આજે વિસરાઈ ગયેલું પ્રાચીન ભારતીય મનોરંજન- મલ્લકુસ્તી

ભારતીય સંસ્કૃતિમાં ૧૪ વિધા, ૬૪ કળા અને વિવિધ પ્રકારના મનોરંજનો મહત્તવનું સ્થાન ધરાવે છે. આપણે ત્યાં જોવા મળતાં પ્રાચીન મનોરંજનોને ત્રણ પ્રકારમાં વહેંચી શકાય. ૧. શારીરિક, ૨. માનસિક અને ૩. આધ્યાત્મિક. શરીરને સ્વસ્થ, નિરોગી અને બળવાન બનાવવા માટે દોડવું, તરવું, ડુંગરા ચઢવા, કુસ્તી કરવી, મૃગયા- શિકાર જેવી રમતોના આયોજનો થયા. માનવીની માનસિક શક્તિના વિકાસ માટે ગીત-સંગીત, નૃત્ય, નાટક, કાવ્ય, કથા-વાર્તા, આખ્યાન ઇત્યાદિ આરંભાયા જ્યારે આધ્યાત્મિક શક્તિના વિકાસ માટે યજ્ઞ-યાજ્ઞદિ, હોમહવન, દેવદર્શન, યાત્રા આદિ શરૂ થયા. આમ સંસ્કૃતિની વણઝારના વિકાસની સાથોસાથ ગીત, સંગીત, નૃત્ય, ઉત્સવો, પશુપ્રાણીનો શિકાર અને મલ્લકુસ્તી જેવા મનોરંજનો ચાલ્યાં છે. એક કાળે ભારતીય પહેલવાનો દુનિયામાં ડંકો વગાડતા. આજે સરકાર અને સમાજના પ્રોત્સાહનને અભાવે મલ્લકુસ્તીની જાહોજલાલીનો આખો યુગ જાણે કે આથમી ગયો છે.

મલ્લવિધા એ પ્રાચીન ભારતીય વિધાઓમાંની એક વિધા છે. આ વિધાની સાધના કરીને પ્રવિણ બનેલા મલ્લોની કુસ્તીના કાર્યક્રમો જૂના કાળે યોજાતા. આવા કાર્યક્રમો પ્રજાને મનોરંજન પૂરું પાડતા. જૂના જમાનામાં ઠેરઠેર મલ્લકુસ્તીના દંગલો યોજાતા. જ્યાં આવા કાર્યક્રમો થતા ત્યાં નગરમાં ઢોલ વગાડીને એનો ઢંઢેરો પીટવામાં આવતો. આ પ્રસંગે રાજવીઓ પરિવાર સહિત હાજરી આપતા. મલ્લયુદ્ધો જોવા મેદની ઉમટી પડતી. ફાટીને ધુંવાડે ગયેલા મલ્લો જાતજાતના અને ભાતભાતના દાવપેચ બતાવી દંગલ જોનારા દર્શકોના શ્વાસ અદ્ધર કરી દેતા. વિજેતા મલ્લોને રાજા મહારાજાઓ સોનુ, ચાંદી, રોકડ રકમ અને ક્યારેજ મૉજ આવી જાય તો ગામ-ગરાસ પણ આપતા એમની કદર કરી રાજ્યમાં નોકરીઓ આપતાં મલ્લ-કુસ્તીનું આ મનોરંજન દેશી રાજાઓના સમયમાં સોળે કળાએ ખીલ્યું અને એમના અસ્તની સાથે જ વિલાઈ ગયું.

મલ્લવિધા અને મલ્લકુસ્તીનું મનોરંજન કેટલા પ્રાચીન છે એનો અભ્યાસ કરતા જણાય છે કે વેદકાળમાં મુષ્ઠિયુદ્ધ- મુક્કાબાજી જાણીતી હતી પણ એનો ઉપયોગ શત્રુને પરાસ્ત કરવા માટે જ થતો. મનોરંજન માટે નહીં. હડપ્પન- સંસ્કૃતિના સ્થળોના ઉત્ખનનમાંથી જે મુદ્રાઓ (સીલ) મળી છે તેમાં ચિત્તા જેવા જાનવર સાથે લડતો અને એને પછાડતો પહેલવાન જેવો માણસ દર્શાવાયો છે. આથી માની શકાય કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં મનોરંજન માટે પશુઓ સાથે દ્વંદ્વ યુદ્ધ કરવાની પ્રથા કદાચ પ્રચલિત હશે !

