કાદુ મકરાણી – ભાગ 3

રમઝાનના દિવસો ચાલતા હતા. કડાયા ગામમાં જે નવું થાણું બેઠેલું તેના પહેરાવાળા આરબો પાછલી રાતે, શીતળ પવનની લહરોમાં, તરવાર બંદૂકો ખીલીએ ટીંગાડીને બેઠા બેઠા કાવા પીતા હતા. ઓચીંતી એક જણાએ ચીસ પાડી કે “ઓ–અબ્દુલ- કાદર !” સાંભળતાં જ જેવા સહુ પોતપાતાનાં હથીઆર સંભાળવા ઉભા થવા જાય છે ત્યાં ભરી બંદૂકની નાળ્ય નોંધીને વિકરાળ કાદુડાએ હાકલ દીધી “બસ જમાદારો ! મત ઉઠના !”

પહેરાવાળા જેમ હતા તેમ ઠરી રહ્યા. કાદૂના સોબતીઓ લૂંટ કરવા ગામમાં ચાલ્યા ગયા, અને કાદુ એકલો જ એક બંદૂકભર ત્યાં પચીસ માણસના પહેરા ઉપર છાતી કાઢીને ઉભો રહ્યો. કોણ જાણે શાથી, પણ ગીસ્તના આરબોનાં હૈયાંમાંથી અલ્લા ઉઠી ગયો. ધીરે ધીરે તેઓએ કાદુને આજીજી કરવા માંડી કે “કાદરબક્ષ ! આજ તું અમારાં હથીઆર લઈ જઈશ તો અમારી ઈજ્જત નથી. ભલો થઈને અમને બંદૂક પાછી દે. અમે સિપાહી છીએ. જગત જાણશે તો અમને કોઈ સંઘરશે નહિ.”

તમામની બંદૂકો ખાલી કરીને કાદુએ પાછી સોંપી દીધી. અને જતાં જતાં કહ્યું “ ફિટકાર છે તમને સિપાહીઓ ! પચીસ જણા કાદુની સામે કાલાવાલા કરો છો એમાં તમારી સિપાહીગીરી ક્યાં રહી ? પણ તમને સિપાહીગીરીની ઇજ્જત કરતાં જાન અને ઓરત વધુ વ્હાલાં છે. જાઓ, લઈ જાઓ હથીઆરો !”

સોનારીઆ ગામમાં ગીસ્ત પર તાશીરો કરી લૂંટફાટ વર્તાવી.

બાદલપર લૂંટ્યું.

મેઘપર લૂંટ્યું.

વાંસાવડ લૂટ્યું.

સોલાજ લૂંટીને પટેલને શરીરે ડામ દીધા.

ભરોલામાં દિવસ આથમતે પડ્યા. ત્યાં રબારીઓનું થાણું હતું. પહેરાવાળાઓને પકડી, હથીઆરો આંચકી લઈ ઘરમાં પૂર્યા. ગામ લૂટ્યું. પછી તલવારો પાછી આપી ચાલી નીકળ્યા. ભીમદેવળ, ઝીલાલા ને તરસૂયા લૂંટ્યાં.

ઝંથલ ગામમાં હાટી લોકોની વસ્તી હતી. ત્યાં પડીને કાગડા શાખના હાટી રામા પટેલને પકડ્યા. હાટીઓને ખબર પડતાં જ તેઓ ઢાલ તલવાર લઈને નીકળ્યા. કાદુએ એને આવતા દેખીને ચેતવ્યા કે

“જુવાનો ! શીદ મરો છો ? તમે ભલા થઈને ચાલ્યા જાઓ. અમે તમારી બથમાં નહિ સામીએ.”

હાટી જુવાનો હેબતાઈને ઉભા રહ્યા. પણ પાછળ હટતા નથી, તેમ આગળ ડગલું દેતા નથી. કાદુએ થોડી વાટ જોઈ. આખરે જ્યારે હાટીઓએ ચોખવટ ન જ કરી, ત્યારે પછી કાદુએ એને ગોળીએ દીધા. હાટીઓએ એ ઘા સામી છાતીએ ઝીલ્યા.

માડણપૂરાના મકરાણીની એક દીકરી હતી. ફાતમા એનું નામ હતું. જુવાનીના રંગો એને ચડી રહ્યા હતા. પાણીદાર મોતી જેવું એનું રૂપ હતું, એણે કાદુને આખી સોરઠ હલમલાવતો જોયો. કાદુની વીરતા ઉપર જીવતર ઓવારી નાખવાનું નીમ લઈને એ બેઠી હતી. બહારવટીયો એના બાપને ઘેરે કોઈ કોઈ વાર આશરો લેવા આવતો હતો. ફાતમાએ એને કમાડની તરડમાંથી વારે વારે નિરખ્યો હતો. આખરે એક વાર તો એણે હામ ભીડીને કાદુની મોઢામોઢ થવાનો મોકો લીધો. બાપ બહાર ગયો હતો. મા આઘી પાછી થઈ હતી. કાદુના સાથીડા પણ બીજા ઓરડામાં ઉંઘતા હતા. તે વખતે ફાતમા પોતાની ભાતીગળ ઈજારમાંથી જાણે ગળી પડતી હોય તેવી કંકુવરણી પાનીઓ માંડતી, ઘેરદાર કુડતાનાં ફૂલણ-ઝૂલણને સંકોડતી, પીળી ઓઢણીના પાલવ લપેટીને હૈયું છુપાવતી આવી ઉભી રહી. બહારવટીઆના સરવા કાને એનો હળવો, હવાની લ્હેરખી જેવો સંચળ પણ સાંભળ્યો. કાંધરોટો દઈને એણે એ આવનાર તરફ નજર કરી. ઓરત દેખીને પાછો નેણ નીચાં નમાવી ગયો. તરવારની મૂઠ ઉપરની કોટી થોડી વાર બાંધવા ને થોડી વાર છોડવા લાગ્યો.

