સૌરાષ્ટ્રની સાગરસંસ્કૃતિના વારસદાર ખારવા – વહાણવટીઓ

ગુજરાતને કુદરતે છૂટાહાથે ડુંગર, દરિયો અને રણની અપાર સમૃદ્ધિ આપી છે. સોહામણા સૌરાષ્ટ્રને સાંપડયો છે ૧૬૦૦ કિ.મિ. લાંબો સાગરકિનારો. સૌરાષ્ટ્રની સંસ્કૃતિના મહત્ત્વના ચાર સ્થંભો સાગરસંસ્કૃતિ, ગોપસંસ્કૃતિ, કૃષિસંસ્કૃતિ અને લોકસંસ્કૃતિ. ઉ.ગુજરાતમાં અરવલ્લીની ડુંગરમાળથી માંડીને દ.ગુજરાતના પટ્ટામાં બીજી આદિવાસી પણ સંસ્કૃતિ પાંગરી છે. આજે વાત માંડવી છે સાગરસંસ્કૃતિ અને સાગરના ખોળે ખેલનારા સાગરબાળો ખારવાઓની.

આપણે ત્યાં ખારવા, કોળી, માછી, પઢારો, માંગેલા, ઢીમર વગેરે જાતિના સાગરખેડુઓ સૌરાષ્ટ્રની સાગર સંસ્કૃતિના વારસદારો ગણાય છે. ગુજરાતમાં આર્યોના આગમન પૂર્વે ભીલ, કોળી, આભીર, પણિઓ, અસુર, નાગજાતિના લોકો અને હાલના દ્રવિડોના પૂર્વજો વસતા હતા. નાગજાતિ અસૂરોની પેટા જાતિ હતી. તેમના હાથમાં અસુરોનું વહાણવટું હતું. આમ આદિ દ્રવિડો કોળી, પણિ, નાગ વગેરે મૂળ વહાણવટીઓ હતા. આર્યો ભારતમાં આવ્યા ત્યારે દ્રમિળહકો અને પાણિઓ પાસેથી વહાણવટું શીખ્યા હતા.

શ્રી ચંદ્રશંકર બૂચ લખે છે કે વૈદિકકાળમાં વહાણવટીઓ દ્વિજવર્ણના રહેતા. ગુપ્તકાળ બાદ રાજપૂતોએ વહાણવટીઓનો વ્યવસાય સ્વીકાર્યો હોય એમ જણાય છે. શ્રી બૂચ તેમની રંગીન શૈલીમાં લખે છે કે ‘જે કાળે રાજપૂતીની જ્યોત સરજમીન પર મ્લાન બની ગઇ હતી તે વખતે જાણે જમીન પર ગૂંગળાઇ ગયા હોય તેમ રાણીજાયા જવાનોએ હજારોની સંખ્યામાં દરિયાલાલના ખોળાનો આશ્રય લીધો અને આ બૂઝાતી જ્યોતિને પુનઃ પ્રજ્વલ્લિત કરી દીધી. જમીન પર ઝંખવાયેલી રાજપૂતી સાગર ઉપર એક હાથમાં સુકાન અને એક હાથમાં ખાંડું (તરવાર) લઇ રંગ મહાલવા લાગી. હજાર જેટલા રાજપૂત બેડાઓ (વહાણો) ચક્કર મારી રહ્યા હતા.

ગુજરાત સર્વસંગ્રહ અનુસાર ખલાસી તળ ગુજરાતના તથા કાઠિયાવાડના જૂનાકાળથી વખણાતા આવ્યા છે. અણહિલવાડના રાજાઓ ખંભાતના ખારવાની કીર્તિ બોલ્યા છે. રાજ્યનો બંદોબસ્ત નહોતો તેવા વખતમાં વહાણખેડુઓ ચાંચિયાનું કામ કરતા. તેમાં કાઠિયાવાડના દક્ષિણકાંઠાના કોળીઓ અને કચ્છના અખાત અને દ્વારકા – પોરંબદરની પડોશના દરિયામાં વાઘેર, મિયાણા ને સંક્ષર હતા. પાછળથી મુસલમાન ખરવાઓ પણ ભળ્યા. રાસમાળામાં ઘોઘાના ખારવાની વિશ્વાસનીયતા અને કુશળતાનો ઉલ્લેખ છે. તેઓ મોટે ભાગે અંગ્રેજોના વહાણોમાં નોકરી કરતા.

