ડાકોરના રણછોડરાયજી ભગવાનની પ્રાગટ્ય કથા અને સંપૂર્ણ ઇતિહાસ

ગુજરાત રાજ્યમાં રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર ડાકોરમાં આવેલું છે જે શ્રદ્ધાળુઓ માટે યાત્રા ધામ છે. ભગવાન રણછોડરાયજીનું નામ એ અપભ્રંશ થયેલું નામ છે. અર્થાત્ રણમાં જે શૂરવીર હોય તેને રણ:શૌડ સંસ્કૃતમાં કહેવાય છે પરંતુ લોકબોલીમાં આ શબ્દ અપભ્રંસ થઈને રણ છોડીને ભાગ્યા હોવાના કારણે પણ ‘રણછોડ’ કહેવાયા હોવાનું સૌ માને છે. પુરાતન કાળનું ડંકપુર એટલે હાલનું ડાકોર ડાકોર અમદાવાદથી આશરે ૭૫ કિ.મી., વડોદરાથી 45 કિલોમીટર, નડિયાદથી ૩૮ કિ.મી. દૂર આવેલું છે. ડાકોર હવે એક્સપ્રેસ હાઇવેના કારણે દર્શનાર્થીઓને જવા-આવવા માટે વિશિષ્ટ રીતે અનુકૂળ ધાર્મિક સ્થળ બની ગયું છે.

દ્વાપરયુગમાં ડંક મુનિ એ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો. તે જમાનામાં ડાકોર ખાખરીયુ વન હતું, પરંતુ ડંક મુનિએ તપ કરી ભગવાન શંકર ને પ્રસન્ન કર્યા. ભગવાને ડંક મુનિને આર્શિવાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહી આવશે અને પોતે પણ ડંકેશ્વર નામે લિંગ સ્વરુપે અહી રહેશે. આજે પણ ગોમતી કિનારે ડંકેશ્વર મહાદેવ છે જે એ બાબતની સાક્ષી પુરાવે છે. આજ ડંક મુનિએ મંદિર પાસે નાનો કુંડ બનાવ્યો હતો જેમા પશુ પંખી ર્નિભિક પણે પાણી પીતા હતા.

એકવાર ભગવાન કૃષ્ણ અને ભીમ પ્રસંગોપાત ડંક મુનિના આશ્રમ પાસેથી પસાર થતા હતા ત્યારે ભીમને તરસ લાગતા કુંડ માથી પાણી પીધું અને ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠો. અચાનક વિચાર આવ્યો કે આટલા સુન્દર જળ નો કુંડ જો મોટો હોય તો ઘણાને પાણી સુગમતાથી મળે અને ગદાના એક જ પ્રહારથી ભીમે તે કુંડ ૯૯૯ વિઘા મોટો કર્યો. આ કુંડ આજે ગોમતી ના નામે ઓળખાય છે. વર્ષો વીતતા ગોમતીકુંડ અને ડંકેશ્વર મહાદેવ મંદિર આસપાસ લોકો આવી વસ્યા અને પહેલા ડંકપુર અને ત્યારબાદ આજનું ડાકોર ગામ બન્યું.

history-of-ranchhodraiji-temple

ડાકોરમાં ભગવાન રણછોડરાયજીની પ્રાગટ્ય કથા

ડાકોર ગામમાં વીરસિંહ અને રતનબેનને ત્યાં વિજયસિંહ નામના બાળકનો જન્મ થયો તે જાતે રજપુત બોડાણા હતા. વિજયસિંહની પત્નીનું નામ ગંગાબાઈ હતું. તેઓ ખેતમજૂરી કરીને જીવન વિતાવતાં હતાં. આ દંપતીએ દ્વારિકા જતાં પગપાળા સંઘ સાથે દ્વારિકા જવાની પ્રેરણા લઈને દ્વારિકા ગયાં. દ્વારિકાનાથની દિવ્ય મૂર્તિનાં દર્શન કર્યાં. પ્રભુના શૃંગાર ઉપર તુલસીની માળા જોઈને બોડાણાના મનમાં થયું કે પ્રભુનાં રત્નજડિત આભૂષણોની ઉપર તુલસીની કંઠી છે તે પ્રભુને ખૂબ જ ગમે છે તેમ મનોમન નક્કી કરી લઈને પ્રત્યેક વર્ષે તુલસી છોડ લઈને દ્વારિકા જવું.

