શ્રીફળ દેવી-દેવતાઓને કેમ વધેરવામાં આવે છે?

શ્રીફળ એ માંગલ્યનું પ્રતિક છે. બહારથી લાગતું તેનું કદરૂપું શરીર એ અંદરથી મૃદુતાથી ભરેલું છે. નાળિયેરના વૃક્ષ નીચે કોઇ ઉભો હોય અને તેના મસ્તક ઉપર શ્રીફળ પડ્યું હોય અને તેનાથી મૃત્યુ થયું હોય તેવો દાખલો આજપર્યંત મળતો નથી.

દેવ-દેવીઓને આ શ્રીફળ વધેરવામાં આવે તેની પાછળ બલિદાનનો ભાવ છે. ૠષિમુનીઓએ જે યજ્ઞમાં કે દેવદેવીઓને પશુનું બલિદાન આપવામાં આવતું તે પશુ હિંસા અટકાવી શ્રીફળ દ્વારા પ્રભુને રીઝવવાનું કાર્ય બતાવ્યું. નારિયેળને પણ માથુ, ચોટલી, નાક બે આંખ હોય છે.

આપણા ૠષિમુનિઓએ પશુ હત્યામાંથી શ્રીફળ દ્વારા એક અદ્‌ભુત પ્રયોગ કરી પશુહત્યાને ટાળી છે. શ્રીફળ લાખો પશુહત્યા બચાવી છે. શ્રીફળ એ બારમાસી ફળ છે એટલે ગમે ત્યારે તેની પ્રાપ્તિ શક્ય છે. શ્રીફળ એ બલિદાનનું શ્રેષ્ઠ પ્રતિક છે.

નાનું યા મોટું કોઇપણ પ્રકારનું બલિદાન પ્રભુને ગમે છે. શ્રીફળ તો માનવ જગતને સંદેશ છે કે

પ્રભુ તમને ગમે અને તમો પ્રભુને ગમો’ તેવું કરવા શ્રીફળના ગુણો અપનાવો. નમ્યો તે પ્રભુને ગમ્યો. દરિયા કિનારે વસ્તુ આ શ્રીફળ દરિયાનું ખારૂં પાણી પીને જગતને મીઠું પાણી આપે છે કેવું બલિદાન?

પુજાની વિધિમાં શ્રીફળ પવિત્ર મનાય છે. માનવ પ્રભુને આપી આપી શું આપવાનો છે. તે આ શ્રીફળ દ્વારા પ્રભુને રીઝવવાનો પ્રયત્ન કરે છે. શ્રીફળ એ અર્પણની ભાવના છે.

પ્રભુના ચરણમાં આ શ્રીફળ સમર્પિત કરી તે પોતાના હૃદયની ભાવનાના સૂર પ્રકટાવે છે. આમાં પણ બીજા અર્થમાં શરણાગતિનો ભાવ છે. શ્રીફળ પવિત્ર ફળ ગણાય છે.

આમ, શ્રીફળ પ્રભુને ધરવામાં આવે છે. શ્રીફળ શુકનવંતુ ગણાય છે એટલે અંતિમયાત્રામાં નનામી એ ચાર શ્રીફળ બાંધવામાં આવ્યાં હોય છે.

શ્રીફળનું શાસ્ત્રમાં ખુબ જ મહત્વ છે. શ્રીફળ પવિત્ર મનાય છે. શ્રીફળને આથી જ ધાર્મિક વિધિમાં પ્રથમ સ્થાન માગ્યું છે. શ્રીફળ (નારિયેલ) દરિયાકિનારે થતું એક ફળ છે.

લૌકિક જગતમાં આ ઝાડ ઉંચું છે. ભલે તે માનવોને શીતલ છાંયડો ન આપે પણ તેનું પાણી અનેક રોગોમાં કામમાં આવે છે. આયુર્વેદની દ્રષ્ટિએ પણ આ શ્રીફળનું પાણી ખુબ જ અગત્યનું છે. પાચનતંત્રની કેટલીક વાઢકાપ પઘ્ધતિ પછી શ્રીફળનું પાણી દર્દીને પીવાનું કહેવામાં આવે છે. આમ ધર્મ અને આરોગ્યમાં શ્રીફળ એ અગત્યનું કામ કર્યું છે.

શ્રીફળનો માનવોને ઉદ્દેશ છે કે હું ભલે સાગરના ખારા પાણી પીને મોટું થયું છે. પણ સમુદ્રના ખારાં પાણી પીને મેં જગતને મીઠું પાણી આપ્યું છે. હે માનવો! તમારા જીવનમાં ખારાશ (દ્વેષ ઇર્ષ્યા) ન આવવા દો, એક કવિએ કેવું સુંદર ગીત ગાયું છે કે ઝેર જગતનાં જીરવી જીરવી જગતને તમો અમૃત પાણી પાજો. શ્રીફળે આ કવિના મહિમાને સાર્થક કર્યો છે. આખા દરિયાની ખારાશ, મોજાઓની પછડાટો ખાઇ ખાઇને જગતને કેવું મીઠું પાણી ભેટ આપ્યું છે જે જગતને ગમે તે જગદીશને પણ ગમે એટલે જ શ્રીફળ નારિયેલ પ્રભુને ચરણે ધરાય છે જેના હૃદયમાં હળાહળ મીઠાશ ભરી છે તે પ્રભુના પ્યારા છે. શ્રીફળનું આથી જ જગતમાં ખુબ જ મહત્વ છે.

શ્રીફળ અંદરથી મુલાયમ છે તેનો વર્ણ કેવો સ્વચ્છ છે.  તેનો જીવનમંત્ર છે જીવનને ડાઘ પડે તેવું કંઇ કરશો નહિ. સ્વચ્છ જીવન જીવો ભલે દીર્ઘ જીવન જીવાય નહિ પણ દિવ્ય જીવન જીવો.

