રા’ નો રાખનારો વીરપુરૂષ દેવાયત બોદર… ભાગ- 2

રા’ નો રાખનારો વીરપુરૂષ દેવાયત બોદર…..ભાગ- 1

વાંજારાણીએ વાલબાઈ વડારણને જરૂરી ભલામણ કરી ભોંયરાના ગુપ્ત માર્ગે ઉપરકોટ બહાર મોકલી ભોંયરું બંધ કરી લોકો સાથે લપાતી છુપાતી ઉપરકોટ બહાર નીકળી ગઈ. ત્યારે ભોંયરામાંથી બહાર નીકળતા વાલબાઈએ ચારેબાજુ સોલંકીસેના જોતા તે ગભરાઈ હતી. જો દુશ્મનની નજર નવઘણ ઉપર પડે તો તેને બચાવવો અસંભવ હોય છાવણી નજીક સાવરણો અને સુંડલો લઈ સફાઈ કરી રહેલા ભીમા ભંગી (હરીજન)ને જોતા તેના મગજમાં ઝબકારો થયો. નવઘણને પાંદડાઓ ઉપર સુવડાવી વાલબાઈએ નજીક જઈ ઈશારો કરી ધીમેથી કહ્યું.

“ભાઈ, ભીમા તારું એક કામ પડ્યું છે !”
“અરે, વાલબાઈ તમે ? બોલો શું સેવા કરું ?” વખતને પામી ગયેલા ભીમાએ મક્કમતાથી કહ્યું
”તારો સુંડલો જોઈએ છે !”

અને ધીમે રહી રા’ દિયાસના કુંવરને બોડીદર દેવાયત બોદરને ત્યાં પહોંચાડવાની રાણી સોમલદેની આખરી ઈચ્છાની વાત કરી.
“વાલબાઈ, હું નવઘણને સુંડલામાં મુકી સોલંકી છાવણીમાંથી સલામત રીતે પાર કરાવી દઈશ, પણ તમે એકલા આ જંગલના માર્ગે તેને બોડીદર કેવી રીતે પહોંચાડશો ?”

”ભીમા, મા ખોડીયાર મદદ કરશે ! બસ તું હેમખેમ નવઘણને છાવણી બહાર મુકી જા !”
ભીમાએ ઝાઝી દલીલ ન કરતા વાલબાઈના ઇશારા તરફ જઈ સુંડલામાં પાંદડા પાથરી નવઘણને સુવાડી સુકા ડાળી-ડાંખળા મુકી તેના ઉપર સુકા પાંદડાનો ભુકો ગોઠવ્યો. માથા ઉપર સુંડલો અને હાથમાં સાવરણો લઈ ભીમો ભંગી ચાલી નીકળ્યો. વાલબાઈ દૂરથી તેના પર નજર રાખી પાછળ દોરવાતી ચાલી. સોલંકીસેનાની છાવણીથી ઘણે દૂર પહોંચી ગયેલા ભીમા પાસે દોડીને માંડ માંડ ભેગી થયેલી વાલબાઈ કહેવા લાગી.

રા’ નો રાખનારો વીરપુરૂષ દેવાયત બોદર

“ભાઈ, ભીમા તારો ખૂબ આભાર આજ તેં સોરઠના આખરી ચિરાગને બુઝતો બચાવ્યો છે !” ”વાલબાઈ, ઘનધોર જંગલમાં નવઘણ સાથે તને એકલી મુકાય નહીં, એ સાથે રાણી સોમલદેની દાસી તરીકે લોકો તને ઓળખી જાય તો જોખમ વધે !”

“ભાઈ, ભીમા તારી વાત સાચી છે, પણ ધીમે બોલ આ વાડ અને વેલાને પણ કાન હોય છે, એક કામ કર બોડીદર પહોંચવાના આપણા રસ્તા અહીંથી અલગ રહેશે ! અને જો તું પહેલા બોડીદર પહોંચે તો મારી વાટ જોજે અને જો હું પહેલા પહોંચીશ તો તારી વાટ જોઈશ !”

અને એ સાથે વાલબાઈ વડારણ અને ભીમો હરીજન, એકબીજાથી સલામત અંતર રાખી નવઘણને લઈ ખોડીયારમાંનું સ્મરણ કરતા રાત-દિવસ કે ભૂખ તરસની પરવાહ કર્યા વગર બોડીદર પહોંચ્યા. નવઘણને સુંડલામાં સુવડાવી ભીમો વાલબાઈની વાટ જોતો બોડીદરના પાદરમાં ઉભો હતો, ત્યારે થોડીવારમાં વાલબાઈ આવી પહોંચી.

