★વીર રામવાળો★ ભાગ -2

આષાઢ શુદ અગીઆરસ હતી અને વાર શુક્રવાર હતો. ગાયકવાડ તાબાના ગોવીંદપરા ગામમાં દીવે વાટ્યો ચડી હતી. ગોધન ગામમાં પેસી ગયું હતું. છેલ્લી પાણીઆરી પણ બેડું ભરીને વહેતી થઈ હતી. પાણીશેરડે કોઈ રડ્યું ખડ્યું ઢોર અવેડા ઉપર ઉભું હતું. એ વખતે આઠ જણાની ફોજ ભેળો રામ ગોવીંદપરાને પાદર આવી ઉભા રહ્યો. ગામમાં પેસતા પહેલાં રામે કહ્યું. “એલા ભાઈ, ઉભા રહો હારબંધ. હું ગણતરી કરી લઉં.” એમ કહી રામ માણસો ગણવા લાગ્યો: એક, બે, ત્રણ …નવ ને દસ.” દસની સંખ્યા થાતાં રામ ચમક્યો : “એલા આપણે તો નવ છીએ ને ?”

“રામભાઈ, ફેર ગણો તો ?”

“એક, બે, ત્રણ ચાર……નવ ને દસ.”

“આમ કેમ ?”

“ઠીક ઠીક ! કાંઈ નહિ, કાંઈ નહિ. હાલો છાનામાના. દસમો સૂરજ. સુરજ આપણી ભેરે છે. ”

એમ સમજી સમજાવીને રામે શ્રીફળ કાઢ્યું. પાદરના હનુમાનની દેરીને ઓટે શ્રીફળ વધેર્યું. ધોળો ફુલ જેવો ગોટો નીકળ્યો. “હાંઉ ! બસ ! શુકન પાક્યાં. હાલો હવે.”

ગામમાં જઈ રામ એકલો સૂરજના પંજાવાળો લીલો નેજો ઝાલીને ગામની બજારમાં ટેલવા લાગ્યો અને આઠ જણાને કહ્યું કે “તમે લૂંટ કરો. પણ આટલી ગાંઠ વાળજો ! લૂંટ કરવામાં કોઈ બાઇ બેન દીકરીને અંગે અડશો મા. એના ડીલને માથે હજારૂંના દાગીના પડ્યા હોય તો ય જીવ બગાડશો મા. નીકર રામ ગોળીએ દેશે. બાકી વિના કારણ કોઈનો જીવ લેશો મા. મારકુટ કરવામાં મરજાદા ન છાંડજો. નીકર ગાયકવાડીને ડોલાવી શકશે નહિ અને સુરજ આપણી ભેળો હાલશે નહિ.”

એ બધાં નીમો પળાવવા માટે રામ ચોકી ભરતો ઉભો. ભેરૂ લૂંટે ચડ્યા. બે પટેલોને મારી ઘાયલ કર્યાં. રૂા. ચાર હજાર લઈ ચાલ્યા ગયાનું બોલાય છે. ગામમાંથી નીકળતી વખત સૂરજની જે બેાલાવી. તે દિવસ તા. ૩-૭-૧૯૧૪ હતી.

એજ રાતે ખોડપરૂં ભાંગ્યું. પછી તો ગામને પાદર પોતાના જણની સંખ્યા ગણી શુકન જોવાની રીત થઈ પડી. દસ ગણાય તો જ હનુમાનને શ્રીકળ વધેરી ગામમાં પેસે. નહિ તો સુરજની ના સમજી ચાલ્યા જાય. જતાં જતાં ગાયકવાડના મોટા મથક ધારી ગામમાં કે જ્યાં પેદળ પલટન રહે છે, ત્યાં એક ચિઠ્ઠી નાખતા ગયા. દિવસ ઉગ્યે ચિઠ્ઠી વંચાણી અંદર આવી મતલબનું લખ્યું હતું કે 

“અમૂક અમૂક ગામો મેં રામવાળે જ ભાંગ્યાં છે. બીજા નવાણીઆને નાહક કૂટશો નહિ. ગરાસીઆ ઉપર ‘એક આની’ વગેરે નવા નવા કર નાખ્યા છે તે કાઢી નાખજો, નહિ તો રાજબાદલો થવો તો કઠણ છે, પણ ધોળે દિવસે ધારીને ચુંથી નાખીશ. લી૦ રામવાળો”

ગાયકવાડી પોલીસ અને આજુબાજુની એજન્સી પોલીસ ટોળે વળીને રામને ઝાલવા ફરવા લાગી. પણ બહારવટીયો તો રોજે રોજ ગામડાં ભાંગતો ગયા. ધારી અને અમરેલી જેવાં પોલીસ તેમજ પલટનનાં માતબર મથકો પણ બહારવટીયાથી બ્હી ગયાં. ગામના ગઢના દરવાજા વ્હેલા વ્હેલા બંધ થવા લાગ્યા. તેના દુહા જોડાણા :

ધારી અમરેલી ધ્રુજે, ખાંભા થરથર થાય,
દરવાજા દેવાય, રોઢે દિ’એ રામડા !

[હે રામવાળા ! તારા ભયથી ધારી, અમરેલી અને ખાંભા જેવાં મોટાં ગામ થરથરે છે. સાંજ પડતાં પહેલાં તો ગામોના દરવાજા બીડાઈ જાય છે. !]

ખોડાવડ ગામમાં એક છગન મારાજ નામે વટલેલ બ્રાહ્મણ હતો. બ્હેકી ગયો હતા. ઘરમાં ત્રણ તો કોળણો બેસારી હતી. પૂરાં હથીઆર બાંધીને હરતો ફરતો. અને બોલતો કે “રામવાળો મારા શા હિસાબમાં ? આવે તો ફુંકી દઉ.”

એક રાતે છગન ખાટલો ઢાળી ફળીઆમાં પડ્યો છે. પડખે જ ભરેલી બંદૂક પડી છે. એમાં ઓચીંતો રામવાળો આવ્યો. એકલો આવીને ખાટલા ઉપર ઉભા રહ્યો. હાકલ કરી કે “ઉઠ એ વટલેલ ! માટી થા !” છગન ઉઠ્યો. બાઘોલા જેવો બની જોવા લાગ્યો. રામે ફરી ત્રાડ દીધી. “લે બંદૂક, હું રામવાળો !”

છગનની જીભ ખીલાઈ ગઈ હતી. એ તો ઠરી જ ગયો. ઝોંટ મારીને રામે એની બંદૂક આંચકી લીધી. બીજી બાજુ છગનની રખાત કોળણો ઉભી થઈ રહી હતી તેને રામે કહ્યું “પગમાંથી કડલાં કાઢી નાખો ઝટ.”

કડલાં કઢાવ્યાં. પછી રામે છગનને પૂછ્યું “બોલ, તુંથી શું બનવાનું છે ?”

“કાંઈ જ નહિ. હું ભૂલ્યો છું.”

