કાદુ મકરાણી – ભાગ 2

કાદરબક્ષ બહારવટે

ઇણાજ રોળાઈ ગયું. મરવાના હતા તે માર્યા ગયા. જીવતા હતા તે, જખ્મી તેમજ બીનજખ્મી તમામ, કેદમાં પૂરાયા. પણ કાદરબક્ષ, અબાબકર, અલાદાદ, દીનમહમદ અને ગુલમહમદ તો હાથમાંથી છટકી ગયા છે ત્યાં સુધી રાજને જંપ નથી. નાના નોકરો એ પાંચેને ઘડો લાડવો કરી નાખવાના લાગ ગોતી રહ્યા છે.

દિવાન હરિદાસ પ્રભાસપાટણ આવ્યા. એ પાંચ મકરાણીઓને ઝાલવા વિષે પોલીસ અમલદારનો મત પૂછ્યો. પરદેશી અમલદારે ભૂલ ખાઈને રસ્તો બતાવ્યા કે “એનાં ઓરત બચ્ચાંને પકડી લઈએ, એટલે એને રોટલા મળતા અટકશે ને એ આપોઆપ શરણે આવશે.”

આખી કચેરી બેઠી હતી તેની વચ્ચે આ વાત છેડાઈ ગઈ. ધોંસીલા દિવાને હૂકમ છોડ્યો કે “રસાલાના બે સવાર અમરાપર મોકલો તે એ લોકોને ગાડે નાખી વેરાવળની જેલમાં લઈ આવે.”

સાંભળીને કચેરીમાં બેઠેલા ખાનદાન વર્ગના તેમજ કાંટીઆ વર્ણના માણસોના મ્હોંમાંથી અરેરાટી નીકળી ગઈ. દિવાનને પડખે પ્રભાસ પાટણવાળા ખાનબહાદૂર સૈયદ અલવી અલ એદ્રુસ- જેણે વાઘેરોના બહારવટામાં ભારી ત્રાસ ફેલાવેલો – તે બેઠેલા. એણે ઉઘાડા ઉઠીને કહ્યું “રાવ સાહેબ, આ આપ વિપરિત વાત કરો છો હો ! આ છોકરાઓ કોઈની રંજાડ કરતા નથી. થાવાનું હતું તે થઈ ગયું. તેમનું સત્યાનાશ વળ્યું. સિપાહીના દીકરા છે પણ ચુપ બેઠા છે. અને ઇન્શાઅલ્લાહ થોડા રોજમાં તેમને વતન ચાલ્યા જશે, માટે રાવ સાહેબ, એના જનાના સામે લડાઈ ન હોય.”

“ના ના, ખાનબહાદુર !” દિવાને ટાઢોબોળ જવાબ દીધો: “એમ કર્યા વગર છુટકારો નથી.”

આટલી વાત થાય છે ત્યાં રસાલાના બે જુવાન સવારો રવાના થવા માટે સલામ કરવા આવી ઉભા રહ્યા. એની સામે આંગળી ચીંધીને ખાન બહાદર અલ્વીએ દર્દભર્યા અવાજે દિવાનને કહ્યું કે “રાવ સાહેબ, તો પછી આ બે છોકરાઓની મૈયતની પણ તૈયારી કરી રાખજો અને ગીસ્તોની ભરતી પણ કરવા માંડજો ! કેમકે હવે આપ સૂતા સાંપ જગાડો છો.”

દિવાન હરિદાસ સ્હેજ હસ્યા. સવારો સલામ કરી ચાલતા થયા. કચેરી સુનસાન બેઠી રહી.

અમરાપર ગામની નજીક બીજ અને અજોઠા ગામની પડખે, એક કાદાની અંદર કાદરબક્ષ બેઠો છે. બપોરનો સૂરજ સળગે છે. કાદુ પોતાનાં તકદીર પર વિચાર ચલાવે છે. ગઈ કાલનો એ શાહૂકાર આજે ચોર બન્યો હતો. કાદરબક્ષ તો અમરાપરનો ખેડૂ હતો. પસાયતો હતો. એ બહાદૂરે સાવઝનાં બે જીવતાં બચ્ચાં ઝાલીને નવાબને ભેટ કરેલાં. તેના બદલામાં નવાબે એને અમરાપરમાં બે સાંતી ( ૪૦ એકર ) જમીન એનાયત કરેલી તે પોતે ખેડાવી ખાતો. એ અભણ જમાનામાં પોતે ભણેલો: મોતીના દાણા જેવા અક્ષરો પાડી જાણે : એની બેઠક પણ સારા મુસદ્દીઓ ભેળી : એની અદબ મરજાદ એક અમીરજાદાને શોભે તેવી : નીતિ અને નમકહલાલીને રંગે પૂરેપૂરો રંગાએલો : અને ઇણાજ વાળા સગાઓને હમેશાં ખામોશના બોલ કહેનારો એવો સુલેહસંપીને ચાહનારો કાદરબક્ષ, વાઘેર દાયરામાં જોધા માણેકની માફક આ ઇણાજના મકરાણી દાયરામાં અળખામણો થઈ પડેલો. એના ભાઈઓ એને ‘કમજોર’ કહીને ટોણાં દેતા. એજ કાદુએ પોતાની મતલબ નહોતી છતાં આજ ભાઈઓના દુ:ખમાં ભાગ લઈ પોતાનું સત્યાનાશ વહોરી લીધુ હતું.

