અમદાવાદની પોળો

અમદાવાદ એ પોળોથી સુશોભિત એક અદભૂત મહાનગર છે. પોળો એટલે એક મકાન અને બીજા મકાનની વચ્ચે સુરક્ષિત અને એકબીજા સાથે હળીમળીને રહેતાં અને આંનદ કરતાં માણસો.  કહોકે સાચું જીવન જીવતાં માણસો !!!ઉત્સાહ, ઉમંગને ઉત્સવોને સારી રીતે માણતાં માણસો !!!! અમદાવાદની બેસુમાર ગરમી વચ્ચે પણ આ પોળો આપણને ટાઢકરૂપી આશ્વવાસન આપે છે. જાણે કે એ પોળો આપનામાં સમાઈ જવાં ના માંગતી હોય !!!! ઇતિહાસનો સંસ્પર્શ એટલે અમદાવાદની પોળો !!!!

અમદાવાદની પોળો 

અમદાવાદ એટલે ગુજરાતનું હાર્દ. અને અમદાવાદનું હાર્દ એટલે તેની પોળો. અમદાવાદના અસ્તિત્વની ઓળખ એટલે પોળો. આંબલીની પોળ હોય કે અર્જૂનલાલની પોળ, રતનપોળ હોય કે રાજા મહેતાનીપોળ, અમદાવાદની દરેકપોળમાં અમદાવાદનું હૃદય ધબકે છે. આ શહેર અંગે સારૂ-નરસુગમે તે કહેવાતું હોય પણ ખરાઅમદવાદને ઓળખવું હોયતો ચોક્કસ પોળમાં રહેવું પડે. પોળની સંસ્કૃતિ, તેની આકૃતિને ત્યાં વસતા લોકોના હૃદયમાં તમને મળનારી સ્વિકૃતિ એ અમદાવાદની સાચી ઓળખ બની રહેશે.

અમદાવાદના ઘરેણા સમી આ પોળો એ માત્ર કોઈ એકશહેર પુરતી, રાજ્ય પુરતી કે રાષ્ટ્ર પુરતી મહત્વ નથી ધરાવતી. યુનોએ અમદાવાદ શહેરની પોળોને ‘લિવિંગ હેરિટેઝ’ તરીકે નવાજી તેનું મહાત્મ્ય ગાન કર્યું છે.

પોળોનું ઉદ્દભવસ્થાન ઉત્તર ગુજરાત હોવાનું માનવામાં આવે છે. પાટણમાં પોળને ‘પાડા’ કહેવામાં આવે છે. અમદાવાદ વસ્યું તે પહેલાં પાટણ વસેલું હતું. બાદશાહ અહમદશાહે અમદાવાદની સ્થાપના કરી તે સમયે શરૂઆતમાં જે પોળમાં રહેવાનું મુહૂર્ત કર્યું, તે પોળ ‘મુહૂર્તપોળ’ તરીકે ઓળખાવા લાગી. હાલમાં માણેકચોક વિસ્તારમાં હાલમાં મુહૂર્તપોળ આવેલી છે. જોકે, મુસ્લિમ તવારીખમાં તેનું કોઈસમર્થન જોવા મળતું નથી. આવી જ રીતે આસમાની-સુલતાની કાળની પોળોની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. પોળ એ એવા મકાનોનો સમૂહ છે જેમાં એક જ જ્ઞાતિ, વ્યવસાય કે ધર્મથી જોડાયેલા લોકો સાથે રહે છે

સાબરમતી નદી કિનારે ૧૫મી સદીમાં અહમદશાહ નામના બાદશાહે અમદાવાદ શહેર વસાવ્યું. એક સમયે આ શહેર ભારતનું સર્વશ્રેષ્ઠ મનાતું હતું. અમદાવાદની સેંકડો પોળો જૂના ઈતિહાસની સાક્ષી આપતી આજે પણ મોજૂદ છે. કેટલીક પોળો તો પાંચસો વર્ષ જૂની છે!