આથી શ્રીકૃષ્ણ ભક્ત બોડાણા દર વર્ષે પુનમે ડાકોરથી દ્વારકા રસ્તેથી ચાલીને હાથમાં તુલસી રોપેલું કુંડુ લઈ, ભગવાનના દર્શનાર્થે જતો હતો. ભક્ત બોડણો ૭૨ વર્ષની ઉંમર સુઘી રાબેતા મુજબ આ ક્રમ કરતો રહ્યો પરંતુ ત્યારબાદ ઉંમર ના કારણે એમને તકલીફ પડવા લાગી. પોતાના ભક્તની આ તકલીફ શ્રીકૃષ્ણ ભગવાનથી જોઈ ના ગઈ. આથી તેમણે ભક્તને સપનામાં આવીને કહ્યું કે હું દ્વારકા થી ડાકોર આવીશ. તું બીજી વખત આવે ત્યારે ગાડું સાથે લાવજે.બોડાણો આ પછી જ્યારે દ્વારકા જવાનો હતો ત્યારે તેણે ભગવાનનાં કહેવા મુજબ ગાડાની વ્યવસ્થા કરવા માંડી. બોડાણો ખૂબ ગરિબ હતો, તેની પાસે પુરતું નાણું પણ ન હતું જેથી તે ભગવાનને છાજે તેવું ગાડું સાથે લઈ જઈ શકે, તેણે જેમ-તેમ કરીને ખુબ જ વૃદ્ધ થઈ ગયેલા બે બળદ અને ખખડી ગયેલાં ગાડાની વ્યવસ્થા કરી, અને તે લઇને તે દ્વારકા પહોંચ્યો.

તેને ગાડા સાથે જોઈને પુજારીઓએ પુછતાં નિખાલસતાથી જવાબ આપ્યો કે ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે. ભગવાન દ્વારકા છોડીને જતા રહેશે તો પોતાની આજીવિકાનું શું થશે તેના ડરે, ગુગળીઓ (દ્વારકાનાં પૂજારીઓ)એ રાત્રે મંદિરને તાળા મારી દીધાં. પરંતુ ભગવાન કોઇનાં બંધનમાં રહેતાં નથી, તેમણે આ તાળા તોડીને બોડાણાની સાથે ડાકોર જવા પ્રયાણ કર્યું. દ્વારકાથી થોડા દુર નીક્ળ્યા બાદ ભગવાને બોડાણાને કહ્યુ કે હવે તું ગાડાંમાં આરામ કર હું ગાડું ચલાવીશ.

ફ્ક્ત એક રાતમા ભગવાન રાજા રણછોડ, મરવાનાં વાંકે જીવતા બે બળદને હંકારી ખખડેલું ગાડું લઈને ડાકોર નજીક ઉમરેઠ સુધી પહોંચી ગયા. ઉમરેઠ પહોંચતા સુધીમાં પ્રભાત થઈ ગયું હતું, તેથી કોઇ જોઈનાં જાય માટે ભગવાને ઉમરેઠની સીમમાં બિલેશ્વર મહાદેવ નજીક ગાડું ઉભું રાખ્યું. બોડાણો સવાર થતાં ઉઠ્યો તો દાતણ માટે ભગવાને લીમડા ડાળ પકડી. ભગવાનના સ્પર્શથી લીમડાની એક ડાળ મીઠી થઇ ગઇ. હવે ભગવાને બોડાણાને ગાડું ચલાવવા કહ્યુ.ભગવાનને દ્વારકાના મંદિરમાં ન જોતાં ગુગળીઓ સમજી ગયાકે બોડાણો જ ભગવાનને લઈ ગયો છે. તેથી તેઓ પાછળ પાછળ ડાકોર આવી પહોંચ્યા.

દ્વારકાનાં પુજારીઓને મન તો ભગવાન ફક્ત આજીવિકાનું જ સાધન હતાં, તેથી તેમણે પોતાને પર્યાપ્ત ધન મળી રહે તે આશયથી ડાકોર આવી પહોંચેલા ગુગળીઓ એવી શરત મુકી કે, જો ભગવાનને ડાકોરમાં રાખવા હોય તો, મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું. તેઓ જાણતાં હતાં કે બોડાણો ખૂબ ગરીબ માણસ છે, એટલે સોનું આપી નહી શકે અને શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારકામાં જ રહેશે અને જો ડાકોરમાં રહી પણ જાય તો તેમને ભગવાનને ભારોભાર સોનું મળી રહેશે.

