પ્રાચીન ભારતીય સૌંદર્યપ્રસાધનોની રસપ્રદ વાતો

ભારતવર્ષ પાસે હજારો વર્ષ પુરાણી ૧૪ વિદ્યા, ૬૪ કલા અને પ્રાકૃતિક સૌંદર્ય પ્રસાધનોની એક વિરાસત હતી. ઈશ્વરે આપેલી કામણગારી કાયાને નિખારવા માટે નારીના ૧૨ આભરણ (સૌંદર્ય પ્રસાધનો) અને ૧૬ શણગારોની વાત વાસ્ત્યાયનના ‘‘કામશાસ્ત્ર’’ અને ‘‘પ્રવીણસાગર’’ જેવા ગ્રંથોમાંથી સાંપડે છે. અંગ્રેજોના આગમન પછી આપણે ત્યાં પશ્ચિમની સંસ્કૃતિના પગરણ મંડાયાં ને કાળક્રમે પ્રાચીન ભારતની પ્રજાના સૌંદર્ય પ્રસાધનો ભૂલાઈ ગયાં. તેના સ્થાને સાબુ, સ્નો, પાવડર, લિપ્સ્ટીક, લાલી, સેન્ટ, નેલપૉલિસ જેવાં પ્રસાધનો વ્યાપક બન્યાં. આજે તો રમણીઓના રૂપને વઘુ નિખાર આપવાનો દાવો કરતા બ્યૂટિપાર્લરો બિલાડીના ટોપની જેમ ઠેરઠેર ઊગી નીકળ્યાં છે, ત્યારે યંત્રયુગની આંધીમાં ઉડઉડ કરતા માનવીના જીવનમાંથી અલોપ થઈ ગયેલાં સ્ત્રી-પુરૂષોના પ્રાચીન સૌંદર્ય પ્રસાધનોનો પટારો ઉઘાડવાનો આજે અભિગમ છે.

માનવીના મુઠ્ઠી જેવડા હૃદયમાં સૌંદર્યની અભિરૂચિ આદિકાળથી જોવા મળે છે. એ કાળે માનવી શરીરની શોભા વધારવા પ્રકૃતિદત્ત ફૂલ, પાંદડાંનો ઉપયોગ કરતા. રંગો વડે શરીરને સૌંદર્ય બક્ષતા. એ પરંપરા આજે મેંદીના ઉપયોગમાં જોવા મળે છે. માત્ર રંગબેરંગી દેખાવા માટે જ નહીં પણ શરીરને સુગંધિત બનાવવા માટે મૂળ અને પાંદડાંનું બારીક ચૂર્ણ બનાવી તેનો શરીર પર લેપ લગાડતા. એ કૂળમાંથી આવેલા ચંદન અને સુખડના લેપો તો આજેય જાણીતા છે.

આદિમાનવ શિકાર કરીને જીવનનિર્વાહ કરતો એ સમયે પણ સૌંદર્ય પ્રસાધનોને માનવી જાણતો હતો. શિકાર કરેલાં પશુપંખીમાંથી મળેલી કેટલીય વસ્તુઓનો ઉપયોગ શરીરને શણગારવા માટે કરવામાં આવતો. પશુઓના રંગબેરંગી ચામડા આદિમાનવો શરીરે વિંટાળતાં હતાં. પશુઓનાં હાડકાં, પક્ષીઓની ચાંચો અને પીંછાં પોતાની પાસે રાખતાં. પોતે બળવાન હોવાનો દાવો કરવા માટે ઉપરની વસ્તુઓ શરીરનાં જુદા જુદા ભાગો ઉપર ધારણ કરતાં. ડૉ. જે.એમ. શાહ નોંધે છે કે શિકારી માનવીઓ પક્ષીઓનાં પીંછાંને પટ્ટીના આકારમાં બનાવીને માથા પર બાંધતા. પુષ્પો અને વેલાઓ શરીર પર વીંટતાં. રંગબેરંગી ફૂલો માથાના વાળમાં અને કાન ઉપર લગાડતા. શિકારીયુગની પ્રજાને મળતી આવતી જે પ્રજા દુનિયાના વિવિધ દેશોમાં અસ્તિત્ત્વ ધરાવે છે તેઓમાં આ જ પ્રકારનાં સૌંદર્ય પ્રસાધનો જોવા મળે છે.

અમેરિકાની રેડ ઇન્ડિયન પ્રજામાં અને આફ્રિકાની કેટલીક મૂળ પ્રજાઓમાં આજે પણ શરીરની શોભા વધારવા માટે ફૂલ-પાંદડાંનો ભરપેટ ઉપયોગ કરવામાં આવે છે. ભારતની વનવાસી પ્રજા, આફ્રિકાની સીદી પ્રજા આજે પણ શરીર ઉપર રંગો લગાડે છે. માથામાં પીંછાં ને ફૂલ ખોસે છે. શરીરે છૂંદણાં કોરાવે છે. સૌંદર્ય પ્રસાધનોના મૂળમાં જઈએ તો સ્ત્રીઓમાં આ પ્રસાધનો વડે રૂપને નિખારી પ્રિયતમને આકર્ષવાની અને પુરૂષોમાં મનગમતી પ્રિયતમા પ્રાપ્ત કરવાની ભાવના પડેલી જોઈ શકાય છે.

