ભડલીવાળો ભાણ

એક પછી એક જાતિઓ અને પરદેશીઓથી સોરાતી સંતભુમી સૌરાષ્ટ્ર અને એક પછી એક રાજપૂત કૂળો અને કાઠી કુળોથી ખુંદાતી દેવભુમી પાંચાળ. આ બધા કુળો મા એકચક્રી શાસન કરે એવા નરેન્દ્રો નથી પાક્યા પણ ઘરને અંજવાળતા ઘરદિવડા જેવા નરવિરો અનેક પાક્યા છે.

ડુંગરે ને તળેટીએ જ્યા દેવસ્થાનો આંકડા ભીડીને બેઠા છે એવી દેવભુમી પાંચાળમા જસદણ પાસે ભડલી નામનુ ગામ. આજેય ભાણ ખાચરની ભડલી નામે પ્રખ્યાત છે. અંગ્રેજોનુ બેસતુ રાજ્ય અને મરાઠાઓની જેહાકી ટાણે આ ભડલીની ચોરાશીમા ભાણ ખાચરના બેસણા. શુરવિરાઈ આંટો લઈ ગયેલી. આ વિરતા માથે દિલેરીના છોગા અને કાઠી કરામતની કાબેલીયત.

આવા ભાણ ખાચરની ડેલીએ આજે હેકડાઠઠ ડાયરૉ જામ્યો છે. દરબાર ભાણ ખાચરના કાળઝાળ ને વિકરાળ એવા ચાવડા, હીપા , વાંગધરિયા , માંજરીયા , વડદડ ને ધાધલ એવા સાડા ત્રણસો શૂરવિરોથી ડેલી હુકળે છે.

કરોડ મેં લખ કઢીએ, લખ મેં હજાર;
હજાર મેં સો કઢીએ, સો મે કલો સાર.

આજે મારવાડથી કવિ રાયદાનજી આવ્યા છે. ભાણ ખાચર એમને તાજણિયો ઘોડો સમર્પવાના છે. આ વાત ભાણ ખાચરના પૂંજા બારોટના કાને પડી. ત્યારથી એ અસુખ અનુભવે છે . બહારના ગઢવિ બારોટોને ભાણખાચર ભરપેટ ધરવી દે છે ને ખબર પણ પુછતા નથી એવુ માઠું લાગ્યુ છે.

પૂંજા બારોટ જ્યા ડેલીએ આવ્યા ત્યા તો સપતાશ જેવો તાજણિયો ઘોડો ડેલીના ગડારામા કેરબો રમી રહ્યો છે. કામદારે ગઢવી રાયદાનજીને ભાણ ખાચર ઘોડો સમર્પે છે એવી જાહેરાત કરી ને ગઢવી રાયદાનજી ભાણ ખાચરની ભલપ ને બિરદાવી. ત્યા પૂંજા બારોટથી રહેવાયુ નહી અને ભર ડાયરે દુઃખ પ્રગટ કરતા દુહા મંડ્યા ફેંકવા :

નઝ બોલાને દેતો નથી, કે અવગણે કેકાણ,
ભણવુ પડશે ભાણ, આડું ઓઘડ રાઊત!

‘ હે બાપ ભાણ ખાચર! બોલે તેના બોર વેંચાય. આ તારો કેવો ન્યાય? હે ઓઘડ ખાચરના પોતરા ! હુ તારો બારોટ બીજા પાસે જઈન હાથ લાંબો કરતા લાજી મરૂ.’

દલની ક્યા જઈ દાખવુ , રાંવુ ખાચર રાણ,
ભડલી જેવુ ભાણ , ઓઢણ ઓઘડ રાઉત!

‘ અમારે તો તારો એક આધાર. હે ભડલીની ચોરાશીના ધણી ! અમારા દલની વેદના ક્યા જઇ અમારે દાખવવી? ‘

બીજાને માગું કમણ, રાજાને પરજા રાણ ,
ભડલી જેવુ ભાણ , ઓઢણ ઓઘડ રાઉત!

‘હે બાપ ભાણ ખાચર તારા જેવુ ભડલીનુ ઓઢણુ છોડીને હવે બીજાનુ ઓઢણુ અમારે માથે ન નખાય. બીજા પાસે હાથ લાંબો કેમ કરીને થાય . કા’ક સમજ બાપ.