જ્યારે કાદુએ બીજી વાર પણ સામે ય ન જેવું ત્યારે ફાતમાથી છેવટે ન સહેવાણું. એણે જોર કરીને કમાડ ઝાલ્યું. પછી બોલી:

“જમાદાર ! એક વાર ઉંચે જોશો ?”

“શું છે ?” કાદુએ ત્રાંસી આંખે નજર ઠેરવી.

“મારે તમારી ચાકરી કરવી છે. મને તેડી નહિ જાઓ ? ”

“ક્યાં તેડી જાઉં ? દોઝખમાં ? હું તો મોતને માર્ગે છું. તું બેવકૂફ ઓરત, આંહી કાં આવી ?”

“દોઝખમાં ય તમારી સાથે આવીશ, કાદરબક્ષ ! મને લઇ જાઓ. હું જાણું છું કે તમે તમારા જાન હાથમાં લઈ ફરો છો. હું પણ મારો જાન તમારા હાથમાં આપીશ.”

“બાઈ, તું આંહીંથી ચાલી જા. મારાં બાળબચ્ચાં મકરાણમાં જીવતાં છે ને હું આજ બહારવટે છું. મારું એ કામ નથી. મારાથી નેકીનો રાહ ન ચૂકાય. અમે તારા બાપનો આશરો લઈએ છીએ. એટલે તું તો મારી બેન થા.”

ફાતમાએ પોતાના પાલવમાં એક તલવાર સંતાડી હતી. તે કાઢીને કાદુ તરફ લંબાવી કહ્યું, “જમાદાર કાદરબક્ષ ! આ તરવાર મારા તરફની સોગાદ સમજીને લેશો ? હું એ રીતે મન વાળીશ. તમારી ગોદમાં મારી તરવાર રમશે, તેથી હું દિલાસો લઈશ.”

“ના, ના, અમારે તરવારો ઘણી છે બાઈ ! તું અહીંથી ચાલી જા !”

એવો ઠંડો જવાબ આપીને કાદુ ઘરની બહાર નીકળી ગયો.

[આવો જ પ્રસંગ બીજા નામઠામ સાથે મળેલ છે :- જીલાળા ગામના સીદી નામે મકરાણીને ઘેર કાદુ આશરો લેતા. એ સીદી મકરાણીને જુમ્મન નામની દીકરી હતી. એ જુમ્મન સરસ્વતી નદીને કાંઠે પાડવની દેરી અને ભીમના દેવળ પાસે કાદુને મળેલી : અને એણે બહારવટીયાના પ્યારની માગણી કરેલી. બહારવટીએ એને બહેન કહી, એના પિતા પાસે જઇ, આ વાતમાં પિતા કોઈ ખૂટામણની વૃત્તિથી શામિલ હશે તેવો શક લાવીને કહ્યું કે “તારે મારે આજથી છેલ્લા સલામ આલેકુમ છે.” એટલું કહીને બહારવટીયો ચાલ્યો ગયેલો. હકીકત આમ નથી, પણ આગળ કહી તેમ જ છે, એવી ખાત્રી પ્રત્યક્ષ પૂરાવા આપનાર એક વ્યક્તિ તરફથી મળી છે.]

ગામ ભાંગવામાં સહુથી પહેલો ઝાંપો ભાંગનાર જોરાવર મોટેરા ભાઈ અબાબકરનું મોત થયું. સરસ્વતી નદીને કાંઠે, કરમડીના કૂવા પાસે બહારવટીયા બેઠા બેઠા લૂંટનું સોનું રૂપું દાટતા હતા તેમાં ગીસ્ત પહોંચી. ઝપાઝપી બોલી. આખરે બે હાથમાં બે બંદુક લઈને કાદરબક્ષ ભાગ્યો. પાછળ અબાબાકર ભાગ્યો. એની પાછળ ગીસ્તના જોરાવર મકરાણી જુવાન વલીમામદે દોટ દીધી. એ જુવાને પાછળથી બહારવટીઆને પડકારો કર્યો કે “ઓ કાદરબક્ષ, બલોચનો દીકરો બલોચની મોર્ય ભાગે તો તો એબ છે.”