“આ લે આ તારી બંદૂક ને આ તારી કોળણોનાં કડલાં. તું ઉતરી ગયેલ તો ય ઓતમ ખોળીએ અવતરેલ છે એમ સમજીને જવા દઉ છું.”

છગનના થરથરતા હાથમાં બંદૂક આપીને બહારવટીયો ચાલ્યો ગયો.

જળજીવડી ગામે આવ્યા. પોલિસપટેલને ખોરડે ગયા. ત્યાંનો પોલીસ પટેલ ભૂરો ભાગી નીકળ્યો હતો. ઓસરીમાં ઘરની બાઈઓ બેઠી હતી. ઘર લુંટવું હોત તો તૈયાર હતું. પણ રામ ન રોકાણો. માત્ર ઓચીંતી ઓસરીની ખીંતીએ એની નજર પડી. એણે કહ્યું “ભાઈ નાગ, પટેલની ઓલી બંદૂક ઉપાડી લે.”

ફક્ત બંદૂક લઈને ત્યાંથી નીકળી ગયો.

====
ચકોહરને ડુંગરે, આષાઢ મહિનાને ટાઢે બપોરે આવો સંતલસ થાય છે:

“સો વાતે ય મારે તમને ઇંગોરાળાનું ગામતરૂં કરાવવું રામભાઈ !”

“ઇંગોરાળે તો મારાથી કેમ જવાય આપા હમીરવાળા ? તમારા જ ભાંડુ આલાવાળાને ત્યાંના જૂઠા ઠક્કરે ચાકરીમાં રાખી ચોકી કરવા બેસાર્યો છે. આપણે ઉઠીને એની-કાઠીની ચોકી ચૂંથશું ?”

“રામભાઈ ! આલાવાળો ત્યાં નથી. અને હું તમને સેાને ધરવી દઉં. એવું ગામ છે ઇંગોરાળા.”

“સોનું રૂપું નથી જોતું નથી જોતું આપા હમીર. ” રામ ચળ્યો નહિ.

“ખેર ભાઈ, સોના રૂપા સાટુ નહિ, પણ જુલમના કરવા વાળા એ જુઠા ઠક્કર અને મૂળજી ઠક્કરને અકેકાર તું રામ ઉઠીને નહિ અટકાવ્ય તો બીજું કોણ અટકાવશે ? તપાસ્ય તપાસ્ય ભાઈ ! ઇંગોરાળાના એ ઠક્કરોના ચોપડામાં એક વાર આવેલો એકેય કાઠી કે કણબી આ જન્મ કેદિ બા’રે નીકળી શક્યા છે ?”

રામનો ચહેરો બદલ્યો. એ ચકોહરને ડુંગરે બેઠે બેઠે રામની આંખ આગળ વ્યાજખાઉ વેપારી તરવર્યો. હમીર વાળાએ લાગ જોઈ આગળ ચલાવ્યું.

“અને ભાઈ ! અમારી નાની ધારીના હવાલ તો નિહાળ્ય ! જૂઠો અમારો કાળ નીવડ્યો. નાની ધારીને ફોલી ખાધું. એનાં કૂડ, એના દગા, એની મેલી કળવકળ…. ”

“બસ આપા હમીર !” રામ વચ્ચે બોલ્યો: “હાલો. ઇંગોરાળું ભાંગવું છે, માયા સાટુ નહિ, વ્યાજખાઉનાં રગત પીવા સાટુ, હાલો ભાઈઓ.”

ચકોહરને ડુંગરેથી આખી ટોળી ઉતરવા લાગી. સાંજ પડતી આવે છે. ભેંસો ઉભાં ખડ ચરે છે. તે વખતે એક જોરાવર જુવાન આડો ફર્યો. રામે પૂછ્યું “કાં ભાઈ મેરૂ, શું ધાર્યું ?”

“આ ડાંગ ફગાવીને તમારે હાથે તલવાર બાંધી લેવાનું.”

“પછી બરડો મલક સાંભરશે નહિ કે ? રબારી છો એટલે ગાયુંની માયા લાગશે નહિ કે? આ તો બારવટું છે હો ભાઈ ?”

“પારખું કરી જુવો. નીકર બંધૂકે દેજો ને ?” મેરૂ રબારીએ જવાબ દીધો.

“ઠીક. હાલો ત્યારે ભેળા.”

જે મેરૂ રબારીએ આખરે બહારવટીયાની બાતમી દઈ દીધી હતી તે આ ચકોહરને ડુંગરે ભળ્યો. નવ હતા તેના દસ થયા. નાની ધારી ગામનો હમીરવાળો ટોળીને લઈ ઇંગોરાળા ઉપર ચાલ્યો.

સાંજની રૂંઝ્યો રડી ગઈ છે. આઘાં આઘાં ગામડાં વચ્ચેની ઉજ્જડ, નેરા ખાતરાંથી ભરેલી, ખાઉં ! ખાઉં ! કરતી એકાન્તમાં એક ભરજુવાન અને દેખાવડી કુંભારણ ગધેડું હાંકીને હાલી આવે છે. ઓચીંતું એને અસૂર થઈ ગયું છે. કાઠીના મુલકમાં જુવાન બાઈ માણસ કવેળાનું હાલી ન શકે એ પોતે જાણે છે. ગધેડાને ડચકારા કરતાં પણ વગડો વહરે અવાજે ચાંદૂડીયાં પાડી રહ્યો છે. એમાં એ કુંભારણે હાદાવાવ ગામને સીમાડે આઠ દસ લાંબા, કાળા પડછાયા દીઠા. થડકી. થોડીક વારે વાતોના સૂર સંભળાણા. બાઈ ગધેડાથી અળગી હાલી રહી હતી તેને બદલે હવે એને માથે હાથ મેલી હાલવા લાગી. ઘડી થઈ ત્યાં પગલાં બોલ્યાં: આથમતી સાંજનાં અંધારાં અજવાળાં વચ્ચે અગીઆર અંબાઈ રંગના બોકાનીદાર, બંદૂકીયા, દાઢીઆળા આદમી દીઠા. ગધેડી ભડકી. બાઈ પણ ગભરાઈને અંગ સંકોડી કેડાને બીજે કાંઠે ઉતરવા લાગી. તે વખતે રામવાળાએ ટૌકો કર્યો : “બ્હી મા, બ્હી મા, ભાગ્ય મા બોન ! ઈ તો હું રામભાઈ છું. ઉભી રે’ બાપા ! હું બેઠે તું ને કોઈની ભો નોય.”

કુંભારણ અટકી ગઈ. આઘેરૂ એનું ગધેડું ય કાન માંડીને ઉભું રહ્યું. રામે પૂછ્યું:

“કયાંની છો બેન ?”

“ગઢીઆની.”

“જાતે કેવા છો ?”

“કુંભાર.”

“ડોસા પટેલની નાતની ? ફકર નહિ. તમે બેન્યું તો મારે પૂજવા ઠેકાણું છો. આ લે બેટા, આ રામનું કાપડું.”

