✍ બોરસદની વાવ ✍

ગુજરાત રાજ્ય તેનાં ઐતિહાસિક સ્મારકો, મંદિરો અને ખાસ કરીને વાવો માટે જાણીતું છે. આ વાવો શા માટે બંધાતી હતી કે એનું પાણી શામાં ઉપયોગમાં લેવાતું હતું ?

વાવનું પાણી ૩ કાર્યો માટે ઉપયોગમાં લેવાતું હતું.

  1.  પીવાં માટે
  2.  નહાવા માટે અને
  3.  સિંચાઈ માટે એટલે કે ખેતી માટે

આમ જોઈએ તો આ વાવો બાંધવાનો હેતુ અને ઉપયોગ પાણીનાં સંગ્રહસ્થાન માટે જ થતો હતો. જે જરૂર પડે ત્યારે ઉપયોગમાં લઇ શકાય. આ વાવો સફળ એટલાં માટે રહી કે એના પાણી પર સુર્યપ્રકાશ સીધો પડતો નથી એટલે કે એનું પાણી બાષ્પીભવન થઇ ઉડી નથી જતું !!! આ હેતુસર જ ગુજરાતમાં કુલ ૧૨૦ જેટલી વાવો બાંધવામાં આવી.

લગભગ ૭ મી સદીથી તે ૧૯મી સદી દરમિયાન આ વાવો બંધાઈ છે. જે એના હેતુ માટે તો સફળ રહી જ રહી પણ શિલ્પ-સ્થાપત્ય કળાનો એક ઉત્તમ નમુનો પણ બની. ગુજરાતની શિલ્પ સ્થાપત્ય કળા આ વાવોમાં સોળેય કળાએ ખીલી ઉઠી છે. એક રીતે તો આ વાવો સાંસ્કૃતિક વિકાસગાથા જ બની ગઈ છે. જેનો ઊંડો અને તલસ્પર્શી અભ્યાસ આવશ્યક છે. જે માહિતી જોઈએ છે મળતી નથી અને જે માહિતી પ્રાપ્ત છે એ પર્યાપ્ત નથી. આપણે ત્યાં જાતે જોઇને જોઈએ તો જ કૈંક ખબર પડે. જોઈએ એટલે એક અનુભૂતિ અવશ્ય થાય છે આપણને !!! પણ એના બાંધકામ વિષે આપણને પુરેપુરી માહિતી મળતી જ નથી માત્ર એટલું કહી શકાય કે અમે આ વાવ જોઈ છે!!!

barsad vav 3

 

આપણે એક વાત ભૂલી ગયાં કે એ સમયે માત્ર પાણી પીને તરસ છીપાવવી એ પુરતું નથી હોતું. જો ન્હાવાને પ્રાધાન્ય આપીએ તો એ સમયના ઘણાં તળાવો હતાં કે જે આજે ખંડેરો બની ગયાં છે. જેમાં પાટણનું સહસ્રલિંગ તળાવ , વિરમગામનું મીનળસર તળાવ, વડનગરનું શર્મિષ્ઠા તળાવ વગેરનો સમાવેશ થાય છે. કેટલાંય એવા કુંડો પણ છે જ્યાં નાહી શકાય છે. જો માત્ર પીવાના પાણી માટે જ વાવો બંધાતી હોત તો રાણકી વાવ બાંધવાની જરૂર જ ના પડી હોત ને!!! કારણકે રાણકી વાવ પણ ૧૧મી સદીમાં બંધાઈ હતી અને એનાથી નજીક જ અને પાટણમાં આવેલું સહસ્રલિંગ તળાવ એ પણ ૧૧મી સદીમાં જ બનેલું છે. જેનો હેતુ સિંચાઈ અને ખેતી માટેનો હતો. આ સહસ્રલિંગ તળાવ માં પાણી ટકતું નહોતું એવી એક દંતકથા છે અને એની ખામી દૂર કરવાં જ કદાચ આ રાણકી વાવ બંધાઈ હોય એવું પણ બને !!! અને આજે રાણકી વાવ જેટલી જગમશહુર થઇ એટલું આ સહસ્રલિંગ તળાવ જગમશહૂર નથી થયું એ પણ એક હકીકત જ છે. એ વખતની સિંચાઈ યોજનામાં આ વાવો અગત્યનો ભાગ ભજવતી હતી.

