળી ઠાકોરને ઉગમણું વઢવાણ, આથમણું ચોટીલા અને ઓતરાદા થાન વિસ્તારની જાગીર લખત્તર ઠાકોરની.

આ ત્રણેય દિશાના રજવાડા સાથે મિત્રતાના સંબંધ પહેલેથી રહેતા હોવાને કારણે એ દિશા તરફની કોઇ ચિંતા રહેતી નહિં, એ સમયે મુળી ઠાકોર પાસે બગલાની પાંખ જેવા ધોળા બળદની જોડી હતી. ત્રિશુળના ડાબા જમણા ફણા જેવા શિંગડાધારી તથા ધોળી મખમલી ઝુલ હંમેશા પીઠ પર શોભે છે અને શંકરના પોઠીયા જેવી ખુંધ વાળા જાણે વિશ્વકર્માએ પોતાના હાથોરસ પાણથી ધડયા ન હોય ? એવા રૂપાળા બળદની જોડને વેલડામાં જોડી હોય ત્યારે જોનારા લોકોની નજરૂ બળદ સામે ચોંટી રહેતી અને પુરી ચોવીસીમા વખાણ થતા કે બળદતો કાંઇક જોયા પણ મુળી ઠાકોર જેવા બળદોની જોડ હજુ જોવામાં આવી નથી.

મુળીથી દક્ષિણ દિશા તરફ જતા પહેલું ગામ સિદસર આવે સિદસરની સીમમાં મુળીથી યુવાન જીવુભા મોરી સાંતી લઇને વહેલી સવારે ખેતર ગયા હતા. બપોરનો સમય થતા એમનાં બાપુ જેઠુભા ઘોડીપર સવાર થઇને દિકરાનું ભાત લઇને સિદસરની સીમ બાજુના ખેતરે ગયા ત્યારે જીવુભા સામા સેઢે સાંતી હાંકતા હતાં. ઉંચો હાથ કરીને જેઠુભાએ કહ્યું કે સાંતીનો આંટો વળીને આવું છું.

જેઠુભાએ ઘોડીને લીંબડાના છાંયે બાંધી ત્યાં જીવુભાએ આવીને બાપુને જયમાતાજી કહી પુછ્યું બાપુ આપે શું કામ આંટો કર્યો ? બીજા કોઇની હારે ભાત મોકલી દેવું હતુને, જેઠુભા કહે, મનેય ક્યાં ડાયરામાંથી સમો મળે છે ? પણ ઘણા દિ’થી આ દશની સીમ જોઇ નહતી એટલે થયું કે ચાલો ભાત લઇને જવ અને સિમમાં નજર કરતો આવું. જીવુભાએ સાંતી સાથે બાંધેલી માટીની ભંભલીમાંથી પાણી બાપુને આપ્યું અને પોતે પણ પીધું અને બળદની કાંધેથી જોહરૂ ઉતારી બળદને વિહામો ખાવા લીંબડા હેઠે બાંધી રાખ્યા.

હજી ભાત છોડવાની તૈયારી કરે ત્યાં પાછળ મુળીના મારગેથી ધુળની ડમરી ઉડતી આવતી દેખાણી નજીક આવતા જોયું તો બળદની જોડભાલાની અણીએ હાંકતા ઘોડેસવારો જોયાં. જેમ – જેમ નજીક આવતા ગયા એમ પાછળ ઉડતી ધુળમાં આગવ ઉતાવળે ખદતા બળદ ઓળખાણા કે આતો મુળી ઠાકોરના બળદ !

પણ આમ કાંઇ હંકાય ? પાછળ ભાલાવાળા સવારોને જોતા જવુભા સમજી ગયા. સામે દોડીને હાથ ઊંચા કરી પડકાર્યા અને કહ્યું કે મુળી ઠાકોરના બળદોને આમ હાંકીને ક્યાં લઇ જાવ છો ? ઘોડેસવારો કહે, બળદ હારે, મુળી ઠાકોરનું નામ પણ લઇ જઇ છીએ. જીવુભા કહે અમે બાપ-દિકરાનો ભેટો થયા પછી જો બળદ જવા દઇએ તો પહેલું અમારૂ નાક જાય. મરદનાં દિકરા હોય તો ઉભા રહો સામે ઘોડેસવારોએ પણ કીધું કે પાણીવાળા હોય તો વાંહે આવજો કહેતા આગળ વેગથી બળદ અને ઘોડાને હાંકવા લાગ્યા.

જીવુભા દોડતા આવી બાપુને કહે, બાપુ ઠાકોરનાં બળદ હાંકીને જાય છે. જેઠુભાને દાઢીમાં ધોળા આવી ગયા હતા. વાત સમજતાવાર ન લાગી અને મુળીના પરમારોના સાથેનો નાતો માથા સાટે પણ નિભાવવાનો વખત આવી ગયો સમજી ઘોડીએ પલાણ થયા. ભાત દેવા માટે આવ્યા હતા. તેથી ધીંગાણામાં કામ આવે એવાં હથિયાર હારે લીધા ન હતા. જીવુભાએ સાતિના રપટાતી રાંપ કાઢી અને સાતિ સાથે બાંધેલી કુહાડી છંડતી.જેઠુભાને હાકલો માર્યો કે ઘોડી પાછળ બેલાડ ચડી જા. પાછળ જીવુભા ઘોડીપર સવાર થઇ ગયા ઘોડીને એડી મારી. બળદીયા લઇ જનારા વાહેં ઘોડીને વે’તી કરી.

