સૌરાષ્ટ્ર અને તેની સાથે જોડાયેલા પ્રાચીન પરગણાંઓ -1

ભારતવર્ષના આંગણે આઝાદીનું સુવર્ણ પ્રભાત ઊગ્યું તે પહેલાની આ વાત છે. સૌરાષ્ટ્રમાં એ સમયે ૨૨૨ જેટલા નાના મોટા રાજ્યો, રિયાસતો અને રજવાડાં હતાં. સરદાર પટેલની રાહબરી નીચે ૧૫ જાન્યુઆરી ૧૯૪૮માં તેના એકીકરણની શરુઆત કરવામાં આવી અને ૧૫ એપ્રિલ ૧૯૪૮ના સૌરાષ્ટ્રના આ રાજ્યોનું એકમ થયું. એને ‘બ’ વર્ગના રાજ્યની કક્ષામાં મૂકવામાં આવ્યું. એ વખતે સૌરાષ્ટ્રમાં મધ્ય સૌરાષ્ટ્ર, ઝાલાવાડ, હાલાર, સોરઠ અને ગોહિલવાડ એમ પાંચ જિલ્લાઓ દ્વારા તેનો વહીવટ ચાલતો. એ સમયે સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ હતું. ત્યારબાદ સૌરાષ્ટ્ર રાજ્ય બૃહદ્ મુંબઈ રાજ્યમાં ભળી ગયું અને ૧૯૬૦માં આજનું ગુજરાત અસ્તિત્વમાં આવ્યું. દેશી રજવાડાઓના સમયમાં સૌરાષ્ટ્રના જુદા જુદા વિભાગો, પ્રદેશો, પરગણાં કે પંથકોના નામથી જાણીતા હતા. આજે તો એ બધાં જ પરગણા ને પંથકો કાળની કંદરામાં લુપ્ત થઈ ગયા છે, પણ લોકકંઠે અને ઇતિહાસના પાના પર પલાંઠી મારીને બેઠા છે. અહીં આજે મારે વાત માંડવી છે સૌરાષ્ટ્ર અને તેની સાથે જોડાયેલા પ્રાચીન પરગણાંઓની. ‘પરગણું’ એ ફારસી શબ્દ છે એનો અર્થ થાય છે જિલ્લા કે રાજ્યનો એક નાનો વિભાગ. એના શ્રીગણેશ માંડીએ સૌરાષ્ટ્રથી.

સૌરાષ્ટ્ર ઃ

સૌરાષ્ટ્રનો અર્થ સુ (સારો) + રાષ્ટ્ર (દેશ) સુરાષ્ટ્ર એટલે કે સુંદર દેશ એવો થાય છે. આર્યાવર્તનો આ ઐતિહાસિક પ્રદેશ આનર્ત, સુરાષ્ટ્ર, સ્વરાહા, સુરોસ્થસ, ઓરેતુર, સુરાષ્ટ્રેણ, સુરઠ, સોરઠ કે કાઠિયાવાડના નામે જૂના કાળથી ઓળખાય છે. ભગવદ્ ગોમંડલ અનુસાર યજુર્વેદની મધ્યાંદિની શાખાની સંહિતામાં મહર્ષિ યાજ્ઞાવલ્કયે સૌરાષ્ટ્ર દેશનો નિર્દેશ કર્યો છે. પુરાણોમાંથી મળતી માહિતી મુજબ સાતમા મનુ વૈવસ્વતના પુત્ર શર્યાતિના પુત્ર આનર્તે આ રાષ્ટ્રની સ્થાપના કરી તેનું નામ આનર્ત રાખ્યું હોવાનું કહેવાય છે. એનું મુખ્ય નગર કુશાવતી હતું. હરિવંશના ઉલ્લેખ અનુસાર આનર્ત રાષ્ટ્ર બે ભાગમાં વહેંચાયેલું હતું. ૧. સૌરાષ્ટ્ર અને ૨. અનૂપ. તેનું મુખ્ય શહેર ગિરિપુર હતું. સૌરાષ્ટ્રનો ઉંચામાં ઉંચો પર્વત ગિરનાર છે તેના પરથી આપણે અનુમાન કરી શકીએ કે આનર્ત રાષ્ટ્રના મુખ્ય શહેર ગિરિનગર જેવું કોઈ શહેર હાલના જૂનાગઢની નજીકમાં હોવું જોઈએ.

