જોધો માણેક : મૂળુ માણેક – ભાગ 1

આંબલી બોરડીની ઠાંસોઠાંસ અટવી : ભુંભલા થોરની ગીચ અંધારી ઝાડી : ધોળે દિવસે પણ ગભરાવી નાખે એવું એ ત્રીસ ગાઉનું જંગલ [ઓખામંડળની ઝાડી એટલી ગીચ હતી કે પૂર્વે ત્યાં ચોત્રીસઈંચ વરસાદ પડતો. આજે ઝાડી છેક જ કપાઈ ગઈ છે.]: એના કારમા પંથ કાપીને જાત્રાળુ ગોમતીજીને કાંઠે પહોંચે, ત્યાં આસમાની દરિયાની છોળો ઉછળીને રણછોડરાયના પગ પખાળે છે. જે રણછોડ ! જે રણછોડ ! લલકારતો જાત્રાળુ ઓખામંડળની ઝાડી વીંધે છે. રૂપાળા દરિયા ને કારમા વગડાની વચ્ચે એને કાબા લૂંટી ખાય છે. જાત્રાળુ પોતાને દેશ જઈને ગીતો ગાય છે કે

અસી કોસ કી ઝાડી લગત હે !
કાબા કઠિન કઠોર, દ્વારકામેં રાજ કરે રણછોડ !

ડંડા કુંદા છીન લેત હે !
તુંબા ડારત ફોડ, દ્વારકામેં રાજ કરે રણછોડ !

જળમાં કોઈ વ્હાણ ન હેમખેમ જાય, ને થળમાં ન જાત્રાળુ વણલૂંટ્યો જાય. એનું નામ જ ઓખો ! એવા ઓખામંડળમાં એક દિવસ કેવી બીના બની રહી હતી ?

સોળ વરસની એક કુંવારકા : તળાવની પાળેથી પાણી ભરીને, ચાલી આવે છે : માથા ઉપર છલોછલ ભરેલી હેલ્ય : અને બન્ને હાથમાં ત્રણ ત્રણ વરસની દૂધમલી બે ખડેલી પાડીઓ : જોરાવર ખડેલીઓ રણકતી રણકતી મોટા ઠેકડા મારતી આવે છે. પણ પનીઆરીના માથા પરનું બેડું જરીકે ડગમગતું કે છલકાતું નથી. એને મન તો આ ખડેલીઓ જાણે હાથમાં ઉંદરડી રમતી આવતી હોય એવી લાગે છે. એની મુખમુદ્રામાં કે કાયામાં ક્યાંય થડકારો નથી.

નિરખીને અજાણ્યે અસવાર તો આઘેરો ઉભો જ થઈ રહ્યો. આ ભીનલાવરણી પનીઆરીનાં કાંડાંનું કૌવત નિરખીને એ રાજપૂત જુવાનનો શ્વાસ હેઠો બેસી ગયો. પડખે ચાલતા આદમી પાસેથી પોતે જાણી લીધું કે આ ગામનું નામ હમોસર : માછીમારની દીકરી : બાપનું નામ મલણ કાળો : હજી બાળ કુંવારડી જ છે. [કર્નલ વૉટસન પોતાના ‘કાઠીઆવાડ સંગ્રહ’માં લખે છે તે પ્રમાણેતો આ કન્યા મલણકાળાની પોતાની નહિ પણ દત્તક દીકરી હતી. એટલે કે ઓખામંડળની અંદર હેરોળો નામની જે રાજપૂત જાતિની ચાવડા રાજપૂતોએ કતલ કરી નાખી, તે હરોળોના સરદારની આ પુત્રીને મલણે શરણે લીધી હતી.]

“ઓહોહો ! આના પેટમાં પાકે એ કેવા થાય ! મનધાર્યા મલક જીતી આપે !”

એવા વિચાર કરતો ઘોડેસ્વાર ઘોડો ફેરવ્યા વગર, પાછા વળીને પોતાની ફુઇના આરંભડા ગામને ગઢે આવ્યો. આવીને રઢ્ય લીધી : “ફુઈ, પરણું તો એક એને જ.”

રાઠોડ રાજાની રાણી તો રજપૂતાણી હતી. કચ્છના ધણી રાવ જીયાજીની દીકરી હતી. એનાથી આ શે સંખાય ? કુળનાં અભિમાન કરતી એ બોલી :

“અરે બાપ ! ઈ તો કાબા : ગોપીયુનાં વસ્તર લૂંટનારા ; “પણ ફુઈ ! અરજણ જેવા અજોડ બાણાવળીનું ગાંડિવ આંચકી ગોપી તળાવની પાળે એની ભુજાયુંનો ગરવ ગાળનારા એ કાબા !”

“પણ વીરા ! એના તો માછલાં મારવાના ધંધા : કાળાં વહરાં એનાં રૂપ : અને તું તો કચ્છ ભુજનો ફટાયો : જદુવંશીનું ખોરડું : આપણને ઈ ખપે ?”

“ખપે તો ઈ એક જ ખપે ફુઈ ! જગતમાં બાકીની બધી નાની એટલી બેન્યું, ને મોટી એટલી માતાજીયું !”

આરંભડાના રાઠોડોને ઘેર રીસામણે આવેલા ભુજના કુંવર હમીરજીએ હમૂસરની સરોવર-પાળે દીઠેલી કાળુડી માછીમાર કન્યા ઉપર પોતાનો વંશ અને ગરાસ ઓળઘોળ કરી દીધો. ઓખામંડળના કાબાઓની સાથે એણે લોહીનો સંબંધ જોડ્યો. અને ઓખામંડળ ઉપર પોતાની આણ પાથરવા માંડી. બોડખેત્રી ગામનાં તોરણ બાંધ્યાં, ‘વાઘેર’ એની જાત કહેવાણી.