અલબત એ સમયે શેની ખેતી થતી કે શેનો પાક વધારે ઉગાડવામાં આવતો હતો તે મહત્વનું છે હએ વિષે કોઈનેય કશી જાણકારી પ્રાપ્ત નથી થઇ શકી હજી તો !!! ખેર વાવ એ વાવ છે અને તળાવ એ તળાવ છે અને કુંડ એ કુંડ છે એ વાત તો આપણે સ્વીકારવી જ રહી. નિર્માણની દ્રષ્ટિએ આ વાવો બધાં કરતાં ચાર ચંદરવે ચડી જાય છે એમાં કોઈ જ પ્રશ્ન જ નથી.

barsad vav

ગુજરાતની વાવોની નામોના લીસ્ટમાં ઘણી જાણીતી અને અજાણી વાવોનાં નામ છે. એમાં એક વાવનું નામ જ નથી લેવાતું એ છે —— બોરસદની વાવ. આ વાવ નગરની વચ્ચે છે. આજુ બાજુ રહેણાંક અને મંદિર છે એટલે આ વાવ બાંધવાનો હેતુ કદાચ માત્ર પાણી પીવા માટે કે ગામ-નગરનાં લોકોને પાણી પૂરું પાડવા માટે જ એ બંધાવી હોય એવું મારું તો ચોક્કસપણે માનવું છે !!! કારણકે નગર મધ્યે તો ખેતી તો શક્ય જ નથી કદાચ એ જમાનામાં આ ખુલ્લાં ખેતરો હોય એવું બની શકે પણ ત્યાં માણસોની વસ્તી પણ હતી. કોઈ ગામ કે શહેર ખસતું ખસતું આ આ બાજુ આવીને વસ્યું ના હોય !!! સ્થળાંતર માણસો કરે કંઈ ગામ કે શહેર નહીં !!! બીજી વાત એ કે આ વાવ એ કંઈ ૧૦૦૦ વર્ષ જૂની નથી. એ માત્ર ૫૨૨ વર્ષ જ જૂની છે !!! આ માત્ર ૫૨૨ જ વર્ષોમાં એ ખેતરો મટીને નગર બને એ હું માનતો નથી. નગર એ ત્યાં જ હતું આજે ત્યાં છે એમ જ અને વાવ પણ ત્યાં જ હતી જ્યાં આજે છે ત્યાં જ !!!

આ વાવ આજે પોતાનાનું અસ્તિત્વ ટકાવી રાખવાં માટે ઝઝૂમી રહી છે એ એનાં ભવ્યાતિભવ્ય ઇતિહાસનો એક ભાગ જ છે. ગુજરાતની લગભગ દરેક વાવો એકબીજાથી જુદી પડે છે એનું કારણ એ છે કે દરેક વાવો જુદા સમયમાં અને જુદા માણસો દ્વારા બનાવવામાં આવી છે. અલબત્ત ખૂબીની વાત એ છે કે એ દરેકના નિર્માણ સમયે એ સ્થાપત્યકલાનો ઉત્તમ નમુનો બની રહે એની ખાસ તકેદારી રખાઈ છે !!! એટલે જ આજે આ વાવો આપણી ધરોહર બની ગઈ છે !!!

