કાદુ મકરાણી – ભાગ 1

ઈણાજનો નાશ

કાલે આંહીઆ તોપ મંડાશે. આપણા ઇણાજ ગામને તોપે ઉડાડશે. તમે સહુ નીકળી જાઓ, ભાઈઓ !”

જુનાગઢનું રાજ હતું: વેરાવળ પાટણનો વનસ્પતિએ લચકતો મુલક હતો : વેરાવળથી પાંચ ગાઉ પર ઇણાજ નામનું ગામડું હતું: એ ગામડાની અંદર સંવત ૧૯૩૯ના ભાદરવા સુદ ત્રીજને દિવસે સવારે આ શબ્દો પડ્યા. બોલનારનું નામ જમાદાર અલીમહમદ : જાતે રિન્દ–બલોચ મકરાણી હતો. ઇણાજનો એ ગામેતી હતો. આધેડ અવસ્થા હતી. પોતાની વસ્તીને ભેળી કરીને આજ ભર્યે ભાદરવે એણે આજ્ઞા દીધી કે “ભાઈ સામત સોલંકી, પુંજા આયર, ફુલી ડોશી, તમે સહુ આજ ને આજ તમારાં ઢોર ઢાંખર અને ઘરની ઘરવખરી લઈને નીકળી જાઓ. કાલે આંહી તોપો ચાલશે.”

[એક ઘણા જ વિશ્વાસપાત્ર અને તટસ્થ જાણકાર તરફથી મળેલું આ ટિપ્પણ ઈણાજની આખી ઘટના ઉપર સરસ અજવાળું પાડે છે : “આશરે સને ૧૮૪૦-૫૦ના સમયમાં માંગરોળના શેખની ખાસી બેરખના વિલાયતી આરબોએ બંડ કરી માંગરોળ લુંટ્યું અને તેનાં નાણાં લઈ નાઠા. વાંસે ચડવાની કોઈની છાતી ચાલતી નહોતી, એટલે જુનાગઢ નવાબ સાહેબની દેવડીએ રહેનારા બે વિલાયતી મકરાણીઓએ બીડું ઝડપ્યું ને આરબોનો પીછો લીધો. ગીરના નીકળ્યા વાળાકમાં, વાળાકથી ગોહિલવાડ ને ત્યાંના ભાલમાં, અને ત્યાંથી પેટલાદમાં આવ્યા. પેટલાદની બજારમાં ધીંગાણું થયું. આરબોએ મકરાણીઓને લુંટનો અડધો ભાગ આપવાનું કહ્યું પણ તેઓ ન ખૂટયા. એવી તો ખુનખાર લડાઈ થઈ કે મકરાણી ચાઉસો પોતાના પેટના દીકરાઓની લોથોની આડશ લઇને લડ્યા. આરબોને પકડી, લુંટના માલ સહિત જુનાગઢ લાવી નવાબ સન્મુખ હાજર કર્યા. એ વીરત્વ બદલ મકરાણી ચાઉસોને નવાબે ઇણાજ ગામ ઈનાયત કર્યું.]

“ભલે ને તોપું ચાલતી બાપુ ! અમે તમને મેલીને કેમ જાયેં ?” અલીમહમદ ઉપર હેત રાખનાર વસ્તીએ ભેળા મરવાની હિમ્મત બતાવી. વસ્તીનાં લોકો કેટલાયે દિવસથી આખો મામલો સમજ્યે જતાં હતાં અને આજે તેઓને અલીમહમદના એક વેણમાં જ પૂરો ઘાટ સમજાઈ ગયો.

“ના ભાઈ, ભીંત હેઠળ ભીંસાઈને તમારે મરવાની જરૂર નથી. મારાં તો મુકદ્દરમાં હશે તે થાશે, તમે સહુ નીકળી જાઓ. આજ ને આજ ક્યાંઈક પડખેના ગામોમાં પહોંચી જાઓ.”

“બાપુ ! અમે નીકળીએ તો ઇણાજ લાજે.”

“ઇણાજ નહિ લાજે. હું ઠીક કહું છું. મારે કાંઇ ધીંગાણે ઉતરવું નથી. સરકાર સામી લડાઈ નથી માંડવી. હું તો મરવા માગું છું ને ઇણાજની લાજ સાચવવા હું એકલો આંહી બેઠો આમ સુખ સાંપડવાથી આ જમાદારોએ મકરાણામાંથી પોતાના સગાંસાંઈઓને તેડાવીને રાખ્યાં. નવા આવનારમાંથી જમાદાર અલીમહમદ ને વલીમહમદ નામે બે ભાઈઓ બહુ જોરદાર નીવડ્યા. મકરાણામાં એ રાજ કરનારી કોમ-એટલે કે ત્યાંના કાંટીઆ વરણ-રિન્દ છું. તમે ફિકર કરો મા. જાઓ જલ્દી, ગામલોકોને સમજાવીને ઝટ બહાર નિકાલો.”

વાત કહેતાં કહેતાં અલીમહમદના હાથમાં તસ્બી ફરી રહી હતી. અવાજમાં ઉશ્કેરાટ નહોતો. આંખોમાં રોષની નહિ પણ વેદનાની લાલપ ભરી હતી.