સુરાષ્ટ્ર અથવા સૌરાષ્ટ્રના ઉલ્લેખો ઘણાં જૂના લખાણોમાં મળે છે. મહાભારત અને પાણિનીના ગણપાઠમાં સુરાષ્ટ્ર નામ છે. એ જ નામ વિ.સં. ૨૦૬ના રુદ્રદામા તેમજ વિ.સં. ૪૯૨ના સ્કંદગુપ્તના શિલાલેખોમાં તથા વલ્લભીના તામ્રપત્રોમાં મળે છે. સૌરાષ્ટ્ર પ્રદેશનો પરદેશીઓમાં પહેલો ઉલ્લેખ સં. ૬થી ૭૬માં સ્ટ્રેબોએ ‘સુરોસ્થસ’ નામથી અને સં. ૧૨૬માં પ્લીનીએ ‘આરેતુરા’ નામથી કર્યો છે. ઇજીપ્તના પ્રાચીન ભૂગોળશાસ્ત્રી ટાલેમી અને ગ્રીક લેખક પેરિપ્લસ (સં. ૨૯૬) આ પ્રદેશને ‘સુરાષ્ટ્રેણ’ તરીકે ઓળખાવે છે. ગિરનાર પાસેના એક સુપ્રસિદ્ધ ખડક ઉપર અશોકના શિલાલેખ સાથે મહાક્ષત્રપો રુદ્રદામાના સમયનો એક લેખ છે. તેમાં રુદ્રદામાએ પોતે મેળવેલા દેશોના નામમાં ‘આનર્ત’ અને ‘સુરાષ્ટ્ર’ બંને નામો મળે છે. તેથી ઇસુના પ્રારંભકાળમાં કાઠિયાવાડના ભૌગોલિક સીમાડામાં કેટલોક ફેરફાર થયો હશે એમ માનવું પડે છે.

આર્ય સંસ્કૃતિનો સમય જે ઇ.સ. પૂર્વે ૩૬૦૦નો ઠર્યો છે તે વખતે સિંધુ મુખ એટલે સૌરાષ્ટ્રની આજુબાજુ અનાર્યો વસતા અને સૌરાષ્ટ્રમાં આસુરી સંસ્કૃતિ ફેલાયેલી હતી એવું એક મંતવ્ય છે. ઋગ્વેદના પહેલા મંડળના ૧૩૩મા સુક્તમાં ‘સ્વરાટ’ શબ્દ મળે છે. તે સૌરાષ્ટ્ર હોવો જોઈએ. એ કાળે દૈત્ય, નાગ, દાનવ, દસ્યૂ એવા અસૂરોના પેટા પ્રકારો હતા તે સર્વે સૌરાષ્ટ્રમાં આવી જાય છે. બીજું પણ એવું એક વિધાન છે કે બે હજાર વર્ષ પહેલાં સૌરાષ્ટ્ર દ્વિપકલ્પ નહીં પણ ટાપુ હતો. કચ્છના રણની જગ્યાએ સમુદ્ર હતો. ભૂસ્તરશાસ્ત્રીઓ માને છે કે આખો સૌરાષ્ટ્ર દેશ એક કાળે બેટ હતો તેનો જે ભાગ અત્યારે ગુજરાત પ્રાંતની ખંડસ્થ ભૂમિ સાથે સંકળાયેલો છે ત્યાં પણ દરિયો હતો, જે ખંભાતના અખાતને કચ્છના અખાત સાથે સંયુક્ત કરતો અને સિંધુ નદીનું મુખ ખંભાતના અખાતને મળતું હતું. વઢવાણ અને ભાવનગર વચ્ચેની સડકનું ખોદકામ ચાલતું હતું ત્યારે ત્યાંથી વહાણનો કૂવા-થંભ નીકળી આવ્યો હતો. તે એ પ્રદેશમાં પૂર્વે સમુદ્ર હોવાનું સૂચવે છે. કચ્છનું રણ પૂર્વે સમુદ્ર તળિયાની રેતી હતી એવું અનુમાન છે. એ સમુદ્ર નદીઓની રેતી અને કાદવ વગેરેથી ભરાઈને કાળાન્તરે જમીન ઉપસી આવી. શ્રી કૃષ્ણનું રાજ્ય દ્વારિકા બેટમાં હતું એ ખરું. માત્ર દ્વારિકા નગરીનો ભાગ જ નહીં પણ તે સ્થળે આખો સૌરાષ્ટ્ર બેટ હશે એમ માની શકાય.