એકલો બેસીને એ શાણો આદમી વિચાર કરતો હતો કે હવે શું કરવું ? નીમકહરામ થઈને જુનાગઢ સામે લડી મરવું, કે મકરાણમાં ઉતરી જવું ! મરીને શું કમાવું છે ? નામોશી ! અને ચાલ્યા જવાથી પણ નામોશી સિવાય બીજું શું મળવાનું છે ? બરાબર તે વખતે આબાબકરની નાની દીકરી ભાત લઈને આવી. ભાત પિરસીને એણે કાદુને કહ્યું “કાકા બાપુ, આ છેલ્લી વારની રોટી ખાઈ લ્યો.”

“કેમ બચ્ચા ?” કાદુના હાથમાં હજુ પહેલું જ બટકું હતું.

“નવાબ સાહેબની ફોજ આવી છે, અને અમને બધાંને લઈ જાય છે.”

“તમને બધાંને એટલે કોને ?” કાદુ ટાંપી રહ્યો.

“મોટી અમ્માને, મારી માને, મારી કાકીને, ભાઈને, તમામને.”

“ઓરતોને ? બચ્ચાંને ? ગુન્હો તો અમે કર્યો છે, તો પછી તમને બેગુનાહોને શા માટે લઈ જાય છે ?”

કાદુ ભૂલી ગયો કે એ વાતનો જવાબ એ નાની ભત્રીજી ન આપી શકે !

છોકરી કાકાબાપુના ક્રૂર બનેલા ચહેરા પર મીટ માંડી રહી. અમરાપરની બે સાંતી જમીન ખેડનાર ખેડુ એ સળગતા બપોરની માફક ભીતરમાં સળગી ઉઠી ખુની બનતો હતો.

“બેટી ! ભાત પાછું લઈ જા !” એમ કહીને કાદુએ એંઠો હાથ ધોઈ નાખ્યો. ખાધું નહિ.

પ્રભાસપાટણની આ બાજુ ભાલપરૂં ગામ છે. એ ભાલપરાની નદીના બેકડમાં કાદુ બંદૂક ભરીને બેસી ગયા. બરાબર નમતી સાંજરે એણે અમરાપરને કેડેથી એક ગાડું જતું જોયું. ગાડાના ધોળીઆ બળદની જોડ પણ ઓળખી. પાછળ બે રસાલા-સવારો પણ ચોકી કરતા જાય છે. ખાત્રી થઈ ચૂકી : એ તો એ જ.

નાળ્ય નોંધીને કાદુએ પાછળથી તાશીરો કર્યો. એક ગોળીને એક સવાર ઉડ્યો. બીજી ગોળી ને બીજો પટકાયો. [બીજા પક્ષનું કહેવું એમ છે કે કાદુએ આડા ફરી, સામા જઈ, સમજાવી, પડકારી, સામી છાતીએ ધીંગાણું કરેલું.]

અસ્વારને પડતા દેખીને કાદુએ હડી કાઢી. બેમાંથી પહેલાના શરીર માથે જઈને જુવે ત્યાં જુવાન ઓળખાયો : એ હતો બડામિયાં સૈયદ : હજુ જીવતો હતો. કાદુ એના શરીર પાસે બેઠો. એના હાથ વાંદ્યા અને આજીજી કરી કહ્યું “ બડામિયાં ! તું સૈયદ. મેં તારો જાન લીધો. પણ હું શું કરૂં ? મારાં બાલબચ્ચાંને આમ બેગુન્હે કેદી બનતાં મારાથી ન જોઈ શકાણાં. હવે ભાઈ, તું મને માફ કરી શકીશ ?”

છેલ્લા દમ ખેંચતો બડામિયાં બોલ્યો “ભાઈ કાદરબક્ષ, તમને માફી છે. તમે મને ક્યાં અંગત ઝેરથી માર્યો છે ? એ તો મુકદ્દર !” એટલું કહીને સૈયદે શ્વાસ છોડ્યા.

પછી કાદુ બીજા સવારના શરીર પાસે ગયો. એને પણ ઓળખ્યો. પોતાનો નાતા વાળો જુવાન કબીરખાં ! પણ માફામાફીની ઘડી તો ચાલી ગઈ હતી. કબીરખાંનો જીવ ક્યારનો યે નીકળી ગયો હતો.