સૌરાષ્ટ્રના સાગરખેડૂઓમાં મુખ્ય ખારવાઓ છે. આ ખારવાઓના વસવાટના ઘણાં ગામો છે પણ તેમાં મુખ્ય પોરબંદર, વેરાવળ, માંગરોળ, દીવ, માંડવી, સલાયા, મુદ્રા, ઓખાબેટ, દ્વારકા, આરંભડા, પોશીત્રા, ગોરીઆળી ઈત્યાદિ મુખ્ય બાર ગામો ગણાય છે. સૌરાષ્ટ્રના હિંદુ ખારવામાં મૂળ રાજપૂતોની સોલંકી, સોઢા, ચૌહાણ, ઝાલા, જેઠવા, પરમાર, ગોહિલ, રાઠોડ, ચાવડા, ચુડાસમાં વગેરે અટકો જોવા મળે છે. વેરાવળ, માંગરોળ અને પોરબંદરના ખારવાની આંટી સારી ગણાય છે. આ ખારવાઓ ઉપરાંત કોળી ખારવાઓ ભાવનગર, તળાજા, મહુવા, વિકટર, જાફરાબાદ, ભરુચ, સૂરત અને વલસાડ જિલ્લાઓમાં વસવાટ કરે છે. ગામ કે પંથકના નામ પરથી તેમની તળાજિયા, શિયાળ, ઘોઘારી, સોરઠિયા એવી અટકો પડેલી છે. સુરત અને વલસાડ જિલ્લામાં માછી અને માંગેલા કંઠારપ્રદેશમાં વહાણવટું ખેડે છે. વાઘેરોની વસ્તી ઓખામંડળ સહિત જામનગર જિલ્લામાં જોવા મળે છે. તેઓ રાજપૂતો જેવા બહાદુર, સશક્ત અને ઝનૂની છે. તેઓ જૂના કાળે ચાંચિયા તરીકે પણ જાણીતા હતા. કચ્છમાં માંડવી અને મુંદ્રામાં તેમની વસ્તી વિશેષરૂપે જોવા મળે છે.

સાગરકાંઠાના મુસલમાન ખારવાઓ ભાડેલા અને વાઢેર તરીકે ઓળખાય છે. ભાડેલાની વસતી દીવ, બેટદ્વારકા, જાફરાબાદ, મંડવી અને જામનગર જિલ્લામાં વિશેષ જોવા મળે છે. મૂળ તેઓ અરબસ્તાનમાંથી ભારતમાં આવેલા અને વાઘેર અને બીજા ખારવાઓએ મુસલમાન ધર્મ સ્વીકારતા તેઓ તેમની સાથે ભળી ગયા. વાઘેરમાંથી ઊતરી આવેલા ભાડેલાઓનો બાંધો મજબૂત હોય છે અને દેખાવે તેઓ રૃડારૃપાળા હોય છે. મુસલમાન ખારવાઓની કાબાવતિયા તરીકે ઓળખાતી બીજી એક પેટા જ્ઞાતિ છે. ઘોઘાના મુસ્લિમ ખારવાઓ પોતાને કસ્બાતી કહેવરાવે છે. તેઓ મૂળ મહમંદ તઘલખના સમયમાં ઘોઘા આવીને વસ્યા હતા અને મૂળે પઠાણ હશે ! રાંદેરના શિયા મુસલમાન ખારવાઓ ભાડેલાની જેમ ચીન-આફ્રિકાના દેશો અને ઈંગ્લેન્ડની ખેપો કરે છે. ભરૃચના ખારવાઓ મોટા તરીકે ઓળખાય છે. રાંદેરના ખારવાઓ મૂળે આરબ જાતિના હોવાનું મનાય છે. કચ્છમાં સંઘાર કોમના મુસ્લિમ ખારવાઓ છે. તેમની વસ્તી અન્યત્ર જામનગર જિલ્લામાં જોવા મળે છે. નવમા સૈકાથી તેરમા સૈકા સુધી અને ત્યારબાદ સત્તરમા અને અઢારમા સૈકામાં સંગાનિયન ચાંચિયા તરીકે તેઓ જાણીતા હતા. કચ્છ અને જામનગર જિલ્લામાં કેટલાક મિયાણા કોમના માણસો અગાઉ વહાણવટું ખેડતા હતા પણ હાલમાં તેમની સંખ્યા બહુ ઓછી રહી છે.

