શીખ સંપ્રદાયના સ્થાપક નાનકદેવનો જન્મ લાહોરથી ચાળીસેક માઈલ દૂર તલવંડી (હાલ ૫. પાકિસ્તાનમાં) નામના એક ગામમાં ઈ. ૧૪૬૯માં થયો. પિતા કાલચંદ્ર વેદી તલવંડી હિસાબનીશ હતા. અટક પ્રમાણે વેદાધ્યયન એ એમનો વંશપરંપરાગત કુલાચાર હતો. માતા તૃપ્તાજી નાનકી નામના ગામની વતની હતી. એટલે માતાના આ વતનના નામ પરથી જ નાનક અને એમની બહેન નાનકીનું નામકરણ થયેલું. એમ મનાય છે.
નાનકની વાચા પ્રભુનામના ઉચ્ચારથી જ આરંભાઈ. બાળપણથી જ પદ્માસન વાળીને તેઓ બેસતા અને વારંવાર ધ્યાનમાં ડૂબી જતાં. અન્ય સમવયસ્ક શિશુઓ જ્યારે ઢીંગલીમાં રાચતાં ત્યારે નાનકને ઈશ્વરનામ આકર્ષતું. પાંચ વર્ષની કુમળી વયે તેઓ ગામનાં છોકરાં પાસે પ્રભુમહાત્મ્ય અને નીતિમહત્તાની વાતો કરતા. સાત વર્ષે પિતાએ નાનકને નિશાળે બેસાડ્યા ત્યારે શિક્ષક સાદે જ્ઞાન વિષે ચર્ચા કરી એમણે પોતાની પ્રતિભાનો પરચિય કરાવી આપ્યો. ત્યાર બાદ નાનકને લગભગ દશ વર્ષની ઉંમરે પિતાએ વ્રજનાથ શર્મા પાસે સંસ્કૃત શીખવા મોકલ્યા. ગુરુએ “ૐ નમ: સિદ્ધમ્’નો મંત્ર મુખપાઠ કરવા માટે આપ્યો. જિજ્ઞાસુ નાનકે એનો અર્થ પૂછ્યો, પરંતુ ગુરુએ તો નાનકને માત્ર મંત્રપાઠ કરવાનું જ કહ્યું. અર્થ સમજ્યા વગર મંત્રનો કેવળ શુકપાઠ કરે તો નાનક નાનક શાના? એમણે શર્માજીને કહ્યું : “જે વેદનો માત્ર પાઠ જ કરી જાણે છે પણ તેના અર્થને સમજતો નથી તે ખરેખર સૂકા લાકડાના ટૂંઠા જેવો છે.” આ રીતે નાનપણથી જ નાનકમાં ધર્મ રહસ્ય જાણવાની તીવ્ર તાલાવેલી, તે માટેની કુશાગ્ર બુદ્ધિ, તર્કશુદ્ધ દલીલશક્તિ અને સ્નેહભરી સમજાવટ જોઈ શકાતી હતી. અહીં એમણે સંસ્કૃત અને વેદાંતનો પરિચય કરાવ્યો.
એ વખતે રાજ્યભાષા ફારસી હતી. આથી કાલુચંદ્ર વેદીને લાગ્યું કે પુત્રને મોટો થતાં રાજ્યમાં ક્યાંક નોકરીએ વળગાડવો હોય તો ફારસીનું જ્ઞાન આવશ્યક છે. આ વિચારથી પ્રેરાઈ એમણે નાનકને મૌલવી પાસે ફારસી અરબીનો અભ્યાસ કરવા મૂક્યા. નાનકે તો મૌલવીને ય ફારસી મૂળાક્ષરોનો મૌલિક અર્થ કરી બતાવ્યો. “અલેફ અલ્લાને યાદ કરવાનું કહે છે, અને બે બુરાઈ છોડવાનો ઉપદેશ આપે છે.” આમ નવા નવા અર્થઘટનો કરતા નાનક મૌલવી પાસેથી અને પિતાના મિત્ર સૈયદહુસેન પાસેથી ફારસી શીખ્યા.
કંઈક જુદી જ માટીનો સર્જાએલો આ માનવી મોટો થતાં સાધુ સંતો અને દરવેશ – ફકીરોમાં હળવા – મળવા લાગ્યો. સંસ્કારરક્ત પિતાને આથી ચિંતા થવા લાગી. એમને લાગ્યું કે છોકરો ગાંડિયો છે, ભણશે – ગણશે નહિ, માટે હવે એને કંઈક કામે લગાડી દેવો જોઈએ.