જાતક ગ્રંથોમાં મલ્લકુસ્તીના વિશદ વર્ણનો મળે છે. જેમાં રંગભૂમિની સજાવટ, મલ્લકુસ્તીનો અખાડો, પ્રેક્ષકોને બેસવાની વ્યવસ્થા અને એ કાળે થતાં મલ્લયુદ્ધોની વિગતપૂર્ણ માહિતી આપવામાં આવી છે. એ સમયે અખાડાની ચારેબાજુ જોનારને માટે બેસવાની સગવડ રહેતી. આવા પ્રકારના અખાડામાં બળદેવ અને વાસુદેવને ચાણૂર અને મુષ્ટિક નામના બે મલ્લોને વિવિધ દાવપેચ અજમાવીને માર્યા હતા.

દિવનીકાયના ‘બ્રહ્મજાલ સુત્ત’માં કુસ્તી ઉપરાંત દંડયુદ્ધ, મુષ્ટિયુદ્ધ, નિવ્વુયુદ્ધ અને ઉય્યોધિક યુદ્ધનો ઉલ્લેખ મળે છે. દંડયુદ્ધ લાઠી કે દંડા વડે લડાતું, મુષ્ટિયુદ્ધ આજના બોક્સિંગ જેવું હતું. ઉય્યોધિક એ કૃત્રિમ યુદ્ધ જણાય છે. એ યુગમાં મુક્કાબાજી વડે મુષ્ટિક યુદ્ધ કરનારો મલ્લોનો એક વર્ગ હતો. જે મુક્કાબાજી અને મલ્લકુસ્તીની રમતો બતાવી પોતાનું પેટિયું- રોટલો રળતા. મલ્લની આવી રમતો કરનારો વર્ગ મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યાંક ક્યાંક અવશેષરૂપે જોવા મળે છે. એમાં છોકરા- છોકરીઓ બન્ને ખેલ કરે છે. આજે આપણા માન્યામાં ન આવે એવી એક વાત એ છે કે જૂના કાળે પુરૂષની જેમ ક્યારેક સ્ત્રીઓ પણ મલ્લકુસ્તીની રમતોમાં ભાગ લેતી અને પોતાની સ્ત્રીશક્તિનો પરચો દેખાડતી. ‘વિનયપિટક’માં એવી એક મલ્લી (મલ્લ સ્ત્રી)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે મલ્લી છેવટે બૌદ્ધ ભિક્ષુણી બની ગઈ હતી.

‘ધમ્મપદ’, ‘અત્થકથા’, ‘સુમંગલ વિલાસીની’, ‘મિલિન્દપઞહ’ જેવા ગ્રંથોમાં પણ મલ્લકુસ્તીની વાતો મળે છે. પાણિનીના ‘સમિમુષ્ટૌ’ સૂત્રને સમર્થન આપતા કાત્યાયન તથા પતંજલિ નામના ભાષ્યકારોએ ‘મલ્લસ્ય સંગ્રાહ’નું દ્રષ્ટાંત આપ્યું છે. અહીં સંગ્રહ શબ્દનો અર્થ મલ્લકુસ્તી કરતી વખતે પહેલવાન મલ્લો પોતાની ભૂજાઓ અને આંગળીઓ વડે એકબીજાને રોકી રાખે તે છે. ‘સ્પધાયામાંગ’ સૂત્રને પુષ્ટિ આપતાં દ્રષ્ટાંત આપ્યું છે કે, ‘મલ્લો મલ્લમા હૂયતે’ મલ્લ મલ્લને પડકારે છે. મલ્લકુસ્તીની શરૂઆત આ રીતે કરવામાં આવે છે.