રૂપાળી નીલૂડી નાઘેર: એથી યે રૂપાળો સરસ્વતી નદીનો એ કાંઠો : મહારાજ મેર બેસવાની રૂપાળી વેળા : સરસ્વતીનાં નીર ઉપર ચંપાવરણી તડકી રમી રહી છે: એવે ટાણે, દોસ્તોને જ્યાફત દેવા જેવી એ જગ્યાએ, એક સૈયદને અને એક ભાઈબંધને ઢાળી દઈ એની લાશો ઉપર કાદુ ઉભો છે. રૂપાળી કુદરત જાણે રોઈ રહી છે. આપદા અને શરમને ભારે કાદુનો ચહેરો નીચે ઢળે છે. જાણે કે એની શરમને ઢાંકી દેવા માટે જ રાત પોતાનો કાળો પછેડો દુનિયા પર લપેટી દે છે.

બાલબચ્ચાંને તેડી બહારવટીયો અમરાપરમાં આવ્યો. ત્યાંથી બધાંને ઘોડા પર બેસારી બરડામાં ઉતાર્યાં. તે પછી કહેવાય છે કે કોડીનાર પાસે મૂળ દ્વારકાથી મછવામાં બેસારી બચ્ચાંને મકરાણ ભેગાં કરી દીધાં. એના દિલનું ઉંડામાં ઉડું ખુન્નસ ઉછળી આવ્યું હતું. ભેળા પાંચ ભાઈભત્રીજાનો સાથ હતો. વેર લેવા જતાં એણે વિવેકને વિસારી દીધો.

“એક દિવસમાં એક ગામ ભાંગે તો સમજજો કે સાધુએ ભાંગ્યું ! અને ત્રણ ગામ ભાંગે તો કાદુએ ભાંગ્યું સમજજો !”

એટલી જાહેરાત રાજસત્તાને પહોંચાડીને કાદુ ગીરની રૈયતને રંઝાડવા નીકળી પડ્યો. પોતાની ભેગો પોતાનો મોટેરો ભાઈ અબાબકર છે: અલાદાદ, ફકીરમામદ અને દીનમામદ છે, સનવાવવાળા જમાદાર સાહેબદાદનો બાર-ચૌદ વરસનો દીકરો ગુલમામદ છે, બે સીદી છે, ને બાકી ખાટસવાદીઆ ભળ્યા છે. સાદાં લૂગડાં પહેરે છે. બીજા બહારવટીયાની માફક વરરાજાનો વેશ નથી ધર્યો. ભેળો નેજો પણ નથી રાખ્યો. ખભે બંદૂક લઈને પગપાળા જ ચાલે છે. ઉંટ ઘોડું કાંઈ રાખતા નથી. રોજ પાંચ વખત કાદુ નમાઝ પડે છે. અને સાથોસાથ ગામ ભાંગી જુલમ વર્તાવે છે. રોજ ત્રણ ત્રણ ગામડાં ઉપર પડતો ત્રીસ ત્રીસ ગાઉની મજલ ખેંચે છે. આસપાસના ગામેતીઓ, તાલુકદારો, મકરાણીઓ વગેરે એને ઉતારા આપે છે. એની પાછળ જુનાગઢે અને એજન્સીએ પોતાની બધી શક્તિ રોકી દીધી છે. બહારવટીયાનાં માથાનાં ઈનામો જાહેર થયાં છે: કાદુ અને આબાબકરના અકકેક હજાર રૂપીઆ, દીનમામદ અને અલાદાદના પાંચસો પાંચસો : બે સીદીઓના પણ પાંચસો પાંચસો. એમ પણ કહેવાય છે કે કાદુના માથા સાટે ૨૦ સાંતી જમીનનું નામ નીકળેલું.

રાતના દસ બજ્યાની વેળા થઇ હશે. ગામડીયાં લોકોની અંદર સોપો પડી ગયો હતો. ગીરના માતબર મહાલ ઉના મહાલનું તડ નામે અંધારીયુ ગામ : ઝાઝા ચોકીઆત ન મળે કે ન મળે પૂરાં હથીયાર: એમાં કાદુ પડ્યો. એ તો હતો નાણાંની ભીડમાં, એટલે પહોંચ્યા વાણીઆના ઘર ઉપર. મૂછાળા તો ક્યારના યે પાછલી વાડ્ય ઠેકીને ભાગી ગયા હતા. ઘરમાં ફક્ત એક પરણેલી દીકરી હતી, ને દીવાને ઝાંખે અજવાળે એનાં અંગ ઉપર પીળું ધમરક સોનું ચળકતું હતું.

કાદરબક્ષ ઓસરીએ ઉભો રહ્યો. બીજા અંદર ગયા છે. ઘર લૂંટાય છે. એમાં એકાએક બાઈએ ચીસ પાડી ને કાદુની નજર ખેંચાણી. તૂર્ત એણે ભયંકર અવાજ દીધો “હો વલાતી ! ખબરદાર !”

