મહાશક્તિ સ્વરૂપ આઈ શ્રીખોડિયાર

માં ભગવતી ખોડિયાર માતાની પ્રાગટ્ય કથા આપણે આજ વેબસાઇટ પર પહેલા જોઈ ગયા. હવે વાત કરવી છે માતાજીની લીલા અને પરચાઓની. મહાદેવ ના વરદાન થી મામડીયા ચારણના ઘેર સ્વયં આદ્યશક્તિઓ એ પુત્રીરૂપે જન્મ ધારણ કર્યો છે. અને ધીમે ધીમે આ દીકરીઓ દૈવી શક્તિઓ હોય એના પરચા આપી રહી છે. તો આઈ શ્રી ખોડિયાર માતાજીની જીવન કથા મા જાણીએ એમના પરચાઓની જાણી – અજાણી વાતો…

સાતેય બેનુમા સૌથી નાના એ ખોડિયાર. જે ખુબજ ચપળ અને બુદ્ધિ મત્તામાં હોશીયાર હતા. તેથી માતાના હેત એમના પર અતિ ભારે હતા. અને આમેય સૌથી નાના સંતાન પર માવતરનુ હેત વધુ પડતુજ રેહતુ હોય છે. માતા દેવળબાઈ કામ કાજ મા ખોડલની સલાહ લેતા..

એમના બાળપણની આ વાત છે. એક દિવસ મહી વલોવવાનો સમય હતો. માતાએ ખોડલ ને કહ્યું “દીકરી મહી વલોવવું છે, તુ જરા પાણી ગરમ કર.” ત્યારે ખોડલે માતાને કહ્યું “માતાજી તમે ચિંતા ન કરશો અમે સાતેય બહેનોએ અત્યારે રમવા જવાનુ વિચાર્યું છે, રમીને તરત પાછા આવીશું પછી અમેજ મહી વલોવી લેશું.” આમ સાતેય બહેનોને માતાએ રમવા જવાની રજા આપી અને સાતેય બહેનો રમવા નીસરી.

આમ રમતા રમતા સાતેય બહેનોને મોડું થઈ ગયું અને આ જાણીને આ બાજુ દેવડબા એ વલોણું માડયુ. રેશમના નેતરા હાથમાં લઈ ધમ્મર.. ધમ..ધમ્મર વલોણું તાણવા માંડ્યું. આ બાજુ વગડે રમત રમતા શક્તિ સ્વરૂપ ખોડલને ખબર પડી. એણે બહેનો ને કહ્યું “માં આપડી વાટ જોઈને વલોણું તાણવા માંડ્યું છે ચાલો ઝટ કરો આપણે ઘેર જઈએ.”

જોગડ બોલી “આપણે માતાને જણાવી દઈએ કે આપણે સ્વયં આદિશક્તિ એજ તમારા ઘેર અવતાર ધારણ કર્યા છે.” અને તોગડ બોલી “બરાબર છે, આપણા માવતર આપણી શક્તિઓથી અજાણ રહે એ નો પાલવે.” અને ત્યારે રેશમના નેતરે વલોણું ધુમાવતા દેવડબાને નેતરાને બદલે હાથમા કાળી નાગણુ ભાળી. “ઓય માડી” કરતા દેવડબા નેતરાં છોડીને દુર ખસી ગયા..

ત્યારે મામડદેવ કહે: ‘કીમ ચારણ્ય, ફડકે, છે !’
ચારણ… ! આ નેતરમા નાગણું દેખાય છે. દેવળબાએ જવાબ દીધો… “અરે ઈમ તો હોય ! બુઢા પાને લીધે આંખ્યે ઝાંખપ લાગતી હશે. લાવ હું તાણું.” એમ કહી મામડદેવ જેવા નેતરાં લઈને વલોણું ધુમાવવા જાય છે ત્યાં રવૈયાનો નાગ અને નેતરાની નાગણું ભાળી. મામડદેવ પણ દૂર ખસી ગયા. છેટેથી જુએ છે તો નેતરાં ને રવૈયોજ દેખાય છે.