ગામની અંદર વાત પ્રસરી ગઈ. ગામેતીની શીખામણને વશ થઈ વસ્તીનાં લોકોએ ભારે હૈયે પોતાની ગાયો ભેંસો ખીલેથી છોડી, આંસુભરી આંખે ઉચાળા ભર્યા. સહુ અલીમહમદને રામ રામ કરી, રોતાં રોતાં બહાર નીકળ્યાં. અને કાલ સાંજ થાશે ત્યાં તો આ ખોરડાં, આ પાદર, આ વડલા ને આ પંખીડાં, કોઈ નહિ હોય, આપણું ઇણાજ પડીને પાદર થશે, એ વિચાર કરતાં કરતાં, ગામનાં ઝાડવાં ઉપર મીટ માંડતાં માંડતાં લોકો માર્ગે પડ્યાં. પણ બુઢ્ઢાં હતાં તેટલાં પડ્યાં રહ્યાં. પડ્યાં રહેનારમાં એક સામંત સોલંકી, બીજો પુંજા વાલા આયર, ત્રીજી ફુલી ડોશી લુવાણી, ચેાથો બોદો ઢેઢ, પાંચમો કિસો મેતર વગેરે જણ હતા. એને પણ ગામેતીએ પૂછ્યું “તમે શા માટે પડ્યાં છો ?”

“બાપુ !” પોતાની ડગમગતી ડોકીને સ્થિર રાખવા મહેનત કરતી ફુલી ડાશી બેલી: “અમારે ભાગીને શું કરવું છે ? મડાંને બલોચ કહેવાય છે. ખાનદાન, સ્વમાની, સોડસોડા મરદ અને એકવચની કોમ રિન્દ–બલેાચ: એ એના સદ્દગુણો. પણ અજડ, અવિચારી, ક્રૂર અને કેટલેક અંશે Unscrupulous ખરા, એ એમના અવગુણ. ધીમે ધીમે આ નવા આવનારા સગાઓ બહુ બળીઆ નીવડ્યા. એવે અસલવાળા પક્ષનો મઝીઆન નામનો એક મકરાણી બહારવટે નીકળ્યો. તેને તેઓ વશ ન કરી શક્યા, પણ જમાદાર અલીમહમદે કબ્જે કર્યો તેથી સામાવાળાના ભાગમાંથી નવાબે ૧૦ સાંતી જમીન અલીમહમદને અપાવી અને બાકીની ધીરે ધીરે ગરીબીને કારણે તેઓએ આ બળીઆ પક્ષને માંડી દીધી. બન્ને પક્ષ વચ્ચે અણબનાવ વધ્યો હતો અને એક વખત તો સામા પક્ષવાળા જમાદાર અબ્દુલાએ જુનાગઢ જઈને ફરીઆદ પણ કરેલી કે અમને ગામમાંથી સતાવણી કરીને કાઢી મૂકે છે. એમ લગભગ નવા આવનારાઓ ગામના ધરાર ધણી થઈ બેઠા હતા. વીજળીનો ભો કેવો : ટાંટીઆ ઢસરડીને મરવા કરતાં અમારા બાપુને પડખે રહી તોપે ઉડીએ, તો સદ્દગતિએ જવાયને ! અમે તો આંહી જ પડ્યા છીએ. ભલે આવતી તોપું.”

બેટા અબ્દ રહેમાન !” વલીમહમદે પોતાના પાંચ દીકરા માંહેલા એકને બોલાવી કહ્યું : “આપણા ભાઈ ભત્રીજાને આજ ને આજ ભેળા કરો. તરસલીએથી ભાણેજોને, એમણાબુના ત્રણે દીકરા અલાદાદ, ફકીરમામદ અને દીનમામદને. તેડાવી લ્યો.”

“પણ અબાજાન ! એની સાથે તો અદાવત છે ને ?”

“હવે અદાવત ખતમ થાય છે. ખુદાને ઘેર જાતાં જાતાં દોસ્તી કરી લેવા માગું છું. જલ્દી સાંઢીઓ રવાનો કરો.”

“બીજા કોને ?”

“જમાદાર સાહેબદાદને સનવાવ ખબર ભેજો.”

જમાદાર અલીમહમદ અને વલીમહમદ વિદ્વાન, વિચારશીલ અને દીર્ઘદૃષ્ટા પુરૂષો હતા ખરા, પરંતુ પાચે આંગળીઓ સરખી ન હોય એટલે જુવાનીયા વર્ગમાં કોઈ ઉદ્દ્ંડ માણસો પણ હશે અને તેમના તરફથી આળવીતરા વર્તનની સાધારણ ફરીઆદ કોઈ કોઈ વાર બહાર પડતી. બીજી બાજુ રાજના અમલદારોને પણ ઇણાજ ગામ આંખોના કણાની માફક ખટકતું હતું.

એ અરસામાં આવી વસતી-ગણત્રી: સને ૧૮૮૧નું વર્ષ: ગામનાં માથાં ગણાય–બાઈ બેન, વહુ દીકરી, બધાનાં માથાં ગણાય ! નક્કી એમાં “ફીરંગી” સરકારની કાંઇક છુપી કરામત હોવી જોઈએ ! આવી આવી શંકાને વશ થઇ ત્રણ કાળમાં ય તેમ ન થવા દેવાનો તેઓએ (ઇણાજ વાળાઓએ) પાકો નિશ્ચય કર્યો. મામલો તો આ વખતે જ વિફર્યો હતો, પણ ડાહ્યાં માણસોએ વચ્ચેથી તોડ કાઢ્યો કે પ્રભાસ “સનવાવ તો અઢાર ગાઉ થાય. કોણ મઝલ કરી શકશે ?”

“આપણા કરસનજી ગામોટ કરી શકશે, એને દોટાવો. અને અમરાપર ભાઈ કાદરબક્ષ તથા અબાબકરને કહેવરાવો. છેલ્લી વારનો કુટુંબમેળો કરી લઈએ. કાલે તો ખુદાના દરબારમાં હશું.

