અમૃતવર્ષિણી વાવ – પાંચ કુવા (અમદાવાદ)

અમદાવાદ જીલ્લામાં અને અમદાવાદ શહેરમાં પણ ઘણી વાવો આવેલી છે. અમદાવાદ જીલ્લામાં કેટલીક અજાણી વાવો પણ છે. કોઈને ખબર છે ખરી કે અમદાવાદમાં કુલ ૧૬ વાવો સ્થિત છે. અમદાવાદ એ ગુજરાતનું ઐતિહાસિક વારસાને જાળવી રાખતું અને વિકસાવતું અને સતત આગળ ધપતું શહેર છે. અમદાવાદ એટલે એક એવું શહેર કે જે પુરાણી ઈમારતોને જાળવીને જ નવાં બાંધકામો કરતુ શહેર અને એટલાં જ માટે અમદાવાદ એ ગુજરાતના અતુલ્ય વારસાને જાળવી રાખતું શહેર બન્યું છે. આપણે પહેલાં જ જોયું તેમ ગુજરાતમાં કુલ ૧૨૦ જેટલી વાવો સ્થિત છે. આ વાવો એ ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરે છે.

વાવ એટલે અહીં આવ
વાવ એટલે એક લગાવ
વાવ એટલે સંસ્કૃતિ સાથે સધાતું આપણું તાદાત્મ્ય

વાવ એટલે જીવતો જાગતો ઈતિહાસ
વાવ એટલે માણસના કલેજાને પડતી અપાર ઠંડક
વાવ એટલે ગુજરાતી ભાતીગળતા

વાવ એટલે પાણીના કકળાટમાંથી મળતી શાંતિ
વાવ એટલે ગરમીમાંથી મળતી મુક્તિ
વાવ એટલે ઇતિહાસની પ્રગતિ

વાવ એટલે કલાકારીગરીનો ઉત્તમ નમુનો
વાવ એટલે આપણી સમૃદ્ધ શિલ્પ સ્થાપત્ય કળા
વાવ એટલે વીતેલો ભવ્ય ભૂતકાળ

વાવાએટલે એ સમયની જાહોજલાલી
વાવ એટલે સુંદરતા

ટૂંકમાં ——-
વાવ એટલે લોક કલ્યાણ !!!

ગુજરાત એના સંસ્કૃતિક વારસા માટે જગપ્રસિદ્ધ છે. વાવોનો તલસ્પર્શી અભ્યાસ જ આપણને આપણા ભવ્ય ઇતિહાસની ઝાંખી કરાવે છે. આ તલસ્પર્શી અભ્યાસ જ ઇતિહાસનો દસ્તાવેજ બની રહેશે એમાં કોઈ જ શંકાને સ્થાન નથી. અભ્યાસ ત્યારે થાય જયારે તમને એમાં રસ જાગે. ખાંખાખોળા કરવાની વૃત્તિ હોય એ માટે ઘણું બધું વાંચવું પડે. ઘણી બધી જગ્યાએ જાતે જવું પડે. એ મુશ્કેલ નથી જ જો અમદાવાદમાં જ આટલી વાવો હોય તો એ બધે તો જઈ જ શકાય છે અને અમદાવાદ જીલ્લામાં પણ ઘણી વાવો સ્થિત છે અને અમદાવાદથી દૂર નહીં એવી જગ્યાઓએ પણ ઘણી વાવો આવેલી છે જે જોવાં જઈ શકાય છે અને એ જોવાં જવું જ જોઈએ કોઈએ પણ !!!

