વીર પુરુષ શ્રી મોખડાજી ગોહિલ

ગોહિલવંશના મુળપુરુષ સેજકજીના પુત્ર રાણોજીએ રાણપુર વસાવી ત્યાં રાજધાની સ્થાપી હતી, પરંતુ ઈ.સ.1308-09માં મુસ્લિમો સાથેના સંગ્રામમાં રાણોજી કૈલાસવાસી થયા. ત્યાર પછી એમના પુત્ર મોખડાજી ગાદીએ બેઠા.

મોખડાજીએ વાળા રાજપૂતો પાસેથી ભીમડાદ, કોળીઓ પાસેથી ઉમરાળા જીતીને પ્રથમ ગાદી ઉમરાળામાં સ્થાપી. ત્યારપછી ખોખરા જીતી લઈ તલવારની ધારે ઘોઘામાંથી મુસ્લિમોને હાંકી કાઢ્યા. પછી બારૈયા જાતિના કોળી લોકો પાસેથી પીરમબેટ જીતી લઈ ત્યાં રાજગાદી સ્થાપી પોતાનું રહેઠાણ કર્યું.

પીરમબેટ

પીરમનો બેટ ખંભાતના અખાતમાં ઘોઘાથી ચાર માઈલના અંતરે છે. સૌરાષ્ટ્રના ગોહિલવાડ (ભાવનગર) જિલ્લાના દરિયાકિનારાથી ત્રણ માઈલ દૂર દરિયામાં અને ખંભાતની દક્ષિણે પીરમબેટ આવેલો છે. પીરમની પૂર્વમાં ભરુચ, સુરત વગેરે તથા પશ્ચિમે ઘોઘા અને ભાવનગર બંદરો આવેલા છે. ત્યાં વલભી નામની નદી સમુદ્રને મળે છે. નર્મદા નદી પણ આ બેટ સામે જ સમુદ્રને મળે છે. પીરમના કિલ્લાનાં ખંડિયરો હજી પણ જોવામાં આવે છે. ગુજરાત સૌરાષ્ટ્રના સમુદ્ર માર્ગના મધ્યમાં પીરમબેટ આવેલું છે. ખંભાતના અખાતમાં આવ-જા કરનાર વહાણોને માટે પીરમબેટ વિશ્રામનું સ્થાન હતું.

ઈ.સ. 1347માં વીર મોખડાજી પીરમબેટમાં રાજ્ય કરતા હતાં. આ સમયે ઘોઘા અને પીરમ બંને વચ્ચેનો તથા પીરમ અને ખંભાત વચ્ચેનો સંબંધ ગાઢ હતો. મોખડાજીએ પોતાની રાજધાની પીરમમાં રાખી હતી. આ સમયે સૌરાષ્ટ્રના અગ્નિ ખૂણાના કિનારા પર કોળી લોકોની મુખ્ય વસતી હતી. કોળીઓ વહાણવટાનો ધંધો ખારવા તરીકે કરતા તેના કરતાં ચાંચિયાગીરી વધારે કરતા હતા. આ સમયે ખંભાત ધીકતું બંદર હતુ. ઈરાક, ઈરાન, અરબસ્તાન વગેરે ઈસ્લામિક દેશોનો વેપાર આરબ વેપારીઓના હાથમાં હતો. તે વખતે માત્ર બે જ બંદર ખંભાત અને સુરત હતાં.

પીરમની આવી જગ્યામાં મોખડાજી ગોહિલ પોતાની મેળે આવીને વસ્યા. રાણઓજીના કુંવર બળવાન રાજાધિરાજ હતા. તેમણે પોતાની પ્રજાનો વસવાટ કરવા માટે નવું નગર બંધાવ્યું અને ડુંગર પર મજબૂત કિલ્લો બંધાવ્યો. દરિયાનાં મોજા તેની ચારે બાજુએ પાણીની છોળો મારવા લાગ્યા. ધરતીના ધણીએ કોળીઓનું રાજ્ય ખૂંચવી લઈને પીરમના નામથી પ્રસિદ્ધ કર્યું તે પહેલાં ઘોઘા તથા પીરમમાં બારૈયા ઘણા હતા. તે બંનેના રાજ્ય મોખડાજીએ લઈ લીધા. પૂર્વ જન્મના તપસ્વી પુરુષે ખારવા અને બારૈયાની ભૂમિ પોતાને સ્વાધીન કરી પીરમની ગાદી પ્રતાપવાન કરી. મોખડાજીની વીરતા, સાહસ અને શક્તિની વાતો પરદેશમાં પ્રચલિત થઈ ગઈ અને પીરમના રાજા તરીકે વિખ્યાત થયા.