“ભાઈ, ભીમા તારો આભાર હું ક્યા ભવે ચૂકવી શકીશ ?”
”બેન, પારકો ગણી આવા આકરા વેણ કેમ કહો છો ? વાલબાઈ તમે તો જનમ ભૂમીની સેવાનો મોકો આપી મારું જીવતર ઉજાળી દીધું છે !”

“વાલબાઈ, નવઘણને લઈ દેવાયત આયરને ત્યાં જાવ, મારું કામ અહીં પુરું થતાં હું પાછો ફરું છું !”

“ભાઈ, ભીમા તારા યોગદાનની ઇતિહાસ નોંધ લેશે ‘જય ખોડીયારમા’ !“

“જય ખોડીયાર !”

દેવાયત બોદરને નવઘણ સોંપવાની ચિંતામાં વાલબાઈ ભૂખી-તરસી કોડીનાર તાબાના ડોળાસા નજીક બોડીદર ગામે આવી પહોંચી હતી. વાલબાઈ વડારણે અંધારી રાતના ત્રીજા પ્રહરમાં દેવાયત બોદરના ડેલે ટકોરા મારતા ઓંશરીમાં ઢોલીયો ઢાળી સુતેલા દેવાયત બોદર ઉંઘમાંથી ઉભા થયા.

એ વખતે સૌરાષ્ટ્રમાં આહીરોનો દબદબો હતો. વાડાભેદ વગર સંપથી રહેતો આહીર સમાજ અનેક વાડા જેવા કે સોરઠીયા, મચ્છુયા, પ્રાથળિયા, પંચોળી, બોરીચા, વણાર, વાગડીયા, ચોરાડીયા જેવા વાડાઓમાં વહેંચાયેલો ન હતો. અરે આજના જેવા આહીરાના અભિશાપથી પણ પીડાતો ન હતો. વાડા વગરના સમસ્ત આહીર સમાજના આગેવાન ઓડીદર બોડીદરના દેવાયત બોદરના બોલે આહીરો મરવા કે મારવા તૈયાર રહેતા. નોધારાના આધાર દેવાયત બોદરના આંગણે ગાયોના ધણ, જાતવાન ભેંસુના વિશાળ ખાડુ સાથે તેની મોટા ખેડૂત તરીકે ગણના થતી હોય મુરલીધરની તેમના ઉપર મહેર જોવા મળતી.

દેવાયત બોદરે ટકોરા સાંભળી ઉભા થઈ ડેલાની ડોકીયા બારીમાંથી જોતા તેમણે ગોદમાં બાળક લઈ ચીંથરેહાલ કપડામાં ઉભેલી સ્ત્રીને જોતા તે મુંઝાયા હતા. કવેળાએ પોતાને આશરે નિરાધાર સ્ત્રીને ઉભેલી જોઈ દેવાયત આયરે ધીરે રહી ડેલો ખોલ્યો.

“કોણ… ?”

“કેમ, ભાઈ મને ન ઓળખી ?”

”અરે, વાલબાઈ વડારણ તમે ?” દેવાયત બોદરે અવાજ ઓળખી જતા કહ્યું.

“હા, ભાઈ આજ સોમલદેના બોલે નવઘણ માટે આશરો શોધતી તારે આંગણે આવી છું !”

”અરે, વાલબાઈ આવું કેમ બોલો છો ? શું દેવાયત આયર ઉપર ભરોસો નથી ?”

”ભરોસો ન હોત તો આવી ન હોત, રાણી સોમલદેની આખરી નિશાની સુપરત કરવા આવી છું !”

આમ કહી દેવાયત બોદરના હાથમાં નવઘણને મુકી દાસી વાલબાઈ ઉતાવળે પાછા ફર્યા.

“વાલબાઈ, અર્ધીરાતે નવઘણને એકલો મૂકી મારા આંગણેથી જતા રહો તો મને લાંછન લાગે !” આમ કહી દેવાયત બોદરે આડા ફરી વાલબાઈનો મારગ રોકી આગ્રહ કર્યો.
“દેવાયતભાઈ, લોહી તરસ્યો દુર્જનસેન જો મારે લઈ નવઘણને ઓળખી જાય તો નવી આફત આવી પડે એટલે મને મારા નસીબ ઉપર છોડી દ્યો !”

અને એ સાથે વાલબાઈ વડારણે રા’ દિયાસે કરેલા માથાના દાન સાથે રાણી સોમલદેએ નવઘણને બોડીદર પહોંચાડવાની જવાબદારી સોંપી સતી થયા. તેમજ પાટણસેનાએ આક્રમણ કરી રાજ પરિવારની કતલ વચ્ચે ભીમા ભંગીની અચાનક સહાય મળતા અનેક વિડંબણાઓ પાર કરી નવઘણને લઈ બોડીદર કેવી રીતે આવી પહોંચ્યા તેની માંડીને વાત કરી.