સાંજનાં અંધારાં ઘેરાતાં હતાં. તેમાં અવાજ પરથી બહારવટીએ પોતાના જાતભાઈને ઓળખ્યા, “કોણ વલીમામદ વીસાવદરવાળો ? જેની ડોશી અમારી સામે બંદુક લઈને ઉઠતી’તી એ જ તું ભાઈ ?”

“એ જ હું. એ જ ડોશીનું દૂધ ધાવેલો હું. હવે હુશીઆર થા કાદરબક્ષ !”

અબાબકર પાછો ફર્યો. હથીઆર તો નહોતું. પછી પત્થર ઉપાડ્યો. ત્યાં તો જુવાન વલીમામદે પણ પોતાના ગુરૂના કહેવા મુજબ સાત કદમ પાછા જઈ, બંદૂક છાતીએ ચડાવી. આંહીથી બંદૂકની ગોળી છુટી ને ત્યાંથી પત્થર છૂટ્યો. ગોળી અબાબકરના સાથળમાં વાગી ને બંદૂક પત્થરના ઘાયે તૂટી, પછી વલીમામદ તલવાર લઈને ઠેક્યો. અબાબકર પડ્યો. તલવારના પણ બે કટકા થઈ ગયા. પડેલા દુશ્મનની પાસે વલીમામદ ઉભા થઇ રહ્યો. મરતો મરતો દુશ્મન બોલ્યો:

“રંગ છે વલીમામદ !”

“રંગ છે તને પણ ભાઇ ! તું કુરાનેશરીફ છો. તને પાણી દઉં?”

“ના, ના, હવે પાણી ન જોઈએ.”

કાદુ તો નાસી ગયો હતો. ગીસ્ત અબાબકરના શબને ઉપાડી જુનાગઢ લઈ ગઈ. નવાબે પૂછ્યું,

“વલીમામદ, ઈસકુ કીને મારા ?”

“મેંને નહિ, આપકા નીમકને.”

“ઇસ્કુ ક્યા કરના ?”

“નામવર, દફન કરના.”

કાદરબક્ષે જ્યારે આ વાત સાંભળી, ત્યારે એ બોલ્યો હતો કે “મારૂં મોત પણ મારા ભાઈને હાથે જ થાજો કે જેથી મને

મુવા પછી મુસલમીનની રીતે અવલ મંજિલ પહોંચાડે !”

૧૦

ભેંસાણ ગામને ઝાંપે એક દિવસ એક ચિઠ્ઠી બાંધેલી છે. સવારને પહોર લોકો નીકળે છે અને ચિઠ્ઠી ભાળી એ સાપની ફેણ હોય તેમ બ્હીને ચાલ્યા જાય છે. ગામના મૂછાળા મરદ ફોજદાર માણેકલાલને જાણ થઈ કે કોઈક જાસા ચિઠ્ઠી બાંધી ગયું છે. પાદર જઈને ફોજદારે જાસા ચિઠ્ઠી છોડી, વાંચી. અંદર લખ્યું હતું કે “માણેકલાલ ફોજદાર, કચેરીમાં બેસી કાદુ સામે ભારી મૂછો આમળો છો, માટે ભેંસાણ ભાંગવા અને તમારું નાક કાપવા આવું છું. મરદ હો તો બંદૂકો ભરીને બેસજો !”

ફોજદાર સાહેબ વાંચતા જાય છે તેમ તેમ છ મહિનાનો મંદવાડ હોય તેવા પીળા પડતા જાય છે. પડખે ઉભેલા નાના અમલદારો સામસામા મીંચકારા મારીને મૂછમાં હસી રહ્યા છે.

“ફિકર નહિ. ભલે આવતો કાદુ. આવશે તો ભરી પીશું.” એવા બોલ બોલવા છતાં માણેકલાલભાઈના પેટમાં શું હતું તે અછતું ન રહ્યું. પણ રૂવાબમાં ને રૂવાબમાં સાહેબ બેસી રહ્યા. બે ચાર દિવસ નીકળી ગયા. એમાં એક રાતે ગામમાં હલકું પડ્યું કે “ મકરાણી આવી પહોંચ્યા છે !” ભડાભડ બજારો દેવાઈ ગઈ, વેપારીઓ કાછડીના છેડા ખોસતા ખોસતા ચાવીના જૂડા લઈને ઘર ભેગા થઈ ગયા. અને ગામના કાઠી લોકોની વસ્તી જાડી હોવાથી કાઠીઓ મોરચા પકડવા મંડ્યા. એક ઉતાવળીયા જણે તો બંદૂકનો અવાજ પણ કરી નાખ્યો. એટલે સરકારી લાઈનમાં ઝાલર વાગી અને ગોકીરો વધ્યો.

ફોજદાર સાહેબ માણેકલાલભાઈ દિવાલ ઠેકીને ભાગ્યા. વાંસે એક ભરવાડનું ઘર હતું તેમાં ભરાયા, અને ભરવાડણને કરગર્યા કે “તારે પગે લાગું. મને તારાં લૂગડાં દે !”