નોખનોખી દિશાઓમાં ખેપીઆ છૂટી ગયા છે, મોહબતદારો આવી પહોંચવાની વાટ જોવાય છે, અને વેરાવળ પાટણમાં એક મોટી ફોજ ઈણોજ ઉપર ચડતી હોવાના સમાચાર મળે છે. જમાદાર અલીમહમદની બધી આશા આથમી ગઈ. એ પોતાના ઓઝલને ઓરડે ચાલ્યો. પોતાની બીબી અમનને પૂછ્યું,

“બોલો તમારી શી મરજી છે ? બાલબચ્ચાંને લઈ ચાલ્યા જાઓ તો હું ખરચી આપું. આપણા વતન મકરાણ ભેગાં થઈ જાઓ.”

“અને તમે?”

“હું અહીં ઘર આંગણે મરીશ, કાલે આંહી કતલ ચાલશે.”

“ખાવંદ ! ચાલીસ વરસથી તમારી સોડ્ય વેઠનારને આજ તમે એકલી જાન બચાવવાનું કહીને કયા વેરનો બદલો લઈ રહ્યા છો ? મને શું મરતાં નથી આવડતું ! હું બલોચની બેટી છું, બલોચની ઔરત છું, બલોચની જનેતા છું.”

“પણ બીબી ! તમારે આંહી બહુ બુરી રીતે મરવું પડશે. આ ઓરડાની નીચે હું દારૂ ભરાવીશ ને છેલ્લી ઘડીએ આખો ઓરડો ફુંકાવી દઈશ. મારાં બાલબચ્ચાંને રાજના હાથમાં જવા નહિ દઉં.હું રિન્દ–બલોચ છું.”

“આપ ઠીક પડે તે રીતે અમને ઉડાવી દેજો. બચ્ચાં સહિત મારૂં છેલ્લુ ઠેકાણું તો આ ઓરડો જ છે.”

ઓરડા નીચે સુરંગ ખોદાવીને અલીમહમદે દારૂ ધરબાવ્યો. પોતે ઓસરીમાં બેઠક લીધી. એક બાજુ હથીઆર મૂક્યાં છે. સામે ઘોડી પર ઉઘાડું કુરાન પડ્યું છે. દીવો બળે છે. આખી રાત જાગીને અલીમહમદ કુરાન વાંચી રહેલ છે.

પાટણના, બાદશાહ અકબરના કરતાં પણ જૂનેરા કાળના જમીનદાર નાગર દેસાઇ કુટુંબના એક ખાનદાન જુવાન હરપ્રસાદ ઉદયશંકર, જે “હરભાઈ” નામથી આખી ગીરમાં ને નાઘેરમાં અત્યંત લોકપ્રિય અને શુરવીર તરીકે પ્રસિદ્ધ છે, તેને ઇણાજની વસતી ગણવા માટે મોકલ્યા. દેસાઈ કુળ ૫ર વિશ્વાસ અને સન્માનની દૃષ્ટિ રાખનાર મકરાણીઓએ આ વાતને વધાવી લીધી. ૨૦-૨૧ વર્ષના હરભાઈએ ઇણાજમાં આવીને ગણત્રી કરી.

વળી થોડે વખતે ઈણાજવાળાઓને માંહોમાંહે મારામારી થઈ એની રાવ ગઈ. પણ તપાસ કરવા જનાર પોલીસને તેઓએ ગામમાં પેસવા દીધા નહિ, પ્રભાસ પાટણના માજીસ્ટ્રેટને પણ ભગાડી મૂક્યા અને મનસ્વી વર્તન ચલાવે રાખ્યું. બીજી તરફથી આવી ખમીરવાળી જાતિઓની વિરોધી નોકરશાહી ‘કાગળો કરવા માંડી’. આમ વાત મમતે ચડી તેવામાં લાલ ડગલાનો એક બ્રિટિશ સવાર ઇણાજ ગામે મોકલવામાં આવ્યો તેને ય ગામેતીઓએ, કોણ જાણે શી કુમતિ સૂઝી તે બંદૂકો બતાવી નસાડી મૂક્યો.

આ વખતે જૂનાગઢને દિવાનપદે નડીઆદ વાળા સુપ્રસિદ્ધ દેસાઈ ખાનદાનના દેસાઈ હરિદાસ વિહારીદાસ વિરાજે. સ્વભાવે જેવા ઉદાર, ઉચ્ચ આશયોવાળા અને દયાળુ, તેવા જ આગ્રહી. એને ઇણાજ ગામ પર ક્રોધ આવ્યો. કોઈ અભાગણી પળે એણે હુકમ છોડ્યો કે “ઇણાજવાળાઓનાં હથીઆર છોડાવી લ્યો.” (મર્હુંમ નવાબ રસુલખાનજીને આવા જ એક કિસ્સામાં જ્યારે કોઈએ આવી ભલામણ કરેલી ત્યારે નવાબે જવાબ આપેલો કે “વાહ હજામ કહાંસે પેદા હુએ, જો સાવઝડું કે નખ ઉતારે ? ”ઈણાજને દુર્ભાગ્યે આવો વિચાર કોઈને થયો નહિ) નોટિસો પણ નીકળી તેનો વ્યાજબી જવાબ મળ્યો નહિ. ગામ મૂળ માલિકોને સોંપી બહાર જવા હુકમ થયો તેનો પણ વ્યાજબી જવાબ મળ્યો નહિ. સિપાહી, અમલદાર, જે કોઈ ગયા તેને ઇણાજવાળાઓએ તગડી મૂક્યા. આ બધી વાતોને અત્યંત વિકૃત સ્વરૂપે રજુ કરવામાં આવી. જે લોકોની પાછળ “શિરામણી કરતા જાવ !” એવો આગ્રહ કરવા ઈણાજના ગામેતીઓ પોતાના પાદરમાં દોડેલા, તે લોકોએ પણ એવી જુબાની આપેલી કે તેઓ તો અમને મારી નાખવા દોડ્યા હતા.

