માળવા પર વિજય –
સિંધના સુમરાને હરાવીને ભીમદેવની સેના અણહિલપુર આવી. પણ અણહિલપુર સુનું લાગતું હતું કારણ_જ્યારે ભીમદેવ સહિત ગુજરાતની સેનાએ સિંધ પર આક્રમણ કર્યું એ વેળા જ લાગ જોઇને માળવાના મહારાજા ભોજનો સેનાપતિ ફુલચંદ અણહિલપુર આવીને પુષ્કળ લુંટ મચાવી ગયો હતો…! નિ:સહાય નગરમાંથી એણે ધન-સંપત્તિ એકઠી કરી હતી નગરના દરવાજે કોડીઓ દાટી અને ચાલ્યો ગયેલો…! આશ્વર્યની વાત એ છે કે, ફુલચંદે ખરેખર તો દરવાજે મીઠું દાટવાની જરૂર હતી-જે એ વખતના દરેક વિજયી આક્રમણકારીઓ કરતાં હતાં. પણ ફુલચંદે કોડીઓ દાટી મતલબ કે – તેણે લૂંટેલી સંપત્તિ ફરીવાર અણહિલપુરમાં આવવાની હતી. આમ,શરતચૂક કહો કે ગમે તે કારણે પણ ફુલચંદ ગુજરાત માટે શુભ શુકન મુકતો ગયો.
ભીમદેવને આ વાતની ખબર પડી. તેણે માળવા પર ચડાઇની તૈયારીઓ શરૂ કરી. દામોદર મહેતા સહિતના બાહોશ વ્યક્તિઓએ રણનીતિઓ ઘડી અને શુભ શુકન જોઇને ગુજરાતની સેના માળવાને રોળવા નીકળી પડી.
આ અગાઉ ભીમદેવના મહામંત્રી વિમળશાહે આબુના પરમાર રાજા ધંધૂકરાજને હરાવીને તેની પાસેથી આબુની અત્યંત રમણીય અને સફેદ ધવલરૂપ ચંદ્રાવતી નગરી મેળવી લીધી. એના પર તેણે દેલવાડાંના અપ્રતિમ કલાના નમુનારૂપ જૈન દેરાસરો બંધાવ્યાં. આવી જ રીતે વિમળશાએ કુંભારીયામાં પણ જૈન મંદિરો બંધાવેલા. પોતે જૈનધર્મી હોવાને નાતે તેણે ગુજરાત અને આબુને આ પ્રસિધ્ધીનો નમુનો આપ્યો.
ભીમદેવની સેનાએ માળવા ભણી કુચ આદરી. તેને ચેદિ [ બુંદેલખંડ ]ના રાજા કર્ણદેવનો સાથ મળ્યો. માળવાની વધતી જતી પ્રતિષ્ઠા સામે તે પણ અસંતુષ્ટ હતો. માળવા પર અલગ-અલગ બાજુથી બંને સેનાએ એકસાથે ચડાઇ કરવી એમ નક્કી થયું. અને પછી માળવાની સંપત્તિમાં પણ બંનેનો અડધોઅડધ ભાગ…!
કહેવાય છે કે, માળવાના સેનાપતિ ફુલંચદને ભીમદેવ સોલંકીના મહામંત્રી અને મહાસંધિવિગ્રાહક એવા દામોદર મહેતાએ અત્યંત પેચીદી કૌટિલ્યનીતિ ઘડી અને ફસાવ્યો અને પછી એને ખેટકવાડના બ્રાહ્મણોના હાથે ફસાવીને મરાવેલો. ચારેબાજુથી ઘેરાઇ જવાને કારણે મહી નદીના કોતરોમાં ફુલચંદ સહિત એની સેનાનો સાગમટો કચ્ચરઘાણ નીકળી ગયેલો.