ક્યારેક કયારેક પાણી માટેનો સંઘર્ષ અને કકળાટ જ આવી વાવોના નિર્માણ માટે કારણભૂત બનતો હોય છે. પાણી સાથે સંકળાયેલ કોઈ માળખું હોવું અત્યંત આવશ્યક છે. એ મલકને જો વધુ આકર્ષક અને દર્શનીય બનાવવામાં આવે તો લોકો પણ ખુશ અને ત્યાં આવનારાં મહેમાનો અને પર્યટકો પણ ખુશ !!! શિલ્પ સ્થાપત્યના ઉત્તમ નમુના રૂપ આ વાવ એ લોકોને આકર્ષે જ આકર્ષે !!! આ માળખાને એક આખરી ઓપ આપવો અત્યંત આવશ્યક છે અને કૈંક જુદું કરવું એ પણ એનાં નિર્માણકારનાં મનમાં હોય છે !!! આ માળખું વધુ રસપ્રદ ત્યારે જ બને છે !!! બોરસદ નગરનાં હાર્દમાં જ આ વાવ સ્થિત છે એનું કોઈ નામ અહીં નથી અપાયું માત્ર બોરસદની વાવ તરીકે જ ઓળખાય છે એ !!!

barsad vav 4

આ વાવની એક ખાસિયત એ છે કે — આ વાવ બહારથી જોતાં એક કિલ્લો કે કિલ્લાની દિવાલ જ લાગે છે. મુલાકાતીઓને આશ્ચર્ય પમાડે તેવું આ બાંધકામ છે. આમ તો બહારથી એ નાનકો ગઢ જ લાગે છે !!!દિવાલોની મજબૂતાઈ સંભવતઃ અગાઉના દિવસોમાં સંસાધનોનું પાણી કેટલું મૂલ્યવાન હોવાનું માનવામાં આવે છે તે સૂચક છે. તે હવે કોઈ મૂલ્યવાન નથી, સિવાય કે આપણે તેને લાયક માન આપતાં નથી.. એનું દરવાજાવાળું મોટું પ્રવેશદ્વાર જ એ વાતનો પુરાવો છે કે તમે કોઈ ગઢમાં પ્રવેશ કરતાં હોય એવું લાગે. એની આજુબાજુની દિવાલો જમીનને જકડી રાખતી હોય એવું લાગે છે. ગુજરાત રાજ્યમાં ઘણી વાવો એના સ્થાપત્યકલાના ઉત્તમ નમુના માટે જાણીતી છે પણ એ બધી વાવોમાં આ બોરસદની અદભૂત વાવનો ક્યાંય ઉલ્લેખ જ નથી !!!

વાવના પ્રથમ માળમાં એક શિલાલેખ છે એ તેનાં પ્રાચીનકાળની ચોક્કસ માહિતી આપે છે કે આ વાવ કેવી રીતે બંધાઈ હશે તે ? પ્રાપ્ત માહિતી અને ત્યાં જે લખેલું છે એ મુજબ આ વાવ વાસુ સોમ નામના માણસે બંધાવી હતી તે અને તેમનાં પરિવારના ઘણાં સદસ્યોના નામનો અહીં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે !!! શિલાલેખ મુજબ, માળખું વાસુ સોમ નામના માણસ દ્વારા આ વાવ બનાવવામાં આવી હતી. તેમનાં નામ, તેમના પરિવારના ઘણા સભ્યો સાથે અહીં ઉલ્લેખ કરાયેલો જ છે.

એમાં જે નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે આ પ્રમાણે છે. સ્તંભતીર્થનો રહેવાસી વાસુ સોમ જે લલત જાતિનો હતો. જેનો દિકરો વાસુ ખેત. એનો બીજો દિકરો વાસુ પ્રભાત અને એનો પણ દિકરો વાસુ શ્રીપાલ અને એનો જ દિકરો થાય આ વાસુ સોમ. વાસુ સોમના અન્ય દિકરાઓ વાસુ ધર્મશ્રી અને એનો દિકરો નરસયજ્ઞ અને એનો દિકરો વાસુ શ્રીરંગ એનાં ભાઈઓ રૂપ અને શ્રીપાલ. વાસુ સોમનાં અન્ય દિકરાઓ વાસુ વીકા, વાસુ સાગર વાસુ માણિક, વાસુ સાઈરા અને આર્કિટેક્ટ વર્દે ગા નાર્બાડનાં નામો મુખ્ય છે. જો કે કેટલાંક લોકો વાસુની જગ્યાએ વાસ એવો પણ ઉલ્લેખ કરે છે. ખેર નામ જે હોય તે હોય પણ આ વાવા વાસુ સોમે બંધાવી હતી તે હકીકત છે !!!!