મારા હૃદયમાં પેટમાં જે મુલાયમ મલાઇ છે તેનો લોકો કેવો ઉપયોગ કરે છે?  તમો જીવનને મુલાયમ બનાવો! લોકો મુલાયમ અને સ્વચ્છ જીવનને પ્રણામ કરે છે. ભલે બાહ્ય દેખાવ ખરબચડો હોય ગમે નહીં તેવો ખરબચડો હોય જીવન દિવ્ય બનાવો! દેખાવ કરતાં ગુણ અગત્યનાં છે.

ગુણવાન વ્યક્તિ બધે જ પુજાય છે. ગુણવાન વ્યક્તિ, સંસ્કારી વ્યક્તિનો પ્રભુ આદર કરે છે. પ્રભુ તેને મોક્ષ આપે છે. દિવ્ય જીવનનો અનેરો મહિમા છે. શ્રીફળ એ અતિમૃદુ ફળ છે.

શ્રી એટલે લક્ષ્મી અને ફળ એટલે ફળ. જેનાથી લક્ષ્મીજી ફળ આપે છે. તે જ શ્રીફળ. શ્રીફળ લક્ષ્મીજીને પણ ગમે છે. શ્રીફળ એ માંગલ્યનું પ્રતિક છે. શુભ છે. શુકનવંતુ ગણાય છે. એટલે માણસના જીવનની અંતિમ યાત્રાની નનામીમાં શ્રીફળ બંધાય છે. જીવનના બધા જ કાર્યોમાં કામ આવતું શ્રીફળ બંધાય છે. જીવનના બધા જ કાર્યોમાં કામ આવતું શ્રીફળ માનવને મૃત્યુના વખતે કેવો સાથ આપે છે. નનામીમાં રૂપિયા કે ચાંદીની લગડીઓ બંધાતી નથી પણ ચાર શ્રીફળ બાંધવામાં આવે છે કેવું શ્રીફળ ભાગ્યશાળી ફળ છે.

શ્રીફળનું બલિદાન કેવું છે? અન્યને માટે તે પોતાનો ભોગ આપે છે. પોતે બીજાની બાધા માટે વપરાય છે. દેવીઓને તો રોજ લાખોની સંખ્યામાં શ્રીફળ વધેરાય છે. શ્રીફળનું બલિદાન કેવું શ્રેષ્ઠ છે. અન્યના સુખો માટે પોતાનું બલિદાન! બીજાના સુખ કે અરમાનો માટે વધેરાઇ જવુ પોતાના જીવનનું બલિદાન આપવું. આ ગુણધર્મની લીધે જ તે પ્રભુના ચરણમાં બેઠું છે. જેનું બલિદાન ઉંચા પ્રકારનું છે તેથી તે જગતમાં પૂજાય છે. જગતમાં જેણે જેણે બલિદાનો આપ્યા છે તેનાં બાવલાં કે પાળિયા રખાય છે. આ પાળિયા પુજાય છે. બાવલાંને લોકો પુણ્યતિથિએ હાર પહેરાવે છે પછી શ્રીફળ તો વધેરાઇ જઇ પોતાનો આત્મા અર્પણ કરે છે. ભગવાન તેને કેમ ન સ્વીકારે?

અગાઉ કાલીકા માતાના મંદિરોમાં નાના નાના બાળકો કે મુંગા પ્રાણીઓનો ખુબ જ વધ થતો હતો. આ બધાને શ્રીફળ વધેરવાની પ્રક્રિયાથી મુક્તિ મળી. આમ શ્રીફળે હત્યા બીજાની અટકાવી છે. પોતે જ હત્યા સ્વીકારી. શ્રીફળ ન હોત તો દેશમાં આજે લાખો મુંગા પશુઓની હત્યા થાત. કેટલાય બાળકોની હત્યા થાત.

નારિયેળ (શ્રીફળ)માં એક ચોટી રાખવામાં આવે છે. છાંડીયા ઉતારીયે પછી ત્રણ છીદ્રો આવે છે તે બે આંખો સ્વરૂપે ગણાય છે. એક છીદ્ર નીચેના ભાગમાં છે તે નાક સ્વરૂપે ગણાય છે. ૠષિમુનીઓએ આ નારિયેળને માનવ દેહ જેવું ગણાવી અથાગ પ્રયત્નો કર્યા. પશુઓનો ઉઘ્ધાર કર્યો.

શ્રીફળ સસ્તુ અને બારે મહિને મળે છે. તેથી તેની અગત્યતા છે. વરરાજા આથી જ શ્રીફળને શુકનવંતુ માને છે. હાથમાં રાખી જાય છે, હું પરણવા જવું છું. જગતની ખારાશ પીને જગતને અમૃત ફળ આપીશ. જીવનની ખારાશ પી જઇ ગૃહસ્થી જીવનને મંગલ બનાવીશ. આમ શ્રીફળ પરોક્ષ રીતે દિવ્ય સંદેશા આપ્યા છે.

જો તમે આવીજ અજાણી વાતો વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– કહેવતો અને ઉક્તિઓની રસપ્રદ વાતો

– પ્રાચીન ભારતીય સૌંદર્યપ્રસાધનોની રસપ્રદ વાતો

– સવાસો વરસ પહેલાંનું ગામડાનું લોકજીવન

– ભૂત-પલિતનું કમઠાણ છે શું?

– વૈદિકકાળની સર્પવિદ્યાની રસપ્રદ વાતો

– નાગરાજ વાસુકિ

Facebook Comments
error: Content is protected !!