આરંભમાં પિતાએ નાનકને ગોવાળનું કામ સોંપ્યું. પણ નાનકને એમાં રસ ન પડ્યો. હવે પિતાએ એને ખેતી સોંપી. એમાં પણ નાનકની ખાસ રુચિ પ્રગટ થઈ નહિ. પિતા મુંઝાયા. છેવટે એમણે નાનકને વેપારી બનાવવાનું વિચાર્યું. પુત્રના હાથમાં વીસ રૂપિયા મૂક્તાં પિતાએ કહ્યું : “બેટા, એવો વેપાર કરજે કે જેમાં સારો નફો થાય.” નાનક અને એનો બાલા નામનો એક જાટ મિત્ર શહેર તરફ ચાલી નીકળ્યા. ભાગોળે એક ઘટાદાર વૃક્ષની છાયામાં કબીરપંથી સાધુઓની જમાત પડી હતી. કેટલાક તો ત્રણત્રણ દિવસથી ભૂખ્યા હતા. નાનકે તો વીસ રૂપિયામાંથી એ સૌને ભોજન કરાવ્યું. હરિરસનો એ સાચો વેપારી બન્યો, પણ હિસાબનીશ પિતાની ગણતરી ખોટી પડી. પિતાની મૂંઝવણ ઓર વધી. ત્યાં જ એ વખતે સુલતાનપુરની સરકારી નોકરીમાં નાનકને પરોવી દેવા એમના બનેવીની સિફારસ વહારે ધાઈ. નાનકને સુલતાનપુરના સૂબાએ પોતાનાં કોઠારમાં ભંડારી તરીકે નીમ્યા. નાનક અહીં નિષ્ઠાપૂર્વક નોકરી કરવા લાગ્યા. પોતાને જે મળતું તેમાંથી જરૂર પૂરતું રાખી બાકીનું બધું દીન દુઃખિયાંઓને વહેંચી દેતા. પિતાને, બનેવીને તથા સૂબાને કંઈક સંતોષ થયો. નાનકને વધુ “સીધે રસ્તે’ લાવવા પિતાએ એને હવે સંસારમાં જોતરી દેવાનો વિચાર કર્યો, ને એ પ્રમાણે પખેગામના વ્યાપારી મૂલચંદ્રની પુત્રી સુલખણી સાથે નાનકનું લગ્ન કરી નાંખવામાં આવ્યું. એ લગ્નની સાંસારિક ઈયત્તા તરીકે નાનકને બે પુત્રો પ્રાપ્ત થયા. પહેલો પુત્ર શ્રી ચંદ્ર અને બીજો પુત્ર લક્ષ્મીચંદ્ર જન્મ્યો. પરંતુ એમની આત્મોન્નતિની યાત્રા તો વણથંભી આગળ ચાલતી જ રહી. એ પ્રભુમય પુરુષ વારે વારે પ્રભુધ્યાનમાં ખોવાઈ જતા. કુટુંબીજનોને લાગ્યું કે નાનક તો પાગલ જ છે. આથી એના એ ગાંડપણનો ઈલાજ કરતા હકીમની પૃચ્છાના જવાબમાં નાનકે કહ્યું : “પ્રભુની જુદાઈનું દર્દ મને પ્રથમ છે, પછી એના મનનું દુ:ખ છે… માટે તું મને કશી દવા ન આપીશ.’ શાણા હકીમ નાનકનું દિલદર્દ જાણી ગયા. એમણે નાનકના કુટુંબીઓને બેફિકર રહેવા જણાવ્યું. આમ એક તરફથી નાનકની સંસારસેવા અને બીજી તરફથી પ્રભુસેવા એમ બંને અવિરત ચાલ્યાં.
નાનક જન્મ્યા ત્યારે દેશના ઉત્તર, પૂર્વ અને દક્ષિણના ઘણા પ્રદેશો મુસલમાનોના – ખાસ તો વાયવ્યના અફઘાનોના હાથમાં ચાલ્યો ગયો હતો. સંસ્કૃત ભાષાનું સ્થાન ફારસીએ લઈ લીધું હતું. હિન્દુ ધર્મ વેદમાં એમાં મૂળથી સરકી રહ્યો હતો. હિન્દુ ધર્મ ઉપર આપત્તિના પૂર ઉમટી રહ્યા હતા. એવામાં દેશના મૂળ આધ્યાત્મિક મૂલ્યોમાં એક નવું હકારાત્મક મોજું આવ્યું. રવિદાસ, તુકારામ, નામદેવ, મીરાંબાઈ, દાદુ, ચૈતન્ય તેમ જ દક્ષિણ ભારતના અનેક સંતોએ માનવીને આધ્યાત્મિક પરિપૂર્ણતાનો સંદેશ આપ્યો. નાનકની પણ તે જ વિચારધારા હતી.