રામાયણ અને મહાભારતના સમયમાં પણ મલ્લ અને મલ્લકુસ્તી હતા, તેના ઘણાં પ્રમાણો મળે છે. રામાયણ યુગમાં મલ્લકુસ્તી એ બળવૃદ્ધિ માટેની વિરોચીત રમત ગણાતી. મલ્લવિધામાં કુશળ મલ્લોને રાજ્ય તરફથી આશ્રય મળતો. એ સમયમાં પેશાવરના મલ્લ ખૂબ ખ્યાતનામ હતા. આ મલ્લો પશુઓ સાથે જીવસટોસટની લડાઈ કરતા. અયોધ્યા નગરીના મહારથી મલ્લો વાઘ અનેે ભૂંડ જેવા જંગલી જનાવરોને બથોબથની લડાઈ- બાહુયુદ્ધથી મીણો ભણાવી દેતા.

એ વખતે ભગવાન રામચંદ્રજી પાસે પણ ચુનંદા મલ્લોની ટુકડી રહેતી. રામચંદ્રજી યુવાન હતા ત્યારે આ મલ્લોની સાથે કુસ્તી કરી રમતનો આનંદ માણતા. રામ જ્યારે વનમાં જવા નીકળ્યા ત્યારે દશરથ રાજાએ હુકમ કર્યો કે ઃ ‘રાજ્યમાં મલ્લ લોકો રામના આશ્રિત છે. તેઓ પરસ્પર વીરતાથી મલ્લયુદ્ધ ખેલે છે એ સૌને માનધન- ઇનામ આપી મારા રામના મનોરંજન માટે એમની સાથે વનમાં મોકલો.’ એ કાળે થતાં મલ્લયુદ્ધોમાં બે મલ્લની વચ્ચે ઉભા રહીને એકબીજાની હારજીતનો નિર્ણય કરનાર મધ્યસ્થીને ‘પ્રાશ્નિક’ના નામે ઓળખવામાં આવતો.

ગાદી માટેની લડાઈમાંથી મહાભારત સર્જાયું. મહાભારતના સમયમાં પણ મલ્લો હતા અને મલ્લયુદ્ધો ય થતા. આ મલ્લયુદ્ધોનું ઝીણવટભર્યું વર્ણન ભીમ અને જરાસંધના પ્રકરણમાંથી પ્રાપ્ત થાય છે. એ યુગમાં અખાડામાં મલ્લયુદ્ધ શરૂ થાય તે પહેલાં કોઈ પૂજનીય વ્યક્તિ દ્વારા સ્વસ્તીવાચન કરવામાં આવતું. પછીથી કુસ્તી કરનાર મલ્લો પ્રસન્ન ચિત્તે મલ્લકુસ્તીની શરૂઆત કરતા એનો શુભારંભ આજે આપણે જેમ રામરામ કરીને કરીએ છીએ તે રીતે એકબીજાનો હાથ પકડીને કરતાં. એ પછી પાડાની કાંધ જેવા અવળકંધા મલ્લ પહાડની ટુકો સામસામી અફળાતી હોય, અરુણા (અરણ્યના જંગલી) પાડા જેમ આખડતા હોય તેમ પરસ્પર આખડતા. એકબીજાની સામે ટક્કર લેતા મુક્કા મારી મુષ્ટિપ્રહાર કરતા. પ્રતિદ્વંદ્વી સામા મલ્લને હરાવીને લાચાર કરવા માટે ‘ચિત્રહસ્ત’ અને ‘કક્ષ’ નામના દાવના એ બે પ્રકારો અજમાવતા. પરસ્પરને હરાવવા માટે તમામ દાવપેચ અને કાહટી અજમાવવામાં આવતા. મલ્લયુદ્ધથી અખાડાની ધરતી ધમધમવા માંડતી. કુસ્તી સમયે મલ્લયુદ્ધ જોવા માટે નગરના અને આજુબાજુના ગામોના તમામ જાતિના બાળકો, યુવાનો, વૃદ્ધો અને સ્ત્રી-પુરૂષો મોટી સંખ્યામાં ભેગા થતા. સમબળિયા મલ્લોના યુદ્ધો તો દિવસોના દિવસો સુધી ચાલતાં.

