પ્રભુને નૈવેધ (થાળ) કે રાજભોગ રોજ કેમ ધરાવવામાં આવે છે ?

મોટા ભાગના હિંદુ મંદિરોમાં પ્રભુને થાળ કે રાજભોગ ધરાવવામાં આવે છે. ઘણાને પ્રશ્ન થાય કે સૃષ્ટિના પાલનહાર કે જગતનું પાલન પોષણ કરે છે તેને વળી થાળની શી જરૂર છે ? પુષ્ટિમાર્ગમાં તો શુભ પ્રસંગોમાં કે નૂતન વર્ષે અન્નકુટ ધરાવવામાં આવે છે. અન્નકુટના દર્શનમાં કેટલો માનવ મહેરામણ ઉમટી પડે છે ? નાથદ્વારામાં તો ખૂબ જ ધક્કામુક્કી જોવા મળે છે છતાં ય ભાવિકભક્તો દર્શન કરવા આતુર હોય છે. લોકોની દર્શનની ભૂખ છે.

કીડીને કણ અને હાથીને મણ’ આપનાર શ્રી હરિને આપણે કેમ જમાડીએ છીએ ?
એવી માન્યતા છે કે પહેલાના જમાનામાં ખૂબ જ યજ્ઞો થતા. આ યજ્ઞમાં આહૂતિ દ્વારા યજ્ઞના યજ્ઞનારાયણ પ્રભુને તૃપ્ત કરવામાં આવતા. યજ્ઞમાં બલિદાનઅપાતું હવે આજે કલિયુગમાં આ બધું બંધ થયું. પ્રભુને જમાડવાની ક્રિયા એ એક પ્રકારની આહૂતિ છે.

હવે આ થાળ નૈવેધ ધરાવવાની પદ્ધતિ પ્રભુને આહુતિ બલિદાનની જ એક ભાવના છે. આમાં પ્રભુને જમાડવાનો ભાવ છે. પ્રભુનો આશ્રય કરવાનો ભાવ છે.

નવા વર્ષે નવું ધાન્ય થાય, નવી ફસલમાં બરકત આવે ઘણા માણસો આ ફસલને પ્રભુનો પ્રસાદ માને છે. પ્રભુએ આપેલું છે તો પ્રભુને અર્પણ કરી ખાવું તો અન્નમાં સારા સંસ્કાર આવે, તેમાં બરકત આવે.

પ્રભુનું આપેલું, પ્રભુને જ અર્પણ કરીએ તેવો તેમાં ભાવ છે.
પ્રસાદ અને અન્નમાં મોટો ફર્ક છે. પ્રભુને ધરાવેલું તે પ્રસાદ છે, આ સાત્વિક અને ધાર્મિક છે તેથી પ્રભુની પ્રસાદીમાં ધર્મના સંસ્કાર આવે છે. પ્રભુની પ્રસાદીમાં અનેરી મીઠાશ છે. દા.ત. સત્યનારાયણનો શીરો રોજબરોજ ખવાતા શીરા કરતા આ પ્રસાદની જેને ખબર પડે તે જાણે કેે આમાં પ્રભુના ભાવની કેટલી મીઠાશ છે. રોજબરોજના શીરામાં મીઠાશ છે ?

લૌકિક જગતમાં પણ કોઈના મહેમાન બનીએ તે ભાવથી જમાડે તો કેવી મઝા અને આનંદ આવે છે. ન છૂટકે જમાડે તેમાં એક ક્રિયા છે ! ભાવ વગરનું ભોજન કેવું ?

પ્રભુને ધરાવેલો પ્રસાદ મનની શુદ્ધિ કરે છે. આપણે જમીએ તે થાળી કહેવાય (ડીશ), પ્રભુ જમે તે થાળ થઈ જાય.

ભગવાન શ્રીકૃષ્ણે ગોવર્ધન પર્વતની લીલા કરી ત્યારે અન્નકુટ થયો હતો. બધા જ ગોવાળો ઘેરથી નવીન સામગ્રી બનાવી લાવ્યા હતા.

પ્રભુ આ અન્નકુટથી પુષ્ટ બન્યા, ગોવાળો ખુશ થયા.
પ્રસાદ’એ એક પ્રકારની ભાવના છે. આ પ્રસાદમાં ઊંડે ઊંડે ભક્તની ભાવના સમાયેલી છે. ભાવનાથી ધરાવેલી સામગ્રી પ્રભુ સ્વીકાર કરે છે. ભાવના એ પ્રભુને આપેલું હૃદય છે એક આશ્રય છે, પ્રભુ તરફનો પ્રેમ છે.