“ચારણ્ય ! કાંક ચળીતર જેવું થાય છે. નક્કી હવે આપણાથી નો તણાય। મામડદેવ બોલ્યા…

“આઈ શક્તિ જાણે, દેવ ! એની આપણને…શી પત પડે ! આ દીકરીવું રમવા ગઈ છે. ઇયેય હજુ લગણ નો આવી. તમે જરા ખબર તો કરો!”

અને મામડદેવ ઘર બહાર નીકળ્યા… ત્યાં જ સામેથી સાતેય બહેનો આવતી નજરે પડે છે અને પછી ખોડલ માતા પિતાને પગે પડીને કહેવા લાગી. “બા-બાપુજી, રમતમાં મોડું થઇ ગયું, લાવો મહી વલોવી દઉં. એમ કહી સીધીજ વલોણે જઈ ખોડલ વલોણું ઘુમાવવા લાગી. મામળદેવ અને દેવળબા તો ચકિત થઇ ગયા. એમના મનમાં થતું હતું કે, “વલોવવાનું અઘરું પડ્યું છે. એવી આ ખોડલને શી ખબર પડી? મામડદેવ કહેવા જતા હતા કે દીકરી નેતરે નાગણુ અને રવૈયે નાગ દેખાય છે.” છેટી રેજે, પણ તે બોલી ના શક્યા. ખોડલ તો નેતરાં ઝાલીને ઘમ્મર ઘમ્મર વલોવવા મંડી પડી. અને બીજી બેનો અન્ય કામોમાં પરોવાઈ ગયા.

Shree Khodiyar

એ રાત્રે મામડદેવ ને ઊંઘ ન આવી. એમના દિલમાં આ શક્તિ સ્વરૂપ સાતેય પુત્રીઓના વિચારો ધુમી રહ્યા. શું ભગવાન શંકરે દીધેલ પુત્રીઓને આદ્યશક્તિ-મહાગૌરી પાર્વતીજીએ દૈવી શક્તિ અર્પી હશે ! કે પોતે દેવીભક્ત ચારણ કુળના હોઈ આ ચારણ કન્યાઓમાં આદ્યશક્તિએ અકળ- વાસ કર્યો હશે ! ના, ના, એમ ન હોય, સાક્ષાત આદ્યશક્તિ માં શું મારા જેવા ગરીબ ગઢવીના ઘરમા પગલાં પાડે ખરાં? ને શક્તિદેવી તે કાંઈ આમ પામર માનવીના ઉંદરે અવતાર લેય ખરી ? તો…વળી આ નેતરાની નાગણુ ને રવૈયાના નાગ… આ બધું શું ? એય… ખાલી ભ્રમ ?…એ તો આ…બુઢાપાવાળી આંખોનો દોષ…શક્તિ આમ લોકમાં જન્મ તો નો જ લે…

અને મામડદેવનું ચિત્ત કશું જ કબૂલ કરી ન શક્યું. એમને અધરાતે બીજો વિચાર આવ્યો. ‘લાવ, ખોડલીને પુછું તો ખરો કે, ખોડલ, આ નેતરાની નાગણું, ને રવૈયાનો નાગ દેખાણો ઈનું કાંઈ રહસ્ય ખરૂં ?’ એમ વિચારી મામડદેવ કન્યાઓ સુતી હતી તે અંદરના ઓરડામાં ગયા. જઈને જુએ છે તો સાતેયની પથારીઓ ખાલી દીઠી…મામડદેવ આમથી તેમ જોવા લાગ્યા. પણ કાંઈ દેખાયું નહિં. એટલે ત્વરિત પાછા પગલે ઓરડા બહાર નીકળી ગયા. અને પત્નીને જગાડતા જણાવ્યું. “જોયું આ તારી લાડલી દીકરીયું. અધરાતેય કસેક ભાગી ગ્યું છે… ચારણ્ય ! પુછ્યા વગર હાલી જાતી આવી કન્યાઓ માથે મને હવે રોષ ચઢે છે.’

“ન હોય ન હોય….નાથ ! મારી દીકરીયું મુને કહ્યા વણ ક્યાંય નો જાય…ને ઈ કાંઈ માનવીય નથી. ઈ તો સાક્ષાત જગદંબાના અવતાર છે. ચારણ, ખોડલેથી વલોણું ધુમ્યું. એથીય તમે તો નો સમજ્યા ! ઈ ક્ચાંય જાય નહિ…હાલો જોઉં તો એમ કહી  દેવળબા ઊઠ્યા અને પતિને લઈ અંદરના ઓરડામાં ગયા. પણ ઓરડામાં સાતેય પથારીઓ ખાલી દીઠી.