ખીસામાં હાથ નાખી મૂઠી ભરી. કુંભારણ બેનને બહારવટીયાએ કાપડું દીધું. કહ્યું “હાલી જા તું તારે. કોઈ તારૂં નામ ન લ્યે. કોઈ કનડે તો કહેજે કે રામભાઈની બેન છું.”

જુવાનડી અને ગધેડું ગઢીએ ચાલ્યાં ગયાં ને રામની ટોળી બરાબર રાતના ૧૦ ને ૧૧ વચ્ચેની વેળાએ દેદમલ નદીને કાંઠે ઉતરી. આષાઢ શુદ અગીઆરસની એ રાત હતી. વાદળાંની ઘટામાં ચાંદો દટાઈ ગયો હતો.

દેદમલ નદીને ઉભે કાંઠે ઇંગોરાળા ગામ પાઘડી પને પથરાઈ ગયું છે. નદીને કાંઠે જ ગામના ઝાંપા બહાર સરકારી ઉતારો છે. અંદર દીવો બળે છે. નિયમ મુજબ બહારવટીયામાંથી ચાર જણ ઉતારા ઉપર દોડ્યા. ઓરડાના બીડેલા કમાડ ઉપર પાટુ મારી સાદ પાડ્યો કે “ઉઘાડો.”

“કોણ છે એ બેવકૂફ ?” અંદર બેઠેલા એક અમલદારે કંટાળીને પૂછ્યું: “આ ગીસ્તવાળાઓને તો કાંઈ અક્કલ જ નથી. ત્રાસ કરે છે. પટેલ, કાલે તુમાર કરીને લખો પોલીસ ખાતા ઉપર.”

બોલનાર અમલદાર પોતાના બળાપા પોલીસખાતા ઉપર કાઢતો હતો. આજકાલમાં જ હંગામી ગીસ્ત આવવાની હતી એ ઓસાણ પર જઈ બિચારો મરાઠો તજવીજદાર (વસુલાતી ખાતાનો અધિકારી) આવું બોલતો હતો. પણ બારણે ઉભેલા બહારવટીયા એ ગાળો પોતાને દેવાતી માની ખીજાયા. જોરથી પાટુ મારી બારણાં તોડ્યાં. અંદર ગયા. અમલદારની પાસે બેઠેલા પટેલ પસાયતા પાછલી બારીએથી ઠેકીને દેદમલ નદીમાં ઉતરી ગયા. નિર્દોષ શંકરરાવ એકલો રહી ગયો. એને ઝાટકા દઈને બહારવટીયાએ પસાયતાની એક બંદૂક ઉપાડી, બહાર નીકળી ઝાંપે હનુમાનને શ્રીફળ વધેરી ગામમાં ગયાં. ત્યાં સામો એક આદમી મળ્યો. માથે ગોદડાંનો ભારો છે. બહારવટીયે પડકાર્યો :

“ઉભો રે એલા, કોણ છો ?”

“ઈ તો હું નાનજી કોટવાળ. આ જુવોને, ભાઈ તમારાં પાપમાં ઘેર ઘેર જઈ, બાયુંની ગાળ્યું ને છોકરાંના નિસાપા વ્હોરી તમારા સારૂ પાગરણ વેઠે ભેળું કરું છું. તમે તો ગામડાંનો દાટ વાળી નાખ્યો ભાઈ !”

કંટાળેલા કોટવાળે માન્યું કે એ પોલીસ પાર્ટી છે. બહારવટીઆ જાણે કે એ અમને ગાળો દે છે. એને થપાટ મારી ચુપ રાખી કહ્યું “હાલ અમારી ભેળો.”

સડેડાટ બહારવટીયા એક શેરીમાં એક મોટી ડેલી ઉપર જઈ ઉભા રહ્યા. એક લાંબો સાદ પાડ્યો “ ઉઘાડજો !”

ડેલીના ઉંડાણમાં આઘે આઘે મોટું ફળી હતું. બે ત્રણ નોખનોખી ઓસરીએ ખોરડાં હતાં, અને ઓસરીમાં બેસી જૂઠો ને મુળજી નામના બે ૫૦ વર્ષ ઉપરની અવસ્થાના ઠક્કર ભાઈઓ બેઠા હતા. દુકાન વધાવીને ઘેર આવ્યા પછી રોજની રીત પ્રમાણે જુઠો ને મૂળજી મસ્લત કરતા હતા કે ક્યા ક્યા કળને કેમ ફાંસલામાં લેવું: કોને ગળે વ્યાજની, દાવાની, જપ્તીની વગેરે જુદી જુદી છરીઓ ફેરવવી: કોનાં ખોરડાં નવાં ચણાય છે : અને એમાંથી આવું એ લોકોનું દિવસ રાતનું રટણ હતું. કયું ખોરડું કેટલે વરસે આપણા થાલમાં આવી શકે તેમ છે !”

ડોસાનાં કાવતરાં ઉપર ઉદાસ થતો ભલો દીકરો ચત્રભુજ પણ બેઠો હતો.

ફરી વાર અવાજ આવ્યો “ઉઘાડો !”

ચત્રભુજ ઉઠ્યો, ત્યાં તો જૂઠા ડોસા કહે કે “ના, તું નહિ. બારવટાંનો સમય છે. ડેલીએ કોણ હોય કોણ નહિ ! હું જાઉં છું.” જૂઠાએ ડેલી ઉઘાડી. પાણીના પૂર શી ટોળી અંદર ઘુસી. દોડીને ત્રણે મરદોને દાબી દીધા. તરવાર કાઢીને કહ્યું “બહુ લોહી પીધાં છે. લાવો હવે કાઢી આપો.”

“ભાઈ સાબ ! અમારી પાસે કાંઈ નથી.”

વાત સાચી હતી. બધું નગદ નાણું કુંડલા ભેળું કરી નાખેલું. પણ બહારવટીયા કેમ માને ? મંડ્યા તલવારના ચરકા કરવા : પેટ ઉપર, હાથ ઉપર મ્હોં પર, પીઠ ઉપર : તો ય લોહાણા ન માન્યા.

ઘરમાંથી જુઠાની બે જુવાન આણાત દીકરીઓ. જુઠા અને મુળજીની ઘરવાળીઓ તથા દીકરાની વહુવારૂઓ દોડી આવી. અને પુરુષોની આડે અંગ દઇ, પાલવડા પાથરી વિનવવા લાગી કે “એ ભાઈ ! એને કોઈને મારો મા. આ લ્યો આ અમારાં ઘરેણાં. એને મારો મા.”

ત્યાં તો ઉઘાડી ડેલીની બહાર ઉભેલા નેજાળા આદમીની હાકલ પડી કે “ જોજો ભાઈઓ ! સંભાળજો ! બાઈયું બેન્યુંને સંભાળજો. જો જો હો. એનો છેડો ય ન અડે. ખબરદાર, બાયુંનું કાંઈ લેતા નહિ.”

સાંભળીને બારવટીયા આડી પડેલી એ બાઈઓને કહે છે કે “ખસી જાવ બાપ ! તમારું અમારે ન ખપે. તમે અમારી બોનું દીકરીયું. છેટી રો. ખસી જાવ.”

