કાઠિયાવાડની મહેમાનગતિ

લોકજીભે રમતી બહુ જાણીતી કહેવતઃ ‘આભ અને ગાભ એને થોડું જ કોઈ જાણી શક્યું છે? આથમણા આભીમાં કાળાંડિબાંગ વાદળાંનું કટક ચડી આવે પણ ઈ વરસશે કે વરસ્યા વિના વહ્યાં જશે? ગાય ગાભણી હોય પણ ઈ ક્યા વારે ને કઈ તિથિએ વિયાશે? એને વાછડો આવશે કે બદૂડી-વાછડી? કાળા માથાનો માનવી એનું આગમ ભાખી શક્યો નથી. એવું જ ભઈલા, ‘મેહ અને મહેમાનો’નું છે. બોરડી માથેથી પાકલ ખારેક બોર ખરી પડે એમ અહૂરસવાર મહેમાન ક્યારે ટપકી પડે ઈનું કાંઈ નક્કી નહીં. (પાંચ દાયકા મોર્ય મોબાઈલ ફોનની ક્યાં આટલી બહબહાટી બોલતી હતી?) તેદિ’ સૌરાષ્ટ્રની સંસ્કાર અને સંસ્કૃતિપ્રેમી પ્રજા આંગણે આવતા મહેમાન-પરોણા માટે પ્રાણ પાથરતી. એને આભી જેવડો આવકારો અપાતો. મહેમાનોને આવા માનપાન આપનાર ઘરધણીનો રોટલો ને આબરું બેય પચ્ચીસ પચાસ ગાઉ માથે પંકાતા. કવિઓ ભલપદેતાં ગીતડાં ને દૂહા રચી એની કીર્તિને અમર કરી દેતા.

એક વાચકે મને ફોન પર મીઠો ઠપકો આપતા કહ્યું, ‘જોરુભા! તમારી ભાષા, શૈલી, રજૂઆત ખૂબ જ સરસ હોય છે. પણ સૌરાષ્ટ્રમાં એવું શું છે કે તમે કાયમ એનાં વખાણ વર્ણન કરતાં થાકતાં જ નથી?’ મે કહ્યું, ‘ભાઈ! હું કાઠિયાવાડની ધરતીની ધૂળમાં રમીભમીને, આળોટીને ઉછર્યો છું એટલે હરહંમેશ કહું છું કે સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડની ભાતીગળ સંસ્કૃતિનો જોટો તમને જગતભરમાં ક્યાંય ગોત્યોય નહીં જડે. આ વાત હું એકલો જ નથી કહેતો પણ સ્વામી સચ્ચિદાનંદજી પણ મારી વાતને પુષ્ટિ આપતા જોગીદાસ ખુમાણીની વાત લખતાં કહે છે. ‘સૌરાષ્ટ્રની ભૌતિક ઓળખાણ ત્રણ છે. ૧. ડુંગરા, દરિયો ને નદીઓ. એનાં પશુઓની પણ ત્રણ ઓળખાણઃ સિંહ-સાવઝ, કાઠિવાડી અશ્વો અને ગીરની ગાયો. એના માનવીની પણ ત્રણ ઓળખાણ સંત, સતી અને શૂરવીરો. એના તીર્થોની પણ ત્રણ ઓળખાણઃ દ્વારકા, સોમનાથ અને ગિરનાર. મારે એમાં સૌરાષ્ટ્રના માડું (માણસ), મોજ અને મહેમાનગતિ એના નમણાં નર અને નાર્ય, એના સંસ્કાર અને સંસ્કૃતિનું ઉમેરણ કરવું છે. અમારી ડેલીના ખાનાની ખીંટિયું મે’માનોની થેલીઓ વગરની કોઈદિ’ ખાલી ન પડે. મહેમાનોની ધકબક બોલે. તેદિ’ મે’માનો ભેળા બેહીને જમવાનું માંતમ મોટું હતું. ગામડામાં ખેતી મોસમ હોય કે પોષ-મહા મહિનાનો વિવાડો (લગ્નગાળો) ઉમટયો હોય ને કો’ક દિ ભેળાબેહીને જમનારા બે પાંચ મહેમાનો નો હોય ત્યારે મારા બાપુ મણએકનો નિહાકો નાખીને કહેતા’ આજનો દિ’ વાંઝિયો’ જવાનો.