આ પોળો બાંધવા પાછળ તેના એક વખતની સુલતાની કલ્પનાશક્તિ અને તેનું ભેજું રહેલું છે. આ પોળની રચના જ એવી રીતે કરવામાં આવી છે કે ૧૭૦૦થી ૧૮૧૮ની સાલ સુધી અમદાવાદ પર આવેલી રાજકીય, આર્થિક કે કુદરતી આંધીઓ શહેરને તારાજ કરી શકી નથી. ત્યારબાદ પણ ૧૮૧૯માં ધરતીકંપ થયો, ૧૮૬૮, ૧૮૭૫, ૧૯૨૭ અને ૧૯૭૧ માં પૂર આવ્યા, ૧૮૭૭માં ભયાનક આગ લાગી, ૧૮૯૯ની સાલમાં ભયાનક દુકાળ પડ્યો, ૧૮૯૬થી ૧૯૦૭ના સમયગાળા દરમિયાન પ્લેગનોચેપી રોગ ફેલાયો. ૧૯૧૮માં ફ્‌લુની બીમારી ફેલાઈ છતાં. આ બધી કુદરતી આફતો અમદાવાદ શહેરને તારાજ ન કરી શકી. બદલામાં બ્રિટિશ શાસનકાળ દરમિયાન આ શહેરે કેટલીક શહેન શાહી રસમો પણ અપનાવી લીધી.

અમદાવાદની પોળોની એવી તે શી વિશિષ્ટતા હશે કે આ ખીચોખીચ વસ્તી ધરાવતી અને એકબીજાની અડોઅડ ઊભાં રહેલા કાચા-પાંકા મકાનોવાળી પોળ આજે પણ અડીખમ છે. તેમજ વર્ષો જૂની પ્રણાલિકાને સાચવી રાખી છે.

પખાલી, પિંજારા, ચુનારા, સાળવી, પટવા, મોઢ, ભાટ, મહેતા, નાગર, માળી કે ધોબી વગેરે જાતિ-ઉપજાતિ પોતપોતાની જગ્યાએ સ્થાપિત થઈ અને તે જ નામે પોળ ઓળખાઈ. જેમ કે પખાલીની પોળ કે પટવા પોળ વગેરે. પોળોનાં નામકરણમાં કેટલીક વ્યક્તિઓનો ફાળો નાનો-સૂનો નથી.

જેઠાભાઈ, લાખા પટેલ, આકાશ શેઠ, હાજા પટેલ, કાનજી દિવાન, રાજા મહેતા, ધના સુથાર, હિંગોળક જોષી, ઘાશીરામ, જાદા ભગત, નવતાડ પઠાણ, ઘુસા પારેખ વગેરે નામો પોળના કે સમાજના વડા કે પોળ વસાવનારાનાં નામ ઉપરથી પોળો જાણીતી થઈ હશે.

શહેરની પોળના ઘરનું સ્થાપત્ય કે બાંધણી ઉત્તર ગુજરાતનાં ઘરો જેવી છે. પોળનું ઘર ‘ખડકીબંધ’ ઘર હોય છે. ઘરની બહારની બાજુએ ઓટલો જોવા મળે. મુખ્ય દરવાજા પછી ઢાળિયું આવે, જ્યાં ખાટલા જેવી વસ્તુઓ મૂકવા માટે કામમાં આવે. પછી હવા-ઉજાસ માટે ખુલ્લી જગ્યા ‘ચોક’ આવે.

વરસાદનું પાણી અહીંયા પડે. પછી પરસાળ આવે જેને લોકો ‘માંડી’ કહે છે. માંડી પછી વચ્ચેનો ઓરડો આવે, જેમાં પાણિયારું હોય. માંડીની બાજુમાં બેઠા બેઠાં રાંધી શકાય તેવો ચૂલો હોય અને ધૂમાડો બહાર નીકળી જાય તેવું ધુમાડિયું જોવા મળે. છેલ્લે અંદરનો ઓરડો આવે. છેલ્લી દિવાલે ભીતમાં હવા-ઉજાસ માટે બે નાનાં જાળિયાં હોય.