એમ કહી વળી પુરુષોને મારવા લાગે. ત્યાં વળી પાછી ડેલીએથી બૂમ આવે કે “સાચવજો, કોઈને જાનથી મારશો મા. વધુ પડતા પીટશો મા. હવે ચોંપ રાખો ! ઘણું ટાણું થયું !”

જૂઠાને, મૂળજીને ન ચત્રભુજને તરવારના ત્રીસ ત્રીસ ચરકા થયા, આખાં શરીર ચિતરાઈ ગયાં, ચત્રભુજને તો પેટમાં એક ઉડો ઘા પણ પડી ગયો, છતાં એ ન માન્યા. અને બાઈઓ હાથમાં પોતાના અંગના દાગીના ધરી આપવા આવી તે બહારવટીયાએ ન રાખ્યાં. થોડું ઘણું જે કાંઈ ધરમાંથી મળ્યું તે લઈ બહાર નીકળ્યા, નીકળીને “રામભાઇની જે !” “સૂરજની જે !” બોલાવી. રામે પડકાર કર્યો કે “ જૂઠા મૂળજી, આટલેથી ચેતજો, ગરીબોનાં રગત ઓછાં પીજો !”

એટલું બોલી પાછા વળ્યા. પડખે જ જુઠા કૂનડીઆ નામના પટેલનું અભરે ભર્યું ઘર ઉભું હતું. ગામમાં બીજાં બે ઘર હતાં લવજી શેઠ તથા ભવાન પટેલનાં: જાણભેદુ ભોમીઓ હમીરવાળો તેમ જ રામ પોતે પણ આ વાત જાણતા હતા. છતાં એને ઇંગોરાળામાંથી ધન નહોતું ઉપાડવું. ફક્ત દાઝ ઉતારવી હતી એમ લાગે છે. ચોરે આવ્યા. ત્યાં રામ વાળો હાથમાં નેજો ધરી ઉભો રહ્યો. બાકીના દસ જણા કુંડાળું વળીને તલવાર-બંદૂકો ઉછાળતા, ચોકારો લેતા લેતા ઘડીક ઠેક્યા. પછી ‘જે’ બોલાવતા નીકળી ગયા. પડખે જ નિશાળ હતી. બામણ માસ્તર હતો. માસ્તરના ખાટલા હેઠે છૂપાઈને જુઠા મૂળજીના ઘરના છોકરા બેસી ગયા હતા. તેની અંદર જુઠા ઠક્કરનો એકનો એક દીકરા વનરાવન પણ બચી ગયો.

====
કોડીનાર પરગણાનું હડમડીયા ગામ છે: ત્યાંના વેપારી કૂરજી ખોજાને ઘેરે ગીરના ગરીબોનાં લોહી ખુબાખુબ ઠલવાય છે: જૂઠો ને મૂલજી એના હિસાબમાં નહિ એવું સાંભળીને રામે નેજો ઉપાડ્યો. હડમડીએ ઉતર્યો. રોળ્ય કોળ્ય દિવસ હતો. ધણ વેળા હતી. પાદર જઈને નેજો ખોડ્યો જણ ગણીને શુકન લીધાં. ખબર હતી કે પોલીસની ગીસ્ત પડી છે. એટલે સરકારી ઉતારામાં પેસી ગયા. લીંબડાને ચોયફરતો ઉંચો ઓટો હતો તેની ઓથે બેસી ગયા. ઓસરીમાં મોટો ફોજદાર જીવોભાઈ બેઠો બેઠો ગીસ્તને પગાર વ્હેંચે છે. નાયબ ફોજદાર એકલી સરકારી ટોપી ઓઢીને બેઠો છે. પોલીસોની બંદૂકો ખીંતીઓ પર ટીંગાય છે એમાં બરાબર ઓચીંતો ગોળીબાર થયો. હાકલ પડી. પોલીસો ભાગ્યા. બહારવટીયાએ આવીને જોયું તે પાટીદાર ફોજદાર જીવોભાઈ મરેલો પડ્યો છે. નાયબ ફોજદારની આવરદા લાંબી હશે એટલે એણે પોતાની ટોપી ઉતારીને ગોઠણ હેઠે દબાવી દીધી. બહારવટીયાએ પૂછ્યું “કોણ છો ?”

“બામણ છું. પગાર પત્રકમાં સહીઓ કરવા આવ્યો છું.”

હથીઆરોનો કબ્જો લઈ બહારવટીયા ગામ માથે ચાલ્યા. સામે હાજરીનો ઢોલ બજાવનાર ઢોલી મળ્યો, બહારવટીયો કહે “એલા સમાયેં ઢોલ વગાડ.”

ઢોલ બજે છે તેના તાલમાં “એલી ! એલી !” કરતા બહારવટીયા ચાલ્યા. કૂરજીનું ઘર પૂછતા ગયા. લોકોએ દેખાડ્યું તે ઘરમાં ગયા. ત્યાં તો ફળીમાં ગાય, તુળસી, વગેરે બ્રાહ્મણના ખોરડાના દેદાર લાગ્યા. પૂછયું “આ કોનું ઘર ?” જવાબ મળ્યો “કૂરજી ગોરનું.” ભોંઠો પડીને લૂંટારો પાછો વળ્યો. પછી કૂરજી ખોજાને ઘેર ગયા. ખૂબ ગીનીઓ લૂંટી.

ત્રણ ચાર જુવાનોએ બજારમાં કાપડની દુકાનો તોડી લોહીચૂસ વેપારી અને ગામડિયા ગરીબ ગરાકનું કટાક્ષભર્યું નાટક ભજવ્યું. પછી ધર્માદો કરીને નીકળી ગયા.

પોલીસ સૂબા બાજીરાવ ઘાડગેનો પડાવ દલખાણીએ હતો ત્યાં એને જાણ થઈ. હડમડીયા જેવું પાકા બંદોબસ્તવાળું ગામ તૂટ્યું સાંભળીને બાજીરાવે હાથ કરડ્યા.

એ છેલ્લામાં છેલ્લું ગરગામડું ભાંગીને ત્યાંથી રામવાળો પાછો વળ્યો. વળતાં બાબરીઆવાડ સોંસરવા સહુ જાઈભાઈને મળતો હળતો હાલ્યો આવે છે. તે વેળા કોઈ ભેરૂએ સંભારી દીધું કે “રામભાઇ, આંહી થડમાં જ સોખડા અને કાતરા ગામ રહી જાય છે. બેન લાખબાઈને માકબાઈ બાપડી ઝંખતી હશે. એને મળતા જાયેં તો ?”

“ના, ના,” રામે નિસાસો નાખીને કહ્યું: “હવે વળી બોનું કેવી ને કેવો ભાઈ ? બારવટીયો તો જીવતું મડું. એ ગાંઠ તો મેં કાપી જ નાખી છે ભાઈ, માટે હવે એ વાત ન સંભારો !”