ખંભાતના અખાતમાં કોળીઓ વહાણોને લૂંટતા અને હેરાન કરતાં, તેમને મોખડાજીએ મારીને ભગાડી મૂક્યા. આથી ખંભાત બંદરનો વેપાર વધ્યો. ખંભાત ગુજરાતના બંદરોમાં શ્રેષ્ઠ ગણાવા લાગ્યું. મોખડાજી દરિયાના મોખરાના સ્થાનમાં રહી પરદેશથી આવતાં જતાં વહાણોનું ધ્યાન રાખતા. ચાંચીયા વહાણો લૂંટે નહિ તેની તકેદારી રાખી રક્ષણ કરતા. તેના બદલામાં આવતાં જતા વહાણોના ખલાસીઓ પાસેથી કર (ખંડણી) ઉઘરાવતા. જ્યારે ચાંચીયા વહાણો લૂંટવા આવતા ત્યારે મોખડાજી પોતાના હાથમાં કાલી માતાની મૂર્તિ ધારણ કરીને પોતાના સૈન્ય સાથે ત્યાં પહોંચી જતા અને વહાણોનું રક્ષણ કરતા. દરિયાના મોખરાના સ્થાનમાં રહેતા હોવાથી જહાજોના માલિકો અને ખલાસીઓ તેમને મોખરાજી (મોખડાજી) કહીને સંબોધતા.

Mokhadaji Gohil

ઘણા દેશોનો આ સમૃદ્ધ માર્ગ હતો તેથી મોખડાજીએ પીરમમાં ઘણા વહાણો રાખ્યા હતા. વળી તેમને કાલીકા માતાનો હાથ હતો. મોખડાજીએ એવું પ્રબળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેથી કોઈપણ વહાણ કર ચૂકવ્યા વિના જઈ શકતુ નહીં અને કરનો ઈન્કાર કરવામાં આવે તો વહાણને પોતાના કબજામાં લઈ લેવામાં આવતું. મોખડાજીના આ કાર્યમાં સમુદ્ર સેના સહાય કરતી હતી. તેમનો સમુદ્રાધિપતિ ત્રાપજના સુરાવાળો હતો. રઘુવંશી ગોહિલવંશમાં મોખડાજી સર્વ પ્રથમ દરિયાઈ રાજા થયા હતા. મોખડાજી પીરમના રાજા હતા, તે સમયે દિલ્હીમાં મુસલમાન બાદશાહ મહંમદ તઘલખ હતો. એક વખત દિલ્હી શહેરનો વીરચંદ નામે એક ધનાઢય વેપારી મસાલાનાં વહાણો સાથે તેજમતુરી (સુવર્ણરેતી)નાં પણ વહાણો ભરીને ખંભાત લઈ જતો હતો. પવનના તોફાનને લીધે તેને પીરમબેટમાં થોભવું પડ્યું. વળી ચોમાસું બેસી ગયેલું હોવાથી ત્યાં જ વહાણો ખાલી કરવાં પડ્યાં. તે વેપારીએ શેનો માલ છે તે જણાવ્યું નહિ અને મોખડાજીની પરવાનગી મેળવીને પીરમની એક વખારમાં માલ ભર્યો. સ્વદેશ પાછા ફરતી વખતે તે વેપારીએ પોતાનો માલ મોખડાજીને સોંપ્યો. મોખડાજીએ સમુદ્રદેવના સમ ખાઈને કહ્યું કે, ‘ચોમાસું પૂરું થયે તમારો માલ પાછો લઈ જશો.’ વેપારી વખારોને તાળાં મારીને કૂંચીઓ લઈને ખંભાત આવ્યો.