સૌરાષ્ટ્ર સરકારે એ સમયે મુંબઈ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને સોશ્યોલોજીના તજ્જ્ઞાો પાસે કરાવેલી સૌરાષ્ટ્રની સર્વદેશી વૈજ્ઞાનિક સમીક્ષામાં જણાવાયું છે કે, સૌરાષ્ટ્ર એક દ્વિપકલ્પ છે. તેનો દરિયાકાંઠો ૭૫૦ માઇલ જેટલો લાંબો છે. તેનું ક્ષેત્રફળ લગભગ ૨૩,૫૦૦ ચોરસમાઇલ છે. અહીંનો મોટો પર્વત ગિરનાર છે. સૌરાષ્ટ્રનો ઇતિહાસ પણ ગિરનાર પર્વતની આજુબાજુ બહુ જ ગુંથાયેલો છે. દ્વારકાને બાદ કરતાં સૌરાષ્ટ્રમાં ગિરનાર સૌથી વધુ ઐતિહાસિક છે. અહીંથી વહેતી ભાદર, શેત્રુંજી, સુખભાદર, ઓઝાત, ભોગાવો, કાળુભાર અને મચ્છુ આ સાત નદીઓ સિવાય બીજી બધી નદીઓના માર્ગ ૫૦ માઇલથી પણ ઓછા છે. ગિરનાર ઉપરાંત શત્રુંજય, બરડો અને ચોટીલા એ સૌરાષ્ટ્રના મુખ્ય પર્વતો છે. સુરેન્દ્રનગર, જામનગર, ભાવનગર, જૂનાગઢ ઉપરાંત અન્ય નાના મોટા શહેરો અને બેડી, નવલખી, ઓખા, પોરબંદર, વેરાવળ, મહુવા તથા ભાવનગર સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ બંદરો છે. સોમનાથ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગઢડા, પાલિતાણા આ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામો છે.

