⚔ પ્રાચીન ભારતનો ઈતિહાસ ⚔ ۞ ચંદ્રગુપ્ત- સેલ્યુકસ સંધિનું મૂલ્યાંકન ۞

ஜ۩۞۩ஜ મૌર્ય વંશ ஜ۩۞۩ஜ
ஜ۩۞۩ஜ ચંદ્રગુપ્ત-સેલ્યુકસ સંધિનું મૂલ્યાંકન ஜ۩۞۩ஜ
(ઈસવીસન પૂર્વે ૩૨૨થી ઇસવીસન પૂર્વે ૨૯૮)

ઈતિહાસ એટલે મતમતાંતર અને વાદવિવાદો નહીં પણ પોતાનાં મતોને એક ઠોસ આધાર પર રજુ કરતું વિશ્વનું સુખ્યાત એક માધ્યમ. એ આપણી જ કમનસીબી છે કે આપણે કશું પણ જાણ્યા વગર એમાં કારણવગર કૂદી પડતાં હોઈએ છીએ. ઈતિહાસ એ મૂલ્યાંકન નથી પણ એક નવું દિશાસૂચન છે. એક ચોક્કસ દિશા તરફ પ્રયાણ એટલે જ ઈતિહાસ ! ઇતિહાસમાં આમ બન્યું હતું કે આમ બન્યું હશે એમ કહેવું સહેલું છે પણ આમ કેમ બન્યું અને કેવી રીતે બન્યું એ કોઈ કહી શકતું નથી કે કોઈ એ સાબિત કરવાનો પ્રયત્ન સુધ્ધાં કરતું નથી. જો કોઈ એવો પ્રયાસ કરે તો એને ઇતિહાસની ખબર નથી એમ કહી ઉતારી પાડવામાં આવે છે. ઇતિહાસમાં શું કહેવું છે અને શું સાબિત કરવું છે એ બાબતમાં એ લખનારે અતિસ્પષ્ટ હોવું ખુબ જ જરૂરી છે. ઈતિહાસ પરિણામ પર નહીં પણ પરિમાણો પર નિર્ભર હોય છે. ઈતિહાસ સમજાય તો જ લખાય એ વાત સમજવા જેવી ખરી દરેકે ! આ સમજણ એમ ને એમ તો આવતી નથી એ માટે ઘણો જ અભ્યાસ અને ઘણાં જ સંશોધનો તેમ જ પ્રવાસો કરવાં પડતાં હોય છે. આ માટે રાતોની રાતોનાં ઉજાગરા વેઠવાં પડતાં હોય છે. ઈતિહાસ એટલે માત્ર ઉલ્લેખ નહી અને જે ઉલ્લેખિત છે એ પણ ઈતિહાસ નથી. ઈતિહાસ એ બન્નેથી પર છે જે સત્યતાનો આગ્રહી છે. ઇતિહાસમાં આ જ સત્ય છે એ તો કોઈ જ કહી શકતું નથી અને એ સાબિત પણ નથી કરી શકાતું પણ એ સત્ય સુધી પહોંચી જરૂર શકાય છે જો તમે ત્યાં સુધી પહોંચવા માંગતા હોવ તો જ ! સાચો ઈતિહાસ લોકો સમક્ષ લાવવો ખુબ જ જરૂરી છે અને એ માનવજીવનની જરૂરિયાત પણ !

પહેલાં લખાયું હોય એ જ લખવું અને એને જ પરમ સત્ય માનવું એ નરી મૂર્ખતા જ છે. ઈતિહાસ એ કોપી-પેસ્ટ તો નથી જ. એને એ ઢાંચામાંથી બહાર લાવો એ માત્ર ઈતિહાસકારો કે લેખકોનું જ કર્તવ્ય નથી પણ એ શિક્ષકો અને અધ્યાપકોની પણ એટલી જ જવાબદારી છે. આ જ કારણોસર આજે આપણો ગૌરવવંતો ઈતિહાસ એ ભારતીય નહીં પણ પ્રાંતીય બની ગયો છે.આ ભૂલ મૂળમાંથી થયેલી છે એટલે એમ કે છોડને બરાબર ખાત્ર નાંખી એની સારસંભાળ બરાબર રાખીએ તો જ એ ઘટાદાર વટવૃક્ષ બની શકે ! ઈતિહાસ બરાબર લખાયેલો નથી એટલે એ યોગ્ય રીતે ભણાવાતો નથી અને બરાબર ભણાવતો નથી એટલે એ વિદ્યાર્થીઓમાં એક પ્રકારની ગેરસમજણ ઉભી કરનારો અને એક પ્રકારની ઉદાસીનતા પ્રેરનારો બની રહે છે. ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની આ ઉદાસીનતા સમજણપૂર્વકના ઈતિહાસ લેખો જ દૂર કરી શકે તેમ છે. ઈતિહાસલેખોમાં મગજ વાપરવું પડે છે સાથે સાથે ભાષાપ્રભુત્વ પણ હોવું એટલું જ જરૂરી છે. ત્યારે જ ઈતિહાસ લેખો લખાય છે અને તે વંચાય છે નહીં તો નહીં જ !