વૈદિકકાળમાંયે માનવી શરીરસૌંદર્ય માટે જાગૃત હતો એનો પુરાવો અથર્વવેદમાંથી પ્રાપ્ત થાય છે. મોહેં-જો-દડો અને હડપ્પાના ઉત્ખનન દ્વારા સાડા ચાર હજાર વર્ષ પુરાણાં સૌંદર્ય પ્રસાધનોના કેટલાય અવશેષો પ્રાપ્ત થયા છે. એ સમયના પ્રસાધનો રાખવા માટેના હાથીદાંત, ધાતુ અને માટીમાંથી બનાવેલી ખાસ પ્રકારની ચાર ખાનાંવાળી પેટીઓ મળી આવી છે. એના ખાનાઓમાં સુવાસિત પદાર્થો ભરી રાખવામાં આવતા. હાથીદાંતની પ્રસાધન પેટીઓ ઉપરાંત કાંસકી, અરીસા, કાજળસલાકા, બંગડીઓ અને સ્નાનગૃહો મળી આવ્યાં છે. એ યુગની નારીઓ આંખમાં અંજન લગાવતી. મોં પર લેપ લગાવતી અને સૌંદર્યની કેટલીય વસ્તુઓ શરીર પર અને માથાના વાળમાં રાખતી. આ અવશેષોમાંથી કેટલાક નાના શંખ મળ્યા છે, જેમાંથી ગાલ પર લગાડવાના લાલ-પીળા રંગો મળ્યા છે. લીલા રંગની માટી, મોં પર લગાડવા માટેના સફેદ અને કાળા રંગો, માથાના વાળમાં લગાડવાની પીનો અને કાનમાંથી મેલ કાઢવા મેલકઢા પણ મળ્યાં છે. એ કાળે પુરૂષો ટૂંકી દાઢી રાખતા કે દાઢી કરતા એને માટે હજામતના અસ્ત્રા પણ રાખતા. પોતાના સૌંદર્યના વખાણ થાય એ સ્ત્રીપુરૂષોને ગમતું અને તેના દ્વારા એમને આનંદની અનુભૂતિ થતી.

પ્રાચીન ગ્રંથોનાં પાનાં ઉથલાવીએ તો તેમાંથી નારીના બાર આભરણ અને સોળ શણગારોના ઉલ્લેખો મળે છે. આ બાર આભરણ (સૌંદર્ય-પ્રસાધનો)માં ૧. ફૂલેલ તેલથી માલિસ કરવું. ૨. ગુલાબજળથી નહાવું. ૩. વાળ ઓળી પાંથી પાડી અંબોડો કરવો. ૪. સેંથામાં સિંદૂર પૂરવું. ૫. કપાળે કેસરની બારીક આડ્ય કરવી. ૬. આડ્ય ઉપર વચ્ચે ગુલાબની બિંદી કરવી. ૭. કમળ જેવી આંખોમાં કાજળ સારવું. ૮. જુદી જુદી જાતના ચંદનનો લેપ કરવો.૯. સુગંધિત ઘૂપ બનાવવા ૧૦. ઘૂપને નજીક લાવી શરીર પર સુગંધ ભરવી. ૧૧. હથેળીમાં મેંદી કરવી. ૧૨. પગની પાનીએ અળતો લગાવવો.

નારીના સોળ શણગારોની વાત ‘પ્રવીણસાગર’ આ રીતે આપે છે. ૧. મોતીની સેરો કપાળેથી પાછળ બાંધવી. ૨. અંબોડે ફૂલગજરા લગાડવા. ૩. જડિત્ર બિંદી-(બોર) કપાળે લટકાવવી. ૪. નાકે નથડી પહેરવી. ૫. કાને અકોટા પહેરવા. (એક બાજુ જોબનને બીજી બાજુ જાણે રૂપના પારિયાં ભર્યાં હોય) ૬. હમેલ-મુઠિયું જેવો હાર પહેરવો. ૭. છાતીએ હાર અને ચોકી લગાડવી. ૮. મણિ લગાવેલી પોંચી હાથમાં ધારણ કરવી. ૯. આંગળિયે અનુપમ મુદ્રા-વીંટી પહેરવી. ૧૦. હાથે ચૂડી ને ૧૨. કંકણ પહેરવા. ૧૩. કેડ્યે ધૂઘરિયું ધમકાવતું કટિબંધ ધારણ કરવું. ૧૪. પગમાં અણવટ-બિંછિયા ૧૫. રંગબેરંગી વસ્ત્રો ધારણ કરવાં ૧૬. બાજોઠ માથે બેસી અરિસામાં અંગનું પ્રતિબિંબ નિહાળવું.

