મિત્રતા ખાતર ખપી જનાર જવાંમર્દ હમીદખાન

હમીદખાન મૂળ પેશાવરનો, પણ રાણપુરમાં સૌ સિપાઈઓનો જમાદાર. ઊંચું પડછંદ શરીર, ઘાટાં દાઢી-મૂઢ, ઉફરી થયેલી મોટી આંખો, ગોળમટોળ કાંડાં અને હૈયાનો સાબૂત આદમી. અળાઉના ધણી લુણવીર ખાચરનો દિલોજાન મિત્ર…વાર-તહેવારનો આવરો-જાવરો વધીને, પછી તો રોજનો બન્યો. હમીદખાન રાણપુરથી અળાઉ આવે. ડાયરો જામે. બપોરે છાશું પિવાય. આખો દિવસ સુવાણ્ય થાય અને બંને ભાઈબંધો સાંજે જુદા પડે. વળતો સૂરજ ઊગે અને રાણપુરને માર્ગે ધૂળની ખેપટ ઊડતી દેખાય. એટલે અળાઉનું નાનું છોકરું પણ બોલી ઊઠે કે હમીદખાનનો ઘોડો આવે છે.

બંને આદમીઓની ભાઈબંધી પાંગરીને ઘટાટોપ થઈ છે. કસોટીનો કરવત હજી મંડાયો નથી, એટલે લોકોમાં ક્યારેક વાતો થાય છે કે એકાદ વાર પારખાં થાય તો ખબર પડે. ફટકિયાં હશે, તો ફૂટી જાશે. અને એ પળ પણ આવીને ઊભી રહી.

ખસથી ધંધૂકા સુધી જેની આણ પ્રવર્તતી હતી અને ભાલ આખો કબજે કરીને બેઠેલો એવો બીજલ ખસિયો એક દિવસ અળાઉ ગામના લૂણવીર ખાચરનો મહેમાન બન્યો. બહોળો ગિરાસ અને બળિયો માણસ. પોતાને આંગણે પરોણો બન્યો, એટલે લૂણવીર ખાચરે એની ઓહોની મહેમાનગતિ કરી… વાતમાંથી વાત નીકળતાં હળવે રહીને બીજલ ખસિયાએ લૂણવીર ખાચર આગળ પ્રસ્તાવ મૂક્યો કે અમારી એક દીકરીનું પાણિગ્રહણ કરો, તો મને નિરાંત થાય.

‘શું કીધું?’ બીજલની અણધારી અને અણકલ્પી વાત સાંભળીને લૂણવીર ખાચર હબક્યા!
‘જુઓ ખાચરભાઈ! સોનામાં સુગંધ ભેળવવાની આ વાત છે. અમારી દીકરી અળાઉના ગઢમાં આવે, એટલે આપણે વહાલાં સગાં બનીએ અને પછી તો મારી અને તમારી તાકાતનો સરવાળો થાય. તમારો ગિરાસ પછેડીમાંથી પહોળો થઈને બૂંગણ બને. લગ્ન-વહેવાર શરૂ કરો.’

‘લગ્ન-વહેવાર તો અમારે મામા કે ફૂઈને ત્યાં થાય.’ લૂણવીર ખાચરના ચહેરા ઉપર તમતમાટ આવી ગયો : ‘માટે બીજલ ખસિયા! તમે અમારા માટે આમાંથી કાંઈ નથી.’
‘નથી તો શું? હવે થાશે… અમારી દીકરીને સ્વીકારો એટલે હું તમારો મામો થાઉં.’
‘એવા મામા અમને ન ખપે, બીજલભાઈ!’ દરબારે પરખાવી દીધું!

‘સાંભળો લૂણવીર ખાચર!’ બીજલ ખસિયાએ ગોઠણ પર હાથ પછાડ્યો : ‘મારી પાસે હામ, દામ અને ઠામ છે. પાંચસો માણસોની ફોજ છે. ખસથી ધંધૂકા સુધીની ધરતીનો હું ધણી છું. મારી હૂંફ તમને મળશે, તો તમારું અળાઉ ગામ રાજધાની થાશે. તમે માગો એટલાં ગામડાં અમારી દીકરીને હું કાપડામાં દઉં.’