સૌરાષ્ટ્ર દેવભૂમિ ગણાય છે તેના ઉદાહરણો આપતાં ‘સ્વાધ્યાયવલ્લી’માં યથાર્થ કહ્યું છે કે અલૌકિક ગીતાજ્ઞાન આપનાર શ્રીકૃષ્ણ યોગેશ્વરનું નિવાસસ્થાન આ ઐતિહાસિક સૌરાષ્ટ્ર છે. આ ભૂમિમાં કૃષ્ણ ભગવાન ઉપરાંત આદિનાથ, નેમીનાથ આદિ ચોવીસ તીર્થંકરો, સહજાનંદ સ્વામી અને સુદામા, નરસિંહ, મીરાં જેવા પ્રભુપ્રિય ભક્તરાજોને સદાને માટે પરમ શાંતિ પ્રાપ્ત થઈ છે. ભગવદ્ગોમંડલ નોંધે છે કે આ દેવભૂમિમાં પુરાણકથાના અવશેષો હજુ જેવા ને તેવા નજરે પડે છે. પ્રયાગ-ગુપ્ત, પ્રાચીક્ષેત્ર, ભાસ્કર ક્ષેત્ર, તાલદૈત્યની રાજધાની તાલધ્વજપરા કે તળાજા, વિષ્ણુપ્રયાગ કે ઉના પાસેના સપ્તકુંડ દેહોત્સર્ગ, પાતાળના વાસુકીની રાજધાની તરણેશ્વર કે હાલનું થાનગઢ, હેડંબાસુરનું પાટણવાવ, પ્રેહપાટણ. મેરુતુંગાચાર્ય પ્રશંસિત ઢંકાપુરી કે હાલનું ઢાંક, બલિનું પાટનગર કે હાલનું બિલખા, વામનપુરી કે વામનસ્થળી કે હાલનું વંથળી, મધુમાવતી કે મહુવા, રુક્મિણીના પિતા ભિષ્મકની કુંડિતપુર કે કનકાવતી. જાલંધર અને તુલસીના વિવાહથી પ્રસિદ્ધ થયેલું સપ્તોદક તીર્થ કે તુલસીશ્યામ. સ્કંદપુરાણનું સિંહપુર કે વર્તમાન શિહોર જેવા અનેક પુરાણ તીર્થો અહીંની ભૂમિમાં ધર્મધજા લહેરાવી રહ્યા છે.

સિંહપુર અર્થાત્ સિહોરની પ્રાચીન જાહોજલાલીનું વર્ણન ‘શ્રી સ્થાનક પ્રકાશ’ ગ્રંથના ૩૩મા અધ્યાયમાં આ રીતે આપ્યું છે. ભરતખંડમાં સૌરાષ્ટ્ર દેશ છે. ત્યાં ઇન્દ્રપુરી સરખું સિંહનગર છે. સર્વસમૃદ્ધિયુક્ત એ નગરમાં નિલકંઠ મહાદેવજીનું બાણ છે. અઠ્ઠાસી હજાર ઋષિઓ નીલકંઠ મહાદેવની પાસે બેસીને ધ્યાન કરે છે. ત્યાંનો બ્રહ્મકુંડ બ્રહ્મદેવે નિર્માણ કર્યો છે. સિંહપુરમાં ગૌતમેશ્વરની ગુફા ઘણી જૂની છે. મહાદેવજી કૈલાસ પર્વતની ઠંડીથી થાકીને ગરમી લેવા માટે આ જગ્યાએ વસ્યા એમ માનવામાં આવે છે. એમને ગૌતમ ઋષિએ સ્થાપ્યા માટે ગૌતમેશ્વર કહેવાયા.

સૌરાષ્ટ્ર સૈકાઓ જૂની પોતાની ખાસ શૈક્ષણિક પ્રણાલિકાઓ ધરાવે છે. સ્કંદ પુરાણ અનુસાર મહાત્મા ગૌતમ ઋષિ અહીં હજારો શિષ્યોને ભણાવતા હતા. હ્યુએનત્સંગ વર્ણવે છે કે સાતમા સૈકાની આજુબાજુમાં વલ્લભીમાં છ હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા. વલ્લભીપુર વર્ષો સુધી નાલંદાથી બીજા દરજ્જે ખ્યાતિકીર્તિ ભોગવતું હતું. શ્રી જી. ડી. આપ્ટેના પ્રાચીન વિદ્યાપીઠોના અદ્યતન અભ્યાસ પરથી જણાય છે કે વલ્લભી વિદ્યાપીઠમાંથી અભ્યાસ કરીને બહાર આવતા વિદ્યાર્થીઓને કેટલાક રાજવીઓ પોતાના રાજ્યમાં વહીવટ ચલાવવા માટે નોકરીએ રાખતા હતા.

