સુપ્રસિદ્ધ વાર્તાકારઃ શ્રી કાનજી ભુટા બારોટ

સુપ્રસિદ્ધ વાર્તાકાર શ્રી કાનજીભુટા બારોટ મૂળ બગસરા પાસેના ટીંબલા ગામના વતની, કાઠી તેમજ મેરના વહીવંચા બારોટ, (જન્મ આશરે વિ.સં. ૧૯૭૬ની આસપાસ)

નાનપણમાં તો ઘણા સંઘર્ષો વેઠવા પડ્યા. સાત વરસની વયે જ પિતાની છત્રછાયા છિનવાઈ ગઈ, બધી જવાબદારીઓ તેમના શીરે આવી ગઈ. “દુઃખમાં જ માણસના જીવનનું ઘડતર થાય છે.’ આ વિધાન સાર્થક નીવડ્યું અને કાનજીભાઈને લોકવાર્તા કથનમાં શિખરે પહોંચાડી દીધા.

ગામઠી શાળામાં પાંચ ગુજરાતી સુધી માંડ ભણી શક્યા, પણ ચાર દીવાલો વચ્ચેનું ભણતર જ જીવનમાં ઉપયોગી થાય છે તેવું નથી, પણ ગણતર જ ઉપયોગી થાય છે. તુલસીદાસ, સૂરદાસ, મીરાંબાઈ, નરસિંહ મહેતા આ બધા ક્યાં કોલેજમાં ભણવા ગયાં હતાં. કાનજીભાઈને સાધુસંતો પ્રત્યે પહેલેથી ભાવ, ભજન સાંભળે અને ગાય પણ ખરા. પોતે મંજીરા કે પખાજ વગાડે. તેમાં ખીચાગામવાળા લખી રામબાપુનો સત્સંગ થયો. પહેલાં થોડા વરસ તો ભાદરવી અમાસનો મેળો તુલશીશ્યામ કરતા. જૂનાગઢના શિવરાત્રીના મેળામાં પણ અચૂક હાજર હોય જ. થોડો વખત સૌને એમ લાગ્યું કે, આ નક્કી બાવો થઈ જશે. કુટુંબ અને પૈસા બાબતમાં સાવ બેફિકર. થોડો વખત તો કોઈ પાસેથી. પૈસા લેતા નહિ. એક ચોપડીમાં મૂકવાનું કહે. જરૂર પડે તો તેનો ઉપયોગ કરે. તેમને વાંચવાનો ઘણો શોખ. એટલે ખૂબ વાંચતા. તેમાં મેઘાણીના સાહિત્ય ખૂબ આકર્ષાયા.

વંશપરંપરાગત યજમાનવૃત્તિનો ધંધો એટલે તેના મેર યજમાનોમાં મોટાબાપુ સુરા બારોટ – એમના પુત્ર ભીખાભાઈ સાથે તેમને જવાનું થતું અને ત્યાં ડાયરામાં વાર્તાઓ મંડાતી શ્રી ઝવેરચંદ મેઘાણીએ સુરા બારોટ પાસેથી સંતદર્શન કરેલ. સુરા બારોટ એક સારા વાર્તાકાર હતા એટલે વાર્તા કહેવાની પ્રેરણા તેમની પાસેથી મળી. ભીખાભાઈ સારો સિતાર વગાડી જાણતા તે કળા કાનજીભાઈને તેમની પાસેથી પ્રાપ્ત થઈ. એમ આ ત્રણેય કળાનો કાનજીભાઈમાં ત્રિવેણી સંગમ થયો. કાનજીભાઈનો કંઠ પણ મેઘાવી, હલક પણ મજાની અને સાથે ભળે સિતારનો ઝણકાર તેથી વાતાવરણ બંધાઈ જાય. પછી તો બધું છોડી કાનજીભાઈ વાર્તા તરફ વળી ગયા. નાના-નાના કાર્યક્રમો ગામડાંના ધોરણે થતા. એમ મધ્ય કાઠિયાવાડથી વડાલ સુધી તેમની ખૂબ અવરજવર રહેતી. વડાલમાં તે વખતે તેમના મામાના દીકરા જીવાભાઈ દેવદાનભાઈ હતા. દિવસ સારો, મનના ઉદાર અને રોટલો મોટો વળી કાનજીભાઈ તરફ સારો આદર એટલે કાનજીભાઈ ઝાઝો વખત વડાલ રહેતા. વાર્તાકથન, ભજન-લોકગીત જેટલું સહેલું નથી. વાર્તાકથનમાં સારા અવાજ સાથે કોની હલક, ખૂબ વાંચન, તીવ્ર યાદશક્તિ, ઘણું સાંભળવું અને કહેવાની હિંમત, આ બધાનો સુમેળ હોય તો જ સફળ વાર્તાકાર થઈ શકાય. આ તમામ ગુણલક્ષણોનો કાનજીભાઈમાં વિકાસ થયો હતો. કાનજીભાઈ સરળ અને ગામઠીભાષામાં વાર્તા માંડે એટલે સૌને મીઠી લાગે. તેમની વાર્તામાં ક્રમે-ક્રમે ભક્તિરસ, વીરરસ, શૃંગારરસ આવે અને ડાયરાને હાસ્યરસના હિલાળા પણ કરાવે. વાર્તાનો હાસ્યરસ એટલે જ્ઞાન સાથે ગમ્મત. સમાજના કુરિવાજો પર આકરા પ્રહારો કરે. એમાંથી હાસ્ય ઉદ્ભવે. હાસ્યરસના પણ બે પ્રકાર છે : સ્થૂળ અને સૂક્ષ્મ.