ભરવાડણે પોતાનું પેરણું અને ધાબળી દીધાં. માણેકલાલભાઈ એ પહેરીને ઘંટીએ બેઠા. આખી રાત ધૂમટો તાણીને દળ્યા કર્યું. આંહી ગામમાં તો એની બડાઈ ઉતારવા માટે બધું મશ્કરીનું તોફાન જ હતું, એટલે થોડી વારે તો જળ જંપી ગયાં, પણ માણેકલાલભાઈ ભળકડા સુધી ઘંટીએથી ઉઠ્યા નહિ. ભરવાડણને આઠ દિવસનો પોરો મળી ગયો.

૧૧

કેશોદ અને વેરાવળ વચ્ચેના માર્ગે સવારને ટાણે એક ઘોડાનો ટાંગો વેગબંધ ચાલ્યો જાય છે. અંદર એક હથીઆરબંધ અંગ્રેજ પોતાની મડમ અને પોતાના નાના સુંવાળા એક બાળક સહિત બેઠો છે. એ અંગ્રેજ તો જુનાગઢ રાજના નવા નીમાએલ પોલીસ ઉપરી મેજર હંફ્રી છે. કાદુની ટોળીને જેર કરવાનું બીડું ઝડપીને એ બાહોશ ગોરાએ બંદોબસ્ત માંડ્યો  છે. પોતાની ચકોર નજરને ચારે દિશામાં ફેરવતો હંફ્રી સાહેબ બંદૂકના ઘોડા પરથી આંગળી ખસેડ્યા વિના રસ્તો કાપે છે.

[ઉપલી ધટના જસ્ટીસ બર્મનની આ નોંધને આધારે લખી છે :
I could tell you to how very nearly Colonel Humfrey who was engaged in exterminating the last of the real outlaws, was ambushed and slain in a dip of the road between Keshod and Verawal. But fortunately he had met his assistant who had news of outlaws in another direction, so Humfrey left his tonga in which were his wife and child and struck off to the Burdas. When the tonga was seen approaching end the outlaws realized that Humfrey himself was not in it, they deliberated whether their wrongs were not enough to justify them in murdering or at any rate carrying off his wife and child. But the counsels of the elders prevailed. Let us not touch women and children they said, or our own women will turn against us, So Mrs. Humfrey and the child went by unscathed and unwitting of their danger. ]

થોડીક વારે આડેધડ ખેતરો સોંસરવો એક ઘોડેસવાર મારતે ઘોડે ટાંગા તરફ આવતો દેખાણો. આવનાર અસ્વારના હાથની નિશાની દેખીને હંફ્રીએ ગાડી ઉભી રખાવી.

પરસેવે રેબઝેબ, મ્હોંયે ફસફસતો અને હમણાં છાતી ફાટી પડશે એવો હાંફતો એ ઘોડો આવીને ઉભો રહ્યો કે તૂર્ત તેની પીઠ પરથી એક પોલીસ અમલદારે ઉતરીને સલામ કરી. ઉતાવળે સાદે કહ્યું “સાહેબ, આપ ઉતરી પડો. આ લ્યો આ ઘોડો. જલદી પાછા ફરી જાઓ !”

“બહારવટીયાએ નજીકમાં જ ઓડા બાંધ્યા છે, પલેપલ આપના જાનની વાટ જોવાય છે. જલ્દી કરો !”

શૂરો હંફ્રી વિચારમાં પડે છે. અમલદાર અધીરો બને છે: “વિચાર કરવાનો વખત નથી, સાહેબ બહાદૂર ! જેની સામે આપે ગામડે ગામડે ચાર ચાર રાઈફલો ગોઠવી છે, એ આજ આપને નહિ છોડે.”

“મારાં બાલબચ્ચાંનું શું થાય ?” સાહેબનાં ભવાં ચડે છે.

“એને ઉની આંચ નહિ આવે. એ તો કાદરબક્ષ છે. નિરપરાધી ઓરત બચ્ચાંને એ ન બોલાવે. આપ ઝટ ભાગી છુટો.”

ભયભીત મડમ બોલી ઉઠી : “ વ્હાલા ! ખુદાને ખાતર, અમારે ખાતર ભાગી છૂટો.”

હંફ્રી ટાંગામાંથી ઉતરી ઘોડે ચડ્યો. ચાલી નીકળ્યો. છેક જાતે બરડામાં ઉતરી ગયો.

ને આંહી ટાંગો આગળ વધ્યો. જેમ જેમ ટાંગો ઢૂકડો આવે છે તેમ તેમ બહારવટીયાનાં ડોકાં એાડાની પાછળથી ઉચાં થતાં જાય છે. આખરે લગોલગ થતાં જ બહારવટીયા આખે આખા ઉભા થઈ ગયા. બંદૂકો ઉંચી ઉઠાવી. જ્યાં નોંધવા જાય છે ત્યાં કાદરબક્ષે કહ્યું “ખામોશ ! હંફ્રી ગાડીમાં નથી. અંદર ઓરતને બચ્ચું જ છે.”