સંસ્કૃતમાં લખાયેલાં આ શિલાલેખ મુજબ તેનું બાંધકામ વિક્રમ સંવત ૧૫૫૩ એટલે કે ઈસવીસન ૧૪૯૭માં બંધાઈ હતી. ઠીક અડાલજની વાવ અને દાદા હરિની વાવના નિર્માણ કરતાં ૨ વર્ષ પહેલાં !!! આ વાવનું નિર્માણ આ સાલમાં શ્રાવણ મહિનાની વદની તેરસે રવિવારે પૂર્ણ થયું કે બાંધવાની શરૂઆત કરી હતી આ બાબતમાં કોઈ ચોક્કસ માહિતી નથી મળતી !!!!

borasad

આ વાવની વિશેષતા ————-

વાવ પાંચસો વર્ષથી વધુ જૂની છે. તેની ઊંડાઈ એટલેકે ગહેરાઈ સુધી પહોંચવા માટે, તેર કમાનો પસાર કરવાની જરૂર પડે છે આ તેર કામનો સીધી અને અત્યંત આકર્ષક અને સુંદર છે. આ કમાનોમાથી સીધું જુઓને તો એક થર્ડ ડાઈમેન્સન વ્યુ જરૂર મળે છે. જે ફોટોગ્રાફીની કળા માટે ખુબજ સરસ અને મજાનો છે આજ એની ખાસ વિશેષતા છે. ગુજરાતમાં કે અન્ય રાજ્યોમાં ૭થી ૧૦ કમાનો જોવાં મળે છે જ્યારે આ બોરસદની વાવમાં ૧૩ કમાનો સુંદર કોતરણી વાળી છે. આ વાવ સાત માળની છે. એની કમાનો અને આજુબાજુની દિવાલો પર પથ્થર પર કોતરણીના રૂપમાં શણગારના નિશાન જોવા મળે છે. ભૌમિતિક પેટર્નની સામાન્ય રૂપરેખા છે. એક બાજુ દિવાલ માં બાંધવામાં એક વિશિષ્ટ જીવન એક વૃક્ષ દર્શાવે છે. અન્ય વિશિષ્ટ સ્થળે હિંદુ ચિહ્નો છે જે હિંદુ માન્યતા પ્રમાણે અસ્પષ્ટ છે—– તદ્દન ભિન્ન જ છે !!!

barsad vav 2

વાવનાં મુખ્ય દ્વારની બહાર વાદળી બોર્ડ તેને રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરેલુ છે તે દર્શાવે છે. આ વાવને ઉપરથી જાળી વડે ઢાંકી દેવામાં આવી છે
અને અંદરથી અને બહારથી તેને સ્વચ્છ રાખવામાં આવે છે. પહેલાં લોકોની અવરજવર અહી બહુ ઓછી હતી પરંતુ હવે શહેરનાં કેટલાંક લોકો હવે અહીં આવવાં માટે રસ ધરાવતાં થયાં છે જે એક સારી નિશાની ગણાય..

ટૂંકમાં આ વાવ તેની બાહ્ય કિલ્લા જેવી દિવાલો અને તેની ૧૩ કમાનો અને કેટલાંક સુંદર શિલ્પ સ્થાપત્ય માટે ખાસ જ જોવાં જેવી છે. અભિયાન માત્ર સફાઈનું જ ના હોય લોકોને એમાં રસ કરતાં કરવાનું પણ હોય !!!! આ વાવ જો તમે ના જોઈ હોય તો જોઈ આવજો મન સંતૃપ્ત થશે જ થશે !!!

———- જનમેજય અધ્વર્યુ.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!