અતુલ્ય વારસાનું જો મંદિર માનીને દર્શન કરવામાં આવેને તો જીવનનો અમુલ્ય લ્હાવો બની રહેશે એની મને ખાતરી છે !!! આમ તો ગુજરાતનો આ વારસો આપણને છેક વેદકાળ કે રામાયણ-મહાભારતમાં લઇ જાય છે. એ સમયથી જ એ ચાલ્યો આવે છે અને સતત સાતત્ય સાધતો જ રહ્યો છે. એટલે એમ જરૂર કહી જ શકાય કે —- ગુજરાત એટલે પ્રાચીન અને અર્વાચીન શિલ્પ-સ્થાપત્યનું સંગમતીર્થ !!! આજે વિશ્વભરનાં પ્રવાસીઓ માટે આ લ્હાવો એ રસ અને કુતુહલનો વિષય બની રહ્યું છે. વર્ષભરમાં અનેક વિદેશી પ્રવાસીઓ આવા સ્થળોની મુલાકાત લે છે અને એ વિષે રસપૂર્વક જાણે છે અને એ જાણીને એ વિષે અન્યને વાકેફ પણ કરે છે અન્યોને એ રસ લેતાં પણ કરે છે. જે આપણે ગુજરાતીઓએ કરવું જોઈએ એ વિદેશી પ્રવાસીઓ કરે છે. જાગો ……. ગુજરાતીઓ ……… જાગો !!!

Amritavarshini Vav

પંચમહાભૂત જળ, વાયુ, આકાશ , ભૂમિ અને અગ્નિ વગર માનવજીવન શક્ય જ નથી. એમાં પાણી એટલે કે જળનું મહત્વ પણ ઘણું જ છે !!! એ સમયમાં પણ ગરમીનું પ્રમાણ પુષ્કળ હતું અને પાણીનો કકળાટ હતો !!! ગ્લોબલ વોર્મિંગ તો અત્યારે પ્રચલિત થયેલો શબ્દ છે. ગુજરાતના રાજવંશોને ભૂમિગત જળસંચયનો ખ્યાલ પહેલેથી જ આવેલો અને તેમણે આ એક વિચારને અમલમાં મુક્યો. દીર્ઘદ્રષ્ટિ તો એમનામાં હતી જ હતી. એમાં એ સમયની શિલ્પ્સ્થાપત્યની શૈલી અનુસાર એમણે આ વિચારને અમલમાં મુક્યો. રાજાઓ બદલાતાં ગયાં અને સમય વીતતો ગયો પણ વાવો બંધાવવાનું કામ ના અટક્યું તે ના જ અટક્યું. એના પરિણામ સ્વરૂપ આજે સમગ્ર ગુજરાતમાં ૧૨૦ જેટલી વાવો છે !!! પાણીના સંગ્રહની આ તદન નોખી પદ્ઘતિ વિશ્વભરમાં પ્રખ્યાત થઇ. આ અદ્વિતીય અને અદ્ભુત વાવો એ વાસ્તુકલા, સ્થાપત્ય અને કળા કામગીરી એમ ત્રિવેણી સંગમના અદ્‌ભૂત નમૂનાઓ કહી શકાય. એક તારણ તો એવું પણ છે કે ગુજરાતમાં બંધાયેલી સેંકડો પગથીયાવાળી વાવોમાંથી લગભગ ૨૫% વાવના બાંધકામમાં મહિલાઓનો ફાળો છે. જોકે આ વાવોનો ઈતિહાસ અને એની પ્રાપ્ત માહિતી અનુસાર એ વાતસાચી પણ છે જ !!!