દેવાયત બોદરે દાસી વાલબાઈની વાત સાંભળી અત્યંત દુ:ખી થતા સોરઠના આખરી ચિરાગને હેતથી ઉંચકી આહીરાણીને સોંપ્યો. આહીરાણી સોનલઆઈએ ખોળામાં ધાવી રહેલ દીકરી જાહલને દૂર કરી ઉગા સાથે નવઘણને સ્તનપાન કરાવવા ગોદમાં લીધો.

સોનલઆઈને એ વખતે નવઘણની ઉંમરના જાહલ અને ઉગા નામના બે જોડીયા બાળકો હતા. દેવાયત બોદરે નવઘણને આશરો આપી જવાબદારી વધારતા તે સચેત થઈ ગયા. થોડા દિવસોમાં રા’ દિયાસની વાંજારાણી વેશ બદલી બોડીદર આવી પહોંચતા દેવાયત બોદર અને સોનલઆઈએ તેને સાવચેતીથી આવકારી હૈયાધારણ આપી હતી.

સોનલઆઈ અને દેવાયત બોદરે આશરા ધર્મ નિભાવતા નવઘણની ઓળખ છૂપાવવા સાથે સાત સાત ચંદરી ભેંસોના ગાળેલા દૂઘ પીવરાવવાનું શરૂ કર્યુ. એક ભેંસ દોહી તેનું દૂધ બીજી ભેંસને પીવરાવવામાં આવે અને બીજી ભેંસનું દૂધ ત્રીજી ભેંસને પીવરાવવામાં આવે એમ ક્રમશ સાતમી ભેંસનું ગાળેલું દૂધ નવઘણને પીવરાવતા તે રાત-દિવસ વધવા લાગ્યો.

દેવાયત બોદરના નોકર ચાકર અને સગા-વહાલા સાથે બહોળા પરિવારમાં નવઘણ ધીરેધીરે મોટો થઈ રહ્યો હતો. તો રા’ દિયાસની વાંજારાણીએ ઓળખ છુપાવી થોડા દિવસ બોડીદરમાં રહી નવઘણ સલામત જણાતા વાળાંકમાં આવેલ પિયરમાં જતા રહ્યા. આહીરાણી સોનલઆઈ નવઘણને માતા જશોદાની જેમ લાડકોડથી મોટો કરી રહ્યા હતા, આમ કરતા જોતજોતામાં છ-સાત વર્ષ પસાર થઈ ગયા.

દેવાયત બોદરને ત્યાં ઉગા અને જાહલ સાથે નવઘણ આનંદ-કિલ્લોલ કરતો મોટો થઈ રહ્યો હતો, એવું કહેવાય છે કે સુખના દિવસોની ઈર્ષા સૌથી પહેલા પોતાના હોય તેને આવે છે. દેવાયત બોદરની અનેક કોશીશ છતાં બોડીદરમાં નવઘણ ઉછરી રહ્યો હોવાની તેના વિરોધીઓને ખબર પડતા તેઓએ કાનાફુસી શરૂ કરી દીધી.

ખટપટીયાઓએ જૂનાગઢમાં દુર્લભસેન સોલંકીએ નિયુક્ત કરેલ થાણદાર સાજનસિંહને બોડીદરમાં દેવાયત બોદરને ત્યાં ઉછરી રહેલા નવઘણના સમાચાર પહોંચાડ્યા. થાણદાર સાજનસિંહ, દેવાયત બોદરની તાકાત અને આહીર સમાજ ઉપરનું વર્ચસ્વ સારી રીતે જાણતો. સાજનસિંહે ઉતાવળ ન કરતા વાતનો તાગ મેળવવા તે સેના સાથે બોડીદર પહોંચી ગયો. જૂનાગઢના થાણદારે બોડીદરના પાદરમાં પડાવ નાંખતા દેવાયત બોદર તેને સામેથી મળવા ગયા. દેવાયત બોદર મળવા આવતા સાજનસિંહે સૌની હાજરીમાં પ્રશ્ન પુછ્યો.

“દેવાયત આયર મેં સાંભળ્યું છે કે તમે પાટણના દુશ્મનને ઉછેરી રહ્યા છો ?”

દેવાયત બોદર વિચક્ષણ પુરુષ હતા, નવઘણ અંગે ફેલાયેલી અફવાથી તેઓ માહિતગાર હોય વિશાળસેના સાથે આવેલા સાજનસિંહની ચાલ તરત સમજી જતા હસતા હસતા જવાબ આપ્યો.

