આદ્યકવિ, રામાયણના રચયિતા, મર્હિષ વાલ્મીકિ એક બ્રાહ્મણને ત્યાં જન્મ્યા હતા, પણ તેનાં માતા-પિતા તપ કરવા જંગલમાં ગયાં. તેમણે બાળકને જંગલમાં મૂકી દીધું. કોઈ ભીલની દૃષ્ટિ એ બાળક પર પડી અને તેણે તેમને ઉછેર્યા. તે મોટા થયા એટલે તેને ધનુર્વિદ્યામા નિપુણ બનાવી ભીલ તેની પાસે ચોરીનું કામ કરાવવા લાગ્યો.
એક વખત તે અરણ્યમાં લૂંટને માટે ફરતા હતા. ત્યાં એક મર્હિષને જોઈને તેની પાસે જે હોય તે માગ્યું. મર્હિષએ તેને કહ્યું કે- “જેને માટે તું પાપ કરે છે તે તારાં સગાંઓને પૂછી આવ કે, તેઓ તારા પાપમાં ભાગીદાર થશે?” કુટુંબીઓને પૂછતાં તેઓએ ના કહી. આથી તેને બહુ ખોટું લાગ્યું અને મર્હિષને શરણે ગયા. તેથી તે મર્હિષ તેને રામનામનો જપ કરવાનું કહી અંતર્ધાન પામ્યા.
મર્હિષ જતાં તે ત્યાં જ જપ કરતાં કરતાં એટલા કાળપર્યંત બેઠા કે તેમના શરીર ઉપર ઉધઇના રાફડા થઈ ગયા. પછી એ જ મર્હિષએ આવી તેમને એ રાફડામાંથી બહાર કાઢયા. રાફડાને સંસ્કૃતમાં “વાલ્મીક” કહે છે, તે ઉપરથી તેમનું “વાલ્મીકિ” એવું નામ પડયું. તે પછી તેની ગણના ઋષિમાં થવા લાગી.
એક દિવસ વાલ્મીકિ તમસા નદીમાં સ્નાન કરતા હતા, ત્યારે એક પારધીએ સારસના એક યુગલને તીર માર્યું. સારસ પક્ષી વીંધાયું અને પડી ગયું. આ દૃશ્ય જોઈને ઋષિ વાલ્મીકિના મુખમાંથી કરુણાના લીધે એક શ્લોક સરી પડયો —–
મા નિષાદ પ્રતિષ્ઠાં તમગમઃ શાશ્વતીઃ સમાઃ
યત્ ક્રૌંચમિથુનાદેકમવધીઃ કામમોહિતમ્.
હે નિષાદ! તને પ્રતિષ્ઠા, આદર-સત્કાર, માન, મર્યાદા, ગૌરવ, પ્રસિદ્ધિ, ખ્યાતિ, યશ, ર્કીિત, સ્થિતિ, સ્થાન, સ્થાપિત રહેવાનું, આશ્રય ઇત્યાદિ નિત્ય-નિરંતર કદી પણ ન મળે, કારણ કે તેં આ કામક્રીડામાં મગ્ન કૌંચ/કૂજ પક્ષીઓમાંથી એકની, વિના કોઈ અપરાધ હત્યા કરી દીધી છે.
આ પ્રસંગ બતાવે છે કે લૂંટારામાંથી ઋષિ થયેલા વાલ્મીકિનું હૃદય પરિવર્તન. આ પ્રસંગે વાલ્મીકિને એ વાતનો ખેદ થયો કે પોતે ઋષિ હોવા છતાં એક પારધીને શાપ આપ્યો અને એક નવા શ્લોકની રચના અનુષ્ટુપ છંદમાં થઈ.
આ પ્રસંગ પછી જ્યારે મર્હિષ નારદ મુનિ વાલ્મીકિને મળવા આવ્યા ત્યારે વાલ્મીકિએ શ્લોકની અને પોતાના ખેદની વાત નારદજીને કરી. વાલ્મીકિએ એ પણ ઇચ્છા વ્યક્ત કરી કે અનુષ્ટુપ છંદનો ઉપયોગ કરીને તે કોઈ એવી રચના કરવા માગે છે કે જે સમગ્ર માનવજાતિને માર્ગદર્શક બને. તેમણે નારદજીને પૂછયું કે શું એવી કોઈ વ્યક્તિ છે કે જે બધા જ ગુણોનો આદર્શ હોય? જેનામાં બધા જ ગુણો આત્મસાત્ થયા હોય?