જોત – જોતામાં જાતવાન ઘોડીએ આગળ જતા સવારો સાથે ભેટો કરાવી દીધો. પાહેં પહોંચતાજ પાછળ બેઠેલ જીવુભા એ ઠેક મારીને નીચે ઉતરી બળદિયાના નાથ-મોરડા પકડી લીધા. બળદનાં મોઢા દખણથી ઉત્તર દિશા તરફ મુળીના માર્ગે વાળી દીધા અને વીજળી જેવી રાંપ લઇ થાજો માટી કહી બે હાથથી રાપ સમણવા લાગ્યાં. જીવુભા જમીન પર અને જેઠુભા ઘોડી પર મરણિયા થઇને લડી રહ્યાં હતાં. સામેના પક્ષે મુળીના ઠાકોરના બળદ લઇ જઇ નાક વાઢવાનું સપનું ભારે પડી રહ્યું હતું.

જમીનથી ઘસાઇને વીજળી જેવી થઇ ગયેલ ચમકતી રાંપનાં સમકારા બોલતા હતા. પાંહે જવાની કોઇની હિંમત ન હતી. હવે ભાગે ઇ ભડનો દીકરો કહી જતા – જતા, છુટા ભાલાનો ઘા જીવુભાની પીઠ પર કર્યો ભાલાનો ઘા વદી ગયો પણ રાંપના ટેકે જીવુભા ઊભા રહી ગયા. ઘોડે સવારોનાં ઘોડાએ એમની વાટ લીધી જેઠુભા ઘોડેથી નીચે ઉતરવા જતા હતા.

ત્યાં જીવુભાએ કહ્યું બાપુ ઉતરશો નહીં તમે બળદને મુળી ભેગા કરી દો. હું રહું કે ન રહું પણ માંડવરાયજીએ આપણું નાક રાખી દીધું છે. જય માતાજી બોલતા જીવુભા રાંપનો ટેકો છોડી નીચે ભોય પર પડી ગયા. પ્રાચીન દુહાની સાર્થકતાની પ્રતિતી અત્રે આ પ્રસંગ પરથી થાય છે.

‘પાણી મત જાજો પાવળુ , લોહી ભલે જાયે લખ,
કાયા જાજો અમારી સામટી પણ નાક મ જાજો નખ્ખ.’

આ બાજુ જેઠુભાને પણ પેટના પડખામાં ઘા વદી ગયા હતા. એમણે પાઘડીના બુકાનેથી ખેસ છોડી પેટ પર ભેટની જેમ કઠણ વિંટાળી દીધો. બળદને આગળ કરી વાહેં ઘોડી હાંકી મુળીની બજારે લોહી લુહાણ હાલતે નિકળતા બજાર ઉભી થઇ ગઇ. માંડવરાયજીનાં મંદિરે આવતાં જ દ્રશ્ય જોતા જ પરમાર ડાયરો ઉભો થઇ ગયો. જેઠુભા ઘોડીની નીચે ઉતરતા લથડીયું આવતાં પડે ઇ પહેલાં મુળી ઠાકોરે બથમાં લઇ લીધા. કણસતા અવાજે કહ્યું માંડવરાયજીએ આપણું નાક રાખ્યું છે.

કણસતા કંઠે ટૂંકમાં વિગતે વાત કરી કહ્યું બાપુ મારો દિકરો સિધ્ધસરને મારગે રણ પડયો છે. હું બળદ પુગાડવા સાટુ જ આવ્યો છું. એમ કહેતાં જ ભેટ છોડતાં જય માતાજી કહી જેઠુભાએ પ્રાણ છોડી દીધા. મુળી ડાયરાનાં મુખેથી શબ્દ સરી પડયો રંગ રજપુત, મુળી ઠાકોરે જે વિશ્વાસથી જમીન જાગીર આપીને વસાવ્યા હતા તેનું ઋણ બાપ દિકરાએ પોતાના પ્રાણ અર્પણ કરીને પણ રણમાં વટ રાખી દીધો.

‘રાખ્યો હોય જેણે હેતથી, અદેકરા દિધા હોય માન,
ગુણલા એના ન ભૂલીએ (ભલે) દેવા પડે પંડના પ્રાણ.’

જેનાં બદલામાં મુળી ઠાકોરે એમનાં વારસદારોને બીજી રણવટનાં બદલામાં જમીન ભેટ આપી. રાજપૂતોની મર્દાનગીની યાદી કાયમ રાખી અને મુળી માંડવરાયજીના મંદિરના ઉગમણા દ્વારે પહેલા પગથિયાની ઉત્તર દીશા બાજુ આજે પણ જીવુભા અને જેઠાભા મોરીનાં પાળીયા એક જ ઘોડીપર રણવટે બાપ દિકરો બંને ચડેલ હતા.

એજ આકૃતિનો પાળિયો દ્રશ્યમાન થાય છે અને સિધ્ધસરની સીમમાં જ્યાં જીવુભા રણનીવાટે પડયા હતા ત્યાં એમની ખાંભી આજે પણ પુજાય છે. મોરી પરિવાર માંડવરાયજીના દર્શન સાથે સુરાપુરાની ખાંભીને નમન કરવા આવતાં રહે છે અને ધુળેટીના દિવસે માંડવરાયજીદાદાના મંદિર પર મોરી પરિવારની બાવનગજની ધજા ચડે છે અને ઘંઉના ખીચડાનો પ્રસાદ ધરાવવામાં આવે છે.

આ પ્રસંગની નોંધ રાજસ્થાનના ભીલવાડા જીલ્લાનાં રાયપુરના બારોટજીના પુરાતન ચોપડે નોંધાયેલ જોવા મળે છે.

‘નહીં નિંદા, નહી ચુગલી, નહીં વ્યભિચારે કે ચોરી,
પણ સમર્પણ કાજ સરજીયા, મૂળ આદિના મોરી’

ધરતીનો ધબકાર – દોલત ભટ્ટ
સાભાર – વિરમદેવસિંહ પઢેરિયા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!