સુખી ઘરોમાં અને નાગરનાં ઘરોમાં હિંચકો જોવા મળે. ઘરનાં બારણાં અને તેની બારસાખ ઉપર કોતરણી જોવા મળે. બારસાખે ટોડલો ઝૂલતો હોય ક્યાંક વચ્ચોવચ સુંદર કોતરણીથી મઢેલો ચબુતરો હોય તો લગભગ બધે જ કલા કોતરણી વાળા દરવાજા,,થાંભલા અને ઝરૂખા હોય !!!!

પોળોમાં કેટલાક અમીરો રહેતા હોય તો તેને ‘ડેલો’ કહેવાતો
આ ‘ડેલો’ એટલે ધનવાન કુટુંબ જે મકાનમાં રહેતું હોય તેના આંગણમાં પ્રવેશવા માટે મોટા તોતિંગ લાકડાના દરવાજા હોય છે. જેને ડેલો કહે છે. આ ડેલામાં પ્રવેશો એટલે મોટું આગણું આવે. સામે ઘર હોય છે, જેમાં ત્રણેય બાજુએ પ્રવેશી શકાય તેવા દરવાજા હોય છે. ઘરની ઉપરના ભાગમાં પહેલે માળે બે રૂમ વચ્ચે અગાસી પડતી હોય છે. જેને ‘હવેલી’ કહે છે. અત્યારે એવી બહુ ઓછી પોળો અસ્તિત્વ ધરાવે છે, જેમાં હવેલી ધરાવતા મકાનની સ્થાપત્યકલા પણ અનેરી હોય છે.

પોળ એટલે જગ્યાની સંકડાશ પણ મનની મોકળાશ અને મનની વિશાળતા.
પોળ એટલે અપરિચિતોને પ્રણયથી પોતીકાં બનાવવાની જગ્યા.
પોળ એટલે ઈતિહાસ મન ભરીને પોતાનામાં સમાવી દેવાની જગ્યા.
પોળ એટલે અપાર ઠંડક અને કાળઝાળ ગરમીમાંથી મુક્તિ.
પોળ એટલે અલક -મલકની વાતોથી મન બહેલાવવાની જગ્યા.
પોળ એટલે વસુદૈવ કુટુમ્બકમની જીવતી જાગતી મિસાલ.
પોળ એટલે કાંકરીચાળાનું ઉદભવસ્થાન.
પોળ એટલે અંગ્રેજોને પણ પોતાની નાની યાદ કરાવતી જગ્યા
પોળ એટલે  સદાય હર્ષ અને અપાર ઉમંગ
પોળ એટલે સમૂહમાં વિદ્યાભ્યાસ માટેની એક ઉત્તમ સ્થળ
પોળ એટલે દ્વૈતમાંથી અદ્વૈત તરફ લઇ જતી એક અદભુત વિચારસરણી
પોળ એટલે આનંદ હેલી
પોળ એટલે ઉત્સવોને ઉત્સાહપૂર્વક મનાવતાં માનવીઓ
પોળ એટલે સ્થિરતા
પોળ એટલે સંસ્કારસિંચન
પોળ એટલે દ્રઢતા
પોળ એટલે  દિગ્મૂઢતા
પોળ એટલે અવાચક્તા
ટૂંકમાં
પોળ એટલે નરી અને નક્કર જીવંતતા

હવે પાછાં અમદાવાદની પોળોની વાતો કરીએ !!!!