કાઠિયાવાડ પ્રદેશ ઃ

કાઠિયાવાડ એટલે કાંઠ (સમુદ્ર કિનારો) + વાડ (દ્વાર). હિંદના પશ્ચિમ કિનારા પર આવેલ આ પ્રાંત કાઠિયાવાડના નામે પાછળથી ઓળખાયો તે કચ્છના અખાત અને ખંભાતના અખાત વચ્ચે આવેલો છે. કાઠી લોકોના વસવાટને લઈને આ પ્રાંતનું નામ પડયું છે. શ્રી રામકુભાઈ ખાચર કહે છે કે કાઠીઓ જે પ્રદેશ જીતીને પોતાના તાબા નીચે લાવ્યા તે કાઠિયાવાડ કહેવાયો. ચીનના મુસાફર હ્યુએનત્સંગ વલ્લભી રાજ્યને અને સુરાષ્ટ્રને જુદા રાજ્યો તરીકે વર્ણવે છે. તેમાં કેટલાક ભાગને જૂના વખતમાં સુરાષ્ટ્રને જુદા રાજ્યો તરીકે વર્ણવે છે. તેમાં કેટલા ભાગને જૂના વખતમાં સુરાષ્ટ્ર કહેતા હશે તે કહેવું મુશ્કેલ છે. આખો દ્વિપકલ્પ કાઠિયાવાડ કહેવાતો ત્યારે માત્ર દ્વિપકલ્પનો દક્ષિણ ભાગ સોરઠના જૂના નામે ઓળખાય છે.

ભગવદ્ગોમંડલ અનુસાર કાઠિયાવાડ નામ તો મરાઠાઓએ પાડયું છે. તે પહેલાં મુસલમાનોએ તો આખા દ્વિપને સોરઠ કહેતા. પ્રાચીન સૌરાષ્ટ્ર જે કાઠિયાવાડના નામે ઓળખાય છે તે પાછળથી સોરઠ, હાલાર, ગોહિલવાડ અને ઝાલાવાડ એમ ચાર વિભાગમાં વહેંચાયું છે એમ આલા ખાચર સા.નું. જીવનચરિત્ર લખનાર જેઠમલજી મહારાજ નોંધે છે. સોરઠનું પાટનગર જૂનાગઢ, હાલારનું પાટનગર નવા નગર (જામનગર), ગોહિલવાડનું પાટનગર, ભાવનગર અને ઝાલાવાડનું પાટનગર ધ્રાંગધ્રા એ ચાર પૈકી જૂનાગઢનો પ્રદેશ આજે પણ સોરઠ તરીકે ઓળખાય છે. જે પ્રદેશમાં કાઠી લોકો વસ્યા હતા તે પ્રદેશ કાઠિયાવાડના નામે ઓળખાતો. તેનું ક્ષેત્રફળ ૪૦૦૦ ચો.માઇલ ગણાતું. નૈઋત્ય ભાગમાં વાળા કાઠીનું જેતપુર સંસ્થાન અને બાકીના ભાગમાં ખારોપાટ, કુંડલા અને દેસાઈઓના વસાવડ પરગણા હતા. સને ૧૮૮૨માં દુકાળ પડયો ત્યારે જૂનાગઢના નવાબે તથા કાઠી- ગરાસિયાઓએ આ મુલક ગાયકવાડને આપતાં પ્રાચીન કાઠિયાવાડ સોરઠ સાથે ભેળવી દેવાયું હતું. આ કાઠિયાવાડની કામિની, મોજડી, પાઘડી અને મહેમાનગતિ આખા મલકમાં ખૂબ વખણાતી. આ રહ્યા એના સાક્ષી પુરતા દુહા ઃ

પાતળી પહેરે મોજડી, ચાલે ચટકતી ચાલ;
વાંકી બાંધે પાઘડી, ભલો ઈ કાઠિયાવાડ.

ભાદર કાંઠાની ભેંસ ભલી, વેણુ વખાણુ ગાય;
કાઠિયાવાડની કામની, બરડા ચંગો જુવાન.