“નામદાર, પાટણના દુશ્મનને ઉછેરી રહ્યો નથી પણ કેદી તરીકે રાખ્યો છે, બસ વખત આવ્યે મારા હાથે ગુર્જરનરેશને સુપરત કરવાનો હતો !”

“હં, તો એમ વાત છે આયર એક કામ કરો, રા’ દિયાસના પુત્ર નવઘણને તાત્કાલીક રજૂ કરો !”

“જેવો નામદારનો હુકમ, હમણાં જ નવઘણને લઈ આવું !”

“દેવાયત આયર, તમારે જવાની જરૂર નથી, માણસ સાથે નવઘણને બોલાવી લ્યો !” દેવાયત બોદરને છુટા મુકવામાં જોખમ લાગતા સાજનસિંહે કહ્યું. થાણદારનો આદેશ માથે ચડાવતા દેવાયત બોદરે પોતાના માણસને નજીક બોલાવી સૌ સાંભળે તેમ આહીરાણી સોનલઆઈને સંદેશો મોકલાવ્યો.

“આયરાણીને કહો કે તાત્કાલીક નવઘણને મોકલે રા’ રાખીને !”

પાછળના બે બોલ ધીમેથી બોલતા સંદેશવાહક દેવાયત બોદરના ઘેર પહોંચ્યો.

દેવાયત બોદરના ઘેર જઈ સંદેશવાહકે શબ્દસહ સંદેશો કહી સંભળાવ્યો, ‘આયરાણીને કહો કે તાત્કાલીક નવઘણને મોકલે રા’ રાખીને !’ આહીરાણી સંદેશાનો મર્મ તરત સમજી જતા તેણે પોતાના દીકરા ઉગાને નવઘણ ઉપર આવી પડેલ સંકટની વાત કરી.

“મા, તું ચિંતા ન કર મારા બાપુએ રા’ રાખી નવઘણને મોકલવાની વાત કરી એમાં મુંઝાય છે કેમ ?”

”ઉગા, તું નાનો છે એટલે નહીં સમજે, મારે રાજધર્મ અને માતૃધર્મમાંથી એકની પસંદગી કરવાની છે !”

“મા, નાનો પણ યદુવંશી છું એટલે રાજધર્મનું મહત્વ સમજું છું !”

”ઉગા, હું તારી મા છું મારી પીડા નહીં સમજે ?”

”ના, મા એવું ન બોલ તારી પીડા ઉગા સિવાય બીજુ કોણ સમજશે ? તું ઝટ કર નવઘણને ખબર પડશે તો મારા પહેલા તે પહોંચી જશે !”

ઉગાના નાના મોઢે મોટી વાત સાંભળી સોનલઆઈની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.

“અરે, મા ઉગા જેવો દીકરો હોય પછી તારે રડવાનું હોય ?”

”દીકરા, તારી વાત સાંભળી આંખમાં આંસુ રોકી ન શકી !”

“મા, વચન આપ કે નવઘણને જયાં સુધી તેનો હક ન મળે ત્યાં સુધી તારી આંખમાં આંસુ આવવા નહીં દે !”

”ભલે, દીકરા આજ તને વચન આપું છું !”

સોનલઆઈએ વચન આપતા દીકરા ઉગાને સુંદર પોષાક પહેરાવી તેને ભાવતા ભોજન જમાડી સાજનસિંહની છાવણીમાં મોકલ્યો. સિપાહીઓ બાળકને લાવતા તે નવઘણ જ છે કે કેમ ? તેવી ખટપટીયાઓએ શંકા કરતા સાજનસિંહે દેવાયત બોદરને પુછ્યું.

“દેવાયત આયર આ નવઘણ છે કે ઉગો ?”

”નામદાર, આમ કેમ બોલો છો ? પારકા માટે પોતાના દીકરાનો કોઈ ભોગ આપે, ખરા ?” દેવાયત બોદરની વાત સાંભળી એક ખટપટીયાઓએ સોલંકી થાણદારને કહ્યું.

“થાણેદારજી, જો આ ઉગો હશે તો દેવાયત બોદર તેને પોતાના હાથે મારશે નહીં, અને જો મારશે તોય તેનો હાથ ધ્રુજતા સાચા-ખોટાની પરખ થઈ જશે !”

ખટપટીયાની વાત થાણદારને વ્યાજબી લાગતા તેણે દેવાયત બોદરને કહ્યું.

”દેવાયત બોદર, તમારી વાત સાચી હોય તો નવઘણને તમારા હાથે જ મારી નાંખો !”