બ્હેનોનાં બેય ગામડાંની દિશામાંથી નજર સંકેલી લઈને સન્મુખ આંખો ફાડતો રામવાળો વધુ ચોંપથી પગ ઉપાડવા લાગ્યો. એમ થાતાં ભાખસી અને વોવરા ગામની સીમમાં રોંઢડીયા વખત થઈ ગયો. પોતે કહ્યું કે “આ ધાતરવડી નદીના ઉંડાં નેરાં ઠીક છે. આંહી ઉતરીને નાસ્તા ખાઈ થોડી વાર વિસમીએ.”

એવી વંકી જગ્યા ગોતે છે ત્યાં રામની નજર ધાતરવડીના કોતરના ગીચ કંટાળા ને બાંટવાની અંદર ગઈ. એણે કહ્યું “ઓલ્યો અસ્વાર કોણ હશે, ત્યાં કોતરમાં ?”

એ કોણ છે તે નક્કી કરવા બધા નીચાણમાં સંતાઈને બેસી ગયા. નિરખીને જોયું ઘોડી ઉપર કોઈક એંશીક વરસનો બુઢ્ઢો આદમી છે: ખભામાં એક લાંબી નાળવાળી, રૂપાને ચોપડે જડેલી, ચારેક હાથની લંબાઈની બંદૂક છે કેડે લાંસવાળી તલવાર છે. ભેટમાં જમૈયો છે. બીજા હાથનાં ઉંડળમાં રૂપાના ચાપડા જડેલું ભાલું છે. દાઢીમૂછના કાતરા સફેદ દેખાય છે.

“ઓળખ્યો;” રામે કહ્યું, “આ તો દીપડીયાના આપો સાવઝ. આપણને ધારગણીમાં “કાતરીવાળા” કહેનારા, યાદ છે ગોલણ ?”

“યાદ છે. કહો તો આજ કાતરા–કાતરીનું પારખું કરાવીએ રામભાઈ !”

“સાચું; પણ આપાને ઓળખો છો કે ભાઈઓ ? એણે બારવટાં ખેડ્યાં છેઃ આદસીંગ ગામની વંકી ભોમમાં એકલે હાથે દીપડા હારે બથોબથ આવીને જેણે દીપો ગૂડ્યો’તો અને દીપડે આખું ડીલ ચૂંથ્યા છતાં જે નર હાલીને આદસીંગ પહોંચ્યો’તો એ મૂર્તિ આ છે ને વળી અટાણે શિકારે ચડ્યો છે. હાથમાં ભરી બંદુક છે. ”

એટલી વાત થાય છે ત્યાં એ બુઢ્ઢા શિકારીની બંદૂક વછૂટી. ધાતરવડીની ભેખડોમાં ધ મ મ મ–પડધે પડ્યો; ને કોતરે કોતરે મોરલા ગેહેક્યા.

“ડોસે તો ઘોડીએ બેસીને બંદૂક મારી. નક્કી નિશાન ખાલી ગયું હશે.” રામ બડબડ્યો.

ત્યાં તો શિકારી ઘોડીએથી ઉતર્યો. ઘેાડીને દોરી લીધી. થોડે છેટે ગયો. શિકાર પડેલો તે ઉપાડ્યો. પાવરામાં નાખ્યો. ઉપર થોડી આવળ કાપીને ભરાવી. ઘોડીને દોરી પાછો ચાલ્યો.

“હાં રામભાઈ ! રોકીએ આપાને. એની બંદૂક ને ભારો એક હથીઆર આંચકી લઈએ.” ગોલણ અધીરો થયો.

“ગોલણ, અથર્યો થા મા ! એમ એ આપો બે તસુની છરી યે નહિ છોડે. ને ઉલટો આપણા બે જણને રાત રાખી દેશે.”

“તો થોડી ગમ્મત કરી લઈએ.”

ગોલણ ને બીજો એક બીજો આદમી, બે જણ આગળ વધ્યા. આડા પડ્યા. શિકારીએ દીઠા. પૂછ્યું “કાં ભા, ક્યાં રો’ છો ? આમ આડ વગડે કેમ ! મારગ ભૂલ્યા લાગો છો.” એમ કહી આંખો ઉપર નેજવું કરીને બુઢ્ઢો નિહાળવા લાગ્યો.

“ના આપા, મારગ નથી ભૂલ્યા. તમારી પાસે જ આવ્યા છીએ.”

“મારૂં શું કામ પડ્યું ભા: તમે કોણ છો ?”

“અમે છીએ બારવટીયા. આપા ઈ બંદુક મેલી દ્યો. અમારે જોઈએ છે.”

“મારી બંદૂક જેાઇએ છે ? તે તમે માનતા હશો કે બંદૂક ખાલી છે, કાં ?”

એમ કહી આપાએ ગજ કાઢી બંદૂકની નાળ્યમાં નાખ્યો. ગજનો જેટલો ભાગ ઉપર રહ્યો તેનું તસુથી માપ બતાવી આપો બોલ્યો “જુઓ, આટલો દારૂ ધરબેલ છે, માટે જરાક છેટા રેજો. નહિ તો આ કાકી નહિ થાય.”

એટલામાં રામવાળો આવી પહોંચ્યો. વચ્ચે પડી ગોલણને અળગો કર્યો, પછી આપા તરફ ફર્યો: “ આપા રામ રામ ! એાળખાણ પડે છે ?”

“ના ભા !” આપાએ રામ સામે નેજવું કર્યું.

“આપા, ઓલ્યો કાતરીયું વાળો રામવાળો-વાવડી !” રામે દાઢી પર હાથ નાખ્યો.

ધારગણીવાળો પ્રસંગ વ્હેમચૂક થઈ ગએલ ડોસા ભોળે ભાવે બોલ્યા “કાતરી કેવા સારુ ભા ? ભાયડાને તો કાતરા હોય. બાઈડીયું બેાડકી હોય.”

“પણ મારા દેસા બાપુના કારજ સુધી તો મારે ‘કાતરીયું’ ગણાતી ને ?”

“ઓ હો હો હો !” આપાને ઓસાણ આવ્યું: “સાંભર્યું , હવે સાંભર્યું ભા રામ ! તુંને ય ખબર પડીને કે કાતરાનું ઉજવણું કેટલું આકરૂં છે ? તારે કેટલી ઉંડી ખેડ કરવી પડી ભા ! શાબાસ ભડ, હવે કાતરા સાચા. જમામ૨દ કાતરા !”

“બસ આપા ! લ્યો રામ રામ !”

“દીપડીએ આવશો ભા? રબારીકેથી દેવાત ખુમાણ વગેરે દાયરો મેમાન છે. મારે ગોરડકે આંટો હતો તે જઈ આવ્યો: હવે માર્ગેથી આ શિકાર લેતો જાઉ છું. આવો તો ભલા ગોઠ્ય કરીએ.”

“ના ના આપા, માફ કરો. હવે તો ગોઠ્ય જમવાનું ગમતું નથી. જીવ જંપતો નથી. દિ’ ને રાત દલ તલખી રહ્યું છે કે ક્યારે કો’ક ભારે ગીસ્ત હારે ભેટંભેટો થાય ને કો’ક વડીઆથી પેટ ભરીને ધીંગાણું ખેલી બટકાં થઈ જાઉં ! હવે તો જીવવું ઝેર સમાન લાગે છે આપા સાવઝ.”