એક સંગાથીએ એ એકલવાયી વણિક-કન્યાનો હાથ ઝાલ્યો હતો. બહારવટીએ એને ‘હો વલાતી !’ એટલે કે ‘ઓ મકરાણી !’ કહી બોલાવ્યો, કેમકે એની ટોળીમાં મકરાણી સિવાયના કોણ કોણ હતા તેનો ભેદ બહાર ન પડી જવો જોઈએ.

કાદુ ઘરના બારણા પર ધસ્યો ને એણે સોબતીને હુકમ કર્યો કે “બહાર આવ !”

ભોંઠો પડેલો સાથી બહાર નીકળ્યો. બહારવટીઆની સામે ઉભો રહ્યો.

“બેટા ડરીશ ના ! તારું ઘર નહિ લૂંટીએ. તું તારે ચાલી જા !”

એટલો દિલાસો એ એકલ ઓરતને આપીને કાદુ ગુન્હેગાર તરફ કરડો થયો. એની નજર અપરાધીના હૈયા સોંસરી જાણે ઊતરતી હતી. “ચલો ગામ બહાર !” કહીને એણે સાથીને મોઢા આગળ કર્યો. પોતે ફરીવાર ઓરડામાં જોયું. દીવો બળતો હતો ને દીવાની જ્યોત જેવી જ થડકતી એ ઓરત ઉભી હતી. એ ઘર લૂંટ્યા વિના બહાર નીકળી ગયા. ગામ બહાર જઈને એણે એ અપરાધી ખાટસવાદીઆ સામે કરડી આંખો કાઢી કહ્યું : “બહારવટાની અંદર કાદરબક્ષ નાની એટલીને દીકરી, બરોબરની એટલીને બહેન અને મોટેરી એટલીને મા ગણી ચાલે છે. કાદરબક્ષ એક પાક મુસલમાન છે. એની સાથે તારા જેવા હેવાન ન ચાલી શકે. હું તને ઠાર કરત. એક પલ પણ વાર ન લગાડત. પણ તારી લાશ આંહી પડી ન રખાય, અમારે ઉપાડવી પડે, માટે જ હું તને નથી મારી શકતો એટલો અફસોસ કરું છું. ચાલ્યો જા ! આ લે તારી ખરચીના પૈસા !”

પૈસા આપીને તે જ પળે એને રવાના કર્યો.

દિવસ આથમવા ટાણે કાદુ ગીરના માતબર ગામ ગઢડા ઉપર આવ્યો. ચંદ્રનું ગ્રહણ હતું. થાણાનો પુરબીઆ જાતનો દફેદાર હાથમાં હાંડલું લઈને નહાવા જાય અને કાદુને થાણામાં દાખલ થવું. દફેદારે બહારવટીયાને પડકાર્યા કે “કોન તુમ !”

કાદુએ જવાબ આપ્યો “હમ ગીસ્તવાલા. જલ્દી બંદોબસ્ત કરો.”

એમ ખોટું બોલી, શત્રુને ભૂલમાં નાખીને કાદુએ માર્યો. સંત્રી લાલસિંહને પણ ઠાર કર્યો. ત્રણ વાણીઆ ને એક ખોજો, ચારેને લૂંટી ચાલ્યો ગયો.

ઉંબા ઉપર પડ્યા. ત્યાંનો પટેલ ગીસ્તની સાથે બહુ હળતો ભળતો રહી કાદુની બાતમી દેતો. એનું નાક કાપ્યું.

હસનાપૂર ભાંગ્યું. ત્યાંના સંધી તૈબને પકડીને હાજર કર્યોઃ કહ્યું કે “તૈબડા, તું સીમાડાની તકરારો કરવા બહુ આવતો. તને સીમાડા દોરવા વ્હાલા હતા. લે, એ સીમાડા દોરવાનો તારો શોખ અમે પૂરો કરીએ.”

એમ કહીને તૈબના પેટ ઉપર તરવારની પીંછીથી ચરકા કરી, સીમાડાની લીંટીઓ દોરી.

સવની, ઈસવરીયું ને મોરાજ, ત્રણ ગામ ભાંગીને લૂંટ કરી.

પસનાવડા ભાંગ્યું. એક બ્રાહ્મણ ભાગ્યો, તેને ઠાર માર્યો ને પછી ગયા લોઢવા ઉપર. લોઢવાનો આયર પટેલ એવું બોલેલો કે “કાદુ બીજે બોડકીયુંમાં ફરે છે, પણ આંહી શીંગાળીયુંમાં નથી આવ્યો. આવે તો ભાયડાની ખબરૂં પડે.”

આ વાત કોઈએ કાદુને ગીરમાં કહી.

“ઓહો ! પટેલ સામે ચાલીને તેડાં મોકલે છે, ત્યારે તો ચલો ભાઈ !”

એટલું કહીને કાદર ચડ્યો. પટેલનું ઘર લૂંટ્યું. પટેલને બાન પકડ્યો. પકડીને કહ્યું કે “ભાગેગા તો હમ ગોલીસે ઠાર કરેગા. રહેગા તો મોજસે રખેગા.” પટેલ શાણો, એટલે સમય વર્તીં ગયો. ન ભાગ્યો. એને બહારવટીયો છૂટથી રાખતો, અને બરાબર રોટલા ખાવા દેતો.