આર્યોની વાતમાં સમગ્ર વિશ્વ જાણે એટલું ઓતપ્રોત છે કે જાણે તેઓ ભારતનું અસ્તિત્વ જ ભૂલી ગયાં છે. આ “આર્યો” અને એમનો પ્રદેશ જાણે એમના બાપની માલિકીનો હોય એમ જ સમગ્ર વિશ્વ માનતું હોય એવું પ્રતીત થાય છે. આર્યોના મૂળવતન માટે એ લોકો સમગ્ર વિશ્વપ્રવાસ કરી આવ્યાં છે. બીજી સંસ્કૃતિઓ ગઈ તેલ લેવાં! આપણે આપણી સંસ્કૃતિનું જ ગૌરવ લેવું જોઈએ. આ લોકોની ઊંઘ હરામ કરી નાંખી આપણી વૈદિક સંસ્કૃતિ અને આપણા મૂળ ગ્રંથો વેદોએ ! તો એ આર્યો માટે ઈરાનીઓએ “ઇન્ડો ઈરાનીયન” શબ્દ વાપર્યો છે તો ગ્રીકોએ “ઇન્ડો ગ્રીક” એવો શબ્દ વાપર્યો છે. આ બધાનું મૂળ છે ભારતની ઉત્તર વાયવ્ય સરહદે આવેલી “હિંદુકુશ” પર્વતમાળા. તેમને એમ કે ભારતમાં આવીને વસેલી પ્રજા એ એમનાં જ દેશની છે. જ્યારે સિંધુ સંસ્કૃતિ એની ચરમસીમા પર હતી ત્યારે આ આરબો, ઈરાનીઓ, ગ્રીકો અને રોમનો એમ કહો કે સમગ્ર યુરોપિયનો એ સંસ્કૃતિને પોતીકી બનાવવા સદાય તત્પર રહેતાં હતાં. પહેલ કરી હતી ઈરાનીઓએ આક્રમણનાં નામે અને પછી તેમાં યવનો ભળ્યાં એ પણ આક્રમણનો સહારો લઈને જ ! આ બધાએ કથિત વિજયો પણ મેળવી દીધાં ભારત પર.

આ બધું થયું ઇસવીસન પૂર્વે છઠ્ઠી સદીથી ઇસવીસન પૂર્વે ચોથી સદીના ઉત્તરાર્ધ દરમિયાન. નામ આપ્યું સિકંદરનું આક્રમણનું પણ એ ફાવ્યો નહીં. તે નાં જ ફાવે ને ભારતની પ્રજા શુરવીર હતી એનો પરચો જો રાજા પોરસે એમને આપી જ દીધો હતો. પણ ભારતને સિકંદરના કથિત આક્રમણથી એક સારી વસ્તુ પ્રાપ્ત થઇ ઈતિહાસને સાલવારી પૂર્વક રચવાની. ભારતનો સાચો ઈતિહાસ પણ અહીંથી જ શરુ થાય છે. હવે….. આ વિદેશીઓ એ વાત ભૂલી ગયાં કે ભારતમાં ઇસવીસન પૂર્વે ૩૨૨માં તો સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યનું એકચક્રી શાસન શરુ થઇ ગયું હતું ! તે પહેલાં બુદ્ધિશાળી રાષ્ટ્રભક્ત ચાણક્ય અને પ્રખર શક્તિશાળી દેશપ્રેમી ક્ષત્રિય ચંદ્રગુપ્તે ગ્રીકોના વસવાટ પર હલ્લાબોલ કરીને તેમને ત્યાંથી તગેડી મુક્યા હતાં. પછી જ ચંદ્રગુપ્ત મગધમાંથી નંદવંશનો અંત આણી મગધના સમ્રાટ બન્યાં. તેમને જે વિજય અભિયાન આદર્યા હતાં તે છેક ઇસવીસન પૂર્વે ૩૦૫ કે ૩૦૩ સુધી ચાલુ જ રહ્યાં હતાં. ઇસવીસન પૂર્વે યવન સેનાપતિ અને પછીથી બનેલાં શાસક સેલ્યુકસ પ્રથમ નિકેટરે ભારત પર આક્રમણ કર્યું પણ તે સમ્રાટ ચન્દ્ર્ગુપની તાકાતથી વાકેફ નહોતો એટલે તે બહુ જ રીતે હાર્યો અને એણે ચંદ્રગુપ્ત સાથે પરાણે સંધિ કરવી પડી હતી ! આટલું તો આપને જોયું અગાઉના ભાગોમાં!