મલ્લિનાથ કાલિદાસના મેઘદૂત પરની ટીકામાં શૃંગારનાં પાંચ પ્રકારો ગણાવે છે. ૧. કચધાર્ય ઃ કેશ સ્વચ્છ કરી તેની વિવિધ પ્રકારની રચના કરવી. અગુરૂઘૂમ કે કસ્તુરી ઘૂમથી વાળને સુગંધિત કરી હાથીદાંત કે સુવર્ણ કાંસકીથી સંવારવા. ૨. દેહધાર્ય શરીરની શોભા વધારવા અંગ પર વિવિધ પ્રસાધનો વાપરવાં જેમકે- ભૂપ્રસાધન, કાળી અને ધનુષ્યની કમાન જેવી ભ્રમર સૌંદર્યવર્ધક મનાતી. તેને કાજળ કે અંજનથી વઘુ કાળી બનાવવી. નેત્ર પ્રસાધન-સૌવીર અંજન (સુરમો) આંજવામાં આવતું. સિંઘુ સંસ્કૃતિના ઉત્ખનનમાંથી સુરમાદાની અને સુરમો આંજવાની શલાકા-સળીયો મળી આવ્યાં છે. આવી શલાકા સોના, ચાંદી, કાંસા, તંાબા કે શિંગડામાંથી બનાવવામાં આવતી. કપોલ-પ્રસાધન – ગાલ પર શ્વેત અને રક્ત ચંદન લગાડવામાં આવતું. આજે પણ ભ્રમર ઉપર લાલ અને સફેદ ટપકાંનો શણગાર નવવઘૂને કરવામાં આવે છે. ઓષ્ઠ પ્રસાધન – આજે જેમ હોઠ પર લિપ્સ્ટીક લગાડવામાં આવે છે તેમ તે જમાનામાં અધરરાગ લગાડાતો. હોઠ ઉપર તે બરાબર લાગે એ માટે મીણ જેવો ચીકણો લાક્ષારસ લગાડી લોઘ્રચૂર્ણ લગાવતાં, જેથી હોઠ પર આરકત પાંડુરતા આવતી. કણપ્રસાધન – અન્ય આભૂષણોની સાથે સાથે જુદાં જુદાં ફૂલો જેવાં કે શિરીષ, કદંબ, શૈવાલ મંજરીના ડૂલ કાનમાં પહેરવામાં આવતાં. સ્તન પ્રસાધન – સ્ત્રીઓ ઋતુ અનુસાર સ્તન પર જુદા જુદા સુગંધી લેપો લગાડતી. ચરણ પ્રસાધન – લાક્ષારસ ઠંડો ને લાલ હોવાથી પગની પાનીએ પ્રસાધનરૂપે લગાડવામાં આવતો. (૩) પરિધેય- સુંદર વસ્ત્રપરિધાન શરીર સૌંદર્યને નિખારે છે. તે પ્રાચીનકાળમાં અવગત હતું. તે કાળે ઉત્તરીય અને અધોવસ્ત્ર એમ બે જ વસ્ત્રો વાપરવાની પ્રથા હતી. (૪) આભૂષણો સ્ત્રી-પુરૂષ બંને ભાતભાતનાં આભૂષણોનો ઉપયોગ ભરપેટ કરતાં. હેમાંગિની જાઈ નોંધે છે કે મૃગલોચના, નિતંબભારા, મઘ્યેક્ષામા, પકવબિંબ સમાન હોઠ, ધનુષ્યાકાર ભ્રમર, ચંપાની કળી જેવી નાસિકા સૌંદર્યના આવાં કેટલાંક લક્ષણો હતાં. આ બધા પરથી ફલિત થાય છે કે પ્રાચીન ભારતના લોકો સૌંદર્ય સંબંધી આઘુનિક કાળનાં માનવો કરતાં ઊણાં ઉતરે તેવાં ન હતાં.

કેટલાંક ભારતીય ગ્રંથોમાં ૬૪ને બદલે ૭૨ કલાઓનો ઉલ્લેખ મળે છે. ડૉ. જે. એમ. શાહ નોંધે છે કે આ બધી કલાઓમાં શરીર સૌંદર્ય માટેની કલા પણ જાણીતી છે. જીવનમાં શિલ્પ, ચિત્ર, સંગીત અને નૃત્ય જેટલાં મહત્ત્વના મનાય છે તેટલી જ કે બલ્કે તેનાથી વિશેષ જરૂરત સૌંદર્ય અને સૌંદર્ય પ્રસાધનોનો કેવી રીતે ઉપયોગ કરવા તેના જ્ઞાનની ગણાવી શકાય. પ્રાચીનકાળના સૌંદર્ય પ્રસાધનોમાં હળદર, સિંદૂર, ગોરોચીન અને કાજલી ગણાવી શકાય. એ કાળે શરીરની શોભા વધારવા માટે અને પ્રસાધનોનો વ્યવસ્થિત ઉપયોગ કરી આપવા માટે ખાસ સ્ત્રીઓને નીમવામાં આવતી હોવાનું જાણવા મળે છે. ઉપર જણાવેલાં પ્રસાધનો હાથના ઉપયોગથી શરીરે લગાડવામાં આવતાં. સમય જતાં એના ઉપયોગ માટે નવીન પ્રકારનાં પાત્રોનો ઉપયોગ થવા લાગ્યો અને એને શરીર પર લગાડવાની પદ્ધતિઓમાં પણ પરિવર્તન આવ્યું. શરૂઆતમાં કાજળ આંગળીથી લગાડવામાં આવતું એ પછી હાથી દાંત, સોના, રૂપા કે તાંબાની સળીઓ આવી. એના વડે સુરમો કે અંજન લગાડવાનું શરૂ થયું.