”નામદાર, નવઘણ મારે ત્યાં મોટો થયો અને મારે હાથે …?”

”કેમ ? દેવાયત બોદર ગુર્જરપતિના દુશ્મન ઉપર દયા આવે છે કે … ?”

“ના ના થાણદારજી દયા કેવી ?”

આમ કહેતા દેવાયત બોદરે પળનોય વિલંબ કર્યા વગર મ્યાનમાંથી તલવાર કાઢતા બાપ-દીકરાની આંખ પલક ઝબકારા જેમ મળી. એ સાથે ઉગાએ રાજધર્મ નીભાવવા આંખથી ઈશારો કરતા દેવાયત બોદરે મન મજબૂત કરતા ઉગાની ખુમારી જોઈ ગૌરવની લાગણી અનુભવી. અને પળનોય વિલંબ કર્યા વગર હૈયું કઠોર કરી તલવારના એક ઝાટકે સગા દીકરા ઉગાનું માથું ધડથી જુદું કરી નાંખ્યું.

“નામદાર, આ દેવાયત બોદર કઠણ કાળજાનો છે; તેનો હાથ સગા દીકરાનેય મારતા ધ્રુજે નહીં તેવો કઠોર છે, તેથી જો આહીરાણીનું પણ પારખું લેવામાં આવે તો ઉગો છે કે નવઘણ તેની ખાત્રી થઈ જાય !”

“હા, એ વાત સાચી; બોલાવો આહીરાણીને !”

થાણેદાર સાજનસિંહનો આદેશ થતા આહીરાણી સોનલઆઈને બોલાવવા સિપાઈઓને દોડાવ્યા. સિપાઈઓ સાથે સોનલઆઈએ છાવણીમાં પગ મૂકતા તેમણે દીકરા ઉગાનું ધડ અને માથું જમીન ઉપર પડેલા જોતા દિલ થડકો ચૂકી ગયું. પરંતુ પળનોય વિલંબ કર્યા વગર લાગણીઓ ઉપર કાબુ મેળવી તેઓ પતિ દેવાયત બોદર પાસે જઈ ઊભા રહ્યા.

“આહીરાણી, લોકો કહે છે કે તમે નવઘણની જગ્યાએ તમારા દીકરા ઉગાને મોકલ્યો છે ?” ”નામદાર, પારકા જણ્યા માટે કોઈ મા પોતાના સંતાનને મરવા મોકલે એવું ક્યાંય સાંભળ્યું છે, ખરૂં ?”

થાણદાર સાજનસિંહ વિચારમાં પડી ગયો પણ ખટપટીયાઓએ મમરો મૂક્યો.

“નામદાર, જો નવઘણ જ હોય તો તેની આંખો ઉપર સોનલબાઈને ચાલવાનું કહો તો ખાત્રી થઈ જાય કે ઉગો હતો કે નવઘણ ?!”

“આહીરાણી, પાટણના દુશ્મનની આંખો ઉપર ચાલવામાં તમને કંઈ વાંધો છે ?”

“નામદાર કંઈ વાંધો નથી !”

થાણદારનો હુકમ થતા જ સાત વર્ષના ઉગા બોદરના છુટા પડેલા માથામાંથી ક્રુરતાપૂર્વક આંખો કાઢી અસંખ્ય લોકોની હાજરીમાં સોનલઆઈના પગ આગળ મૂકવામાં આવી. સાજનસિંહ સાથે સૌ સોનલઆઈ આંખો ઉપર ચાલે છે કે કેમ ? તે ઉત્સુકતા સાથે આતુરતાપૂર્વક જોવા લાગ્યા. સાજનસિંહનો હુકમ થતા આહીરાણી સોનલઆઈએ થાણેદારની શંકા દૂર કરવા મોઢા પર રાખેલો લાજનો ઘુમટો હટાવતા દેવાયત બોદરે તેના ખંભા ઉપર હાથ મૂક્યો.

સોનલઆઈએ કાળજુ કઠણ કરી ઉગાને આપેલ વચન નીભાવતા લોહીના આંસુ આંખમાં જ સમાવી મલકાતા મોઢે પતિને ધરપત આપી. હસતા હસતા પોતાનો જમણો પગ ઉગાની આંખ ઉપર મૂકી ડાબો પગ ઉપાડી આગળ વધતા બીજી આંખ ઉપર મૂક્યો હતો. એ જોઈ સાજનસિંહની સર્વ શંકાઓનું સમાધાન થઈ ગયું. સાજનસિંહે ખટપટીયાઓને આકરી સજા કરી દેવાયત બોદરની પાટણ પ્રત્યેની વફાદારીને બીરદાવતા જૂનાગઢ પાછો ફર્યો.