આ સંજોગો હતા. એટલે લશ્કરી બળથી ગામ ખાલી કરાવવા જુનાગઢ રાજ્યે એજન્સીની રજા માગી. રજા આપવામાં આવી. પરંતુ કનડા ડુંગર પર મહીયાની કતલ જેવો કિસ્સો ન બને તેટલા માટે માણેકવાડાના પોલીટીકલ એજન્ટ મેજર સ્કૉટને જુનાગઢના લશ્કર પર ધ્યાન રાખવા માટે અને હદ બહાર ન જવા દેવા માટે હાજર રહેવાનો હુકમ થયો.

સવાર પડતાં જ તેડાવ્યા હતા તે પિત્રાઈઓ ને ભાણેજો હાજર થઈ ગયા. હાજર થનારા આટલા જણ હતા. અમરાપરથી જમાદાર અલીમહમદના કાકા નૂરમહમદના દીકરા જમાદાર કાદરબક્ષ અને અબાબકર: તરસલીએથી પોતાની બહેન એમણાંબુ અને બનેવી લશ્કરાનના ત્રણ દીકરા ફકીરમામદ, દીનમામદ અને અલાદાદ: સનવાવથી જમાદાર સાહેબદાદ તથા તેનો ચૌદ વરસનો દીકરો ગુલમહમદ: પોતાના પાંચ દીકરા, વજીરમામદ, અબ્દરહેમાન, મહમ્મદ, અબ્દુલા અને ઈસ્માઇલ: પોતાનો સગો ભાઈ વલીમહમદ તથા તેનો દીકરો ઉમર : અને હુસેનભાઈ નામને એક બુઢ્ઢો સાથી. એ આખા દાયરાને અલીમહમદે પ્રથમથી માંડીને વાત કરી :

“મારા ભાઈ બેટાઓ, મકરાણીઓની ઈજ્જત આજ ઉતરી ગઈ છે. ઘણા ઘણા ઉતરતા ખવાસના બલોચોએ આંહી કાઠીઆવાડમાં આવી પેટને ખાતર ખૂટલાઈનો સિક્કો બેસારેલ છે. પણ આપણે તો રિન્દ–બલેાચ. આપણે મૂળથી જ ગરાસદાર. આપણે આજ ‘મકરાણી’ નામનો બટ્ટો ધોવાની વેળા આવી છે.”

“એવડું બધું શું થયું છે ?”

આપણા માંહેલાની જ ખટપટથી નવાબ સરકારના અમલદારો આપણા ઉપર કોપાણા છે. મને કાલે હરિદાસ દિવાને વેરાવળ મુકામો તેડાવેલો. પૂછ્યું કે હથીઆર કેમ રાખો છો ? સરકારી અમલદારોને ગામમાં કેમ આવવા દેતા નથી ?

મેં કહ્યું કે “સાહેબ, એવું કાંઈ જ નથી.”

ડાહ્યા, ધીરા અને ગરવા મ્હોંવાળા કાદરબક્ષે અદબથી કહ્યું: “બડા ભાઈ : એ વાત તો સાચી છે. તે દિવસ આપણા બનેવી લશ્કરાન સાથે કજીયો થયો, તેની તપાસ કરવા આસીસ્ટંટ પોલીસ ઉપરી હોરમસજી કોઠાવાળા આવ્યા તેને આપણે ઈણાજમાં ક્યાં આવવા દીધા હતા ? ગામને ઝાંપે આપણે ભરી બંદૂકે વિલાયતીઓનો પહેરો બેસાર્યો હતો.”

અલીમહમદે ખામોશથી કહ્યું “તમારી એ વાત સાચી છે ભાઈ કાદરબક્ષ! આપણી એ કસર થઈ કહેવાય. પણ મારા ગામમાં વળી પોલીસ કેવી, એ જીદ ઉપર હું દોરાઈ ગયો હતો. ખેર ! પણ હવે તો મને દિવાને હુકમ દીધે છે કે “કાલ સવાર સુધીમાં હથીઆર છોડી દ્યો, અને ઇણાજ ગામ ખાલી કરો. તમને સરકાર બીજું ગામ ખાવા આપશે.” હું જવાબ દઈને આવતો રહ્યો છું કે “ મારા ભાઈઓને પૂછીને કહેવા આવીશ.” મને ચેતવણી આપેલી છે કે “કાલ સવાર સુધીમાં ‘હા ના’નો જવાબ લઈ વેરાવળ નહિ આવી પહોંચો તે અમે ઈણાજને ફુંકી દેવા ફોજ મોકલશું.” હવે બેાલો ભાઈ, હથીઆર અને ઈણાજ છોડવાની હા કહેતા હો, તો હજી વખત છે. તમે વેરાવળ જઈ પહોંચો.”

“તમારી ખુદની શી મતલબ છે બડા ભાઈ !”

“હું તો હથીઆર નહિ છોડી શકું. હથીઆર તો મને મારા જાનથી જ્યાદે પ્યારાં છે. એટલે હું આંહી ઘરઆંગણે બેઠો બેઠા મારી ઈજ્જત માટે મરીશ.”