સોરઠ વિભાગ ઃ

સૌરાષ્ટ્રના સોરઠ અને ઝાલાવાડ પ્રદેશોના નામો સોલંકી કાળથી એટલે કે ૯૦૦ વર્ષથી પ્રસિદ્ધ છે. આ નામો મુસ્લિમ તવારિખો અને અંગ્રેજી ઇતિહાસમાંથી મળી આવે છે. શ્રી એમ. આર. મખવાન નોંધે છે કે ‘ગોહિલવાડ’ નામ ૧૪મી સદીમાં અને ‘હાલાર’ નામ સોળમી સદીમાં જાણીતા થયા.

સૌરાષ્ટ્રના એક વિભાગ તરીકે સોરઠ પ્રદેશ ઓળખાતો હોવાનું અનુમાન ઇતિહાસકારો કરે છે. કાઠિયાવાડ સર્વસંગ્રહમાં કવિ નર્મદાશંકરે નોંધ્યું છે કે ‘સોરઠ દક્ષિણમાં છે એનું ક્ષેત્રફળ ૫૨૨૦ ચો.માઇલ હતું- તેમાં જૂનાગઢનું મુસલમાની રાજ્ય, બાંટવાનું સંસ્થાન, ગાયકવાડી કોડીનાર પ્રાંત, ફિરંગીનો દીવ ટાપુ જેવા ભૂતપૂર્વ રાજ્યોનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત ભાદર નદી ઉપર આવેલો ભાદર કાંઠો, દરિયાકિનારા પર નવી બંદર અને માધવપુર એ બેની વચ્ચે આવેલો ઘેડ નામનો નીચાણનો મુલક એની દક્ષિણે આવેલી નોળી નદીના કાંઠા પરનો નોળી કાંઠો, કિનારા પર ચોરવાડ જાફરાબાદની વચ્ચેનો નાઘેર (લીલી નાઘેર) નામનો ચિચરવટો અને ગિરાનો રાની અને પહાડી મુલક સોરઠમાં ગણાતો. જૂનાગઢ અને બાંટવા ઉપરાંત પોરબંદર, માણાવદર, જેતપુર દેવળી, જેતપુર વડિયા જેવા નાના મોટા રાજ્યો અને મહાલોનો સમાવેશ. સોરઠમાં થતો. સોરઠ શબ્દ ક્યાંથી આવ્યો એ અંગે ઇતિહાસવિદ્ ડો. હરિપ્રસાદ શાસ્ત્રી નોંધે છે કે, ‘અનુમૈત્રકકાળમાં’ સૌરાષ્ટ્ર રૂપ વ્યાપક થતું જતું હતું. સુરાષ્ટ્ર જેમ સુરાષ્ટ્રા શબ્દ સૌરાષ્ટ્રના સમગ્ર દ્વિપકલ્પ માટે વપરાતું હોય અને તેમાંથી સોરઠ શબ્દ આવ્યો હોય તેવી સંભાવના ખરી.

સોરઠ દેશ સોહામણો ચંગા નર ને નાર્ય;
જાણે સ્વર્ગથી ઉતર્યા, દેવ દેવી અણસાર.

સોરઠ દેશ સોહામણો, મુજને જોયાના કોડ;
રત્નાકર સાગર ઘૂઘવે, ત્યાં રાજ કરે રણછોડ.