લોઢવા ભાંગ્યું ત્યારે કાદુ એક કારડીઆ રજપૂતને ખોરડે પઠો. મરદ લોકો પોબારાં ગણી ગએલ. બહારવટીયાનો ગોકીરો સાંભળીને ઘરની બાઈ ઉંઘમાંથી બેબાકળી ઉઠી. એના અંગ ઉપર લૂગડાનું ભાન ન રહ્યું, ભાળતાં જ કાદુ પીઠ કરીને ઉભો રહ્યો. ઉભીને પાછળ થર થર ધ્રુજતી અરધ નગ્ન ઓરતને કહ્યું “બેન, તારાં લૂગડાં સાચવી લે. હું તારી અદબ કરીને ઉભો છું. બીશ મા બેટી !”

પણ બાઈ તો હેબતાઈ ગઈ હતી, એ હલી કે ચલી ન જ શકી. અલ્લાની આંખ જેવો દીવો જલતો હતો. કાદુ બહાર નીકળ્યો, કહતો ગયો કે “બેટી, તારા ખોરડાનું કમાડ વાસી દે.” સાથીઓને કહ્યું કે “આ ઘર નથી લૂંટવું. ચાલો.”

એક ગામમાં પડીને કોઈ તાલેવર વેપારીનું ઘર ઘેર્યું. અધરાતને પહોર અંદરનાં માણસો ઉંઘતાં હતાં. બારી બારણાં ખેડવી શકાય તેવાં સહેલાં નહોતાં. કાદરબક્ષ પોતે ખોરડા પર ચડી ગયો. એણે ખપેડા ફાડીને અંદર નજર કરી. ઘસઘસાટ નીંદરમાં સ્ત્રી પુરૂષને એક સેજની અંદર સૂતેલાં દેખ્યાં, જોતાં જ પાછો ફરી ગયો.  ભીયાલ થોરડી ભાંગ્યું. હવાલદારો વાડ ઠેકી ઠેકીને ભાગી ગયા.

લુંબા ભાંગ્યું ને આંબલાસનાં બાન પકડ્યાં. દંડ લઈ લઈને છોડ્યાં.

સણોસરી ને નગડીઆની લૂંટ કરી લોકોને દાંડીયા રાસ રમાડ્યાં. ખજૂર વહેંચ્યા.

ગીરાસીઆઓનો પોતે આશરો પામતો હોવાથી ગીરાસીઆ ગામ પર નહોતો જતો. પણ એક મકરાણીનો ભૂલવ્યો બીનવાકેફ કાદુ જેઠસુર વાળાની બોરડી ઉપર પડ્યો. એમાં એક તલવારધારી કાઠી જુવાનને ઉભેલો જોયો. અવાજ દીધો કે “અય જુવાન ! હથીઆર છોડી દે.”

પણ જુવાન હેબતાઈ ગયો હતો. કાદુએ ત્રણવાર કહ્યું કે “જુવાન ! હથીઆર છોડી દે.” પણ જુવાન જડ પત્થર જેવો ભાન ભૂલી ઉભો થઈ રહ્યો. એને કાદુએ બંદૂકે ઠાર કર્યો. પછી માંડી લૂટ. એ ટાણે વસ્તીમાંથી કોઇએ કહ્યું કે “વસ્તીને સંતાપો છો, જમાદાર, ત્યારે દરબારને કેમ કાંઈ કહેતા નથી ?” “ અરર ! આ દરબારનું ગામ ? ભૂલ થઇ.” કહીને અફસોસ કરતો કાદુ બહાર નીકળી ગયો.

ચોકલી ગામ તોડ્યું. પટેલને કાકડાથી બાળ્યો. કેર વર્તાવ્યો. ભાલપરા ભાંગ્યું. ખાન બાહાદૂર અલ્વીના ભાઈની ગીસ્ત પર તાશીરો કરી ભગાડી, ગામલોકોનાં નાક કાન કાપ્યાં.

ઘાતકીપણાએ એની મતિને ઘેરી લીધી. ડાહ્યા ડમરા અને ખાનદાન કાદરબક્ષે માઝા મેલી, પોતાની ફતેહમાં મદછક બની, અને કિનો લેવાના નેક માર્ગો મૂકી દઈ રૈયતનાં. નાક કાન કપાવવાં શરૂ કર્યા. એટલાં બધાં કાપ્યાં કે એના દુહા જોડાણા : [આ કાદુએ કરલી નાક કાનની કાપાકૂપને અંગે જ જુનાગઢના સ્વ. દાક્તર ત્રીભોવનદાસે કપાળની ચામડી ઉતારી નવાં નાક સાંધવાની કરામત શોધી હતી]

કરમરનો કાંટો કરી, હેતે માંડેલ હાટ,
એક પૈસાનાં આઠ, કાદુએ નાક જ કર્યો.