તે સમયના હિન્દુ – મુસ્લિમ વચ્ચેના ઝઘડાઓથી અત્યંત વ્યગ્ર બનેલા તેમણે એક દિવસ ગૃહત્યાગ કર્યો. ત્યારે તેમની ઉંમર વીસ વર્ષની હતી. તેઓ પરણેલા હતા. વર્ષોના વર્ષો સુધી તેઓ ભારતના ખૂણેખૂણો ફરી વળ્યા. તેઓ મંદિરમાં ગયા અને મસ્જિદમાં પણ ગયા. પંડિતોને મળ્યા અને મુલ્લાંઓને પણ મળ્યા. તેમણે જોયું કે બંને ઈશ્વરમાં માનતા હતા. તો પછી ઝઘડો શેનો છે? નાનકદેવે એક્તાનો પ્રચાર કરવા લાગ્યા. હિન્દુ અને મુસ્લિમોનો બંને તેમની પ્રત્યે આકર્ષાયા અને તેમના શિષ્ય બન્યા.
મુસલમાનોને અસહિષ્ણુ નહિ બનવા અને પ્રત્યેક મનુષ્ય પ્રત્યે દયાભાવ રાખવા એમણે અનુરોધ કરેલો. ઈસ્લામનો એકેશ્વરવાદ એમણે સૌને ફરી ફરીને સમજાવેલો. મુસલમાનોને એમણે કહ્યું છે : “દયાને તમે તમારી મસ્જિદ બનાવો, નિષ્ઠાને બંદગીની સાદડી બનાવો, જે ન્યાયી અને કાનૂની છે તેને તમારું કુરાન અને વિનમ્રતાને સુન્નત બનાવો. સભ્યતાને તમારા રોજા બનાવો. આ રીતે તમે મુસલમાન બની શકશો.’ આમ એમણે ઈસ્લામનું સાચું રહસ્ય મુસલમાનોને સમજાવેલું અને મુસલમાનો વચ્ચે ભાઈચારાનો સંદેશ એ એમના સંદેશોમાંનો મહત્ત્વનો સંદેશ છે.
નાનકે હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે સંવાદ ઊભો કરવાનો પ્રયત્ન કરતા. ઈસ્લામના સમાનતા અને એકેશ્વરવાદના ખ્યાલોથી તેઓ પ્રભાવિત થયા હોવા છતાં તેમના વિચારોના મૂળ ઉપનિષદ પ્રેરિત અદ્વૈત અને એકેશ્વરવાદના સિદ્ધાંતો સાથે વધુ સુસંગત છે. તેઓ કર્મકાંડ, મૂર્તિપૂજા, અંધશ્રદ્ધા, અવતારવાદ તથા કુરુઢિઓનો વિરોધ કરતા. મનુષ્ય તથા ઈશ્વર વચ્ચે ધર્મગુરુઓની મધ્યસ્થીનો તેઓ અસ્વીકાર કરતા. અલબત્ત, ઈશ્વર પ્રાપ્તિના પથદર્શક તરીકે ગુરુનું સ્થાન તેમણે મહત્ત્વનું ગણ્યું હતું. તેઓ જ્ઞાતિપ્રથાના વિરોધી હતા.
ગુરૂ નાનકના શિષ્યો પાછળથી શીખ તરીકે ઓળખાયા. શીખો તેઓને આજે પૂરા ભક્તિભાવથી યાદ કરે છે અને રોજ સવારે નાનકજીએ લખેલા “જપજી’માંથી પાઠ કરે છે. શીખોનો ધર્મગ્રંથ “ગ્રંથસાહેબ” છે. તેમાં હિન્દુ અને ઈસ્લામ ધર્મમાંથી કેટલાંક ઉત્તમ તત્ત્વો લઈને શીખગુરુઓએ એ ગહન વાતો લોકોને સમજાય તેવી સરળ ભાષામાં મૂકી છે.
નાનકે ઉપદેશ આપવાનું શરૂ કર્યું ત્યારે એમનો પહેલો સંદેશો હતો : “કોઈ મુસલમાન નથી, કોઈ હિન્દુ નથી.’ પોતાના વિશે એમણે કહ્યું : “હું પંચમહાભૂતનો બનેલો માનવી છું. સાચા મુસલમાન કોણ? નાનક કહે છે : જે પાંચ નમાઝ અદા કરે. પાંચ નમાઝ એટલે સત્ય, પ્રમાણિક્તા, અલ્લાહની દુઆ માગવી અને શુદ્ધ – વિનમ્ર મન. હવે સાચો હિન્દુ કોણ ? તો નાનક કહે છે : “જેની જનોઈમાં કરુણાનું કપાસ હોય, સંતોષનો દોરો હોય, સંયમની ગાંઠ હોય અને સત્યનો વળ હોય એ જનોઈ પરલોકમાંય સાથે રહેશે.’
નાનકદેવ પછી એમના નવ અનુગામીઓએ એમનું ધર્મકાર્ય આગળ વધાર્યું. દસમા ગુરુ ગોવિંદસિંહ ૧૭૮૦માં મૃત્યુ પામ્યા તે પહેલાં એ ગુરુ પરંપરા બંધ કરતા ગયા અને તેમના અનુયાયીઓને પવિત્ર ગ્રંથસાહેબને સાક્ષાત ગુરુ માનવાનો આદેશ આપ્યો.