શરીરસૌંદર્યની સાથે શરીરના આરોગ્યનો વિચાર પણ ઉમેરાયો. મુખની સુંદરતા માટે આંખમાં કાજલ આંજવામાં આવતું. પણ પાછળથી આંખનું તેજ વધે, આંખો નિરોગી રહે તેને માટે કોરી મેશને ઘી, લીંમડાના બાળેલાં પાન, કપૂર વગેરે નાખવાની આયુર્વેદિક પ્રથા ઉદ્ભવી. ડૉ. શાહ નોંધે છે કે આયુર્વેદમાં અંજનના ચાર પ્રકારો જણાવવામાં આવ્યા છે. લેખન, રોપણ, સ્નેહન અને પ્રસાદન એમાં આ પ્રકારનાં અંજન બનાવવાની માહિતી આપેલી છે. આ અંજન કેવી રીતે રાખવાં ને તે શામાં રાખવા એની વિગતમાં જણાવાયું છે કે મઘુર અંજન માટે સોનાની, ખાટાં અંજન માટે રૂપાની, મીઠાના અંજન માટે ઘેટાના શીંગડાની અને કડવા અંજન માટે પથ્થરની ડબ્બીઓનો ઉપયોગ કરવો હિતાવહ છે. ઠંડા અંજન માટે શંખલાની શીશી કે ડબ્બી રાખવી જેથી અંજન બગડતું નથી.

જૂના કાળે બૌદ્ધકાલીન સાઘુઓને અંજન જરૂરી છે એમ સમજાવવામાં આવ્યું છે. એનાથી આંખની બિમારી અટકે છે. પાંપણોને લાંબુ આયુષ્ય મળે છે. આંખમાં આવતાં સુક્ષ્મ જીવાણુંઓનો કાજલથી નાશ થાય છે. આમ અંજન સૌંદર્યની સાથે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઉપયોગી મનાવા લાગ્યું. પરિણામે બૌદ્ધકાલીન સંસ્કૃતિમાં નેત્રની સુરક્ષા માટે કાલાંજન, રસાંજન, સ્ત્રોતજન, ગેરૂક, કપલ્લ જેવા દ્રવ્યોનો ઉપયોગ નિર્ધારિત કરાયો હતો. આંખનાં અંજનોને સુગંધિત કરવા માટે ચંદન, તગર, મુક્તક, કૃષ્ણાનુસારી, કાલિય, ભદ્ર ઇત્યાદિ દ્રવ્યો મેળવવામાં આવતાં. આ અંજન સોના-રૂપાની ડબ્બીઓમાં રાખવામાં આવતું.

વૈદિકકાળમાં અંજનના ઉપયોગથી આર્યો પરિચિત હતા. એ કાળે અંજન બનાવવાનો વ્યવસાય સ્ત્રીઓના હાથમાં હતો. સુગંધિત દ્રવ્યો લસોટીને ચૂર્ણ બનાવવાની પદ્ધતિ જાણીતી હતી. આવા ચૂર્ણ વડે અંગરાગ કરવાની કળા જાણીતી હતી. અથર્વવેદ અનુસાર વરવઘૂ બંને વિવાહના અવસરે આંખોમાં અંજન લગાવતા. વરરાજાના મિત્ર અર્થાત્ અણવર, વરની આંખોમાં અંજન, અને અન્ય પ્રસાધનો લગાડી આપતો. વૈદિક અંજન સુગંધિત લેપ હતો. જે આંખો ઉપરાંત શરીરે પણ લગાડાતો. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આંખના અંજનની અતિશય ઉપયોગિતા બતાવાઈ છે. નેત્રજ્યોતિની રક્ષા માટે હંમેશ આંખમાં સૌવીર નામનું અંજન લગાડવા જણાવાયું છે. આંખનું ઇન્ફેકશન દૂર કરવા ૫મે કે ૮મે દિવસે રાત્રીના સમયે સમંજનનો પ્રયોગ કરવાનું સૂચવ્યું છે. (જૂના કાળે આંખો આવે ત્યારે ચિમેન્ટનાં ફોતરાં કાઢી લસોટીને ભણ ભરવામાં આવતું. આ લેખકનો અનુભવ છે.) એનાથી આંખો ચોક્ખી થઈ જતી.