પોતે પોતાને હાથે તો એટલો હેવાન બની શક્યો નહિ, પણ એના ખુની ને રાક્ષસી ભાણેજ અલાદાદને હાથે આ અત્યાચાર થવા દીધો.

બાનને બહારવટીયો કેવી રૂડી રીતે રાખતો ! એક દિવસ કાદુ નદી કાંઠે નમાજ પડે છે. ટુંકા અને મોરૂકા વચાળે સરસ્વતી નદી ચાલી જાય છે. નમાજ પડતો પડતો કાદુ પોતાની રોજની રીત પ્રમાણે હોઠ ફફડાવી બેાલે છે કે “હે ખુદા ! અમે જાણીએ છીએ કે અમે હરામનું ખાઈએ છીએ. અમે ત્રાસ વર્તાવીએ છીએ. અમે દોઝખમાં જ જવાના પણ શું કરીએ ? દુનિયા માનતી નથી. અમારી ઇજ્જત જાય છે…..”

ત્યાં એણે ભડાકો સાંભળ્યો. નમાજ સંકેલીને જ્યાં જાય ત્યાં તો સાંસણ ગામના દફતરી લુવાણો પુરષોતમ, કે જેને બાન પકડેલો, તેને ઠાર કરેલો દીઠો. સાત દિવસથી પુરષોત્તમ સાથે જ હતો. એને કાદુએ કવેણ પણ કહ્યું નહોતું આજ એને ઢળેલો દેખીને કાદુની આંખોમાંથી દડ ! દડ ! પાણી છૂટી ગયાં. પૂછ્યું “આ કોણ શયતાને કર્યું ?”

અલાદાદને ચહેરે મશ ઢળી ગઈ. “અલાદાદ, તેં આ કર્યું ? બાનને માર્યો?” એટલું કહી અલાદાદના શિર પર બંદૂકનો કંદો માર્યો. માથું ફોડ્યું. અને કહ્યું કે “ચાલ્યો જા ! તું ને તારા બે સીદીઓ પણ.” સાત દિવસ સુધી ત્રણે સોબતીઓને જૂદા રાખેલા. પછી તેઓ ઘણું રગરગ્યા ત્યારે જ પાછા સાથે લીધેલા.

કહે છે કે પોતે ભૂખ્યા રહીને પણ બાનને ખવરાવત્.

[એક જાણકાર આ વાત બીજી રીતે બની હોવાનું કહે છે :પુરષોતમ દફતરી નહિ પણ જંગલ વહીવટદાર હેમાભાઈ અમીચંદ મારૂકાથી સાસણ જતા હતા તેવામાં માર્ગે એને બહારવટીયાએ રોક્યા;પછી પૂછપરછ કરીને અલાદાદે એને ચાલ્યા જવા દીધા. હેમાભાઈ થોડેક ગયા હશે ત્યાં તો જાંબૂરનો સીદી બાવન બોથા કે જે બહારવટીયાઓ માટે ભાતું લઈને આવેલ, તેણે અલાદાદને કહ્યું કે “તમે તો એને જવા દીધા, પણ એ તો અમારો વહીવટદાર છે, એટલે અમને લીલી તાપણીમાં બાળશે.” આ પરથી અલાદાદે પાછળથી બંદૂક મારી હેમાભાઈને ઠાર કર્યા. આ જાણ થતાં જ કાદુએ અલાદાદને ફિટકારી કાઢી મૂકેલો. કાદુ એમ કહેતો કે આવી અકારણ હિંસા તેમની નેકીનેખાઇ ગઈ.]

વૈશાખ મહિનો હતો. વેરાવળના હવા–મ્હેલોમાં દરિયાની લહરીઓ હિલોળાઈ હિલોળાઈને હાલી આવતી હતી. ગોરા અમલદારોની છાવણીઓ નખાઈ ગઈ હતી. મ્હેલો ઉપર અંગ્રેજોના વાવટા ફડાકા મારી રહ્યા હતા. સાહેબ મડમોની આંખોમાં સુખનાં ઘેન ઘેરાતાં હતાં. બારીએ બારીએ સુગંધી વાળાની ટટ્ટીઓ, મેજ ઉપર ફુલોના હાર ગજરા, મીઠાં શરબત અને મીઠા શરાબ, એ સહુ મળીને સાહેબ લોકોને નવાબની મહેમાનદારીની મીઠપમાં ઝબકોળતાં હતાં. અંગ્રેજોની સરભરા માટે જુનાગઢનું રજવાડું વખણાય છે.