ભારતનાં ૨ રાજ્યો એવાં છે જ્યાં વાવો વિપુલ માત્રામાં જોવાં મળે છે. આ વાવો ઘણાં બધાં કાર્યો એક સાથે કરતી હતી. એનાં ફાયદો અને ઉપયોગ બહુવિધ હતાં. મૂળ વાત એ છે કે —— ગુજરાત અને રાજસ્થાન એ બે રાજ્યો જ એવાં છે કે જ્યાં પગથીયાં વાળી અને બહુમાળી વાવો જોવાં મળે છે. એમાં પણ ગુજરાતે બાજી મારી લીધી છે એમાં કહેવું જરાય અતીશોક્તિ ભરેલું ના જ ગણાય. આવી વાવનાં ઘણાં ઉપયોગ થતાં હતાં. જે મેં અગાઉ કહ્યું જ છે તે સિવાયના ઉપયોગોની અહી વાત કરવાની છે. એ સમયમાં અને સમય દરમિયાન ગુજરાતમાં વિચરતી જાતિ વધારે હતી. તેઓ ક્યારેક રાજસ્થાનથી ગુજરાત આવતાં તો ક્યારેક ગુજરાતમાંથી રાજસ્થાન જતાં હતાં. આ જાતિને જો એક નામ આપવું હોય તો એક નામ જરૂર આપી શકાય ——- વણઝારા !!! બીજો એક ઉપયોગ એ જમાનામાં થતો હતો એ માત્ર રાજવીઓના શોખ પૂરો કરવાં માટે જ. તે એ હતો કે શિકાર કરવાં નીકળેલી રાજકુટુંબના વ્યક્તિઓની ટુકડીઓ અહી એટલે કે આ વાવોમાં વિસામો પણ કરતી હતી !!!

આ બધી વાત તો પુરુષોની થઇ તો મહિલાઓનું શું ? તે સમયની મહિલાઓ કઈ શિકાર કરવાં નહોતી જતી . જેમ સલમાનખાન સાથે નીલમ અને સોનાલી બેન્દ્રે ગઈ હતી એમ જ સ્તો !!! ગુજરાતની મહિલાઓ એ પણ આ વાવોનો ભરપુર લાભ લીધો છે. આજે જેમ મંદિરોમાં મહિલાઓ એકબીજાનાં હાલચાલ છે અને સંબંધો વધારે છે. એકબીજાના ચોકઠાં ગોઠવે છે તેમ આ વાવોમાં પણ બનતું હતું !!! આ વાવો તો અમુક મહિલાઓને મન એમનું પિયર જ બની ગઈ હતી. પાણી ભરવા આવતી મહિલાઓ એ જીવનભરણા સંબધનું ભાથું લઈને જતી હતી. જળ સંબંધિત આ ઐતિહાસિક વિકાસગાથાના આપણે સાક્ષી બની શકીએ તો વાધારે સારું છે !!!

કાળક્રમે અંગ્રેજોનાં આગમનને કારણે આ વાવોનો મૃત્યુઘંટ વાગી ગયો. ખોબો ભરીને પાણી પીવાની કળા અસ્ત થઇ ગઈ અને એની જ્યાં સાંકળે બાંધેલા સ્ટીલના પવાલાઓએ લઇ લીધી. આ ગોબો પડેલાં કટાયેલા પવાલાઓ પણ આજે એમ કહેતા ફરે છે અમને આ જંજીરમાંથી મુક્ત કરો તો સારું !!! ખેર …….. આ તો થઇ વાવોની વાતો !!! એક વાત ઊંડીને આંખે વળગે એવી એ છે કે આ બધી વાવો એક સીધી રેખામાં બંધાયેલી છે મહદઅંશે. જે આજે રાષ્ટ્રીય ધોરીમાર્ગ કે ગામ-નગર-કે શહેરના મુખ્ય રસ્તાઓ પર જ સ્થિત છે. પણ બધે સાવ એવું જોવાં નથી એ પણ એક હકીકત છે. આ માર્ગો તે સમયે પણ પ્રચલિત હતાં અને આજે પણ છે જ આ હકીકતને નજરઅંદાજ કરી શકાય એમ નથી !!!

પાટણ- હિંમતનગર -મહેસાણા -ઇડર – શામળાજી -મોઢેરા – ઉવારસદ – અડાલજ -અસારવા અને આ પાંચકુવા. આ સીધોસટ રસ્તો જ છે જેમ ૫-૧૦ કિલોમીટરે એક ગામ આવે અને બસ ઉભી રહે કે એકાદ ફ્લાયઓવર બંધાય. એમ આ વાવો પણ એટલાંજ અંતરે બંધાતી હતી અસારવાથી પાંચકુવાનું અંતર કેટલું ? ૩-૪ કિલોમીટર જ થાય !!!