“રંગ તુંને ભા !”

“રામ રામ.”

“રામ !”

આપાને અને બહારવટીઆને ધાંતરવડી નદીએ નોખનોખી

દિશામાં સંઘરી લીધા.

====

ખીજડીઆ ગામ પર પડ્યા. મોટામાં મોટા વ્યાજખાઉ વાણીઆ વેપારીના ઘર પર ગયા. પ્રથમ તો કહ્યું કે “લાવો શેઠ તમારા તમામ ચોપડા. એટલે ગરીબોની પીડા તો ટળે !” ચોપડાઓનો ઢગલો કરીને આગ લગાડી. પછી ઘરની અંદર પટારો તોડવા લાગ્યા. ઝાઝી વાર થઈ. તેથી રામવાળાએ બહાર ઉભાં ઉભાં ત્રાડ નાખી કે “એલા શું કરો છો ? આટલી બધી વાર ?”

“પટારો તૂટતો નથી.” અંદરથી જવાબ મળ્યો.

“બચારો પટારો તૂટતો નથી ?” એમ બોલીને રામ અંદર ગયો. “ખસી જાવ !” કહીને એણે જોરથી પોતાના પગની પાટુ મારી. પટારો તૂટી ગયો. પણ મારવા જતાં પોતાના પગની લાંકમાં પટારાની એક ચૂક બેસી ગઇ. રામને તો એનું ભાન નહોતું. એણે તો ઉલટું પોતાના કઠણ બની ગએલ જોડા વાણીઆની એક તેલભરી કોઠીમાં બોળીને પહેર્યા. ચૂક વાગેલી તે લાંકમાં તેલ ભરાણું. એ નાનકડી ચૂકે રામનું મોત આલેખ્યું. પણ કંઈ જ ઓસાણ વગર રામ ચોરે આવ્યો. બે જ ગાઉ ઉપર બગસરા ગામમાં એજન્સીનું પચાસ હથીઆરબંધ માણસોનું થાણું છે. બીજા દરબારી તાલુકા છે. છતાં કશી બ્હીક વગર ટોળી દાયરો કરીને બેઠી. આખા ગામમાં કહેવરાવ્યું કે “સહુ ભાઈયું કસુંબો લેવા આવો. રામભાઈ તરફનો કસુંબો છે.”

બીજું તો કોઈ નહિ, પણ એક વૃદ્ધ કાઠીઆણી આવ્યાં. આવીને આઇએ રામનાં મીઠડાં લીધાં. કહ્યું કે “ધન્ય છે બાપ ! કાઠીની સવાઈ કરી. કાળાવાળાને ઉજાળ્યો.”

ત્યાંથી ટોળી ગુજરીઆ ગામે કાળુ ખુમાણને આશરે ગઈ. ત્યાં રામનો પગ વકરી ચુક્યો હતો. તાવ ચડવા લાગ્યો હતો. ચલાય તેવું રહ્યું નહિ. છુપાઈને રામ ત્યાં રહ્યો. થોડી મુદ્દત થઈ ત્યાં બહારવટીયા ખરચીખૂટ થઈ ગયા. દસ જણના પેટના ખાડા પૂરવા શી રીતે ? પથારીએ પડ્યાં પડ્યાં રામે કહ્યું “ભાઈ ગોલણ ! તમે સૌ જઈ ગાયકવાડનું ભલગામ ભાંગો.”

ગામ ભાંગીને ટોળી પાછી આવી ત્યારે પુછપરછ કરતાં રામને જાણ થઈ કે ટોળી તો ભલગામ નહિ પણ ગોંડળ તાબાનું વાવડી ભાંગી આવી છે. પથારીવશ રામે બહુ અફસેાસ ગુજાર્યો. “અરે હાય હાય ભાઈ ગોલણ ! આપણે ખોટ્ય ખાધી. ગોંડળ હારે ક્યાં મારે વેર હતું ?”

ગોલણ કહે “અમને તો કાળુ ખુમાણે લલચાવ્યા.”

“પણ ગોલણ ! તેં શું મને નહોતો એાળખ્યો ? તેં ઉઠીને આવી ભૂલ કરી ? મારો માનખો બગાડ્યો ?”

ગોલણને દુ:ખ લાગ્યું. એના મનનો ઉંડો મેલ ઉખળ્યો : “રામભાઈ, કામ અમે કરીએ અને નામચા તારી ગવાય. અમને જશ જ ક્યાં જડે છે ?”

“મારી નામચા ગાવાનું હું ક્યાં કોઈને કહું છું ? લોકો આફરડા બોલે એમાં હું શું કરૂં? તમને જો એમ જ થાતું હોય ને ખુશીથી તમારા નામનું બારવટું ચલાવો. તમે જશ લ્યો. હું તો જશ લેવા નહિ પણ મોતને ભેટવા નીકળ્યો છું.”

ગોલણ સમજી ગયો હતો કે હવે રામભાઈને ભાંગતી વાર છે. એણે ગોદડને પોતાની ભેળો લીધો. નાગને પૂછતાં નાગે ખાનદાન જવાબ દીધો કે “ના, ના, હવે તો હું રામભાઈને મૂકું કદિ ?”

ગોલણ ને ગોદડ નોખા પડી હરદ્વાર તરફ ચાલ્યા ગયા. રામવાળો ભેરૂ રબારીને ખભે ચડીને ખીલખાના એક કાઠી દરબારને આશરે ગયો. ત્યાં રહ્યે રહ્યે એના પગની વેદના પૂરા જોરમાં સળગી ઉઠી. આરામની આશા ન રહી ત્યારે રામે કહ્યું કે “ભાઈ, મારો દેહ પડી જાય તેમ છે. મને હવે ગરનાર ભેળો કરો. ત્યાં ચોરાસી સદ્ધનું બેસણું છે, એટલે મારો મોક્ષ થાશે.”

“રામભાઈ !” એ દરબારે હિમ્મત કરી કહ્યું: “તું સુખેથી આંહી રહે, હું તને મલકછતરાયો સમશાને લઈ જઈશ.”

“ના ના દરબાર ! મારે ખાતર તમારો ગરાસ જાય.”

ડાહ્યો બહારવટીયો ન માન્યો એટલે રાતે એને રામેસર લઈ ગયા. ત્યાંથી એને ગાડામાં નાખી રાતોરાત ગિરનારના બોરીઆ ગાળા નામના ભયંકર સ્થળ ઉપર મુકી આવ્યા. બોરીઆ ગાળાના એક ભોંયરામાં બે ભેરૂ રામની સારવાર કરી રહ્યા છે : એક નાગવાળો ને બીજો મેરૂ રબારી. બાકીના તમામ ચાલ્યા ગયા છે.