‘લે,જો ચારણ્ય ! હુ કાઈ ખોટું નથી બોલતો ? આ કન્યાઓ મોટીયું થાતાં આપણા કહ્યા માં કેમ કરી રે શે ?હવે હું એમને મારા ઘરમાં પેશવા નહિ દઉ. આંગણામાંથી જ પાછી વાળીશ. “ક્રોધપૂર્ણ આમ કહી પાછા વળવા જાય છે. ત્યાં એમના પગ પાસે એક મોટો કરંડિયો દીઠો આશ્ચર્ય મુગ્ધ થઇ ને મામડદેવ અને દેવળબા કરંડિયાને થોડીવાર નીરખી રહ્યા પછી દેવળબાએ કરંડીયાનું ઢાંકણું ખોલ્યું. તો એમાં સાત નાગણુ દીઠી. પણ એ પોતે ગભરાયા નહિ. કન્યાઓના શક્તિ સ્વરૂપની એમને ખાત્રી થઈ ચુકી હતી. વળી પોતે જગદંબાના પુજારી હતા. ને દેવી પુત્રી હતા. પણ… મામડદેવ સહેજ ગભરાયા હોવા છતાં ક્રોધના આવેશમાં ઊભા હતા. “એમને મન જગદંબા તે કાંઈ આવા ભૂતપ્રેત જેવા ચળીતર કરે ખરા, એતો સાક્ષાત માવડી, માનવી માત્રની રક્ષા કરે. નક્કી આ ઘરમાં કાંઈક ચળીતર જરૂર થાય છે. ને કન્યાઓના માથે ઢોળાય છે. મારી કન્યાઓ અને તેય ચારણકન્યાઓ, આવા ચળીતરનો જ માંડે, અને મામડદેવના ચિત્ત માં પ્રેત ચળીતર વહેમ દ્રઢ થઈ ગયો…

તેમણે કરંડિંયો બરાબર વાસી દીધો. દોરડાથી આમ તેમ બાંધી લીધો. જરાય બાકોરું રહેવા ન પામે એવી સાવચેતીથી સજ્જડ બંધ કરી દીધો, ને પછી ઘર બહાર ક્ચાંક જંગલમાં ફેંકી દેવાને ઈરાદે કરંડિયો ઉપાડીને ખભે ભરાવ્યો અને કોધમાં જંગલના મારગે હાલી નીકળ્યા.

અધરાતનું ટાંણુ આકરું
મનમાં ગણે નહિ મામડ
પણ…લબકારાં કરે નાગણ
ખમકારા કરે ખોડલ,
ખોડલ ખમકારા કરે
શા અવગણ દીઠા અમારા,?
ત્યજશો તો તજી જાશું.
તોય નામ રહેશે તમારાં
૫ણ…મહેણાં લાગશે બાપુ !
કાં માવતરે છોરૂં વિસાર્યા.?

આમ અધ;રાતનું ટાણું છે. વીકરાળ વગડો ભાસે છે. પશુઓના ભયંકર અવાજો થાય છે. પણ જરાય બીક રાખ્યા વગર મામડદેવ આગળ ચાલ્યા જાય છે. આવા વિકરાળ વનમાં ત્યજી દેવાને મનસુબે ચાલ્યા જતા મામડદેવને જાણે ભણકારા વાગે છે;
મહેણાં લાગશે બાપુ !
કાં માવતરે છોરૂં વિસાર્યા.?

હૈ બાપુ, અમારા શા અવગુણ દીઠા તે તમે માવતર થઈને, અમને તરછોડવા હાલ્યાં છો ? તમે… ત્યજશો તો અમે ત્યજાશું. પણ તમારે ધરે અમે અવતર્યાં છીએ તેથી જગમાં તમારૂં નામ અમર તો રહેશે પણ એ સાથે મહેણાં પણ લાગશે, કે માંવતર થઈને મામડે છોરાંને તરછોડ્યા’તા ! બાપુ પાછા વળો..અમે તમારી દીકરીયું જ છીએ બાપુ.