“ભાઈ કાદરબક્ષ !” ખુની અલાદાદ બોલી ઉઠ્યો : “એની મડમને ને બચ્ચાને ઠાર કરી નાખીએ. હંફ્રીનું કલેજું ચીરાઈ જશે અને એ આપણો કાળ જલ્દી વિલાયત ભેગો થશે.”

“નહિ, નહિ, અલાદાદ ! શત્રુની ઓરત તો બહારવટીયાની મા બહેન. એને હાથ અડકાડશું તો તો આપણી રિન્દ–બલોચ માબહેનો આપણા નામ પર થૂકશે. ઓરત અને બચ્ચાં તો દુનિયાની પાકમાં પાક પેદાશ છે.”

બીજા બધા બોલ્યા: “કાદરબક્ષ ! ભૂલી ગયા ? રાજ્યે કેમ આપણાં બાલબચ્ચાંને પકડ્યાં હતાં ?”

“એ નાપાક પગલું હતું. હું રાજ્યની નકલ નહિ કરૂં.”

“ભાઈ કાદરબક્ષ ! ભૂલો છો. પસ્તાશો. હવે ખોટી દયા ખાવાનું ટાણું નથી રહ્યું. કાંઈ નહિ તો જીવતાં ઉઠાવી જઈએ.”

“એ પણ નહિ બને. કાદરબક્ષ જલ્લાદ ભલે હોય, શયતાન તો હરગિજ નથી. આપણી રિન્દ–બલોચ ઓરતા આપણાં નામ પર જૂતા મારશે. બસ ! ખામોશ !”

એટલું કહીને કાદુ બીજી દિશામાં ઉતરી ગયો. પાછળ એના સાથીઓ મનમાં સમસમતા અને બડબડતા ચાલ્યા. તેઓની ખુની નજર વારેવારે પાછળ ફરીને દૂર દૂર ત્યાં જોઈ રહી હતી, જ્યાં એક ટાંગો નિર્દોષ મા-દીકરાને લઈ ચાલ્યો જતો હતો.

૧૨

બહારવટીયાને ઝાલવાનું ઈનામ જાહેર થયેલું, તેનાથી લોભાઈને જોગી બહારવટીયા જોગીદાસનો પૌત્ર જેઠસૂર ખુમાણ આંબરડીથી નીકળ્યો. જૂનાગઢ જઈને બીડું ઝીલ્યું, ભેળી એક ગીસ્ત લીધી. ‘કાદુ બચારા કોણ છે ! હમણાં ગરમાંથી સાંસલો ઝાલે એમ ઝાલી લઉં !” આવાં બોલ બોલીને જેઠસુર નીકળી પડ્યો. ભમતાં ભમતાં ગિરમાં એક નદીને કાંઠે પડાવ નાખ્યો. પ્રભાતને પહોર બગલમાં તલવાર લઈ કળશીએ જવા નીકળ્યો. થોડે આઘેરો નીકળી ગયો. પાછા આવીને નદીમાં હાથ ધોવે છે, ત્યાં એક ફકીર પણ પાણીમાં મ્હોં ધોઈને કાંઠે બેઠો છે. ફકીરે પૂછ્યું કે “દરબાર ક્યાં રે’વું ?”

“રે’વું જોગીદાસની આંબરડી.”

“આવો આવો કસુંબો પીવા.”

આગ્રહ કરીને ફકીરે જેઠસુરને બેસાડ્યો. પોતે ખરલમાં કસુંબો ઘોળવા લાગ્યા. ઘોળતાં ઘોળતાં પૂછ્યું કે “શું નીકળ્યા છો ?”

“આ કાદુડા કાટ્યો છે, તે એને ઝાલવા. મલકમાં કોઈ માટી નથી રહ્યો ખરો ને, તે કાદુ સહુને ડરાવે છે.”

હસીને ફકીરે પૂછ્યું “કાદુ મળે તો શું કરો ? છાતી થર રહે કે ?”

“કેમ ન રહે? હું ખુમાણ છું. પકડી લઉં, ને કાં ઠાર મારૂં.”

“ત્યારે જોઈ લ્યો જેસર ખુમાણ !” એટલું કહીને કાદુએ કફની ઉતારી. અંદર મકરાણીને વશે, પૂરાં હથીઆર સોતે જુવાન જોયો. દાઢી પણ ઉતરી, કરડું મ્હોં દેખ્યું. જેઠસૂરના મુખ ઉપરથી વિભૂતિ ઉડી ગઇ.

“જેઠસુર ખુમાણ ! લે ઝાલી લે મને. હું જ જમાદાર કાદરબક્ષ.”

જેઠસર શું બોલી શકે ? ફાટી આંખે જોઈ રહ્યો. સામે ઘડી બે ઘડીમાં જ મોત હતું. કાદુએ તમંચો તોળીને કહ્યું:

“જેઠસૂર ખુમાણ ! મારું તો આટલી વાર લાગે. પણ તને જોગીદાસના પોતરાને હું કાદુ તો ન મારૂં. માટે ઝટ આંબરડી ભેળો થઈ જાજે, અને એક વાત વિસારીશ મા, કે તારો દાદા જોગીદાસ જે દિ’ ભાવનગર સામે બારવટે હતા, તે દિ’ કાદુનો બાપ આવીને બીડું ઝડપી એને ઝાલવા ચડ્યો હોત તો તને કેવું લાગત ? સહુ પોતપોતાના ગરાસ સાટુ મરવા નીકળે છે એમ ભૂલતો કાઠી ! જા, ઝટ ગીરમાંથી નીકળી જા !”