આ પાંચકુવા એ શબ્દ જ દર્શાવે છે કે એક જમાનામાં અહી પાંચ કુવાઓ હતાં. કાળક્રમે એ નષ્ટ થાતા ગયાં અને બચ્યું શું. પાંચકુવા દરવાજા અને આ અમૃત વર્ષિણી વાવ. આ વાવ પણ કદાચ એક જમાનામાં આ કુવાઓનોજ એક હિસ્સો હશે એમ માનવું જરાય ખોટું નથી !!!

અમૃતવર્ષિણી વાવ-——

આ નામ જ દર્શાવે છે કે એનું પાણી અમૃત જેવું હતું અને કદાચ એ વરસાદી પાણીનું સંગ્રહસ્થાન હતું અને એટલાંજ માટે આનું નામ અમૃતવર્ષિણી વાવ પડયું હશે કદાચ. કદાચ એ કોઈ સ્ત્રીનું નામ પણ હોઈ જ શકે છે પણ એવું નામ એ જમાનામાં બહુ પ્રચલિત નહોતું કારણકે આ સમયે અહી મોગલ સુબાઓનું રાજ્ય હતું અને મરાઠા શાસનો સુર્યાસ્ત થયો હતો. વાવો વધારે બની છે સોલંકીયુગમાં અને પછી મહમૂદ બેગડાના સમયમાં ત્યાર પછીનો ઈતિહાસ જોઈએ તો કોઈ મહાન રાજાઓએ વાવો બંધાવી નહોતી. ૧૫મી સદી પછી જેટલી પણ વાવો બની છે તે રાજઘરાનામાં કામ કરતી બાઈઓ કે પુરુષોએ બનાવી છે. એમ કહ્યું હશે કે —-“હું વાવ બંધાવું છું તમે મને મદદ કરશો ને”

“સારું તેં મારી આટલી સેવા કરી છે તો લોકકલ્યાણનું પણ થોડું કામ કરી લે હવે !!! પૈસાની મદદ હું કરીશ જા !!!” કામ કરતી બાઈઓ કે પુરુષો પાસે આટલાં પૈસા ના હોય એ સ્વાભાવિક જ છે. કદાચ હોઈ પણ શકે છે કોણ જોવાં ગયું હતું તે !!! જો કે એ વાત અમૃતવર્ષિણી વાવની બાબતમાં સાચી પડતી લાગતી નથી. ગુજરાતની વાવોના ઇતિહાસમાં ૧૭મી – ૧૮મી સદીમાં બનાવેલી વાવોમાં આનું નામ સૌથી ઉપર છે.

Amritavarshini_Vav_(Stepwell)_14

અમૃતવર્ષિણી વાવને ઘણાં લોકો પંચકુવા વાવ કે પાંચકુવા વાવ તરીકે ઓળખે છે. ‘પંચકુવા’ શબ્દ પાંચ કુવાઓનો ઉલ્લેખ કરે છે. કદાચ પંચકુવા દરવાજાના નજીકમાં પાંચ કૂવા હતા. એક એકલી જ વાવ આજે રહેલી-બચેલી છે. જે આ દિવાલોવાળા શહેર દરવાજાઓની આજુબાજુ આવેલું છે. જે લાગે છે કે તે એક ચુસ્ત રીતે દરવાજા સાથે જોડાય છે. અમદાવાદના દિવાલોવાળા શહેર દરવાજા ની એકની આ નજીક હોવાને કારણે, એ સંપૂર્ણપણે શક્ય છે કે અમૃતવર્ષિણી વાવ આ દિશામાં શહેરમાં પ્રવેશતાં – દાખલ થતાં મુસાફરોના ફાયદા માટે બનાવવામાં આવી હતી. તેમનાં માટે, વાવનું પાણી અમૃત સમાન હતું, તેથી નામ અમૃતવર્ષિણી પાડવામાં આવ્યું છે.