કાબાની એ કુંવરીને ખોળે જે દિવસ જદુવંશીના લોહીનો દૂધમલ દીકરો જન્મીને રમવા લાગ્યો, તે દિવસ ગામ પરગામનું લોક થોકેથોક વધામણીએ હલક્યું. વાઘેર બેટડાનાં રૂપ નિહાળી નિહાળીને માણસોનાં મ્હોંમાંથી નીકળી ગયું કે

“ઓહોહો ભા ! હી તે માણેક મોતી જેડો ! લાલમલાલ માણેક !”

તે દિવસથી ‘માણેક’ નામની અટક પડી. વાઘેરની તમામ કળીઓમાં ‘માણેક’ શાખાની કળી ઉંચી લેખાણી. ઓખામંડળ એટલે તો ઠાંસોઠાંસ કાંટાળા વગડાં અને ઉંડા વખંભર ખડા. વળી કાબાકુળનો તો અવતાર જ લૂંટ કરવા સાટુ હતો. માછલાં મારે, મછવા લઈને દરિયામાં વ્હાણ લૂંટે, અને હડી કાઢીને ધરતીમાં જાત્રાળુઓ લૂંટે, પણ કાબા ભેળા રજપૂત ભળ્યા, તે દિવસથી માણેક રાજાઓએ તીર્થધામનું રક્ષણ આદર્યું અને જાત્રાવેરો ઠરાવી જાત્રાળુઓનું જતન કરવા માંડ્યું.

માણેક કળીમાં માંહે માંહે કોઈ અમૂલખ પુરૂષો પાક્યા. એણે વાઘેરોની જાતમાં ખાનદાનીના રંગ ચડાવ્યા. સમૈયો માણેક ઓખામાં આજ પણ ઘરોઘર સાંભરે છે. કેવી કેવી એની વાતો થાય છે:

સોરઠ ધરામાંથી એક દિવસ સવારે દ્વારકાના દરબારગઢમાં એક ગાડું આવીને છૂટ્યું છે. અંદરથી બે ધણીધણીઆણી ઉતર્યાં. સ્ત્રીના હૈયા ઉપર કેશુડા સરીખો બેટડો રમી રહ્યો છે.

ડેલીએ ગાડું છૂટેલ ભાળીને દરબાર સમૈયાજીએ સાદ કર્યો “કેર માડુ આય ?”

“સમૈયા માણેક ! હકડી ઓરત અચી આય. હી બાઈ તો હીં ચુવેતી કે મુ જે તો સો નારીએર સમૈયા માણેકજે કપારમે ઝોરણાં !” [એક ઓરત આવી છે, ને એ તો એમ કહેછે કે મારે તો સમૈયા માણેકના કપાળમાં એકસો નાળીએર ફોડવાં છે.]

પરદેશણ બાઈએ કહેવરાવ્યું : “બાપા ! ભૂલ ભૂલમાં મારાથી જીભ કચરાઈ ગઈ છે. દીકરો નો’તો થાતો, તે માનતા કરી કે જો શામળાજી દીકરો દેશે તે દ્વારકાના દેવરાજા સમૈયાને કપાળે હું એક સો શ્રીફળ વધેરીશ. મેં તો જાણ્યું તું કે સમૈયો માણેક દેવ થઈ ગયા હશે અને એનો પાળીઓ પૂજાતો હશે !”

“નાર સમૈયા ! તોજી માનતા ! ફોડ હણેં મથ્યો ! દેવજા ડીકરા !”  એમ કહી કહી દાયરે દરબારની ઠેકડી આદરી.

સમૈયાએ દાતણની ચીરો નીચે નાખી, મોઢું ધેાઈ, દ્વારકાધીશની સામે હાથ જોડ્યા. ને પછી બાઈને કહેવરાવ્યું: “હલી અચ ! મંઝી ધી ! હલી અચ ! તોજી માનતા પૂરી કર. હી મથ્થો ખુલ્લો જ રખી ડીઆંસી ! [હાલી આવ.. મારી દીકરી ! હાલી આવ. ને તારી માનતા પૂરી કર. આ માથું મેં ખુલ્લું જ રાખી દીધું છે.”]

એક સો શ્રીફળનો હંબાડ કરીને બાઈ ઉભી રહી. દીકરાને સરૈયાના પગમાં રમતો મૂકયો. પહેલું શ્રીફળ ઉપાડ્યું. માણસ જેવા માણસના કૂણા માથાને પત્થર માનીને શ્રીફળ પછાડવા જાતાં એનો હાથ આંચકા લઈ ગયો. ત્યાં તો સમૈયાએ બાઈને ફરી પડકારી:

“અરે મંઝી ધી ! અરે બેટડી ! હી મથ્થો પત્થર જેડો તો આય ! હીન મથથેજી દયા મ રખ. ઝોર બરાબર.”

બાઈએ શ્રીફળ પછાડ્યું. માથાને અડ્યા પહેલાં અદ્ધરથી જ ફટાકો બોલ્યો. શ્રીફળનાં બે કાચલાં જમીન ઉપર જઈ પડ્યાં.

એક સો શ્રીફળ એ જ રીતે અદ્ધરથી જ ફુટ્યાં. માનતાવાળી બાઈ “બાપા ! બાપા !” કરતી સમૈયાના ચરણોમાં ઢળી પડી.

“બાઈ ! મઝી મા ! આંઉ ડેવ નાઈઆં. હી તો તોજે ધરમસેં થીયો આય. [બાઈ ! મારી મા ! હું કાંઈ દેવ નથી. આ તો તારા પોતાના જ ધર્મથી થયું છે.]

એટલું બોલીને સમૈયાએ પોતાની દીકરી માનેલી એ બાઈને પહેરામણી દીધી. બાઈ ગાડું જોડી ચાલી ગઈ.

+

સમૈયાનો કુંવર મુળુ માણેક કુફેલમાં ગરકાવ છે. એ માતેલા રાજકુંવરે વસ્તીની મરજાદ લોપવા માંડી છે. લોકોએ નગરશેઠ ઈંદરજી ભાઈની પાસે રાવ પહોંચાડી. બુઢ્ઢો ઈંદરજી ડગુ મગુ પગલે કચેરીમાં ગયો. શેઠને ભાળતાં જ સમૈયાએ દોટ દીધી :

“ઓહો કાકા ! આજે અચણો ખપ્યો ? [આપને આવવું પડયું ?]”