સૌરાષ્ટ્રની મહેમાનગતિ, આતિથ્ય પરંપરા યુગો જુની છે. અમારા ચારણ કવિ પાલરવભા તો ભગવાનને કાઠિયાવાડની મહેમાનગતિ માણવાનું નોતરું આપતા કહે છે ઃ

અમારા કાઠિયાવાડમાં કો’ક દિ
ભૂલો પડય ભગવાન,
તું થાને મારો મહેમાન
તને સરગ ભૂલાવું શામળા.

કવિ ભગવાનને, શ્રીકૃષ્ણને, શામળિયાને કેમ પાકિસ્તાનમાં, અફઘાનિસ્તાનમાં, ચીનમાં, લંકામાં ભૂલા પડવાનું નો કીધું ને એને ગુજરાતમાં ને એમાંયે કાઠિયાવાડમાં જ કેમ કીધું? એનું કારણ છે. મેઘાણીભાઈએ કાઠિયાવાડના વાણી, પાણી અને મહેમાનગતિના ભરપેેટે વખાણ કર્યા છે. વાણી અર્થાત્ લોહસાહિત્ય, પાણી અર્થાત્ શૂરવીરતા અને મહેમાનગતિ એટલે મહેમાનોનો થતો આતિથ્ય સત્કાર. આ બધું જોવું હોય તો સૌરાષ્ટ્ર, કચ્છના અંતરિયાળ ગામડાંઓમાં એક આંટો જવું પડે.

ઘોડે ચડીને આવેલા અતિથિનો ઘોડો ડેલીના આંગણામાં હણહણાટી દેતો હમચીકૂંડું ખુદવા માંડે. મહેમાન પેગડાં છાંડીને ધરતી માથે પગ મૂકે ને ઘોડાને દોરીને જેવો ડેલીમાં દાખલ થાય ત્યાં તો ઘરધણીને પોરહના પલ્લાં છૂટે. એના કેડિયાની કહું તૂટે. એંસી વરહનો ભાભો હોય કે જુવાનિયો સામી ગડગડતી દોટ મૂકે. સાંકળે બાંધ્યો હોય તોય તાંણીઝાલ્યો ન રહે. ‘મારો નાનપણનો ગોઠિયો (ભાઈબંધ) આવ્યો. મારો બાપલિયો આવ્યો.’ બોલતા એકબીજાના ખભે માથાં ઢાળી સાયામાયા મળે. એની આંખમાં હરખના આંહૂડા આવે.

ઢોલિયા માથે આણાત વહુઓએ આણેલી પટારામાં મુકેલી નવીનકોર રજાઈયું કાઢી પથરાય. ઉનાજણિયાં (પાણી ગરમ કરવાનું વાસણ) ચૂલે ચડે. મહેમાન હાથમોં વીંછળે ત્યાં તો રેડિયો કહૂંબાસેખી ચા આવે. ચા આપનારની વાંહોવાસ ઘીની વાઢી વાળો આવીને ચાના પ્યાલામાં ઘીનો અગબાર નાખી જાય. સોરઠ વિસ્તારમાં મહેમાનોને ચા, દૂધ કે કોફી કોરા ન આપે. મંઈ ઘી નાખીને આપવાનો રિવાજ આજેય છે. તમે ગોલવાડ વિસ્તારમાં મહુવા, સોરઠમાં જૂનાગઢ અને કોડીનાર તરફના લીલીનાઘેર વિસ્તારમાં જાવ તો સૌ પ્રથમ મહેમાનને ધરવાસટ લીલા ત્રોફા (નાળિયેર)નાં પાણી પ્યાલા ભરીને અપાય.