સને ૧૯૫૮માં થયેલી વસ્તી ગણતરી મુજબ સૌરાષ્ટ્રમાં ખારવાઓની કુલ વસ્તી ૩૫૦૦૦ જેટલી જણાવાઇ છે. તેમાંના ૧૦,૦૦૦ તો પોરબંદર પંથકમાં જ હતા. તેઓ દેશી વહાણો અને આગબોટોમાં ખલાસી તરીકે નોકરી કરે છે. તેમાંના કેટલાક પોતાની માલિકીનાં વહાણો પણ ધરાવતા હતા. તેઓ મલબાર, કોકણ, કચ્છ, કાઠિયાવાડ, ઈરાની અખાત અને રાતા સમુદ્રના બંદરોની ખેપ કરતા. વેરાવળ વણાકબારા અને માંગરોળ તરફના કેટલાંક ખારવા કુટુંબો મત્સ્યઉદ્યોગમાં પણ પડેલાં છે. ઓખા મંડળમાં કેટલાક ખારવા કુટુંબો દરજીકામ, રંગારાનું કામ અને ખેતીકામ પણ કરે છે. પોરબંદરના ખારવાઓ કરતાં વેરાવળ, જાફરાબાદના ખારવાઓની આર્થિક સ્થિતિ સારી ગણાય છે. ઓખામંડળના ખારવાઓ આર્થિક અને સામાજિક રીતે થોડા પછાત છે. સૂરત, વલસાડ, અમરેલી અને જામનગર જિલ્લાના ખારવાઓ પૈકી કેટલાક મત્સ્યઉદ્યોગ અને ભૂતકાળમાં દાણચોરીને કારણે સમૃધ્ધ થયા હોવાનું કહેવાય છે. સામાન્ય રીતે આ કોમનું ગરીબી અને અજ્ઞાાનતાને કારણે શોષણ ઘણું થાય છે. ખારવા કોમની સ્ત્રીઓ નવરાશની વેળાએ બંદર ઉપર મજૂરીકામ કરવા જાય છે. તેઓ સીંદરી વણવાનું, માછલી પકડવાની જાળ ગૂંથવાનું અને છાણાં લાકડાં વીણવાનું કામ કરીને દિવસ પસાર કરે છે. ખારવાઓની સંસ્કૃતિ પર ઝાઝું સંશોધનકામ થયું નથી. ભાષાશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓ માટે આ કામનો મોટો અવકાશ છે.

ખારવા પુરુષોનો અસલી પોશાક જુઓ તો માથે ફાળિયું, અંગમાથે અંગરખાં, સુરવાળ અને ચોરણી પહેરે છે ને કમરે ભેટ બાંધે છે. હાલમાં એમાં જમાનાની અસર થતાં તેઓ, લેંઘો, પહેરણ, બુશશર્ટ, કોટ, પાટલૂન વગેરે પહેરે છે. દરિયાની ખેપે જાય ત્યારે સાદાં અને જૂનાં કપડાં પહેરે છે. બંદરના કિનારે ઉતરતા પહેલાં સારાં કપડાં પહેરી લે છે. ખારવણોનો પોશાક જોઇએ તો તેઓ ઘેરદાર ઘાઘરા, પોલકાં અને માથે ઓઢણાં ઓઢે છે. આજે તેમનાય પહેરવેશમાંથી કાપડું સાવ અદ્રશ્ય થઇ ગયું છે. ઘરેણાંમાં તેઓ હાથમાં બંગડીઓ, કાનમાં કર્ણફૂલ, નાકમાં ચૂંક, પગમાં રૃપાના છડાં, બાવડા પર કડું, ગળામાં ડોકિયું અને સોનારૂપાની હાંસડી કે દોરો અને હાથમાં બલોયાં કે ચૂડલા પહેરે છે. જૂના કાળે સ્ત્રીઓ ગળામાં રામનોમી, કાનમાં ઠોળિયાં અને કેડયે કંદોરો ધારણ કરતી. આજે આર્થિક સ્થિતિ સુધરતાં તેઓ રૃપાને બદલે શક્તિ મુજબ સોનાના ઘરેણાં પહેરતી થઇ છે.