સુલતાન અહમદશાહના સમયમાં જે પોળો હતી તે તેના મૂળ સ્વરૂપમાં તો આજે જ્વલ્લે જ જોવા મળે, છતાં એટલું જરૂર કહી શકાય કે પોળોની રચના પાછળ અમદાવાદની સ્થાપના કરનાર અહમદશાહે તેની કલ્પના શક્તિ વાપરી હતી. ગુજરાતની જૂના જમાનાની રાજધાની અણહિલવાડ પાટણને પણ ટપી જાય તેવી રીતે અમદાવાદને વિકસાવવાની અને તેને ગુજરાતનું અગ્રેસર શહેર બનાવવાની અહમદ શાહની મહત્ત્વાકાંક્ષા હતી. તેથી જ અમદાવાદની પોળોની રચના અને તેનાં નામો ઘણી રીતે પાટણની પોળોને મળતાં આવે છે.

ડૉ. કેનીથ ગિલિયને તેના પુસ્તક અમદાવાદ-ભારતીય શહેરી ઈતિહાસના અભ્યાસ’માં લખ્યું છે કે ભારતનાં બીજા શહેરોની માફક અમદાવાદ શહેરના લે-આઉટમાં પણ સામાજિક જૂથબંધીની અસર દેખાતી હતી.. ન્યાતજાતના ધોરણે પોળોની રચના મોગલકાળથી થયેલી છે. જો કે ઈતિહાસમાં ક્યાંય એવો ઉલ્લેખ નથી કે અમદાવાદ શહેરની શક્તિ અને સમૃદ્ધિને કારણે પોળોની રચના થઈ. ઈતિહાસકાર એમ. એસ. કોમિસેરિયટના પુસ્તક ‘સ્ટડીઝ ઈન ધી હિસ્ટ્રી ઓફ ગુજરાતમાં પણ આ બાબતનો કોઈ ઉલ્લેખ નથી. છતાં પોળોની ભુલભૂલામણી ભરી રચના અને તેની ખાસિયતો વિશેની વાતો અહમદશાહના મરણ પછી જ્યારે અમદાવાદમાં અંધાઘૂંધી ફેલાઈ ત્યારે પ્રસિદ્ધિ પામી. કેટલાક તો કહે છે કે આ અસલામતીભર્યા વાતાવરણને કારણે જ પોળોની વિશિષ્ટ રીતે રચના થઈ.

દરેક પોળમાં જાતિ અથવા ધંધા-વેપારના ધોરણે જ લોકો રહેતા હોવાથી. તેઓમાં વઘુ સંપ રહેતો ધાર્મિક કે સામાજિક તહેવારોની ઉજવણી વખતે વાણિયાઓની પોળ હોય તો પોળના બધાં લોકો ભેગા થઈ સમૂહ-ભોજન કરે ત્યારે ગરીબ વાણિયાનો ખર્ચ પણ ધનિક વાણિયા ઉઠાવી લેતા. પટેલોની પોળમાં પટેલો જ રહેતા. પછી કોઈ પટેલ નગોરી પોળમાં રહેવા જવા ઈચ્છે તો તેને પ્રવેશ મળતો નહીં. આમ દરેક પોળમાં રહેવા માટેનો પ્રવેશ તે જે જ્ઞાતિ કે જાતિની હોય તે જાતિની વ્યક્તિને જ મળતો. ન્યાતના આગેવાનો પોતાની પોળમાં કોને રહેવા દેવા, કેવી રીતે સંપ રાખવો વગેરે બાબતોની દેખરેખ રાખતા.