કેટલોક સમય વીત્યા પછી એવું બન્યું કે ઉંદરોએ તે વખારોમાં દર પાડ્યાં. તે વખારની પાસે એક લુહારની કોઢ હતી. પાસેની વખારની રેતી દરમાંથી લુહારની કોઢમાં પડી. ત્યાં તાપને લીધે તે સુવર્ણરેતી પીગળી જતાં તેની લગડીઓ બની ગઈ. થોડા દિવસ આમ ચાલ્યું. લુહાર તો ન્યાલ થઈ ગયો. તેણે બારિકાઈથી તપાસ કરી કે, આ રેતી ક્યાંથી આવે છે ? તે સમજી ગયો કે પાસેની વખારમાં માલ ભરેલો છે તેમાંથી આ રેતી આવે છે અને તેમાં સોનાની રજ હોવી જોઈએ, તેથી તે રેતી ઓગળતા સુવર્ણી લગડીઓ બને છે. તેણે મોખડાજીને આ વાત કરી. મોખડાજીએ તે વાતની ખાતરી કરી.

ચોમાસું વીતી ગયું ત્યાં સુધી વેપારી તેનો માલ લેવા આવ્યો નહિ અને મુદત પરી થયા પછી પણ કેટલોક સમય વીતવા છતાં વેપારી માલ લેવા આવ્યો નહિ. ઘણા સમય પછી તે પીરમબેટ આવ્યો અને તેણે પોતાના માલની માગણી કરી. મોખડાજીએ તેને જકાત, ભાડુ વગેરે ચૂકવીને વહાણો અને માલ લઈ જવા દેવામાં આવશે તેમ કહ્યું. વળી કિંમતી માલ આ રીતે કેમ છુપાવ્યો ? તેમ કહી મોખડાજીએ વાંધો પાડ્યો એટલે વેપારી દિલ્હી પહોંચ્યો.

વીરચંદ શેઠે દિલ્હી જઈ મહમંદ તઘલખને મોખડાજી વિષે ફરિયાદ કરી. મોખડાજીએ મુસલમાનો પાસેથી ઘોઘા તથા ખોખરા જીતી લીધાં હતાં, તેની ફરિયાદ મુસલમાન બાદશાહ પાસે ગયેલી જ હતી અને વળી વહાણો કબ્જે કર્યાની બીજી ફરિયાદ સાંભળીને મહંમદ તઘલખ ગુસ્સે ભરાયો. તેણે નિશ્ચય કર્યો કે આવા હિંદુ રાજાને જડમૂળથી ઉખેડી નાખવા જોઈએ.

ઈ.સ. 1345માં ગુજરાતના સૂબા અમીરાને સાદાને સુલતાનની સત્તાનો અનાદર કર્યો. જેથી મહંમદ તઘલખે ‘શાહબાજી’ અને ‘શાહજહાન’ નામના બે લશ્કરના સેનાનાયકો પાસે લશ્કર તૈયાર કરાવ્યું. મહંમદ તઘલખ જાતે જ પીરમબેટ પર ચડાઈ કરવા દરિયા જેવી ફોજ લઈને આવી પહોંચ્યો. દિલ્હીથી આવતા તેણે કેટલાક રાજાઓ સાથે યુદ્ધ કર્યા હતા. વડોદરા અને ડભોઈમાં પોતાની છાવણી નાખી. અમીરાને સાદનને હરાવીને મારી નાંખ્યો, પરંતુ તેનો સાથી તાઘી નાસી છૂટયો. તે જૂનાગઢમાં રા’ખેંગારના શરણે આવ્યો. તાઘીને રાહે આશ્રય આપ્યો તેથી તઘલખે તેના સૈન્ય સાથે જૂનાગઢ તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં આવતું ઘોઘા સર કર્યા પછી મહંમદ પીરમબેટ પહોંચ્યો.