‘વાત કરો મા, બીજલભાઈ!’ લૂણવીર ખાચરે વટ દેખાડ્યો. ‘એવાં ગામડાં કે ગિરાસ માટે એવાં વટાળપણાં ન ખપે.’
‘તો ના પાડો છો?’
‘હા, અમારી ચોખ્ખી ના છે.’

‘લૂણવીર ખાચર!’ લખમી ચાંલ્લો કરવા આવી છે. કપાળ ધોવા ન જવાય.’
‘એવી લખમી કે એવો ચાંલ્લો તમને અખિયાતાં, બીજલભાઈ! સુવાણ્યની બીજી વાત કરો. આપણા વચ્ચે વરવાપર ન બને.’

‘લૂણવીર ખાચર!’ બીજલ ખસિયાએ હુંકાર કર્યો : ‘મારું વેણ વાઢવા જતાં ધોળેદિવસે તારા દેખાઈ જાશે!’

‘તે તારાનેય જોઈ લેશું. બીજલ ખસિયા!’ લૂણવીર ખાચરે માથું ઊંચક્યું : ‘ગિરાસદારે બધું જોઈ મૂક્યું હોય.’

‘હું અળાઉને ધમરોળી નાખીને મીઠું વાવીશ.’ બીજલ ઊભો થઈ ગયો : ‘મારી સામે આવનારના હાલહવાલ થઈ જાય છે.’

‘બીજલ ખસિયા! હું પણ ક્ષત્રિયબચ્ચો છું.’ લૂણવીર ખાચરના હોઠ થથર્યા : ‘તલવાર બાંધું છું, કાંઈ પાંચીકે નથી રમતો. તમારે મન પડે તે દી’ ખુશીથી હાલ્યા આવવું. પાણીનો કળશો ભરીને ઊભો રહીશ.’

‘અળાઉ જો ખેદાન-મેદાન થાય, તો સમજવું કે બીજલ આવ્યો’તો.’ કહીને બીજલ ખસિયા પછડાતે ડાબલે ઘોડા હાંકી ગયો…!

બીજલ ખસિયા સાથે અળાઉ ગામને વેર બંધાયું છે એવી વાત સાંભળતાં સોપો પડી ગયો આસપાસનાં ગામડાંમાં!

બીજલ ખસિયો એટલે સળગતી હુતાશણી! કારણ કે અકારણે એની ટોળી ત્રાટકતી અને આખા પંથકને ધમરોળી નાખતી. નાનાં રજવાડાં અને ઠકરાતો બીજલ ખસિયાને ‘પાળ’ ભરતાં. બીજલની પાંચશેરી ભારે ગણાતી… બીજલને કોઈ વતાવતા નહીં, પછી વેર બાંધવાની તો ક્યાં વાત?

અળાઉ ગામમાં પણ સોપો પડી ગયો!

વળતા દિવસે રાણપુરથી હમીદખાન લૂણવીર ખાચરની ચોપાટે આવ્યા, ત્યારે ડાયરો ઝાંખોઝપટ ભાસ્યો. રોજનો ઉલ્લાસ અને આનંદ અલોપ હતાં. ડાહ્યા માણસો ચહેરા પરની કાળપને સંતાડીને બેઠા હતા.

ડહાપણ અને ચતુરાઈનો ધણી એવો હમીદખાન, પળ બે પળમાં દરબાર ડાયરાની ઝાંખપને પામી ગયો.

હમીદખાને ઘણી પૂછપરછ કરી છતાં ખાનદાન માણસોએ વાતને સંતાડી રાખી કે : ‘ખાલી સુવાણ્ય કરવા આવનાર આ પરદેશી મહેમાનને સળગતી ચેહમાં શીદને ઓરવો?’