સ્ત્રી-પુરૂષની આંખો ઉપર આવેલી કાળી ભ્રમરો મોંનું સૌંદર્ય વધારે છે. દમયંતીના મુખવર્ણનમાં ભ્રમરોનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેની ભ્રમરોને કામદેવના કાળા બાણ સાથે સરખાવવામાં આવી છે. સારી ભ્રમરવાળી નારી સુભુ્ર નામે ઓળખાતી. આવી ભ્રમરોને ચકચકિત રાખવા તેના પર તેલ, મસી અને કાજલ લગાડવામાં આવતું. ખાસ પ્રસંગોમાં તેને કાળી અને લાંબી બનાવવાની પ્રથા હતી. નાટક, કે નૃત્ય પ્રસંગે આજેય આ પરંપરા જોવા મળે છે.

નર-નારીના સૌંદર્યપ્રસાધનોનો ઇતિહાસ સંસ્કૃતિના સર્જનકાળ જેટલો પુરાણો મનાય છે. શિકારયુગના માનવી પાસે શરીરને અપરૂપ બનાવવાના સૌંદર્ય પ્રસાધનોની સામગ્રી હતી જ. ત્યારપછી વિકાસના કેડે ચડેલા માનવ સમાજમાં કાળક્રમે એનો વિકાસ થતો જ રહ્યો. માનવ જીવનના આ બધા સૌંદર્ય પ્રસાધનોની માહિતી વૈદિકકાળથી માંડીને રામાયણ, મહાભારત, કામસૂત્ર અને સંસ્કૃત ગ્રંથો તેમજ ચિત્રો, શિલ્પો, દંતકથાઓ, મોહેં-જો-દડો અને હડપ્પા જેવાં સ્થળોના પુરાતત્ત્વીય ઉત્ખનનોમાં તથા સાંચીના સ્તુપ જેવી પુરાતત્ત્વીય વિરાસતોની શિલ્પ સમૃઘ્ધિ પરથી ભરપેટ મળે છે. અહીં એના પર ઉડતી નજર કરી લઈએ.
માનવીને સુંદરતા ગમતી એનો પુરાવો અથર્વવેદમાંથી મળે છે. હડપ્પા, મોહેં-જો-દડો અને લોથલના ખોદકામમાંથી સ્ત્રી-પુરુષોના સૌંદર્ય પ્રસાધનની અનેક સામગ્રી મળી આવી છે. રામાયણમાં અનસૂયાએ સીતાને દિવ્ય અંગરાગ અને અનુલેપ આપ્યાનો ઉલ્લેખ મળે છે. આવા પ્રસાધન માટે લેપ વગેરે કેવી રીતે બનાવવા તેની માહિતી અશ્વઘોષના ‘સૌંદરાનંદ’ કાવ્યમાંથી મળે છે. એ જ પ્રમાણે રાજઘરાનામાં વપરાતાં પ્રસાધનોનું માહિતીસભર વર્ણન બાણની ‘કાદંબરી’માંથી વિગતે મળે છે. પતિ દીર્ઘાયુષ્ય ભોગવે તેવું ઇચ્છતી સુવાસિની માટે હળદર, સિંદૂર, કંકુ, કાજળ અને માંગલિક અલંકારો ધારણ કરવા આવશ્યક હતાં.

પ્રાચીનકાળના રાજવીઓ પણ સૌંદર્યને નિખાર આપવા અનેક પ્રસાધનો વાપરતાં ‘શુક્રનીતિ’ ગ્રંથ અનુસાર માનવીએ દરરોજ સ્નાન કરવું જોઈએ અને સુવાસિત દ્રવ્યો શરીરે લગાવવાં જોઈએ. મનુષ્યોને એવાં વસ્ત્રો ધારણ કરવા જોઈએ કે જોનારની આંખને ગમે. સારાં વસ્ત્રો, આભૂષણો અને માળાઓ ધારણ કરવી અને પાન ખાવું એ બધાને સૌંદર્ય માટેની કલા તરીકે ઓળખવામાં આવે છે. ‘અગ્નિપુરાણ’ માં શરીરને સુવાસિત બનાવવા માટે આઠ ઉપાયો દર્શાવાયા છે. એને લઈને માનવી પોતે તો આનંદમાં રહે છે પણ સ્વચ્છ વ્યક્તિને જોઈને બીજા લોકો પણ રાજી થાય છે.