એવો નિયમ પણ રાખવામાં આવતો કે પોળમાં કોઈ ધનવાનના ઘરે વારે તહેવારે કોઈ પ્રસંગ હોય ત્યારે કે લગ્ન હોય ત્યારે પોળની દરેક વ્યક્તિને તેના ઘરે જમવાનું આમંત્રણ આપવું પડતું. જો પોળની કોઈ વ્યક્તિ મરી જાય તો તેની સ્મશાન યાત્રામાં પોળના દરેક પુખ્તવયની ઉંમરના પુરુષોએ ફરજિયાત જોડાવું પડતું. જો પોળની કોઈ વ્યક્તિ તેની મિલકત ગીરવે મૂકવા ઈચ્છતી હોય અથવા વેચવા ઈચ્છતી હોય તો તે ખરીદવાનો પહેલો હક્ક પોળની અંદરની વ્યક્તિને જ રહેતો. આવી દરેક નાણાકીય લેવડદેવડમાંથી બે ટકા ‘કમિશન’ બાદ કરી તે રકમ પોળના ભંડોળમાં જમા કરવામાં આવતું. જેને ‘કીટી’ તરીકે ઓળખવામાં આવતું. આ ભંડોળમાં એકઠી થયેલી રકમ પોળની દીવાલો, દરવાજા અને બીજું જરૂરી સમારકામ કરવા વપરાતી પોળના નિયમોનો કોઈ ભંગ કરે તો તેમ કરનાર પર દંડ લાદવામાં આવતો અથવા તેને પોળની બહાર કાઢી મૂકવામાં આવતો. જો દંડ લાદવામાં આવ્યો હોય તો જ્યાં સુધી દંડની રકમ ભરપાઈ ન થાય ત્યાં સુધી તે વ્યક્તિ તેના ઘરમાં દીવો કે ફાનસ સળગાવી શકતો નહીં તેમજ કોઈને આમંત્રણ આપી પ્રસંગ ઊજવી શકતો નહીં.

જેમ જેમ સમય પસાર થતો ગયો અને અંગ્રેજ શાસનકાળ દરમિયાન જે સલામતી મળી તે સમયે પોળની સંખ્યા ઝડપથી વધવા લાગી. શહેરના વિકાસ અને વસ્તીની સાથે સાથે પોળની સંખ્યા વધીને ચારસો ઉપર થઈ ગઈ. ૧૯મી સદીમાં ગુજરાતમાં લાંબો સમય વિતાવી ચૂકેલ અંગ્રેજ જ્હોન કિનલોચ ફોેર્બસે તેના પુસ્તક ‘રાસમાલામાં એ સમયના અમદાવાદના ઘરોની બાંધણી વિશે વિગતવાર ખ્યાલ આપ્યો છે.

ફોર્બ્‌સે લખ્યું છે કે અમદાવાદની પોળના બધા ઘરોની બાંધણી લગભગ સરખી દેખાતી. સાંકડા રસ્તા પરની બાજુએ ત્રણ પથ્થરના પગથિયાં કે લાકડાના પાટિયા મારેલા ઘરના પ્રવેશદ્વાર નજીક આવો એટલે પહેલાં ખડકી આવે. ત્યાર પછીના રૂમમાં તરત જ એક દાદરો (સીડી) બાજુની ભીંત પરથી ઉપર જતો હોય. આ દાદર પર એક બંધ-ઉઘાડ થાય તેવું બારણું હોય. એ દાદર ચઢી ઉપર જાવ એટલે મેડો આવે. તે મેડામાં વળી પાછી સીડી કી દાદર હોય. જ્યાંથી બીજે માળે આવેલા મેડામાં જઈ શકાય. ખડકીથી અંદર પ્રવેશો અને એક રૂમ વટાવો એટલે ખુલ્લુ પ્રાંગણ આવે, જેને ચોક કહેવાય. તેના એક ખૂણામાં જમીન પર પાણીની ટાંકી હોય તેમ જ પાણિયારું હોય. ક્યારેક તેની બાજુમાં જ નાની દીવાલો ઊભી કરી પાણિયારા ઉપર મંદિર અને રસોડાના જુદા વિભાગો પાડેલા હોય. ચોકમાં બીજા ખૂણે દીવાલને અડીને એક ઓટલા જેવું બનાવેલું હોય, જે લાકડાનું બનેલું હોય તો તે બેઠકને પાટ કહેતા. ચોકમાંથી પસાર થઈ આગળ જાવ એટલે પરસાળ આવે. આ પરસાળનો અમુકભાગ ઉપર છાપરાથી ઢંકાયેલો હોય અને બીજો ભાગ સૂર્યપ્રકાશ આવવા દેવા માટે ખુલ્લો હોય. આ ભાગનો ઉપયોગ મોટે ભાગે સ્ત્રીઓ કરતી હોય છે.