આ સમયે નારદજીએ વાલ્મીકિને રામના જીવન વિશે લખવા માટે પ્રેરણા આપી. આમ, રામાયણની રચના થઈ. પછી સીતા વાલ્મીકિના આશ્રમમાં રહેવા આવ્યાં અને લવ-કુશનો જન્મ થયો. લવ-કુશ રામાયણ શીખ્યા અને તેમણે તેને અયોધ્યામાં પ્રચલિત કર્યું. તેમની ખ્યાતિ સાંભળી રામે પણ લવ-કુશને રામાયણ ગાવા રાજસભામાં બોલાવ્યા. બ્રહ્મદેવની આજ્ઞાા પ્રમાણે પરમેશ્વરના જે નામ વડે પોતે પાવન થયા હતા તેના જ નામ પર શતકોટિ કાવ્ય તેમણે રચ્યું. આ પહેલાં કોઈ પણ નિયમિત કાવ્ય હતું જ નહીં. આ કાવ્ય પ્રથમ જ રચાયેલું અને કવિ પણ પહેલા જ હોઈ વાલ્મીકિ આદ્યકવિ કહેવાય છે.
સંસ્કૃતના આદિકવિ વાલ્મીકિએ રામાવતારનાં સાઠ હજાર વર્ષ પહેલાં જ દિવ્યદૃષ્ટિથી રામાયણની રચના કરી હતી. તેમણે રચેલો ગ્રંથ વાલ્મીકિ રામાયણ આજે પણ સુપ્રસિદ્ધ છે. તે કાવ્યના સુબોધથી લાખો મનુષ્ય સુબુદ્ધિ તથા સુનીતિ શીખ્યા છે અને હજુ પણ એ ગ્રંથનો લાભ લેવાય છે. આ કવિ જેવા સંસ્કૃત ભાષામાં નવ રસમય વર્ણન કરવામાં બીજા થોડા જ કવિ થયા હશે. આ મર્હિષની પવિત્રતા રામચંદ્રજી પણ જાણતા હતા. વનવાસ દરમિયાન રામ ચિત્રકૂટ ઉપર વાલ્મીકિને આશ્રમે આવી ઘણા દિવસ રહ્યાં હતા. વળી ધોબીના વચનથી રામે સીતાને વનમાં મોકલ્યાં ત્યારે વાલ્મીકિ પોતાના ગંગાકિનારા ઉપરના આશ્રમે સીતાને તેડી લાવ્યા હતા. આ ઋષિએ લવ અને કુશને વેદ, ધર્નુિવદ્યા વગેરે શાસ્ત્રનું શિક્ષણ આપ્યું હતું. રામચંદ્રજીનો વાલ્મીકિ ઉપર પૂર્ણ ભાવ હતો. તેથી તેમણે તેમની સલાહ લઈ પ્રજાહિતનાં કાર્યો કરેલાં છે.
રામાયણ એ ભારતીય ઐતિહાસિક કક્ષામાં ગણાતો પુરાતન ગ્રંથ છે. ઋષિ વાલ્મીકિએ મૂળ સંસ્કૃતમાં આ ગ્રંથની રચના કરી હતી. તારા અને નક્ષત્રોના સ્થાન મુજબ ગણતરી કરતાં રામાયણનો કાળ આશરે ૫૦૪૧ ઈ.સ. પૂર્વે ગણાય છે.
રામાયણ એટલે રામ + અયણ = રામની પ્રગતિ કે રામની મુસાફરી.
વાલ્મીકિ રામાયણમાં ૨૪૦૦૦ શ્લોકો છે.
રામાયણ મૂળ સાત કાંડોમાં વહેંચાયેલું છે.
- ૧.બાલકાંડ.
- ૨ અયોધ્યાકાંડ.
- ૩ અરણ્યકાંડ.
- ૪ કિષ્કિંધાકાંડ.
- ૫ સુંદરકાંડ.
- ૬. યુદ્ધકાંડ-લંકાકાંડ.
- ૭ લવકુશકાંડ-ઉત્તરકાંડ.
હિન્દુ ધર્મના બે મહાન ઐતિહાસિક ગ્રંથોમાં રામાયણની ગણના થાય છે. પરંતુ રામાયણ ફક્ત હિન્દુ ધર્મ કે આજના ભારત દેશ પૂરતો મર્યાદિત ન રહેતાં ઇન્ડોનેશિયા, મલેશિયા, થાઇલેન્ડ, કંબોડિયા, ફિલિપાઇન્સ, વિયેતનામ વગેરે દેશોમાં પણ પ્રચલિત છે. ભારતીય લોકોની જીવનશૈલી, સમાજજીવન અને કુટુંબસંસ્થા પર રામાયણનો બહુ મોટો પ્રભાવ છે. દરેક પતિ-પત્નીને રામ-સીતા સાથે, પુત્રને રામ સાથે, ભાઈને લક્ષ્મણ કે ભરત સાથે અને મિત્રને સુગ્રીવ સાથે સરખાવવામાં આવે છે. રામને આદર્શ રાજા માનવામાં આવે છે. રામાયણનું દરેક પાત્ર સમાજ માટે આદર્શ પાત્ર બની રહે છે.