મોખડાજી સાથે મહંમદ તઘલખનું યુદ્ધ

મોખડાજીની રક્ષામાં દરિયાદેવ હતા એટલે તે પીરમમાં મોખડાજીને હરાવી શક્યો નહિ. પરંતુ મહંમદે પીરમના બેટમાં અનાજ વગેરે ખાદ્યચીજો જતી અટકાવી દીધી. છતાં પણ મોખડાજીએ ચાર ચાર મહિના સુધી મહંમદ સામે લડાઈ આપી. મહંમદને દરિયાપાર લશ્કર લઈ જવાનું શક્ય ન હોવાથી જમીન પર ઘેરો નાખ્યો. પીરમને સમુદ્રમાંથી સહાય મળતી હતી છતાં ઘેરો ચાલુ રહ્યો. મહંમદે મોખડાજીને ભાગી છૂટવાની સલાહ આપી, પરંતુ ક્ષત્રિય બચ્ચો કાયરતાને વરે પણ કેવી રીતે ? હવે પીરમના બેટમાં અનાજ, પાણી વગેરે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખૂટી ગઈ હતી. પ્રજા હેરાન પરેશાન થઈ ગઈ હતી. પ્રજાનું દુઃખ મોખડાજી જોઈ શક્યા નહિ. એક રાત્રે પોતાની સેના લઈને મોખડાજી પીરમથી ઘોઘાના કિલ્લામાં આવ્યા. મોખડાજીના હૃદયમાં મુસ્લિમોને મહાત કરવાની પ્રબળ ઈચ્છા પ્રગટ થતાં ઘોઘાના કિલ્લામાં રહી મોખડાજી વીરતાપૂર્વક લડાઈ આપવા લાગ્યા. મહંમદને તેઓ કોઈ રીતે મચક આપતા નહોતા. આથી મહંમદે ઘોઘાની આજુબાજુના ગામોની પ્રજાને હેરાન કરવાનું શરૂ કર્યું. પ્રજાનું દુઃખ જોવા મોખડાજી તૈયાર નહોતા, છેવટે અંતિમ યુદ્ધ ખેલી લેવા મોખડાજી તૈયાર થયા.

કેસરીયા વસ્ત્રો સજીને, ‘હર હર મહાદેવ’ના નારા સાથે પ્રાતઃકાળે ઘોઘાના કિલ્લાના દરવાજા ખોલી નાખીને પોતાના જૂજ સૈનિકો સાથે મોખડાજી મહંમદના લશ્કર પર તૂટી પડ્યા. અચાનક થયેલા હુમલાથી યવન સેના ગભરાઈને ભાગંભાગ કરવા લાગી. હજારોની સંખ્યામાં યવન સેના યમના દ્વારે પહોંચી ગઈ. ખુદ મોખડાજી પોતે જ બે હાથમાં બેધારી તલવાર લઈને ઘૂમવા લાગ્યા. મહંમદ યુધ્ધમાં આવ્યો ન હતો. મોખડાજીએ તેને શોધવા પ્રયત્ન કર્યો પરંતુ તે ન મળ્યો. સુલતાન ના મળ્યો ત્યારે ક્રોધાગ્નિ વશ થયેલા મોખડાજીએ સુલતાનના ભાણેજ અને સેનાપતિને ઠાર માર્યો. મોખડાજી સામે મુસ્લિમોને લડવાની હિંમત ચાલી નહિ. મોખડાજીને વિજયની વરમાળા વરવાને ઝાઝી વાર ન હતી. ત્યારે પોતાની સેનાનો કચ્ચરઘાણ વળતો જોઈને બાદશાહ સમાધાન કરવા તૈયાર થયો અને સફેદ વાવટો ફરકાવીને સમાધાન માગ્યું. ઘોઘાના કિલ્લાની બહાર ખજૂરિયા ચોતરા પાસે સમાધાન કરવા ભેગા થવાનો દેખાવ કરીને મુસ્લિમ સૈનિકોએ મોખડાજીને ચારે બાજુથી ઘેરી લીધા.