પણ મામડદેવને તો પ્રેતના ચળીતરનું ભુસું ભરાઈ ગયું હતું. એ માનતા કે નક્કી ચળીતર સાચું…જાણે ખોડલી બોલતી હોય એમ આજીજી કરે છે… ચળીતર.. નકકી ચળીત૨. ખોડલી હોય તો સન્મુખ તો આવે? હવે નો છોડું ક્યાંક દૂર જઈને ફેંકી આવું…આમ વિચાર કરતાં મામડદેવે ઘણોક પંથ કાપી નાખ્યો, શ્રમને લીધે એ થાકી ગયા. થોડો આરામ કરવાને ઈરાદે એક પીપળાના વૃક્ષને થડે કરંડિંયો મેલી માંમદેવ બેઠા.

બેઠાં બે’ઠાં વિચાર કરે છે.….હવે આ ચળીતરને નો છોડું. દૂર જઈને મુકી આવું. પણ. . .પણ આ ખોડલ જેવું કોણ બોલતું ‘તું? ચળીતર કે શક્તિયું ? કન્યાયું ? ના ના મારી દીકરિયું’તો ક્યાંક રમવા ગયેલ છે. ઈ તો ઘેર આવી ગઈ હશે….એમ વિચારે ચડેલ મામડદેવને ભાંથરીયા શાખનો ભીમજી ભરવાડ સાંભળ્યો. મા જગદંબા ભવાનીનો પરમ પૂજારી, શ્રેષ્ટ દેવી ભક્ત ભીમજી ભાંથરીયો.

વઢવાણ પાસેના ભરવાણા ગામમાં આ ભાંથરીયો ભીમજી ભરવાડ. નેસમાં રહેતો. શ્રેષ્ટ દેવી ભક્ત ગણાતો. પવિત્ર દેવજી ભક્તિથી મા ભવાની એને હાજરા હજુર હતા… અને દેવીની સહાયથી સમાજના વહેમ વળગડ અને ભૂતપ્રેતના ચળીતરો દૂર કરતો એ જમાનામાં ભાંથરિયા ભરવાડના નેસ તરીકે ભડવાણા ગામ આજુબાજુના પંખતમાં પંકાતું હતુ…

મામડદેવને ભાંથરિયો ભરવાડ યાદ આવ્યો.… “હા ઈ જ ઠીક સ્થાન છે. ભાંથરીયો જ આને પાર પડશે. ” અદ્રશ્ય અને અકળ ખોડલે બાપ…મામડના અંતરમાં આવી પ્રેરણા જગાડી. અને મામડદેવ વિચાર કરીને ઉઠ્યા. કરંડિંયો ખભે ભરાવ્યો અને ભાંથરીયા ભરવાડના નેસ ભણે ચાલવા માંડ્યું.

વિમાસણ કરી મામડે,
ખંભે ભરાવ્યો કરંડિંયો ;
ભાંથરિયા ભરવાડના નેસમાં,
મુકી વળ્યો મામડિંયો.

ભરવાડ ગામમાં ભાથરિયા નેસમાં અધ;રાતેય દેવીની સ્તુતિ કરતો ભીમજી ભાંથરિયો જાગતો બેઠો છે, ત્યાં મામડદેવ નેસમા પ્રવેશ કર્યો.

‘આવો ભા, રામરામ..’ ભીમજીએ મામડદેવને આવકાર્યો

“રામ રામ”

‘શું કાજે બાપ, મામડ અધ;રાત વેઠી?’

‘કામ…તો ભીમા આ કરંડિયો મેલવો છે. મને થયું કે તુજ એને પાર પાડીશ.’

‘ઠીક ” મેલો ચારણ…તમે તો દેવ…અધરાતે મારે આંગણે આવ્યા. શું આદર કરું ?’

“આદર તો, આ કરંડિંયો જીરવાય તો જાળવજે, ને સંધરજે ને ના સંધરાય તો મન ફાવે એમ ગોઠવણ કરજે. હું જાવ છું અટાણે જ.”

‘કાં બાપ ? કોઈ ઓછું આવ્યું, તે અટાણે જ હાલવાની વાત કરો છો ? રહો, અધરાત બાકી છે. સવારે શીરામણ કરીને જજો.’