જૂનાકાળે રાજવીઓના રાજમહેલોમાં, રાજાને સ્નાન કરાવવા માટે અનેક સ્ત્રીઓને રાખવામાં આવતી. શરીરને સુવાસિત બનાવવા માટે રાજવીઓ સ્નાનને ખૂબ જ મહત્ત્વ આપતા. એ કાળે નહાવા માટેના પાણીને સુગંધીદાર બનાવવા માટેના અનેક ઉપાયોની નોંધ ડૉ. જે.એમ. શાહે આપી છે. પાણીમાં બીલીનાં અને આંબાનાં પાંદડાં ઉકાળીને સ્નાન કરાવવાનો મહિમા હતો. પાણીમાં કસ્તૂરી નાખીને સ્નાન કરવાનો રાજવીઓમાં રિવાજ હતો. કોઈ કોઈ વાર સુવાસિત પદાર્થોનો ઘુમાડો પાણીમાં દાખલ કરીને તે પાણીથી સ્નાન કરવાનો રાજાઓ અને સમાજના સંપન્ન કુટુંબના શોખીન માણસોમાં રિવાજ પ્રચલિત હતો. શરીરે સુવાસિત તેલોની માલિશ કરીને સ્નાન કરવામાં આવતું. સ્નાન કરવાના પાણીમાં સુવાસિત દ્રવ્યો નાખી સ્ત્રીઓ રાજાને વારંવાર સ્નાન કરાવતી, છેવટે સ્વચ્છ પાણી વડે સ્નાન કરાવાતું. સ્નાનવિધિ પાછળ રાજવીઓ એકાદ કલાકથી વઘુ સમય ગાળતા. સ્નાન પૂર્વે રાજાના અંગ પર સ્ત્રીઓ મૃદુ હાથે જુદા જુદા લેપો અને દ્રવ્યોની માલિશ કરી સુવાસિત પાણીથી સ્નાન કરાવતી. રાજાના નિત્યક્રમમાં સ્નાનવિધિને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું હતું. એના સ્નાનનો સમય બતાવવા માટે નગારું વગાડવામાં આવતું. પરિણામે રાજમહેલમાં સૌને એની જાણ થઈ જતી.

ચાણક્યબુઘ્ધિ ધરાવતા રાજવીઓ પોતાના રાજમહેલોમાં પ્રસાધનોના કાર્યને રસોડા જેટલી જ અગત્યતા આપતા. ઘણીવાર પ્રસાધનનાં સાધનો અને વસ્તુઓ વડે માણસોને ઝેર આપીને મારી નાખવાની ઘટનાઓ બનતી. પરિણામે રાજવીઓ પ્રસાધનના કાર્ય માટે અત્યંત વિશ્વાસુ માણસોને જ નિયુક્ત કરતા. શરીર પર લગાડવાના લેપ, માળાઓ, વસ્ત્રો, અલંકારો, શૈયા અને પગરખાં (જોડા) દ્વારા વિષપ્રયોગો કરાતા. પરિણામે પ્રસાધનોનો ઉપયોગ કરતાં પહેલાં પૂર્ણ ચકાસણી કરવામાં આવતી. રાજમહેલોમાં અને શ્રીમંત શ્રેષ્ઠીઓની હવેલીઓમાં આભૂષણો અને વસ્ત્રો પહેરાવવા માટે ખાસ તાલીમ પામેલા માણસો નિમવામાં આવતાં. પૂર્ણ પરીક્ષા અને વિશ્વાસ સંપાદન કર્યા પછી આવા સ્થાનોએ યોગ્ય સ્ત્રીઓની નિમણૂંક કરવાની પ્રથા પ્રાચીન કાળમાં હતી.

મહાભારતમાં સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરવામાં આવતો. પ્રાચીન ભારતની ૭૨ કલાઓમાં ચિત્ર, સંગીત, નૃત્ય કરતાં યે વઘુ મહત્ત્વની કલા સૌંદર્ય અને સૌંદર્ય પ્રસાધનોના ઉપયોગના જ્ઞાનની કલા ગણાતી. શરીરની શોભા વધારવા માટે પ્રસાધનોનો વ્યવસ્થિત ઉપયોગ કરી આપવા માટે આવી સ્ત્રીઓને ખાસ નીમવામાં આવતી. મહાભારતમાં આવા કાર્યમાં રોકાયેલી કુશળ સ્ત્રીને ‘સૈરન્ધ્રી’ તરીકે ઓળખવામાં આવતી. દ્રૌપદી જ્યારે વિરાટ ભવનમાં ગઈ ત્યારે તેણે પોતાની ઓળખ ‘સૈરન્ધ્રી’ તરીકે આપી હતી. વેણી (વાળની લટો) બાંધવામાં કુશળ હોવાનું પોતે જણાવ્યું હતું. બાણે કાદંબરીમાં પત્રલેખા, તરલિકા વગેરે સ્ત્રીઓ સૌંદર્ય પ્રસાધનના કાર્યમાં રોકાયેલી જણાવી છે. આવી સ્ત્રીઓ પાનની પેટી કે કરંડીઓ પોતાની સાથે રાખતી. સાથે સાથે તેમાં પ્રસાધનોની કેટલીક સામગ્રી રાખતી જે સમય પર એકાએક કામમાં આવતી. વાત્સ્યાયને ‘કામસૂત્ર’માં પથારી પાસે પાનની પેટી અને તેની સાથે સૌંદર્ય પ્રસાધનોની પેટી રાખવા જણાવેલું છે. માથાના વાળ કેવી રીતે ઓળવા એ પણ એક કલા ગણાતી. આમાં સ્ત્રીઓએ પારંગત થવું આવશ્યક મનાતું. સંસ્કૃત સાહિત્યમાં ‘તામ્બૂલકરંકવાહિની’ નામની સ્ત્રી ઘણી જગ્યાએ નાયિકાની સાથે જોવા મળે છે. એ બતાવે છે કે આજના જમાનાની જેમ પ્રાચીન કાળમાં સ્ત્રીઓ પ્રસાધનોની પેટી સાથે રાખીને ફરતી હતી.