ભગવાન શ્રીકૃષ્ણના સમયમાં ‘બ્રહ્મમહોત્સવ’ નામનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવતો. આ ઉત્સવ ખાસ કરીને રાજ્યની રાજધાનીમાં ઉજવાતો અને એમાં ભાગ લેવા માટે દૂરદૂરના ગામડાં-નગરોમાં રહેતા અનેક મલ્લ મહારથીઓ ઉતરી આવતા. આ મલ્લો હાથીના બચ્ચા જેવા મહાકાયવાળા, ખૂબ કસાયેલા, વીર્યવાન સિંહ સમાન ડોક અને કટિ (કેડ્ય)વાળા હતા. એ સમયે મલ્લયુદ્ધો મહારંગમંડપ મધ્યે થતાં. મલ્લરાજો રંગશાળા અર્થાત્‌ કુસ્તી માટેના અખાડામાં આવીને લંગોટીઓ બાંધતા. મલ્લોની લડાયક બહાદુરી અને દાવ નિહાળીને આનંદવિભોર બનેલા દર્શકો આનંદથી ચિચિયારીઓ કરી ઉઠતા. ચપળ અને ચતુર મલ્લ પ્રતિદ્વંદ્વી મલ્લને બે હાથ વડે પોતાના માથા પર ઊંચો કરી હવામાં ચક્કર ચક્કર ફેરવી, ધરતી પર પછાડીને પોતે વિજયી બનતા. વિજય પ્રાપ્ત કરનાર મલ્લને રાજા તરફથી અઢળક ધનસંપત્તિ મળતી. એક મલ્લને જ્યારે કુસ્તી કરનારો સમોવડિયો મલ્લ ન મળતો ત્યારે એને વાઘ, સિંહ, હાથી જેવા પશુઓ સાથે લડાવવામાં આવતો.

બે બળિયાની ‘બગથબરડી’ (ભેટીને લડવાની રમત)ને મલ્લકુસ્તી ન કહેવાતી. એ કાળે મલ્લવિધામાં પારંગત હોય એવા મલ્લો વચ્ચે કાયદેસરની મલ્લકુસ્તી રમાતી. એમની હાર-જીત નક્કી કરનારો મધ્યસ્થી પણ રહેતો. એ કુસ્તીની શરૂઆત કરાવતો અને કોણ જીત્યું, કોણ હાર્યું એનો નિર્ણય આપતો. આમ મલ્લ-કુસ્તીની વિધાનું આખું શાસ્ત્ર હતું. એના વિવિધ દાવપેચો હતા. આ દાવપેચો અને મલ્લકુસ્તી માટેના વિશિષ્ટ પારિભાષિક શબ્દો પણ હતા. ‘મહાભારત’ અને ‘હરિવંશ’માંથી એની રસપ્રદ માહિતી મળે છે.