“હા સમૈયા ! બીયો ઈલાજ ન વો. [બીજો ઈલાજ નહોતો.]”

“કાકા ! ચ્યો, ફરમાવો. ”

“સમૈયા ! હાથી હરાડો થીયો !”

“કાકા, આંઉ બંધીનાસી.” [હું બાંધી લઉં છું.]

હાથી હરાયો થયો છે, તો એને હું બાંધી લઈશ: એટલી જ સમશ્યા થઇ. ઈંદરજી શેઠ દુકાન પર ગયા. ને દરબાર ન્હાઈને મંદિરમાં પહોંચ્યા. પાંચ માળા ફેરવી. પછી બે હાથ જોડીને બોલ્યા :

“હે ધજાવારા ! તુંમે જો સાચ વે, તે મુંજો પૂતર ત્રે ડિમેં મરે, નકાં આંઉ મરાં !” [ હે ધજાવાળા ! તારામાં સાચ હોય, તો મારો પુત્ર ત્રણ દિવસમાં મરે, નહિતર હું મરૂં !]

ત્રીજે જ દિવસે એ જુવાન દીકરા મૂળને જમનાં તેડાં આવેલાં.

આવા પૂર્વજોના છેલ્લા બે નેકીદાર વારસદારોની આ વાર્તા છે.

સીત્તેર વરસ ઉપર ત્યાં અમરાપર નામે નાનું ગોકળીયું ગામડું હતું. આજે ત્યાં ગામનો ટીંબો યે નથી. ગામની જગ્યા ઉપર જમીન ખેડાય છે : દ્વારકાથી દોઢ બે ગાઉ જ આઘે :

એ અમરાપર ગામમાં જોધો માણેક અને બાપુ માણેક નામના બે ભાઈઓ, ઓખામંડળના વાઘેરોમાં ટીલાત ખોરડાના બે વારસો રહેતા હતા. રાજ તો ગાયકવાડ સરકારને હાથ ગયું છે. દ્વારકામાં પલટન પડી છે. ગામડે ગામડે પલટનનાં થાણાં થપાણાં છે. વાઘેર રાજાઓને ગાયકવાડે જીવાઈ બાંધી આપી છે. પણ હમણાં હમણાં તો અમરાપુરવાળા ટીલાતોને જીવાઈ મળવી યે બંધ પડી છે.

ગાયકવાડનો સૂબો બાપુ સખારામ મદછક બનીને દ્વારિકાના મહેલમાં બોલે છે કે

“કાય ! વાઘેરાત મંજે કાય આહેત ! [શું છે ! વાઘેર બાપડા શી વિસાતમાં છે ?]”

એ ટીલાત ખોરડાની વાઘેરણો આજ પાદરેથી પાણીનાં બેડાં ભરીને ઓસરીએ હેલ્યો ઉતારે છે, પણ એનાં મોઢાંની લાલી આજ નોખી ભાતની બની ગઈ છે. મોઢાં ઉપર ત્રાંબાં ધગ્યાં દેખાય છે.

ઓસરીમાં જ પોતાના ધણીઓ બેઠા છે. પણ મુખડાની લાલપનું કોઈ કારણ પણ બાઈઓને નથી પૂછતું. પરસેવે ટપકતાં લાલ નેત્રોવાળી વાઘેરણો છંછેડાઈને બોલી :

“અસાંજા થેપાડાં આંઈ પર્યો ! અને હણે આંજી પાઘડી અસાંકે ડ્યો !” [અમારી થેપાડાં (ધાધરા) તમે પહેરો. અને હવે તમારી પાઘડી અમને આપો.]

બેય ભાઈઓનાં મ્હોં ઉંચા થયાં. જોધાએ ધીરે અવાજે પૂછ્યું કે “આજે શી નવાજૂની બની છે વળી ?”

“નવું શું થાય ? રોજે રોજ થઈ રહ્યું છે ને ! રજપૂતોને પાદર મોરલા મરે, ને રજપૂતાણીયુંનાં બેડાં કાંકરીએ વીંધાય: દાઢી મૂછના ધણીયું બેઠા બેઠા ઈ બધું સાંખી લ્યે !”

“કોણે મોરલા માર્યા ? કોણે કાંકરીઓ ફેંકી ?”

“બીજા કોણે ? દ્વારકાના પલટન વાળાઓએ.”

જોધાએ શિર નીચે ઢાળ્યું. પણ બાપુને અને એના દીકરા મુળુને તો ઝનૂન ચડવા લાગ્યું. ધીરી ધીરી ધમણની ફુંકે ઓચીંતો ભડકો થાય. તેમ ધીરે ધીરે વિચાર કરીને બાપ દીકરો ભભૂકી ઉઠ્યા.:

“જોધો ભા ! તોથી કીં નાઈ થીણું. અસાંથી સેન નાંઈ થાંદો. દ્વારકાં પાંજી આય, પલટણવાળેજી નાય ! પાંજી રોજી બંધ કરી છડ્યું આય ! પાણ પાંજો ગામ ગીની ગીંડો. [તારાથી કાંઈ નથી થવાનું. અને હવે અમારાથી સહન નથી થતું. દ્વારકા આપણી-આપણા બાપની છે, પલટણવાળાની નથી. શા માટે આપણી રોજી બંધ કરી ? આપણે આપણું ગામ પાછું લેશું.] ”

“દ્વારકા પાંજી આય !”

દેવળના ઘુમ્મટ જેવા જોદ્ધાના હૈયામાં પડઘો પડ્યો : “દ્વારકા પાંજી આય !”

ઓહોહોહો ! કેવો મીઠો પડઘો -! આખે શરીરે રોમરાઈ અવળી થઈ ગઈ. પણ ગરવો જોધો એ મમતાનો ઘુંટડો ગળી ગયો.