એ સમયે શરીરના વિભિન્ન અંગો માટે અલગ અલગ પ્રસાધન દ્રવ્યો નિયત કરવામાં આવ્યાં હતાં. કપોલ, અધર, હોઠ, નખ, પગ માટેના પ્રસાધનો હતાં. હોઠ સામાન્ય રીતે પાન જમવાથી રાતાં થાય પણ સૌંદર્યપ્રેમીઓ હોઠને યાવક (લાખ)થી રંગતા. કપોલ પર પત્રલેખા અંકિત કરાતી. કપાળમાં તિલક આલેખાતું. મુખને ગુલાબી બનાવવા લોધ્રનો પરાગ છાંટતાં મુખવાસ વડે મોં સુગંધીદાર બનાવાતું. નખને રંગવા વર્ણકનો ઉપયોગ થતો. હાથ અને બાવડાંને અગર-ચંદનના લેપથી સુવાસિત બનાવાતાં. પગને લાક્ષારસ (મહાવર)થી રંગીને અંગૂઠે તિલક કરાતું. છાતીના ભાગે લેપ કરી કેશર છાંટવામાં આવતું. દાંતને લાલ કે કાળા રંગવામાં આવતા એમ હ્યુએનસાંગ ભા.૧માં વાટર્સ નોંધે છે.

‘બ્રહ્મલીનસૂત્ર’ના પાલિગ્રંથમાં સૌંદર્યપ્રસાધનો આ મુજબ જણાવ્યા છે. સુગંધિત પદાર્થો શરીરે ચોપડવા, શરીર દબાવવું, શરીરે માલિસ અને સ્નાન કરવું, અરિસામાં મોં જોવું. આંખમાં અંજન લગાવવું. માળાઓ ધારણ કરવી. મોં પર ચૂર્ણ (પાવડર) લગાવવું. મોં પર સુવાસિત લેપ લગાડવો. હાથમાં બંગડી પહેરવી. વાળને વ્યવસ્થિત બાંધવા, હાથમાં છડી, લાકડી કે તલવાર લેવી. છત્ર ધારણ કરવું. જોડા પહેરવા. માથે પાઘડી બાંધવી. રત્નો પહેરવાં. પંખો લઈ હવા ખાવી. ભરતકામ કરેલાં રંગબેરંગી વસ્ત્રો પહેરવાં વગેરે.

કાજલનો સમાવેશ પણ સૌંદર્ય પ્રસાધનમાં થયો છે. જૂના કાળે કાજલ (મેશ) જુદા જુદા પ્રકારના તેલમાંથી બનાવવામાં આવતું. આવું કાજલ ઘી, તલ, મગફળી, સરસવનું તેલ, દિવેલ કે કોપરેલમાંથી બનાવાતું. આ બધામાં ઘી અને દિવેલમાંથી બનાવેલી મેશ શ્રેષ્ઠ ગણાતી. માટીના વાસણમાં ઘી કે દિવેલ ભરી તેમાં રૂની જાડી વાટી મૂકી એને સળગાવીને ઉપર માટીનું શકોરું કે ચાળણી ઉંધી વાળીને મૂકતા. એમાં ભેગી થયેલી મેશને ધાતુપત્રમાં લઈ તેમાં લીંમડાનું પાન, ઈલાયચી બાળીને તેનો ભૂકો નાખી ઘીથી કાલવવામાં આવતી. તેમાં કપૂર નાખી કાજલને સોના-રૂપાની ડાબલીમાં ભરી લઈ સ્ત્રીઓ રોજ આંખે આંજણરૂપે આંજતી. આવું કાજલ આંખને નિરોગી રાખી ઠંડક આપતી અને આંખોનું સૌંદર્ય વધારતી. મેશ આંજેલી કાળી આંખો જોનારની નજરમાં વસી જતી. ભારતીય નારીઓના જેવી સૌંદર્યપ્રસાધનોની પરંપરા તમને દુનિયાના દેશોમાં આજે ભાગ્યે જ ક્યાંય જોવા મળશે.

આપણા પ્રાચીન ગ્રંથ ‘બિનયપીટક’માં સૂરમાના ઉપયોગ વિશે માહિતી મળે છે. સૂરમો સાચા મોતીમાંથી બનાવાતો. આ સૂરમો અને મેશ અંજનની વસ્તુઓ છે. તેનાથી આંખ ચમકતી અને સુંદર લાગે છે. ડૉ. શાહ નોંધે છે કે જગતની ઘણી પ્રાચીન સંસ્કૃતિઓના પ્રાપ્ત થયેલાં અવશેષોમાંથી અંજન સંબંધી એક યા બીજી રીતે ઘણી માહિતી મળે છે. અંજન રાખવા માટેની શીશીઓ કે ડબ્બીઓ હાથીદાંત, હાડકાં, લાકડાં, પથ્થર કે ધાતુઓમાંથી બનાવવામાં આવતી. આંખે અંજન લગાડવા માટેની સળીઓ પણ વિવિધ ધાતુઓ, વાંસ, હાથીદાંત વગેરેમાંથી બનાવીને વાપરતા. આમ અંજન એ પ્રાચીન કાળથી સૌંદર્ય માટેના પ્રસાધન તરીકે પ્રચલિત રહ્યું છે.