હવે આ ચંદ્રગુપ્ત મૌર્ય- સેલ્યુકસ સંધિનું એક મૂલ્યાંકન પણ કરી જ લઈએ !

ચંદ્રગુપ્ત મૌર્ય – સેલ્યુકસ સંધિ —– એક મૂલ્યાંકન —-

ચંદ્રગુપ્તે ગાદીનશીન થયાં પૂર્વે જ પંજાબ અને સિંધમાંથી યવનો એટલે કે ગ્રીકોને હાંકી કાઢ્યાં હતાં. હવે આ યવનો એ માત્ર પંજાબ- સિંધ પ્રાંત સુધી જ માર્યાદિત નહોતાં. તેમનો પગપેસારો તો અત્યારના પાકીસ્તાન અને અફઘાનિસ્તાન સુધી હતો કારણકે ઈરાનની સરહદ પણ અહીં જ હતી જે આજે અત્યારે પણ છે જ ! એ વખતે ભારતમાં ૧૬ મહાજનપદોની બોલબોલા હતી મગધ સામ્રાજ્યમાંથી મહાસામ્રાજ્ય બની ગયું હતું. એક વાત તમને કહેવાની રહી ગઈ કે આ મહાજનપદોએ આજુબાજુના નાનાં ગણરાજ્યોને હરાવીને તેમને પોતાનામાં ભેળવી દઈને એ મહાજનપદો બન્યાં હતાં. આ નાનાં ગણરાજ્યોની વાત કરીએ તો એમાં અમુકની વસ્તી જ ખાલી ૩૦૦૦થી ૫૦૦૦ હતી તો વિચાર કરો કે એમાંથી સ્ત્રી બાળકોને બાદ કરો તો એમનું સૈન્યબળ કેટલું હોય ? આ જ કારણે મહાજનપદની સત્તા ભૂખ ઉઘડી હતી. નબળાને દબાવી ઉપર આવવું એજ એમનો મુદ્રાલેખ હતો એમાંને એમાં ઘણા ગણરાજ્યનો અકાળે અંત આવ્યો પિપ્પલિવન આવું જ એક ગણરાજ્ય હતું જેનાં રાજા મહાન ચંદ્રગુપ્તના પિતા હતાં અને તેમનું મૃત્યુ આવી જ એક સત્તાની લડાઈમાં થયું હતું. ચંદ્રગુપ્ત મૌર્યને આનો પણ બદલો લેવો હતો તે તેમણે લીધો. કિન્તુ એ પહેલાં જે ભારતની ઉત્તર વાયવ્ય સરહદે જે ગણરાજ્યો બાકી રહ્યાં હતાં જેમાં પહેલાં ઈરાનીઓ અને અને પછી ગ્રીકોએ કાયમી વસવાટ કરી ઉધમાત મચાવતાં હતાં તેમનો વારો કાઢ્યો. એમનું સૈન્યબળ બહુ તો હતું જ નહીં પણ એ લોકો ભારે લડાકુ કોમ તેમ છતાં તેઓ ચંદ્રગુપ્ત સામે હાર્યા. ગ્રીકોના જણાવ્યા પ્રમાણે તો ચંદ્રગુપ્તે માત્ર પંજાબ અને સિંધમાંથી જ ગ્રીકોને હાંકી કાઢ્યાં હતાં. આ વાતની પુષ્ટિ તો બૌદ્ધ અને જૈન ગ્રંથો અને કેટલાંક બીજાં સાહિત્યિક ગ્રંથો પણ કરે છે. પણ ગ્રીકો અને રોમનો પોતાનું નીચું જરાય દેખાવા નહોતાં માંગતા. આ જ કારણે તેમણે સેલ્યુકાસના આક્રમણનો સહારો લીધો એમાં પણ પાછું એ લોકો “ફરીથી” એવું લખવાનું તો ભૂલ્યાં જ નહીં.જે માણસનું નામ પહેલી વખત જ કોઈએ દીધું નહોતું એ માણસનું નામ ફરથી લખવા પાછળનો એમનો લુચ્ચો હેતુ સ્પષ્ટરૂપે જણાઈ આવે છે. એ લોકો સિકંદર વખતે આ નામનો ઉલ્લેખ કરી જ શક્યાં હોતને વળી ! જે એમણે નથી જ કર્યો ક્યાય પણ. આવું કેમ કર્યું તેમણે એ મારે તમને સમજાવવાનું હોય જ નહીં. આનાથી જ એ ફલિત થઇ જાય છે કે આ આક્રમણ પણ કથિત જ હતું.