જેઠસૂર ખુમાણ તે દિવસથી ખેા ભૂલી ગયો.

[આ પ્રસંગ ઘણું ખરૂં ગીરમાં, તેમજ કાઠીઆવામાં ઠેર ઠેર કહેવાય છે. તેમ છતાં કાદુના બહારવટામાં શામિલ હતા તે માણસો આ વાતનો ઇન્કાર કર્યો છે. એ કહે છે કે જેઠસૂર તો કાદુનો દોસ્ત હતો. જેઠસૂર પોતે મોટો પાપાત્મા હતો, એટલે કાદુના સાથી હોવાનો સંભવ છે. લોકો apocryphal (કલ્પિત) વાતા કેવી રીતે રચે છે ને કઈ બાજુ ઢળે છે તેનો આ નમૂનો છે.]

૧૩

સવારનું ટાણું હતું. ઉનાળાનો દિવસ હતો. સૂરજનો તાપ વધતો જતો હતો. એવે ચડતા દિવસને વખતે… ગામમાં એક ફકીર દાખલ થયો. એક વેપારીની હાટડી ઉપર જઈને ફકીરે સવાલ કર્યો કે “શેઠ, એક ચપટી સૂકો આપોને ! ચલમ ભરવી છે.”

[આ વાતને પણ જાણકારો તરફથી ટેકો નથી મળતો. લોકો પેાતાની કલ્પનાથી કેટલાક કેવા પ્રસંગોનુ સર્જન કરે છે તે બતાવવા આ વાત અત્રે આપેલી છે.]

“સૂકો નહિ મળે. પૈસા બેસે છે.” વેપારીએ ચોપડામાંથી ઉંચું માથું કરીને કહ્યું.

“શેઠ, હું દમડી વિનાનો અભ્યાગત છું. ચપટીક સૂકાની ખેરીઅત નહિ કરો ?” ફકીર રગરગવા માંડ્યો.

“નહિ મળે.” શેઠે વેણ ટુંકાવ્યાં.

“અરે શેઠ, અભ્યાગતને ના પાડો છો, પણ કાદુ આવ્યો હોય તો કેમ આપો ?”

પડખે લોઢાની દસશેરી પડી હતી તે બતાવીને લુહાણો બોલ્યો “કાદુ આવે અને અડપ ચડે તો એનું માથું ય આ દસશેરીથી ભાંગી નાખીએ, સમજ્યા ? રસ્તે પડી જા અટાણમાં.”

ફકીર ચાલ્યો. એક મોચીની દુકાન આવી. તૈયાર જોડાની જોડીઓ પડેલી જોઈને ફકીરે મોચીને પૂછ્યું “ભાઈ, એક જોડ્ય પગરખાનું શું લઈશ ?”

“દોઢ રૂપીઓ.” મેાચી બેપરવાઇથી બોલીને પાછો સીવવા લાગ્યો.

“હું અભીઆગન છું, પગે બળું છું, પાસે વધુ પૈસા નથી, માટે સવા રૂપીએ આપને ભાઈ ?”

“બહુ બોલીશ તો પોણા બે બેસશે.” મેાચી ઉલટ ભાવ ચડાવવા માંડ્યો.

“અરે ભાઈ, ઉલટો વધછ ?”

“તો બે પડશે.”

“એમ છે ? કાદુ આવ્યો હોય તો કેમ મફત આપી દ્યો ?”

હાથમાં વીંગડો હતો તે ઉપાડીને મોચીએ કહ્યું “કાદુ આવે ને, તો કાદુને ય આ વીંગડા ભેળો ટીપી નાખીએ. સમજ્યો ને ? જા રસ્તે પડ.”

ફકીર બબડતો બબડતો ચાલ્યો ગયો. બજારે બોલતો જાય છે કે “ઓ હોહો ખુદા ! આ ગામમાં મને ચપટી સૂકો ન મળે તો રોટલો તો મળે જ શેનો ?”

“કેમ સાંઈ?” એક કણબણ પાણી ભરીને આવતી હતી તેણે પૂછ્યું : “કેમ બાપા ? ગામ જેવું ગામ છે, ને કોઈને રોટલાની ના હોય ? હાલો મારે ઘેરે. ”

કણબણે ઘેર જઈને ફકીરને રોટલો પિરસ્યો. ફકીરે ખાઇ લીધું. પછી એણે બાઈ સામે જોઈને જરા મ્હોં મલકાવી કહ્યું કે “બેન ! વાત પેટમાં રેશે?”

“હા બાપા, શા સારૂ નહિ ?”

“તું બ્હીશ તો નહિ ને ?”

“ના…ના…” બાઈ જરાક ખચકાણી.

“હું કાદુ છું.”