ડેલીમાં ગામનો ડાયરો ભેગો થ્યો હોય. મંઈ અફિણના હરડ બંધાણી ય બેઠા બેઠા અલકમલકની વાતું ઉખાળી ગમ્મતું કરતાં જાય ને આરસ પહાણની ખરલુંમાં માળવી, ચીનાઈ, મીસરીને દેશી અફિણના કહૂંબા કાઢતાં જાય. ‘મારા સમ. મને મૂવો ભાળો, મારો ડેડો ખાવ’ એમ મનવાર કરતાં કરતાં હેતુમિત્રોને કહૂંબો મીઠો કરાવતા જાય એમાંય કોઈ ચારણ કે બારોટ કવિ આવી ગયા હોય તો કહૂંબાને રંગ દેતા જાય. અંજળી અડાવતા જાય ને કહેઃ ‘કસરક… ભૂટાક કસરક… ભૂટાક ઘૂંટા તો કહૂંબો કેવો થાય! બાપ પીએ તો બેટાને ચડે. બેટો પીએ તો બાપને ચડે. બેય ભેગા થઈને લ્યે તો ત્રીજે પહોર ટપ્પો લઈ જાય. રાંકાના ઘરની રાબ હો, દુબળાના ઘરનો દૂધપાક હોય, ધૂપેલ તેલ હોય, જૂના છાપરાનું ચુવાણ હોય એવો રેડિયો કહૂંબો. બંધાણીના હાથની અંજળીમાંથી એકાદ ટીપું ઉડીને કોઈ દુબળા ખેડૂની ખોખલી ગાડી માથે પડી જાય તો બાપા! ગાડી વગર બળદિયે વૈતી થઈ જાય. ખલ ધોઈને ઈનું પાણી ખાળમાં નાખ્યું હોય તે ફરતો ફરતો અરધોક કીલોનો ઉંદરડો આવીને ઈ પાણી બોટી જાય તો મૂછે તા’દેતો દેતો પટમાં આવે ને કરે પડકારો ઃ ‘તમારી માના મીંદડા? નીકળો બા’રા. આજ તો જોઈ લેવા છે.’ આ કહૂંબો છે બાપ.’

આમ વાતોના હૂસાકા દેતો ડાયરો બપોરે છાસ્યુ પીવા (જમવા) બેઠો થાય. થોડા મે’માન હોય તો ઓરડામાં ને વધુ મે’માન હોય તો ઓંસરીમાં ચાકળા નંખાય. બાજોઠિયા ઢળાય. મોતી મઢ્યા વીંઝણા, મોં દેખાય એવા માંજેલા પાણીના કળશ્યા અને પડખે ઢીંચણીયાં મૂકાય. (વચમાં ઢીંચણિયાની એક નાની વાત કહી દઉં. હું નાનો હતો ત્યારે અમારું આંગણું મહેમાનોથી ઉભરાતું. એમાં એકવાર ઉત્તર ગુજરાતના એક શહેરમાંથી મોટા અધિકારી સાહેબ અમારે ત્યાં મહેમાન થયેલા. પંગતમાં સૌ ભાણે જમવા બેઠા. મારા એક કાકા બહુ ટીખળી. ભાણાં પીરસાઈ ગયાં, એટલે મહેમાન પાસે જઈને હળવેક રહીને કહેઃ ‘તમને ઢીંચણિયું આપે?’ મહેમાન ઘડીક તો મૂંઝાઈ ગયા. પછી વિવેક કરતાં કહેઃ ‘અડધું આપો પછી ભાવશે તો બીજું લઈશ.’ જમનારા ખખડીને અર્ધા થઈ ગયા ભાઈ.