ચંદ્રગુપ્તે ગાદીનશીન પહેલાં સંધિમાં ઉલ્લેખિત પ્રદેશો જીત્યાં હતાં જેને નામ આપવમાં આવ્યું છે સંધિનું. હકીકત તો એ છે કે ચંદ્રગુપ્તે આ બધાં પ્રદેશો પહેલાં જીત્યાં હતાં એ સંધિથી પ્રાપ્ત ન્હોતાં થયાં. આમેય ચંદ્રગુપ્ત એવો રાજા હતો જે વચ્ચેથી તો વિજયી અભિયાન છોડે નહીં અને એવું વિચારે પણ નહીં કે કે પહેલાં હું મગધમાંથી નંદવંશી રાજા ધનનંદનો ખાત્મો કરું પછી પાછો આ ગ્રીકોને હરાવવા હું આવીશ. આજુમાં ફેલાયેલાં ગ્રીકો – ઈરાનીઓ ત્યાં સુહી શાંત બેસી રહે ખરાં કે ! એ ના જ બેસે ઉલટાના તેઓ એક થઇ આક્રમણ કરે અને એ લોકો આવું કરે એ વાતની શું ખબર ચાણક્યને કે ચંદ્રગુપ્તને ના હોય ! હોય જ ભાઈ હોય જ ! ચાણક્ય નીતિ એમ કરવા જ ન દે ચંદ્રગુપ્તને. એટલે એજ સર્વસ્વીકૃત મત છે કે ચંદ્રગુપ્તે આ બધાં ગ્રીકોને પહેલાં તગેડયા હોય પછી જ તેઓ મગધપતિ બન્યાં હોય ! ઈતિહાસકારોનો પણ મત કૈંક આવો જ છે પણ એમની ખામી એ છે કે તેઓ એકમત થતાં જ નથી. ચંદ્રગુપ્ત એક પ્રદેશમાંથી ગ્રીકોને હાંકે પછી એ બીજાં પ્રદેશમાં જાય ત્યાંથી ગ્રીકોને ખાદેડે પછી એ ત્રીજા- ચોથાં પ્રદેશમાં જાય. વળી ચંદ્રગુપ્ત એ તક્ષશિલામાં આઠ વરસ રહ્યાં હતાં એ સારી રીતે જાણતાં જ હોય કે આજુબાજુના ક્યાં પ્રદેશો ગ્રીકો હસ્તક છે તે. એટલે એ બધાં એક સામટા જ ચંદ્રગુપ્તે જીત્યાં હતાં એવું મારું અનુમાન છે.

હવે વાત કરીએ સંધિની —- સંધિની શરતો પ્રમાણે એરિયાના ચાર પ્રદેશો ચંદ્રગુપ્તને પ્રાપ્ત થયાં—

  • (૧) એરિયા (હેરાત)
  • (૨) આરકોશિયા (કંદહાર)
  • (૩) ગેડ્રોસિયા – જેડ્રોસિયા (બલુચિસ્તાન)
  • (૪) પેરીપેમિસદાઈ (કાબુલ)

આ પ્રદેશોનાં નામ ભલે ગ્રીક હોય પણ એનો ઉલ્લેખ તો છેક વેદકાળથી થયેલો છે. આ બધાં પ્રદેશો તે તે સમયથી જ ભારતનાં અવિભાજ્ય અંગો હતાં. તેમનાં નામ હાલમાં શું છે એ પણ મેં દર્શાવ્યું છે. આ પ્રદેશો એ સિંધ-પંજાબની નજીક જ હતાં અને અમુક તો સિંધ અને પંજાબના જ ભાગો હતાં. એટલે એનાં પરથી એ સાબિત થાય છે કે આ પ્રદેશો પર ચંદ્રગુપ્તે ઇસવીસન પૂર્વે ૩૨૨ પહેલાં જ વિજય પ્રાપ્ત કર્યો હતો તે વિજય જ હતો જેને ગ્રીકોએ સંધિ એવું નામ આપ્યું છે. આ સંધિનો ઉલ્લેખ તો ઇતિહાસમાં ઘણે બધે ઠેકાણે થયેલો જોવાં મળે છે. પણ એ સૌ પ્રથમ ઉલ્લેખ તો ગ્રીકોએ જ કર્યો હતો એટલે તેનો ઉલ્લેખ બધાંએ કર્યો છે. એ વખતે સંધિ અને કરારમાં ગ્રીકોનો જોટો જડે એમ નથી જ . આ સંધિ ચાણક્યે કરાવી હતી એ તો માત્ર દંતકથા જ છે જેનું ઇતિહાસમાં કોઈ જ સાક્ષ્ય પ્રમાણ મળતું નથી. નાં જ મળે ને તે કારણકે ભગવાન કૌટિલ્યે તેમનાં પ્રખ્યાત ગ્રંથ “અર્થશાસ્ત્ર”માં ચન્દ્રગુપ્ત નામનો ઉલ્લેખ કોઈપણ જગ્યાએ નથી જ કર્યો એ શું દર્શાવે છે ? મૌર્યશાસનની માહિતી “અર્થશાસ્ત્ર”માંથી આપણને ગુપ્ત સમયમાં મળે છે જે અર્થશાસ્ત્રનું સંવર્ધિત વર્ઝન છે. બની શકે એમાં એ ઉમેરાયેલું હોય અથવા સંકલિત થયું હોય પણ એક વાત તો ચોક્કસ છે કે એમાંથી મૌર્યકાલની એટલે કે ચંદ્રગુપ્તનાં સમયની શાસન વ્યવસ્થાનો થોડો ઘણો ખ્યાલ આપણને મળે છે ખરો. એમ કહી શકાય કે રાજશાસનની પ્રારંભિક વ્યવસ્થા જ આપણને આ “અર્થશાસ્ત્ર”માંથી પ્રાપ્ત થાય છે તે પણ ચંદ્રગુપ્તના નામ દીધાં વગર જ !