“તમે કાદુ !!!” બાઈની છાતી બેસી ગઈ.

“પણ તું બ્હી મા ! તું મારી બેન છે. સાંભળ. આજ રાતે અમે આ ગામ માથે પડવાના છીએ. ગામ લૂંટશું, પણ તારૂં ઘર નહિ લૂંટીએ. હું એકલો નહિ હોઉં, મારી ભેળા બીજા ઝાઝા જણ હશે. ને હું પોતે લૂંટ કરવા નહિ નીકળું. હું ચોકમાં બેસીશ. એટલે મારા જણ તારૂં ઘર શી રીતે ઓળખશે એનો વિચાર કરૂં છું.”

થોડીક વાર વિચારીને પછી કાદુ બોલ્યો : “જો બેન, તું તારા ઘરને ટોડલે બે દીવા પ્રગટાવીને મૂકજે. એ દીવાની એંધાણીએ મારા જણ તારૂં ઘર એાળખશે. દીવા બરાબર મેલજે. ભૂલતી નહિ. લે હવે હું જાઉં છું. મારા જણ ભૂખ્યા બેઠા છે.”

“એને ખાવાનું કેમ થાશે બાપુ ?” બાઈએ સમયસૂચક બનીને પૂછ્યું.

“હવે જે થાય તે ખરી.”

“ના, એમ નહિ. તમે ઓતરાદી દૃશ્યને માટે મારગે ખીજડીવાળી વાવને એાલે થડ ઉભા રેજો. હું હમણાં ભાત લઈને આવું છું.”

કાદુ ગયો. બાઈએ દસ જણની રસોઈ કરી. ભાત બાંધ્યું. રોજ ખેતરે પોતાના ધણીને ભાત દેવા જતી હતી તે રીતે તે દિવસ પણ ચાલી. કોઈને વ્હેમ પડ્યો નહિ. નક્કી કરેલી જગ્યાએ બહારવટીયાને ભાત પહોંચાડ્યું.

રાત પડી અને બહારવટીયો ગામ પર પડ્યો. પોતે ચોકમાં ખાટલો ઢળાવીને ભરી બંદુકે બેઠો. અને સાથીઓને કહ્યું કે “ગામના વેપારીઓને લાવો. ભેળા એના ચોપડા પણ ઉપડાવતા આવો. અને એક મીઠા તેલના ડબો, એક બકડીયું ને એક સાવરણી આણજો.”

વેપારીઓને હારબંધ બેસાર્યા. મંગાળો કરી, તે પર બકડીયું ખડકી અંદર તેલ રેડ્યું. અને પછી કહ્યું કે “આ વેપારીઓના ચોપડાનું જ બળતું કરો. એટલે રાંક ગરીબનો સંતાપ મટે.”

ચૂલામાં ચોપડા સળગાવીને બકડીયામાં તેલ કકડાવ્યું. પછી એક પછી એક વેપારીને પૂછ્યું કે “કહો, લાવો, ઘરાણાં ને નાણાં હાજર કરો.”

“ભાઈ સાબ, અમારી પાસે નથી.”

આવો જવાબ મળતાં કાદુ કહેતો કે “શેઠને જરા છાંટણાં નાખો.”

કડકડતા તેલમાં સાવરણી બોળીને બહારવટીયાંના માણસો વેપારીના શરીર પર છાંટતા અને ત્રાસ આપીને મનાવતા.

વેપારી માનતો કે “બાપા, ચાલો બતાવું.” પોતાને ઘેર લઈ જતો. ઘરની જમીનમાં ધન દોલત દાટ્યાં હોય ત્યાં સંભારી સંભારીને ખોદાવતો. પણ ફડકામાં ને ફડકામાં વેપારી ભાન ભૂલી જઈ પોતાને જે જગ્યા છુપાવવી હતી તે જ ખોદાવી બેસતો, ને તેમાંથી બહારવટીયાને પોતે કહેલા તે ઉપરાંતના બીજા દાગીના નીકળી પડતા, ત્યારે બહારવટીયો નિર્દય બનીને કહેતો કે “એ તો મારા તકદીરનાં નીકળી પડ્યાં. હવે તો તેં કહેલાં એ કાઢી દે!”

એવો સિતમ વર્તાવી કાદુ પેલી રોટલા દેનાર બ્હેનને બોલાવતો ને કહેતો કે “બેન, તારે જોઈએ તે આમાંથી ઉપાડી લે.”

“અરે ભાઈ, મને મારી જ નાખોને !”

“તારૂં કોઈ નામ લ્યે તો મને કહેજે.હું પાછો આઠ દિવસે આંહી નીકળું છું.”

એમ ખેરાત અને ચોરાશીઓ જમાડી, બાઈઓ પાસે રાસડા રમાડી, સહુને આપતો આપતો કાદુ નીકળી જતો એવું કહેવાય છે.

૧૪

ભાઈ અલાદાદ ! હવે આપણા દિવસ પૂરા થયા. આપણાં પાપનો ઘડો ભરાઈ રહ્યો. હવે નહિ ટકાય.”

“કાં ?”