ભાણ ખાચર પૂંજા બારોટના મરમના વેણ મરકતા મોઢે સાંભળી રહ્યા છે. ડાયરાને ખરે ટાણે ખેલ બગડતા બારોટનુ માઠુ લાગ્યુ ત્યા ભાણ ખાચર કહે ” પુંજા બારોટ! મેં’ (વરસાદ ) આદરાના જ ત્રુટ્યા સારા.”
ભાણ ખાચરે હાંકલ કરી ” એલા કોઈ જાઓ પંચોર્યા વછેરા ને લઈ આવો ”
વછેરાને લાટાપાટા શણગારીને ડેલીમા લાવવામા આવ્યો. ભાણ ખાચર કહે “લ્યો દેવ ! સુરજ દાદો તમને આ તાજણનો વેલો આપે છે ” ત્યા તો પાતળિ જીભુ વાળા કવિરાજની બિરદાવલી થી ડાયરો ગાંજી ઊઠ્યો.

bhadali vado bhan

ઉત્સવ જેવો આનંદ છવાઈ રહ્યો છે ત્યા ડેલીએ અજાણ્યો પરદેશી જેવો અસવાર આવીને ઊભો રહ્યો. અસવારનિ આંખો ડાયરાના આગેવાનને ગોતે છે. ભાણ ખાચર કહે ” કોઈનો ખેપીયો લાગે છે બોલાવો એને. ”

અસવાર ઘોડેથી ઊતરતો આગળ આવ્યો. હમચામાથી એક પરબીડીયુ કામદારના લંબાવેલા હાથમા આપ્યુ. કામદારે રૂક્કોફોડીને વાચવા માંડ્યો . પણ જેમ વાંચતા જાય એમ મોઢે શીત વલતા જાય.

ભાણ ખાચર કહે. “કામદાર કાઈ સ્નાન ના સમાચાર નથી ને ! આમ થરકો કાં ? જે હોય તે જોરથી વાંચો. ”
કામદાર કહે “બાપુ ! આ મરાઠાનો કાસદ છે.”
” તે શુ સંદેશો લઈને આવ્યો છે ?”
“મરાઠાનો સૂબો લખી જણાવે છે કે ચોથ તૈયાર રાખજો નહી તો ભડલી ભુંસી નાખશુ ”

રૂવાડુય ફરકવા દિધા સિવાય ભાણ ખાચર કહે “બીજુ શું લખે છે ?”
“લખે છે કે અમારી સાથે બકરી છે એની શિંગડીયુ મઢાય એટલુ સોનુ તૈયાર રાખજો ”
“વાહ બા ! ભલી વાત ” ભાણ ખાચરે ટાઢે કોઠે કહ્યુ . ડાયરો આખૈ દિગ્મુઢ થઈ ગયો . ભાણ ખાચરે કહ્યુ “સૂબાને લખી દયો કે ચોથ અને સોનુ તૈયાર જ હશે. ખુશીથી લઈ જાય ”

કાળજાળ કાઠી ડાયરા માથે વીજળી પડી કે ” ભાણ ખાચરમાંથી રામ ગયા કે શુ?” કામદારે કાગળ લખી દિધો. કાચદ રવાના થયો ત્યા સુધી બધા ચુપ રહ્યા. જેવો કાચદ ગયો કે ડાયરો માંડ્યો સળવળવા. ભાણ ખાચર કહે “બા ! સૂબા હારે દુઠદમંગળ ફોજ હોય . આપડુ તો વાટકી જેવડુ શીરામણ ભીંત નીચે દબાઈને મરવુ આપણને ન પાલવે. કાઈક કાઠીકળા વાપરવી જોઈએ. સૌ સૌની તૈયારીમા રેજો સુરજ દાદો મારગ સુજાડશે”

ડાયરામા ઓઝપાતા તેજ પાછા આવ્યા. કાઠીઓને ભાણખાચરની ભડવીરાઇ ને ભેજામા પુરો વિશ્વાસ હતો. ડાયરાનો રંગ ફરી જામ્યો. અપ્સરા વરવાની ઊતાવલ હોય એમ ડાયરો વીંખાણો.