“અમે પણ સાથે મરશું” સહુએ અવાજ દીધો.

[કહેવાય છે કે અલીમહમદ વેરાવળ અને પ્રભાસપાટણમાં પોતાનાં સગાંસાંઈ અને દોસ્ત આશનાને છેલ્લી વાર ભેટી લઈને જ ઇણાજ આવેલ હતો ને ત્યાં રાતે દાલ પુલાવ રાંધી, દીકરા દીકરીઓનાં લગ્ન કર્યા હતાં અને જાફરાન (કેસર) છાંટી લીધું હતું.]

“હું તમને કાંઈ કહેતો નથી ભાઈ ! મારે આંહી લડાઈ કરવી નથી. મારે જૂનાગઢ જીતવું નથી. મારે તો ઈજ્જત માટે મરવું છે. તમારાં બાલબચ્ચાં વાસ્તે તમે ખુશીથી જીવો.”

“મોટા ભાઈ !” કાદરબક્ષની આંખોમાં પાણી આવી ગયાં; “આજ સુધી હું તમને સહુને વારતો આવ્યો છું. તમારી બધાની ગરમીને હું ઠંડી પાડવા મહેનત કરતો આવ્યો છું. તમે બધા મને પોચો ને કમજોર કહેતા. ખેર ! મારા એ દિવસો ગયા. હવે તો બાલબચ્ચાંની પરવા નથી – હવે તો હું દુઃખમાં તમારી સાથે શરીક થાઉં છું.”

“તો ભલે. હું આજ રોજું રહ્યો છું તેમ તમે પણ રહો. કુરાનના દોર કરો. હમણે ફોજ આવી સમજજો. ભેળા માણેકવાડાથી એજન્સીના પોલીટીકલ એજન્ટ સ્કૉટ સાહેબ પણ ૫૦૦-૭૦૦ની પલટન તેમજ તોપ લઈ આવવાના છે, માટે દિલને તૈયાર કરો.”

નાનકડા ઇણાજ ગામની અંદર તે દિવસ આવો મામલો મચેલો હતો. ગામ જાણે કબ્રસ્તાન હતું ને માણસો જાણે પ્રેતો હતાં. વેરાવળમાં વાટ જોઈ જોઈને જ્યારે ઈણાજનો કોઈ આદમી કળાયો નહિ, ત્યારે ઠરાવેલે સમયે નવાબી સૈન્ય કૂચ કરી ચૂક્યું હતું. આંહી કુરાનના દોર પડાતા હતા, ને ત્યાં રસ્તા પર ફોજનાં પગલાં પડતાં હતાં. દારૂગોળો ઓરો ને ઓરો આવતો હતો.

ફોજ આવી. વેરાવળ અને ઈણાજ વચ્ચેના ‘ઉંડા કુવા’ પાસે રોકાણી. ત્યાંથી જુનાગઢવાળા જમાદાર નજરમહમદ તથા દિલમુરાદને અને સાથે માણેકવાડાના પ્રાંત સાહેબના એક જમાદારને, ત્રણ જણાને છેલ્લી વાર સમજૂતી કરવા ઇણાજ મોકલ્યા. ત્રણે આવીને જમાદાર અલીમહમદ સન્મુખ ઉભા રહ્યા. ત્રણેએ બધી વાત કહી સમજાવ્યું કે “નહિ માનો તો થોડી જ વારમાં ઇણાજ ગામ ઉપર ચૂડેલો રાસડા લેશે.” એ બધી વાત સાંભળીને જમાદાર અલીમહમદ બોલ્યાઃ

“ભાઈઓ, હું માફી માગું છું. મેં જૂનાગઢનું નીમક ખાધું છે. ઇણાજ પણ અમારા વડવાને નવાબ સાહેબે જ ચાકરી બદલ દીધું છે. મારે ઇણાજ છોડવું એ મોટી વાત નથી. પણ મારા ઉપર આવું શીદ કર્યું ? મારી ભૂલ હતી તો મને જૂનાગઢ તેડાવવો હતો. પણ હવે તો મારા ઘર ઉપર તોપ આવીને ઉભી રહી. હવે હું ખસું તો મારી ઇજ્જત જાય. હવે તો મારે મારા માલેકની તોપને વધાવી લેવી જોઈએ. મારે તો મરવું જ માંડ્યું છે. માટે આપ પધારો, અને લશ્કરને ખુશીથી આંહી લઈ આવો. હવે વાર લગાડશો નહિ. સલામ આલેકુમ !”

છેલ્લું કહેણું સાંભળીને ફોજ ફરીવાર આગળ ચાલવા લાગી. માણેકવાડાને પોલીટીકલ એજન્ટ સ્કૉટ અને જુનાગઢ પોલીસ ઉપરી નાગર અંબારામ સુંદરજી છાંયા ધોળી માટીના એરીઆમાં બેઠા. ફોજને આજ્ઞા દીધી કે “ ઇણાજ ફરતા વીંટી વળો. પણ વગર જરૂરે કોઈ માણસને મારશો નહિ.”

ફોજે આવીને ઇણાજ ઘેર્યું. અલીમહમદ રોજો રહી, ઉપરા ઉપરી બે પાયજામા પહેરી, તે ઉપર ભેટ બાંધી, તમંચો, બંદૂક, ઢાલ ને તલવાર બાજુમાં મૂકી લેબાનની ભભકતી સુગંધ વચ્ચે ઓસરીમાં બેઠો બેઠો કુરાનના દોર કરે છે, પાસે નીમકહલાલ બુઢ્ઢો હુસેનભાઈ અરધી મીંચેલી આંખો કુરાને શરીફ સાંભળે છે. અને એ જ ઓસરીના ઓરડામાં પૂરાઈને બીબી અમન પોતાનાં બાલબચ્ચાં સહિત નમાઝ પડે છે. મરવું મીઠું લાગે એવી ચુપકીદી મહેકી રહી છે.