“શીરામણ પોગી ગયું. ભાંથરિયા, મુને ખોટી કર મા. ઘરે ચારણ્ય વાટ જોતી બેઠી હસે.’

‘ઠીક બાપ, જાંઉ છે તો જાવ… પણ પુછું ઈનો જવાબ દેતા જાવ.,
પૂછો.

‘તમારે ધેર શક્તિયું અવર્તારૅયું છે, ઈ તમે જાણો છો?’

અને મામડદેવ ચમક્યા. આ ભાંથરિયા ભરવાડને કોણ સમજાવે કે એ શક્તિઓ નથી પણ કાંક ચળીતર થયું છે, ને એ ચળીતર આ કરંડિયામાં પુરાવેલ પડ્યું છે.

મામડદેવે કશો ઉત્તર ન દીધો એટલે ભાંથરિંયે ફરીને પુછ્યું ‘ચારણ ! કેમ કશું બોલ્યા નહિ ? તમે નો માનો તો ઈ તમારી મરજી, બાકી મુને તો નક્કી થઈ ગયેલ છે કે, શક્તિ સાત સ્વરૂપે લોકમાં પ્રગટ થયા છે.’

‘ઈ તમારે જેમ માનવું હોય ઈંમ માનો… હું તો કરંડિંયો મેલવા આવ્યો છું તે મેલીને જાઉ છું’ મામડદેવે વાતનો તોર તોડતાં કહ્યું.

‘ઠીક જાવ, પણ કૈ’ તા જાવ. આમાં શું ભરેલ છે ? ઈ તો જાતે તપાસી જો જો. ને જીરવાય તો જાળવજો. એમ કહી મામડદેવ ઘર તરફ પાછા વળી ગયા.’

મામડદેવને ગયા પછી ભાંથરિયા ભરવાડે કરંડિયો ખોલીને જોયું તો એમાં નાગણું દીઠી…

વોય માડી ! “તમે મારે આંગણે શા હાટુ આવ્યા !

મામડથી જીરવાયું નહિ એ આંય મુકીને ગયાં. બાપડા જીવને ક્યાંય મેલવાનું સ્થાનક ન મળતા આય મૂકી ગયા. હાલો માવડિયું તમારા ઘેર પંહોચાડું’ એમ કહી ભીમજી એ કરંડિયો હતો તેમ બંધ કરી દીધો અને ખંભે ભરાવી ભોગાવાને કાંઠે ગયો. કાંઠા ઉપર ભોરિંગનો મોટો રાફડો હતો. તેમાં સાતેય નાગણુંને પધરાવી દીધી.

નાગણુંને રાફડામાં પધરાવીને પાછાં ફરતા ભાંથરિયાને જાણે કોઈ ગેબી અવાજ સંભળાયો.

‘ભાઈ, ભાંથરિયા તારાથીય નો જીરવાયું તે તુ રાફડામાં રેડી હાલ્યો, પણ અમથી રાફમાંય નહિ રહેવાય, ભોગવાના ભંગધરા માં સ્નાન કરીને અમે અમારા ઘેર જતાં ૨હીશું.’ અને ભાંથરિંયો થંભી ગયો.

વોય માડી…હવે તમને … ઓળખી ગયો ’હું, મામાડ દેવ ને ભરમાવ્યો. ઈમ મુનેય ભરમાવવા આવી’તી, તમે તો જગદંબાનો અવતાર માડી, તમને ઝાઝું શું કહેવું ? માવતરને કે કોઈ પણને આમ છેતરામણું નો કરશો મા ! લોકનું તો તમારે રક્ષણ કરવું જોયે. માડી ને આવા અનહદ ચળીતર કરશો તો પ્રેતમાં ખપાઈ જશો માડી. અને એમ વીનંતી કરતો ભાંથરિયો ભોંગાવાનાં ભંગધરા કાંઢે જઈને થોભ્યો અને કાંઢે બેસતા બોલ્યો માડી હવે તમારા સાચા દર્શન દેશો તો જ ઘેર જઈશ; નકર આ દેહ તમને સોપ્યો માડી……!