????????

ભડલીના પાદરમા મરાઠા સુબા બાબારાવના સેનાપતીની પલટન ના તંબુ લાગી ગયા છે. તે દી આ ચોથ ઊઘરાવવામા મરાઠાઓને અંગ્રેજોની મદદ લેવી પડતી. હજી ઠકરાતુના સીમાડા નહોતા બંધાણા. એટલે ઝગડાની પતાવટ અંગ્રેજ અધિકારીઓ મારફત થતી. એટલે મરાઠાની પલટન સાથે અંગ્રેજોની પલટન પણ રહેતી. બે પલટનના નોખા નોખા તંબુ તણાઈ ગયા છે.

કુંજડા કળેળતા હોય એવી પરદેશીઓની બોલીથી ભડલીમા ભયના ભણકારા વાગી રહ્યા છે. દરબાર ભાણ ખાચરની ડેલીએ મરાઠાની ને અંગ્રેજની પલટનુ જોતા આજ સાડા ત્રણસો કાઠીનો ડાયરો આજ નાનકડો ભાસે છે. ધીંગાણે આ કરાળ મરાઠા અને અંગ્રેજ અધિકારી સાથેની દેશી પલટનને પોગાય એમ નથી. ચોથ આપી દઈ અને સુબા બાબારાવની બકરીના સીંગડા સોને મઢાવીને મૂછના પાણી ઊતારી નાખવાની કાઠી શૂરવિરોની તૈયારી નથી. આબરૂ ખોઈને આપ કિર્તી નથી રળવી. મુંજવણ માથી મારગ કાઢવા સાંજ પાડી દિધી . ભાણ ખાચરને કોઠે દિવા પ્રગટી ગયા. “હં મારો બાપો ! ફકર્ય કરતા નહી. સુરજદાદા આપણી ભેરે છે. સૂબાના સેનાપતીને કહેવડાવી દયો કે કાલ સાંજ સુધીમા ખંડણી ને સોનુ પોગાડી દેશુ. એટલી રાહત આપો ”

સૂબાના સેનાપતીને સંદેશો પહોચાડી દીધો. પલટન અને ઘોડા ભડલીની મીજબાની માણવા માંડ્યાં. સંધ્યા આરતી ઝાલર થઈને ડાયરો દર્શન કરવા ઊઠ્યો.

અંધારી રાતે મરાઠા સુબા બાબારાવની બકરી આંખમાથી કણુ કાઢે એમ ઊપડી ગઈ. પલટનના માણસો ખાણીપીણીમા અને દારૂની મહેફીલમા ગરકાવ રહ્યા. સવાર પડી ત્યારે ભાણ ખાચરના સાડા ત્રણસો કાઠી હથિયાર સજીને સાબદા થઈ રહ્યા.

સવાર પડતા બાબારાવની પ્યારી બકરી ઊપડી ગયા ના ખબર પલટનમા ફેલાઈ ગયા. બાબારાવનો સેનાપતી ધોમસખ થઈ ગયો. ભડલીને ભીંસી નાખવાનો હુકમ કર્યો. ત્યા વાવડ મળ્યા કે ગોરાની છાવણીમા સોને મઢેલ શિંખડીયુ સાથે બકરીનો મોડિયો કળાય છે. સેનાપતી એ તપાસ કરવાનો હુકમ કર્યો. બે ય છાવણી વચ્ચે હુંસાતુસી થઈ ગઈ . વાત સાચી ઠરી. સોને મઢેલ શીંગ સાથે ગોરાની છાવણીમાં બકરીનુ માથું પડેલ દેખાણુ.