એક દિવસ સાંજ નમતી હતી. બે ઘોડાગાડીઓ ગોધૂલીના અંધારા-અજવાળાં વીંધીને પ્રભાસપાટણથી વેરાવળ પાછી આવતી હતી. ગાડીઓને બન્ને પડખે રાતા દીવા, આ અંગ્રેજોની રાતી આંખો જેવા, ઝગતા હતા. બરાબર હાજી માંગરોળીશા પીરની જગ્યા પાસેથી પહેલી ગાડી ચાલી ગઈ. અંદર એક ગોરો ને એક મડમ બેઠાં હોય તેવું દેખાતું હતું. એ ગાડી ગઈ, એની પાછળ બીજી ગાડી નીકળી. નીકળતાં જ હાજી માંગરોળીશાની જગ્યાની આથમણી દિશાના ભાઠોડમાંથી એક આદમી ઉઠ્યો. “ખડા રખો !” એવી કારમી ત્રાડ દીધી. તળપ મારીને, એ પડછંદ આદમી, કબરમાંથી ઉઠેલા પ્રેત જેવો, ગાડીની પગથી પર ચડી આવ્યો. બંદૂક તાકી ઘોડો દબાવે એટલી વાર હતી. ત્રાડ દીધી કે “લેતા જા, શયતાન ઇસ્કાટ સાબ ! ઇણાજ પર તોપ ચલાને વાલા ! હમ જમાદાર કાદરબક્ષ.”

દરમીઆન ગાડીના ભડકેલા ઘોડાઓની લગામે પર પાંચ બુકાનીદારો ચોંટી પડ્યા હતા.

“હમ ઇસ્કાટ નહિ, હમ-” ગાડીમાં એક મડમની જોડાજોડ બેઠેલો ગોરો પુકારી ઉઠ્યો.

“તુમ કોન ?” બહારવટીઆએ પૂછ્યું.

“જેકસન સાબ – ધારી પલ્ટન વાલા.”

“ઇસ્કાટ સાબ કિધર ગયા ?”

“પહેલી ગાડીમેં નીકલ ગયા.”

[આ આખી ઘટનાનો એક સબળ પૂરાવો મળે છે. સને ૧૯૧૦ ના ‘સાંજ વર્તમાન’ પત્રના પતેતી અંકમાં સ્વ. જસ્ટીસ એફ. સી. ઓ. બીમન (મુંબઈ હાઈકોર્ટ) ને ‘Recollections of old days in kathiawar’ નામનો લેખ છે. તેમાં એ ન્યાયમૂર્તિ, પૂર્વે પોતે કાઠીઆવાડનાં જ્યુડીશીઅલ આસીસ્ટંટ હતા તે વખતના અનુભવો નોંધતાં લખે છે કે :
I should like to tell you in detail how Kadir Baksh and his men held up Major Jackson and Elliot of Baroda between Pattan Somnath and Verawal one summer evening, in the belief that they were Kathiawar Politicals, and finding their mistake ]

“હાય ! યા અલ્લા ! હમ ગાડી ભૂલ ગયા. યે ઓરત કોન?” હેબતાઈને થંભેલી મડમ તરફ આંગળી કરી પૂછ્યું.

“ઇસ્કોટ સાબકી જોરૂ.”

“ઓરત ! ઓરતકો હમ નહિ મારેગા. જાઓ.”

એટલું કહીને બહારવટીઓ નીચે ઉતર્યો. બહાદુર અંગ્રેજ જેકસને એને સાદ પાડ્યો “જમાદાર કાદરબક્ષ ! થોડીક વાત કહેવી છે સાંભળશો ?”

“બોલો સા’બ.”

“શા માટે આ ખુનામરકી ? કોઈ રીતે સમજો ?”

“જેકસન સાબ, કાદરબક્ષ લોહીનો તરસ્યો નથી. મારા ગરાસ ચાસનું પાર પડે તો હું અત્યારે જ બંદૂક છોડી દઉં. નહિ તો હું ઇસ્કાટને ગોતી કાઢીને જાનથી મારીશ અને નવાબની સોના જેવી સોરઠને સળગાવી મૂકીશ.”

“બહાદૂર આદમી ! તારી ખાનદાની પર હું આફ્રિન છું. હું પોતે જઈને નવાબ સાથે વિષ્ઠિ ચલાવું છું. બોલ, કાલે ક્યાં જવાબ દેવા આવું? ઠેકાણું આપ.”

“તું – તું ગોરો મને જવાબ દેવા આવીશ ?” કાદુએ કરડાઇભર્યો તિરસ્કાર બતાવ્યો.

[would only let them go on Major Jackson, lionine in form and in heart, promising to keep a tryst at alonely place appointed in the Gir forest next daybearing Colonel Barton’s ultimatum. Kadir Bakshi stipulated for a complete amnesty. But this was of course out of the question, and it looked as though Jackson were going deliberately to his death when he started alone and unarmed to keep his promise and inform the blood thirsty Kadir that there was no pardon and little hope of mercy for him. Jackson kept his tryst, and strange to say, or perhaps it was more strange for these outlaws were brave men]

“હા, હું અંગ્રેજબચ્ચો છું, માટે જ આવીશ.”

બહારવટીયો જેકસનના સાવઝ સરખા ચહેરા સામે જોઈ રહ્યો. ફરી પૂછ્યું :

“એકલો ?”

“એકલો.”

“બીનહથીઆરે ?”