પછી રૂપાની ઘૂઘરિયું ટાંકેલો, રેશમી રૂમાલિયો ઢાંકેલો ભર્યા ભોજનનો થાળ આવે. ઈમાં જાત જાતના શાક, ભાતભાતના પકવાન, આથેલા મરચાં, ચીભડાની કાચરી, કેરાના, કેરીના, ગુંદાના આથણાં હોય, લહાણિયો મસાલો હોય, ડુંગળીનો દડો હોય, ગોળનો ગાંગડો હોય, માખણનો લોંદો હોય અને ગાડાના પૈડા જેવો બાજરાનો રોટલો હોય. કાઠિયાવાડનો આ રોટલો ય કેવો? સાંભળો…

મંગલપુર ગામનો બાજરો હોય, ધ્રાંગધ્રાના પાણી ઘંટી હોય, દીધકિયા (જિ. સુરેન્દ્રનગર) ગામના કુંભારે બનાવેલી તાવડી હોય, મેરુપરગામની રાજપૂતાણીએ મધરાતે ઊઠીને મુઠ્ઠીએ મુઠ્ઠીએ ઘંટીમાં નાખીને પ્રભાતિયાંના સૂરે ગાતાં ગાતાં દળ્યો હોય. ઈમાંથી ધોબેક લોટ લઈ માટીની કાળી રીઢી કથરોટમાં નાખ્યો હોય, પડખે છાલિયામાં ઓગાળેલા વડાગરા મીઠાનું પાણી લઈ લોટનો પીંડો બાંધ્યો હોય અને મા જેમ પહેલાં ખોળાના બાળકને હેતથી હુલાવતી હોય એમ પીંડાને બે હાથમાં લઈ રમાડતા રમાડતા રોટલો ઘડયો હોય ને તાવડીમાં નાખી ત્રાંબિયા જેવો શેડવ્યો હોય, પછી ઈની કોપટી કાઢીને તાવણ્ય મૂકી હોય તો ત્રણ ત્રણ ઘર્યે જેની ફોરમ જાય ઈ નવચાંદરી ભેંસનું નખમાં ફાંહુ વાગે એવું ઘી ભર્યું હોય, કાઠિયાવાડની વાડીના કાંટાળા રીંગણાનું ભડથું અને ગિરની દેશી ગાયના શેડકઢા દૂધની તાંહળી ભરીને મૂકી દીધી હોય, ભગવાન શામળિયો ત્યાંથી નીકળ્યો હોય ને બાવડું ઝાલીને ભોજનના ભર્યા થાળ માથે બેસાડી દીધો હોય તો એના બત્રીસે કોઠે આનંદના દીવડા પ્રગટી જાય. ઈ ન્યા બેઠો બેઠો રાધાજીને સંદેશો કહેવરાવી દે કે આપણને તો ભાઈ કાઠિયાવાડની ધરતી માથે ફાવી ગયું છે. તમને મારા વિના અણહરું લાગે તો તમે ય આંય વિયા આવો.’ શ્રી કૃષ્ણ ભગવાન કાઠિયાવાડમાં અમથા ભૂલા નહોતા પડયા. ઈ બાજરાના રોટલા, ઈ ગાયુંના શેડકઢા દૂધ, ઈ ગાજરના આથણાં, ઈ ગઢિયો ગોળ, ઈ મે’માનગતિ ભાઈ, ભાઈ! આ બધું માણવા શ્રી કૃષ્ણ કાઠિયાવાડમાં ભૂલા પડયા હતા અને ગોકૂળ મથુરા મૂકીને જીવનભર આ ધરતી પર રહ્યા હતા. મહેમાનગતિનું મા’તમ આવું છે ભાઈ.