એટલે એ સવાલ મનમાં જરૂર ઉપસ્થિત થાય કે તો પછી આ સંધિ કરાવી કોણે ? અને આ સંધિનો હેતુ શું હતો ? હેતુ એ કે ગ્રીકો આ પ્રદેશ આ પહેલાં ચંદ્રગુપ્ત દ્વારા જીતવામાં આવ્યાં હતાં તે વાત એટલેકે તેમની હાર તેઓ પચાવી શકતાં નહોતાં એટલે જ તેમણે આ સંધિનું બહાનું ઉપજાવી કાઢ્યું છે. ચંદ્રગુપ્ત મૌર્યની સરહદો છેક અફઘાનિસ્તાન અને ઈરાન સુધી પહોંચી ગઈ હતી એ એમનાથી બરદાસ્ત ના થયું એટલે ચંદ્રગુપ્ત એ પ્રદેશ આ રીતે જીત્યો હતો મતલબ કે તેમણે આ સંધિ દ્વારા પ્રાપ્ત થયાં છે એવું પ્રતિપાદિત કરી દેવામાં તેઓ સફળ રહ્યાં. અગાઉ કહ્યું હતું મેં કે ભારતીયો ઈતિહાસ લખવામાં પાછળ પડયા છે એનો ભરપુર લાભ ઉઠાવ્યો આ ખંધા – લુચ્ચા -લફંગા ગ્રીકોએ ! તે હાર્યા હતાં એ વાત પણ તેમને કહી દીધી પણ તેમની કહેવાની રીત જુદી હતી. આ માટે જ તેમણે સેલ્યુકસ દ્વારા ભારત પર આક્રમણ કરતો બતાવ્યો અને ભારતમાં તેને હારતો બતાવ્યો !

ગુજરાતમાં ઈતિહાસ આ રીતે ભણાવાય છે કે —- ગ્રીકો કેટલાં સારાં કહેવાય કે તેઓ હાર્યા હોવાં છતાં તેનો બધો શ્રેય ચંદ્રગુપ્તને જ આપે છે. આવું ભણાવનાર અને આવું લખનાર એ માત્ર શોધનિબંધકારો જ નથી એમનાં ગુરુઓ જેઓ પણ એકવાર શોધનિબંધકર્તા હતાં તેઓ પણ છે. આવાં જ લોકોને લીધે ગુજરાતના ઇતિહાસની પત્તર ખંડાઈ છે. શું કહેવું છે એની જ એમને ખબર નથી અને ઇતિહાસની સાચી સમજ પણ નથી તેમનામાં ! સાલવારીમાં અને વિગતોમાં બહુ જ લોચા માર્યા છે આ ગુજરાતી ઈતિહાસકારો અને લેખકો-અધ્યાપકોએ ! ગુજરાત પણ તે સમયમાં મૌર્ય યુગના તાબા હેઠળ જ હતું તેમ છતાં તેઓ ભારતની આ વિભૂતિ અને અભૂતપૂર્વ ઘટના વિષે ગલ્લાંતલ્લાં જ કરે છે. ગુજરાતનો ઈતિહાસ તો ગુપ્તયુગ પછી શરુ થાય છે એમાં ને મધ્યકાળનાં સુવર્ણયુગ સોલંકીયુગ તથા ચાવડા વંશમાં અને વાઘેલા વંશમાં પણ તેમણે ભયંકર લોચાલાપસી જ કરી છે.

શું ગુજરાતી કે શું ભારતીય ઈતિહાસકારો અને લેખકો એ લોકો મતમતાંતરોમાંથી ઊંચા જ આવતાં નથી એને લીધે જ સાચો ઈતિહાસ બહર આવી શકતો નથી કે તે ન આવે એમ તેઓ ઈચ્છે છે એ કઈ ખબર પડતી નથી. આ વાત તો જોકે ૧૯મી સદીથી ૨૧મી સદી સુધીની છે. તેમણે એવું કરતાં કે કહેતાં પહેલાં ઈતિહાસ એક વાર ઉથલાવી લેવાની જરૂર હતી. ગ્રીકો એટલે જ તો ફાવી ગયાં ને !

આ જે પ્રદેશો ચંદ્રગુપ્તે જીત્યાં હતાં તેના પર પરાણે કબજો જમાવીને બેઠાં હતાં આ ગ્રીકો. ઈતિહાસકારો ભલે એમ કહે કે ત્યાંના શાસકો ગ્રીક હતાં અને તેમની નિમણુક સિકંદરે કરી હતી આ બધું જ ખોટું છે. સિકંદરને છાવરવા માટેનું રીતસરનું ષડયંત્ર છે. ચલો …… ચંદ્રગુપ્તે વિજય મેળવ્યો પણ એને બિરદાવવાની જગ્યાએ આ સંધિને આટલું બધું પ્રાધાન્ય શા માટે આપ્યું હશે ?

એનો જવાબ પણ હું જ આપી દઉં તમને કે એ ચન્દ્રગુપ્ત એમનાં પર ચડાઈ કરી હરાવી ગયો એ વાત એમની બરદાસ્તની બહાર હતી. તેઓ એવું માનતાં હતાં કે ભારત તો નાનાં નાનાં રાજ્યોમાં વિભાજિત થયેલું છે તેમનામાં એકતા જ નથી બધાં સ્વાર્થના સબંધે જોડાયેલાં છે ખાલી ! એ વળી આપણને શું હરાવી શકવાના હતાં ? તેઓ એમનું સંભાળે તોય બસ છે. આપણે ભારત પર આક્રમણ ના કરી શક્યાં તો ના સહી એ લોકો કંઈ આપણા પર થોડાં ચડી આવવાનાં છે તે ! પણ એમની એ આશા ઠગારી નીવડી ભારત એક પણ થયું અને ગ્રીકો પર ચડાઈ કરી તેમને હરાવ્યાં પણ ખરાં. ગ્રીકોએ તો હજી પણ એમ જ છે કે આક્રમણ કરી હરાવવાનો અબાધિત અધિકાર એમનો જ છે. ભારત ખાલી સામનો કરી શકે છે કંઈ વળતો હુમલો ના જ કરી શકે આવા જ કોઈ ખયાલોમાં તેઓ રાચતાં હતાં. પણ આ તો પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવું થયું. ઇસવીસન પૂર્વે ૩૨૩માં જ સિકંદરના અવસાન પછી તેઓ તેમનાં જ પ્રદેશોમાંથી હારીને ઘરભેગાં થઈ ગયાં.

આ વાત એમનાથી સહન ના થઇ શકી અને ૨૦ વરસ પછી એમણે વળી પાછી આક્રમણની વાત ફેલાવી અને કહ્યું શું કે અમે ચંદ્રગુપ્તની શક્તિથી અજાણ હતાં. આ સેલ્યુકસવાળી ઘટના બની તો છે ઇસવીસન પૂર્વે ૩૦૫ કે ઇસવીસન પૂર્વે ૩૦૩માં. ઘટના ખોટી નથી પણ જગ્યા અને સાલવારી કદાચ ખોટી હોય એવું મારું અનુમાન છે. કારણકે આ લખ્યું છે તો ગ્રીકોએ જ ને ! એમણે કોઇપણ રીતે ભારતને નીચાંજોણું કરવું હતું એટલે એમણે આ આક્રમણની વાત ઉપજાવી કાઢી ત્યાં ચંદ્રગુપ્તને હાથે હાર્યા એવું સ્થાપિત કરી દીધું. ચન્દ્ર્ગુપ્તે આ સમયગાળા દરમિયાન અનેક વિજયો મેળવ્યા હતાં અને અનેક સ્થાપત્યો બાંધ્યા હતાં અને અનેક શિલાલેખો કોતરાવ્યા હતાં અ વાતની ગ્રીકોને તો ખબર ના જ હોય ને ! એટલે તેમણે અને પૂર્વીય ઈતિહાસકારોએ ભેગાં મળીને આ સંધિનું નાટક કર્યું હોય એવું લાગે છે. કદાચ આમાં બૌદ્ધો પણ ભળ્યાં હોય પણ એવું લાગતું તો નથી ! એટલે ગ્રીક-રોમનની જ મીલીભગત લાગે છે.

આખરે કર્યું તેવું ભોગવવું તો પડે જ ને. જે પ્રદેશો ગ્રીકોએ પરાણે અને ખોટી રીતે પચાવી પાડયા હતાં તે કાયદેસર રીતે ચન્દ્રગુપ્તનાં થઇ ગયાં. ચલો એ બહાને સંધિ તો સંધિ સહી પણ એ પ્રદેશો ભારતના ભાગો તો બની જ ગયાં ને ! આવું કરવાં પાછળનો ગ્રીકોનો હેતુ અતિસ્પષ્ટ છે અને એ આ શરતનો એક ભાગ પણ છે તે છે — હિંદુકુશ પર્વતમાળા. આ જ હિંદુકુશ એ બધાનું મૂળ છે અલબત્ત ગ્રીકોની દ્રષ્ટિએ. કારણકે એ જ જગ્યાએથી આર્યો ભારતમાં આવ્યાં હતાં એવું સમગ્ર યુરોપનું માનવું છે જયારે આદિકાળની પ્રાચીન ભારતીય માન્યતા મુજબ હિંદુકુશ કે હિમાલયની જ પર્વતમાળા એ આર્યોનો મૂળ નિવાસ છે. આ જગ્યા કોઈપણ રીતે ગ્રીકો જવાં દેવાં ન્હોતાં માંગતા એટલે જ તેમને આ સંધિનો સહારો એવો લીધો કે હિંદુકુશ પર્વતમાળાની દક્ષિણ પૂર્વનો ભાગ ચંદ્રગુપ્ત મૌર્ય એટલે કે ભારતના હિસ્સામાં આવ્યો. જયારે પશ્ચિમ અને ઉત્તરનો ભાગ એ ગ્રીક એટલે કે સેલ્યુકસ પાસે રહ્યો. અલ્યાભાઈ એ ભારતનો જ ભાગ હતું એતો વેદોમાં લખાયું છે તેમાં આ ચંબુ જેવાં ગ્રીકોએ નવું શું કહ્યું પણ પોતે પણ તેનો કબજો જવાં દેવાં ન્હોતાં માંગતા એટલે એમની પણ વાત રહી. આ વાત ભવિષ્યમાં ઘણી જ નડવાની હતી. શક, પલ્લવ .યવન અને હુણોનાં આક્રમણ વખતે. પણ એ તો વખત વખતની વાત છે.

ગ્રીકોને ભારતની બે જ જગ્યાઓ વધારે ગમતી હતી એક હિંદુકુશ પર્વતમાળા અને બીજી સિંધુ નદી એટલે કે સિંધુ નદીની આસપાસનો સિંધુ સંસ્કૃતિવાળો પ્રદેશ ! એમનાં આક્રમણો અને એમનો ઈતિહાસ એ એની જ આજુબાજુ ઘૂમતો રહ્યો છે. એટલે જ તો છેક અત્યાર સુધી યુરોપીય ઈતિહાસકારો એમ જ માનતાં અને કહેતાં આવ્યાં છે કે — આ સંધિથી હિંદુકુશ એ ભારતની વૈજ્ઞાનિક -ભૌગોલિક સરહદ બની ગઈ. આવું ચડી ચડીને બોલનાર એ ડો. સ્મિથ છે. ગ્રીકોને જ કારણે આ હિંદુકુશ પર્વતમાળાને લીધે ભારતનું નામ “india”અને સિંધુ નદીનું નામ “Indus” પડયું. જેનું ગ્રીકો બહુ ગૌરવ લેતાં હતાં તે હિંદુકુશ પર્વતમાળાનો અમુક ભાગ તેમની પાસે પણ રહ્યો એટલે ગ્રીકો પણ બહુ જ ખુશ થયાં. પણ સિંધુ નદી તો એમનાં નામે તેઓ ન જ કરી શક્યાં ! એમ જોવાં જઈએ તો હિંદુકુશ પર્વતમાળા પણ એમની તો નહોતી જ થઈ આ તો ગ્રીકો ખાલી ખાલી એનાં નામે કુદાકડા મારે છે. મારી દ્રષ્ટિએ તો હિન્દુકુશનો કોઈ ભાગ ગ્રીકો પાસે હતો જ નહીં પણ ઈરાન ત્યાંથી નજીક હોવાથી તેઓએ આવું માની લીધું છે બસ ! બાકી એ બધો જ પ્રદેશ ચંદ્રગુપ્તે જીત્યો હતો કઈ એને સંધિના દાન પેટે નથી મળ્યો.