અને એથી ઉલ્ટી ચાલ ચાલતા એના તેર જુવાન સગાઓએ પાદરમાં ઓડા લઈને સામે ઉભેલી ફોજ ઉપર ગોળીઓ ચલાવવાનો આદર કર્યો. થોડી વાર ફોજે ખામોશ પકડી. અઢીસોની સામે તેર નવજુવાન મકરાણીઓ એવા રૂડા લાગતા હતા કે ફોજ આખી જોઈ રહી. ત્યાર પછી તો તોપ ચાલી. પણ સામા તેર જણાએ પોતાની અચૂક બરક઼ન્દાજીથી એ બે તોપોના બળદોનો સોથાર વાળી નાખ્યો. ગોળીઓની ઝડી વરસી રહી છે ત્યાં તો૫ ભરવા તો શું પણ તોપની પાસે જવા યે ફોજનો કોઈ આદમી તૈયાર નહોતો. ફક્ત એક આદમી તોપખાના પાસે ઉભો હતો. એનું નામ નાયબ હાશમભાઈ: રાજના વંશપરંપરાના તોપચી.

“જુવાનો !” તેર મકરાણી જુવાનોની અંદરના આગેવાન વજીરમહમદ બોલ્યા: “ જોજો હો, હાશમભાઈને જોખમતા નહિ. એ ભલો ઉભો. હજી એની કાચી જુવાની છે. એને નથી મારવો.”

બહાદૂર હાશમ ઉભા હતો, પણ દુશ્મનો એને જાણી બુઝીને બચાવી રહ્યા છે તેની એને ખબર નહોતી.

તોપો ભરાતી નથી, કે નથી પેદલ ફોજ આગળ પગલું ભરી શકતી. ઇણાજના બરકંદાજો જાણે મંત્રી મંત્રીને બંદૂક છોડે છે ! અને આઘેરી આંબલીની ઘટામાંથી એ કોની બંદૂક ગોળીઓનો મે વરસાવી રહી છે ? કોઈને ખબર પડતી નથી. કોઈ આદમી કળાતો નથી. ફક્ત ધૂમાડાના ગોટા ઉઠે છે. થોડી વાર સુધી તો ફોજવાળા મુંઝાઈને ઉભા થઈ રહ્યા. પછી તેઓએ એ ધૂમાડાનું નિશાન નોંધીને એક સામટી બંદૂકોની ધાણી વ્હેતી કરી.

ઉભો ઉભો ગોરો સ્કૉટ સાહેબ પગ પછાડે, અંબારામ ભાઈ ધુંવાં ફુંવા થાય, આગળ વધવાની આજ્ઞાઓ આપે, પણ ફોજ થીજી ગઈ હોય તેવી થઈને ઉભી રહી. આખરે બે ગાડાં ઉભાં કરીને ઠેલતા ઠેલતા તોપની પાસે લાવ્યા અને ગાડાંની ઓથે તોપો ભરી ભરીને દાગવી શરૂ કરી. પહેલે જ ધૂબાકે ગામનાં ખોરડાં ઢગલા થઈ ઢળી પડ્યાં, બે ચાર મકરાણી જુવાનોને પણ ઢાળી દીધા છતાં જુવાન બેટા વજીરમહમદનો મોરચો ચાલે જ જાય છે. બાઈઓ બદૂકો ભરી ભરીને દેતી જાય છે ને દોઢીયાળા તાશીરો દીધો આવે છે. કોઈ પણ ઈલાજે રાત પાડી દેવી એ મકરાણીઓની નેમ હતી. ને જો રાત પડી હોત તો મકરાણીઓને નવી મદદ આવી પહોંચતાં ભયંકર સંગ્રામ મંડાયો હોત એ ચોકસ વાત છે.

તોપો જ્યારે ફરી વાર વ્હેતી થઈ અને ગાડાં આડે ગોળીઓની કારી ફાવી નહિ, ત્યારે એ તેર જણાના ડાહ્યા જણ કાદરબક્ષે નવેસર વિચાર કર્યો કે “હવે નહિ પહોંચાય, અને કનડે ડુંગરે જેમ મહીયા મુવા તેમ જો આંહી ભીંત હેઠળ ભરાઈને મરશું તો લોકો મકરાણીઓની બદબોઈ કરશે. માટે હવે નીકળી જઈએ.”

કાદરબક્ષ પાછો વળ્યો. જમાદાર અલીમહમદની પાસે આવીને એણે આ વિચાર કહી સંભળાવ્યો. અલીમહમદે જવાબ વાળ્યો : “ભાઈ કાદરબક્ષ ! હું તમને કંઈ જ નથી કહેતો. નીમકહરામ થઈને આપણી સરકાર સામે થવાનું કે વસ્તીને પીડવાનું હું તમને કહેતો નથી. હું પોતે તો આંહી મરવા જ માગું છું. તમે તો તમારા દિલમાં ખુદા જે કહેતો હોય તે જ કરજો !”