દેવાયત બોદર ઉગાના બલિદાનથી હચમચી ગયા, આ શું થવા બેઠું છે ? નવઘણને તેનો હક્ક કેવી રીતે અપાવીશ ? એમ વિચારતા સોનલઆઈ સાથે ઘેર પાછા ફર્યા ત્યારે અંધારું થઈ ગયું હતું. ઘર આવતા જ તેઓ ઓશરીની પડથારે માળા લઈ ખોડીયારમાનું સ્મરણ કરવા બેસી ગયા, ત્યારે સોનલઆઈ ગુમસુમ ઘરમાં જતા રહ્યા હતા. ખોડીયારમાની માળા ફેરવી રહેલા દેવાયત બોદરને સમયનું ભાન ન રહેતા રાતનો ત્રીજો પ્રહર શરૂ થઈ ગયો હતો. જગત જંપી ગયું હતું, પશુ-પંખી, જીવ-જંતુઓ સાથે માનવ તેના ઉધામા મૂકી નિંદ્રાને આધિન થયેલા હોય ચારેબાજુ નિરવ શાંતિ પથરાયેલી હતી.

પરંતુ દેવાયત બોદર પોતાના એકના એક દીકરાના બલીદાનથી મનમાં ઉદભવેલા વમળોને શાંત કરવા આઈશ્રી ખોડીયાર માતાજીને અશ્રુભીની આંખે વિનવી રહ્યા હતા. મા જગદંબા સ્વરૂપ ખોડીયાર માતાજીની માળા ફેરવી રહેલા દેવાયત બોદરે અચાનક ઝળાહળા થતો દિવ્ય પ્રકાશ જોતા પોતાના શરીરમાં રોમાંચની લાગણી અનુભવી. દિવ્ય પ્રકાશમાંથી ધીરેધીરે એક આકૃત્તિ આકાર લેવા લાગતા તેમની સામે અષ્ટ ભૂજાઓ સાથે હાથમાં ખગ, ખેટક, ત્રિશૂળ, શંખ, ચક્ર, ધનુષ્ય, ઢાલ, ગદાથી શોભતા આઈશ્રી ખોડીયારમા પ્રગટ થયા.

”બાપ, દેવાયત મુંઝાય છે કેમ ?”

”મા, તારાથી શું અજાણ્યું છે ?”

”દેવાયત, ઉગાનું બલીદાન આપી તું અમર થઈ ગયો એમાં મુંઝાવાનું ન હોય !”

”મા, મુંઝવણનું કારણ તું જાણે છે, નવઘણને ગાદીએ બેસાડી શકું તેટલું ધન મારી પાસે નથી !”

“દેવાયત, ચિંતા ન કર હું તારી સાથે છું, સવારે ખેતરમાં જઈ હળ જોડજે તારી ચિંતા દૂર થશે !”

એ સાથે દેવાયત બોદરે જમીન ઉપર લાંબા થઈ દંડવત પ્રણામ કરતા ખોડીયાર માતાજી આશીર્વાદ આપી અદ્રશ્ય થઈ ગયા.

બીજા દિવસે દેવાયત બોદરે ઉગતા પહોરે ખેતરમાં હળ જોડી બે હળાયા ભરી ત્રીજા હળાયાની ઉથલ મારતા હળની કોશમાં કંઈક ભરાતા બળદો ઉભા રહી ગયા. બળદોને ઉભા રહેલા જોઈ દેવાયત બોદરે કોશમાં ભરાયેલ માટીનું મોટું ઢેફું હટાવી નીચે વળીને જોતા સોનામહોરોથી છલોછલ ભરેલો ચરુ જોયો. દેવાયત બોદરે ધીમેથી ચરુને બહાર કાઢતા એક પછી એક એવા અનેક ચરુઓ જર-ઝવેરાત અને સોનામહોરોથી ભરેલા મળી આવ્યા હતા.

ખોડીયારમાના આશીર્વાદથી દેવાયત બોદરની ધનની ચિંતા દૂર થઈ જતા નવઘણને શાસક તરીકે તૈયાર કરવાનો દ્રઢ સંકલ્પ કરી થોડો સમય શાંતિથી પસાર કર્યો. દેવાયત બોદરે વાતાવરણ શાંત થતા પૂરતી તૈયારી સાથે આહીરોના કામળીભાઈ ગણાતા ભરવાડો ભેગો નવઘણને પ્રભાસ-પાટણ બંદરથી વહાણમાં બેસાડી ભરૂચ મોકલી આપ્યો. નવઘણને ભરૂચ મોકલવા સાથે રા’ દિયાસના વાંજારાણીને પણ નવઘણની સંભાળ રાખવા ભરવાડણના વેશમાં ભરૂચ મોકલી આપ્યા.