પહેલાં ઈરાન અને પછી સિકંદરની નજર ભારતનાં આ જ બે ભાગો પર હતી. એટલે જ સિકંદરે આક્રમણનો રસ્તો જ ખોટો લીધો હતો હિન્દુકુશથી પામીર થઈને ભારતમાં દાખલ થવાનો ! એ જ આ પ્રદેશની મહત્તા દર્શાવે છે. સિકંદર પણ ગયો અને સેલ્યુકસ પણ ગયો. પણ ચંદ્રગુપ્તે વિદેશ સાથે વ્યાપારી અને રાજદ્વારી સબંધ બાંધ્યો હતો એ વાત કોઈપણ ખોટી સાબિત કરી શકે એમ નથી. યવનોને મૌર્યના રાજદરબારમાં રાજદૂત તરીકે સ્વીકારવાની શરૂઆત જ ચન્દ્રગુપ્તથી થઇ. સંધિ મુજબ ગ્રીક રાજદૂત મેગેસ્થિનજ એ ચન્દ્ર્ગુપ્તના રાજદરબારમાં ઇસવીસન પૂર્વે ૩૦૩ થી ઇસવીસન પૂર્વે ૨૯૮ સુધી રહ્યો હતો. સેલ્યુક્સનું કથિત આક્રમણ પણ આ જ સમયમાં થયું હતું અને ચંદ્રગુપ્ત મૌર્યનું એ છેલ્લું યુદ્ધ હતું અને આ જ પાંચ વરસ એ ચંદ્રગુપ્તનાં રાજ્યશાસનના અંતિમ પાંચ વરસ હતાં.! મેગેસ્થિનજે ચંદ્રગુપ્તના શાસનનું અને એનાં ભારત દર્શનનું આબેહુબ વર્ણન એનાં પુસ્તક “ઇન્ડિકા”માં કર્યું છે.

સંધિમાં એક શરત એ પણ હતી કે સેલ્યુકસ રાજીખુશીથી પોતાની પુત્રી હેલનનું લગ્ન ચંદ્રગુપ્ત સાથે કરાવશે. કેટલાંક ઈતિહાસકારો આ વાત નોંધે છે તો ઘણાં બધાં ઈતિહાસકારો આ વાતને રદિયો પણ આપે છે.

આ બાબતમાં સ્ટ્રેબોએ સાચું જ કહ્યું છે કે —- “જો કે એવી સંધિને રાજા રાજા વચ્ચે કન્યાની લેતી -દેતી કરવાનો રિવાજ લગભગ સાર્વત્રિક હોવાં છતાં વર્ણ અને જ્ઞાતિના વર્ચસ્વવાળા દેશમાં ભારતીય યવન લોકો વચ્ચે લગ્ન સંબંધ લગભગ અકલ્પનીય જ ગણાય. એ સંધિને પરિણામે આંતરજાતીય લગ્નસંબંધ તો ન બંધાયો તથાપિ એનાથી વધારે મહત્વનો એવો એવો આંતરરાષ્ટ્રીય સંબંધ તો અવશ્ય બંધાયો. સીરિયન શાસકે મેગેસ્થિનિસ નામના એક જાણીતા ગ્રીક રાજપુરુષની મૌર્ય દરબારમાં પોતાનાં એલચી તરીકે નિમણૂક કરી એ રીતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતની રાષ્ટ્રીય અસ્મિતાનો પ્રથમ પ્રાદુર્ભાવ થયો.

આમ તો ઈતિહાસ આવાં વૈવાહિક સબંધોને બહુ ગણકારતો તો નથી જ. એટલે આ સંધિમાં આવી શરત મૂકી ગ્રીકો સાબિત શું કરવાં માંગે છે એ જ મને તો સમજાતું નથી. એક કથા મુજબ ચાણક્યની બુદ્ધિશક્તિને પ્રાધાન્ય આપવાં માટે આવી વાત ઉમેરાઈ હોય એવું બને પણ એ વાત ઉમેરનાર તો મૂળ ગ્રીકો જ છે. જેમાં કાળક્રમે એમાં ઉમેરણ થતું રહ્યું. પણ એક વાત તો ચોક્કસ છે નથી આમાં ચંદ્રગુપ્ત મૌર્યની ગરિમા ઓછી થઇ કે નથી ગ્રીકોનું મુલ્ય ઓછું અંકાયું. થોડીઘણી ગ્રીકોની પ્રતિષ્ઠાને લાંછન જરૂર લાગ્યું છે.

મારો હવે પછીનો લેખ ચંદ્રગુપ્ત મૌર્યની શાસનવ્યવસ્થા પર! આ ભાગ અહી સમાપ્ત !
(ક્રમશ:)

***** ખાસ નોધ – આ લેખના સમ્પૂર્ણ કોપીરાઈટ મારાં જ છે જો કોઈ મને પૂછ્યા વગર કોપી કરશે તો એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેની નોંધ લેવી.અને અમલ કરવો. લખાણનો ઉપયોગ કરતાં પહેલાં લેખકની પરવાનગી લેવી આવશ્યક છે *****

——— જનમેજય અધ્વર્યુ.

અન્ય લેખ વાંચવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

હવે તમે પણ આ વેબસાઇટ પર માહિતી શેર કરી શકો છો.

જો આપની પાસે લોક સાહિત્ય, લોક કથા કે ઇતિહાસને લગતી કોઈ પણ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્ય લોકો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને મોકલાવો અમારા ઇમેઇલ પર- shareinindia.in@gmail.com અમે તે માહિતીને લાખો લોકો સુધી પહોંચાળસું…

error: Content is protected !!