એવે ને એવે ધીરે અવાજે એણે ઉત્તર દીધો કે “ભાઈ ! વસઈ વાલેજા ચડાવ્યા મ ચડો. આજ પાંજે સેન કર્યા વન્યા બીયો ઇલાજ નાંય. હકડી ઘડીમેં પાંજા ચૂરા થીંદા. અચો, પાણ રામજીભાજી સલાહ ઘીનું [ભાઈ ! વસઈવાળા વાધેરોના ચડાવ્યા ચડો મા. આજ આપણે સહન કર્યા વિના બીજો ઈલાજ નથી. એક ઘડીમાં આપણા ચૂરા થઈ જશે. ચાલો આપણે રામજી ભાની સલાહ લઈએ.]

રામજી શેઠ નામે દ્વારકાનો ભાટીઓ હતો. અમરાપરવાળા વાધેરોનો સાચો ભાઈબંધ હતો. ડાહ્યા વેપારીએ આ ઉશ્કેરાયલા બાપ બેટાને ઠાવકી જીભે સલાહ આપી કે “ભાઈ, આજ લડવામાં માલ નથી. વસાઈવાળાના ચડાવ્યા ચડશો નહિ.”

રોજ રોજ પલટનવાળાઓની આવી છેડ સાંખતા સાંખતા વાઘેર ટીલાતો બેઠા રહ્યા. પણ પછી છેવટે એક દિવસ સહન કરવાની અવધિ આવી ગઈ.

સને ૧૮૫૮નો જાનેવારી મહિનો છે. વ્હેતાં વ્હેન પણ થંભી જાય એવી ટાઢ સૂસવાટા મારે છે. અધરાત ભાંગી નથી, પણ સોપો પડી ગયો છે. વગડામાં કોઈ વિલાપ કરતું હોય એવા સૂર કાઢતો પવન, બોરડીઓ ને આંબલીઓનાં પાંદડાને ખખડાવી, પછાડી, માવછોયાં બાળકો જેવાં બનાવી ઉપાડી જાય છે. અને એ બધું ય, ઓખામંડળનાં રાભડીયાં, કદાવર કુતરાં ટુટીઆં વાળીને પડ્યાં પડ્યાં સાંભળે છે, પણ ભસવાનું જોર બતાવી શકતાં નથી. ગામથી તદન નજીક ધૂતારાં શિયાળવાં લુચ્ચાઈની લાળી કરીને વગડો ગજાવે છે.

તેવે ટાણે ઓખામંડળના ધ્રાશણવેલ ગામના પાદરમાં, ટીલાવડ નામે ઓળખાતા ચામુંડાના વડલા નીચે, અંધારામાં પાંચ છ મોટી શગડીઓ સળગી રહી છે. અને શગડીને વીંટી પચીસ જણા, પાંચેક હોકા પતંગમાં ફેરવતા ફેરવતા, ઉભા ગોઠણ સાથે કસકસીને પછેડીની પલોંઠી ભીડી સજ્જ હથીઆરે બેઠા છે. મ્હોંયે બોકાનાં ભીડ્યાં છે. પચીસેનો પોશાક જાડેજા રજપૂતો પહેરે છે તેવી જ ઢબનો છે. પણ પહેરવેશમાંથી રાજવટને શોભે તેવી રિદ્ધિ સિદ્ધિ ઉડી ગઈ દેખાય છે. પાઘડીઓમાં પડેલા લીરા, ઘડીની અંદર સંતાડી દીધેલા છે. અને ચોરણીઓના થીગડાં પલાંઠી ભીડેલ પછેડી હેઠે દબાવેલાં છે. ઓખામંડળના રાજાઓની એ અધરાતે એવી હાલત હતી.

“સહુ આવી ગયા ?” એમાંથી મોટેરા દેખાતા એક વાઘેરે ચારે બાજુ પોતાની ચિત્તા સરખી ચકચકતી આંખ ફેરવી.

“હા, રવા માણેક : આવવાના હતા એ સંધા આવી ગયા.” બીજાએ જવાબ દીધો.

“સાંઢીઓ સંધેય ગામે ફેરવ્યો’તો ને ?”

“તમામ ગામે. નેહડું યે બાકી નહિ.”

“અમરાપરથી કોણ કોણ હાજર છે ?”

“હું જોધો, બાપુ, ને મુળુ માણેક : ત્રણ જણા.” ગરવા અને ઓછાબોલા છતાં મીઠોબોલા મુખી જોધા માણેકે જવાબ વાળ્યો.

“બસ, માપાણી ટોળામાંથી ત્રણ જ જણ ? ઠીક, શુમણીયામાંથી ?”

“હું ખીમો, ઘડેચી વાળો ”

“ભલા. જોધાણી કોઈ ?”

“હું ભીમો. મેવાસેથી.”

“ઠાવકી વાત, કુંભાણી કોણ છે ?”

“હું હબુ. મકનપરથી.”

“બીજા કોણ કોણ માડુ છે ?”

“કરસન જસાણી ને ધુનો જસાણી મુળવા૫રથી : દેવા છબાણી ને રાયદે ભીમાણી શામળાસરથી : ધંધો ને સાજો પીંડારીઆ; અને વશીવાળામાંથી તું રવો, પાળો, રણમલ અને દેવો; એટલું થારાણી ખોરડું. ”

મ્હોં મલકાવીને રવો બોલ્યો, “ત્યારે તો અમારા માડુ સંધાયથી વધુ એમ છે જોધા ? માથાં વાઢી દેવાં, એ છોકરાંની રમતું નથી, વસીવાળાને ઓખો જાય તેની ઉંડી દાઝ છે ભા !”

“સાચું કહ્યું રવા માણેક !” જોધા માણેકે આ વસીવાળા ચારે જણાના ચહેરાની ખુન્નસભરી કરડાકી અને દોંગાઈની રેખા પારખીને ટુંકો જવાબ વાળ્યો.

“ત્યારે હવે લાવો વારૂ.”