‘જો તમે વાત ન કરો, તો અત્યારથી મારે અળાઉ ગામનું પાણી હરામ છે.’ હમીદખાને હઠ કરી.

ભાઈબંધના મોંને બંધ કરવા માટે લૂણવીર ખાચરનો મૌનપણે હાથ ઊંચો થયો, પણ હરફ ન નીકળ્યો : ‘તમને વાત થાય એમ નથી, ખાન!’

‘મને આઘો ગણ્યો, દરબાર?’

‘ના બાપ!’ દરબાર બોલ્યા : ‘તમે આઘા શાના, હમીદખાન? તમે તો મારા ગળાનું હાડકું!’

‘હમીદખાન! ખાચર ડાયરો નૈં બોલે.’ ડાયરામાં બેઠેલ એક બારોટે ફોડ પાડ્યો : ‘વાત એમ છે કે ધંધૂકાનો બીજલ ખસિયો અળાઉને ધમરોળવાની ધમકી દઈ ગયો છે.’

‘તો એમાં મૂંઝવણ શાની, ભાઈ!’ હમીદખાન શાંતિથી બોલ્યો : ‘આપણે બીજલનાં સામૈયા કરશું, રૂડી રીતે… અત્યારથી અળાઉના લૂણવીર ખાચરની અને રાણપુરના હમીદખાનની આબરૂ એક જ ઠામમાં સમજો. બીજલનો પગ તો અળાઉમાં, હમીદખાનની મૈયત ઉપર જ મુકાય, વરના કભી નહીં.’

અને ડાયરો સૌ વેંતમાં રહ્યો. રાતવરત હમીદખાનનો ઘોડો અળાઉને ગોંદરે આંટો મારી જાય છે. પાંચાળમાંથી ડાયરો પણ અળાઉ આંટોવીંટો રાખે છે.

દિવસો વહ્યા. બીજલ ન દેખાયો. બીજલ ન દેખાયો, એટલે સૌને મૂછો ઊંચી થઈ કે બીજલ બણગાં ફૂંકીને પછી ફસકી ગયો છે…!

પણ બીજલના બાતમીદારો અળાઉની હલચલની રજેરજ માહિતી બીજલને પહોંચાડતા હતા.

‘સરદાર!’ એક દિવસ બાતમીદારોએ બીજલને ખુશખબર દીધા : ‘આજ અળાઉ ગામ રેઢું છે. લૂણવીર ખાચર અને ઠીમઠીમ ગણાતો કાઠીડાયરો પાંચાળમાં કોઈના કારજે ગયા છે. આવતાં-આવતાં આખો દિવસ નીકળી જાશે. માટે ચોંપ રાખો. અળાઉ ગામ આજ રેઢેપટ છે.’

અને રોળ્યકોળ્ય વેળાએ બીજલ ખસિયાનું દળકટક અળાઉને માથે ત્રાટક્યું… ગામની બજારોમાંથી રીડિયામણ કરતો બીજલ દરબારગઢની ડેલીએ આવ્યો.

‘સબૂર!’ લૂણવીર ખાચરની ડેલી આગળથી તોપના ગોળા જેવો એક પડકાર ઊઠ્યો : ‘રહી જા, બીજલ ખસિયા, હું હમીદખાન!’

બીજલે જોયું તો રાણપુરનો હમીદખાન પચાસ-સાઠ કાઠીઓ સાથે, દરબારગઢની ડેલીએ ઊભો હતો, અને ત્યાં તો હમીદખાને ગોઠવેલા વ્યૂહ પ્રમાણે દરબારગઢના કોઠા ઉપરથી ત્રાંબાળું ગગડ્યો… અળાઉ ગામનો ટીડો ઢોલી ગામની આબરૂ રાખવા કોઠા ઉપર ચઢીને તરઘાયો ઝીંકવા માંડ્યો. જોતજોતામાં અળાઉનું જણબચ્ચું હાથમાં આવ્યું હથિયાર લઈને લૂંટારાઓની સામે ઊભરી નીકળ્યું…!