દેવાયત બોદરે ભરૂચમાં નવઘણને એક શાસક તરીકે જરૂરી તમામ તાલીમ મળી રહે તેવી ઉત્તમ વ્યવસ્થા ગોઠવી આપી. જોકે રાઠોડ વંશનો ભરૂચનો રાજા પદ્મનાભ દેવાયત બોદરનો મિત્ર હોવા છતાં તેને પણ પોતાની ગુપ્ત યોજનાની જાણ થવા દીધી ન હતી.

ભરૂચમાં નર્મદા કિનારે આવેલા ભરવાડ નેસમાં મોટા થઈ રહેલા નવઘણને દેવાયત બોદરે યુદ્ધકળા સાથે એક શાસક તરીકે પારંગત કરવામાં કોઈ કચાશ છોડી ન હતી. નવઘણ મોટો થતા તેના પ્રતાપી પૂર્વજોનું લોહી તેની નસોમાં ઉછળવા માંડ્યું. નવઘણે તન, મન અને ધનથી પોતાના સમવયસ્કોમાં હાક વગાડતા તેના શૌર્યની વાતો ભરૂચના રાજા પદ્મનાભના કાન સુધી પહોંચેલી. નવઘણની વાતો સાંભળી પ્રભાવિત થયેલા રાજા પદ્મનાભે તેને રૂબરૂ બોલાવીને પૂછપરછ કરતા તેને નવઘણમાં ખાનદાની સાથે ખમીર જોવા મળતા રાજી થયો. રાજા પદ્મનાભે પોતાના કુંવર માટે એક સારો મિત્ર બની રહે તેવા સર્વ ગુણ નવઘણમાં જોયા. નવઘણમાં રહેલ પ્રતિભાને પારખી રાજાએ ભરૂચના કુંવરની તાલીમ સાથે તેની તાલીમની વ્યવસ્થા ગોઠવી આપવાના આદેશ કર્યા.

એક દિવસ ભરૂચનો કુંવર અને નવઘણ પોતાના મિત્રો સાથે ગેડી-દડાની રમત રમી રહ્યા હતા, ત્યારે કુંવર અને નવઘણ વચ્ચે રમત રમતમાં હોડ જામી. ભરૂચના કુંવરે શરત મૂકી જો નવઘણ દુર્ગની બહાર આવેલ ખાઈમાંથી ધૂળની ઢગલી ઉપર દડો રાખી એક ઘાએ દડો દૂર્ગને કૂદાવી દે તો પોતાની બહેન ભરૂચની રાજકુંવરીને તેની સાથે પરણાવશે. ત્યારે નવઘણે દુર્ગને દડો કુદાવવામાં પોતે નિષ્ફળ જશે તો પોતાનું માથું હોડમાં મુક્યું. ભરૂચના રાજકુંવર અને ભરવાડોના નેહડામાં રહેતા નવઘણ સાથે લાગેલી હોડની વાત રાજમહેલ સુધી પહોંચતા રાજા પદ્મનાભે બંનેને બોલાવી આવી આકરી શરતો સાથે રમત ન રમવા સમજાવ્યા, પરંતુ બંનેમાંથી એકેય પોતાની વાત મૂકવા તૈયાર ન હોય બીજા દિવસે સવારે રમતની જાહેરાત કરી.

ભરૂચના ઉંચા કિલ્લાની બહાર આવેલી ખાઈમાંથી એક ઘા-એ દડાને ભરૂચ દુર્ગને કુદાવી દેવાના રાજકુમારના પડકારને નવઘણે સ્વીકારતા સૌ ચિંતામાં મુકાયા. નવઘણે માથું હોડમાં મૂકતા તેના હિતેચ્છુઓને આ શરત આકરી લાગતા સૌએ નવઘણને સમજાવ્યો, પરંતુ નવઘણે પારોઠના પગલાં ભરવાની ના પાડતા વાંજારાણીને ચિંતા થવા લાગી.

“નવઘણ, આ રમત બંધ ન રાખી શકાય ?” રાણીમાએ નવઘણને બોલાવી વાત કરી.

”મા, દેવાયતબાપાએ મને પારોઠના પગલા ભરવાનું ક્યાં શિખવ્યું છે ?”

”હા, નવઘણ તારી વાત તો સાચી છે, પણ…..”

“મા, ખોડીયારમાની આપણા ઉપર અપાર કૃપા છે, પછી પણ… ન હોય ! ?”