મલ્લયુદ્ધ શરૂ થાય તે પૂર્વે મલ્લો લંગોટ બાંધીને અખાડામાં પ્રવેશ કરતા. મલ્લકુસ્તી માટે એક કુંડાળું-વર્તુળ બાંધવામાં આવતું. આ કુંડળામાં ઊભા રહી મલ્લો પોતાની જાંઘો ઉપર હાથ વડે થપાટો મારી પરસ્પરરને પડકારતા. કુસ્તી માટે લલકારતા. લડવા માટેની આ ઉત્સુકતા માટે ‘સમાહ્‌વન’ શબ્દ વપરાતો. સામસામા હાથના અંકોડા ભીડાવીને કુસ્તીનો પ્રારંભ કરાતો. પછી એક બીજા પર મુષ્ટિપ્રહારો કરાતા. અંગો દબાવાતા. નખ ભરાવાતા, મલ્લના શરીરનું કોઈપણ એક અંગ પકડીને દબાવી દેવું તેને માટે ‘કૃત’ શબ્દ જાણીતો હતો. સામા મલ્લના હાથમાંથી પોતાની જાતનેે છોડાવી લેવી એના માટે ‘પ્રતિકૃત’ શબ્દ હતો. હરીફ મલ્લની મુઠ્ઠી પકડીને મરડી નાંખવી એને માટે ‘શંકટ’, પહેલવાન મલ્લોના શરીર ટકરાય એને માટે ‘સન્નીપાત’, હાથના ઝટકા વડે હરીફને દૂર હડસેલવા માટે ‘અવધૂત’, ‘પ્રતિદ્વંદ્વી’ને પકડી જમીન પર પછાડીને રગડવો એને માટે ‘પ્રમાથ’, મલ્લને ઉપાડીને એના અંગઉપાંગો દબાવી દેવા એને માટે ‘ઉન્મથન’, હરીફ મલ્લને આકસ્મિક રીતે દૂર કરવા મોટ ‘ક્ષેપણ’, એક સાથે બે હાથ વડે છાતીમાં મુક્કા મારવા એને માટે ‘મુષ્ટિ’, સામા પહેલવાનને માથું લબડતું રાખી હવામાં ફેરવવો તે માટે ‘વરાહોદ્‌ભૂતનિઃસ્વન’, ધોલધપાટથી મલ્લના શરીર ઉપર ઉઠતી આંગળીઓની છાપ માટે ‘પ્રસૃષ્ટા’, સામા મલ્લને બળાત્કારે પકડીને પોતાના ખોળામાં ખેંચવા માટે ‘આકર્ષણ’, મલ્લને પોતાના શરીરની ચારે બાજુ ફેરવવા માટે ‘અભ્યાકર્ષ’ અને ધોબીપછાડ ખવરાવવા માટે ‘વિકર્ષણ’, ‘ઘૂંટણો’ અને જાંઘ વડે એકાએક ઠોકર મારવાને ‘ક્લિવ્રજનિપાત’, એકબીજાને બથમાં લઈ ચોંટી જવા માટે કંકટ અને સામસામી છાતી ભીડાવવા માટે ‘અવરોધ’ જેવા પારિભાષિક શબ્દોનું વર્ણન મળે છે.

પાંડવો બાર વર્ષના વનવાસ પછી ૧૩મા વર્ષે ગુપ્ત વેશે વિરાટનગરમાં રહ્યા ત્યારે ત્યાં અષાઢ મહિનામાં બ્રહ્મ ઉત્સવ ઉજવાયો એમાં ૭૨ દેશો ફરીને વિજય મેળવી પગે, સોનાના પૂતળા બાંધીને જયમલ નામનો મલ્લ ઉત્સવમાં આવ્યો. એણે લડનારાની માંગણી કરી. ગુપ્તવેશે રહેલા યુધિષ્ઠિરે રાજાને કહ્યું ઃ ‘આપણા રસોડામાં દોઢ મણ ખીચડું ખાઈને પડી રહે છે એ વાલવા રસોયા (ભીમ)ને બોલાવો ને.’ કુસ્તીના દાવ જાણનાર રસોયા વેશે રહેલા ભીમે જયમલ્લને પછાડીને મારી નાંખ્યો. આવી હતી પ્રાચીન ભારતની મલ્લકુસ્તી.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.
જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ shareinindia.in@gmail.com પર અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાડસું..

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– શ્રીફળ દેવ-દેવીઓને કેમ વધેરવામાં આવે છે?

– કહેવતો અને ઉક્તિઓની રસપ્રદ વાતો

– પ્રાચીન ભારતીય સૌંદર્યપ્રસાધનોની રસપ્રદ વાતો

– સવાસો વરસ પહેલાંનું ગામડાનું લોકજીવન

– ભૂત-પલિતનું કમઠાણ છે શું?

– વૈદિકકાળની સર્પવિદ્યાની રસપ્રદ વાતો

error: Content is protected !!