આજે ગુજરાતી ભાષાના તળપદા શબ્દો કાળની ગર્તામાં વિલીન થઇ રહ્યા છે ત્યારે મજાની વાત તો એ છે કે સૌરાષ્ટ્રની ખારવાઓની બોલીમાં સ્થાનિક બોલીઓ ઉપરાંત એશિયા અને યુરોપની ભાષાના ઘણા શબ્દો દાખલ થયેલા જોવા મળે છે. એમ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા નોંધે છે. સાગરસંસ્કૃતિના અભ્યાસી સંશોધક શ્રી શિવપ્રસાદ રાજગોર નોંધે છે કે ખારવાઓની ભાષા ઉપર કચ્છીબોલીની થોડી અસર વરતાય છે. તેના બોલવાનો લહેકો કચ્છી ઢબનો હોય છે. ઓખામંડળના વાઘેર ખારવાઓ કચ્છી ભાષાનો ઉપયોગ કરે છે. મિયાણા ખારવાઓ કચ્છી ઉપરાંત મારવાડી શબ્દોનો ઉપયોગ કરે છે.

હિંદુ ખારવાઓ સોમનાથ અને રણછોડરાયને ઈષ્ટદેવ તરીકે પૂજે છે. તેઓ રામ, કૃષ્ણ અને રામદેવજી પીરને પણ ભજે છે. કેટલાક શિવપંથી પણ છે. શક્તિપૂજામાં તેઓ ખોડિયાર, ચામુંડા, રાંદલ વગેરે દેવીઓને માને છે. પોરબંદરમાં તેમનું ભૈરવનાથનું મંદિર છે. માંગરોળ તરફના ખારવાઓમાં ક્ષેત્રદેવતા નાગની પૂજા પ્રચલિત છે. શાક્તપંથીઓની દેવીઓના જુદા જુદા ભૂવાઓ હોય છે. સ્થાનિક પીર-પીરાણાંની માનતા બાધા પણ કરે છે. શિયાળા તરફના ખારવાઓ અબુપીર અને સવાઇપીરને પણ પૂજે છે. એકંદરે દરિયા સાથે જોડાયેલા તેમના જીવનને કારણે તેઓ વિશેષ વહેમી અને શ્રદ્ધાળુ પણ છે. અજ્ઞાનતાને કારણ ભૂતપ્રેત ચરિતર વગેરેમાં પણ માને છે. માંગરોળ પાસે કોઇવાર વર્ષો પૂર્વે ડૂબી ગયેલી હાજીકાસમની વીજળી આગબોટ ચરિતરરૂપે દેખાયાનું પણ તેઓ કહે છે. ઉત્સવોમાં કાળી ચૌદશ હનુમાન ગણેશ અને કુળદેવીઓની પણ પૂજા કરે છે.

ખારવાઓના સામાજિક રીતરિવાજોનો અભ્યાસ પણ રસપ્રદ બની રહે છે. સગર્ભા ખારવા સ્ત્રીઓનો પાંચમે કે સાતમે માસે ખોળો ભરવામાં આવે છે. પિયરમાં સુવાવડ બાદ બાળકના જન્મ પછી છઠ્ઠીના દિવસે સવા શેર ચણા કે ઘઉંની ઘૂઘરી રંધાય છે. બાળકોને જમાડવામાં આવે છે. બ્રાહ્મણો પાસે રાશિ જોવરાવીને બાળકનું નામ પાડવામાં આવે છે. બાળકની ફોઇ તથા મામા તરફથી ઝભલું, ઝાંઝરી, કંદોરો, વીંટી કે દોરો જેવાં ઘરેણાં અપાય છે. સાત વર્ષે બાળકની બાબરી ઉતરાવે છે. ખારવાઓ બારે માસ સાગર ખેડતા હોવાથી અષાઢ માસમાં લગ્નો ગોઠવે છે. કાઠિયાવાડમાં ખારવા સ્ત્રીઓ ઓઝલ રાખે છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં આ રિવાજ નથી. કમોતે મરનારની ખાંભી ઊભી કરી દર વરસે મૃત્યુતિથિએ સિંદૂર લગાડી પૂજન કરવામાં આવે છે. જેથી મૃતાત્મા કંદડે નહીં.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

error: Content is protected !!