આને પંચકુવા વાવ પણ કહેવામાં આવે છે. આ વાવને ઘણીવાર સલામતીના કારણે તાળું માંરાયેલું છે. જે પરિવારની આગળની બાજુએ (અને તેમાં રહે છે) પરિવારની કસ્ટડીમાં છે. વિનંતી પર, દરવાજો ખોલવાં માટે સભ્ય-પ્રવાસી કાકલુદી કરે છે ત્યારે જ તે ખોલવામાં આવે છે. વાવની ભૂમિગત ઊંડાણોમાં ચાલવું એ લાભદાયી પુરવાર થાય છે !!!

શરૂઆતમાં જોઈએ તો આ વાવ રાજ્યનાં અનેક બાંધકામોથી જુદું તરી આવે છે. એનું એક કારણ એ પણ છેકે દેખાવમાં આ વાવ એક સીધીસાદી વાવ છે. બીજું એ કે આ વાવ “L” શેપમાં બનેલી છે એટલેકે ૯૦ અંશના ખૂણે -કાટખૂણે !!! આવી વાવ બીજે ક્યાંય નથી બની જે કાટખૂણે બનેલી હોય !!! તેમાં પગથીયાં બહુજ છે. તેની સ્તંભો અને કેટલીક કોતરણીવાળી કોલાઓ સાથે જોડાયેલાં છે. જેણે આપણે ગોખ કહીએ છીએ. જો આ નિશાની અંદર કોઈ શણગાર હોય તો આ લાંબા સમયથી ચાલ્યા ગયા છે. સ્તંભો મોટે ભાગે ભૌમિતિક અને ફૂલોની કોતરણીથી સજાવવામાં આવેલાં છે !!!

તે વાવમાં પગથિયાં જ્યાં પૂરાં થાય છે ત્યાં અંતમાં છે ત્યાં વસ્તુઓ બદલાઈ જાય છે – શાબ્દિક રીતે. સ્ટેપવેલની ઊંડાણોમાં પસાર થવાથી અનપેક્ષિત રીતે ડાબી તરફ વળે છે લગભગ દસ ફૂટ પગથીયાં ઉતર્યા પછી એક અચાનક અંત આવે છે. એની બધી શાફ્ટ પર. ધ્યાનપૂર્વક જોઈએને તો ઉપરના ભાગમાં એક માળખું જોવામાં આવે છે. લાકડાનું કોતરણીકામ કે જેના પર દોરડું હતું અને બાલટી લોકોને પાણી ખેંચી શકતાં હતાં. એ દોરડું ગાયબ થઇ ગયું છે. આ વાત આપણને ગામડાની યાદ અપાવે છે. જ્યાં સ્ત્રીઓ ગામના કુવામાંથી દોરડા વડે પાણી ખેંચતી હતી. આ વાવને એટલે જ એક કુવાના સ્વરૂપમાં બનવવામાં હતી. જેણે વાવ પણ કહી શકાય અને કુવો પણ !!! એટલે જ એ બીજાં કરતાં નોખી તરી આવે છે. આ પદ્ધતિ લાંબા સમયથી દુરુપયોગમાં છે. ડાબી બાજુના વળાંકનું કારણ અસ્પષ્ટ છે. શું વાવને બાંધનારાઓ પાણીની સ્ત્રોત તરફ વળેલી આવશ્યકતાને કારણે જલધારા તરફના પગલાને ખોદવા માટે ગણતરી ભૂલ કરે છે? અથવા તે એક ઇરાદાપૂર્વકની ડિઝાઇન હતી?

જોકે આ બધી તો છાપાળવી વાતો છે એમનું તો કામ જ છે આવા પ્રશ્નો કરવાનું ? જે છે તે સરસ જ છે અને અદભૂત પણ !!!! નોખી -અનોખી વાવોને લીધે જ આજે ગુજરાત અતિસમૃદ્ધ છે એ વાતનો અસ્વીકાર થઇ શકે એમ જ નથી !!! આ પ્રશ્નોને અનુત્તરિત રાખવામાં આવે છે અને એ અનુત્તર રહે એમાં જ આપણી ભલાઈ રહેલી છે !!!પરંતુ આ વાવનું એલ આકારનું માળખું ગુજરાતના પાણીના વારસાના ઉદાહરણોમાં ભાગ્યે જ જોવા મળે છે !!!