કાદરબક્ષ બહારવટાનાં પગલાં ભરી બીજી બાજુથી ગામ છોડવા નીકળ્યો. ભેળા એના બીજા બધા પિત્રાઈઓ પણ નીકળ્યા. માત્ર અલીમહમદના બે દીકરાઓ, વજીરમહમદે અને અબ્દરહેમાને કાદરબક્ષની સાથે જવા ના પાડી: કહ્યું કે “બાપુને છોડીને અમે નહિ આવીએ. અમે પણ અહીં જ મરી મટશું.”

કાદરબક્ષ નીકળી ગયો. પાદરને ઝાંપે મકરાણીઓના મોરચા તૂટી પડ્યા. ફોજ અંદર ઘૂસી. અલીમહમદની ડેલી પાસે પહોંચી. બંદૂકોની તાળી પડે છે અને તોપના ગોળા ગાજે છે તે સાંભળતો સાંભળતો અલીમહમદ કુરાનના દોર કરવામાં તલ્લીન છે.

જ્યારે ફોજ લગોલગ આવવા લાગી ત્યારે એક અકસ્માત બન્યો. વજીરમહમદના મોરચા સામે ઉભા રહીને કોઈ હલકટ ગુલમેંદી સવારે એને ખરાબ ગાળો કાઢી. ગાળો સાંભળતાં જ રિન્દ–બલોચ વઝીરમહમ્મદનું લોહી ઉકળી આવ્યું. કોણ જાણે શા કારણથી એણે પોતાની બંદૂક ઓટલા ઉપર પછાડી ભાંગી નાખી અને “યા અલી મદદ !” કરી તલવાર ખેંચી ઓડા ઉપરથી એણે ઠેકડો માર્યો. દોડીને એ ગાળ કાઢનાર સવારને તો ઠાર કર્યો, પણ ત્યાં તો એના શરીર ઉપર ગોળીઓનો મે વરસી ગયો. વઝીરમહમદ ઢળી પડ્યો.

મોટા ભાઈને પડતો દેખી ૧૪-૧૫ વરસનો નાનો ભાઈ અબ્દરહેમાન તલવાર ખેંચી દોડ્યો અને પોતાના હાથનું કાંડું ઝાટકા વડે કપાઈને લટકી પડ્યું ત્યાં સુધી એ ઝુંઝ્યો. એ પણ પડ્યો. મકરાણીના મોરચા તૂટ્યા. ગામનાં ખોરડાં સળગ્યાં. લાખેણા જુવાનો ઉભા ઉભા ભાંગી ગયા પણ તસુ યે હટ્યા નહિ.

થોડી વાર થઈ અને એક જખ્મી મકરાણી પેટ પર કપડું વીંટી લથડીયાં લેતો ઓસરીએ આવ્યો: અલીમહમદને ખબર દીધા કે “બાપુ, વઝીરમહમદ કામ આવી ગયા ને અબ્દુરહેમાન જખમી થઈને બેહોશ પડ્યા છે.”

અલીમહમદે ખામોશથી ખબર સાંભળ્યા. એણે પોતાના દિલને જરા પણ ઉશ્કેરાવા ન દીધું. ધીરે હાથે કુરાન બંધ કરી, અદબથી એક તરફ મૂક્યું. જખ્મી અબ્દરહેમાનનું શરીર આવી પહોંચ્યું તેને બી અમન વાળા ઓરડામાં ઢોલીઆ પર પોઢાડ્યું. ને પછી પોતે ઉભા થઈ હમેલ અને તલવાર બાંધી. ભેટ વાળીને જમૈયો નાખ્યો. તમંચો કમર પર બાંધ્યો. હાથમાં મોટી બંદૂક લીધી. લઈને ધીરે પગલે બી અમન પાસે આવ્યો. આટલું જ બોલ્યોઃ “ખુદા હાફેઝ ! હમારા ગુન્હા માફ કરના ! રંજ નહિ કરના ! રોજ હશરકે રોજ ખુદા મિલાયગા જબ મિલેંગે. ખુદાકી યાદ કરના.”

એટલું કહીને બાલબચ્ચાંને ગોદમાં દાબ્યાં. બચી દીધી. બી અમનને છેલ્લી સલામ કરી એ પાછો વળ્યો. બરાબર ફોજની સામે જ ચાલ્યો. પછવાડે પછવાડે બુઢ્ઢા હુસેન બંધાણી પણ તલવાર લઈને, અલીમહમદના ઓછાયા રૂપ બની ચાલ્યા. “હુશીઆર !” એટલો જ શબ્દ એણે ફોજની સામે જઈને કહ્યો. બંદૂક ઉપાડી. છાતીએ ચડાવીને છોડી, ગોળી ફોજમાં જઈને ચોંટી. બડા મીંયા નામે માણસને પાડ્યો. બસ, અલીમહમદે બંદૂક ફેંકી દીધી.

પછી તમંચો ખેંચ્યો. છોડ્યો. મકરાણી પોલીસ હવાલદાર દોસ્તમહમદને પાડ્યો. બસ, તમંચો પણ ફેંકી દીધો. છેલ્લી એણે તલવાર ખેંચી, ફોજને પડકારી, સામે દોટ દીધી. સામેથી ચાલીસ-પચાસ બંદૂકોની ગોળીઓ છુટી. સાવઝ પડ્યો. પણ પડતી વેળા એનો હાથ જમૈયા પર હતો, અને એના હોઠમાં કંઈક શબ્દો ફડફડતા હતા.

એને વેરાવળના કબ્રસ્તાનમાં દાટેલ છે.