હું પોતે તો પોળમાં રહેલો નથી પણ મારાં ખાસમખાસ મિત્રો પોળોમાં રહેતાં હતાં એટલે મને પોળોની મહેમાનગતિ માણવાનો અવસર જરૂર પ્રાપ્ત થયો છે. એ માટે હું મારાં મિત્રોનો અવશ્ય આભારી છું. હું ધ્યાનથી પોળોને નિહાળતો અને હું અવાચક બની જતો !!!! પોળોમા સાચે જ સજીવનતા છે. કલા કારીગરી અને કોતરણી તો ખરી જ ખરી !!! આ પોળો એ આપણો સાંસ્કૃતિક વારસો છે એનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે !!!

અમદાવાદની પોળોમાં માત્ર અડોઅડ આવેલાં ઘરોમાં કળા કારીગરીને જીવંત કરવામાં વિમલ શાહનું નામ દઈ શકાય. ભીમદેવ રાજાના જૈન પ્રધાન વિમલ શાહે ૧૦૩૨ની સાલમાં આબુનું મંદિર બંધાવ્યું હતું. વિમલ શાહના પ્રપૌત્રોએ અમદાવાદમાં કેટલીક પોળમાં કલાત્મક રીતે ઘરો-બનાવ્યા. રાજવલ્લભ, પરિમાણ, મંજરી, બૃહતસિંહના શિલ્પશાસ્ત્ર જેવા પુરાણગ્રંથોમાં મંદિરો અને મહેલો બાંધવા માટે જે નિયમો હતા અને કારીગરીની વિગતો હતી તે પ્રમાણે પોળોમાં ઘરો બાંધવા માંડ્યા. દીવાલની ઊંચાઈ, બારી-બારણાની ઊંચાઈ અને બીજી ઝીણવટભરી વિગતોનું પોળોના ઘરો બાંધતી વખતે ઘ્યાન આપવા માંડ્યું. દાખલા તરીકે દીવાલની પહોળાઈને એક સરખા ચોવીસ ભાગમાં વહેંચી નાખવામાં આવે. જેમાં મઘ્યના ૧૪ ભાગોના બે ભાગ પાડવાના. તેમાં જાળી બેસાડીને બારી બનાવવાની એવી જ રીતે ઉપલામાળ અને પ્લીથ વચ્ચેની જગ્યાને નવ સરખા ભાગમાં વહેંચી નાખવાના, જેમાં એક ભાગ પીલરના પાયા માટે ફાળવવામાં આવતો, છ ભાગ કોલમ બાંધવા ફાળવવામાં આવે. બીજા બે ‘ઓવરહેડ બીમ’ બાંધવા માટે રાખવામાં આવતા.

૧૯મી સદીના મઘ્યભાગ સુધી પોળોમાંના ઘરો સ્થાપત્યકળાનો ઉપયોગ કરીને બનતા હતા. ઘરની આગળની દીવાલમાં લાકડાના સ્લેબની સાથે તડકામાં તપેલી ઈંટો ગોઠવવામાં આવતી હતી. પુરાણા અમદાવાદની ભવ્યતાની ઝાંખી કરાવે અને જૂની પોળોની યાદ અપાવે તેવા કલાત્મક ઘરો હવે ભાગ્યે જ રહ્યાં છે. કેટલાક ઘરો તૂટી ગયા છે તો કેટલાક વઘુ ઊંચા મકાન બાંધવા એકાદ-બે માળ ઉપર લેવા તોડી નાખવામાં આવ્યા છે. જો કે જૂનાં ઘરો કેવા હતા તેના નમૂના આજે પણ અમદાવાદના મ્યુઝિયમમાં જોવા મળે છે. આજે તો એવી ઝીણવટભરી કારીગરી કરે તેવા નિષ્ણાત માણસો પણ નથી અને પોળોમાં એવી ખુલ્લી જગ્યા પણ નથી. શિલ્પકળાનો ઉપયોગ હવે માત્ર મંદિરો પૂરતો જ સીમિત રહ્યો છે. જગ્યાનો અભાવ ઝડપથી વધતી જનસંખ્યા અને કારીગરોના અભાવને કારણે હવે પોળોમાં નવા ઘર બંધાય છે તે પણ સિમેન્ટ કોંક્રીટના જ હોય છે.