આજકાલના ડાયરામાં કહેવાતા ઢંગધડા વગરના કાલ્પનિક ટુચકાઓમાં કાંઈ જ તથ્ય ન હોય જ્યારે વાર્તાકારસાહિત્યકારના ટુચકા તો જીવનમાં ઘણું ઘણું કહી જાય તેવા પ્રકારના હોય છે. કાનજીભાઈ તેના માર્મિક પ્રહારોથી શ્રોતાઓનું દિલ જીતી લેતા. તેને ચલાળા નાથાભાઈ ચંદારાણા અને હરમડિયાના અતુલભાઈનો સાથ મળતાં નાના વર્તુળમાંથી મોટું વર્તુળ થયું. તેમાં ટીંબલાના જ શ્રી જેઠસુરભાઈ અને બાબુભાઈ ખેતાણીનો સાથ તો ખરો જ! કાનજીભાઈની નામના છેક ઓખાથી મુંબઈ સુધી ફેલાણી. ઘાટકોપરમાં બાપાલાલ ગાંધી અને હરિભાઈ દોશીનાં તેડા મુંબઈથી આવવા લાગ્યાં.

આ અરસામાં રાજકોટ આકાશવાણી કેન્દ્ર ખૂલ્યું, તેમાં કાનજીભાઈ ગયા. પહેલાં તો મેળ જામ્યો નહિ. ન જામે તેનું કારણ હતું કે, આકાશવાણીમાં તો મર્યાદિત સમય હોય ત્યારે વાર્તાકારને બંધન પાલવે નહિ. પણ શ્રી ચંદ્રકાંતભાઈ ભટ્ટ અને ઉપેન્દ્ર ત્રિવેદીના કર્મચારીઓ પણ તેના ચાહક થઈ ગયા. શરૂઆતમાં તો કાનજીભાઈની વાર્તા આવવાની હોય ત્યારે લોકો રાહ જોતા. વાર્તાકથનને જીવંત રાખવા અને આકાશવાણી સુધી લઈ જવામાં કાનજીભાઈએ જ પહેલ કરી ને કેડી કંડારી છે. દસ-વીસ હજાર લોકોને ત્રણથી ચાર કલાક એક કલાકાર તેના વાણીપ્રવાહથી પકડી રાખે તેવા તો ગયા ગાંઠ્યા કલાકારો છે. આવી કળા કાનજીભાઈમાં સાધ્ય હતી.

આમ વાર્તાકારનું જે પડ રેઢું હતું તેને કાનજીભાઈએ સર કરી લીધું. રાજકોટથી એક લોકસાહિત્યનું માસિક શરૂ થયું. તેમાં કાનજીભાઈએ વાર્તા લખવાનું શરૂ કર્યું. અને તેમાં સારી સફળતા મેળવી. વાર્તા કહેવી અને લખવી બંને અલગ અલગ છટા હોવા છતાં કાનજીભાઈ બંનેને સાધ્ય કરી શક્યા. ગયા વર્ષે કાનજીભાઈના ચાહકમિત્રોએ એક “કાનજીભાઈ બારોટ સાહિત્ય સમિતિ” બનાવી. કાનજીભાઈએ લખેલી બાવન વાર્તાઓનો સંગ્રહ પ્રગટ કર્યો. આ કાર્યમાં તેના ઘણા મિત્રોએ સાથ આપ્યો. તેમાં ખાસ કરીને મનસુખભાઈ ભટ્ટ, છેલભાઈ વ્યાસ વગેરે હતા. કાનજીભાઈ ગાંધીજી પ્રત્યે આકર્ષાયા હતા અને એક દિવસ ગાંધી આશ્રમે ગયા અને નરહરિ પરીખને રાનવઘણની વાર્તા સંભળાવી.

તેમનું પેઢીનામું જોઈએ તો મેઘાણીભાઈને સંતદર્શન કરાવનાર સૂરા બારોટના ગેલા બારોટ, તેના ભૂટા બારોટ અને તેના દીકરા સમર્થ વાર્તાકાર કાનજી બારોટ.

લોકવાર્તા કથનમાં તેમણે સફળતાનું શિખર સર કરી લીધું. તેથી અખિલ સંગીત નાટક અકાદમી મુંબઈ તરફથી તા. ૧૦-૧-૧૯૮૯ના રોજ લખનૌ મુકામે ભારતના રાષ્ટ્રપતિ માનનીય શ્રી વેંકટરામનના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. આ તેની સફળતાની સાબિતી છે.

તેમનું તા. ૨૮-૯-૧૯૯૦ને રોજ ચલાલા મુકામે અવસાન થયું. નામ અવિચળ રાખવા તેમના ચાહકો તરફથી “કાનજી ભુટા બારોટ કલાવૃંદ સંસ્થાની સ્થાપના કરવામાં આવી અને તેની શ્રદ્ધાંજલિમાં લખાયું.

“કલાનો કસબી ગયો, જૂના ઢાળનો ઢાળ ગયો,
જનતા હૃદય જીતી ગયો, પરચંડ પડછંદો ગયો.

ચાહના સર્વે લોકની, આ મલકમાં પામી ગયો,
ક્રૂર વિધાતા કાનજીને, ઝડપથી ઝડપી ગયો.”

પ્રેષિત-સંકલનઃ
મયુર. સિધ્ધપુરા- જામનગર

error: Content is protected !!