આ બાજુ માળવામાં મહારાજા ભોજની તબિયત એકદમ કથળી રહી હતી. સામે બબ્બે રાજ્યોની સેનાઓ આવી રહી હતી. મહારાજા મુંજ પછી ભોજે તેનો વારસો જાળવીને દેવી સરસ્વતીને માળવાની સામ્રાજ્ઞી જ બનાવી દીધેલ…! ઉજ્જૈન અને ધારામાં કેટલાય મહાપંડિતો અહર્નિશ ભારતભરમાં માળવાનું નામ રોશન કરતાં હતાં. કહેવાય છે કે,માળવાની તોલે એ વખતે ભારતનું એકેય રાજ્ય નહોતું આવી શકતું…! માળવા એટલે પરમ વિદ્યાધામ ! મહારાજા ભોજ પોતે પણ એક શૂરવીર યોધ્ધા ઉપરાંત મહાકવિ હતાં. તેના દરબારમાં નવરત્નો હતાં. માળવા અજેય હતું – બધી જ રીતે !
પણ હવે નસીબ ફર્યું હતું. માળવા ઘેરાયું હતું. એની જાહોજહાલી જાણે અસ્તાચળ પર ઉતરી આવી હતી. સરસ્વતી નિરાધાર થઇ રહી હતી. સૈન્યબળ સમાપ્ત થઇ રહ્યું હતું-સૌંદર્ય અને કવિતાના અતિરેકમાં તિજોરીઓ ખુટવા માંડી હતી અને અધુરામાં પુરૂં – મહારાજા ભોજ અંતિમ શ્વાસ ગણી રહ્યાં હતાં : અસહ્ય ! નિરાધાર ! માળવાને અંત ભણી જતી જોઇ રહ્યાં હતાં !
આખરે એક દિવસ ભારતનો આ અમર રાજા ઇશ્વરના દરબારમાં ચાલ્યો ગયો. પણ એ અજેય હતો, ભીમદેવ કે કર્ણ ગમે તે કરી લે પણ એ કદી એની કીર્તિને હણી શકવાના ન હતાં. ભીમદેવની તાકાત નહોતી કે તે અણહિલપુરને ધારા કે ઉજ્જૈન જેવું બનાવી શકે ! અને ના તો એની ક્ષમતા હતી કે, તે માળવાની અમાપ કીર્તિને ટાળી શકે ! એક મહાનત્તમ ભોજ સિધાવી ગયો પણ એની કીર્તિ હંમેશ માટે રેલાવતો ગયો : એના કાકા મુંજની જેમ !
મહારાજા ભોજના મૃત્યુ પછી ગુજરાત અને ચેદીની સેનાઓએ માળવા પર હલ્લો કર્યો. સંઘર્ષ બાદ માળવાની નિસ્તેજ સેના હારી ગઇ. ચેદીના કર્ણએ માળવાની સંપત્તિનો ઘણો ભાગ પોતાની પાસે રાખ્યો, જે નિયમ વિરુધ્ધ હતું. આખરે દામોદર મહેતાએ કર્ણને બંદી બનાવીને તેની પાસે પ્રણ લેવડાવ્યા. કર્ણ બિચારો શું કરે ? એ બંધાયેલો હતો ! બંને લશ્કરે સમાન સંપત્તિ વહેંચી અને પ્રસ્થાન કર્યું. મહારાજા ભોજબાદ ઉદયાદિત્યએ માળવાની ગાદી સંભાળી.
વિજયની સાથે ગુજરાતની સેના અણહિલપુર આવી. મહારાજ ભીમદેવનો સર્વત્ર જયજયકાર વ્યાપી ગયો. અણહિલપુરમાં તેમની સવારી પર કંકુ-ચોખાના છાંટણા થયાં. આરતીઓ ઉતારી વધામણાં થયાં. અને ગુજરાતે મેળવેલા મહાન વિજયનો નાદ સર્વત્ર ફેલાઇ રહ્યો…!
[ ક્રમશ : ]
[ વધુ આગળના ભાગમાં…. ]
– Kaushal Barad.
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 9
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 10
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 11
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 12
ગુજરાતનો ઇતિહાસ ભાગ- 13
જો તમે આવીજ અન્ય માહિતી જેમકે સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો.