સત્ દેવીદાસે સ્થાનક ચેતવ્યુ

‘દત્તાત્રય મહારાજના ધૂણા’ નું સ્થાનક ગિરનાર પર્વતનાં ઉત્તુંગ શિખરોની બરાબર સામે પૂર્વ દિશામાં ઘનઘોર અરણ્યની વચ્ચે આવેલું હતું.

સ્થાનક અતિ પુરાણું હતું. પવિત્ર પણ એટલું જ હતું. પ્રચલિત અનુશ્રુતિઓ અનુસાર મહારાજા રતીદેવ આ સ્થળે પરિવાર સહિત નિવાસ કરીને આકરી તપશ્ચર્યા કરી હતી, અને પોતાના ભાગનો એક જ રોટલો હતો તે પણ સુધાર્થી અતિથિને આપી દઇને પોતે ઉપવાસ કર્યો. ભગવાન વિષ્ણુએ દર્શન દઈને ઈચ્છિત વરદાન આપ્યું હતું.

ત્યાર પછી ઋષિરાજ સરભંગે આ સ્થાનમાં આશ્રમની સ્થાપના કરીને નિવાસ કર્યો હતો અને વનવાસના સમય દરમ્યાન ભગવાન રામચંદ્રજીએ સીતાજી તથા લક્ષ્મણજી સહિત આ સ્થળે પદ્માસને તેમને દર્શન દઈને મનોકામના પૂરી કરી હતી. સરભંગજીએ ભગવાનના સાંનિધ્યમાં જ દેહનો ત્યાગ કર્યો હતો. ત્યારથી આ સ્થળ ‘સરભંગ ઋષિના આશ્રમ‘ તરીકે જાણીતું થતું.

ત્યાર પછી કાળાંતરે લાલુ તથા જશરાજ નામના કાપડી સંપ્રદાયના સિદ્ધયોગીઓના અવતાર મનાતા જસા તેમજ વરદાન નામના મહાત્માઓએ આ સ્થળમાં વસીને પ્રાણીમાત્ર પ્રત્યે સમભાવ દાખવીને તેમજ ઊંચનીચ જેવા જાતિગત ભેદભાવોને નષ્ટ કરીને ‘અઢારેય વર્ણના લોકોને એક પ્યાલે પાણી પીતા’ કરીને એકાત્મ ભાવનાયુક્ત ‘સત્ત ધરમનો’ પ્રચાર કરેલો અને જગતમાં ‘પીર’ તરીકે પ્રખ્યાત થઈ રહેલા અને જીવનકાળ પૂરો થયેથી અંતિમ સોડ પણ અહીં જ તાણી હતી. તેઓની તેમજ તેઓના એક શિષ્યા અમરીબાઈની આરામગાહ આ સ્થળે આવેલી હતી. ત્યાર પછી લક્ષ્મણજીનો અવતાર મનાતા કચ્છના સિદ્ધા યોગીરાજ મેકરણ કાપડીએ આ સ્થળમાં બાર વર્ષપર્યત નિવાસ કરીને આકરી તપશ્ચર્યા કરી હતી અને ત્યાર પછી ગુરુ મહારાજ દ્વત્તાત્રેયના આદેશાનુસાર કચ્છ ભૂમિ તરફ સિધાવી ગયા હતા.

એ વાતનેય પચાસેક વર્ષનાં વહાણાં વાઈ ગયાં હતાં. ત્યારથી સ્થાનક અચેતન હાલતમાં પડ્યું હતું. દેશભરમાં અરાજકતા અને અંધાધૂંધી વ્યાપી રહ્યાં હોવાથી જનતા ભારે વ્યથા ભોગી રહી હતી. માર્ગવ્યવહાર સલામત ન હતા. વાહનોની સગવડ ન હતી. તાર-ટપાલની વ્યવસ્થા ન હતી. કેળવણીનું નામનિશાન નહોતું. આના ફળ સ્વરૂપે જનતામાં ભારોભાર અજ્ઞાન ભર્યું હતું. ખોટા વહેમો, તેમજ માન્યતાઓ ઘર કરી ગયાં હતાં. ધંધા-રોજગારની અછતના કારણે ગરીબી વધી રહી હતી. અવારનવાર થતાં યુદ્ધોને લીધે તેમજ લશ્કરોની હેરફેર તેમજ લૂંટારાઓની જોહુકમીને લીધે ખેતીવાડી પણ ભાંગી પડી હતી. જનતા અસહાય બનીને જિંદગીને બોજ વેંઢારી રહી હતી.

આ સ્થાન અંગે પણ કેટલીક ભ્રામક વાતો પ્રચલિત બની ગઈ હતી. ‘સ્થાનક ભારે છે, ચળીતર થાય છે, અહી કોઈ ટકી શકતું નથી.’ આવી માન્યતા બંધાઈ ગઈ હોવાથી લોકો આ સ્થાનકનું નામ લેતાંય ડર અનુભવતા હતા. જવાની વાત તો હતી જ નહિ. આવી વિષમ પરિસ્થિતિ હતી. થોડોક સમય વધુ આમ ને આમ વિતે તો લોકોનાં માનસમાંથી આ સ્થાનક સદંતર વીસરાઈ જવાની વેળા આવી હતી અને એટલે જ ગુરુ મહારાજ જેરામ ભારથીએ તેમના નૂતન શિષ્ય સંત દેવીદાસને આ સ્થાનકને ચેતાવવાનો આદેશ આપ્યો હતો.