અને ભીમજી ભાંથરિયો જોઈ રહ્યો છે ને એક પછી એક નાગણી રાફડામાંથી સરકીને ભંગધરામાં સ્નાન કરવા પડી કે તરત જ શક્તિ સ્વરૂપ થઈ ગઈ.

તાંબા વરણાં તુંબલાં.
જીના મોઢામાં લોઢાના દાંત
ભાંથરીયા ભરવાડે નીરખી,
મા જોગણી ભંગધારાની માંય…

ત્યાં તો દેવીભક્ત ભાંથરીયાને જોને ભણકારા વાગવા મંડ્યા.. સાભળ્ય સાભળ્ય ભાંથરીયા !

સાતેય બેનુને સામટી,
રેડી રાફડા માય,
પણ.. કરમના અથાગ….
અમથી પિયાળ પોગણું નહિં.…

હે વીરા ભાંથરીયા તું અમને જીરવી નો શક્યો. તેથી તે રાફડામાં રેડી મેંલી દીધી પણ હજુ અમારા કર્મે ધણાં ઘણાં કાર્યો કરવાના બાકી છે. તેથી પાતાળે પહોંચ્યા વગર અમે ફરીવાર અમારી માતા દેવબાને ઘેર જાશું.

‘હા માડીં, ઈના જેવું રૂડું બીજું શું હોય ? માવતરનું કુળ ઉજાળો. ને લોક્ની રક્ષા કરો.’ દેવીભક્ત્ ભાંથરિયો જાણે સાચે જ વાતો કરતો હતો. ત્યાં તો ભંગધરામાં સ્નાન કરતી સાતેય બહેનો યે અવનવા રૂપ ધરવા માંડ્યો ધડીમાં નાગણું, ધડીમાં મગરમચ્છ, તો ધડીયાં રૂપકડી માછલીવું બનીને પાણીના તળીએ, સેવાડમાં સરકે, રમે અને ગેલ કરતી આનંદ કરે છે ને તેને જોઈને હરખાતો ભાંથરિયો દેવકન્યા ઓના અવનવા રૂપ નિહાળી રહ્યો છે. ‘વોય…વોય માડીવું. મામડીયારી. .ખમ્મા બાપ તમને’ કહેતો ભાંથરિયો બોલી ઊક્યોં-

સાતેય બેનું સામટી,
ધુબકીયું ધરા માય.
૫ણ…સબકી સેવાળ માય…
મચ્છા રૂપે મામડીયારી…

મામડ ચારણની દીકરીઓ. મચ્છ સ્વરૂપે સેવાળમાં આનંદોસ્તસવ માણતી ગેલ કરી રહી છે. આ જોઈ ભીમજી ભાંથરિયાને થયું કે લાવ મામડને તેડી આવું. એને નજરો નજર દેખાડું કે, જો મામડ ! આ તારી દીકરીયુ… તારે ઘેર જગદંબા માવડીએ અવતાર ધારણ કર્યા છે. એમ વિચારી ભાંથરીયો ઉપાડ્યો રોહિસરા તરફ.

ધોળી ચાંદી જેવી રાત ઝમઝમ વહી જાય છે. આભના ચંદરવા ભાંથરીયાની ઉતાવળ અને અધિરાઈ માથે ચાંદુડિંયા પાડતા હસી રહ્યા છે ને ચાંદો રુપાળી ચાંદની વેરતો હસી રહ્યો છે… પણ એમ કાય રોહિસરા નજીક નહોતું પડયું… ઉતાવળા પગે ચાલતો ભાંથરીયો ભીમજી રોહીંસરાને પાદર પહોંચ્યો. ત્યારે સુરજ ભગવાન પૂર્વમાં સાત સાત ઘોડલાની સવારી લઈને ઉગી ગયેલ હતા. હજી ગામ ગાઉ એક દૂર હતું. ભાંથરીયો ઉતાવળો ઉતાવળો આવતો હતો.

મામળદેવ ભાંથરિંયાના નેસંમાં કરંડિંયો મુકીને પાછા આવી કન્યાઓની પથારીઓ જોઈ હતી તો ખાલી હતી. એકેય કન્યા દેખાતી નહતી. તેમણે પત્ની દેવળબાઈને પુછ્યું ‘આ દિકરીયું વહાણું વાયુ તોય ધેર આવતી કેમ નથી ! દેવળબાઈએ જવાબ દીધો : ‘નાથ ! કન્યાઓ કંઈથી આવે ! સંધીયું ને તો તમે ઉપાડીંને લઈ ગ્યા’તા. તમારા ગયા પછી મુને ખોડલ આંય મલી’તી. ઈ કે‘તી’ મા, મારા બાપુને નો કે’શો અમે દિ’ ઊગે આવી રેશું.’