1280px-Amritavarshini_Vav_(Stepwell)_4

અમૃતવર્ષિણી વાવનો ઈતિહાસ ———

આ વાવ એ રઘુનાથદાસનામના દિવાન જે તે સમયનાં મુઘલ સુબા -ગવર્નર હૈદર કુલીનખાનના દીવાન હતાં તેમણે બંધાવી હતી એનો સ્પષ્ટ ઉલ્લેખ વાવમાં પર્શિયન અને સંસ્કૃતમાં માં કોતરાવેલા શિલાલેખ પરથી આવે છે. આ શિલાલેખ બહુજ મોટાં અક્ષરોમાં અંકિત થયેલો છે. આ વાવ એ પથ્થરોની બનેલી છે. આ વાવ એ ત્રણ માળની છે અને એ ૫૦ ફૂટ ઊંડી છે. આ વાવ એ ઇસવીસન ૧૭૨૩માં પૂર્ણ થઇ હતી એને બાંધવાની શરૂઆત ઇસવીસન ૧૭૨૧ -૧૭૨૨માં કરવામાં હતી. જયારે કેટલાંક લોકો એને ઇસવીસન ૧૭૭૯માં બનેલી માને છે. આ સાલવારી વિષે ઘણી બધી જગ્યાએ ખોટી માહિતી જ ઉપલબ્ધ છે પણ એના શિલાલેખ પ્રમાણે એ ૧૭૨૩માં બની હતી એમ માનીને જ ચાલવું જોઈએ દરેકે !!! આ વાવ દેખાવમાં બહુજ સીધી સાદી છે. એની એક જ ખાસિયત એટલેકે ખૂબી એ છે કે એ કાટખૂણે બનેલી છે. આ વાવમાં બહુ શિલ્પો કે કોતરણી તો નથી પણ ગોખ જરૂર છે. આ વાવમાં સીધેસીધું નીચે જઈ શકાતું નથી. કહેવાનું તાત્પર્ય એ કે આ એક કુવો જ છે જેણે વાવ બનાવીને સજાવવામાં આવ્યો છે.

આ વાવ એ લોકકલ્યાણઅર્થે જ બનાવવામાં આવી હતી અને તે સમયના હિંદુ- ઇસ્લામિક સ્થાપત્યકલાનો ઉત્તમ નમુનો છે. આ વાવને રક્ષિત કરાઈ ઇસવીસન ૧૯૬૯માં અને ઇસવીસન ૧૯૯૯માં અને એને પછી રક્ષિત ઘોષિત કરી ૨૦૦૪માં. અમદાવાદના ભરચક વિસ્તારમાં આ વાવ અત્યારે સ્થિત છે. અરે એટલે સુધી કે એની આજુબાજુ જે મકાન બન્યાં છે એની બહારજ આ એલ શેપમાં આ વાવ છેએક મકાનને બિલકુલ અડીને જ આ વાવ આવેલી છે. ખાસ કોઈ પ્રભાવ નહિ પાડનારી આ વાવ એનાં કાટખુણીયા આકારને લીધે જ અતિપ્રસિધ થઇ છે. આમ તો આ વાવ જોવાં કોઈ જતું નથી. અત્યારે કચરાનો ઢેર બની ગઈ છે. જયારે ત્યાં જાઓ ત્યારે એમાં વસતાં કબૂતરોને પણ એમ લાગશે કે —— હાશ અમને પણ મળવાં આખરે કોઈ આવ્યું ખરું !!!

રક્ષિત સ્મારકો જ સ્વચ્છતા માંગી લે છે એનો અ જીવતોજાગતો પુરાવો છે. આ વાવ જો કોઈ શોધીને જઈ શકે તો જઈ આવજો પાછાં !!! જો જડે તો તમારાં નસીબ બીજું શું !!!

———- જનમેજય અધ્વર્યુ.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!