“હા, દીકરા ખોડીયારમાના તારી ઉપર ચારેય હાથ છે, માતાજી જરૂરથી બેડો પાર કરશે !”

નવઘણે તેની માતા(વાંજારાણી)ને હૈયાધારણ આપી ખોડીયાર માતાજી ઉપર શ્રદ્ધા રાખવાનું સમજાવી પથારીમાં લંબાવ્યું હતું. ખોડીયારમાનું નામ સ્મરણ કરતા કરતા નવઘણની આંખ મળી ગઈ.

“બાપ, નવઘણ સૂતો છો કે જાગે છે ?”

આઈશ્રી ખોડીયાર માતાજીએ સ્વપ્નમાં આવી દર્શન આપતા કહ્યું.

”હે જગતજનની ખોડીયારમા તારા દર્શન થતા હું ધન્ય થઈ ગયો, મા આજ્ઞા કરો હું જાગું છું !” અર્ધનિંદ્રામાં સુતેલા નવઘણે હાથ જોડી કહ્યું.

”નવઘણ, ચિંતા ન કર મારા આશીર્વાદ તારી સાથે છે !”

”હે, મા તારા ભરોસે તો આ પડકાર ઝીલ્યો છે, બસ તું આગળ રહેજે !”

”નવઘણ, સવારના ચડતા પહોરે દુર્ગના કાંગરે હંસ બેસે, ત્યારે ગેડીનો ઘા કરજે જરૂર તારી જીત થશે !” આટલું કહેતા ખોડીયારમા અદ્રશ્ય થઈ ગયા.

અને એ સાથે ખોડીયારમા, ખોડીયારમા, ખોડીયારમા કરતો નવઘણ પથારીમાંથી બેઠો થઈ ગયો.

બીજા દિવસે સવારના પહોરમાં દુર્ગની બહાર ગેડી-દડાની રમત જોવા હજારો લોકો ભેગા થઈ ગયા. રમતનો સમય થતા રાજા પદ્મનાભની સવારી આવી પહોંચતા રમતની શરૂઆતનું બ્યુગલ વાગ્યું. નવઘણે બ્યુગલ સાંભળતા જ ખોડીયારમાનું સ્મરણ કરતા તેણે દૂરથી ઉડીને આવતા હંસને આકાશમાં જોયા.

દૂરથી ઉડીને આવતા હંસોને દુર્ગના કાંગરે બેસતા જોઈ નવઘણે ધૂળની ઢગલી ઉપર દડાને મૂકી ગેડીથી લાગ લીધો. અને નવઘણે લાગ લઈ દડા ઉપર ગેડીનો ઘા કરતા દડો હવામાં ઉછળતો દુર્ગના કાંગરા તરફ આગળ વધ્યો. ખાઈમાંથી દુર્ગના કાંગરા ખૂબજ ઉંચાઈ ધરાવતા હોય દડો કાંગરા તરફ ઉંચો ચડતા તેની ગતિ ધીમી પડી. દડાની ગતિ ધીમી પડી એ દરમિયાન દુર્ગના ગોખલામાં બેઠેલા એક કબુતરે ઉડતા ઉડતા દડાની નજીક જઈ પોતાની એક પાંખ દડાને અડાડતા દડો તેજ ગતિએ દુર્ગ કૂદી ભરૂચની બજારમાં પડ્યો.

અનેકરૂપે અવતરી ભોમ ઉતારણ ભાર;
આવી શક્તિ ઇશ્વરી, ખમકારી ખોડીયાર.

જગત જનેતા આપ છો, દયાળુને દાતાર;
ભવસાગર થકી તરવા, ખોડલ એક આધાર.

નવખંડમાં નેજા ફરકે, દશે દિશાએ તારાં નામ;
ભક્તો તણી પ્રતિપાલ છે, તું ખમકારી ખોડીયાર.

ગળધરે પ્રથમ વાસ કર્યો, પ્રગટ્યા શક્તિ અવતાર;
દર્શન દીધાં રા’ નવઘણને ખમકારી ખોડીયાર.

રા’ નો રાખનારો વીરપુરૂષ દેવાયત બોદર…..લેખક : જયંતિભાઈ આહીર

આના પછીની માહિતી જાણવા માંગતા મિત્રો નીચે કમેન્ટ કરજો જો વધારે લોકો જાણવા માંગતા હશે તો આગળ નો ભાગ – 3 મુકવામાં આવશે.

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– વીર માંગડાવાળો – ભૂત રૂવે ભેંકાર…

– મેપા મોભની ઉદારતા ની વાત

– કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા

– રાખડી નુ ઋણ – ભાણ પટગીર

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!