“બીનહથીઆરે !”

“આંહીથી દોઢ ગાઉ ઉપર: હેરણ નદીમાં ચાંદ ખિતાલની જગ્યા પાસે.”

એટલું કહીને બહારવટીઓ અંધારી રાતની સોડ્યમાં સમાઈ ગયો. ગેબમાંથી પણ એનાં પગલાં બોલતાં હોય, તેમ સ્કૉટની ભયભીત મડમ ચમકતી હતી. થોડીવારે એના જીવમાં જીવ આવ્યો. છાતીવાળો જુવાન જૅકસન જાણે કે બહારવટીયાના મેળાપથી બેવડો હિંમતબાજ બન્યો. એની છાતી પહોળાતી હતી. એણે જઇ સ્કૉટને વાત સંભળાવી. પાંચ જ પગલે સ્કૉટ બચી ગયો.

બીજા દિવસની રાત : અંધારૂં ઘોર : અને ગિરની ખપ્પર જોગણી શી હેરણ્ય નદીનો ભેંકાર કિનારો : બરાબર ઠેરાવેલ ઘડીએ ધારી પલટનનો ઉપરી અંગ્રેજ જેકસન બીન હથીઆરે પોતાના રોજના ભેરૂ એક તમંચાને ૫ણ ત્યજીને એકલો આવ્યો. આવીને ઉભા રહ્યો. અંધારે અંધારે એની પાણીદાર આંખો, હીરા જેવી ચમકતી ચમકતી, ઓરી ને આઘી કાદુને ગોતતી હતી. થોડીવાર આમ તો થોડી વાર તેમ, કોઈ બેઠું બેઠું બીડી પીતું હોય તેમ તીખારા ઝગતા હતા. હવામાં ખુણે ખુણેથી ઝીણી સીસોટી વાગતી હતી. પણ કોઈ માનવી નહોતું. થોડીવારે ખંભે ગોબો નાંખીને એક આદમી આવ્યો. જેકસને પડકાર્યો “કૌન હૈ ?”

[themselves and knew and respected bravery in others, was well entreated of them and allowed. It was on this occasion that Kadir explained to Major Jackson that his enemies loosely aspersed him with willful and unnecessary cruelty. True, he said, I had to cut off ears and noses to make myself feared, butbelieve me Sahib, my heart bleeds when I am forced to it, and I weep. Well, we may believe as much or as little of that as we like, but Kadir was undoubtedly answerable for more than one ugly atrocity which Mhowa (મેાવર સંધવાણી) would never have stooped to.]

“રબારી છું બાપા !” સામેથી જવાબ મળ્યો.

“આંહી કોઈ સિપાહી દેખ્યો ?”

“હા, હું એને ખબર દઉં છું, તમે આંહી બેસો.”

રબારી ગયો. થોડી વારે રબારીનો વેશ ઉતારીને કાદરબક્ષ હાજર થયો. અવાજ દીધો કે “સલામ જેકસન સાબ !”

“સલામ તમને કાદરબક્ષ ! હું આવ્યો તો છું, પણ માઠા ખબર લઈને. મારી બધી મહેનત ધૂળ મળી છે. નવાબને ઘણું સમજાવ્યા. મુંબઈ સરકારની મારફત સમજાવ્યા. પણ નવાબ કહે છે કે મારી રીયાસતમાં પાંચ કોમો પડી છે : મકરાણી, મહીયા, કાઠી, આહીર અને હાટી : હું આજ પોચો થાઉં તો મને જૂનાગઢનો ગરાસ એ પાંચે કોમો ખાવા જ ન આપે. માટે હું તો કાદુને જેર કરવાનો.”

“જેકસન સાબ ! આવો જવાબ આપવા આવવાની તમે હિમ્મત કરી ?”

“કેમ નહિ ? મેં તને કોલ આપ્યો હતો.”

“એકલા આવવાની હિમ્મત કરી ?”

“એમાં શું ? તું સાચો મર્દ છે તે ઓળખાણ તે દિવસની સાંજે જ થઈ ચૂકી હતી. તારા પર મને ઇતબાર હતો.”

“હજાર આફ્રિન છે તમને, સાહેબ. પણ બોલો, હવે મારે શું કરવું ?”

“તારી ખુશી હોય તે કરજે. મારૂં દિલ તો એટલું દુઃખાયું છે, કે મારા ધારી પરગણામાં તે તારી પાછળ ફરવા આવનારી નવાબી ગીસ્તને કોઈ શેર આટો પણ વેચાતો નહિ આપે એટલું હું તને કહી દઉં છું. મારા છેલ્લા સલામ, કાદરબક્ષ !”

“સલામ, જૅકસન સાબ !”

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ માહિતી સોરઠી બહારવટિયા માંથી લેવામાં આવેલ છે.

આગળની વાત

કાદુ મકરાણી – ભાગ 1

કાદુ મકરાણી – ભાગ 3

કાદુ મકરાણી – ભાગ 4

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!