‘હમીદખાન!’ બીજલ ત્રાડ્યો : ‘હઠી જા, મારે તારી સામે વેર નથી…’

‘તારે નહીં હોય બીજલ!’ બાકી મારે તો તારી સામે જ વેર છે… તું આ જ રેઢા ગામ ઉપર આવ્યો? પણ શબ્દો ખર્ચવાનો આ વખત નથી. બીજલ!’ હમીદખાન ગર્જ્યો : ‘ઉપાડ્ય હથિયાર! તનેય આજે પેશાવરનું પાણી ચખાડું…!’

‘હમીદખાન! પેશાવર છેટું થાશે… તારા વડવાનું કબ્રસ્તાન અહીં નથી.’ બીજલ આગળ આવ્યો.

‘મેં લૂણવીર ખાચરનું લૂણ ખાધું છે, બીજલ! ઇસ્લામનો બચ્ચો લૂણહરામી થાય તો એની કબર લાજે.’

અને અળાઉની શેરીઓમાં રણાંગણ મંડાયું. બીજલ અને હમીદખાન સામસામે ઘોડા ઉછાળતા હતા. એ વેળા લાગ જોઈને બીજલનો ટોળી સરદાર ઝીણો ખસિયો, લૂણવીર ખાચરના ગઢમાં ત્રાટકવા માટે ગઢને કોઠે આવ્યો અને ગડક બારીમાંથી અંદર દાખલ થયો!

કોઠા માથે ઢોલ ધ્રૂબકાવતો ટીડો ઢોલી, ઝીણાને જોઈ ગયો. પળનાય વિલંબ વગર, વગર હથિયારના ટીડાએ નિર્ણય લઈ લીધો. ઢોલ સોતો ઊછળીને એણે ઝીણાનું માથું નિશાનમાં લીધું અને ડુંગર ઉપરથી પથ્થરો પડે એમ ટીડો ઢોલી ઝીણા ખસિયાના માથા પર ત્રાટક્યો. વીસ હાથ ઊંચા કોઠા પરથી સાડા ત્રણ મણનો પ્રહાર ઝીણાના માથા પર થયો… ઝીણાનું માથું છત્રીસ પાંસળીઓનો કડૂસલો કરીને ઝીણાના પેટમાં પેસી ગયું…!

બીજલ સામે હમીદખાન અને ગામડુએ મરણિયો જંગ ખેલ્યો. બીજલ જીવ લઈને નાઠો…!

આથમતા સૂરજના કેસરી રંગમાં ભાગેડુ બનેલા લૂંટારાની પાછલા પગની ધૂળની ડમરીઓ આકાશને અડી.

સેંથળીના સીમાડા સુધી ભાગેડુ બીજલની પીઠ પાછળ વળી પાછો પડછંદ પડકારો ઊઠ્યો… ‘સબૂર!’

બીજલે જોયું તો ઘોડો ઉછાળતો કાળજાળ હમીદખાન પગલાં દબાવતો આવતો હતો. હમીદખાનનો કસાયેલો ઘોડો ઊછળી-ઊછળીને બીજલના આદમીઓની કચૂંબર કાઢતો હતો.

બીજલે પ્રથમ વાર જ જાનવરને ધીંગાણું ખેલતું જોયું…! બીજલના હાંજા ગગડ્યા… પોતાના ઘોડાને પ્રથમ તો ભાગેડુ કરીને આંટી મારી. હમીદખાન થોડો આગળ નીકળ્યો કે પાછળથી બીજલ ખસિયાએ હમીદખાનના જમણા પડખામાં ભાલો ઉતારી દીધો…!

હમીદખાનનું જમણું ફેફ્સું વીંધાઈ ગયું. લોહીના પરપોટા ઊઠ્યા. હમીદખાને પછેડી સંકેલીને ફેફસું કચકચાવીને બાંધ્યું, ત્યાં સુધીમાં તો બીજલ અને એની ટોળી ભાગી છૂટ્યાં હતાં.