બાબારાવના સેનાપતીને થયુ કે નક્કી ગોરો અધિકારી દગો રમી ગયો ને બાબારાવની બકરીને વધેરીને ખાઈ ગયો. એટલે ભડલી ઊપરનો રોષ ગોરાની છાવણી ઊપર ઉતાર્યો. બંને ચડભડ્યા. ચડભડાટ હાથ ન રહ્યો . અને બેય છાવણી વચ્ચે ધિંગાણુ જામી પડ્યુ. મરાઠા માણસો વધારે. હાથોહાથની લડાઈ જામી પડી. ગોરાની છાવણીને મરાઠી સેનાએ જેર કરી નાખી . બચ્યા એટલા ભાગી છૂટ્યા. ગોરાની છાવણીને પોતાની બચેલી ફોજ સાથે ભડલી પર ત્રાટકે એ પહેલા કાઠીઓના ઘોડા છુટ્યા. ઘમસાણ યુધ્ધ જામી પડ્યુ. મરાઠા એક તો થાકેલા અને અસાવધ. એમા કાઠી શુરવીરોએ દાતરડીની જેમ વાઢ દિધો. ભડલીના પાદરમા ભુચરમોરી ખેલાઇ ગઈ.

મરાઠાનુ સૈન્ય કાઠીઓની ઝીંક ન ઝીલી શક્યુ. ભાણ ખાચરે ભાગવાની વેળા ય ન રેવા દિધી. અમદાવાદ કે વડોદરા સમાચાર પોગાડવા એકેય મરાઠો બાકી ન બચ્યો. કાઠી ભડવિરોની કરામત કારગત નીવડી. કવિઓએ બિરદાવલી શરુ કરી

બાબા તારી બકરી, કોઈ ન ઝાલે કાન,
ખરીયુ સોંતી ખાઈ ગયો, ભડલી વાળો ભાણ.

આજ ભડલીમા વિજયોત્સવ ઊજવાઈ રહ્યો છે. ભાણ ખાચર પોતાના અમીરોને અને ધિંગાણામા કામ આવેલા વિરપુરૂષોના કુટુંબીજનોને પહોળા હાથે નવાજેશ કરી રહ્યા છે. ભાણ ખાચરની બહાદુરીથી પુંજા બારોટનો પોરહ માતો નથી . ત્યાતો ભાણ ખાચરે પુંજા બારોટે કહેલ ઠપકાના દુહાનુ વટક વાળતા લાખપસાવ જાહેર કર્ય્.
પુંજા બારોટને વીસ સાંતીનુ રતનવાવ ગામ, ઘોડા , ગાય, ભેંસ ,બળદ વગેરે લાખપસાવના મેળ મા માંડ્યુ આપવા. પુંજા બારોટે એની કિરતમાળ રચી

મઘ માસ તથ્ય ત્રીજ વળ્યે, પખ ઉજલ વંચાણી
માણે દિધી મોઝ અવળની કાઢત અસત
ગામ પવંગ ગજરાજ વચ્ચે ગામ રતનવંતી
ભણાવે લાખપસાવ કીધો ભલો
સવંત અઢારસો સત્યાસી.

ઈ ટાણે કરિયાણાના દેહા ખાચરના દિકરા અને ભાણ ખાચરના ભત્રિજા ઉનડ ખાચરે પુંજા બારોટને ઘોડો આપેલો. કહે છે કે આ ઘોડાના બદલામા જામસાહેબે લીંબડીયા ગામ આપવાનુ કહેલ ત્યારે ઊનડ ખાચરે કહેલ કે ” ઘોડા હશે તો લીંબડીયા જેવા ઘણા ગામ થશે ” એ ઘોડો એમણે પુંજા બારોટને શીખમા આપ્યો.

ઉનડિયા ઓહાણ, અધપતિયાને આવે નહી ,
કુંઝર પર કેકાણ, દીધો તે દેહળ રાઉત

?????????

સંપાદનઃ ભલ ઘોડા વલ વંકડા(જયમલ પરમાર)
લેખકઃ વીરાભાઇ ખાચર – કરિયાણા
☀કાઠી સંસ્કૃતિદીપ સંસ્થાન☀
⛳જય કાઠીયાવાડ⛳

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– વીર માંગડાવાળો – ભૂત રૂવે ભેંકાર…

– મેપા મોભની ઉદારતા ની વાત

– સોરઠ નો સિંહ વીર રામવાળો

– કચ્છની ધરતીનો કાળો નાગ- જેસલ જાડેજા

– ભૂચરમોરી મહાસંગ્રામ…છપ્‍પનની છાતીનું પરાક્રમ

– રાખડી નુ ઋણ – ભાણ પટગીર

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!