પત્નીની વાત સાંભળી મામડદેવ વિચારમાં પડ્યા. ‘રખેને સાતેય દિકરિંયું નાગણું બની ગઈ હોય.….મા જગદંબાએ જરૂર મારા ઘરમાં વાસ કર્યો લાગે છે. માતાજીએ મારા માંથે મહેર કરી છે, ને શક્તિરૂપ કન્યાઓ એણે જ દીધેલ છે..…નક્કી નક્કી મા અંબિકાએ પરચા દેવા માંડ્યા છે…વોય માંડી વોય માંડી અને….માં ….આ કન્યાઓ ક્યાં ? હવે તું જ એમનું રક્ષણ કરજે. માવડી. હશે એ ઘરે આવે તો એમના સાતેયના દર્શન કરું…? એમ વિચારતા મામડદેવ દીકરિયુંની રાહ જોતા બેઠાં.…

રાશવા દિ’ ચડી ગયો. પણ કન્યા ઓને ન દેખી તેથી મામડદેવનું અંતર વલોવાતું હતું. ક્ચાં જાઉ કોને કહું સગા હાથે ધક્કો દીધો છે. મેં જાતે તરછોડી છે ને…ઓલ્યા મારગે.. બાપ ખોડલ..જ કરગરતી’ તીને..મારી દીકરી… મારી માં જગદંબા. હવેતો માડી.. મારી ભૂલ થઇ છે માં… હું પામર માનવી તારી અચરજ લીલાને ઓળખી ન શક્યો.. માં..મારી આઈ…અને મામળ દેવ ચિંતાથી વલવલી રહ્યો છે. એજ સમયે ભાંથરીયો આવી ચડ્યો, તે બોલ્યો: ‘મામડ! હાલ બાપ, તું ને શકતીયું દેખાડું, ભોગાવાના ભંગધારામાં..મામળ, શિલભદ્રે દીધેલ મહેણું ભાંગી ગયું બાપ..

મામડ ! મેણું ભાંગિવું.
જોગણિયું અવતરી સાત,
ત્રાંબા વરણાં તુંબલા,
જીના મોઢામાં લોઢાના દાંત.

અને ઉતાવળે મામડદેવ બોલી ઉઠ્યા ક્યાં દીઠી બાપ ભાંથરિંયા. મારી કન્યાઓ…મારી માવડીઓ…! બેબાક્ળા ! થતાં …મામડદેવ પૂછી રહ્યા.

તાંબા વરણાં તુંબલાં.
જીના મોઢામાં લોઢાના દાંત
ભાંથરીયા ભરવાડે નીરખી,
મા જોગણી ભંગધારાની માંય…

પણ..૫ણ..હું તો તારા નેસમાં મેલી આવ્યો હતો ને! ‘મામડ ! ઈ નાગણ્મું નો’તી, ઈતો શક્તિયું હતી. પણ નાગણું થઈ એટલે મેં રાફમાં રેડી….

સાતેય બેનુને સામટી,
રેડી રાફડા માય,
પણ.. કરમના અથાગ….
પિયાળ પોગણું નહિં.…

પછી?
પછી બાપ, મામડ ! તારી… …કન્યાઓ એક એક થતી ભોગાવાના ભંગધરામાં સ્નાન કરવા પડી. એ સમયે જ મેં અરજ કરી કે માંડીયું, મને દર્શન દિયો. પણ એમણે અવનવારૂપ ધરયા. ને પછી છેવટે માછલિયું બનીને શેવાળમાં સરક્તી, ગેલ કરવા માંડી ને રમત્યું રમવા માંડી.