સોરઠ દેશ ન સંચર્યો, ન ચડયો ગઢ ગિરનાર
ના નાહ્યો દામો- રેવતી, અફળ ગિયો અવતાર

હાલાર પંથક ઃ

હાલાર એ સૌરાષ્ટ્રનો પ્રાચીન પ્રદેશ છે. ઓખા મંડળની પૂર્વે કચ્છના અખાતના કાંઠે કાંઠે વાંકાનેર પાસે દેખાતી પર્વતમાળા સુધી બરડાના ડુંગરો સુધી દક્ષિણમાં પથરાયેલો દેશ હાલાર કહેવાય છે. પોતાના વડવા કચ્છના જામ હાલાજી (ઇ.સ. ૧૦૫૭)નું નામ કાયમ રાખવા જામનગર (નવા નગર) વસાવનાર જામ રાવલે (ઇ.સ. ૧૫૧૯- ૬૨) આ પ્રદેશનું નામ ‘હાલાવાડ’ પાડયું, જે પાછળથી હાલારના નામે જાણીતું બન્યું એમ ‘યદુવંશ પ્રકાશ’ ગ્રંથના કર્તા શ્રી માવદાનજી રત્નું નોંધે છે. જામનગર, ખંભાળિયા, જોડિયા ને રાજકોટ, ગોંડળ વગેરે હાલાર પરગણામાં ગણાતા. મોરબી, ગોંડલ, ધ્રોળ, વીરપુર, માળિયા, કોટડા વગેરેનો સમાવેશ પણ આ પરગણામાં થતો. લોકસાહિત્યમાં હાલાર પંથકના દુહા મળે છે ઃ

નદી ખળુકે નીર વહે, મોર કરે મલાર;
જ્યાં સાતેય રસ નીપજે, ભોંય ધરા હાલાર.

જડિયો જંગલમાં વસે, ઘોડાનો દાતાર;
ત્રુઠયો રાવળ જામને, હાંકી દીધો હાલાર.

આ પંથકમાં આવીને દુભાયેલા કોઈ મારવાડી કવિએ દુહા દ્વારા મહેણાનો પણ ઘા કર્યો છે.

જૂની જા’રરો ઢેબરો, માથે કળથી રો વઘાર;
ઊભો ઊભો ધાર દ્યે, હુડે દેશ હાલાર.

ગોહિલવાડ પંથક ઃ

કાઠિયાવાડનો એક ભાગ જ્યાં ગોહિલ રાજપૂતોની વસતી છે. સેજકજી ગોહિલના નામ પરથી ગોહિલવાડ નામ પડયાનું સ્વામી જેઠમલજી મહારાજ નોંધે છે. ગોહિલવાડમાં ભાવનગર, પાલિતાણા, વળા, જસદણ, લાઠી અને નાના મોટા રજવાડાઓનો સમાવેશ થતો. ગુજરાત રાજ્ય સર્વસંગ્રહ અનુસાર જુદી જુદી જાતનો લોકસમૂહ ભાવનગર જિલ્લામાં જ્યાં જ્યાં વસીને ઠરીઠામ થયો તે મુલક- જગ્યાના નામ પણ જે તે જાતિના નામ પરથી પડયા છે. આ પંથકમાં પણ કેટકેટલા પરગણા ? ઘોઘાની આસપાસનો મુલક તો ‘ઘોઘાબારુ’, તળાજાથી ગોપનાથ ઝાંઝમેર વગેરે ભાગ ‘વાળાક’, શેત્રુંજી પાલિતાણાની આસપાસનો ડુંગરિયાળ વિસ્તાર ‘શેત્રુંજો’, શિહોરથી પાલિતાણા ચોક, હાથસણી અને ધાંધળીની આસપાસનો ‘ઊંટ સરવૈયા વાડ’, વલ્લભીપુરની સામેનો મુલક ‘ભાલ પ્રદેશ’, ભાવનગર, સોનેરાઈ ખાડી સામેનો પંથક ‘ભાલ સામેનો કાંઠો’, કુંડલાના વળાંક આસપાસના પરગણાને ‘ખુમાણ પંથક’. ભાવનગર જિલ્લાને ગોહિલવાડ કે લોકબોલીમાં ‘ઘોલ્યાવાડ’કે ‘વાલાકગીઓ’ પણ કહે છે. આજે તો આ જૂના પંથકના નામો ય વિસરાવા માંડયા છે. સૌરાષ્ટ્રના વધુ પંથકોની વાત બીજા ભાગમાં જાણશું.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!