સાંજ પડવા માંડી હતી ત્યાં જ બધું પૂરું થઈ ગયું. મરેલાઓની લાશો ગોતાવા લાગી. લાશો ગોતતાં ગોતતાં કોઈનું ધ્યાન આંબલીના ઝાડ માથે ગયું. ત્યાં ઉંચી ઉંચી ડાળ્યે એક લોથ લટકતી હતી. લોથ નીચે ઉતરાવી. ઓળખાયો : આ તો ઇણાજનો મકરાણી જુવાન દીનાર: ઓલ્યો આંબલીની ઘટામાંથી સવારથી સાંજ સુધી ગોળીઓના મે વરસાવનારો : આંબલીની ડાળ સાથે ફેંટાથી પોતાનું શરીર બાંધીને એ લડેલો લાગ્યો. એનાં પેટ, પેડુ અને છાતીમાં આઠ જખ્મો હતા. અને દરેક જખ્મના ખાડામાં લૂગડાંના કટકાના ગાભા ખોસેલા નીકળ્યા. એ ચીથરાં એના પોતાના જ કપડામાંથી ફાડેલાં હતાં. શું એ શૂરો જુવાન ગોળીઓ ખાતો ખાતો જખ્મોમાં ગાભા ભરી ભરી તે ઉપર ભેટ કસકસાવીને આંબલીને ઝાડેથી દિ’ આથમ્યા સુધી લડતો હતો ! શું છેલ્લી ગોળી અને છેલ્લો દમ ખૂટ્યાં ત્યાં સુધી આ જુવાન ઝુંઝ્યો હતો ! દેસાઈ હરભાઈ કહેતા કે “મેં જ્યારે એની કમર છોડાવી ત્યારે તૂર્ત જ એનાં આંતરડાં બહાર નીકળી પડ્યાં હતાં ને અમલદારો આફ્રિન ! આફ્રિન ! કરતા ખુરસી પરથી ઉભા થઈ ગયા હતા. આ દીનાર એકલો એકલો આંહી આંબલી ઉપર ક્યાંથી ? વહેલો ઉઠીને એ તો સીમમાં આંટો દેવા ગએલો. પણ પાછો વળે તે પહેલાં તો ફોજ આવી પહોંચેલી. દીનાર ગામમાં ન જઈ શક્યો. એટલે આંબલી પર ચડીને એકલે હાથે લડ્યો.

ઘાયલ થઇને ઘરમાં પડેલા જુવાન અબ્દ રહેમાનની લોંઠકાઈ પણ ક્યાં ઓછી હતી ? એનું કાંડુ લબડી પડ્યું હતું. દાકતર એને તપાસવા આવ્યા. તપાસીને દાક્તરે કહ્યું કે “ધોરી નસો કપાઈને સામસામેની ચામડીનાં પડોમાં પેસી ગઈ છે. તેથી શીશી સુંઘાડવી પડશે.” બાળકે હાથ લાંબો કર્યો અને કહ્યું “મલમપટ્ટા બાંધના યાદ હે, તો બાંધો, ખટખટ મત કરો ! સીસી નહિ મંગતા !” ને જ્યારે દાક્તરે એ તૂટેલી નસોના છેડા ચીપીઆથી ખેંચીને બાંધ્યા, ત્યારે આ ચૈાદ વરસના બાળકે સીસકારો ય નહોતો કર્યો.[૧]*

રાત પડી. પણ ગામનો કબ્જો સાચવવા કોઈ કબૂલ થાતું નથી. આખરે જગતસિંહ કરીને એક સિખ સિપાહી અને એની, હિમ્મતે બે બીજા મળીને રાત રહ્યા. ઇણાજ ગામ પર લશ્કરી પહેરો બેઠો. કાદુ, અલાદાદ, દીનમહમદ, ફકીરમહમદ અને કાજી વિલાયતી, એમ પાંચ જણા રાતના અંધારામાં પાછા આવ્યા અને ઓરડામાં પૂરેલાં બી અમનને બાળબચ્ચાં સાથે બહાર કાઢી ચાલ્યા ગયા.

સંવત ૧૯૩૯ના ભાદરવાશુદ ચોથના રોજ આ ધીંગાણું ખતમ થયું અને કાદુનું બહારવટું શરૂ થયું.

[ઇણાજની લડાઇમાં અવલથી આખર સુધી હાજર રહેનાર દેસાઈ હરિભાઈ, પોતાનાં છોકરાં ગૂમડાં ફોડાવતાં પણ રૂવે ત્યારે આ કથા કહી તેઓને છાનાં રાખતા.
આજે એ અબદુરહેમાન અંગ્રેજી ભાષા જાણે છે, ગામડામાં બેસી ખ્રિસ્તી ધર્મ અને ઇસ્લામનાં ગૂઢ તત્ત્વોનો અભ્યાસ કરે છે. જુઓ તો જણાય જ નહિ કે આ એ જ અબ્દરહેમાન. તેની સાથેનો બીજો વીર બાલક ગુલમહમદ સનવાવવાળો. એણે આ ધીંગાણામા શો ભાગ ભજવ્યો તે તો ખબર પડતી નથી. પણ એ બન્નેએ જેલમાં બેસી જન્મકેદમાં રહ્યે રહ્યે અનેક કેદીઓને સુધાર્યા, માર્ગે ચડાવ્યા, ને આખરે જે દિવસ તેઓની પણ બેડીઓ પણ તૂટી, તે દિવસ આખી કાઠિયાવાડ રાજી થએલ.]

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ માહિતી સોરઠી બહારવટિયા માંથી લેવામાં આવેલ છે.

આગળની વાત..

કાદુ મકરાણી – ભાગ 2

કાદુ મકરાણી – ભાગ 3

કાદુ મકરાણી – ભાગ 4

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!