“હાજર છે ભા !” કહીને ધ્રાશણવેલના વાઢેલ ગરાસીઆ દાદાભાઈ ને રામાભાઈ ઉઠ્યા. સહુને થાળી પિરસાણી.

“ભારી દાખડો કર્યો દાદા ભા !”

બે હાથ જોડીને પોતાના વાઘેર ભાઈઓની સામે દાદોભા વાઢેલ ઉભો રહ્યો : “આપ તો ધણ જોગ, પણ અસાંજી સંપત એતરી, ભા !”

શગડીએ પોતાના હાથ પગ શેકતા, વાળુ કરીને સહુ બેઠા. એટલે વસીવાળા રવા માણેકે પોતાના બઠીઆ કાનની બુટ ખજવાળતાં ખજવાળતાં વાત ઉચ્ચારી કે

“ત્યારે હવે શું ધાર્યું છે સંધાએ ?”

“હવે તો ગળોગળ આવી ગયા છીએ.” જોધાણી કુંભાણીએ વાતને વેગ આપ્યો.

“ઓખામંડળના ધણી હતા, તે તો મિટાવી દીધા. પણ રાબ રોટલો ખાવા જેટલી જીવાઈ બાંધી આપી છે, તે પણ વહીવટદાર છો મહિનાથી ચૂકવતો નથી.”

“હાથે કરીને પગે કુવાડો આપણે જ માર્યો છે ને ?”

“કોણ છે ઈ માડુ ! જોધો માણેક ને ? જોધાએ કાયમ આપણી જ કસૂર કાઢી છે.”

“હું જૂઠ નથી બોલતો ભા ! આપણે રાજા મટીને ચોર ઠર્યા તે આપણે જ લખણે. પોણોસો વરસથી સંભારતા આવો; આપણે કેવાં કામાં કર્યાં ? નગર, પોરબંદર ને ગોંડળ જેવાં રજવાડામાં લૂંટ આદરી : એટલે માર ખાધો, ને ફક્ત પાંચ ગઢ, ને સતાવીસ ગામડાં રહ્યાં.

] “હા, પછી જોધા ભા ?” રવો દાઢવા લાગ્યો.

“ પછી શું ? પચાસ વરસ ઉપર આપડે જ વડવે ભેળા થઈ રાણી સરકારના વેપારીનું વ્હાણુ લૂંટ્યું. અને એમાંથી એક ગોરાને ને એક બાપડી મઢમને દરિયામાં ફેક્યાં. ફેંક્યા તો ફેંક્યા, પણ એ લૂંટ ને એ ખૂનની વળતર રૂપીઆ સવા લાખ ચૂકવવાનું કબુલીને પછી ખૂટલાઈ કરી ન ચૂકવ્યાં, ત્યારથી વાધેર ઈજ્જત ગુમાવીને ચાંચીઆ ઠર્યા. દરિયામાં લૂંટવા સિવાય આપણા વડવાએ કર્યું શું ? ઓખાના બારામાં ટોપીવાળાનાં વ્હાણ પેસી ગયાં તે આપણાં જ પાપે. ”

“રંગ છે વાધેરના પેટને ! બલોયાં પહેરો બલોયાં, જોધા ભા !”

“હવે તો ક્યારનાં યે બલોયાં કાંડામાં પડી ગયાં, રવા ભા ! તું ને હું જીવીએ છીએ, ને ઓખો ખાલસા થઈ ગયો, આપણે ધણી હતા તે જીવાઈદાર થયા. આપણે માથે લશ્કરનાં બટાલીઅન બેઠાં, ઠેર ઠેર થાણાં થપાણાં. કપ્તાનો રસીડાન્ટો, ને પોલીટીકાલોનું તો કીડીયારૂ ઉભરાણું ! અને આ ગાયકવાડીનો જુલમ તો હવે જોયો જાતો નથી. ”

“ગઈ ગુજરી જવા દો જોધા ભા ! અને હવે કહો, આપણે કરવું શું ?” જોધા માણેકના આજ્ઞાવશ વાઘેરોએ અગ્નિ ઉપર રાખ વાળી.

“આપણે કરીએ છીએ તેના ઉપર આ વસીવાળા ભાઈઓ ધુળ વાળી દે છે એનું શું કરવું ?” જોધાએ કહ્યું.

“શું ધુળ વાળી ?” રવો ડોળો ફાડીને બોલ્યો.

“તમે વગર કારણે આરંભડું ભાગ્યું. તોરમાં બેટનો કિલ્લો કબ્જે લીધો, એમ સાત ગામડાના ગરાસીઆએ ઉઠીને સમદરનાં પાણી જેવી સરકારની સત્તા સામે ઉતાવળી બાથ ભરી. એમાં સરકારની ધુંવાધાર તોપું આવીને આપણા બારામાં ડાચાં ફાડી ઉભી છે. અને જાત્રાળુઓ રણછોડરાયજીનાં દર્શને ન આવી શકે, એ પાતક કાંઈ ઓછું !”

“અને જોધા ! તું ડાહ્યો ડમરો, તું વળી સરકારની સાથે નેકી જાળવીને શી કમાણી કાઢી આવ્યો ? કપિલા છઠ્ઠની જાત્રામાં અમે તો જાત્રાળુ પાસેથી કરોડુંનો માલ કબજે કરત. પણ તું સરકારનો હેતનો કટકો થાવા ગયો. તે જાત્રાળુની ચોકી કરીને ગાયકવાડને ચાર લાખ કોરીનો કર પેદા કરાવ્યો, તેનો સિરપાવ તને શું મળ્યો ? તું ચોર હો, તેમ તારા જામીન લેવાણા. તે દિ’ તને કચેરીમાં બોલાવી ભુંડે હાલે કેદ કરવાની પણ પેરવી થઈ’તી અને હવે તારી જીવાઈ પણ રોકી રાખી. લે, લેતો જા ગાયકવાડી પાઘડી ! બોલ, રણછોડરાયજીના કસમ ખાઈને કહે, તેં રાજકોટ છાવણીમાં પણ ખબર કહેવરાવ્યા છે કે નહિ ?”