મોખડાજીએ બાદશાહના ભાણેજને હાથી પરથી પછાડી જમીનદોસ્ત કરી યમના દ્વારે પહોંચાડી દીધો હતો, તેનું વેર વાળવા હજારો મુસ્લિમ સૈનિકો વીર મોખડાજી પર તૂટી પડ્યા. આ સમયે વીર મોખડાજી પોતાના પૂર્વજ એવા બાપ્પા રાવલને યાદ કરીને બેધારી મેવાડી તલવાર બે હાથમાં લઈને રણ સંગ્રામમાં ઘૂમવા લાગ્યા. સવારના દિવસ ઉગ્યાથી તે બપોર સુધી મોખડાજી એકલા જ હાથે ખજૂરિયા ચોતરા પર રહીને સેંકડો મુસ્લિમોને મોતને ઘાટ ઉતારતા હતા. તેઓ જેમ જેમ લડતા જાય તેમ તેમ તેમનું બાહુબળ વધતું જતું હતું. કોઈ મુસ્લિમ સૈનિક મોખડાજી સામે લડવા હિંમત કરી શકતા નહોતા. તેવામાં મુસ્લિમોએ મોખડાજી પર પથ્થરમારો કર્યો. મોખડાજી પથ્થરના ઘા ચૂકાવીને તલવાર વીંઝે જતા હતા. પરંતુ એક મોટો પથથર મોખડાજીના માથામાં વાગ્યો. મોખડાજી ચક્કર ખાઈને નીચે પડ્યા. તેઓ ઉભા થાય એ પહેલાં જ મુસ્લિમોએ તેમનું માથું ઘડથી જુદું કરી નાખ્યું. તે ઘોઘાના કાલીકા દરવાજા આગળ પડ્યું. આશ્ચર્યની વાત એ બની કે માથા વગરનું ધડ બે હાથમાં તલવાર લઈને મુસ્લિમ સેના પાછળ પડ્યું. મુસ્લિમો અને બાદશાહ ગભરાયા. તેઓ રણમેદાનમાંથી જ્યાં ત્યાં ભાગવા લાગ્યા. પરંતુ મોખડાજીનું ધડ તેઓની પાછળ પડ્યું. મુસ્લિમોએ આવું ક્યારેય જોયું ન હતું. તેઓ આગળ ભાગતા જાય અને ધડ તેમની સેનાનો કચ્ચરઘાણ વાળતું તેમની પાછળ દોડતું આવતું હતું. ઘોઘાના પાદરથી કુડા, કોળિયાક, હાથબ, થળસર, લાખણકા થઈ ખદરપર સુધી એટલે કે લગભગ 21 કિ.મી. સુધી તેઓનો સંહાર કરતું કરતું પાછળ જતું હતું.

ત્રાહિમામ પોકારેલા મહંમદ તઘલખે આ ધડના ત્રાસથી બચવાના ઉપાય ‘મૃત થયેલું શબ જ્યાં સુધી પવિત્ર હશે, ત્યાં સુધી તમારો પીછો છોડશે નહિ, વળી રાત્રીના સમયે આવા શરીરવાળાનો વેગ બમણો થઈ જાય છે, પછી તે કોઈને ગાંઠશે નહિ. આ શબ પર ગળીનો દોરો નાખવામાં આવશે તો તે તરત જ અભડાઈ જશે અને લડતું બંધ થઈ જશે. રામસુર કાઠીના કહેવા પ્રમાણે બાણ પર ગળીનો દોરો ચડાવીને ધનુષ્યમાંથી બાણ છોડવામાં આવ્યું. ગળીનો દોરો મોખડાજીના ધડ પર પડતાની સાથે જ તેમનું ધડ તત્કાળ ત્યાં જમીન પર પડ્યું.’

સતી માતાની દેરીની વાત

એક વાત એવી પણ છે કે બાજુમાં ભેસુડી ગામ હતું. ત્યાંની ચારણ કન્યા ત્યાં રમતી હતી તેને મોખડાજી ગોહિલનું માથા વગરનું ધડ આવતું જોઈને ડરી ગઈ. પરંતુ વડીલોની વાત યાદ આવી, ‘આવું થાય તો ગળીનો દોરો (અપવિત્ર વસ્તુ) નાખવી.’ આમ કરતાં ત્યાં ધડ પડ્યું અને ચારણની કન્યાએ ઘરે જઈને તેના પિતાને વાત કરી. પિતાજીએ ચારણ કન્યાને કહ્યું કે એ તો મોખડાજી ગોહિલ હતા. ધર્મના રક્ષણ માટે વિધર્મીને મારવા આગળ વધતા હતા. તમે તેને શાંત કર્યા હવે તમે પણ શાંત થઈને પથ્થર બની જાવ. મોખડાજી દાદાની જગ્યાથી 2 કિ.મી. દૂર જુનુ ભેસુડી ગામ છે ત્યાં આજે પણ આ ચારણ કન્યાના 7 પાળીયા સતી માતાના નામે પૂજાય છે.

મોખડાજીનું ધડ પડ્યું તે જગ્યા ખદરપરની સીમમાં આવેલી છે. આ જગ્યામાં દેરી બાંધવામાં આવેલી છે. મોખડાજીનું શિર ઘોઘાના કિલ્લાની બહાર ખજુરિયા ચોતરા પાસે પડ્યું હતું. ત્યાં ચોતરા પાસે દેરી બાંધવામાં આવી છે. આ બંને સ્થાનો અદ્યપિ પૂજાય છે અને જે ઠેકાણે ધડ પડ્યું તે ઠેકાણે વટેમાર્ગુ અફીણની કાંકરી મૂકે છે. જ્યારે વહાણ પીરમની પાસે ઘોઘા બંદરના બારે આવે છે, ત્યારે ખલાસીઓ ભાતુ વગેરે મોખડાજીને પ્રસાદરૂપે સમુદ્રમાં પધરાવે છે.