અત્યારે અમદાવાદની વસ્તી ૨૨ લાખની હોવાનું મનાય છે. પોળોની ગીચતા અને વસ્તીને આ જન સંખ્યાના આંકડા સાથે સીધો સંબંધ છે. કેટલીક પોળોમાં એકરદીઠ એક હજાર માણસો રહે છે. અકા શેઠની કૂવાની પોળ, જે અમદાવાદની મઘ્યમાં આવેલી છે તેમાં તો એકરદીઠ ૧૬૦૦ વ્યક્તિ રહે છે.
માંડવીની પોળમાં ૬૦,૦૦૦ વ્યક્તિઓ માટે પાણી, વીજળી અને ગટરની વ્યવસ્થા અમદાવાદની સુધરાઈ કેવી રીતે કરતી હશે તેનો ખરો અંદાજ આ પોળમાં એક લટાર મારીએ ત્યારે જ આવે.

માંડવીની પોળ અમદાવાદની સૌથી વઘુ ભૂલભૂલામણીભરેલી પોળ મનાય છે. આ પોળમાં હજુ પણ જૂના અમદાવાદની યાદ તાજી કરાવે તેવાં ઘરો છે. વસન શેરીની પોળ જે સરસપુર વિસ્તારમાં આવેલી છે. તે એક ધનવાન વણિક વેપારીની બાંધેલી છે. આ પોળ ૧૫૦ વર્ષ જૂની છે. મચ્છૂ મિયાનાં ખાંચાનું નામ જ પોળને અપાયું છે તે એ પોળના પ્રવેશદ્વાર પાસે વસતાં એકમાત્ર સજ્જન મુસ્લિમ નામ પરથી અપાયું છે. પોળમાં વસતા બધાં જ હિન્દુઓએ આ ઉદાર અને દયાવાન મુસ્લિમ બિરાદરના કામોને બિરદાવવા આ પોળનું નામ સોએક વર્ષ પહેલાં પાડયું હતું. અમદાવાદમાં પાડાની પોળ પણ છે અને લાંબી પાડાની પોળ પણ છે. પોળમાં વસતા એક માત્ર પાડાની પાછળ આ નામ અપાયું છે. તેમ કહેવાય છે દેડકાની પોળ એવું નામ જે પોળને અપાયું છે તે નામ પાછળનો ઈતિહાસ એવો છે કે એ પોળમાં આવેલા એક કૂવામાંથી ચોમાસામાં જ્યારે પોળવાસીઓ પાણી ખેંચતા હતા ત્યારે બાલદી અને ઘડામાંથી દેડકાઓ જ નીકળતા હતા.

વાઘણની આ પોળ નામ એટલા માટે પડ્યું કે એ પોળના પ્રવેશદ્વાર પાસે રહેતી એક સ્ત્રીએ અમુક ચોરો સામે એકલે હાથે લડત આપી હતી. આ સ્ત્રીના વાઘણ જેવા તેજ મિજાજને બિરદાવી પોળને વાઘણની પોળ એવું નામ અપાયું. કીજડાની પોળ નામ દોઢસો વર્ષ પહેલાં એ પોળમાં ઝરખ જેવી એક ખૂંખાર બીલાડી હતી તેના પરથી પડ્યું. એક પોળના પ્રવેશદ્વાર પાસે બે સુંદર મોટા લીમડાનાં ઝાડ હતા તેથી તો પોળનું નામ લીમડાની પોળ પડ્યું. આવી જ રીતે બસો પૂર્વે ભગવાન બુદ્ધને અર્પણ કરાયેલા પીપળારૂપે પોળના પ્રવેશદ્વાર પાસેના પીપડાના ઝાડ પરથી એ પોતાનું નામ પીપળાની પોળ પડ્યું આવી જ રીતે આમલીવાડ નામ પડ્યું.