====
ભોંયરાનું પોલાણ ધીરે અવાજે ગાજતું હતું. પત્થરો જાણે કે એ ખાનગી વાત સાંભળીને કોઈને કહી દેતા હતા. નાગ અને રામની વચ્ચે કાળી વાત ચાલતી હતી :

“રામભાઈ ! મારી નાખીએ.”

“કોને ?”

“મેરૂને.”

“કાં?”

“જાત્યનો ભરૂ છે. ક્યાંક ખૂટશે. આપણને કમોતે મરાવશે.”

“ના, ના, ના, ભાઈ નાગ !” પગની કાળી વેદનાના લવકારા ખમતો રામ આ અધર્મની વાત ન ખમી શક્યો: “મેરૂ તો મારા પ્રાણ સમો. મેરૂ વિના મને અપંગને કોણ સાચવે ? મેરૂ બચારો મારો સાંઢીઓ બની, મને એક નેખમેથી બીજે નેખમે ઉપાડે છે, દિ ને રાત દોડાદોડી કરે છે. અરરર ! નાગ ! મેરૂ જેવા અમુલખ સાથીની હત્યા?” નાગની સામે રામ દયામણી આંખે તાકી રહ્યો.  “હત્યા !” પત્થરે પત્થરે ઝીલાતો એ બોલ બહાર ગયો. લપાઈને બહાર ઉભેલા એક આદમીને કાને પડ્યો. એ આદમી હતો મેરૂ પોતે. મેરૂને શરીરે થરેરાટી ચાલી ગઈ. સ્વેદ વળી ગયાં. આંખો ફાટી ગઈ. ભોંયરા પાસે ક્યાંઈક પોતાનો પડછાયો પડી જાશે તો પણ નાગ હત્યા કરશે, એમ સમજી મેરૂ સરી ગયો. વાતને પી ગયો.

બીજા દિવસની તડકી ચડી. મેરૂએ વાત ઉચ્ચારી “નાગભાઈ ! હવે આંહી માલધારીઓનો અવરજવર વધતો જાય છે. આપણે નેખમ બદલીએ. ભેળા આવો તો ક્યાંઈક ગોતી આવીએ.”

બેય જણા ચાલ્યા. નવી જગ્યા ગોતીને પાછા વળ્યા. માહ મહિને બપોર તપ્યા. એક નેરાને કાંઠે બેય જણા બેઠા. વિસામો લેવા સુતા. બેયનાં નાખોરાં બોલવા લાગ્યાં. ઓચીંતાં મેરૂનાં નાખોરાં ચૂપ થયાં. ફાળીઉં ખસેડીને મેરૂ ઉઠ્યો. નાગના પડખામાંથી બંદુક ઉપાડી. બહારવટીયાની બંદુક એટલે તો દારૂગોળી ને કેપ ચડાવેલી તૈયાર : મેરૂએ નાગના કપાળમાં નોંધી. વછોડી. નાગના માથાની તાંસળી નીકળી પડી. ઉંઘતે ઉંઘતે જ નાગ ફેંસલ થયો. બંદુક ઉઠાવીને મેરૂએ જંગલ સોંસરવી હડી દીધી. સીધો આવ્યો જુનાગઢ શહેરમાં. પોલીસના ઉપરી પાસે જઈ બંદુક ધરી દીધી. શ્વાસ હેઠો મેલ્યા વગર બોલ્યો “હું મેરૂ બારવટીયો. નાગને મારીને આવું છું. એકલો રામવાળો જ રહ્યો છે. એક જ ભડાકાનો દારૂગોળો છે. પગ પાકવાથી અપંગ પડ્યો છે. હાલો દેખાડું.”

જુનાગઢની ગીસ્ત બોરીએ ગાળે ચડી. પછવાડેથી ભોંયરાના ઉપલા ભાગ પર ચડીને બંદુકદારો ઉભા રહ્યા. ઉપરથી હાકલા કરવા માંડ્યા કે “એ રામવાળા ! હવે બા’ર નીકળ.”

અંદર બેઠો બેઠો રામ રોટલાનો લોટ મસળી રહ્યો છે. પગ સુણીને થાંભલો થયો છે. પડખે એક જ ભડાકાના સાધનવાળી બંદુક પડી છે. બંદુક સામે એણે કરૂણ નજરે નિરખી લીધું. પોતાના અંતરમાં વાત પામી ગયો. એણે અવાજ દીધો “મેરૂ ! લીંડીચૂસ ! આખરે ખુટ્યો કે ?”

“બહાર નીકળ રામવાળા !” ફરીને ફોજનો પડકાર આવ્યો.

“ગીસ્તવાળાઓ !” રામે જવાબ દીધો: “આજ હું લાચાર થઈ પડ્યો છું. મારો પગ નથી. સાધન નથી. નહિ તો હું રામ આવું જશનું મોત જાતું ન કરું. રામ ભોંયરે ન ગરી રહે. પણ મેં જુનાગઢનું શું બગાડ્યું છે ? તમે શીદ મને મારવા ચડ્યા છો ?”

“અરે બહાર નીકળ મોટા શુરવીર !” ઉપર ઉભી ઉભી ગીસ્ત ગાજે છે.

“ભાઈ પડકારનારાઓ ! ત્યાં ઉપર ઉભા ઉભા કાં જોર દેખાડો ? આવો આવો, ઉતરીને સન્મુખ આવો. રામ એકલો છે, એક જ ભડાકો કરી શકે એમ છે, અપંગ છે, તો ય કહે છે કે સામા આવો. જરાક રામનું ધીંગાણું જોઈ લ્યો.”

સામસામી આવી બોલાચાલી થતી રહી. પણ રામવાળો નીકળતો નથી કે નથી ગીસ્ત પડમાં આવતી. આખરે ગીસ્તે કાંટાના મોટા મોટા ગાળીઆ આણ્યા. ઉપરથી ગાળીઆ નીચે ઉતારી ભોંયરાના મોઢા આડા દઈ દીધા. પછી આગ લગાડી. તાપ અને ધુંવાડે એ ચોમેરથી બીડાએલા ભેાંયરાને ભરી દીધું. બહારવટીયો નિરૂપાય બનીને જીવતો બફાવા લાગ્યો. છેવટે ન રહેવાયું. જીવ ટુંકાવા લાગ્યો. તલવાર ખેંચીને એક પગે ખોડંગતો રામ ‘હૂત !’ કરતો બહાર ઠેક્યો. ઠેકીને પડ્યો. થોડુંક કામ બાકી રહેલું તે ગીસ્તની પચાસ સામટી બંદુકે પૂરું કર્યું.

રામવાળો ક્યાં રોકાણો ?

રામવાળાનાં લગન આવ્યાં;
લગનીઆંનો ઠાઠ ગોઝારો, બોરીઓ ગાળો,
ક્યાં રોકાણો રામવાળો !
ખરે બપોરે જાનું ઉઘલિયું;
જાનૈયાનો ઠાઠ ગોઝારો, બોરીઓ ગાળો,
ક્યાં રોકાણો રામવાળો !