રામાયણ ત્રેતાયુગમાં જન્મેલા રામની જીવનકથા છે. ઉત્તર ભારતમાં અયોધ્યાના રાજા દશરથના ચાર પુત્રોમાં રામ સૌથી મોટા પુત્ર છે. આ જ સમયગાળામાં લંકામાં રાજા રાવણનું રાજ્ય હતું. રાવણ સમગ્ર પૃથ્વી પર શાસન કરતો હતો. અને રામાયણમાં તેને એક અત્યાચારી રાજા તરીકે વર્ણવવામાં આવ્યો છે.
રામાયણના સમયમાં પૃથ્વી પર જુદી જુદી જાતિઓ અસ્તિત્વ ધરાવતી. અમુક નિષ્ણાતોના મતે આ બધી માનવજાતિઓ હતી. મનુષ્ય, દેવ, કિન્નર, ગાંધર્વ, નાગ, કિરાત, વાનર, અસુર, રાક્ષસ – આ બધી જુદી જુદી માનવજાતિઓ હોઈ શકે છે,, પરંતુ દરેક સમૂહની વિશિષ્ટ શક્તિઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે સામાન્ય માનવ માટે અસંભવિત જણાય. જેમ કે, ઊડવું, પર્વત કે શિલા ઊંચકવી, વિમાનમાં ફરવું, શરીરનું રૂપ બદલવું વગેરે.
કથા મુજબ રાવણે બ્રહ્મદેવ પાસે વરદાન લીધેલું કે તેને કોઈ દેવ વગેરે મારી શકે નહીં. મનુષ્યને ત્યારે નબળું પ્રાણી માનવામાં આવતું તેથી તેણે મનુષ્યથી કોઈ અભય-વરદાન માગ્યું નથી અને ભગવાને રામ તરીકે મનુષ્ય જન્મ લઈને રાવણનો વધ કર્યો.
મર્હિષ વાલ્મીકિ રામને એક આદર્શ માનવચરિત્ર તરીકે આલેખે છે. તેમનો હેતુ કોઈ એવા માનવના જીવન વિશે લખવાનો હતો જેમનામાં બધા જ ગુણો હોય. રામાયણમાં નીચેના ગુણોની વાત કરવામાં આવી છે
રામ, શ્રવણ – પિતૃઆજ્ઞાા માટે પોતાનો અંગત સ્વાર્થ છોડી દેવો.
રામ, ભરત – ભાઈઓ કે કુટુંબ વચ્ચે પ્રેમ રાજ્યસુખ કરતાં વધુ મહત્ત્વ ધરાવે છે.
સીતા – પતિ વગર રાજ્યમાં રહેવું તે કરતાં પતિની સાથે જંગલમાં રહેવું વધુ યોગ્ય છે. પતિના કામમાં ખડેપગે મદદ કરવી.
લક્ષ્મણ – તેજસ્વી ચારિત્ર્ય છતાં મોટા ભાઈની આજ્ઞાા માનવી. સ્ત્રી પ્રત્યે પવિત્ર દૃષ્ટિ રાખવી.
હનુમાન – પોતાની તમામ શક્તિ ભગવાનનાં કામમાં ધરી દેવી.
સુગ્રીવ – મિત્રતા.
વાલી, રાવણ – શક્તિનું અભિમાન ન રાખવું અને પરસ્ત્રીને પવિત્ર રીતે જોવું.
વાનરો – જો સાથે મળીને કામ કરીએ તો સમુદ્ર પર સેતુ પણ બાંધી શકીએ અને રાવણને પણ મારી શકીએ.
મનુષ્યજીવનમાં કંઈ જ અશક્ય નથી. માનવ પોતાને મળેલી કોઈ પણ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢી શકે છે. આ માટે અધાર્મિક થવાની પણ જરૂર નથી. માણસ સિદ્ધાંતોથી જીવી શકે છે. જીવનમાં પ્રેમનું મહત્ત્વ સુખ કરતાં મહત્ત્વનું છે.
મૂળ રામાયણ તે વાલ્મીકિ રામાયણ ગણાય છે. અધ્યાત્મ રામાયણ પછીથી લખાયેલું જે મૂળ રામાયણમાં થોડા ફેરફારો કરે છે તથા તેનું તાત્ત્વિક રહસ્ય સમજાવે છે. તે પછી સંત તુલસીદાસ ગોસ્વામીએ રામચરિત માનસની રચના કરી જે અવધી ભાષામાં લખાયેલું છે.
આટલા હજાર વર્ષો પૂર્વે રચાયેલો ગ્રંથ અને એનાં આદ્ય કવિ જે પહેલાં લુંટારો હતો તેમણે મહાન મહાકાવ્ય રામાયણ ની રચના કરી એ ખરેખર ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પ્રજા માટે ગૌરવ લેવા જેવી જ બાબત ગણાય !!! શત શત પ્રણામ આદ્ય કવિ વાલ્મીકિ અને તેમની મહાન રચના વાલ્મીકિ રામાયણને !!!
——— જન્મેજય અધ્વર્યુ
જો તમે ભારતના મહાન ઋષીઓની કથા વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.
આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-