દરિયાના મોખરાના સ્થાનમાં રહીને મોખડાજી વહાણવટીઓને ચાંચીયા થકી રક્ષણ આપતા હતા. વહાણવટીઓ મોખરાના દેવ મોખડાજીને મોખડાપીર તરીકે માનતા. દરિયાઈ મુસાફરી શરૂ કરતાં પહેલાં વહાણવટીઓ ‘જય મોખડાપીર’ કહી વંદન કરી દરિયામાં શ્રીફળ પધરાવે છે.

એ સમયની એક લોકવાયકાના આધારે મોખડાજી એક ચમત્કારી પુરુષ હતા. મોખડાજી ગૌ-બ્રાહ્મણ પ્રતિપાળ હોવાને નાતે ઘણી ગાયો રાખતા. ઘોઘાથી પીરમબેટ જવાના માર્ગમાં સમુદ્રનું પાણી આવતું હોવાથી ત્યાં જવું અશક્ય હતું. પરંતુ મોખડાજીનો ગોવાળ ઘોઘાથી પીરમબેટના જંગલમાં ગાયો ચરાવવા જતો ત્યારે તેમના અધિષ્ઠાતા દેવની કૃપાથી ગોવાળ આગળ ચાલતો અને ગાયો પાછળ પાછળ ચાલી આવતી. આ સમયે સમુદ્રનું પાણી બે ભાગમાં વહેંચાઈ જતું અને જવાનો પગરસ્તો થઈ જતો. ગોધૂલી (સાંજના) સમયે પીરમબેટના જંગલમાંથી ગાયો ચરાવીને ગોવાળ પાછો વળતો ત્યારે પણ સમુદ્રનું પાણી બે ભાગમાં વહેંચાઈ જઈ પગરસ્તો થઈ જતો, આમ નિત્ય ચાલતું. જે અનુશ્રુતિ ગોહિલવાડ પંથકના ગામડાઓમાં આજે પણ વડીલો પાસેથી સાંભળવા મળે છે.

મોખડાજીને મોખડાપીર તરીકે પ્રજા માનતી. હિંદુઓ તથા મુસ્લિમો બંને શ્રધ્ધાપૂર્વક તેમને પૂજે છે. દર્શન કરે છે અને ધન્યતા અનુભવે છે.

વીર મોખડાજી દિલ્હીના બાદશાહ મહંમદ તઘલખ સામે રણસંગ્રામમાં અદભૂત પરાક્રમ બતાવીને લડ્યા. ‘શિર પડે ને ધડ લડે’ એવા પ્રસંગો ક્યારેક જ બનતા હોય છે. તેવું પરાક્રમ મોખડાજીના અંતિમ રણસંગ્રામમાં જોવા મળ્યું. પરાક્રમી અને શૂરવીર એવા મોખડાજી રણસંગ્રામમાં યવનસેનાનો સંહાર કરતા વીરગતિ પામ્યા. વિરગતિ પામ્યા એટલું જ નહીં પણ અમર બની ગયા.

મોખડાજીના કૈલાસવાસ પછી મહંમદ તઘલખ ઘોઘાનગરમાં પ્રવેશ્યો. તેણે છૂટે હાથે કતલ ચલાવી અને પીરમનો કિલ્લો તોડી નંખાવ્યો. ઘોઘાને ખાલસા પ્રદેશમાં જોડી દીધું. ઘોઘાનું રાજ્ય ચલાવવા એક કાજીની નિમણૂક કરી જૂનાગઢ તરફ ચાલ્યો ગયો.

મોખડાજીના કુંવરોમાં પાટવીકુંવર ડુંગરજીએ પોતાના ભાયાતોનો સહકાર મેળવી મહંમદે મૂકેલા કાજીને ઘોઘામાંથી કાઢી મૂક્યો. તે પછી ઘોઘાની રાજગાદીએ બેઠા.