જૂનાકાળે માથામાં સેંથો પાડીને સ્ત્રીઓ વાળ ઓળતી. વાળને કાળા, મુલાયમ અને ચળકતા રાખવા માટે અગરુનો ઘૂપ અપાતો અને આંબળાનો ઉપયોગ કરવામાં આવતો. સ્ત્રીઓ વાળ ઓળીને લાંબી લટો રાખતી અથવા અંબોડો વાળતી. માથામાં શણગાર તરીકે ફૂલો નાખતી. કેટલીકવાર સેંથામાં કે છૂટી લટમાં કે અંબોડામાં મોતી કે રત્નો ગૂંથતી. મોતીની ગૂંથેલી જાળી અંબોડામાં નાખતી. પ્રોષિતભતૃકા માથામાં તેલ નાખ્યા વગરના વાળ કોરા રાખતી, પરિણામે વાળ સૂકા અને ખરબચડા થઈ જતા એમ ઉત્તરમેઘમાં નોંધાયું છે. શાકુંતલ અને મેઘદૂત અનુસાર સ્ત્રીઓ એ કાળે માથું ઓળી વાળની લટો એકત્ર કરી એક ગાંઠ વાળીને અંબોડો વાળતી કે અંબોડો માથા ઉપર લેતી. અંબોડાની આ રીતને માટે ‘શિખા’ ‘ચૂડા’ શબ્દ સંસ્કૃત સાહિત્યમાં મળે છે. કેટલીક વાર સ્ત્રીઓ પોતાના વાળને એક લાંબી લટકતી સેરમાં ગૂંથતી જે સેર માથાથી તે નિતમ્બ સુધી લટકતી રહેતી. તેને માટે ‘એકવેણી’ શબ્દ વપરાયો છે એમ ડૉ. પ્રિયબાળા શાહ નોંધે છે.
સ્ત્રી-પુરુષના શણગારના અનેક પદાર્થોમાં ફૂલોનો પણ સમાવેશ થયો છે. આ પ્રાકૃતિક પ્રસાધન વગર શણગાર અઘૂરો ગણાતો. એ કાળે સ્ત્રી-પુરૂષો ધૂંટણ સુધી પહોંચે એટલા લાંબા ફૂલોના હાર પહેરતા. કેટલીકવાર ફૂલની જગ્યાએ કિંમતી રત્નોનો ઉપયોગ કરવામાં આવતો. અલંકારમાં સોનાના કંદોરાની જગ્યાએ ફૂલોના કંદોરાનું પણ વર્ણન મળે છે. સ્ત્રીઓ કેસરપુષ્પની સાથે તેનાં પાંદડાં પણ માથામાં નાખતી અને આભૂષણ તરીકે પહેરતી. કર્ણિકાર પુષ્પનો ઉપયોગ કાનના અલંકારની જગ્યાએ થતો, એમ ‘ઋતુસંહાર’માં નોંધાયું છે. આશ્રમવાસી સ્ત્રીઓ તો ફૂલોના જ શણગાર પહેરતી. શાકુંતલમાંથી મળતી માહિતી મુજબ એ કાલે ફૂલોનો શણગાર ગૂંથનારનો એક વર્ગ હતો. આવા શણગાર કરવામાં તે કુશળતા પ્રાપ્ત કરી બીજાને શણગારવામાં મદદરૂપ થતા. આ પ્રકારના ધંધાદારીઓ ‘પુષ્પલાવી’ને નામે ઓળખાતા.

પ્રાચીન સાહિત્યમાં વાળની શોભાની જેમ લલાટ-કપાળની શોભા વધારવાની પ્રથા જાણીતી હતી. કૃષ્ણની સખી રાધિકા કપાળે કસ્તુરીની બિંદી કરતી એમ જાણવા મળે છે. ચાંલ્લો સૌભાગ્યની નિશાની ગણાય છે. મોંની શોભા વધારવા અને આરોગ્યની દ્રષ્ટિએ પણ એનું મહત્ત્વ છે. કસ્તુરી અને કેસરનો ચાંલ્લો કરવાથી શરદીનો નાશ થાય છે. ચંદન, સુખડ વગેરે સાથે કેસર મેળવી ચાંલ્લો કરવાની પ્રથા જૈન મંદિરોમાં જોવા મળે છે. કામસૂત્રમાં વશીકરણ માટે તિલકને મહત્ત્વ આપવામાં આવ્યું છે. ગોરોચન, હળદર વગેરે તિલક માટે ઉપયોગી માનવામાં આવે છે. પવિત્ર તીર્થોની માટી કે ચરણરજને લલાટે લગાડવાની પ્રથા પણ ક્યાંક ક્યાંક જોવા મળે છે. ભારતીય સૌંદર્યપ્રસાધનોની આવી વાતડિયું છે ભાઈ!

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!