જૂનાકાળે ગામડામાં રહેનારી પ્રજા મોટેભાગે ખેતીવાડી સાથે સંકળાયેલી હતી. કૃષિ સંસ્કાર અને સંસ્કૃતિમાં જીવનારી એ સંતોષી પ્રજા હતી. આતિથ્યધર્મને સમજનારી અને આચરણમાં મૂકનારી પ્રજા હતી. ખેતીની મોસમ પતી જાય, નળકાંઠામાં ડાંગરું વઢાઈ જાય, ભાલપંથકમાં ઘઉંના ખળાં લેવાઈ જાય, ગોહિલવાડ કે સોરઠ વિસ્તારમાં માંડવી નીકળી જાય પછી નવરા પડેલાં ખેડૂતો ગાડાં જોડીને ગામતરા કરવા નીકળતા. સગાવહાલા, બહેનો દીકરિયું ને વેવાઈવલાને ત્યાં મહેમાનગતિ કરવા જાતા. જાય ત્યારે એમને ત્યાં જે પાકતું હોય, ઘઉં પાકતા હોય તો ઘઉંના કોથળા ડાંગર પાકતી હોય તો ડાંગરના કોથળા કે ચોખાના કોથળા, કેરિયું પાકતી હોય તો કેરિયુંના કંડિયા ગાડામાં નાખીને જતા. પાંચ પંદર દિ મહેમાનગતિ માણતા. શ્રી જીતુભાઈ ધાધલ નોંધે છે કે ‘સોરઠની આતિથ્ય પરંપરા યુગો જૂની છે. સોરઠની એક ડેલીએ મહેમાનો પધારે છે. એક ગામથી બીજે ગામ જવા માટે તે’દિ બળદ ગાડું અને અશ્વો હતાં. આવા અશ્વની લગામ પકડીને મહેમાન ઊભા છે. મહેમાનોને સત્કારવા, આદરભાવ આપવાં ઘરધણી ઉતાવળાં ડગ માંડે છે. આ ઘર અથવા ડેલીની બાઈ ઓંશરીમાં પાણીનો કળશ્યો લઈને ઊભી છે. આવું સરસ મજાનું ચિત્ર લબ્ધપ્રતિષ્ઠ ચિત્રકાર શ્રી પ્રતાપસિંહ જાડેજાએ દોર્યું છે.’

તેદિ’ ગામડામાં લોકો પાસે પૈસો નહોતો. પણ એમના દિલ દરિયાવ હતા. મહિનો મહિનો મે’માનગતિ થાતી. પ્રકૃતિના પરમાભાવાન સામયિક ‘સંગત’માં શ્રી જીતેન્દ્ર તળાવિયા નોંધે છે કે ‘પહેલાના ગામતરામાં સરસ મજાની માણસીલી વાતુનાં વળ ઉખળતા. એમાં બળદ, ગાય, ભેંસ, ખેતર, ઝીંઝવો, બાંટું, માંડવીનો પાલો, દીકરિયુંના વેવિશાળ, નિશાળ, નાત, લીમડા, વડલા, આંબા વગેરેની વાતોથી ઢાળેલા ઢોલિયા, ધડકી અને ચાના ત્રાગડા ફાટફાટ થઈ જતા ગામડાં રાજકારણના આટાપાટામાં અટવાઈ જતાં હવે તો સાંજ પડયે કોને ઉતારી પાડવો, કોની ટાલ પાડી દેવી, કોને ક્યાં ફીટ કરી દેવો. આ સિવાય કાંઈ જ રહ્યું નથી. આજે કળશ્યો ભરીને પાણી પાનાર કોઈ ક્યારે જાય એની વાટું જુએ છે. કોઈ બાયું આજે દુઃખણાં લેતી નથી કારણ કે આવનારા સૌ દુઃખડા આપી જાય છે. દુઃખના ઉતારાનો કોઈ પાર નથી. સુખની છાલકો ક્યાંય છલકાતી નથી.’

ચિત્ર ઃ ‘ચકોર’
લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ- shareinindia.in@gmail.com પર અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાડસું.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– શ્રીફળ દેવ-દેવીઓને કેમ વધેરવામાં આવે છે?

– કહેવતો અને ઉક્તિઓની રસપ્રદ વાતો

– પ્રાચીન ભારતીય સૌંદર્યપ્રસાધનોની રસપ્રદ વાતો

– સવાસો વરસ પહેલાંનું ગામડાનું લોકજીવન

– ભૂત-પલિતનું કમઠાણ છે શું?

– વૈદિકકાળની સર્પવિદ્યાની રસપ્રદ વાતો

– પ્રાચીન ભારતીય મનોરંજન ઃ મલ્લકુસ્તી

error: Content is protected !!