હમીદખાન વિજયને ચમકાવતો અળાઉ પાછો આવ્યો, ત્યારે લૂણવીર ખાચર બહારગામથી મારતે ઘોડે આવી પૂગ્યા હતા. સૌપ્રથમ એણે ટીડા ઢોલીને પોતાને હાથે પાણી પાઈને ગત્યે કર્યો : ‘તેં તો ટીડા, એક દુશ્મનને રોકીને ગામનું નામ ઉજાળ્યું, ભાઈ! તારી હું ખાંભી માંડીશ. તારા જીવને ગત્યે કરજે.’

અને લૂણવીર ખાચરે ગામને ઝાંપે આવીને ગામેડુને શાબાશી આપી અને હમીદખાનની શોધ કરી.

હમીદખાન જમીન પર પલાંઠી વાળીને પીડાને થામતા શાંત બેઠા હતા. લૂણવીર ખાચરે હમીદખાન તરફ દોટ દીધી : ‘ઓહોહો! મારો જિગર, મારો આધાર! હમીદખાન ધન છે તારી જનેતાને!’ અને હર્ષના આવેશમાં લૂણવીર ખાચરે હમીદખાનને બાથમાં લીધો. ભીંશ્યો અને એ સાથે હમીદખાને બાંધેલી પછેડી છૂટી ગઈ. લોહીનો એક ફુવારો છૂટ્યો અને હમીદખાન લથડ્યો.

‘હવે અલ્લાબેલી, લૂણવીર ખાચર.’ મૃત્યુના મુખમાં હોમાતા હમીદખાને મિત્ર સામે હાથ જોડ્યા.

‘શત્રુને ભગાડ્યો છે. ગામની આબરૂ રાખી છે અને આપણી ભાઈબંધીને ઊજળી કરી છે. ખાચર! ખુદા હાફીઝ…ખુદા…’

અને હમીદખાને દેહ છોડ્યો.

માજણ્યા ભાઈના મરણ વેળા મૂકે એવી મરણપોક લૂણવીર ખાચરે હમીદખાન માટે મૂકી. ગામેડુ પાદર દોડી આવ્યું.

પોતાના મિત્રની ઇજ્જત રાખવા માટે હસતા મોઢે ચાર-ચાર કલાક સુધી મોતને મુઠ્ઠીમાં પકડી રાખનાર જવાંમર્દ હમીદખાનની મૈયતને સૌએ હાથ જોડીને માન આપ્યું.

દરબાર લૂણવીર ખાચરે અળાઉમાંથી એકસરખા યુવાન એવા પચાસ ખાંધિયા તૈયાર કર્યાં : ‘હમીદખાનનો જનાજો પેશાવર પોગાડવો છે. વારાફરતી તમે બદલતા રહેજો. બાકી પેશાવર સુધી હું હમીદખાનને એકલો ખાંધી આપીશ.’

અને અળાઉથી પેશાવર સુધી ખાંધિયા બદલ્યા કર્યા. લૂણવીર ખાચરે ખાંધ ન બદલી. જનાજો જે જે ગામ ખોટી થયો. તે-તે ગામ લૂણવીર ખાચરે હમીદખાનની યાદમાં દરગાહો બંધાવી ઋણ ચૂકવ્યું.

* * *

નોંધ : અળાઉને પાદર હાલ પણ હમીદખાનની દરગાહ છે. ટીડાની ખાંભી છે. હમીદખાનની બીજી દરગાહ ભાંભણ ગામને પાદર પણ છે. ‘હમીદખાન દાતાર’ની દરગાહના ગુજારા માટે લૂણવીર ખાચરે બસો વીઘાં જમીન આપી છે. એના મુંજાવર ભોગવટો કરે છે અને દરગાહની પૂજા કરે છે. ગામલોકો દરગાહની માનતા માને છે. વરઘોડિયાંને દર્શન કરવા જવું પડે છે!

લેખક- નાનાભાઈ જેબલિયા

સાભાર – વિરમદેવસિંહ પઢેરિયા

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!