“હા ભાઈ, પંદર દહાડાની મેતલ આપી હતી.”

“પંદર દિવસ થઈ ગયા ?”

“હા.”

“બસ, ત્યારે બોલો હવે જે રણછોડ !”

“જે રણછોડ !” ટીલાવડ કાંપી ઉઠે તેવા વિકરાલ અવાજે પચીસ ગળાં લલકારી ઉઠ્યાં.

“જોધા ભા !” જોધાનો ભાઈ બાપુ માણેક બોલ્યો. “ હું હજી આજ જ મારી રોજીની ઉધરાણી કરીને બાપુ સખારામ પાસેથી હાલ્યો આવું છું. અને એણે મને શું જવાબ દીધો, ખબર છે ? મ્હોંમાંથી ગાળ કાઢી. ”

“ હેં, ગાળ કાઢી ? જબાન કાપી લેવી’તી ને ?”

“શું કરૂં ભા ! તારો ડર લાગ્યો, નીકર હું વાઘેરનો બચ્ચો, ઈ ચટણાની ગાળ કાંઈ ખમું ? એણે તો સામેથી કહેવરાવ્યું છે કે અમરાપરને પાદર અમારા બે મકરાણીનાં ખૂન કર્યાં છે, માટે હવે તૈયારીમાં રહેજો, અમરાપરને તોપે ઉડાવવા આવું છું. ”

“મકરાણીનાં ખૂન ? શા સારૂ ?”

“હા જોધાભા! મકરાણી ખંભે બંદૂકું ટીંગાડીને નીકળ્યા’તા અને પાદરની આંબલી માથે મોરલો બેઠો’તો તેને માથે ગોળી છોડી. મોરલો તો ભગવાનનું વાહન : એનું શાક કરીને બચારા મકા ખાતા’તા ? અમે દોડીને બેય મકાનું જ કાચું ને કાચું શાક સમળીયુંને ખવરાવી દીધું, તેનો બદલો લેવા બચાડો બાપુ સખારામ તોપુંના રેંકડા હાંકી લાવશે !”

“હા આજ અમરાપરનો વારો, ને કાલ બીજાં પચીસે ગામના પાયા ખોદી નાખશે. અને માપાણી ખોરડાના દીવડા જેવા ત્રણે જણા, જોધો, બાપુ ને મુળુ માણેક જેવા દાઢી મૂછના ધણી છતે ઓખો રાંડી પડશે. ખરૂં ને જોધા ?” રવો બોલ્યો.

“અરે, હજી જોજો તો ખરા, રણછોડરાયનાં દેરાંની મૂરતીયુંને માથે પણ ગોળા આફળશે.” વસઈવાળો રણમલ ધૂધકારી ઉઠ્યો.

“તે પહેલાં તો મુળુ માણેકને માથે માથું નહિ હોય બેલી !”

ખુણામાં છાનોમાનો મૂળુ માણેક બેઠો હતો તેણે મૂછે તાવ દઈને પહેલી જ વાર આ વચન કાઢ્યું. કોઈ ફણીધરની ફુંકે જાણે વડલામાં લા લાગી હોય તેવો સુસવાટો થયો.

“ત્યારે હવે પરિયાણ શું કરી રહ્યા છો ? કરો કેસરીયાં”

હાથ ઉપર માથું નાખીને જોધો વિચારમાં પડી ગયો. એણે ધીરેથી કહ્યું, “હજી વાર છે ભાઈ, અથર્યા મ થાવ.”

“કાં?”

“ગાયકવાડની બાદશાઈ સામે બાથ ભરાશે ?”

“ગાયકવાડની બાદશાઈ તો રહી છેટી, ઠેઠ વડોદરે, અને આંહી તો લશ્કર વહીવટદારથી તોબા કરીને બેદિલ બેઠું છે. વાઘેરની ફુંકે સૂકલ પાંદડાં ઉડે તેમ ગાયકવાડનો વાવટો ઉડાડી દેશું.”

“પણ ભાઈ ! વાંસે સરકાર જેવો વશીલો છે. પાંચ સો વ્હાણ તોપું ભરીને ઓખાને ચૂડેલું રાસડા લ્યે તેવો કરી મેલશે.” જોધે ભવિષ્યમાં નજર નાખીને કાળની વાણી કાઢી.

“સરકાર તો હિંદુસ્તાનને કાંઠેથી હોકો ભરીને હાલી, જોધા ભા !” મૂળુએ મ્હોં મલકાવ્યું.

“કાં ?”

“કાં શું ? બળવો ફાટી નીકળ્યો છે. પલટનો સામી થઈ ગઈ છે. મરાઠાંના ભાલાની અણીએ, સોયમાં મોતી પરોવાય તેમ ગોરાનાં મઢ્યમ છોકરાં પરોવાય છે. સરકારનાં અંજળ ઉપડ્યાં.”

“કોણે કહ્યું ?”

“એકે એક જાત્રાળુ આંખે જોયેલી વાત કરી રહ્યાં છે.”

“ હું ન માનું. અંગ્રેજ જાય નહિ, એની ખીલી તો શેષનાગની ફેણ માથે જડાઈ ગઈ છે ભાઈ, મ ભરમાઓ. અને સબૂર કરો. તેલ જુવો, તેલની ધાર જુવો.”

“જોધા ભા ! તારા પગુંમાં પડીયે છીએ. હવે તું અવળાં વેણ મ કાઢ. હવે આડા હાથ મ દે. અમથી સંખાતું નથી.”

“ઠીક ભાઈ, તમને સૂઝે એમ કરો. હું જાઉં છું, અમરાપરનો ઉગાર કરવા આદમી ભેળા કરી આવું. લ્યો જે રણછોડ !”

“જે રણછોડ, જોધા ભા ! હવે ફરી વાર વડલા હેઠ નહિ મળીએ. રણરાયની છાંયામાં મળશું હો !”