બીજો રાસડો આ છે:

ડુંગરડા દોયલા થીયા ! પગ તારો વેરી થીયો !
રામવાળા ગલઢેરા ! ડુંગરડા દોયલા થીયા.’

આ બન્ને રાસડાએાની પછીની ટુંકો મળતી નથી. તે સિવાય રામવાળાના અરધા અત્યુક્તિ ભરેલા ને અરધા પ્રાસંગિક દોહાઓ કોઈક રાણીંગ રાવળ નામના વહીવંચાએ આ મુજબ રચેલા છે:

ધાનાણીએ ધબીઆ બાપ ને બેટો બે,
તુંને નડતા તે તળમાં રાખ્યા રામડા!

[હે રામ ધાનાણી ! તને સંતાપનાર બાપ અને દીકરા બન્નેને,એટલે કે ડોસા પટેલને તથા એના પુત્રને તેની તલવારે ધબેડી નાખ્યા.]

ધારી અમરેલી ધ્રૂજે, થર થર ખાંભા થાય,
દ૨વાજા દેવાય રોંઢે દિ’એ રામડા !

[હે રામવાળા ! તારા ભયથી તો ધારી, અમરેલી અને ખાંભા જેવડા ગાયકવાડના શહેરો ધ્રુજે છે, અને એ શહેરોના કોટના દરવાજા સાંજ પડ્યા પહેલાં તો તારી બ્હીકે બંધ થઈ જાય છે.]

ચાચઇને ડુંગર ચડી હાકલ દેછ હિન્દવાણ !
(ત્યાં તેા) ખેપટ જાય, ખુરસાણ કાળપૂછાં બીયાં કાળાઉત !

[ હે હિન્દુ ! હે કાળા વાળાના સુત ! ચાચઇ નામના ગિરના ડુંગર પર ચડીને તું જ્યાં ત્રાડ પાડે છે. ત્યાં તો કાળી દાઢીઓ વાળા ખોરાસાનીએા (મુસલમાનેા) વંટોળીએ ઉડતી ધૂળની માફક ન્હાસી જાય છે.]

પત્રક જે ૫વાડા તણા વડોદરે વંચાય,
મરેઠીયું મોલુંમાંય રૂદન માંડે રામડા !

[તારી લડાઈના પત્રો વડોદરામાં પહોંચીને ત્યાં વંચાય છે, ત્યાં તો તેં મારી નાખેલા મરાઠા નોકરીઆતોની સ્ત્રીઓ રૂદન આદરે છે.]

કાબા, કોડીનારથી માણેક લઈ ગયા માલ,
(એવા) હડમડીઆના હાલ કરિયા રામા કાળાઉત !

[જેવી રીતે માણેક શાખના વાઘેર (કાબા) બહારવટીયા કોડીનાર ભાંગીને માલ લઈ ગએલા તેવી જ રીતે તેં હડમડીઆને બેહાલ કર્યું.]

વાટકી જેવડી વાવડી, રાવણ જેવો રામ,
ગાયકવાડનાં ગામ રફલે ધબે રામડો !

[વાવડી ગામ એક વાટકી જેવડું નાનું : પણ એનો નિવાસી રામ તો રાવણ જેવો મોટો : એ રફલ વતી ગાયકવાડનાં ગામો ભાંગે છે.

શકતિ સુતી’તી શોચમાં, આપેલ નો’તો આહાર,
તૃપત કરી ત૨વા૨, રોઢ પીવાડ્યું રામડા !

[તરવાર સ્વરૂપી શક્તિદેવી અફસોસમાં સુતેલી. એને કોઈ આહાર નહોતું આપતું. પણ હે રામ ! તેં એને રક્ત પીવરાવીને તૃપ્ત કરી.

ખત્રીયાવટ ખલક તણી જાતી હેમાળે જોય,
વાવડીએ વાળા ! કોય રાખી અમ૨ તેં રામડા !

[દુનિયાની ક્ષાત્રવટ હિમાલયમાં ગળવા જતી હતી. તેને હે વાળ રામ ! તે વાવડીમાં અમર કરીને રોકી રાખી.]

કોપ્યો તો અંજનીનો કુંવર, રોળાણું રાવણરાજ,
(એમ) અમરેલી ઉપ૨ આજ ધાનાણી રામો ધખ્યો.

[જેમ અંજનીના કુમાર હનુમાને કોપાયમાન થઈને રાવણનું રાજ રોળ્યું, તેમ હે રામ ધાનાણી ! તું આજ અમરેલી ૫૨ કોપ્યો.]

કણબી આવ્યો’તો કાઠમાં એ લેવા ઈનામ,
હડમડીએ હિન્દવાણ ! ૨ફલે ધબ્યો રામડા !

[ગુજરાતનો પાટીદાર કણબી ફોજદાર બનીને કાઠીઆવાડમાં ઈનામની આશાએ બહારવટીયા–અમલદાર તરીકે આવેલો, તેને હે હિન્દુ રામ ! તેં હડમડીયામાં ઠાર કર્યો.]

ગઢ જૂનો ગરનાર, ખેંગારનો સરાપેલ ખરો,
સંઘર્યો નહિ સરદા૨ (નકર) ૨મત દેખાડત રામડો.

[જુનાગઢના ગિરનાર પહાડ રા’ ખેંગારના સમયનો શાપિત બન્યો છે. એ રામવાળાને રક્ષી ન શક્યો. નહિ તો રામ રમત બતાવત.]

અંગ્રેજ ને જરમર આફળે બળીઆ જોદ્ધા બે
ત્રીજું ગરમાં તે રણ જગાવ્યું રામડા !

[ યુરોપમાં અંગ્રેજ અને જર્મન જેવા બે બલવાન યોદ્ધા લડતા હતા. અને ત્રીજું યુદ્ધ રામવાળાએ ગિરમાં જગાવ્યું. (આ દોહામાં ફક્ત એટલું જ ઉપયોગી સૂચન છે, કે રામવાળાનું બહારવટું મહાયુદ્ધને વખતે થયેલું.)]

લેખક – ઝવેરચંદ મેઘાણી
આ કથા સોરઠી બહારવટીયા માંથી લેવામાં આવેલ છે.

★ વીર રામવાળો ★ (ભાગ -1)

જો તમે આવીજ અન્ય સત્યઘટના, લોક વાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારા ફેસબુક પેઈજ SHARE IN INDIA ને લાઈક કરો અને અમારી વેબસાઈટ ને સબક્રાઈબ કરો.

આવીજ રસપ્રદ અન્ય માહિતી માટે નીચે ની પોસ્ટ જરૂર વાંચજો-

– શ્રી ભાથીજી મહારાજ

– વિર વરણેશ્વર પરમાર

– વીર વિરમદેવ અને સતી ફિરોજા

– વીર પુરુષ શ્રી મોખડાજી ગોહિલ

– રાજા પોરસ

– ચંદ્રગુપ્ત મૌર્ય

– ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય

– વીર યોધ્ધા હમીરજી ગોહિલ

પોસ્ટ ગમે તો લાઈક અને શેર કરજો

error: Content is protected !!