બોડાણા પાસે સોનાના નામે તેની પત્ની ગંગાબાઈએ પહેરેલી નાકની ફક્ત એક વાળી હતી. ગોમતીને તીરે જ્યારે મૂર્તિને ત્રાજવાનાં એક પલ્લામાં મુકી તેની સામેનાં પલ્લામાં આ વાળી મુકવામાં આવી ત્યારે તેનું વજન મૂર્તિનાં વજન કરતાં પણ વધારે થયું. આમ કૃષ્ણ ભગવાને ગંગાબાઈની ફક્ત એક વાળી ગુગળીઓને આપી તેમને વિદાય કર્યાં અને પોતે ડાકોરમાં સ્થાયી થયાં. આજે ડાકોરમાં તે જ અસલ મૂર્તિ છે જે પહેલા દ્વારકામાં હતી.

Ranchhodraiji-temple

શ્રીરણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર ડાકોર

ડાકોરમાં હાલનું મંદિર શ્રી ગોપાલ જગન્નાથ તાંબવેકરે રૂ. એક લાખના ખર્ચે ઈ.સ. ૧૭૭૨માં બંધાવ્યું છે. આ મંદિર ૧૬૮ ફૂટ બાય ૧૫૧ ફૂટની ચોરસ બેસણી આકારનું, બાર રાશિ પ્રમાણે પગથિયાં સાથે બાંધેલું છે. જેને આઠ ગુંબજ અને ૨૪ મિનારા છે. સૌથી ઊંચો મિનારો ૯૦ ફૂટનો છે. આ મિનારાઓ સોનાથી મઢેલા છે. રણછોડજી મંદિર માં ચાંદીના 2 મોટા દરવાજા છે કે જેના પર ભગવાન સુર્ય, ચંદ્ર, ગણપતિ, વિષ્ણુ તેમજ વિવિધ કલાકૃતિઓ કંડારવામાં આવી છે. ગર્ભગૃહમાં ભગવાન શ્રીરણછોડજી આરસપહાણના બનેલા અને સોનાના પતરાથી મઢેલી ઉચ્ચ વેદી પર બિરાજમાન છે.

મંદિરના પ્રવેશદ્વારે બંને બાજુ પાંચ માળની ૫૦ ફૂટ ઊંચી બે દીપમાળાઓ છે. જેના મિનારા પણ સોનાના વરખથી મઢેલા છે. દીપમાળાઓમાં ૮૦૦ દીવાઓ એકસાથે પ્રગટાવી શકાય છે. આ મંદિરમાં રાજા રણછોડરાયની ચાર હાથવાળી કસોટીના પથ્થરમાંથી બનાવેલી સુંદર પ્રતિમા છે. મંદિરમાં અનેક ઉત્સવો ઊજવાય છે. દર પૂનમે જાણે મેળા જેવો માહોલ સર્જાય છે. અહીંના મંદિરમાં લોકો પ્રસાદના રુપે ભગવાનને માખણ, મિશરી, મગસ (બેસનની મીઠાઈ) ચઢાવે છે. કૃષ્ણ ભગવાનને ગાયો ખૂબ વહાલી હતી એટલે અહીં લોકો ગાયને પણ ચારો ખવડાવી પુણ્ય કમાય છે.

અહીં ડાકોરના ગોટા ખૂબ પ્રસિધ્ધ છે. અહીં આવનાર દરેક યાત્રી ડાકોરના પ્રસિધ્ધ ગોટાનો સ્વાદ જરૂર માણે છે. અહીં આવેલ રણછોડરાયની ભોજનશાળામાં માત્ર પાંચ રુપિયામાં ભરપેટ ભોજન મળી જાય છે.

ભગવાન રણછોડરાયજી કે દ્વારકાધીશ ના ભક્તો ને નમ્રવિનંતી કે આ પોસ્ટ ને વધુમાં વધુ શેર કરે અને બની શકે તો ધાર્મિક ગૃપ માં મોકલવા વિનંતી. આપ સૌને અમારા જય શ્રી કૃષ્ણ – જય દ્વારકાધીશ…

તો મિત્રો આ હતી ડાકોરના રણછોડરાયજી ભગવાનની પ્રાગટ્ય કથા અને સંપૂર્ણ ઇતિહાસ જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો –

– શ્રી ચામુંડા માતાજી – ચોટીલાનો ઇતિહાસ

– શ્રી હરસિદ્ધિ માતા મંદિર નો ઇતિહાસ

– શ્રી રાંદલ માતાજીની સંપૂર્ણ કથા

– માઁ આશાપુરા ની પ્રાગટ્ય કથા

– શ્રી હિંગળાજ માતાજી – બલૂચિસ્તાન

– આઈ શ્રી ખોડીયારમાં ની પ્રાગટ્ય કથા

– શ્રી અંબાજી માતાની પ્રાગટ્ય કથા

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!