સાતેય બેનું સામટી,
ધુબકીયું ધરા માય.
૫ણ…સબકી સેવાળ માય…
મચ્છારૂપે મામડીયારી…

એટલે મુને થયું, લાવ મામડને દર્શન કરાવું. તેથી ઉતાવળો ઉતાવળો તને તેડવા આવ્યો છું. ઝટ કર અને કન્યાઓના-આઈ શક્તિઓના દર્શનનો લ્હાવો લેવા મામડદેવ આંગણેથી જેવા પગ ઉપાડે છે. ત્યાં તો …અંદરના ઓરડામાંથી બહાર દોડી આવી ખોડલે સાદ કર્યો: “બાપુ બાપુ ! એમ ક્યાં જાવ છો ? અમે તો ક્યાંય તો ગયાં નથી ઘરમાંજ સુઈ રહ્યાં છીએ : રાશવા દિ’ ચડચો તોય અમને કેમ… જગાડ્યા નહિ…જુઓને જોગળી-તોગળી તો હજીયે ઉઠતી નથી…..’

મામડદેવ પાછા વળી આઈ ખોડલના પગ માં પડી ગયા, ભાંથરીયો ભરવાડ પણ વાય માડી, વાય માડી, કરતો દેવીના પગમાં પડ્યો….ને દેવળબાઈ તો દીકરીને જોઈને રાજી રાજી થઈ ગયા. અને હરખઘેલા થઈ પગમાં પડ્યા.

પણ પોતાને આમ શરમિંદા બનાવતા પગમાં પડેલ મા-બાપનેં ઉભા કરતાં ખોડલ બોલી,…‘બાપુ ઉઠો, માંવતરથી છોરૂના પગમાં નો ૫ડાય….માડી મુને શરમાવશો નહી. ઉઠો..જોગળી.…તોગળીને જગાડો’

મામડદેવ તથા દેવળબા. અને ભાંથરિંયો. ત્રણે જણ અધિરા થઈને દોડયા અંદરના ઓરડામાં તો જોગળ-તોગળ હોલબાઈ-બીજબાઈ કામબાઈ અને સાંચાઈ એ છયેય કન્યાઓને પથારીમાં સુતેલી દીઠી. છયેય બહેનોને જગાડીને કન્યાઓના પગમાં પડવા જતાં માં-બાપને કન્યાઓએ વાર્યા.

બાપુ, બા ગાંડા થ્યાં ’? અમે તો તમારી દીકરીયું કહેવાઈએ અમને શરમાવો નહિ….’

આ પ્રસંગથી મામડદેવનું ચિત્ત મા-જગદંબાની ભક્તિમાં ચોંટી ગયું દેવળબાઈની સૂરતા માતાજી સામે મંડાઈ ગઈ….

થોડા સમયમાં વાયે વાત ચાલી કે, રોઈસરામાં મામડ દેવ ગઢવીને ઘેર સાત સતીઓ શક્તિ સ્વરૂપે પ્રગટ થયાં છે. પછી. ગામના-પરગામના લોકો દર્શને ઉમટ્યા. આઈ ખોડલે સૌને આશીર્વાદ દીધા… ને સૌનું કલ્યાણ ઇચ્છ્યું.

શત શત નમન ભગવતી આઈ શ્રી ખોડિયાર ને!

સંદર્ભઃ
પુરસોતમ સોલંકી કૃત ખોડિયાર આખ્યાન, મંગલસિંહ સરવૈયા ખોડિયાર વંશાવલી.

જો તમે આવીજ અન્ય માહિતી વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

(આ ઇતિહાસ માં કઈ ભુલચુક હોય અથવા આ શીવાયની કોઈ પણ વધારાની માહિતી તમારી પાસે હોય તો તમે અમને મેસેજ માં મોકલી આપશો અમે તેને અહીં રજુ કરીશું)

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો –

– શ્રી ચામુંડા માતાજી – ચોટીલાનો ઇતિહાસ

– શ્રી હરસિદ્ધિ માતા મંદિર- ગુજરાત

– શ્રી મહાકાળી માતાજીના પાવાગઢ નો સંપૂર્ણ ઇતિહાસ

– માઁ આશાપુરા ની પ્રાગટ્ય કથા

– શ્રી હિંગળાજ માતાજી – બલૂચિસ્તાન

– આઈ શ્રી ખોડીયારમાં ની પ્રાગટ્ય કથા

– શ્રી અંબાજી માતાની પ્રાગટ્ય કથા

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!