(છંદ:- સોરઠા)

બ્રહ્મા પોતે બેટ, નાવ પરે જો નિહરે
નિહરે મોટો દૈત, માંગે કરને મોખડો (૧)

દેખાડે નઇ દર્દ, મજા અતિષય મોતની
મોખડ સાચો મર્દ, પત વાળો પેરમ પતિ *(૨)*

ઘણી કરી તે ઘાત, અહરાણો સહ આથડી
જાગે ખત્રી જાત, માથા વણ પણ મોખડો *(૩)*

વણથાક્યા તે વીર, બિગ્રહ બહુત બડો કિયો
ખત્રી વટ્ટ ખમીર, પાળ્યુ તે પેરમ પતિ *(૪)*

(છંદ:- રેણકી)

લથપથ તન લાલ, કાલ કોલાહલ , થરથર મુગલા, થાય થલે
ખણ ખણ બજ ખડગ, અડગ ડગ ઘાતક, સમરાંગણ સીમ, ઢીમ ઢલે
ધબધબ ધબકાર, ખાર દુશ્મન દળ, પળ પળ મારી, પાપ પચે
બિગરહ પર બરંગ, અંગ અરપણ કર, ગણ ગોહિલ રમખાણ રચે *(૫)*

રજ રજ કર લાલ, ચાલ દલદલ પર, હરહર મન મુખ, જાપ જપે
ખટ પર કર ખોટ, દૌટ કર દુશ્મન,હણ દ્યે અથવા, ખુદ ખપે
ડરકર રણ છોડ, દોડ કર ભાગે, આઘે બાકર, જાય બચે
બિગરહ પર બરંગ, અંગ અરપણ કર, ગણ ગોહિલ રમખાણ રચે *(૬)*

થકથક કર તુર્ક, તર્ક તક ખોજત, પત હથ રત અબ, નાક નહીં
ધડબડ કર કબંધ, અંધ હો તોપણ, થાય બંધ નહ, સમર મહીં
જણ જણ પર ઘાવ, કરે ભક્ષણ ભડ, ખડ ખડ મોખડ, જોમ જચે
બિગરહ પર બરંગ, અંગ અરપણ કર, ગણ ગોહિલ રમખાણ રચે *(૭)*

દુશ્મન દળ ધણણ, ખણણ ખત્રી ગણ, અરસ પરસ હણ, વણથોભે
રાતા સબ રંગ, દંગ દુશ્મન દળ, કાલ કલાધર, નર શોભે
ક્ષણક્ષણ શણગાર, પાર શસતર હર, આંત બાર સબ, લચક લચે
બિગરહ પર બરંગ, અંગ અરપણ કર, ગણ ગોહિલ રમખાણ રચે *(૮)*

ચળ હણ ચકચૂર, હૂર બહતર ધર, અપસર નભ પર, રાહ રખે
આખર અભડાય, પાય ધર હેઠળ, દળ દુશ્મન સબ, શાંત સખે
અપસર સબ ધાર, પાર નભને કર, નરને લેવા, વાર વચે
બિગરહ પર બરંગ, અંગ અરપણ કર, ગણ ગોહિલ રમખાણ રચે *(૯)*

(છંદ:- કુંડળિયો)

અહરાણો સહ આથડી, કર્યો કચ્ચરઘાણ
મચવે આજે મોખડો, ઘોઘા પર ઘમસાણ
ઘોઘા પર ઘમસાણ, ભાણ પણ થળમાં ઝાંખે
પાડી દ્યે ઇક પલ્લ, દલ્લમાં જે પણ દાખે
ખત્રી કર ખણણાટ, ખડગથી ભેટે ખાણો
મોત કરે મોખડો, આજ હણ્યા અહરાણો *(૧૦)*

(છંદ:- છપ્પય)

મર્દ વડો મોખડો, દર્દ દુશ્મન પર હાવી
મર્દ વડો મોખડો, લહુંથી દળ નવરાવી
મર્દ વડો મોખડો, ભગાવે લેશ ન ભાગે
મર્દ વડો મોખડો, ફુંવારા ઉડ્યા ફાગે
મર્દ વડા ભડ મહિપતી, ખત્રી આખર તક ખડા
હદ બાર કિયો ખુબ હાસને, મહાબલી તે મોખડા

– કવિ ધાર્મિકભા ગઢવી રચિત

error: Content is protected !!