કથાકાળે સ્થાનકની આસપાસ ઘટાટોપ જંગલ આવેલું હોવા છતાં સ્થાનકને ફરતાં ચોતરફ નાનાં નાનાં ગામડાંઓ પણ વસી ગયાં હતાં. થોડે દૂર બગસરા જેતપુર જેવાં ગામો પણ આવેલાં હતાં અને આ બધાં ગામોએ જવા-આવવાનો ગાડામારગ પણ સ્થાનકની નજીકમાં થઈને જ નીકળતો હતો, છતાંય લોકોના મનમાં ‘સ્થાનક ભારે’ હેવાની જબરી ભડક બેસી ગયેલી હોવાથી વટેમાર્ગુઓ આ સ્થળે રોકાયા વગર ઝડપથી આગળ વધી જતા હતા. ફક્ત અડખેપડખેના ગોવાળો પોતપોતાનાં ઢોરાને જંગલમાં ચરાવવા આવતા હતા. તેઓ પણ સ્થાનકથી દૂર ને દૂર જ રહ્યા કરતા હતા.

રામનાથથી વિદાય થઈને દેવીદાસજી સંધ્યા સમયે છોડવડી પોંહચ્યા હતા. રાત રોકાઈને સવારનાં પ્રાત:કર્મોથી પરવારીને મનોમન ગુરુ મહારાજનું સ્મરણ કરીને “સીતારામનું રટણ કરતા કરતા ‘આશ્રમ’ની દિશામાં ચાલી નીકળ્યા હતા.

મધ્યાહન સમયે તેઓ આશ્રમની સમીપ આવી ગયા. થોડે દૂર ઝાડોના છાંયડે ઢોરોની સહિત પાંચ-છ ગોવાળો બેઠા હતા. તેઓની પાસેની સરભંગ ઋષિના આશ્રમનું સ્થાન અહીં જ હેવાનું જાણીને પ્રસન્ન થયેલા ગોવાળોના આગ્રહને માન આપીને તેઓની જોડે ભોજન પણ કર્યું હતું અને ત્યાર પછી આશ્રમની અંતર્ગત મુખ્ય સ્થળમાં પ્રવેશ કરીને ત્યાં જામી ગયાં.

ઝાળાંઝાંખરાઓનાં ઝંડોને કાપીને, વાળીચોળીને સ્વચ્છ કર્યું હતું. ગોવાળોએ પણ સહાય કરી હતી. – હવે જસાપર તથા વરદાનપીરની અને અમરીબાઇની આરામગાહ સ્પષ્ટ કળાતી હતી તેમજ લીમડાના વૃક્ષની હેઠળ આવેલા મેકરણદાદા કાપડીના ધૂણાનું સ્થળ, તેમાં ખોડેલા ત્રિશૂલ સહિત દષ્ટિગોચર થતું હતું. કામથી પરવાર્યા પછી નજીકમાં જ આવેલી સાંકડી ‘કૂઈ’ માંથી પાણી સીંચીને દેવીદાસજીએ તથા ગોવાળોએ હાથ-પગ ધોયા અને કૂઇની ઉગમણી તરફ આવેલી આમલીનાં વૃક્ષોની હેઠળ બેસીને વાતો કરવા લાગ્યા.

તેમના સરળ નિખાલસ સ્વભાવને કારણે ગોવાળોને તેમના પ્રત્યે ભારે માન ઉપજતું હતું. સંકોચ પણ થતો ન હોવાથી છૂટથી વાતો કરતા હતા.

એક ચબરાક ગોવાળે ભજન સંભળાવવાની વિનંતી કરવાથી દેવીદાસજીએ ધીર ગંભીર સ્વરે મીઠી હલક્યુક્ત ભજનગાન કર્યું. ગોવાળો મુગ્ધ બની ગયા. વાતાવરણ આહલાદક બની રહ્યું.

સૂર્યાસ્ત થવાને ઝાઝી વાર રહી નતી એટલે ગોવાળો પાસેના કડી–ચકમક વડે અગ્નિ પ્રગટાવીને પવિત્ર ધૂણામાં સ્થાપના કરી, ભગવા વસ્ત્રમાંથી એક ટુકડે ફાડીને તેની ધજા કરીને લીમડાની ઊંચી વળે ફરકતી કરી દીધી. ગજવામાંથી ગૂગળની કાંકરી ખોળી કાઢીને ધૂપ પ્રગટાવ્યો, વાતાવરણમાં મધુરી સુગંધી પ્રસરી હતી.

ગોવાળો માલ-ઢોરો હાંકીને ચાલ્યા ગયા અને દેવીદાસજી મારાજ પરમાત્માના ધ્યાનમાં લીન બની ગયા.
ભાગ-૫ ક્ર્મશઃ પોસ્ટ

સંદર્ભ-ગ્રંથોઃ
અમર સંત દેવીદાસ
સોરઠી સંતો

લેખક-પ્રકાશક: શ્રી માંડણપીર બાપુની જગ્યા
સતદેવીદાસ બાપુની જન્મ ભૂમિ માંડણપીર ધામ, મોટા મુંજીયાસર તાલુકો. બગસરા જીલ્લો.અમરેલી. મો.94261 62860

પ્રેષિત-સંકલન: મયુર. સિધ્ધપુરા – જામનગર
મો.97256 30698

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું..

error: Content is protected !!