જોધો ઉઠ્યો. દાયરો વીખાણો. જોધાએ મૂળુને પડખે બોલાવીને શીખામણ દીધી કે “બેટા મુરૂ !”

“બોલો કાકા !”

“આ વસઈવાળાનો ચડાવ્યો ચડીશ મા હો. એનાં પરિયાણ પાપનાં છે, બાકી તો બેટા, જ્યાં તું ત્યાં જ હું, હું હવે આ ટાણે મારાં ધોળાંમાં ધૂળ નહિ ઘાલું.”

હનુમાન જતિ જેવાં પગલાં ભરતો જોધો અંધારામાં ધાબળો ઓઢીને અદ્રશ્ય થયો, અને જુવાન મૂળુભાએ અમરાપર જઈ પોતાના વફાદાર રાયકાને હુકમ કર્યો:

“રાયકા ! વાઘેરોનાં પચીસે ગામડામાં ફરી વળજે. અને કહેતો જાજે કે શ્રાવણ શુદ એકમની અંધારી રાતે, દ્વારકાના કિલ્લાની પાછલી રાંગે, ઉગમણી દૃશ્યે, જસરાજ માણેકના પાળીઆ પાસે પાઘડીનો આંટો નાખી જાણનારા સહુ વાઘેર બચ્ચા હાજર થઈ જાય. જા ઝટ, જે રણછોડ ! ”

“જે રણછોડ !” કહીને રાયકે સાંઢીયાની દોરી હાથમાં લીધી. રાતોરાત સંદેશા ફેરવીને પ્રાગડ વાસ્ય પાછો અમરાપરના દરબારગઢની ડેલીએ સાંઢીયો ઝોકાર્યો.

“કહી આવ્યો ?”

“હા ભા !”

“શો જવાબ ?”

“જે રણછોડ !”

“સંધાએ ?”

“એકોએકે. બાઈયું પણ બચ્ચાં ઝોળીએ લઈને સાથે નીકળશે.”

“ખમા !ખમા રણછોડ રાયને હવે અમરાપર ગામમાં સહુથી લાંબાં બે ખોરડાં હોય તેનાં આડસર ખેંચી કાઢો.”

બે આડસરો કાઢીને તેની ઉંચી, આભને અડતી નીસરણી બનાવી. શ્રાવણ શુદ ૧ ની સાંજે, અંધારાં ઉતર્યા પછી મુળુ માણેકે ગઢની અંદર જઈને છેલ્લા જુવાર લીધા દીધા.

દિવસ આથમે ને જેમ ટપોટપ આભમાં એક પછી એક તારલા ઉગતા આવે, તેમ અમરાપરના પાદરમાં પણ શ્રાવણ શુદ એકમની સાંજે દિવસ આથમવાની સાથે જ ગામડે ગામડેથી વાઘેરો આવવા લાગ્યા.

દોઢસો વાઘેરોનો સંઘ, કેડીએ કેડીએથી આવીને અમરાપરને પાદર મુળુ માણેકના નેજા નીચે ખડો થયો. સામસામા જે રણછોડ ! રણછોડ ! ના સૂર બંધાઈ ગયા અને બધા બથો ભરી ભરી ભેટ્યા. આખું દળકટક અમરાપરથી ઉપડ્યું. અને જ્યાં સીમાડે પગ માંડ્યા ત્યાં ડાબી કોર ગધેડો ભૂંક્યો.

“મુરૂભા ! તારી ફતેના ડંકા જાણજે. ડાબો ગધેડો ભૂંક્યો. લાખ રૂપીઆનાં શુકન થાય છે.” બારાના ઠાકોર જેઠીજીએ શુકન પારખીને મુબારકી દીધી.

“સવારને પહોર દ્વારકા આપણું સમજજે મુરૂભા.” વસઈવાળાએ મુળુને ચડાવ્યો.

“દ્વારકા મળે કે ન મળે, આપણું કામ તો હવે આ પાર કાં આ પાર મરી મટવાનું છે ભા !” મુળુભા પોરસ ખાઈને બોલ્યો.

પ્રાગડના દોરા ફુટ્યા. અને દ્વારકાના ગઢ અગ્નિકોણથી મુળુ માણેકે “જે રણછેડ !” કહી નીસરણી ઉભી કરાવી.

પણ નીસરણી એક હાથ ટુંકી પડી. ગઢ એટલો છેટો રહી ગયો.

મુળુએ હાકલ પાડી કે “ભાઈ ! ક્યો વાઘેર બચ્ચો માનું ધાવણ ધરાઈ ધરાઈને ધાવ્યો છે ? છે કોઈ ઠેકનારો ?”

“હું !” કહીને પતરામલ માંયાણી નામનો જુવાન ચડ્યો. મ્હોંમાં તલવાર પકડીને એણે ઠેક મારી, “જે રણછોડ !” કરતો ગઢ માથે ગયો. ત્યાંથી ફાળીયું નાખીને બીજા સહુને ચડાવ્યા.

અત્યાર સુધી છાનુંમાનું કામ ચાલ્યું. પણ જેમ ગઢને માથે બસો દાઢીમૂછાળા ચડી ગયા, અને છતાં પણ આખો કિલ્લો અડદના દાણા છાંટયા હોય તેવા ઘારણમાં ઘોંટાઈ રહ્યો છે એવું જોયું, તેમ તો ઓખામંડળ આખોય ઉમટ્યો : વાઘેરનું એકેએક ખેારડુ હલક્યું. જે રણછેડ ! જે રણછોડ ! ના લલકાર મચ્યા. હૈયેહૈયું દળાણું. દિવાલો સાથે આફળતા દરિયા ઉપર સૂરજ મહારાજે મ્હોં કાઢ્યું, સમુદ્રે શંખનાદ ગજાવ્યા અને મુળુએ ચસ્કો કર્યો :

“જોધો કાકો અચેતો ! પાંજો પે અચેતો ! હણેં ફતે હુઈ વઈ ! ”

જોધો માણેક ચાલ્યો આવે છે. ઓચીંતો આ વિજય-ટંકાર દેખીને એના મ્હોં પર વાદળી છવાઈ ગઈ છે. વાઘેરોને ઉન્માદે ચડ્યા દેખી, દારૂડીયા જાદવાના સરદાર કૃષ્ણની માફક એને વિમાસણ ઉપડી. પણ જોધો સમય વર્તી ગયો.

“જે રણછેડ કાકા!”

“જે રણછેડ મુંજા પેટ ! રંગ રાખી ડીનો ડીકરા !”

કહેતો જોધો નીસરણીએ ચડ્યો, આડસરની નીસરણી કડાકા લેવા માંડી. અને ભૈરવની ફોજ જેવા વાઘેરોએ બજારમાં ઓડા બાંધી લીધા.

“નારાયણરાવ ક્યાં છે ? એની મેડીમાં કો’ક પહોંચો. ઈ જુલમના કરનારાને પગે ઝાલીને બે ફાડીયાં કરી નાખીએ, ઝાલો ઈ મહેતાને !” મુળુ માણેકે હુકમ દીધો.

“નારાયણરાવને સજા મળી ગઈ, મુરૂભા !” મેડીએથી માણસે આવીને કહ્યું.

“કાં ?”

“પાયખાનામાં થઈને ભુંડે હાલે ભાગી છૂટ્યો.”

“ક્યાં ગયો ?”

“જામપુરામાં.”

“જીવતો જાશે બેટો ?”

“જાવા દે મુરૂભા. બાપ, ભાગતલને માથે ઘા ન્હોય.” જોધાએ ધીરેથી શીખામણ દીધી.

ત્યાં સામેથી ધડ ! ધડ ! ધડ ! બંદુકોના ચંભા થાતા આવે છે. રીડીયા થાય છે. અને ભેરી ફુંકતો ફુંકતો ગાયકવાડી સૂબો બાપુ સખારામ ફોજ લઈ હાલ્યો આવે છે.

“આ કોણ ?”

“બાપુ સખારામ. બીજો જાલીમ, જીવાઈને બદલે ગાળો દેનારો. એની તો જીવતી ચામડી ઉતરડી નાખીએ. ”

પાંચ દસ લડવૈયાને લઈને બાપુ સખારામ વાઘેરોના વાદળ સામે ધસ્યો આવે છે. અને મુળુ માણેક બંદુક લઈ એને ટુંકો કરવા દોડે છે.

“ખમ્મા ! ભાઈ, જાળવી જા !” કહીને જોધાએ મુળુનું બાવડું ઝાલ્યું; “એને મરાય ? આટલી ફોજ સામે નીમકની રમત ખેલવા એકલો હાલ્યો આવે છે. છોડી દે એને. ”

મુળુ થંભી ગયો. છેટેથી અવાજ દીધો “હાલ્યો જા ભાઈ, ગાયકવાડના કુતરા, તને શું મારૂં ?”

પછી હુકમો દેવાયા.

“ભીમા ! તું વરવાળુ માથે પહોંચ ન જીતાય તો મ્હોં દેખાડતો મા. દરિયામાં ડુબી મરજે. ”

ભીમો માણેક ફોજ લઈને વરવાળુ ગામ પર ઉપડ્યો.

“અને દેવા છબાણી ! તું બેટનો કબ્જો લેજે. તોપને મોઢે ઉડી જાજે, પણ હાર્યાના વાવડ દેવા પાછા મ વળજે. ”

“જે રણછોડ !” કહીને દેવા છબાણી શંખોદ્ધાર બેટ પર છૂટ્યો.

“પણ આ દ્વારકા ખાલી ક્યારે થઈ ગયું ? સરકારી માણસો બધાં ક્યાં સમાણાં ! ”

દૂતોએ દોડતા આવીને ખબર દીધાઃ “જોધાભા, જામપરામાં ચારસો સરકારી જણ બેઠા છે.”

“લડવાની તૈયારી કરે છે ? કે ઓખો છોડીને ભાગવા રાજી છે ?”

“ભાગવા.”

“અરે ભાગી રહ્યા. માંડો જામપરાને માથે તોપો ! ફુંકી દ્યો ! વડોદરે વાવડ દેવા એક છોકરૂં યે જીવતું ન નીકળે.”

આવા રીડીયા થયા. અને જોધો ઝાંખો પડી ગયો, ગરવી વાણીમાં એ બોલ્યો:

“ન ઘટે, મુંજા પે ! એવી વાતું વાઘેરૂંના મ્હોંમાં ન સમાય. એ બચાડા તો ચિઠ્ઠીયુંના ચાકર ! અને વળી પીઠ દેખાડીને ભાગે છે. એની ઓરતું, બાલ બચ્ચાં, ઘરડાં બુઢ્ઢાં રઝળી પડે. જાવા દો મારા ડીકરાઓ !”

ચારસો ગાયકવાડી ચાકરો, દ્વારકા દુશ્મનોના હાથમાં સુખશાંતિથી સોંપીને સીમાડા બહાર નીકળી ગયા. નગર રાજ્યના મહાલ જામખંભાળીયામાં જઈને ચારસો જણાએ પડાવ કર્યો અને આંહી દ્વારકામાં તો

ખંભે ખંભાતી ધોતીયાં, ધધકે લોહીની ધાર,
ગોમતી લાલ ગુલાલ, માણેક રંગી મૂળવા !

ગોમતી નદી સોલ્જરોના લોહીથી લાલ ગુલાલ બની ગઈ.

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ માહિતી સોરઠી બહારવટિયા માંથી લેવામાં આવેલ છે.

આગળની વાત હવે પછીના ભાગમાં

જોધો માણેક : મૂળુ માણેક – ભાગ 2

જોધો માણેક : મૂળુ માણેક – ભાગ 3

જોધો માણેક : મૂળુ માણેક – ભાગ 4

જોધો માણેક : મૂળુ માણેક – ભાગ 5

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!