સદમાતાની પોળ નામ પાછળ પણ રસિક કથા જોડાયેલી છે. કહેવાય છે કે આ પોળમાં વર્ષો પહેલાં માત્ર બારોટ જાતિના લોકો રહેતા હતા. એકવાર આ પોળ પર ગુંડાઓએ હુમલો કર્યો ત્યારે પોતાના જાતની પરવા કર્યા વિના ગુંડાઓ સામે લડત આપનાર અને પોળનાં બાળકોને ઉગારી લેનાર એક સ્ત્રી મૃત્યુ પામી. આ સ્ત્રીની વીરતાને બિરદાવવા તેની પાછળ મંદિર બંધાયું અને પોળનું નામ સદમાતાની પોળ રાખવામાં આવ્યું.

કાળુપુર વિસ્તારમાં આવેલી ઝાપડાની પોળમાં બસો વર્ષ પહેલાં ઉચ્ચ વર્ગના વણિકો જ રહેતા હતા. આ પોળમાં વાણિયાઓએ કુટુંબને આશરો આપ્યો હતો એટલું જ નહીં પણ તેના સત્કર્મોની યાદ પાછળ પોળનું નામ આ ઝાડુવાળા નામ પરથી પડ્યું હતું. કારીગરો અને કસબીઓની જમાતો જે પોળોમાં વસતી હોય તેવી પોળોમાં કથળી પોળ છે, જેમાં વર્ષો પહેલા માત્ર કાપડ પર ડિઝાઈનો કરનારા ‘ડાયર્સો’ રહેતા હતા. છાપાવાડ નામની પોળાં રાજસ્થાનથી આવેલા ‘બ્લોક પ્રિન્ટરો’ (છાપકામ નિષ્ણાતો) રહેતા હતા. સાળવીવાડમાં પટોળા, સાડીઓ વણનારા કારીગરો રહેતા હતા. પિંજારાવાડ કે રૂ પીંજનારા કારીગરો રહેતા હતા અને આજે પણ રહે છે. કુંભારવાડ નામની પોળમાં કુંભારો રહેતા હતા. અને આવી જ રીતે કડિયાવાડ છે, જેમાં કડિયાઓ રહેતા હતા. નાઈવાડાની પોળમાં હજામો રહેતા હતા. અમદાવાદને પાન પૂરાં પાડનારા તંબોળી જે પોળમાં રહેતા તેના પરથી પોળનું નામ તંબોળીવાડની પોળ પાડ્યું. આવી રીતે દેશભરમાં ટપાલસેવાની સમાંતરે સેવા બજાવતા આંગડીઆનો સમૂહ જે પોળમાં રહેતો હતો તે પોળ પણ આજે હયાત છે.

અમદાવાદમાં વઘુ પડતી રિક્ષાઓ છે તેનું કારણ એ જ છે કે અમદાવાદની વાંકીચૂંકીને સાંકડી પોળમાં રિક્ષા સિવાય બીજું કોઈપણ વાહન પ્રવેશી ન શકે. તેથી જ પોળમાં વસતા લોકો સાઈકલ કે સ્કૂટર જ વસાવે છે.

અમદાવાદના સીમાડા ભલે મણિનગર , આંબાવાડી, નારાયણપુરા, સાબરમતી આશ્રમની દિશામાં ચોતરફ વિકસે પણ જૂના અમદાવાદની યાદ તાજી કરાવે તેવી પોળો બીજા કેટલાંય વર્ષ સુધી મોજુદ રહેશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી !!!!

વહાલાઓ જે તે શહેરમાં આવી પોળોમાં એક વાર તો મહેમાનગતી માણજો જ માણજો !!!!

—————  જનમેજય અધ્વર્યુ

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!