ભગવાન ભોળાનાથ નાના સરખા બિલીપત્રથી પ્રસન્ન થઈ જાય છે. ગણપતિ દુર્વાને સ્નેહથી સ્વીકારે છે. તુલસી ભગવાનને પ્રિય છે. રાજા રણછોડને તુલસી ખૂબ વહાલી છે. આ બધી વસ્તુઓનું મૂલ્ય ઘણું જ અલ્પ છે પણ પ્રભુને ગમે છે. આમાં પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા સમાયેલી છે.

ભગવાનને ચરણે સમર્પિત ફળ પ્રસાદ બને છે. એ પ્રસાદ જીવનમાં પ્રસન્નતા આપે છે.

ભગવાનને નૈવેધ ધરાવી માણસ પ્રભુને પાર્થના કરે છે, ‘ભગવાન તારી કૃપાથી આ બધું મેં મેળવ્યું છે. તારું જ છે અને તને અર્પણ કરું છું. આ પ્રસાદરૂપે તને ધરી હું તેને પાછું લઉં છું.’

પૂજ્ય ડોંગરેજી મહારાજ કહેતાં કે જે ગૃહિણી ભોજન બનાવતા ભગવાનનું નામ લે તો આ ભોજન એક પ્રસાદ જેવું સાત્વિક અન્ન બને છે. ભગવાનને વિદુરજીની ભાજી કેળાંના છાલ ખાધાં અને દુર્યોધનનો છપ્પન ભોગ ન સ્વીકાર્યો તેની પાછળ ભક્તની ભાવના છુપાયેલી છે.

પુષ્ટિમાર્ગના વૈષ્ણવોનેે ઘેર ઘેર સેવા હોય છે પ્રભુનું ઠાકોરજીનું નાનકડું મંદિર હોય છે. આ ઠાકોરજીનું સ્વરૂપ વલ્લભકુળના આચાર્યશ્રી દ્વારા પુષ્ટ કરાવેલું હોય છે. વૈષ્વો આ ઠાકોરજીને આજ્ઞા પ્રમાણે ઠાકોરજીને સામગ્રી ધરાવે છે. સામગ્રી ન ધરાવતા વૈષ્ણવો તો છેવટે પ્રભુને મિશ્રીની કટોરી તો ધરાવે જ છે. વૈષ્ણવો ઠાકોરજીને ઘેર જ લાડ લડાવે છે.

આમ મીસરીની કટોરી એ વૈષ્ણવોનો એક ભક્તિનો ભાવ છે, વૈષ્ણવ ભક્તો વારંવાર ગાય છે ઃ

તારું છે તને શું આપું ?

ઓ મારા શ્રીનાથજી બાવા !

તને આજે શું ધરૂં ?

આ બધું તારૂં છે,

હું નવું શું ઘરૂં ?

તારે હાથે જ મારો દોર,

તું તો પોષણ સૌને કરે

હું તને થાળમાં શું ધરૂં ?

તું તો છપ્પન ભોગ ખાનારો,

મારી ઘેર મીસરી ધરૂ

તને આ ભાવે કે ન ભાવે

આ થાળમાં મારો હૃદયભાવ ધરૂં

ઓ શ્રીજી બાવા !

તને આજે શું ધરૂં

તને પ્રેમથી હું બોલાવું

‘બંસી’નો આ રાજભોગ ધરૂં

આમ પ્રભુને સામગ્રી ધરાવવામાં ભક્તને અનેરો આનંદ આવે છે. સામગ્રી ઘણી વખત દૂષિત થાય છે. સર્વ સામગ્રીના દોષની નિવૃત્તિ માટે શ્રી ઠાકોરજીને ભોગ સામગ્રીમાં તુલસી પધરાવવા કારણ કે તુલસી પવિત્ર છે.

પુષ્ટિ માર્ગમાં તુલસી શ્રી સ્વામીજીના શ્રીઅંગનો ગંધ છે. શ્રી ઠાકોરજીને પ્રિય છે. ઠાકોરજીને ધરેલી સામગ્રીમાં તુલસી પધરાવવાથી સામગ્રી શ્રી ઠાકોરજીને આરોગવા યોગ્ય થાય છે.

જો તમે આવીજ અજાણી વાતો વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– શ્રીફળ દેવ-દેવીઓને કેમ વધેરવામાં આવે છે?

– કહેવતો અને ઉક્તિઓની રસપ્રદ વાતો

– પ્રાચીન ભારતીય સૌંદર્યપ્રસાધનોની રસપ્રદ વાતો

– સવાસો વરસ પહેલાંનું ગામડાનું લોકજીવન

– ભૂત-પલિતનું કમઠાણ છે શું?

– વૈદિકકાળની સર્પવિદ્યાની રસપ્રદ વાતો

– નાગરાજ વાસુકિ

error: Content is protected !!