“દેશભરમાં ત્રાસ છૂટી ગયો છે. મુંબાઈનાં છાપાંમાં પણ ગોકીરો ઉઠ્યો છે. જુનાગઢના ગોરા પોલીસ ઉપરી હંફરી સાબે પોલીસમાં નવા લાયક આદમીઓની નવી ભરતી કરીને નવી જાતની બંદૂકો આપી છે. ગામેગામ ચચ્ચાર બંદૂકદારોનાં થાણાં બેસી ગયાં છે. અને રાવસાહેબ પ્રાણશંકર આપણને રોટલા દેવા ના શક ઉપર વસ્તીનાં નિર્દોષોને એટલા એટલા ફટકાની સજા કરી પીટે છે, કે મારાથી હવે આ પાપની ગાડી સહેવાતી નથી.”

“ત્યારે શું કરીશું ભાઈ કાદરબક્ષ !”

“મકરાણ તરફ ઉપડી જઈએ.”

“ભલે.”

બહારવટીયા ન ટકી શકવાથી બહાર નીકળી ગયા. થોડા દિવસ તો આ શાંતિનો ભેદ કોઈથી કળાયો નહિ. પછી તો વ્હેમ આવ્યો કે બહારવટીયા નાસી છૂટ્યા. ચારે તરફ તારો છૂટ્યા અને નાકાબંધી થઈ ગઈ. કાદુની બ્હેન દમણ જઈને મુસલમાન છોકરીઓ માટે મદ્રેસો માંડી પેટગુજારો કરવા માંડી. દીનમહમદ પણ તેની સાથે જ હતો. કાદુ પોતે પણ અલાદાદની સાથે અમદાવાદ થઈને રેલ્વે માર્ગે સિંધ તરફ રવાના થઈ ગયો. બધે શાંતિ છવાઈ ગઈ. થોડાક મહિના આ રીતે નીકળી જાત તો આ લોકો જરૂર મકરાણ પહોંચી જાત. પણ ભાવીના લેખ બીજા હતા. કરાંચીની બજારમાં કાદુ ઉંટ ભાડે કરવા નીકળ્યો ત્યારે એ આ રીતે ઝલાઈ ગયો.

“ભાઈ ઉંટવાળા ! સોન મિયાણીનું શું ભાડું લઈશ ?”

“દસ રૂપીઆ.”

“દસ નહિ. વીસ આપીશ. પણ જલ્દી ચાલ. મારે હીંગળાજ પરસવા વ્હેલું પોગવું છે.”

ઉંટવાળો ચલમના ધુંવાડા કાઢતો કાઢતો આ ભાડૂતને પગથી માથા સુધી નિહાળવા લાગ્યો. બાવાના વેશમાં તો કચાશ નહોતી, પણ આવું જાજરમાન શરીર ને આવું કરડું મ્હોં બાવાને ન હોય.”

કરાંચીના એ દુત્તા ઉંટવાળાએ પોતાનું અંતર કળાવા દીધા સિવાય કહ્યું “હાલો, આમ આગળ. હું મારા ભાઈને મોઢે થઈ લઉં, પછી ઉંટ હાંકી મૂકીએ.”

ઉંટ દોરીને આગળ ચાલ્યા. થોડેક આધે પોલીસ-ચોકી પર જઈને ઉંટવાળાએ પોતાની ઓળખાણવાળા નાયકને છાની વાત કહી, ત્રાંસી આંખે બાવો દેખાડ્યો: કહ્યું “આ કાદુ, જુનાગઢ વાળો. ઇનામ લેવું હોય તો એને ઝાલો ઝટ.”

બાવાવેશધારી કાદુ ચેત્યો. ઝપ ! દઈને છરી ખેંચી. દોડીને ઉંટવાળાને હલાવી ઠાર કર્યો. નાયક સામે થયો એને માર્યો, ને પછી મરણીયો થઈ કરાંચીની ભર બજારમાં જે સામો થાય તેને છરી મારી પાડવા લાગ્યો. આખરે સામેથી એક મજૂરનું ટોળું છુટીને ચાલ્યું આવતું હતું તેણે પત્થરો મારીને ગુન્હેગારનું માથું ફોડી બેભાન બનાવ્યો. એ હાલતમાં કાદુ પકડાયો. એને પૂછવા લાગ્યા “તારા સાથીઓ ક્યાં છે ?”

જવાબ મળ્યો “મરણીયા ભાગ્યા તે ભેળા રહેતા હશે ભાઈ ?”

બહુ દબાણ કર્યું પણ કાદુ ન માન્યો. કરાંચીની બજારમાં કરેલાં ત્રણ ખૂન બદલ એના પર મુકર્દમો ચાલી એને ફાંસીની સજા થઈ.

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ માહિતી સોરઠી બહારવટિયા માંથી લેવામાં આવેલ છે.

આગળની વાત હવે પછીના ભાગમાં આવશે..

કાદુ મકરાણી – ભાગ 1

કાદુ મકરાણી – ભાગ 2

કાદુ મકરાણી – ભાગ 4

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટને સબક્રાઈબ કરો.

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

 

error: Content is protected !!